“આઝાદી આપણને ભીખમાં નથી મળી,સ્વાતંત્ર્ય સેનાનીઓએ છીનવીને લીધેલી છે ! “
9 ઓગષ્ટ,1925 : કાકોરી કાંડ ! ઘણા ઓછા લોકોને ભારતના ઇતિહાસમાં ક્રાંતિવીરોએ અંગ્રેજ સરકારને મારેલા આ સૌથી મોટા તમાચાની ખબર નહીં હોય. કદાચ પ્રાથમિક શાળાના શિક્ષણમાં આ ઘટનાને મહત્વ નહીં આપ્યું હોય.આ એ દિવસ હતો કે જ્યાંથી અંગ્રેજ સરકારને તેમના પતનના એંધાણ દેખાયા હતા. આવડી મોટી લૂંટ શક્ય જ કઈ રીતે બને રીતે એ પણ અંગ્રેજ સરકાર ને નહોતી ખબર પડી. ઇંગ્લેન્ડથી બોલાવેલા ઓફિસરોએ પણ રીતસરની ના પડી દીધી હતી કે આનો ઉકેલ અમારી પહોંચની બારની વાત છે. અંગ્રેજ સરકારને ભારતના આ ક્રાંતિવીરો વિરુદ્ધ કોઈ પુરાવા પણ નહોતા મળ્યા કે આમને દોષી કઈ રીતે સાબિત કરવા. તો પણ આ ઘેલી અને નાપાક,બેશરમ સરકારે કેટલાય ક્રાંતિવીરોને બંધારણમાં નહોતી એવી સજા પણ આપેલી. આ કાંડનું કારણ એવું તે શું હતું કે…દરેક ધર્મ અને રાજ્યનાલોકો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ઉભા થયાં ?
કાકોરી-કાંડ વિષે !
“કાકોરી કાંડ એટલે ભારતના ક્રાંતિવીરોએ તેમની જનનીના ઘરેણાંની થયેલી લૂંટનો વળતો જવાબ હતો”. જેમાં ક્રાંતિકારીઓએ માતાના ઘરેણાં લૂંટીને જઈ રહેલી અંગ્રેજ સરકારની ટ્રેન પર જ લૂંટ કરી. આ કાંડ વિષે ખૂબ ઓછા લોકો જાણતાં હોય છે. તો ચાલો એ આઝાદીની લડાઈના દિવસોમાં…
9 ઑગષ્ટ,1925 ની રાત્રે જે કાકોરીમાં થયું એ અંગ્રેજ સરકારે સપનામાં પણ નોહતું વિચાર્યું ! કાકોરી કાંડના એ વીર ક્રાંતિકારીઓને સાદર પ્રણામ ! કેમ કે આજ એ લોકો હતા કે જેમણે અંગ્રેજ સરકારના પગ નીચેની જમીન સરકાવી દીધેલી. ‘હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ એસોસિએશન’ ને અંગ્રેજ સરકારને હલાવી દીધેલી. જેમાં મુખ્ય ક્રાંતિકારીઓના નામ : પંડિત રામ પ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, પંડિત ચંદ્રશેખર આઝાદ, ઠાકુર રોશન સિંઘ, સચિન્દ્ર બક્ષી, જોગેશચંદ્ર ચેટરજી, પ્રેમ ક્રિષ્ના ખન્ના, મુકુન્દી લાલ, કેશવ ચક્રવર્તી,રાજેન્દ્ર લાહિડ઼ી, વિષ્ણુ સરન દુબલીસ, મન્નાલાલ ગુપ્ત, સુરેશચંદ્ર ભટ્ટાચાર્ય, રામક્રિષ્ન ખત્રી, રાજકુમાર સિંહા, સચિન્દ્રનાથ સાન્યાલ, રામ રત્ન શુક્લ, રામદત્ત શુક્લ,મદન લાલ, ઇન્દ્રભૂષણ મિત્રા, લાલા હર ગોવિંદ, બંસરી લાલ, બાંવરી લાલ, વીરભદ્ર તિવારી, સચિન્દ્રનાથ વિશ્વાસ, ગોપી મોહન, રામ દુલારે ત્રિવેદી, ભૈરોં સિંઘ, બાબુરામ વર્મા,કાલિદાસ બોઝ,ઇન્દ્ર વિક્રમ સિંઘ, રામ નાથ પાંડે, દામોદર સ્વરૂપ શેઠ,ફણીનેન્દ્રનાથ બેજારજી,મનમનાથ ગુપ્તા, પ્રણવેશ કુમાર ચેટરજી, ચંદ્ર ધાર લોહરી,ચંદ્ર ભાલ લોહરી,શીતલા સહાઈ,જ્યોતિ શંકર દીક્ષિત,ભુપેન્દ્રનાથ સાન્યાલ …(યાદી તો બહુ મોટી છે,પણ આ કાંડમાં જેમના નામ ઇતિહાસના પાને નોંધાયા એમાંથી મુખ્યનામો અહીં છે.)
કાકોરી કાંડના શહીદો !ડાબેથી : રાજેન્દ્ર લાહિડ઼ી,અશફાક ઉલ્લાહ ખાન,રામપ્રસાદ બિસમીલ અને ઠાકુર રોશનસિંહ Source : https://hi.wikipedia.org
જેમાંથી મોતની સજા રામ પ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, ઠાકુર રોશન સિંઘ,રાજેન્દ્ર લાહિડ઼ી ! તેમની જનની માટે આ ચાર જુનુની નહોતા,આ એ લોકો હતા જે ઉભા થયા અંગ્રેજ સરકાર વિરુદ્ધ,જડમુળ હલાવી દીધા. અંગ્રેજ સરકારને ચેતવણી પણ આપી દીધેલી કે હવે તો જંગ સીધી જ લડાશે.
કેટલાંય લોકો કહે છે કે આ એક લૂંટ હતી,ધિક્કાર છે આવા લોકો પર. આ તો પોતાની માતાના ઘરેણાં લઇ ભાગી રહેલાં લૂંટારાની પાસે થી ઘરેણાં પાછાં લીધાં હતાં. આ બધા વીર ક્રાંતિવીરોમાંથી મોટા ભાગના લોકો ખાનદાની હતા. તેનું એક ઉદાહરણ,પંડિત રામપ્રસાદ બિસમીલ જે કોટ પહેરતાં હતાં તેમાં સોનાના બટન ટાંકતા. સાથે સાથે મોટાભાગના ક્રાંતિવીરો સુશિક્ષિત હતાં. અશફાકુલ્લા ખાને સંસ્કૃત ભાષામાં સ્નાતક થયેલા, જયારે બિસમીલ સાહેબ ઉર્દુ ભાષામાં સ્નાતક થયેલાં. કાયદાનું એટલું જ્ઞાન હતું કે જે અંગ્રેજ સરકાર પાનાં ફેવરી ફેવરીને કાયદા બોલતાં,તે આ ક્રાંતિવીરો મોઢે બોલી જતા. તેમની જિંદગી આરામથી ગુજારી શકે તેમ હતા. પણ ગોરાઓનો ત્રાસ એટલો વધી ગયો હતો કે હવે નિર્ણય લેવો જરૂરી હતો.
કાકોરી કાંડ કેમ કરવાનો વિચાર આવ્યો ?
1 જાન્યુઆરી 1925,ભારતના કોઈ સ્થળેથી ચાર પાનાંનું પેમ્ફલેટ(સંવિધાન) જે રામપ્રસાદ બિસમીલજીએ રચ્યું હતું તે પ્રકાશિત થયું. તેનું શીર્ષક હતું,”The Revolutionary”. જે લખ્યું તો રામપ્રસાદ બિસમીલજીએ હતું, પણ પ્રકાશિત નામ “વિજય કુમાર” રાખ્યું હતું. આ પેમ્ફલેટમાં રામપ્રસાદ બિસમીલજીએ તેમના ક્રાંતિકારી વિચારો,યુક્તિઓ અને લક્ષ્યાંકો લખ્યા હતાં. તેમાં બ્રિટિશ સરકારને અઘરાં સવાલ ના પૂછવા બદલ ગાંધીજીને રીતસરના વખોડી કાઢ્યા હતાં. અંગ્રેજો ગાંધીજી જે સુધારાં-વધારાં લાવવા માંગતા તેની કોઈ કદર નહોતા કરતાં. આથી રામપ્રસાદ બિસમીલજીએ આ પેમ્ફલેટમાં તેમની અને તેમના ગ્રુપની માંગ અને એવા નિયમો જે અંગ્રેજ સરકારને તેને અનુસરવા માટે ફરજ પડાવવાના હતાં તે લખ્યા હતાં. આ પેમફેલ્ટ પોલીસના હાથમાં આવ્યું એટલે તેમણે તેનાં લેખક ની શોધ શરુ કરી. એવામાં સચિન્દ્રનાથ બક્ષી અને જોગેશચંદ્ર ચેટરજી,જેઓ HRAના બંગાળના કાર્યકર્તા હતા અને બંગાળમાં આ પેમ્ફલેટને ફેલાવતાં પકડાયા. આથી રામપ્રસાદ બિસમીલજી પર ઉત્તરપ્રદેશ સાથે સાથે બંગાળની જવાબદારી પણ આવી ગઈ. એ સમયે દેશમાં પંજાબ,મદ્રાસ જેવા અલગ અલગ સ્થળોએ લગભગ કુલ 322 જગ્યાએ આંદોલન શરુ થયા. એ દરમિયાન દેશમાં કુલ 9,57,300 કરતાં પણ વધુ લોકોની ધરપકડ થઇ હતી. આટલી મોટી સંખ્યામાં ધરપકડ દુનિયાનાં કોઈ ખૂણે નહિ થઇ હોય,કેમ કે આટલા ક્રાંતિવીરો ભારત સિવાય ક્યાંય નહિ જન્મ્યાં.
HRA ના ક્રાંતિકારીઓ પાસે સૌથી મોટી સમસ્યા હતી, આર્થિક મદદ ! આવા લોકો માટે લોકો ફંડ આપવા ટેવાયેલાં ન હતાં. યાત્રા-સંઘો,મંદિરો અને બ્રહ્મભોજન માટે લોકો લખો રૂપિયા આપવા તૈયાર હતાં. પણ અંગ્રેજોના દુશ્મન થવા કોણ પૈસા આપે ? અને પકડાઈ જાય તો સરકારના અપરાધી થઇ જાય. એટલે જ ક્રાંતિકારીઓ સરકારી ખજાનો અને સરકારી હથિયારો પાર લૂંટ ચલાવી પોતાની જરૂરિયાતો પુરી કરતાં.એ સમયે 7 માર્ચ 1925ના દિવસે બિચપુરી અને 24 મે,1925 ના દિવસે દ્વારકાપુરમાં સરકારી દલાલના ઘરે લૂંટ કરી. જેમાં ઘટના સ્થળે બંને જગ્યા પર 1-1 હત્યા પણ થઇ. આથી ક્રાંતિના આ નામને કાળો ધબ્બો લાગ્યો. રામપ્રસાદ બિસ્મિલજીને ખૂબ જ દુઃખ થયેલું. આથી એ દિવસથી નક્કી કરેલું કે…”કોઈ દેશના ઘર પર લૂંટ નહીં કરીયે,અને હવે સરકારી ઓફિસો-મિલકાતો અને ખજાના જ લૂંટીશું.”
કાકોરીકાંડની ઘટના !
સ્થળકાકોરી ગામનું રેલ્વે સ્ટેશન,લખનઉસમયરાત્રે 2:42 વાગ્યે !દિવસ9 ઓગષ્ટ,1925રેલ્વે રેલવે નં-8,લખનઉ થી શાહજહાંપૂર(મુસાફરી માટેની ટ્રેન)ક્રાંતિવીરો10 – પંડિત રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, પંડિત ચંદ્રશેખર આઝાદ, ઠાકુર રોશન સિંઘ , કેશવ ચક્રવર્તી, રાજેન્દ્ર લાહિડ઼ી, સચિન્દ્ર બક્ષી, મનમનાથ ગુપ્ત, મુકુન્દીલાલ,બનવારી લાલજી.કેટલી રકમની લૂંટ થઇ?₹ 8422 અંગ્રેજોએ કેસ માટે કરેલો ખર્ચો₹ 13,05,921
[ગૂગલ મેપ] લખનઉ થી શાહજહાંપુર જઈ રહેલી ટ્રેનનો ટ્રેક,અને આ ટ્રેકનું પહેલું સ્ટેશન અને ઘટનાસ્થળ : કાકોરી ! Source : campusghanta.comએકવાર…રામપ્રસાદ બિસ્મિલજી શાહજહાંપૂર થી લખનઉ 8 નંબરની ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતાં. ત્યારે તેમણે જોયું કે દરેક સ્ટેશને ટ્રેન ઉભી રહે છે ત્યારે ગાર્ડ નવી પૈસાની પોટલીઓ લઇને ટ્રેનમાં એક ખાસ સુરક્ષિત કોચમાં મૂકે છે. ત્યારે તેમને વિચાર આવેલો. તેમણે તેમનો આ વિચાર આ વાત તેમનાં મિત્રો ને કહ્યો. તેમના આ વિચારથી બધા મિત્રોએ બિરદાવ્યો. આ મિત્રો એટલે HRAના કાર્યકર્તાઓ અશફાક ઉલ્લાહ ખાન,આઝાદ વગેરે ! અને તેઓએ તારીખ નક્કી કરી 9,ઓગષ્ટ 1925.
9 ઓગષ્ટ,1925…સમય ઉપર જણાવ્યો તેમ! શાહજહાંપૂર થી લખનઉ જઈ રહેલીમુસાફરી ટ્રેનમાં ક્રાંતિવીરો પૂરતી તૈયારી સાથે મુસાફર બનીને બેસ્યા. આયોજન પણ પ્રભુત્વવાળું હતું,કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કાર્ય વગર લૂંટ કરવાનું.
9 ઓગષ્ટની મોડી રાત્રે 8-નંબરની મુસાફરી ટ્રેન લખનઉ થી શાહજહાંપૂર રવાના થઇ.અશફાકુલ્લા ખાન , સચિન્દ્ર બક્ષી અને રાજેન્દ્ર લાહિડ઼ી બીજા કમ્પાર્ટમેન્ટમાં હતાં અને બીજા 7 ત્રીજા ડબ્બામાં .તેઓના પાસે ચાર જર્મન માઉઝર(પિસ્તોલ) અને અન્ય દેશી પિસ્તોલો હતી. કિંમતી માલની સુરક્ષા માટે 14 અંગ્રેજ ઓફિસરો હતાં. લખનઉ બાદનું જ સ્ટેશન કાકોરી, જે ગાઢ નિંદ્રામાં પોઢી રહ્યું હતું. એવામાં આયોજન પ્રમાણે રાજેન્દ્ર લાહિડ઼ીએ ટ્રેનની ચેન ખેંચી,અને અન્ય મુસાફરોને કીધું કે માત્ર સરકારનો જ માલ લૂંટીશું. એટલે બધા શાંત રહ્યા. ટ્રેન કાકોરી ગામના સ્ટેશનથી થોડીક જ દૂર અંધા
જર્મન માઉઝર, આવી ચારનો ઉપયોગ કર્યો હતો . Source : વિકિપેડિયા
રામાં ઉભી રહી ગઈ. બધા ક્રાંતિવીરો નીચે ઉતરી ગયા અને જે ખાસ ડબ્બામાં કિંમતી માલ હતો એ તરફ ધસી ગયા. આ ડબ્બાના ગાર્ડને જમીન પર બંદૂકની અણીએ સુઈ જવા કહ્યું. અને આ ડબ્બામાંથી ચંદ્રશેખર આઝાદ અને અશફાકુલ્લા ખાન સાહેબે જે કિંમતી માલ ભરેલો લોખંડનો સંદૂક હતો,જે ચઢાવવા અંગ્રેજ સરકાર દસ માણસો રાખતી હતી એને બે જ જણાએ ઊંચકીને ટ્રેનની નીચે ફેંકી દીધો. અશફાકુલ્લા ખાને તેમની માઉઝર મનમનાથ ગુપ્તને પકડવા આપી. ચંદ્રશેખર આઝાદે કુહાડીથી આ સંદૂક તોડ્યો અને ચાદર લાવ્યા હતા તેમાં બધો માલ ભરી દીધો. એવામાં જોશમાં આવેલા મનમનાથ ગુપ્તે, ટ્રેનની બહાર નીકળી અંગ્રેજો અને ક્રાંતિવીરો વચ્ચેના ફાયરિંગથી ગભરાઈને બૂમો પડી રહેલા અહમદ અલી નામના માણસને મોતને ઘાટ ઉતારી દીધો. ચાદરમાં ભરીને માલ લઇ લખનઉ જવા નીકળી ગયા. પણ ભૂલથી એક ચાદર ત્યાં રહી ગઈ. 14 અંગ્રેજો પાસે બંદૂક હોવા છતાંય તેઓ કઈના કરી શક્ય કેમ કે તેઓને લાગ્યું કે આ બહુ મોટું ટોળું લાગે છે. માત્ર દાસ લોકોએ આ લૂંટથી દેશભરમાં અંગ્રેજો વિરુદ્ધ આતંક ફેલાવ્યો. આ ઘટનાની દેશના યુવકોનો ઉત્સાહ આસમાને પહોંચી ગયો. ક્રાંતિકારીઓની સંસ્થાનું જેટલું કરજ હતું તે ચુકાવી દીધું.
અંગ્રેજોએ ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું, કે આવડી મોટી લૂંટ અને આટલી જટિલ યોજના કરીને થશે. અંગ્રેજોના દાફતરો પર આ ઘટના અંગે વાત ફેલાઈ. અંગ્રેજ સરકાર તે જ સવારથી તપાસ હાથ ધરી દીધી. પણ આ લૂંટ નું પ્લાનિંગ એટલું જટિલ હતું કે અંગ્રેજ સરકારને ખબર પડી ગઈ કે આ કેસને ઉકેલવાના આપણા કામ નહીં.માત્ર એક છૂટી ગયેલી ચાદર હાથ આવી. આ માટે અંગ્રેજ સરકારે દેશભરમાં જાહેર કરી દીધું કે જે માણસ આ કેસમાં તેમની મદદ કરશે તેને ઇનામ આપવામાં આવશે. થોડા દિવસ સુધી કઈ જ ખબર જ ના પડી.
ઘટના બાદ !
પોલીસે તપાસની શરૂઆત કરી !
આ ઘટના અંગ્રેજ સરકાર માટે શરમનો દાગ હતી,જેને તે ઝડપી હટાવા માંગતી હતી. તપાસ ધરી કઈ હાથ ના આવતાં અંગ્રેજોએ દુનિયાની સૌથી પ્રખ્યાત પોલીસ જે એ વખત પણ હતી, ‘સ્કોટલેન્ડ પોલીસ’ ના મિ.હાર્ટનને આ કેસ સોંપ્યો. તપાસ શરૂ થઇ. જે ચાદર છૂટી ગઈ હતી એમાં એક ખૂણે એક ચિહ્ન લગાવેલું હતું, જે ત્યાંના ધોબી તેના ગ્રાહકો ની ચીજવસ્તુઓ પર લગાવતાં.આ ચિહ્ન પોલીસને શાહજહાંપૂર લઇ ગયું. ત્યાં તેમણે દરેક ધોબીઓને ત્યાં પૂછપરછ કરી. જ્યાં એક સફળતા મળી. જે ચાદર છૂટી ગઈ હતી તે બનવારી લાલજીની હતી. જેઓ પોલીસના ગવાહી બની ગયા અને તેમણે આ પાર્ટીના 40 સભ્યોના નામ પોલીસને આપી દીધાં.
અંગ્રેજ સરકારે આ ક્રાંતિકારીઓને સૌથી સખત સજા આપવાનું નક્કી કર્યું. પણ આ એટલી જટિલ પૂર્વઆયોજિત ઘટના હતી કે ક્રાંતિકારીઓના વિરુદ્ધમાં જોઈએ એટલા અને મજબૂત પુરાવા મળ્યા જ નહી. તો પણ આ ઘટના માટે એવા એવા કાયદામાં ફસાવ્યા કે જે હતાજ નહી.
ધરપકડ શરુ થઇ !
પોલીસે ધીમે ધીમે એક-એક કરીને ધરપકડ કરવાની શરુ કરી. 26 સપ્ટેમ્બર,1925ની રાત્રે આ કાંડના યોજક રામપ્રસાદ બિસમીલ અને અન્ય 40 લોકો પકડાયા,પણ જે કાકોરી લૂંટના દસ લોકો હતા તેમાંથી અશફાકુલ્લા ખાન,સચિન્દ્રનાથ બક્ષી,ચંદ્રશેખર આઝાદ, કેશવ ચક્રવર્તી અને મુરારી શર્મા ફરાર હતા. જેમાંથી અશફાકુલ્લા ખાન અને સચિન્દ્રનાથ બક્ષી જ ને જ શોધી શકી. પકડાયેલા ક્રાંતિકારીઓને લખનઉની જેલમાં રાખવામાં આવ્યાં. લખનઉના હઝરતગંજ પાસેના ચૌરા પાર આવેલી ‘રીંગ થિયેટર’ નામની બિલ્ડીંગમાં અસ્થાયી કોર્ટ જાહેર કરી કોર્ટમાં કેસ દાખલ કર્યો. જ્યાં આ કેસને‘સરકાર વિરુદ્ધ રામપ્રસાદ બિસમીલ અને અન્ય’ નામ આપ્યું. જ્યાં 18 મહિના કેસ ચાલ્યો. જે લોકો પકડ્યા નહોતા તેમના વિરુદ્ધ પણ કેસ ચાલ્યો. જ્યાં પબ્લિક પ્રોસિક્યુટર તરીકે જગત નારાયણ અને ક્રાંતિકારોના પક્ષમાં સરકારી ખર્ચે એક સાધારણ લક્ષ્મીનારાયણનાથ મિશ્રા નામના વકીલ આપવામાં આવ્યા. પણ રામપ્રસાદ બિસમીલે તે લેવાનો ઇન્કાર કરી દીધો.
બિસમીલ સાહેબે પોતાની અને ક્રાંતિકારીઓના પક્ષમાં વકાલત કરી.
અંગ્રેજોના સંવિધાન અંગ્રેજોને વાંચીને સંભળાવાની ઔકાત કોની ? જયારે કોર્ટમાં રામપ્રસાદ બિસમીલે ઇંગલિશમાં પોતાની પહેલી દલીલ મૂકી ત્યારે જજસાહેબ લુઈસ શર્ટે આશ્ચર્યમાં આવીને પૂછ્યું કે “કાયદાનું જ્ઞાન કઈ યુનિવર્સીટીમાં થી મેળવ્યું છે?.” ત્યારે બિસમીલ સાહેબે મોં પર કહી દીધું કે “અમે સમ્રાટ સામે બગાવત કરી છે જેના માટે અમારે કોઈ ડિગ્રીની જરૂર નથી.”
બિસમિલ સાહેબે વકાલત કરતા દલીલમાં કહ્યું કે “તમે અમારી ઉપર…
120-A & 120-B: એકથી વધારે લોકો ઘ્વારા કોઈ ષડયંત્ર થયું હોય ત્યારે…
121-A : સરકાર,રાજ્ય વિરુદ્ધ ગુનો કરવો,થવા તેનો પ્રયત્ન કરવો.
302 : ખૂન
356 : કોઈએ પહેરેલી વસ્તુ અથવા તેની પાસે હોય તે વસ્તુની ચોરી કરવી અથવા તે માટે ગુનાહિત બળ વાપરવું.
…દરેક લોકો પાર ના લાગી શકે. તેમ છતાંય અંગ્રેજ સરકારે પોતાના પાર લાગેલાં કલંકરૂપી દાગને છુપાવવા માટે જુઠા આરોપો જાહેર કરી સજા સંભળાવી.
અંતિમ સુનાવણી
22 ઓગષ્ટ 1927,ના દિવસે અંતિમ નિર્ણય આપવામાં આવ્યો. જે અંતર્ગત બિસમીલ સાહેબ,અશફાકુલ્લા ખાન,રાજેન્દ્ર લાહિડ઼ી અને ઠાકુર રોશનસિંઘને ફાંસીની સજા આપી. સચિન્દ્રનાથ સાન્યાલે જેલમાં હતા ત્યારે લેખિતમાં પ્રાયશ્ચિત કરતાં ખાતરી આપી કે તેમણે જે કર્યું તેમનો તેમને અફસોસ છે,હવે તે ક્યારેય સરકાર ક્રાંતિકારી કાર્ય નહીં કરે,જેના આધારે તેમને સજા ઓછી કરી ઉંમર કેદની સજા આપી. તેમના નાના ભાઈ ભુપેન્દ્રનાથ સાન્યાલે અને બનવારીલાલે પોતાનો ગુનો કબુલ્યો હતો,જેથી તેમની સજા પાંચ વર્ષની રહી. ચીફ કોર્ટમાં અપીલ કરવા છતાંય જોગેશચંદ્ર ચેટરજી,અને ગોવિંદચરણની સજા જે 10-10 વર્ષની નક્કી થઇ હતી તે વધારીને ઉંમરકેદ ની કરી. સુરેશચંદ્ર ભટ્ટાચાર્ય અને વિષ્ણુચરણ દુબ્લીશની સજા પણ વધારીને 7 વર્ષથી 10 વર્ષની કરી દીધી. રામકૃષ્ણ ખત્રીને 10 વર્ષનો કઠોર કારાવાસ આપ્યો. સુલભ અક્ષરોમાં દલીલ આપવા બાદલ પ્રણવેશચંદ્ર ચેટરજીની સજા 5થી ઘટાડીને 4 વર્ષની કરી. આ કેસમાં સૌથી ઓછી સજા રામનાથ પાંડેને 3 વર્ષની થઇ. ઘટનાસ્થળ પર ગોળી મારી હત્યા કરી હતી તે મનમનાથ ગુપ્તાને 14 વર્ષની સજા થઇ. રામ દુલારે ત્રિવેદીને 5 વર્ષના કઠોર કારાવાસની સજા થઇ. બાકી જે અન્ય ક્રાંતિકારીઓ હતા તેમના વિરુદ્ધ કોઈ પુરાવા ન મળતા તેમને મુક્ત કરાયા.
મૂરખ અંગ્રેજ સરકાર !
અંગ્રેજ સરકારે આંધળી થઇને ક્રાંતિકારીઓની સજા ઘોષિત કરી. તમે વિચાર કરો…₹ 8422 ની થયેલી લૂંટ પાછળ,આ ક્રાંતિવીરોને કઠોર સજા આપવા કુલ ₹ 13,05,921 ફૂંકી દીધાં. આમ કરવાથી હકીકત કોની સામે આવી ? હાર કોની થઇ ? મૂરખ કોણ બન્યું ? શરમમાં કોણ મુકાયું ? બધાનો જવાબ એક જ “મૂરખ અંગ્રેજ સરકાર”. ક્રાંતિવીરોનો પરાક્રમ જીતી ગયો.
ગુજ્જુગીક વિશેષ !
કાકોરીકાંડ અને તેના વીરક્રાંતિવીરોને ફરી એકવાર સાદર પ્રણામ ! કાકોરી કાંડથી માંડીને સજાની સુનાવણી અને ફાંસી સુધી થયેલા કેટલાક રસપ્રદ કિસ્સા.
જેલ દરમિયાન પંડિત રામપ્રસાદ બિસમીલ અને તેમની માતાનો સંવાદ !
સજાની સુનવણી બાદ જેલમાં રામપ્રસાદ બિસમીલને તેમની માતા મળવા આવે છે. તેમની માતાને જોઈને તેઓ રડી પડે છે. ત્યારે તેમની માતા તેમને કહે છે…“બેટા,આ શું ? હું તો એમ વિચારતી હતી કે મારો પુત્ર શૂરવીર છે. તેના નામ માત્રથી અંગ્રેજ સરકાર કંપકંપી ઉઠે છે. જો મોતનો ડર જ હતો તો આ બધું શું કામ કર્યું ? ત્યારે તેઓ તેમની માતાને જવાબ આપતાં કહે છે કે “મા,આ મોતથી ડરીને નીકળેલાં આંસુ નથી. આ આંસુ તો આનંદના છે. એક વીરાંગનાને જોયાનો આનંદ.”
બિસમીલ સાહેબે તેમની માતાને લખેલો પત્ર !
બિસમીલ સાહેબ,એક શાયર,ગઝલકાર પણ હતા. જેલમાં રામપ્રસાદ બિસમીલે તેમની માતાને અંતિમ પત્ર લખેલો. આ પત્રમાં તેમણે લખ્યું કે…
ए माँ मेरी जज्बे को आंसूमें छुपा लेना,
बदनाम न हो आंसू आँखोंमें छुपा लेना,
बदनाम न हो आंसू आँचलमें छुपा लेना,
आज़ादी की ईस शम्मत पर तेराभी ये परवाना,
चढ़ जाए हँसते हँसते बस इतनी दुआए देना।
आए तेरे कूचेमें राख मेरी उड़कर,
एक नन्ने से बच्चे के माथे पे लगा लेना,
एक नया ‘बिसमिल’ और ‘आज़ाद’ बना देना।
અશફાકુલ્લા ખાન અને મુસ્લિમ ઇન્સ્પેક્ટર વચ્ચેનો સંવાદ!
અશફાકુલ્લા ખાન પછીથી પકડાયા,તેમને બીજા બધા ક્રાંતિવીરો કરતા અલગ જેલમાં ખસેડ્યા. સરકારને કોઈ જ પુરાવા નહોતા મળ્યા કે કઠોરમાં કઠોર સજા, આ બધા ક્રાંતિવીરોને આપી શકે. એકવાર ઇન્સ્પેકટર ખાનબહાદુર તસદ્દુક હુસૈન તેમને મળવા આવે છે, અને તેમને કહે છે કે…“દેખો અશફાકભાઈ,તમે એક મુસ્લિમ છો અને અલ્લાહના બીજમાંથી હું પણ એક મુસ્લિમ છું, એટલે હું તમને એક સલાહ આપું છું. રામપ્રસાદ બિસમીલ વગેરે લોકો હિન્દૂ છે. આ લોકો અહીંયા હિંદુઓનું રાજ સ્થાપવા માંગે છે. તમે આ બધા કાફિરોના ચક્કરમાં પોતાની જિંદગી વ્યર્થ કરવા બેઠાં છો. હું તમને છેલ્લીવાર સમજાવું છું કે, માની જાઓ…અને સરકારી ગવાહ બની જાઓ. હું સજા પણ ઓછી કરાવી દઈશ. “
અશફાકુલ્લા ખાન આ ઇન્સ્પેકટરને ગુસ્સે થઇને કહે છે કે… “ખબરદાર! બિસમીલને હું તમારા કરતા વધુ સારી રીતે ઓળખું છું. તેમનો ઈરાદો આવો બિલકુલ નથી. અને જો હિંદુઓનું રાજ્ય થશે તો પણ તારી ગોરાઓની સરકાર કરતાં તો ખૂબ સારી જ બનશે. તે એમને કાફિર કહ્યા,મહેરબાની કરીને અહીંથી નીકળી જા નહીંતો મારા પર 302(હત્યા)નો વધુ એક કેસ થઇ જશે.”
રોશનસિંઘનું મિત્રો પ્રત્યેનું સમર્પણ (friendship day special) !
આંધળી સરકારે ખોટી ખોટી સજા સંભળાવી દીધી. સજાની પહેલી ઘોષણામાં ફાંસી રોશનસિંઘને નહોતી અપાઈ. સજાની પહેલી સુનવાઈ થઇ ત્યારે ઠાકુર રોશનસિંઘે ખુમારીથી પોતાના સાથી સચિન્દ્રનાથ સાન્યાલને પૂછ્યું કે“ઓય,ઠાકુરને કેટલી સજા થઇ છે ?” ત્યારે સચિન્દ્રનાથ સાન્યાલે કહ્યું કે “તને 5 વર્ષની સજા થઇ છે.” આ સાંભળી રોશનસિંઘે ગુસ્સે થઇ સાન્યાલને ચંપલ કાઢીને છૂટું માર્યું. આ ઘટનાથી તેમના પર અલગથી મુકદ્દમો ચાલ્યો,અને ફાંસીની સજા થઇ. પછી બિસમીલ સાહેબને તેમણે કહેલું કે… “ઓય બિસમીલ,તને શું લાગતું હતું, કે તું એકલો ફાંસીએ ચઢી જઈશ ? તું એકલો જ આ માનો દીકરો છે ? હવે તો આ ઠાકુર પણ ફાંસીએ ચઢવાનો !”
પંડિત રામપ્રસાદ બિસમીલે કોર્ટ અંગ્રેજો વિરુદ્ધ કરેલી દલીલ !
જયારે જેલમાં આપણા આ ક્રાંતિવીરોને પકડીને રાખ્યા ત્યારે તેમણે 45 દિવસ સુધી ભૂખ હડતાળ કરી હતી. જેલમાં ખૂબ જ ખરાબ વર્તન કરાયા. આ બાબતે તેમણે કોર્ટમાં એક દલીલમાં એ પણ કીધું કે “અમે યુદ્ધના કેદીઓ છે,અને બ્રિટિશ બંધારણ મુજબ જયારે કોઈ જનતા વિરુદ્ધ ગુનો કરીએ તો એ અલગ વાત છે,પણ જયારે કોઈ કેદીએ બ્રિટિશ શાસક,શાસનના અને સામ્રાજ્યના વિરુદ્ધમાં ગુનો કરે તો તે કેદી સાથે રિસ્પેક્ટ(આદરણીય) થી વર્તવું જોઈએ. તેથી તમે અમારી સાથે આવી રીતે વર્તાવ ના કરી શકો.“
મિ.હાર્ટનનો લોર્ડ વોઇસરૉયને પત્ર !
સ્કોટલેન્ડ યાર્ડ પોલીસના મિ.હાર્ટન,જેમને આ કેસ સોંપવામાં આવ્યો હતો. જયારે તેમણે આ કેસને ખૂબ ઊંડાણ પૂર્વક અભ્યાસ કર્યો તો પણ આ ક્રાંતિવીરોને કઠોર સજા અપાય તેવા જોઈએ તેવા પણ પુરાવા હાથ ના આવ્યા. મિ.હાર્ટને લોર્ડ વાઇસરોયને પત્રમાં લખ્યું હતું કે, “આપણી હુકુમતમાં શ્રેષ્ઠ અધિકારીઓ છે.પણ તેમનાં જ્ઞાન અને દેશપ્રેમે આપણને નાના કરી દીધાં.”
સદા ‘આઝાદ’ રહેલાં ચંદ્રશેખર આઝાદ !
HRAના બધા અધિકારીઓની ધરપકડ થઇ એ દરમિયાન ચંદ્રશેખર આઝાદ,કેશવ ચક્રવર્તી અને મુરારી શર્મા ક્યારેય અંગ્રેજોના હાથના લાગ્યા. ચંદ્રશેખર આઝાદ અલ્હાબાદમાં અંગ્રેજો સામે લડતાં લડતાં પોતે જ પોતાને બંદૂકની ગોળી મારી શહીદ થઇ ગયા. આ ત્રણ જ ક્રાંતિવીરો એવા હતાં જે ક્યારેય અંગ્રેજોની પકડમાં નહોતા આવ્યા. અને એમાંય ચંદ્રશેખર આઝાદ સિવાયકેશવ ચક્રવર્તી અને મુરારી શર્માતો 70-80ના દાયકા સુધી હયાત હતાં.
બિસમીલ સાહેબે ચંદ્રશેખર આઝાદની બાબતે ખુલાસો કરતા કહ્યું કે…
ચંદ્રશેખર આઝાદ,કેશવ ચક્રવર્તી અને મુરારી શર્મા સિવાય બધાની ધરપકડ થઇ ગઈ. એક દિવસ સરકારે રામપ્રસાદને પૂછ્યું કે ...”આઝાદ ક્યાં છે ?” ત્યારે બિસમીલે તેમના શાયરીના અંદાજમાં જવાબ આપ્યો કે…
ઈન હીજડો કી ફોજમેં, કોઈ મર્દ ના પાયા જાયેગા.
ઈન નપુંસકોકી સેનામેં કોઈ મર્દ ના પાયા જાયેગા.
વોહ તુફાનમેં જલને વાલા ચિરાગ હૈ,
તેરી ઈન લૂંગીકી ફૂંકોસે ના બુઝાયા જાયેગા.
તુમ ક્યાં પકડોંગે સમુંદર કો,ઓર આસમાન કો, હવાકો,
અગર કહી પકડ ભી લિયા,તો તુમ ક્યા પકડોગે આઝાદ કો.
વોહ રુહોને બહને વાલા ઇન્કલાબ હૈ,તુમ્હારી ઔકાત સે બહાર હૈ !
‘રંગ દે બસંતી ચોલા’ ગીતનું સર્જન !
જેલમાં એક દિવસ વસંતપંચમીના દિવસે કવિશ્રેષ્ઠ બિસમીલ સાહેબને તેમના સહસાથીઓએ આગલા દિવસે કહ્યું કે કાલે વસંતપંચમી છે. કોઈ શાયરી કે ગઝલ થઇ જાય, આપણે તેને કાલે કોર્ટમાં જઈશું ત્યારે ગાતાં-ગાતાં જઈશું. ત્યારે રામપ્રસાદ બિસમીલે તેમના મિત્રોની ઈચ્છા પુરી કરતાં “રંગ દે બસંતી ચોલા” ગીત લખ્યું હતું. આ ગીતમાં ત્યાર બાદ ભગતસિંઘે પણ તેમની ત્રિપુટીની ફાંસી વખતે થોડી પંક્તિઓ ઉમેરી હતી. આ ઉપરાંત “સરફરોશી કી તમન્ના” પણ એમણે જ લખેલું.
પૂર્ણવિરામ !
આપણી પેઢી આ ઘટના ભૂલે નહીં,વીરોની શહાદતને ભૂલે નહી તેવી આશાથી હું અહીં પૂર્ણવિરામ મુકું છું. તમે પણ આ લેખને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરી શહીદોની શહાદતને લોકો સુધી પહોંચાડવામાં અમારી મદદ કરી શકો છો.
બસ આ લેખને અહીંયા પૂર્ણવિરામ મુકું છું. કાકોરીકાંડમાં ફાંસીની સજા બાદ ક્રાંતિમાં સખત વેગ આવ્યો. આ ઘટના એટલી મોટી હતી કે જેનું વર્ણન પૂરેપૂરું તમે જે વાંચ્યું એટલા સમયમાં વાત પુરીના થઇ શકે. આ ઘટનાને સમજવા માટે દિવસોના દિવસો બેસી તમે વાતો કરવા બેસો ત્યારે આ વાત ઘટના સમજી શકાય. મેં અહીં આ ઘટનાના મહત્વના મુદ્દા ટુકડે ટુકડે ઘણી જગ્યાએથી વાંચીને સમજીને અહીં વર્ણવી છે. જો મારાથી કોઈ ખોટી વાત લખાઈ ગઈ હોય તો તમે નિ:સંકોચ થઇ મને જણાવશો તો ખુશી થશે ! ધન્યવાદ !
No comments:
Post a Comment