વાત ઉત્તર કોરીયાની
આજકાલ ઉત્તર કોરીયા દેશનું નામ ખૂબ સાંભળવા મળે છે. તમે પણ છાપાં કે ટીવીમાં તેના વિષે વાંચ્યું કે સાંભળ્યું હશે. આ નાનકડા દેશે ઘણાં પરમાણુંશસ્ત્રો (Nuclear weapons) એકઠાં કર્યાં છે, અને પોતાની તાકાત દુનિયાને દેખાડી રહ્યું છે. અમેરીકા અને બીજા દેશો એની સામે સાવધાનીપૂર્વક વર્તી રહ્યા છે. ઘણાને તો એવું પણ લાગી રહ્યું છે કે આમાંથી કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ પણ થઇ જાય. એક જ્યોતિષીએ તો વળી ત્રીજું વિશ્વયુદ્ધ શરુ થવાની તારીખ પણ ભાખી છે, ૧૩મી મે, ૨૦૧૭ !!
આ બધું સાંભળીને, ઉત્તર કોરીયા દેશ અને ત્યાંનો રાજા કેવો છે, એ જાણવાની જીજ્ઞાસા જરૂર થાય. અહીં તમને આ દેશ વિષે થોડી વાતો કહું. અહીં અત્યારે કીમ જોંગ યુએન નામે સરમુખત્યાર રાજા રાજ કરે છે. તે ૨૦૧૧થી સત્તા પર છે.
ઉત્તર કોરીયા બહુ નાનો દેશ છે. ઉત્તર કોરીયાની વસ્તી માત્ર અઢી કરોડ છે, જે આપણા ગુજરાતની વસ્તીના અડધા કરતાં ય ઓછી છે. આટલી ઓછી વસ્તીવાળા દેશના લશ્કરના જવાનોની સંખ્યા ૧૨ લાખની છે. દુનિયામાં ચીન, અમેરીકા અને ભારત પછી તેનો ચોથો નંબર આવે. કેટલું મોટું લશ્કર ! ઉત્તર કોરીયાએ ફક્ત લશ્કર વધારવામાં જ ધ્યાન આપ્યું છે.
રાજા કીમ જોંગ યુએન હાલ ૩૩ વર્ષના છે. તેઓ લશ્કરના સૌથી વડા માર્શલ છે. તેમના આ દેશના કાયદાઓ બહુ કડક અને ક્રૂર છે. અહીં દર પાંચ વર્ષે ચુંટણી થાય છે, પણ મતપત્રકમાં એક જ નામ હોય છે, બધાએ તેને જ વોટ આપવાનો. અહીં છાપાં અને ટીવી સમાચારો પર સખત પાબંદી છે. આ દેશમાં કોઈ ગુનો કરે તો તેની સજા, તે વ્યક્તિ તથા તેના પુત્ર બંનેએ ભોગવવાની. અહીં લશ્કર અને સરકારી ઓફિસરો સિવાય બીજા કોઈ ગાડી રાખી શકે નહિ. જીન્સ પહેરવા પર પ્રતિબંધ છે. સામાન્ય નાગરિકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે નહિ. વાળ પણ સરકાર માન્ય અમુક દુકાનોએ જ કપાવવાના. દેશમાં ગરીબી ઘણી છે, પણ ગરીબાઈના ફોટા પાડી શકાય નહિ. બીજા દેશવાળા એ દેખે તો આ દેશની છાપ બગડે. રાજા વિષે ક્યારે ય હલકું બોલાય નહિ. કવિતા, સંગીત, સ્થાપત્ય વગેરેમાં પણ રાજાનાં જ ગુણગાન ગાવાનાં. માનવ અધિકારો ઓછામાં ઓછા.
આવા આ ઉત્તર કોરીયા દેશનું ભાવિ કેવું હશે? તમે શું ધારો છો? આ દેશની ઉત્તરે ચીન, દક્ષિણે દક્ષિણ કોરીયા અને પૂર્વ-પશ્ચિમમાં દરિયો છે. પૂર્વમાં દરિયા પછી જાપાન છે. ઉત્તર કોરીયાનું પાટનગર યોંગયાન્ગ, આપણા દિલ્હીથી ઇશાન દિશામાં, હવાઈ માર્ગે ૪૬૦૦ કી.મી. દૂર છે. યુદ્ધ થાય તો આપણને સીધી અસર ના થાય, પણ તેનાં પરિણામો તો ભોગવવાં પડે.
પહેલાં કોરીયા એક આખો દેશ હતો. બીજા વિશ્વયુદ્ધ પછી, તેના બે ભાગ પડી ગયા, એક ઉત્તર કોરીયા અને બીજો દક્ષિણ કોરીયા. ઉત્તર કોરીયા પર રશિયાનું પ્રભુત્વ રહ્યું, અને દક્ષિણ કોરીયા પર અમેરીકાનું વર્ચસ્વ રહ્યું. ઉત્તર કોરીયા રશિયન સામ્યવાદ હેઠળ, બહુ વિકાસ પામ્યો નહિ.
માહિતી અને અહીં મૂકેલી તસ્વીરો ગુગલ પરથી લીધી છે. તસ્વીર નં. (૧) ઉત્તર કોરીયાનો નકશો (૨) રાજા કીમ જોંગ યુએન (૩) ઉત્તર કોરીયાનો રાષ્ટ્રધ્વજ (૪) કીમ જોંગ યુએન તેમની પત્ની સાથે (૫) તેમની વિધાનસભાનો હોલ (૫) પાટનગર યોંગયાન્ગનું એક દ્રશ્ય.
No comments:
Post a Comment