# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday, 6 October 2018

તરાઈનું યુદ્ધ - 2


તરાઈનું યુદ્ધ - 2
·         પ્રકાશન તારીખ27 Jul 2018
·        

મહમૂદ ઘોરીના પહેલા આક્રમણને તો પૃથ્વીરાજે પોતાના બાહુબળથી હઠાવી દીધું, પણ મહમૂદ સિંદરી બળે પણ વળ ન મૂકેતેવી ભાવનાથી હિન્દુસ્તાન પર કબજો કરવા માગતો હતો. ઘોરી વતન પાછો ગયો પણ આ પરાજયે તેની રાતોની નિદ્રા હરામ કરી નાખી હતી.
મહમૂદ ઘોરીના આક્રમણ વખતે રાજપૂત રાજાઓ આપસી મતભેદો ભૂલી ગયા અને પૃથ્વીરાજના નેતૃત્વમાં લડવા માટે તૈયાર થયા. પૃથ્વીરાજ પાસે યુદ્ધમાં હાહાકાર મચાવી શકે તેવા સેનાપતિઓ પણ હતા.
પહેલા યુદ્ધના પરાજયમાંથી પદાર્થપાઠ લઇ તે બીજા હુમલા માટે સજ્જ થઇ રહ્યો હતો. તે અભિયાન મહમૂદ ઘોરીએ ૧૧૯૧ના વર્ષે શરૂ કર્યું. આજના દિલ્હીથી ૧૫૦ કિલોમીટર દૂર હરિયાણાના કરનાલ જીલ્લાના થાનેશ્વરથી ૧૪ માઈલ દૂર સરહિન્દના કિલ્લા પાસે તરાઈ નામનું સ્થળ આવેલું હતું. તેને મહમૂદે પોતાના રણ સંગ્રામનું કેન્દ્ર બનાવ્યું હતું. ખરેખર તો મહમૂદે ચૌહાણ સામ્રાજ્યના ભટીંડાના કિલ્લા પર અધિકાર કરી પૃથ્વીરાજને યુદ્ધ માટે ઉશ્કેર્યો હતો. પૃથ્વીરાજ સેના સહિત તેનો મુકાબલો કરવા સામો ગયો. પરિણામે નાછૂટકે મહમૂદે તરાઈમાં રોકાઈ જવું પડ્યું અને તરાઈ રણમેદાન બન્યું હતું.
આ સમયે પૃથ્વીરાજની મદદે ઉત્તર ભારતના ઘણા રાજપૂત રાજાઓ પણ હતા. તેઓ મહમૂદના આક્રમણ વખતે આપસી મતભેદો ભૂલી ગયા અને પૃથ્વીરાજના નેતૃત્વમાં લડવા માટે તૈયાર થયા. પૃથ્વીરાજ પાસે યુદ્ધમાં હાહાકાર મચાવી શકે તેવા સેનાપતિઓ હતા. ઉદા. તરીકે તેનો એક સેનાપતિ લાખા રતનસી વિશાળ શરીર ધરાવતો યોદ્ધો હતો. તેના ભાલાનું વજન એક મણ જેટલું હતું અને કમરે તો દોઢ ગજ લાંબી તલવાર બાંધતો હતો. આ સૈનિકો અને વિશાળ સેના લઇ પૃથ્વીરાજ તરાઈ પહોંચ્યો. યુદ્ધના પહેલા જ દિવસે ચૌહાણ સેનાએ મહમૂદ ઘોરીની સેનાના ૭ હજાર ઘોડેસવાર સૈનિકોનો ખુરદો બોલાવી દીધો. પૃથ્વીરાજની સેનામાં ગજદળ પણ હતું. તેઓએ રચેલા ગજ ચક્રવ્યૂહમાં ઘોરીના લગભગ ૧૦ હજારથી વધુ સૈનિકો માર્યા ગયા હતા.
પૃથ્વીરાજની સેના ઘોરી લશ્કર પર સુનિયોજિત હુમલાઓ કરી રહી હતી. પણ સેંકડો કોસ દૂરથી એક ઝનુન સાથે આવેલો મહમૂદ પણ ગાંજ્યો જાય તેમ ન હતો. સુલતાન મહમૂદ ઘોરીએ હાથી પર બેસી લડી રહેલા દિલ્હીના રાજા ગોવિંદરાયના મોઢા પર ભાલો મારી તેના બે દાંત તોડી નાંખ્યા. આ સમયે પૃથ્વીરાજના સેનાપતિ ખૈતસિંહ ખેંગાર લશ્કરનું સુકાન સંભાળી રહ્યા હતા. પરંતુ ધાર્યું પરિણામ આવતું ન હતું.
આખરે પૃથ્વીરાજ ખુદ રણમેદાનમાં આવ્યો. પૃથ્વીરાજના આવતાં સાથે ચૌહાણ સેનામાં નવસંચાર થયો. રાજપૂત સૈનિકોએ ઘોરી સેનાના છક્કા છોડાવી દીધા. મહમૂદ ઘોરી પણ બહુ જ ખરાબ રીતે ઘાયલ થયો હતો. મહમૂદના હાથ પર તીર વાગ્યું અને તે લગભગ મૂર્છિત થઇ ગયો. આ જ વખતે તેનો એક વફાદાર સૈનિક ઘોડો લઈ પહોંચી ગયો અને પોતાના સુલતાનને રણમેદાનની બહાર લઈ ગયો. આ વખતે પૃથ્વીરાજ આવ્યો અવસર ચૂકી ગયો. થોડીક વ્યૂહરચના ગોઠવી હોત તો તરાઈનું યુદ્ધ મહમૂદ ઘોરીનું અંતિમ યુદ્ધ બન્યું હોત. દંતકથાઓ મુજબ તો મહમૂદ પરાજય પછી પૃથ્વીરાજની કેદમાં પુરાયો હોવાનું પણ કહેવાય છે. પણ વાસ્તવમાં એમ બન્યું ન હતું. રાજા ઘવાતા અને રણમેદાન છોડતો જોઈ લશ્કરનું પણ શું પૂછવું?
સેનાપતિઓ સહિત સૈનિકો પણ મહમૂદના રસ્તે નાઠા. સેનાપતિના અભાવમાં તુર્ક લશ્કર મુઠ્ઠીઓ વાળીને ભાગ્યું. પછી પરિસ્થિતિ પોતાની તરફેણમાં છે તેનો ખ્યાલ આવતાં ચૌહાણ સેનાએ ૮૦ માઈલ દૂર સુધી તુર્કોનો પીછો કર્યો. અને લગભગ વાયવ્ય સરહદ સુધી ખદેડી મૂક્યા. આ યુદ્ધ પછી પૃથ્વીરાજને અંદાજે ૭ કરોડ રૂપિયા જેટલી સંપત્તિ મળી, જે તેણે યુદ્ધમાં પોતાને વિજય અપાવનાર સૈનિકોમાં વહેંચી દીધી.
ઘાયલ મહમૂદ ઘોરીને પૂરો કરવાનો આવ્યો અવસર પૃથ્વીરાજ ચૂકી ગયો. થોડીક વ્યૂહરચના ગોઠવી હોત તો તરાઈનું યુદ્ધ મહમૂદ ઘોરીનું અંતિમ યુદ્ધ બન્યું હોત.
મોટા વિજય સાથે મહારાજ પૃથ્વીરાજ અજમેર પરત આવ્યા. તરાઈના પહેલા યુદ્ધ પછી તેની રજવાડી ઈજ્જતમાં ઘણો વધારો થયો હતો. આખા ભારતમાં તેની વીરતા અને સાહસની ચર્ચા થતી હતી. બીજી બાજુ પરાસ્ત થયેલા મહમૂદ ઘોરીની શી હાલત હતી તે જોઈએ. તેનું બચેલું લશ્કર મહા મુસીબતે સ્વદેશ પહોચ્યું, પણ હવે તેમણે પોતાના સુલતાનનો ખોફ પણ સહન કરવાનો હતો. તેણે પોતાના બધા સેનાપતિઓના મોઢા પર જવના થોબરા બાંધી આખા શહેરમાં ફેરવ્યા અને અપમાનિત સ્થિતિમાં મૂકી દીધા. તે પોતે પણ ઘણો સમય મહેલની બહાર ન નીકળ્યો. સારાં કપડાં પહેરવાનું બંધ કરી મહમૂદ માત્ર અંત:પુરમાં વિશ્રામ કરતો રહ્યો. તેની રાતોની ઊંઘ હરામ થઇ ગઈ હતી. અપમાનની આગમાં ધૂંધવાતો મહમૂદ વઘુ મોકાની અને તૈયારીની ફિરાકમાં હતો. વેરની આગ તેને લાંબો સમય રાહ ન જોવડાવી શકી. બીજે જ વર્ષે ૧૧૯૨માં તે વધુ તૈયારી સાથે ભારત પર ચડી આવ્યો અને તે મહમૂદ કે પૃથ્વીરાજ માટે જ નહિ, સમગ્રતયા ભારતના ઈતિહાસનું નિર્ણાયક યુદ્ધ બનવાનું હતું.
(
ક્રમશઃ)
arun.tribalhistory@gmail.com

આભાર -  અરુણભાઈ  વાઘેલા


No comments:

Post a Comment