# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Tuesday, 29 August 2017

હોકીના જાદુગર મેજર ધ્‍વાનચંદનો જન્‍મ 29 ઓગસ્ટ

મેજર ધ્યાનચંદ



- હોકીનાં જાદુગર ધ્યાનચંદજીઓ આજે ૧૦૮મો જન્મ દિવસ
- ઓસ્ટ્રીયામાં ધ્યાનચંદજીની ચાર હાથવાળી પ્રતિમા મૂકાઇ છે


૬૭ વર્ષથી આઝાદીનાં શ્રવાસ લેતા લેતા આપણે ઝંડાને સલામી આપીએ છીએ. પરંતુ જર્મનીનાં બર્લિનમાં એવી ઘટના બની હતી કે જેનાથી ભારત તો ઠીક આખું વિશ્વ સ્તબ્ધ થઇ ગયું હતુ. ૧૯૩૬માં આપણો દેશ આઝાદ પણ ન હતો થયો. તે સમયે આપણા દેશ ઉપર બ્રિટીશ હકુમતનું રાજ હતુ. જ્યારે જર્મનીમાં હીટલરની તાનાશાહી. ૧૯૩૬માં જર્મની ખાતે યોજાયેલી ઓલીમ્પીકમાં ભારતની હોકી ટીમ ફાઇનલમાં પહોંચી હતી. આ સમયે ભારતીય ટીમનાં કપ્તાન ધ્યાનચંદજી હતા. તેમને ફાઇનલ મેચ પૂર્વે જ આખી ટીમને ડ્રેસીંગ રૂમમાં ભેગી કરી ત્રિરંગો લહેરાવીને વંદેમાતરમનું ગાન કર્યું હતુ.


જેમ ક્રીકેટમાં સર ડોન બ્રેડમેન અને ફૂટબોલમાં પેલેનું સ્‍થાન છે, તેમ હોકીમાં મેજર ધ્‍યાનચંદનો જોટો જડવો મુશ્કેલ છે. છેલ્‍લા ૭પ વર્ષ થવા છતાં ભારતમાં તો નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ધ્‍યાનચંદ જેવો કોઇ અન્‍ય ખેલાડી મળેલ નથી.

હોકીના જાદુગર મેજર ધ્‍વાનચંદનો જન્‍મ 29 ઓગસ્ટ 1905ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગ ખાતે એક લશ્કરના સુબેદારના ઘરે થયો હતો. પિતાના પગલે માત્ર 16 વર્ષની ઉંમરે ધ્‍યનચંદે પણ 1922માં લશ્કરમાં નોકરી સ્વીકારી. 

14 પંજાબ રેજીમેન્ટમાં સિપાહી તરીકે ફરજ બજાવતો આ યુવાન હોકીની રમતમાં મહારથ ધરાવતો હતો.બ્રાહ્મણ રેજીમેન્ટના સુબેદાર મેજર ભોલે તિવારી પણ આ યુવાનની પ્રતિભાથી આકર્ષાયા અને બસ અહીંથી શરૂ થઇ હોકીના જાદુગરની ગોલ યાત્રા.

1927માં ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં ધ્યાનચંદની પણ પસંદગી કરવામાં આવી હતી. ભારતે સમગ્ર પ્રવાસમાં 10 મેચમાં કુલ 72 ગોલ કર્યા તેમાંથી અડધોઅડધ એટલે કે 36 ગોલ એકલા દ્વારા કરવામાં આવ્‍યા હતા. ધ્યાનચંદે તેમને મળેલી દરેક તકનો ખૂબીપૂર્વક ઉપયોગ કર્યો. તેના લીધે તેમની 1928માં નેધરલેન્ડના એમ્સ્ટરડમ ખાતે રમાનાર સમર ઓલમ્પિક માટે ભારતીય હોકી ટીમમાં પસંદગી કરવામાં આવી. તેમની હોકી સ્ટીકના જાદુના સહારે ભારતે ફાઈનલમાં નેધરલેન્ડને 3-0થી પરાજય આપીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો. 

સેન્ટર ફોરવર્ડના ખેલાડી તરીકે જાણીતા એવા ધ્યાનચંદે નેધરલેન્ડના પરાજયમાં મુખ્ય ભૂમિકા નીભાવતા 2 ગોલ કર્યા. દિવસે દિવસે ધ્યાનચંદની લોકપ્રિયતા વધી રહી હતી અને તેની સાથે તેમના વિરોધીઓ પણ. 1928માં તેમના વિરોધીઓએ હોલેન્ડ ખાતે ધ્યાનચંદની હોકી સ્ટીક તોડીને ક્યાંક તેમની રમતનું રહસ્ય લોહ ચુંબક તો નથી ને એ વાતની ખાતરી કરવામાં આવી. પરંતુ તેમના વિરોધીઓને નીરાશા જ સાંપડી. 

1932માં તેમણે અમેરીકાના લોસ એન્જલિસ ખાતે રમાયેલી સમર ઓલમ્પિક ગેમ્સમાં 1928ની રમતનું પુનરાવર્તન કર્યુ. ભારતે ગૃહ ટીમને ધ્યાનચંદની રમતના સહારે 24 વિરૂદ્ધ 1 ગોલથી કારમો પરાજય આપ્યો. ભારતીય ટીમના કુલ ગોલમાંથી ત્રીજા ભાગના એટલે કે આઠ ગોલ તો એકલા ધ્યાનચંદે ફટકાર્યા હતા. 

ભારતીય હોકી ટીમ તરફથી રમતા તેમના ભાઈ રૂપસિંહમાં પણ ધ્યાનચંદની રમતની ઝલક જોવા મળતી હતી. 1932માં ભારતે કરેલા 338 ગોલમાંથી 133 ગોલ તો માત્ર ધ્યાનચંદના જ હતા. 1933માં બેઈટન કપની ફાઈનલ મેચ તેમની હોકી કારકિર્દીની સૌથી યાદગાર મેચ પૂરવાર થઈ. ઝાંસી હિરોઝ અને કલકત્તા કસ્ટમ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં ધ્યાનચંદે એકપણ ગોલ ન કર્યો. પરંતુ ઝાંસી હિરોઝનું પ્રતિનિધિત્વ કરતા ધ્યાનચંદે તેમની ટીમ તરફથી થયેલા એકમાત્ર ગોલ માટે બોલને પાસ કર્યો. વિજેતા ઝાંસી હિરોઝનું તેમના વતનમાં જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું.

1935માં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમે કુલ 43 મેચમાં 584 ગોલ કર્યા. તેમાંથી 201 ગોલ ધ્યાનચંદના નામે હતા. તે પ્રવાસમાં ઓસ્ટ્રેલીયાના એડિલેઈડ ખાતે મહાન ક્રિકેટર સર ડોન બ્રેડમેને પણ ધ્યાનચંદની રમત નીહાળી. મેચ પૂરી થયા પછી ધ્યાનચંદની રમતથી પ્રભાવિત થયેલા બ્રેડમેને કહ્યું કે ધ્યાનચંદ તો ક્રિકેટમાં રન બનતા હોય તે રીતે સરળતાથી ગોલ કરે છે. 

1936માં ફરી એકવાર ઓલમ્પિક ગોલ્ડ મેડલના લક્ષ્ય સાથે ધ્યાનચંદ જર્મનીના બર્લિન ખાતે પહોંચ્યા. ઉલ્લેખનિય છે કે આ ઓલમ્પિક ગેમ્સ શરૂ થયા પહેલા ધ્યાનચંદની રેજીમેન્ટે તેઓ વઝીરીસ્તાન ખાતે એક લડાઈમાં લડી રહ્યા હોઈ તેમને બર્લિન ઓલમ્પિકમાં રમવાની મંજૂરી આપી નહોતી. પાછળથી તેમને બર્લિન જવાની મંજૂરી આપવામાં આવી. 

ધ્યાનચંદે આ ઓલમ્પિકમાં ભારતનું નેતૃત્વ સંભાળ્યું. ધ્યાનચંદની ટીમનો એક મૈત્રી મેચમાં ગૃહ ટીમ જર્મની સામે પરાજય થયો. પરંતુ ઓલમ્પિક શરૂ થતા જ ધ્યાનચંદની રમતના લીધે ભારતીય ટીમમાં એક નવા ઉત્સાહનો સંચાર થયો. ભારતીય ટીમે ફાઈનલમાં ફરી એકવાર જર્મનીનો સામનો કરવાનો હતો. 

મેચ શરૂ થયા પહેલા એક નોંધપાત્ર ઘટનાક્રમમાં ભારતીય ડ્રેસીંગ રૂમમાં તીરંગો ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્રગીત તરીકે વંદે માતરમનું ગાન કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે ભારત તે વખતે અંગ્રેજોના આધિપત્ય હેઠળ હોઈ આ ઘટના દેશવાસીઓ માટે આનંદ અને ગર્વદાયક હતી. 

મેદાન પર ખેલાડીઓએ પણ તેમના દેશપ્રેમનો પરચો આપતા જર્મન ટીમને ઉપરાછાપરી ગોલથી રગદોળી નાંખી. પહેલા હાફમાં 1-0થી આગળ રહેનાર ભારતીય ટીમે બીજા હાફમાં 7 ગોલ કર્યા. જર્મન ટીમ 6-0થી પાછળ હતી તે વખતે ટીમને શરીર દ્રારા ભારતીય ટીમની રમતનો જવાબ આપવાનું નક્કી કર્યુ હતું એવું કહેવાય છે. 

જર્મની ટીમના ખેલભાવના વિહોણા વલણને લીધે મેજર ધ્યાનચંદનો એક દાંત તૂટી ગયો. જો કે તેમણે તેમની રમતથી જવાબ આપવાનું ચાલુ રાખ્યું. ધ્યાનચંદના 6 ગોલની મદદથી ભારતે 8-1ના મોટા અંતરે વિજય મેળવ્યો. 

ફાઈનલ મેચ નીહાળવા જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલર પણ હાજર હતો. તે પણ ધ્યાનચંદની રમતથી ખાસ્સા પ્રભાવિત થયા. મેચ પૂરી થયા પછી હિટલરે જર્મન લશ્કરમાં ફિલ્ડ માર્શલ તરીકે જોડાવવાનો ધ્યાનચંદ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. જો કે ધ્યાનચંદે દેશપ્રેમ દર્શાવતા નમ્રતાપૂર્વક તે પ્રસ્તાવને ફગાવી દિધો. 

ધ્યાનચંદે ઓલમ્પિકમાં ભારતના 38માંથી 11 ગોલ કર્યા. જ્યારે પ્રીઓલમ્પિક મેચોમાં ધ્યાનચંદે ભારતના 175માંથી 59 ગોલ કર્યા. બીજા વિશ્વયુદ્ધ પછી 42ની ઉંમરે પણ ધ્યાનચંદે રમવાનું ચાલુ રાખ્યું. તેમણે ઈસ્ટ આફ્રિકામાં કુલ 22 મેચમાં 61 ગોલ કર્યા. 

1948માં તેમણે હોકીમાંથી નિવત્તિ સ્વીકારી. નિવૃત્ત થયા પછી ધ્યાનચંદે પટીયાલા ખાતેના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટમાંથી કોચીંગમાં ડિપ્લોમા કર્યો. જો કે હોકીની રમતને સમર્પિત આ ખેલાડી કોચીંગમાં નિષ્ફળ નીવડ્યા. ઓસ્ટ્રીયાના વિયેના ખાતે ધ્યાનચંદના હોકી સ્ટીક પરના કાબૂની ખૂબીને ધ્યાનમાં લઈને તેમની એક મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે. તેમાં તેમના ચાર હાથ દર્શાવવામાં આવ્યા છે અને દરેક હાથમાં એક એક હોકી સ્ટીક. 

1956માં ધ્યાનચંદ લશ્કરમાંથી નિવૃત્ત થયા. તે વખતે તેઓ મેજર હતા. ભારત સરકારે તેમનું દેશના ત્રીજા ક્રમના શ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મભૂષણથી નવાજ્યા છે. જો કે આ મહાન ખેલાડીનું 1979ની ત્રીજી ડિસેમ્બરે દારૂણ અવસ્થામાં મૃત્યુ થયું. દેશ માટે ઓલમ્પિક ગોલ્ડ મેડલ હાંસલ કરનાર આ ખેલાડી પાસે તેની બિમારીના સમયે સારવારના પણ પૈસા નહોતા. તેમના મૃત્યુના એક વર્ષ પછી ભારતીય ટપાલ વિભાગે તેમની સ્મૃતિમાં એક ટપાલ ટીકીટ બહાર પાડી. તેમજ નવી દિલ્હી ખાતે ધ્યાનચંદ નેશનલ સ્ટેડીયમ બનાવવામાં આવ્યું.