# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday, 8 September 2017

ગુજરાતનું મુન્દ્રા પોર્ટ

ગુજરાતનું મુન્દ્રા પોર્ટ
મુન્દ્રા બંદરનું નામ તો તમે સાંભળ્યું જ હશે, કદાચ જોયું પણ હશે. મુન્દ્રા બંદર, ગુજરાતનાં જાણીતાં બંદરોમાંનું એક છે. અદાણી ગૃપના આ બંદરેથી કેટલી યે કંપનીઓના માલસામાનની આયાતનિકાસ થાય છે. મોટી સ્ટીમરો છેક કિનારા સુધી આવી શકે એ માટે અહીં બહુ જ સરસ વ્યવસ્થા કરેલી છે.
બંદરની આ બધી રચના જોવા અને જાણવા માટે અમે મુન્દ્રા પોર્ટની એક દિવસની મુલાકાત ગોઠવી કાઢી. ઇફકો કંપનીનાં ખાતરોની આ બંદરેથી ઘણી નિકાસ અને આયાત થાય છે. આ માટે, ઇફકોને આ બંદરમાં દરિયા કિનારે એક ઓફિસ પણ ફાળવેલી છે. અહીં કામ કરતા એક અધિકારી શ્રી પરમાર મારફતે અમે, મુન્દ્રા પોર્ટની વિઝીટ માટે મંજૂરી મેળવી લીધી, અને એક સવારે અમે ગાંધીધામથી મુન્દ્રા બંદરે પહોંચી ગયા. મુન્દ્રા ગામ પછી, પોર્ટનો વિસ્તાર શરુ થતાં, આજુબાજુ રેલ્વેનાં વેગનો અને મોટાં કન્ટેઈનર દેખાવા લાગ્યાં.
અમે કુલ ૭ જણ હતા. પહેલાં તો અમે બંદરના કસ્ટમ રીસેપ્શન સેન્ટર પર પહોંચ્યા. શ્રી પરમાર પણ ત્યાં આવી ગયા. મંજૂરીની વિધિ પૂરી કરી, તેઓ અમને રંગોળી ગેટ નામના પ્રવેશદ્વારમાં થઈને ઇફકોની ઓફિસમાં લઇ ગયા. બંદરનો વિસ્તાર ઘણો જ મોટો છે, રીસેપ્શન સેન્ટરથી ઇફકોની ઓફિસ આશરે ત્રણેક કી.મી. દૂર હતી. અહીંથી દરિયો સાવ નજીક હતો. આ દરિયો એ કચ્છનો અખાત છે.
મુન્દ્રા બંદર, કચ્છના મુખ્ય શહેર ભુજથી ૫૪ કી.મી. દૂર આવેલું છે. અહીં દરિયાના કિનારે વિશાળ પ્લેટફોર્મ બાંધેલાં છે. આ પ્લેટફોર્મને જેટી કહે છે. સ્ટીમરો છેક પ્લેટફોર્મ સુધી આવી શકે એ માટે, પ્લેટફોર્મ આગળના દરિયાના તળિયાની રેતી, માટી અને પત્થરો ખોદી કાઢીને પાણીની ઉંડાઈ વધારવામાં આવી છે. અહીં ઓછામાં ઓછી ઉંડાઈ ૧૨ મીટર છે, અમુક જગાએ ૧૬ મીટર અને ૨૦ મીટર ઉંડાઈ પણ છે. તળિયેથી નીકળતી માટી અને પત્થરોનો ઉપયોગ જમીન પર અન્ય જગ્યાએ ખાડા પૂરવામાં કરાય છે. અહીં કુલ ૧૨ જેટી ઉભી કરવામાં આવી છે. જેટીના પ્લેટફોર્મની દરિયા તરફની દિવાલ પર કુશન ફીટ કરેલા છે. વહાણ  જયારે પ્લેટફોર્મની નજીક આવે ત્યારે પ્રથમ કુશનને અડકે છે, કુશનની અંદરની સ્પ્રીંગો વહાણના ધક્કાને શોષી લે છે, આથી વહાણ કે પ્લેટફોર્મને નુકશાન થતું નથી. ત્યાર પછી વહાણને મજબૂત દોરડાંથી પ્લેટફોર્મ પરના ખીલાઓ સાથે બાંધી દેવાય છે, અને પછી માલસામાન ચડાવવા કે ઉતારવાનું કામ થાય છે.
શ્રી પરમારે અમને ઇફકોની કેન્ટીનમાં ચાનાસ્તો કરાવ્યો. એક બીજા કર્મચારી પણ અમારી સાથે જોડાયા. અમને અદાણી પોર્ટના લોગોવાળી એક કેસરી બંડી અને હેલમેટ પહેરવા માટે આપ્યાં. એ પહેરીને બધાની સાથે થોડા ફોટા પડાવ્યા, પછી અહીંથી નીકળીને એક જેટી પર ગયા.
દરિયો સામે જ હતો. જેટી પર DASIN નામનું એક વહાણ નાંગરેલુ હતું. સાવ નજીક ઉભા રહીને જોતાં, વહાણ ઘણું જ ઉંચું અને વિશાળ લાગતું હતું. આ વહાણને અમે આખું અંદરથી જોવાના હતા, એ વિચારે ઘણા ખુશ હતા.
વહાણમાં ચડવા માટે સાંકડાં પગથિયાંવાળી ખુલ્લી સીડી ગોઠવેલી હતી. સીડીનાં ૮૦ પગથિયાં ચડીને અમે સાચવીને વહાણની ગેલેરીમાં ઉતર્યા. સીડી ચડતાં આજુબાજુ અને નીચે પાણી તરફ નજર કરો તો ડર લાગી જાય. વહાણમાં એક બાજુ, થોડા માળો પર ત્યાંના કર્મચારીઓ માટે કેબિનો, રસોડું, ભોજનરૂમ વગેરે હતાં, તો બીજી બાજુ સામાન રાખવાનાં ભંડકિયાં અને સામાન ઉતારવા-ચડાવવા માટેના મોટા ઉંટડા હતા.
અમે પહેલાં તો કર્મચારીઓની રૂમો વગેરે જોયું. પછી ૫૬ પગથિયાં ચડીને ટોચ પરના હોલમાં પહોંચ્યા. અહીં વહાણનો કંટ્રોલ રૂમ હતો. વહાણની સ્પીડમાં વધઘટ કરવા માટે, દિશા બદલવા માટે, નિર્ધારિત દિશામાં જવા માટે – એમ વિવિધ કામો માટેના કંટ્રોલ અને સાધનો અહીં હતાં. અહીંના કર્મચારીએ અમને આ બધું બતાવ્યું અને સમજાવ્યું. મજા આવી ગઈ. આટલે ઉંચેથી દૂર દૂર સુધીનો દરિયો દેખાતો હતો. વ્યૂ બહુ જ ભવ્ય લાગતો હતો. આ વહાણ સિંગાપોરથી આવેલું હતું, એટલે કે વહાણ વિદેશી હતું.
વહાણમાં કામ કરતા કર્મચારીઓ પાસે પોતોતાના દેશના પાસપોર્ટ હોય છે. એક વધુ વાત એવી જાણવા મળી કે વહાણ અહીં નાંગર્યુ હોય એ દરમ્યાન આ વિદેશી કર્મચારીઓએ વહાણમાં જ રહેવાનું હોય છે. તેઓ જેટી પર ઉતરીને ગમે ત્યાં ફરી શકતા નથી. કોઈ ખાસ કિસ્સામાં, તેમણે ખાવાનું મંગાવવું હોય કે અન્ય કંઇ કામ હોય તો પોતાનો પાસપોર્ટ બતાવી મંજૂરી લઈને જ જેટી પર ઉતરી શકાય છે. બીજી એક વાત કે વહાણમાંનો સામાન નિર્ધારિત દિવસોમાં ખાલી કરી દેવાનો હોય છે, એનાથી વધુ દિવસો લાગે તો બંદરવાળાએ પૈસા આપવા પડે, અને જો વહેલા ખાલી કરી દો તો સામેથી પૈસા મળે !
પછી અમે ભંડકિયા તરફ ગયા, અને ઉપરથી તેમાં નજર કરી. ઓ હો હો ! શું વિશાળ ભંડકિયુ ! જાણે કે મોટી વખાર જ જોઈ લ્યો ! અત્યારે તેમાંથી લોખંડની મોટી પાટો, ઉંટડા વડે ઉંચકાતી હતી, અને જેટી પર ઉભેલી ટ્રકમાં ઉતરતી હતી. આ બધુ જોયા પછી, અમે સીડી ઉતરી, પ્લેટફોર્મ પર પાછા આવ્યા. વહાણને  વિગતે જોવાની મજા પડી ગઈ. આ એક અનન્ય અનુભવ હતો.
અહીંથી અમે ઇફકો ઓફિસે પાછા ગયા. અદાણીનાં બંડી અને હેલમેટ પાછાં સોંપ્યાં. પરમારભાઈએ અમને કેન્ટીનમાં પ્રેમથી જમાડ્યા, અને પછી અમે ઉપડ્યા બંદર પરના બીજા વિભાગો તરફ. વહાણમાંથી ખાલી થતા માલને રાખવા માટે ઘણાં ગોડાઉન અને શેડ બનાવેલા છે. ટ્રકોમાં આવેલો સામાન અહીં વ્યવસ્થિત રીતે ગોઠવાય છે. ઇફકોનું ઘણું ખાતર બંદરેથી વિદેશોમાં જાય છે, ઘણો માલ બહારથી પણ આવે છે. અમે આવા માલનાં ગોડાઉનો જોયાં. વહાણની ક્ષમતા આશરે ૬૦,૦૦૦ ટન સામાન લઇ જવા જેટલી હોય છે. મુન્દ્રાથી ઉપડેલા વહાણને ઓમાન પહોંચતાં માત્ર ૩ દિવસ, જયારે અમેરીકા પહોંચતાં ૩૧ દિવસ લાગે છે, એવું જાણવા મળ્યું. આ ઉપરાંત, અહીંથી સ્ટીલ, ખનીજો, જવ, ચણા, વટાણા, પત્થર, માટી, રમકડાં એમ ઘણી ચીજોની હેરફેર થતી હોય છે.
સામાનને વેગનોમાં ભરીને ટ્રેન દ્વારા અન્યત્ર લઇ જવાય છે. અમે અહીંની ટ્રેનની વ્યવસ્થા પણ જોઈ. અહીં ઘણું કામ યંત્રોથી થાય છે. ભારતની મારુતિ ગાડીઓની વિદેશોમાં સારી માંગ છે. આ ગાડીઓની પણ બંદરેથી વહાણોમાં ભરીને નિકાસ થાય છે. એક વહાણમાં ૩૦૦૦ ગાડીઓ જતી હોય છે. અહીં બંદર પર પડેલી ગાડીઓ અમે જોઈ.
મુન્દ્રા બંદર પર અદાણીનો કોલસા આધારિત પાવર પ્લાન્ટ છે. આ પ્લાન્ટ ૫૦૦૦ મેગાવોટ વીજળી પેદા કરી આપે છે. આ માટેનો કોલસો ઓસ્ટ્રેલીયાથી આવે છે. તે ખૂબ સસ્તો હોય છે.

No comments:

Post a Comment