# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Tuesday, 2 October 2018

વલભી અને આરબ યુદ્ધ (ઈ.સ.૭૮૮)



વલભી અને આરબ યુદ્ધ (ઈ.સ.૭૮૮)

·         પ્રકાશન તારીખ18 Jul 2018







ગુજરાતમાં લોથલ, ધોળાવીરા અને રંગપુર જેવાં સ્થળોએ સ્થિત અવશેષો આજે પણ ગુજરાતના ભવ્ય ઐતિહાસિક વારસાની ગાથા કહેતા અસ્તિત્વ ધરાવે છે. તે પછી ગુજરાત જુદા -જુદા સમયે ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક અને ક્ષત્રપ જેવી જેવી સત્તાઓની આણમાં રહ્યું. તે પછી ઈ.સ ૪૭૦માં એટલે કે પાંચમા સૈકામાં વલભી (આજનું વલભીપુર)માં સ્વતંત્ર મૈત્રક શાસનની સ્થાપના થઈ. તેઓએ લગભગ અડધા કરતાં વધુ ગુજરાત ઉપર અંદાજે ૩૦૦ વર્ષ સુધી રાજ્ય કર્યું. ગુજરાતમાં મૈત્રક સત્તાનો અંત આરબો સાથેના યુદ્ધ પછી ઈ.સ. ૭૮૮-૮૯માં આવ્યો. તે સમયે તેનો છેલ્લો વંશજ શિલાદિત્ય સાતમો હતો.

ગુજરાતમાં મૈત્રક સત્તાનો અંત આરબો સાથેના યુદ્ધ પછી ઈ.સ. ૭૮૮-૮૯માં આવ્યો. તે સમયે તેનો છેલ્લો વંશજ શિલાદિત્ય સાતમો હતો.

આરબોએ ઇસ્લામ સ્વીકાર્યો તે પહેલાં સૈકાઓથી ભારત અને આરબ જગત વચ્ચે દરિયાઈ માર્ગે ગાઢ વ્યાપારી સંબધો ચાલતા હતા. તે સમયે આજનો અરબ સાગર સિંધુ સાગર કહેવાતો હતો. પણ તે પછી આરબોના વ્યાપારી આધિપત્યને કારણે સિંધુસાગર અરબી સમુદ્ર તરીકે પ્રસિદ્ધ થયો. આરબ જગતમાં બીજા ખલીફા ઉમર ફારુખની ખિલાફતના સમયમાં મુસ્લિમ શાસકોનું ધ્યાન પશ્ચિમ એટલે કે ભારત તરફ ખેંચાયું. ત્યાંના સુબાએ વિશાળ નૌકા કાફલા સાથે ગુજરાત પર આક્રમણ કર્યું, પણ આ હુમલા વખતે તેમને વિશેષ કશું હાથ લાગ્યું ન હતું. એના ચાર દાયકા પછી ઘોઘા બંદર પર આક્રમણ કર્યું. ઈ.સ.૬૭૭માં સિપાહીસલાર ઈસ્માઈલે ઘોઘાના હિંદુ રાજા પર હુમલો કર્યો, પણ તેમાં તેણે ઘણી જાનહાનિ વેઠવી પડી. ખુદ સિપાહીસલાર પણ માર્યો ગયો. તે પછી પણ આરબોએ સૌરાષ્ટ્ર પર નાના-મોટા હુમલાઓ ચાલુ રાખ્યા હતા, પણ તે વખતે સ્થાનિક સૈન્યની વીરતા કરતાં વધુ કુદરત તેમની વહારે આવી હતી. કારણ કે સૌરાષ્ટ્રમાં તે સમયે ફાટી નીકળેલા રોગચાળાએ આક્રમણકારીઓને કમને સ્વદેશ રવાના કર્યા હતા. હવે તેમનું નિશાન મૈત્રક શાસકોની રાજધાની અને સમૃદ્ધ નગર વલભી બનવાનું હતું.


લગભગ ૩૦૦ કરતાં વધુ વર્ષો સુધી મૈત્રકોની રાજધાની રહેલું વલભી એક સમૃદ્ધ નગર હતું. આર્ય મંજુશ્રીમૂલકલ્પ જેવા સમકાલીન ગ્રંથો મુજબ તે સમયે વલભીનો વ્યાપાર વિદેશો સાથે પણ ચાલતો હતો. સમુદ્રી વ્યાપારનું રક્ષણ કરવા માટે વલભીમાં વ્યવસ્થિત નૌકા સૈન્ય પણ હતું. ‘દશકુમારચરિત’ નાટકમાં વલભીના કરોડપતિ કાકુ શેઠની સાત માળની હવેલી અને તેમના દેશાવર સાથેના ધમધમતા વેપારના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તેના શાસકોના કનોજના રાજા હર્ષવર્ધન સુધી મૈત્રી અને સગાઇ સંબધો હતા. વલભીનો મૈત્રક રાજા ધ્રુવસેન મહાન સમ્રાટ હર્ષવર્ધનનો જમાઈ થતો હતો. વલભીનો ઉદય થયો હતો. એક સારા બંદર, વ્યાપાર ધંધાના મથક ઉપરાંત વલભી ત્યાંની વિદ્યાપીઠને કારણે પણ ભારતભરમાં જાણીતું હતું. દેશ-વિદેશના વ્યાપારીઓ અને વિદ્વાનોની ચહલપહલ વલભીમાં થતી રહેતી હતી. ચીની મુસાફર હ્યું-એન-ત્સાંગ પણ વલભીમાં ઘણો સમય રોકાયો હતો. તેણે પોતાના ‘સી-યુ-કી’ (પશ્ચિમ દિશાનો અહેવાલ) પુસ્તકમાં વલભીનો ઉલ્લેખ ફ-લ-પી તરીકે કર્યો છે. હ્યું-એન-ત્સાંગ લખે છે કે આ રાજ્યનો વ્યાપ ૧૨૦૦ માઈલ તથા નગરનો પરિઘ લગભગ ૬ માઈલ જેટલો હતો. તે ઉર્વર અને સંપન્ન પ્રદેશ છે. અહીંના બૌદ્ધ ધર્મના ૧૦૦ જેટલા મઠમાં ૬૦૦૦ હજાર કરતાં વધુ બૌદ્ધ સાધુઓ નિવાસ કરતા હતા. વલભી બહુ મોટું બૌદ્ધ કેન્દ્ર હતું. વલભી બૌદ્ધ ધર્મના હીનયાન મઠનું મોટું કેન્દ્ર હતું. ભારતભરમાંથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવતા હતા. હ્યું-એન-ત્સાંગના વલભી આવવા પાછળ આ જ નિમિત્ત હતું. વલભીની તુલના નાલંદા વિદ્યાપીઠ સાથે થતી. હ્યું-એન ત્સાંગ તો લખે છે કે વલભીમાં વસ્તી ઘણી ગીચ છે, રહેઠાણો ઘણાં સમૃદ્ધ છે. અહીં કરોડપતિઓનાં ૧૦૦ કરતાં વધુ ઘર છે. દૂરના પ્રદેશોમાં થતી વિરલ અને કીમતી ચીજો અહીં વિપુલ માત્રામાં જોવા મળે છે.

વલભી બહુ મોટું બૌદ્ધ કેન્દ્ર હતું. વલભી બૌદ્ધ ધર્મના હીનયાન મઠનું મોટું કેન્દ્ર હતું. ભારતભરમાંથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવતા હતા.

દેશી-વિદેશી પ્રમાણો મુજબ પ્રાચીન વલભી ઘણું સમૃદ્ધ નગર હતું. એટલે સ્વભાવિકપણે વિદેશી આક્રમણકારીઓની નજરમાંથી આવું નગર છટકી ન જ શકે અને થયું પણ તેવું જ. જોકે તેનું કારણ ઘણું જ વિચિત્ર છતાં રસિક છે. આગળ આપણે જે વલભીના કરોડપતિ શેઠ કાકુ શેઠની વાત કરી તેમની એક દીકરી પોતાની હવેલીમાં હીરા જડેલી સોનાની કાંસકીથી માથું ઓળી રહી હતી. આ દૃશ્ય ત્યાંથી હાથીની અંબાડી પર પસાર થતી શિલાદિત્ય સાતમાની પુત્રીએ જોયું. એને કાંસકી ઘણી ગમી ગઈ. એણે પોતાના પિતા પાસે ગામે તે ભોગે આ જ કાંસકી અપાવવાની જીદ પકડી. આ માત્ર રાજહઠ ન હતી, તેમાં બાળહઠ અને સ્ત્રીહઠનું સંયોજન પણ થયું હતું. રાજા શિલાદિત્યે પુત્રીની હઠ સામે ઝૂકી સૈનિકોને કાકુ શેઠની પુત્રીની કાંસકી લઈ આવવા હુકમ કર્યો. ચિઠ્ઠીના ચાકર સૈનિકોએ તાત્કાલિક ધોરણે તેનો અમલ કરી કાંસકી લાવી રાજકુમારીને પેશ કરી. અહીં રાજકુમારી ખુશખુશાલ થઈ ગઈ, પણ કાકુ શેઠની દીકરી એટલી જ દુઃખી થઈ ગઈ. સાથે કાકુ શેઠની નારાજગીનો પણ પાર ન રહ્યો. તેઓ પોતાના તરફ થયેલા આ અન્યાયનો બદલો લેવા માટે તડપી રહ્યા હતા, પણ વ્યાપારી વણજ કરી પણ શું શકે? આખરે મંથનના અંતે તેણે વલભીના રાજાને પાઠ ભણાવવા મલેચ્છો એટલે કે આરબોને વલભી પર હુમલો કરવા માટે બોલાવી લાવવાનું નકકી કર્યું અને પેટનો બળ્યો ગામ બાળે તેવી ભાવના સાથે પોતે નીકળી ગયા અરબસ્તાનમાં. આ આખોય પ્રસંગ ‘ભટ્ટીકાવ્ય’ નામના સમકાલીન ગ્રંથમાં નિરૂપવામાં આવ્યો છે.

વલભી અને આરબોનું યુદ્ધ (ભાગ-૨)






વલભી અને આરબો વચ્ચેનું યુદ્ધ એક વિચિત્ર અને હૈયાવરાળ સમા કારણથી થયું હોવાનું

આપણે ગત હપ્તામાં જોયું. પોતાના રાજા શિલાદિત્ય સાતમાના વર્તનથી વ્યથિત થયેલો કાકુ શેઠ અરબસ્તાનના રસ્તે નીકળી પડ્યો, જે તે સમયે મલેચ્છ મંડલ તરીકે ઓળખાતું હતું. આ સમયે રાજાના ગેરવહીવટ અને અત્યાચારી વર્તનનો ભોગ બનવાવાળો કાકુ શેઠ એકલો ન હતો. શિલાદિત્ય સાતમાના કુશાસનની માહિતી સમકાલીન સાહિત્યમાંથી સાંપડે છે.

તે પોતાના પિતા શિલાદિત્ય છઠ્ઠાનો ઉત્તરાધિકારી અને વલભીનો ૧૯મો રાજા હતો. એ ઈ.સ. ૭૬૦માં વલભીપતિ બન્યો હતો. ભાટ-ચારણોએ પ્રશસ્તિઓમાં તેનાં પરાક્રમ, વૈભવ, કીર્તિ, જ્ઞાન ગુણ, પરમાર્થ વગેરેની મોંફાટ પ્રશંસા કરી છે, પણ વાસ્તવિક સ્થિતિ તે વૃતાંતો કરતાં કૈંક જુદી જ હતી.

ઘર કો હી જલાયા ઘર કે ચિરાગ નેકહેવત અનુસાર કાકુ શેઠ મોં માગ્યા પૈસા આપી વલભીને ખતમ કરાવવા માગતો હતો.

ઘર કો હી જલાયા ઘર કે ચિરાગ ને’ કહેવત અનુસાર કાકુ શેઠ મોં માગ્યા પૈસા આપી વલભીને ખતમ કરાવવા માગતો હતો. કાકુ શેઠ વલભી અને સમકાલીન ભારતના રાજકીય પ્રવાહોથી પરિચિત હતો. તે જાણતો હતો કે અગાઉ પણ સૌરાષ્ટ્ર પર આરબો નિષ્ફળ હુમલા કરી ચૂક્યા છે. ઉદાહરણ તરીકે ઈ.સ. ૭૬૬માં આરબ ખલીફા અલ મહદીના સમયમાં અબ્દુલ માલિકે વલભી પર દરિયાઈ હુમલો કર્યો હતો. શરૂમાં આરબોએ વલભી કબજે પણ કરી લીધું હતું, પણ તરત જ ત્યાં રોગચાળો ફાટી નીકળતાં ઘણા ખરા આરબ સૈનિકો મોતને ભેટ્યા હતા અને બાકીનાઓએ સ્વદેશ ભાગવું પડ્યું હતું.

આમ પહેલીવાર શિલાદિત્ય સાતમાની વીરતા નહીં, પણ કુદરત વલભીની વહારે આવી હતી. આવા સંજોગો ન સર્જાય તે માટે ખુદ કાકુ શેઠ અરબસ્તાન જઈ આરબ રાજા સલીમ યુનીસી (ઈ.સ.૭૮૬-૯૦)ને મળ્યો. એને તો ભાવતું હતું અને વૈદે કીધા જેવું થયું. વલભી પર હુમલો કરવા માટે તે પોતે આવ્યો હતો કે તેના સેનાપતિઓ આવ્યા હતા તેનાં પર્યાપ્ત પ્રમાણો ઉપલબ્ધ નથી, પણ વલભી પર ભયંકર આક્રમણ થયું. પરંતુ ધર્મ સંસ્થાઓની અગમચેતી કે ગમે તે સગડ ગણો, આરબોના હુમલાની ખબર પડતાં જ સ્થાનિક જૈન અને અન્ય મૂર્તિઓ વિધર્મીઓના હાથે ખંડિત કે અપમાનિત થાય તે પહેલાં આસો સુદ પૂનમના દિવસે વલભીમાંથી ચંદ્રપ્રભ, વીર વગેરેની પ્રતિમાઓ દેવપત્તન, અમદાવાદ અને શ્રીમાલ જેવાં દૂરનાં સ્થળોએ રવાના કરી દેવાઈ અને ભગવાનો સુરક્ષિત થઇ ગયા.

આરબો શારીરિક અને લશ્કરી સાધનો તથા વ્યૂહરચનાની દૃષ્ટિએ તત્કાલીન ભારત કરતાં ઘણા આધુનિક હતા. પરિણામ સ્પષ્ટ હતું. ગણતરીના દિવસોમાં વલભીનો અંત આવ્યો. શિલાદિત્યનાં પરાક્રમ અને વીરતાની પ્રચલિત વાતો કોઈ કામ ના આવી. વલભીના સેંકડો સૈનિકો અને સામાન્ય નાગરિકોની સાથે ખુદ શિલાદિત્ય સાતમો પણ માર્યો ગયો. વલભીના પતનની તારીખ ૫ ઓક્ટોબર ૭૮૮થી ૧૧ નવેમ્બર ૭૮૮ વચ્ચે હોવાનું ઈતિહાસકારો અને ખાસ તો મૈત્રકકાલીન ગુજરાત ભાગ ૧-૨ નામનું ગુણવત્તાસભર પુસ્તક લખનાર ડોક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી જણાવે છે. શિલાદિત્ય સાતમો યુદ્ધમાં માર્યો ગયો છતાં તેના દરબારી લેખકો આ ઘટનાને જુદી રીતે મૂલવતા હતા. તેઓ કહેતા હતા કે રાજા શિલાદિત્ય પાસે દૈવી અને આકાશમાં ઊડી શકે તેવો અશ્વ હતો.

શત્રુઓની યુક્તિના કારણે યુદ્ધ પૂર્વે આ દૈવી અશ્વ આકાશમાં ઊડી ગયો અને રાજા યુદ્ધ મેદાનમાં માર્યો ગયો. ખરેખર સાચું કરણ તો એ હતું કે વલભીના રાજા પાસે તે સમયે સ્થાયી સેના જેવું કશું ન હતું. તેનું લશ્કર ભાડુતી સૈનિકોથી બનેલું હતું. આવા ઉછીના સૈનિકો સાથે આરબો સામે જીતવું અશક્ય જ હતું. અને થયું પણ તેમ જ.

વલભીના રાજા પાસે તે સમયે સ્થાયી સેના જેવું કશું ન હતું. તેનું લશ્કર ભાડુતી સૈનિકોથી બનેલું હતું. આવા ઉછીના સૈનિકો સાથે આરબો સામે જીતવું અશક્ય જ હતું. અને થયું પણ તેમ જ.

વલભી અને આરબો વચ્ચેના આવા મહત્વપૂર્ણ યુદ્ધ વિશે બારીક વિગતો મળતી નથી, પણ યુદ્ધ પછી ગુજરાતમાં આવેલા બદલાવો ઘણા અગત્યના બને છે. એક તો વલભીની સફળતા પછી પશ્ચિમી છેડેથી ભારત પર આરબોના હુમલાઓમાં ગતિ આવી હતી. અનેક આક્રમણકારીઓ હવે ગુજરાતને તેમના હુમલાનું નિશાન બનાવી રહ્યા હતા. તાત્કાલિક ધોરણે તો હુમલાખોરો ખાસ ઉકાળી શક્યા ન હતા, પણ ભારત પર ઇસ્લામિક સત્તાના સગડ આપણે તપાસવા હોય તો વાયા વલભી થઇ જવું પડે.

બે, આરબોના હુમલા પછી વલભી લગભગ કાળની ગર્તામાં ધકેલાઈ ગયું. આખું નગર સુમસામ અને વેરાન બની રહી ગયું. એક સમયનું આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નગર વલભીના અવશેષરૂપે માત્ર નાનકડું ગામ બની રહી ગયું. વલભીનું સ્થાન ગુજરાતનાં બીજાં નગરો લેવા લાગ્યાં.

ત્રણ, આરબો સાથેના યુદ્ધ પછી કેટલાક સાંસ્કૃતિક સંદર્ભો પણ સર્જાયા હતા. ઉદાહરણ તરીકે વલભીના વિજય પછી આરબ વિદ્વાન મન્સુર આપણા પ્રાચીન આચાર્ય બ્રહ્મગુપ્તનાં બે પુસ્તકો લઈ ગયા ગયા હતા. આ બંને પુસ્તકોનો તેમણે અરબી ભાષામાં અનુવાદ કર્યો હતો. આમ વલભી યુદ્ધ પછી ભારત અને આરબ જગત વચ્ચે જ્ઞાનાર્જન અને જ્ઞાનવિમર્શની તકો સર્જાઈ સર્જાઈ હતી. ટૂંકમાં રાજકીય, પ્રાદેશિક અને ધાર્મિક શત્રુતા જ્ઞાન વિમર્શમાં બાધા બની ન હતી.

આમ વલભી અને આરબો વચ્ચેના યુદ્ધના અંત સાથે કેટલીક બાબતોનો અંત આવ્યો તો ઘણી નવી બાબતોની શરૂઆત થઇ ચૂકી હતી. તેનું એક પ્રમાણ ઈ.સ. ૧૦૨૫-૨૬નું મુહમદ ગઝનવીનું સોમનાથ પરનું આક્રમણ હતું. તેની વાત હવે પછી.
arun.tribalhistory@gmail.com

આભાર - અરુણભાઈ વાઘેલા

No comments:

Post a Comment