બે મહાસાગરોને જોડતી પનામા નહેર
પનામા નહેરનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે. એક સો વર્ષ પહેલાં કોઈ જહાજે અમેરિકાના પશ્ચિમ બાજુના પેસિફિક મહાસાગરમાંથી પૂર્વ બાજુના આટલાંટિક મહાસાગરમાં જવું હોય તો દક્ષિણ અમેરિકાનો ૧૨૦૦૦ કી.મી. નો ચકરાવો લઈને જવું પડતું. પણ ભેજાબાજ એન્જીનીયરોએ ઉત્તર અને દક્ષિણ અમેરિકાને જોડતી સાંકડી પટ્ટીમાં એક નહેર ખોદીને આ બંને મહાસાગરોને જોડી દીધા. આથી પેસિફિકમાંથી આટલાંટિક મહાસાગરમાં જવાનું અંતર માત્ર ૮૨ કી.મી. થઇ ગયું ! અંતરમાં કેટલો બધો ઘટાડો ! સમય અને બળતણનો કેટલો બધો બચાવ ! આ નહેર રીપબ્લીક ઓફ પનામા (ટૂંકમાં પનામા) નામના દેશમાં આવેલી છે. એટલે એ પનામાની નહેર (કેનાલ)ના નામે જાણીતી છે. આ દેશની એક બાજુએ કોસ્ટા રીકા અને બીજી બાજુ કોલંબિયા દેશો આવેલા છે.
પનામા નહેરને કોઈ નાનીસૂની નહેર ના માનશો. કે આ નહેર, સામાન્ય નહેરોની જેમ બનાવી દીધી છે એવું પણ ના ધારી લેતા. આ નહેર બનાવવા પાછળ વર્ષોની જહેમત અને અબજો રૂપિયાનો ખર્ચ થયો છે અને હજારો મજૂરોના જાન ગયા છે.
સૌ પ્રથમ તો ઇ.સ. ૧૮૮૧માં ફ્રેન્ચ સરકારે આ નહેર બનાવવાનું બીડું ઝડપ્યું. નકશાઓ બનાવ્યા. તેમણે એવું નક્કી કર્યું કે દરિયાના લેવલે નહેર બનાવવી અને બે દરિયા નહેર મારફતે જોડી દેવા. પણ રસ્તામાં નદીઓ, પર્વતો અને સરોવરો આવે ત્યાં શું કરવું ? આ બધું ના આવે એવો રસ્તો પસંદ કરવો હોય તો રસ્તો બહુ લાંબો થઇ જાય. આમ છતાં, પ્લાન બનાવીને નહેર ખોદવાનું શરુ કર્યું. થોડાં વર્ષો બાદ, સખત વરસાદને લીધે જેટલું ખોદ્યું હતું તેટલી માટી પાછી પૂરાઈ ગઈ. વળી, પનામાનાં જંગલોમાં મચ્છરોને લીધે મજૂરોમાં મેલેરિયા અને યલો ફીવર નામનો તાવ ફાટી નીકળ્યો. નવ વર્ષ દરમ્યાન લગભગ ૨૨૦૦૦ મજૂરોનાં મોત થયાં. એ જમાનામાં હજુ રેલ્વે, ઈલેક્ટ્રીક મોટર, જનરેટર આ બધું નવું નવું હતું. એટલે યંત્રોને બદલે માનવ મહેનત ઉપર વધુ આધાર રાખવો પડતો હતો. આયોજનના અભાવે પૈસા પણ વેડફાતા રહ્યા. અમેરિકાનો સહકાર પણ ન હતો. છેવટે ફ્રેન્ચોએ ૧૮૮૯માં અ કેનાલનું કામ પડતું મૂક્યું.
હવે અમેરિકાએ આ પ્રોજેક્ટ હાથમાં લીધો. જ્હોન ફ્રેન્ક સ્ટીવન્સ નામના એન્જીનીયરે તે વખતના પ્રેસીડન્ટ રુઝવેલ્ટ આગળ આ નહેરનો પ્રસ્તાવ પાસ કરાવ્યો. તે પોતે રેલ્વે લાઈન બાંધવાના કામનો નિષ્ણાત હતો. તેણે ૧૯૦૪માં આ નહેર બાંધવાનું કામ શરુ કર્યું. ૧૯૦૭ પછી જ્યોર્જ વોશીંગ્ટન ગોથલે એન્જીનીયર તરીકે ચાર્જ સંભાળ્યો. આ અમેરીકન પ્રોજેક્ટમાં દરિયાઈ લેવલે નહેર બનાવવાને બદલે, કંઇક જુદા પ્રકારની રચના હતી.
પેસિફિકથી આટલાંટિક એટલે કે પશ્ચિમથી પૂર્વ દિશા તરફ નહેર બનાવવી જોઈએ, એને બદલે અગ્નિ દિશાથી વાયવ્ય દિશામાં જ્યાં જમીનની પટ્ટી સૌથી સાંકડી હતી તે માર્ગ નહેર માટે પસંદ કર્યો. પેસિફિક છેડે પનામાના અખાતથી શરુ કરી આટલાંટિક છેડે કોલોન બંદરની નજીક નહેર પૂરી થાય એવો પ્લાન બનાવ્યો. આ રસ્તે વચમાં ગટુન નામનું એક વિશાળ સરોવર આવે છે ત્યાં આગળ નહેર સરોવરમાં થઈને જાય, બલ્કે સરોવરમાં થઈને જ વહાણો પસાર થાય એવું નક્કી કર્યું. વહાણો માટે સરોવરની ઉંડાઈ ઓછી પડે અથવા અગ્રેસ નદી જે ગટુન સરોવરમાં ઠલવાય છે તેમાં પાણી ન હોય તો સરોવરમાં પાણી ક્યાંથી આવે ? આથી ગટુન સરોવર આગળ એક બંધ (ડેમ) બાંધવાનો પ્લાન કર્યો કે જેથી સરોવરમાં પાણીનું લેવલ જળવાઈ રહે. પણ આમ કરવાથી, સરોવરના પાણીના લેવલની ઉંચાઈ, દરિયાના પાણીની સપાટી કરતાં ખાસ્સી વધી જાય, તો વહાણો દરિયાના પાણીમાંથી ગટુનના ઉંચા લેવલે કઈ રીતે ચડે ? આ માટે લોક સિસ્ટીમ (Lock system)ગોઠવવાનું વિચાર્યું. એટલે કે લોક ગેટની મદદથી વહાણ નહેરમાં ઉંચે ચડે, ગટુન લેક પસાર થઇ ગયા પછી બીજા લોક ગેટ આગળ વહાણ નીચે ઉતરે. કુલ ૩ ડબલ લોક નહેરના પેસિફિક તરફના ભાગમાં અને ૩ ડબલ લોક આટલાંટિક તરફના ભાગમાં મૂકવાનાં. બીજું કે ગટુન લેકની પહેલાં, પેસિફિક બાજુ, ગીલાર્ડ કટ નામનો પર્વતીય વિસ્તાર આવે છે. લોક પધ્ધતિને કારણે, વહાણ નહેરમાં ઉંચે ચડે, તો આ પર્વતીય વિસ્તારમાં નહેર માટે બહુ ઉંડુ ના ખોદવું પડે, એ એક વધારાનો ફાયદો. આવું આયોજન કરી નહેરનું કામ શરુ કરી દેવાયું અને દસ વર્ષ બાદ ૧૯૧૪ માં નહેર તૈયાર થઇ ગઈ. ૧૫ ઓગસ્ટ ૧૯૧૪ ના દિવસે નહેરમાંથી એસ.એસ. આઇકોન નામનું પહેલું જહાજ પસાર થયું. ( ભારતને હજુ આઝાદી નહોતી મળી, એટલે ભારતમાં તે વખતે ૧૫ ઓગસ્ટનું કોઈ મહત્ત્વ ન હતું.)
નહેર ખોદવા માટે પહેલાં તો નહેરની બાજુમાં રેલ્વે લાઈન નાખવામાં આવી કે જેથી માલસામાન, યંત્રો અને માણસોની હેરફેર કરી શકાય. ખોદેલી માટી ઉલેચવા માટે વિશાળ પાવડા, વરાળથી ચાલતા ક્રેઇન, ખડકો ભાગવાનાં ક્રશર, સિમેન્ટ મીક્ષ કરવાનાં સાધનો, સામાન ખેંચવાનાં સાધનો, હવાના દબાણથી ચાલતી શારડીઓ, મજૂરો માટે રહેઠાણ, ખાવાપીવાનું, આરોગ્યની સંભાળ – કેટલી બધી વ્યવસ્થા કરવી પડે ! ખોદેલી માટી ગટુન ડેમ બનાવવામાં વાપરવામાં આવી. અગાઉ ફ્રેન્ચ લોકોએ જે માટી ખોદી હતી તે અને અત્યારે જે ખોદી તે બધું મળીને કુલ ૧૫૨૦ લાખ ઘનમીટર માટી ખોદવામાં આવી. નહેર, ગટુન ડેમ, લોક સિસ્ટીમ એ બધું મળીને કુલ ખર્ચ એ જમાનામાં ૩૭ કરોડ ડોલર થયો ! અને ખૂબ કાળજી કરવા છતાં ય ૫૬૦૦ મજૂરો માંદગી અને અકસ્માતોમાં મરી ગયા. આ અગાઉ, રાતા અને ભૂમધ્ય સમુદ્રોને જોડતી સુએઝની નહેર બની ગયેલી હતી, એટલે ત્યાંનો અનુભવ અહીં કામમાં આવ્યો. પનામા નહેર બાંધવાનું કામ ખૂબ જ કપરું હતું અને અસાધારણ ટેકનીકલ જ્ઞાન માગી લે તેવું હતું.
નહેર શરુ થઇ ત્યારે વર્ષે ૧૦૦૦ જેટલાં જહાજો તેમાં થઈને આવજા કરતાં હતાં. આજે ટ્રાફિક વધીને વર્ષે ૧૫૦૦૦ જેટલો થયો છે. નહેર બની ત્યારથી ૨૦૦૮ સુધીમાં નહેરમાંથી પસાર થયેલાં જહાજોનો કુલ આંકડો ૮૧૫૦૦૦ છે ! પહેલાં નહેરની માલિકી અમેરિકાની હતી, ૧૯૯૯ થી નહેરની માલિકી પનામા દેશની છે. અમેરીકન સોસાયટી ઓફ સીવીલ એન્જીનીયર્સે પનામા નહેરને આધુનિક યુગની સાત અજાયબીમાં મૂકી છે.
વહાણોને ૮૨ કી.મી લાંબી પનામા નહેર ઓળંગવામાં ૮ થી ૧૦ કલાક જેટલો સમય લાગે છે. ક્યારેક લોક આગળ લાઈન હોય ત્યારે રાહ જોવી પડે છે. નહેરને કારણે રસ્તો ટૂંકો, ઝડપી અને સલામત બન્યો છે. યુ.એસ.એ. ના પશ્ચિમ કિનારાના દેશોને પૂર્વ કિનારા બાજુના દેશો તેમ જ યુરોપ અને એશિયાઈ દેશો જોડે વ્યાપારધંધો વિકસાવવામાં આ નહેરનો ફાળો ઘણો મોટો છે. દુનિયાનો ૪ % જેટલો વ્યાપાર આ નહેર મારફતે થાય છે. નહેરનો સૌથી વધુ ઉપયોગ યુ.એસ.એ. કરે છે. પછી ચીન, જાપાન, ચીલી અને ઉત્તર કોરિયાનો નંબર આવે.
હવે નહેરની રચના વિષે થોડી વાત કરીએ. નહેરની પહોળાઈ ૯૧ મીટર અને ઉંડાઈ ૨૬ મીટર છે. પેસિફિક મહાસાગરના પનામાના અખાતમાંથી નહેરમાં પેઠા પછી ૧૩.૨ કી.મી. કાપ્યા બાદ મીરાફ્લોર નામનો પહેલો લોક ગેટ આવે. આ લોક બે સ્ટેજનું છે. બે સ્ટેજમાં થઈને જહાજ ૧૬.૫ મીટર ઉંચે નહેરમાં ચડી જાય. કેવી રીતે ચડે એ જોઈએ. જહાજ લોકની નજીક આવે એટલે એક મોટો દરવાજો ખૂલે, જહાજ લોકમાં આવી જાય એટલે એ પાછળનો દરવાજો બંધ થઇ જાય, લોકમાં પાણી ભરાય એટલે જહાજ ઉંચકાય, પૂરતી ઉંચાઇ પ્રાપ્ત થાય એટલે આગળનો દરવાજો ખૂલે, તેમાં થઈને જહાજ લોકમાંથી બહાર નીકળી આગળ વધે.
દરેક લોકની પહોળાઈ ૩૩.૫ મીટર અને લંબાઈ ૩૨૦ મીટર છે. દરેક લોક, ડબલ લોક હોય, એક વહાણને જવા માટે અને બીજું સામેથી આવતા વહાણ માટે. રોડ પર જેમ ડાબા-જમણા રસ્તા અને વચ્ચે ડીવાઈડર હોય તેમ. અહીં લોક આગળ પણ ડીવાઈડર હોય. ડીવાઈડરની દિવાલ ૧૮ મીટર પહોળી. લોકની ૩૩.૫ મીટર પહોળાઈમાં થઈને યુ.એસ. નેવીનાં મોટાં શીપ પણ પસાર થઇ શકે છે. લોકમાં પસાર થઇ શકે એવા મોટામાં મોટા જહાજને પનામેક્ષ (panamax) કહે છે. એનાં સ્ટાન્ડર્ડ માપ નક્કી કરેલાં છે. લોકના દરવાજા ૨ મીટર જાડા સ્ટીલના બનાવેલા છે. દરેક દરવાજાની પહોળાઈ ૧૯.૫ મીટર અને ઉંચાઈ ૨૦ મીટર છે.
લોકમાં પાણી ભરવા માટે પંપને બદલે મોટા રાક્ષસી કદના વાલ્વ અને ગેટનો ઉપયોગ થાય છે. આ માટે બધું થઈને ૧૦૦૦ ઇલેક્ટ્રિક મોટરોનો ઉપયોગ થાય છે. લોકમાં પાણી ભરવા માટે ગટુન લેકના પાણીનો ઉપયોગ થાય છે.
મીરાફ્લોર પછી એક સ્ટેજનું પેડ્રો મીગુલ લોક આવે. અહીં જહાજ બીજા ૯.૫ મીટર ઉંચે ચડી જાય. બંને લોક થઈને કુલ ૨૬ મીટર ઉંચે ચડ્યા પછી જહાજ મુખ્ય નહેરમાં આવી ગયું કહેવાય. એમાં ૧૩ કી.મી. પછી ગીલાર્ડ કટ પહોંચાય. ગીલાર્ડ કટ ૨૧ કી.મી. લાંબો અને V આકારમાં છે. ત્યાર પછી જહાજ આઠેક કી.મી. અગ્રેસ નદીમાં અને પછી ૨૪ કી.મી. ગટુન લેકમાં સફર કરે. ત્યાર પછીના ૩ સ્ટેજવાળા ગટુન લોકમાં થઈને જહાજ દરિયાઈ લેવલ જેટલું નીચે ઉતરી જાય, અને ત્રણેક કી.મી. પછી આટલાંટિકમાં આવી જાય. બસ, મુસાફરી પૂરી. છે ને અફલાતૂન વ્યવસ્થા !
ગટુન લેકમાં ક્યારેક પાણી બહુ વધી જાય તો તેનું લેવલ જાળવી રાખવા સ્પીલ વે રાખેલા છે જે વધારાનું પાણી નીચે તરફ વહાવી દે છે. લેકમાં જો પાણી ખૂટે તો મદાન લેક નામના વધારાના રીઝરવોયરમાંથી પાણી લેવામાં આવે છે.
પનામા નહેરના પેસિફિક પ્રવેશદ્વાર આગળ નહેર પર એક બ્રીજ બાંધ્યો છે. તેને બ્રીજ ઓફ અમેરિકાસ કહે છે. પનામા નહેરને ઓળંગતો સેન્ટેનીયલ નામનો એક બીજો બ્રીજ ૨૦૦૪ માં બન્યો છે. આ ઉપરાંત, મીરાફ્લોર અને ગટુન લોક આગળ નાના બ્રીજ તો ખરા જ.
એક ખાસ વાત કે આ નહેરમાંથી પસાર થતા દરેક જહાજે ટોલ ટેક્સ ભરવો પડે છે. આપણા હાઈ વે પર જેમ ટોલ હોય છે એ રીતે. પનામા કેનાલ ઓથોરીટી આ ટેક્સ નક્કી કરે છે. તેની કિંમત વહાણના પ્રકાર, વજન, સાઈઝ તથા તેમાં શું ભર્યું છે, તેના પરથી નક્કી
થાય છે. પેસેન્જર જહાજ માટે, પેસેન્જરોની સંખ્યા મૂજબ ટેક્સ હોય છે. આ ટેક્સ કંઇ નાનોસૂનો ના ધારતા. પેસેન્જર શીપ માટે પેસેન્જર દીઠ આશરે ૧૧૫ ડોલર જેટલો હોય છે. માલવાહક શીપ માટે સરેરાશ ૫૦૦૦૦ ડોલર જેવો હોય છે. ૨૦૦૮ માં ડીઝની ક્રુઝ નામના જહાજે આજ સુધીમાં વધુમાં વધુ ટોલ ભર્યો હતો, ૩૩૦,૦૦૦ ડોલર ! પનામા દેશને આ નહેરથી ટોલની ઘણી મોટી આવક થાય છે. ૧૯૨૮ માં અમેરિકાનો એક સાહસિક રીચાર્ડ હલીબાર્ટન આખી કેનાલ તરી ગયો હતો. તેને પણ ટોલ ભરવો પડ્યો હતો, પણ માત્ર ૩૬ સેંટ ! પૂરો એક ડોલર પણ નહિ.
૧૯૭૯ માં યુ.એસ. નેવીના પીગાસસ જહાજે, આ નહેર માત્ર બે કલાક અને એકતાલીસ મિનિટમાં પસાર કરી હતી. આ પણ એક રેકોર્ડ છે.
હાલ ખૂબ મોટાં જહાજ કેનાલમાંથી પસાર નથી થઇ શકતાં. એટલે કેનાલને પહોળી અને ઉંડી કરવાનો તથા લોક આગળ, સાઇડમાં મોટા લોક ગેટ બનાવવાનો પ્લાન ચાલી રહ્યો છે. તે ૨૦૧૪ માં પૂરો થવાની ધારણા છે.
ટ્રાવેલ કંપનીઓ પનામા નહેર જોવા માટેની ચારથી દસ દિવસ સુધીની ટુર ગોઠવતી હોય છે. તેઓ ટુરિસ્ટોને નહેરમાં પણ ફેરવે છે. ખાસ તો લોક આગળ, લોકમાં પાણી ભરાય કે ખાલી થાય અને આવડું મોટું જહાજ ઉંચકાય કે નીચું ઉતરે એ જોવાની બહુ મજા આવે. ગટુન સરોવરની સફર પણ આહલાદક જ હોય. અને પેસિફિક-આટલાંટિક મહાસાગરો તો જોવા મળે જ. પૃથ્વી પરના મોટા બે મહાસાગરો જોવાનો લ્હાવો અદભૂત છે. પણ બજેટ મોટું રાખવું પડે હોં ! બોલો, જોવા જવાના ને ?
No comments:
Post a Comment