# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday, 6 October 2018

સિદ્ધરાજનું માળવા સાથેનું યુદ્ધ (૧૧૩૫-૩૬)


સિદ્ધરાજનું માળવા સાથેનું યુદ્ધ (૧૧૩૫-૩૬)
·         પ્રકાશન તારીખ25 Jul 2018

જુનાગઢ સાથેના યુદ્ધમાં વિજય પછી મોટો વિસ્તાર સોલંકી સામ્રાજ્યમાં જોડાતાં સિદ્ધરાજનું રાજ્ય અને પ્રતિષ્ઠા બન્ને વધ્યાં હતાં. દરમિયાન જ સિદ્ધરાજને માળવા સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. આ યુદ્ધ ૧૧૩૫-૩૬ના વર્ષે થયું હતું, પણ માળવા સામે યુદ્ધનો સોલંકીઓ માટે આ પહેલો પ્રસંગ ન હતો. પાટણના સોલંકીઓ અને માળવાના પરમાર રજાઓ ઠેઠ ભીમદેવ ભીજાના સમયથી પરસ્પર અથડાતા રહ્યા હતા. તેની અનેક કથાઓ-દંતકથાઓ પણ પ્રચલિત છે. તેમાંની એક રસિક દંતકથા જોઈએ.
પાટણનો રાજા ભીમદેવ ખુબ જ ચમત્કારી પરાક્રમી પુરુષ હતો અને તેનો ગાઢ પ્રભાવ માળવાના રાજા અને ત્યાંની જનતા પર પડ્યો હતો. તેણે જોવા માટે ખુદ ધારાપતિ ભોજ પાટણ આવ્યો હતો, પણ તેના આવતાં સાથે ભીમ અલોપ થઇ ગયો. તે પછી તે સીધો પોતાના સૈનિકો સાથે માળવા પહોંચી ધારાનગરીને ઘેરી લે છે... વગેરે વર્ણનો પ્રબંધોમાં દર્શાવવામાં આવ્યાં છે. આમાં સાચું-ખોટું તો શું હતું તે નક્કી ના કરી શકાય, પણ ગુજરાતનાં પાટણ અને માળવા વચ્ચે સત્તાની સાઠમારી ખૂબ જૂની હતી. તેનો આ દંતકથાઓ પુરાવો આપે છે. તેનો વઘુ એક મુકામ ગુર્જર પતિ સિદ્ધરાજ બન્યો હતો. માળવા સાથેના સિદ્ધરાજના યુદ્ધનાં ઘણાં વિચિત્ર કારણો ઇતિહાસમાં આપવામાં આવ્યાં છે.
એક, સિદ્ધરાજના રાજ્યમાં યોગિનીઓએ સિદ્ધરાજને યશસ્વી બનવા માટે ઉજ્જૈન જઈ મહાકાલની પૂજા કરવાનું સૂચન કર્યું. સિદ્ધરાજે પણ તે સ્વીકાર્યું, પણ ઉજ્જૈન માળવાના તાબામાં હતું અને કાલિકાની પૂજા માટે ત્યાં જતાં પહેલાં માળવાને જીતવું જરૂરી હતું, અને સિદ્ધરાજે માળવા જીતવા કૂચ કરી હતી.
ગુજરાતનાં પાટણ અને માળવા વચ્ચે સત્તાની સાઠમારી ખૂબ જૂની હતી. અનેક દંતકથાઓ તેનો પુરાવો આપે છે.
માળવા વિજય માટે બીજું કરણ એ આપવામાં આવ્યું છે કે સિદ્ધરાજ જ્યારે જુનાગઢ અભિયાન પછી સોમનાથની જાત્રા પર હતો ત્યારે માલવપતિ યશોવર્મા ગુજરાત પર ચડી આવ્યો હતો. રાજા વગરના પાટણમાં તેણે આક્રમણ કરી હાહાકાર મચાવી દીધો. સિદ્ધરાજના મંત્રી શાંતનુએ રાજા વતી યશોવર્મા સાથે વાટાઘાટો ચલાવી. યશોવર્માએ સિદ્ધરાજની સોમનાથની યાત્રાનું પુણ્ય પોતાના નામે થાય તો જ પાછા વળવા જણાવ્યું. સામેના રાજાની માગણી આજે આપણને રેશનાલિઝમના જમાનામાં વાહિયાત લાગે, પરંતુ મંત્રી શાંતનુએ તે સ્વીકારી લીધી અને પ્રતીકાત્મક રીતે વિધિઓ અને ધાર્મિક અનુષ્ઠાનો કરાવી જયસિંહનું પુણ્ય યશોવર્માના ખાતામાં થાય તેવું કરાવ્યું.
આ વિધિ પત્યા પછી જ યશોવર્મા માળવા પરત ફર્યો. સોમનાથ યાત્રા પછી પાછા આવેલા સિદ્ધરાજે પ્રસ્તુત વાત જાણી ત્યારે તેણે ત્યાજ ધારાનગરનો દુર્ગ તોડવાની અને યશોવર્માની ચામડી ધારદાર તલવારથી ઊતરડી લેવાની પ્રતિજ્ઞા લીધી. તાબડતોબ સિદ્ધરાજે સેના તૈયાર કરી માળવાના માર્ગે નીકળી પડ્યો.
માળવાનો રસ્તો વાયા સિદ્ધપુર, ગોધરા અને દાહોદ થઈ પસાર થતો હતો. તે માળવા પહોંચે તે પહેલાં રસ્તામાં તેણે સ્થાનિક આદિજાતિના બાબરા કે બર્બરક નામના ભીલ સરદારનો સામનો કરવો પડ્યો. સિદ્ધરાજે બાબરાને પરાસ્ત કર્યો પણ તેની પત્નીની વિનંતી સાંભળી બાબરાને જીવતદાન આપ્યું. બાબરા પરના વિજય પછી સિદ્ધરાજ બર્બરક જિષ્ણુ કહેવાયો હતો. આ જ બાબરાએ પાછળથી સિદ્ધરાજને પોતાની ચમત્કારિક શક્તિઓથી અશક્ય વિજયો અપાવ્યાં હોવાનું પણ દંતકથાઓમાં કહેવામાં આવે છે.

બાબરા સાથેના નાના યુદ્ધ પછી સિદ્ધરાજ જેના માટે નીકળ્યો હતો તે માળવા પહોંચ્યો. માળવા જીતવું એટલું આસાન ન હતું. અહીં પણ જૂનાગઢની જેમ જ સિદ્ધરાજે ૧૨-૧૨ વર્ષ સુધી ઘેરો રાખવો પડ્યો હોવાનું કહેવાય છે. આખરે પોતાના હાથીને પુષ્કળ મદિરાપાન કરાવી મદમસ્ત કરી ધારાનગરીનો દક્ષિણ તરફનો વિશાળ દરવાજો તોડી પાડ્યો. સેના સહિત મહારાજ સિદ્ધરાજ ધારાનગરીમાં દાખલ થયા. યશોવર્માને મહેલમાંથી શોધી કાઢી જીવતો પકડી સિદ્ધરાજ સામે પેશ કરવામાં આવ્યો. તેને કાષ્ઠના પિંજરામાં પૂરી ગુજરાત લાવવામાં આવ્યો. માળવા પર પોતાનું આધિપત્ય સ્થાપવા મહાદેવ નામની વ્યક્તિને ત્યાં સુબા તરીકે નિયુક્ત કર્યો. હવે માળવા ગુજરાતનું ખંડિયું રાજ્ય બન્યું. સિદ્ધરાજની સિદ્ધિઓમાં વધુ એક છોગું ઉમેરાયું અને અવન્તીના વિજય પછી અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું.
હેમચંદ્રે ભારતભરમાંથી વ્યાકરણ ગ્રંથો મંગાવી સિદ્ધહેમ શબ્દાનુશાસનનામનો વ્યાકરણ ગ્રંથ તૈયાર કર્યો. સિદ્ધહેમ ગ્રંથમાં પહેલા બે અક્ષર સિદ્ધરાજ અને પછીના બે અક્ષર આચાર્ય હેમચંદ્રના છે.
માળવાના વિજય પછી સિદ્ધરાજની વૈયક્તિક પ્રતિભા તો નિખરી જ હતી, સાથે ગુજરાતમાં અનેક નવાં સાંસ્કૃતિક સીમાચિન્હો પણ રચાયાં હતાં. સૌપ્રથમ તો સિદ્ધરાજ માળવા વિજય પછી અઢળક દોલતની સાથે માળવાના ગ્રંથ ભંડારો પણ ગુજરાત ઉપાડી લાવ્યો હતો. પોતે સાહિત્ય અને સંશોધનનો સંરક્ષક તો હતો જ. તેણે માળવાનો ગ્રંથ ભંડાર આચાર્ય હેમચંદ્ર અને પાટણના વિદ્વાનો સમક્ષ રજુ કર્યો. હેમચંદ્રે તે પછી પણ ભારતભરમાંથી વ્યાકરણ ગ્રંથો મંગાવી સિદ્ધહેમ શબ્દાનુશાસનનામનો વ્યાકરણ ગ્રંથ તૈયાર કર્યો. સિદ્ધહેમ ગ્રંથમાં પહેલા બે અક્ષર સિદ્ધરાજ અને પછીના બે અક્ષર આચાર્ય હેમચંદ્રના છે. આ ગ્રંથ રચાયા પછી સિદ્ધરાજ જયસિંહે તેણે હાથીની અંબાડી પર મુકાવી પાટણમાં તેની શોભાયાત્રા કાઢી હતી. ગ્રંથના ગૌરવની ગુજરાતના ઈતિહાસની આ પહેલી ઘટના હતી.
સાહિત્ય પદાર્થના સેવનની સાથે તે પછી પણ સિદ્ધરાજની વિજય યાત્રાઓ ચાલુ જ રહી હતી અને સમગ્ર પશ્ચિમ ભારત પર ગુજરાતનો ધ્વજ લહેરાવ્યો હતો. પણ તે અપુત્ર હતો પુત્રેષણામાં તે ભટકતો રહેતો હતો. તેનાં સગાંઓ જેને પોતાના પછી પાટણનો રાજા બનાવવા માગતા હતા તે કુમારપાળ તો સિદ્ધરાજ ને દીઠો પણ ગમતો ન હતો. પણ આખરે સિદ્ધરાજની ઈચ્છા વિરુદ્ધ તેના મૃત્યુ પછી કુમારપાળ જ પાટણપતિ બન્યો હતો. તેણે પણ સિદ્ધરાજની સાંસ્કૃતિક પરંપરાઓને આગળ વધારી હતી. પરંતુ ગુજરાતની આ અસ્મિતા દૂર સુધી ના જઈ શકી. વર્ષ ૧૩૦૪માં ગુજરાતના સોલંકી-વાઘેલા વંશ અને ગુજરાતની અસ્મિતાનું દિલ્હીપતિ અલાઉદ્દીન ખિલજીના હસ્તે પતન થયું.
arun.tribalhistory@gmail.com

આભાર -  અરુણભાઈ  વાઘેલા



No comments:

Post a Comment