# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Tuesday, 2 October 2018

કલિંગ યુદ્ધ-: સમ્રાટ અશોકનું વિરાટ કટક કલિંગ પર ઊતરી પડ્યું...



કલિંગનું યુદ્ધ (ઈ.સ.પૂર્વે ૨૬૦-૬૧) : દેશ અને દુનિયાનો ઈતિહાસ બદલાય છે

·         પ્રકાશન તારીખ16 Jul 2018

·        







સુપસિદ્ધ ઇતિહાસકાર-વિજ્ઞાનકથા લેખક એચ. જી. વેલ્સે તેમના પુસ્તક ‘એન આઉટલાઈન ઓફ વર્લ્ડ હિસ્ટરી’માં લખ્યું છે કે હજારો સમ્રાટો, રાજરાજેશ્વરો, મહારાજાધિરાજો, સરદારો વગેરેનાં નામોથી ઇતિહાસનાં પાનાં ખચાખચ ભરાયાં છે. તેમાં માત્ર સમ્રાટ અશોકનું નામ જ તેજસ્વી તારાની જેમ ઝબકી રહ્યું છે. આ વાત થવા પાછળનું કારણ એક યુદ્ધ નામે કલિંગનું યુદ્ધ અને તેના પછી ભારતના ઇતિહાસમાં આવેલા બદલાવને મદ્દે નજર રાખી કહેવાયું હતું.

અશોક મૌર્ય સામ્રાજ્યનો શક્તિશાળી શાસક હતો. તેણે પોતાના દાદા ચંદ્રગુપ્તના લશ્કરી અભિયાન દ્વારા સામ્રાજ્ય વિસ્તારની પરંપરાને ન માત્ર જાળવી રાખી, બલકે એને આગળ પણ વધારી હતી. તેનું મોટું પ્રમાણ તે ઈ.સ.પૂર્વે ૨૬૦-૬૧માં તેણે ખેલેલું કલિંગનું યુદ્ધ છે. કલિંગના યુદ્ધના બે પક્ષો હતા. એક મગધપતિ સમ્રાટ અશોક અને દૂરસુદૂર આવેલું કલિંગ એટલે કે આજનું ઓરિસ્સા.

કલિંગના યુદ્ધ પર જતાં પહેલાં આ યુદ્ધના નાયક અશોકનો પરિચય કરીએ. મૌર્ય સામ્રાજ્યના સ્થાપક અને તેના પુત્ર બિન્દુસારનો પુત્ર એટલે અશોક. બૌદ્ધ ગ્રંથ ‘મહાવંશ’ મુજબ બિન્દુસારને ૧૬ રાણીઓ અને ૧૦૦ પુત્રો હતા. અશોક તેની પહેલી રાણી ધર્માનો પુત્ર હતો. સમકાલીન સ્રોતો મુજબ અશોક દેખાવે કાળો અને કદરૂપો હતો. તેનો એક સગો નાનો ભાઈ પણ હતો, જેનું નામ તિષ્ય હતું. બિન્દુસારના અવસાન પછી જયેષ્ઠ પુત્ર નહીં પરંતુ શ્રેષ્ઠ પુત્ર હોવાના નાતે અશોક મૌર્ય સમ્રાટ બનવા ચાહતો હતો, પણ તેની શરૂની સત્તાપ્રાપ્તિ આસાન રહી ન હતી. બિન્દુસારના સમયમાં તે અવંતી એટલે કે આજના ઉજ્જૈનનો સુબો હતો. આ જ સમયમાં અશોકે તક્ષશિલાનો વિદ્રોહ કચડી નાખ્યો હતો. ત્યાં એક વણિક કન્યા સાથે પ્રણયની ગાંઠે બંધાયો હતો. તેમનાં કાયદેસર લગ્ન થયાં ન હતાં. એક મત પ્રમાણે અશોકને બૌદ્ધ મઠના પ્રચાર માટે મદદ કરનાર તેનાં સંતાનો મહેન્દ્ર અને સંઘમિત્રા આ પ્રણય સંબધોની ફલશ્રુતિ હતાં. બંને બાળકો જીવનભર વિદિશામાં રહ્યાં હતાં. તેનું કારણ એ આપવામાં આવે છે કે તે બંને ક્ષત્રિય કુળના ન હોવાથી રાજકુટુંબ તેમનો સ્વીકાર કરી શકે તેમ ન હતું. તેનો સત્તાસંઘર્ષ મુખ્યત્વે સુસિમ સાથે રહ્યો હતો. કારકિર્દીના પ્રારંભે અશોક ખૂબ જ ક્રૂર અને પાશવી પ્રકૃતિની વ્યક્તિ હતો. સુસિમ અને તેના બાકીના ભાઈઓ સાથે થયેલા સત્તાસંઘર્ષમાં અશોકે સુસિમ સમેત ભાઈઓની સરેઆમ કત્લ કરી. ‘ચંડાશોક’ તરીકે કુખ્યાત થયેલા અશોકથી મહેલના કર્મચારીઓ પણ સસલાની જેમ ફફડતા હતા. નાના સરખા અપરાધ માટે પણ સેવકોને મોતના હવાલે કરી દેવાતા. અશોક બેફામ રીતે શિકાર કરતો. રાજમહેલના રસોડામાં દરરોજ અનેક પશુઓનો ભોગ લેવાતો. હરણ અને મોરનું માંસ તો અશોકને અત્યંત પ્રિય હતું.

બૌદ્ધ ગ્રંથ મહાવંશમુજબ બિન્દુસારને ૧૬ રાણીઓ અને ૧૦૦ પુત્રો હતા. અશોક તેની પહેલી રાણી ધર્માનો પુત્ર હતો.

આવા શાસકે માત્ર સામ્રાજ્યવાદી દૃષ્ટિકોણથી આજના કાશ્મીરથી તમિલનાડુ સુધી વિશાલ સામ્રાજ્ય ઊભું કર્યું હતું. કાશ્મીર જીતી અશોકે શ્રીનગરની સ્થાપના પણ કરી હતી. તેના વિશાલ સામ્રાજ્યમાં એક અવરોધરૂપ રાજ્ય આજનું ઓરિસ્સા અને પ્રાચીન કાળનું કલિંગ હતું.કલિંગ નંદવંશના પતન પછી સ્વતંત્ર થયું હતું, અશોકના દાદા ચંદ્રગુપ્ત અને પિતા બિન્દુસાર પણ કલિંગને મૌર્ય સામ્રાજ્યની આણમાં લાવી શક્યા ન હતા. વળી કલિંગ તે સમયે સમૃદ્ધ અને ગૌરવશાળી પ્રદેશ ગણાતો હતો. કલિંગ ઉત્તરે વૈતરણી નદી, પશ્રિમમાં અમરકંટક અને દક્ષિણમાં મહેન્દ્રગિરિ સુધી ફેલાયેલું હતું. ત્યાં અનંતનાથન કે અનંત પનાભાન નામે રાજા રાજ્ય કરતો હતો.

કલિંગ જીતવા પાછળ તેની અત્યંત વિસ્તારવાદી ભૂખ તો હતી જ, સાથે દક્ષિણ ભારત પર નિયંત્રણ રાખવા સમુદ્ર અને જમીન માર્ગે વચમાં આવતા કલિંગ પર કબજો કરવો અનિવાર્ય હતો. કલિંગનું સ્વતંત્ર અસ્તિત્વ મગધ અને દક્ષિણ ભારતના દરિયાઈ વ્યાપારમાં નડતરરૂપ હતું. આમ અશોકની સત્તાની ભૂખ અને વ્યાપારી ઈરાદાઓનું સયોજન થતાં કલિંગનું યુદ્ધ નિશ્ચિત બન્યું હતું.

કલિંગ પરનું આક્રમણ અને યુદ્ધની વિગતો અશોકના શિલાલેખો અને તત્કાલીન સાહિત્યમાંથી ઉપલબ્ધ થાય છે. તે મુજબ અશોકે પોતાના શાસનના નવમા વર્ષે કલિંગ પર હુમલો કર્યો. વિશાલ લશ્કર અને ભવ્ય તૈયારીઓ સાથે અશોકની સવારી કલિંગવિજય માટે ઈ.સ.પૂર્વે ૨૬૦ના વર્ષે નીકળી. તેની સેનામાં ૬૦ હજાર પદાતિ સૈનિકો, ૧ હજારનું અશ્વદળ, સાતસો જેટલા હાથીઓનું દળ અને યુદ્ધમાં શત્રુઓમાં હાહાકાર મચાવી શકે તેવા ચુનંદા સેનાપતિઓ હતા. અશોક અને કલિંગ રાજ્ય વચ્ચે મહાનદી અને ગોદાવરી વચ્ચેના પ્રદેશમાં સંઘર્ષ થવાનો હતો. આજના ભુવનેશ્વરથી ૮ કિલોમીટર દૂર દક્ષિણમાં દયા નદીના કાંઠે અને ધૌલીની પહાડી પર આ ભીષણ યુદ્ધ લડાયું હતું. અશોકના ઈરાદાઓ અને વિશાલ તૈયારી સાથે ચડી આવતો જોઈ કલિંગ સમર્પિત થાય તેમ ન હતું. સ્વતંત્રતાપ્રેમી કલિંગની દરેક વ્યક્તિ અશોકનો સામનો કરવા સજ્જ હતી. સામસામાં લશ્કર અને તેમની લશ્કરી ગોઠવણો રચાઈ ગઈ હતી હવે માત્ર દુંદુભિ વાગવાની બાકી હતી. તેની વાત આવતી કાલે...

arun.tribalhistory@gmail.com

કલિંગ યુદ્ધ-2: સમ્રાટ અશોકનું વિરાટ કટક કલિંગ પર ઊતરી પડ્યું...

·         પ્રકાશન તારીખ17 Jul 2018 






આગળના હપ્તામાં આપણે સમ્રાટ અશોકની કલિંગના હુમલાની તૈયારી જોઈ. નંદવંશના પતન પછી આઝાદ થયેલું, પોતાના પૂર્વજો પણ જે પ્રદેશને જીતી શક્યા ન હતા તે પ્રદેશ અને દક્ષિણમાં દરિયાઈ વ્યાપાર માટે વ્યૂહાત્મક રહેલા કલિંગને જીતવું એ અશોકનું સ્વપ્ન બન્યું હતું. પોતાના રાજ્યાભિષેકના ૯મા વર્ષે એટલેકે ઈ.સ.પૂર્વે ૨૬૦-૬૧માં વિશાળ સેના સાથે કલિંગ વિજય માટે નીકળી પડ્યો. અશોકની સેનામાં ૬૦ હજારનું પાયદળ, ૧ હજારનું અશ્વદળ અને ચુનંદા સેનાપતિઓ હતા. આ રસાલા સાથે અશોક કલિંગ આવી પહોંચ્યો.

પોતાના રાજ્યાભિષેકના ૯મા વર્ષે એટલેકે ઈ.સ.પૂર્વે ૨૬૦-૬૧માં વિશાળ સેના સાથે કલિંગ વિજય માટે નીકળી પડ્યો. અશોકની સેનામાં ૬૦ હજારનું પાયદળ, ૧ હજારનું અશ્વદળ અને ચુનંદા સેનાપતિઓ સાથે અશોક કલિંગ આવી પહોંચ્યો.

કલિંગનું તત્કાલીન સામ્રાજ્ય ઉત્તરે વૈતરણી નદી, પશ્રિમમાં અમરકંટક અને દક્ષિણમાં મહેન્દ્રગિરિ પર્વતમાળા સુધી ફેલાયેલું હતું. અહીં ભુવનેશ્વરથી ૮ કિલોમીટર દૂર ધોલીની પહાડીઓમાં ભીષણ સંગ્રામ થયો. કલિંગ પણ ગાજ્યું જાય તેમ ન હતું. પોતાની આઝાદી માટે દરેક કલિંગવાસી તૈયાર હોય તેવો માહોલ કલિંગમાં ઊભો થયો હતો. પણ અશોકની વિશાળ સેના અને વ્યૂહરચનાઓ સામે આ ઘટના કીડી પર કટક દોડાવવા સમી હતી. અશોકના હલ્લાબોલમાં ગણતરીના કલાકોમાં કલિંગની સેના અને તેમનો આઝાદીનો જુસ્સો તિતરબિતર થઇ ગયો. યુદ્ધમેદાનમાં લોહીની નદીઓ વહી. કલિંગના યુદ્ધમાં અંદાજે એક લાખથી વધુ સૈનિકો અને સામાન્ય નાગરિકો માર્યા ગયા. લાખો ઘાયલ થયા. દોઢ લાખ સૈનિકોને યુદ્ધ કેદી તરીકે પકડવામાં આવ્યા. ચોતરફ રોકકળ અને શોકનું વાતાવરણ હતું.

યુદ્ધમાં વિજય પછી રાજાઓ પોતાના ભવ્ય વિજયને નિહાળવા યુદ્ધ મેદાનમાં આવતા હોય છે. તેમ અશોક પણ પોતાના સ્વપ્નના વિજયને પ્રત્યક્ષ જોવા રણમેદાનમાં આવી પહોંચ્યો. પણ આ શું? યુદ્ધમેદાનની સ્થિતિ જોતાં જ તેનો આનંદ શોકમાં સરી પડ્યો. કારણ કે ડગલે ને પગલે તેને લાશો ઠેબે આવતી હતી. અનાથ બાળકો દર દર ભટકી રહ્યા હતા. પુત્ર વિનાની માતાઓ, પતિ વિનાની પત્નીઓ અને ભાઈ વગરની બહેનો કલ્પાંત કરી રહી હતી. તેમનાં રુદને ચંડાશોક સમા અશોકને પણ હચમચાવી મૂક્યો. એટલામાં જ એક મહિલા બિલકુલ અશોકની સમીપ આવી કહેવા લાગી, ‘યુદ્ધમાં મારા પિતા, પતિ અને પુત્ર ત્રણેય વીરગતિને પામ્યા છે અને હવે મારે જીવવા માટે કોઈ કારણ રહ્યું નથી.’ તે પછી તો અશોકનો રહ્યો સહ્યો ઉન્માદ પણ ઓસરી ગયો. અશોકના મનમાં એક જ પ્રશ્ન થયો કે આ બધું શેના માટે? યુદ્ધ મેદાનમાંથી બહાર આવેલો અશોક બદલાયેલો અશોક હતો. ચંડાશોકમાંથી ધર્માશોક બનવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી હતી. આ વખતે આપણા આ નાયકની ઉંમર ૫૪ વર્ષની હતી. કલિંગમાં નવી વ્યવસ્થા સ્થાપવાના ભાગ રૂપે ત્યાં નવી રાજધાની તોસલી નામની જગ્યાને બનાવી. દંતકથાઓ પ્રમાણે અશોકે કલિંગના રાજાની રાજકુમારી સાથે પ્રણયમાં પડી લગ્ન કર્યાં હોવાનું પણ કહેવાય છે, પણ આ દંતકથામાં કંઈ દમ નથી. આવી દંતકથાઓ ફિલ્મોમાં શોભે, ઇતિહાસમાં નહીં!

કલિંગના વિજયની કહાની અહીં પૂરી થતી નથી. હવે ભાવિ ભારત જેને આદિ અનાદિ કાળ સુધી સંભારવાનું હતું તે ઉપક્રમ શરૂ થયો. યુદ્ધ પછી શસ્ત્રો હેઠાં મૂકી અશોક ધોલીની પહાડીમાં વિશ્રામ ફરમાવી રહેલા બૌદ્ધ સાધુ નામે ઉપગુપ્તને મળે છે. ઉપગુપ્ત અને બૌદ્ધધર્મના સતત સહવાસથી તેણે આત્મરક્ષા સિવાય યુદ્ધ ન કરવાનું નક્કી કર્યું. ચંડાશોક અશોક હવે ધર્માશોક બન્યો. તેના દિગ્વિજયોનો યુગ આથમી ગયો. અશોકના સામ્રાજ્યમાં રણભેરીને બદલે ધર્મભેરી ગૂંજવા લાગી. અધ્યાત્મિક વિજય અને ધર્મવિજયના નવા યુગની શરૂઆત થઈ. કેટલાક ઈતિહાસકારો એમ કહે છે કે અશોકની આ શાંતિપ્રિય અને અહિંસક નીતિના પરિણામે જ મૌર્ય સામ્રાજ્યનું પતન થયું હતું. અહિંસક નીતિના કારણે સૈનિકોનો લડાયક જુસ્સો મરી પરવાર્યો હતો, પણ આપણે એવું અવશ્ય કહેવું જોઈએ કે તત્કાલીન ભારત અને આજના ભારતની પણ ઓળખાણ બની રહેલા અશોકના જીવનમાં આવેલા ધરખમ પરિવર્તન સામે મૌર્ય સામ્રાજ્યના પતનની શી વિસાત ભલા? કલિંગના યુદ્ધે માત્ર અશોકને નહોતો બદલ્યો, ભારતના ઈતિહાસ અને ભાવિને પણ બદલ્યું હતું. અશોકે તત્કાલીન ભારત સામે રાજત્વનો નવો આદર્શ પ્રસ્તુત કર્યો હતો.

કલિંગના યુદ્ધ પછી માત્ર શાસક અશોક જ બદલાયો ન હતો. વૈયક્તિક ધોરણે પણ તેના જીવનમાં ગજા બહારનાં પરિવર્તનો આવ્યાં હતાં. તેના શાહી રસોડામાં માત્ર ખાવા માટે રોજ અનેક પશુઓની કતલ થતી હતી. તેમાં તેણે આદેશ દ્વારા હવે પછી રોજ માત્ર એક હરણ અને એક મોરને મારવાની જ મંજૂરી આપી. આમ શાકાહારી જીવનશૈલી તરફ પણ તે આગળ વધ્યો હોવાનાં પ્રમાણો સાંપડે છે. બીજી તરફ બૌદ્ધ બનેલા અશોકે બૌદ્ધ ધર્મના પ્રસારમાં પણ કોઈ કમી છોડી ન હતી. પોતાનાં સંતાનો મહેન્દ્ર અને સંઘમિત્રાને બોધિવૃક્ષની ડાળી લઇ સિલોનમાં બૌદ્ધ ધર્મના પ્રસાર માટે મોકલ્યાં હતાં. આજે વિશ્વમાં જ્યાં પણ બૌદ્ધ ધર્મ દેખાય છે તેના પાયામાં અશોક અને તેના પછીના ભારતીય શાસકોના પ્રયત્નો રહેલા છે. અને એટલે જ તો આજે પણ બૌદ્ધ ધર્મના ઇતિહાસમાં ભગવાન બુદ્ધ પછી તરત જ સમ્રાટ અશોકનું સ્મરણ થાય છે.

કલિંગના યુદ્ધમાં અંદાજે એક લાખથી વધુ સૈનિકો અને સામાન્ય નાગરિકો માર્યા ગયા. લાખો ઘાયલ થયા. દોઢ લાખ સૈનિકોને યુદ્ધ કેદી તરીકે પકડવામાં આવ્યા.


સાચો વિજય યુદ્ધના મેદાનમાં નહીં, પણ લોકોના હદયમાં મળવો જોઈએ તેવી કલ્યાણકારી ભાવના સાથે શરૂ થયેલી અશોકની કલિંગ યુદ્ધ પછીની રાજનીતિ વૈશ્વિક પ્રસિદ્ધિ પામી છે. અશોકમાં આવેલા આ બદલાવો તેના શિલાલેખો અને સ્તંભલેખોમાં તેની સાક્ષી પૂરતા આજે પણ ઊભા છે. તેમાં અશોકને દેવાનાપ્રિય, પ્રિયદર્શી જેવાં વિશેષણોથી નવાજવામાં આવ્યો છે. બહુ દૂર જવાની અનુકૂળતા અને સગવડ ન હોય તો જૂનાગઢમાં ગિરનારના શિલાલેખની મુલાકાત લઈ અશોકનાં ઐતિહાસિક કર્મોની અનુભૂતિ લઈ શકાય.

કલિંગના યુદ્ધ સાથે ભારતના ઈતિહાસનો એક અધ્યાય પૂરો થયો, પરંતુ બીજા અનેક અધ્યાયો શરુ થયા હતા. યુદ્ધસ્ય કથા રમ્યા એવું કહેવાતું હોય ત્યારે ખંડનાત્મક રીતે નહીં રચનાત્મક સંદર્ભે આ યુદ્ધને રમ્ય ગણવું રહ્યું.
arun.tribalhistory@gmail.com

આભાર - અરુણભાઈ વાઘેલા




ચંદ્રગુપ્ત અને સેલ્યુકસનું યુદ્ધ (ઈ.સ.પૂર્વે ૩૦૫ )



ચંદ્રગુપ્ત અને સેલ્યુકસનું યુદ્ધ (ઈ.સ.પૂર્વે ૩૦૫ )

·         પ્રકાશન તારીખ15 Jul 2018







ગત હપ્તામાં આપણે મહાન સિકંદર અને બાહુબલી પોરસ વચ્ચેના યુદ્ધની વાત જોઈ. સિકંદર સામે ભલે પોરસ પરાજિત થયો હતો, પણ આજે પણ તેના પરાક્રમ અને વીરતાની દુહાઈ દેવામાં આવે છે. સમય નદીના પ્રવાહ જેવો સતત વહેતો રહે છે. જે સિકંદરે ઈ.સ.પૂર્વે ૩૨૬-૨૭માં ભારતની વાયવ્ય –પશ્ચિમ સરહદે તરખાટ મચાવ્યો હતો તેનો આ ભારત વિજય બહુ લાંબી અસરો ઉપજાવી ન શક્યો. તેના અભિયાનનાં પાંચ જ વર્ષ પછી સંજોગો સમૂળગા બદલાઈ ગયા. એવી તો શું ભારતના ઇતિહાસે કરવટ બદલી એની વાત હવે જોઈએ .

ઈ.સ. પૂર્વે ૩૨૧મા મગધ –પાટલીપુત્ર (આજનું બિહાર)માં મુર જાતિનો ૨૫ વર્ષનો એક યુવાન નામે ચંદ્રગુપ્ત મગધપતિ બને છે. નંદ વંશના આપખુદ અને અત્યાચારી શાસક ધનનંદને પોતાના ગુરુ ચાણક્યના સધિયારાથી પરાસ્ત કરી પોતે મગધનો રાજા બન્યો અને મૌર્ય રાજવંશની સ્થાપના કરી. એક તરફ ચંદ્રગુપ્તે પંજાબ અને સિંધના ગ્રીક પ્રદેશો જીતી લઇ ત્યાં વિદેશી હકુમતનો અંત આણ્યો. ગ્રીક લેખક પ્લુંટાર્કે ચંદ્રગુપ્તના લશ્કરમાં ૬ લાખ સૈનિકો હોવાનું નોંધ્યું છે. આ વિશાળ સેનાના બળે તેણે પોણાભાગના હિન્દુસ્તાન પર મૌર્ય સામ્રાજ્યની આણ વર્તાવી હતી.

ચંદ્રગુપ્ત પોતાના ગુરુ ચાણક્યના સધિયારાથી પરાસ્ત કરી પોતે મગધનો રાજા બન્યો અને મૌર્ય રાજવંશની સ્થાપના કરી.

ચંદ્રગુપ્તની સમાંતર સિકંદરનો સેલ્યુકસ નામનો એક સેનાપતિ પોતાની મહાનતાની નીંવ નાંખી રહ્યો હતો. સિકંદરના અવસાન પછી તેણે ગ્રીક સામ્રાજ્ય માટે સંઘર્ષ કરવો પડ્યો. સત્તાના આ સંઘર્ષમાં સેલ્યુકસ વિજેતા થયો. તેણે બેબિલોન અને બેકત્રિયાના પ્રદેશો જીતી ભારત તરફ નજર દોડાવી. તે સિકંદરે ભારતમાં જીતેલા પ્રદેશો ફરીથી અંકે કરવા માગતો હતો. સેલ્યુકસ ઈ.સ. ૩૦૫માં કાબુલના માર્ગે સિંધુ નદી તરફ આગળ વધ્યો. પરંતુ હવે ભારતના સંજોગો સિકંદરના આક્રમણ વખત જેવા ન હતા. સેલ્યુકસના હુમલાની પોતાના કુશળ જાસુસી તંત્ર દ્વારા ચંદ્રગુપ્ત માહિતી મેળવી ચૂક્યો હતો. વળી તે સમયે પંજાબ અને સિંધનાં રાજ્યો વિભક્ત ન હતાં. સિકંદરને સહાય કરનાર શશિગુપ્ત અને આમ્ભી જેવા ગદ્દારોનોનો યુગ આથમી ચૂક્યો હતો. મોટાભાગનું ભારત એક સત્તા અર્થાત ચંદ્રગુપ્તના નેતૃત્વમાં હતું. યુનાની લેખક એપ્પીયાનસે નોંધ્યું છે કે સેલ્યુક્સે સિંધુ નદી પાર કરી ચંદ્રગુપ્ત સાથે યુદ્ધ છેડી દીધું. તેની સેનામાં રથ અને હાથી હતા. પણ ચંદ્રગુપ્તે સેલ્યુકસને સિંધુના બીજા કાંઠે જ રોકી દીધો. ચંદ્રગુપ્ત પાસે નિયમિત અભ્યાસ કરવાવાળી, યુદ્ધવિદ્યામાં પ્રવિણ અને આચાર્ય કૌટિલ્યના સિદ્ધાંતોથી કેળવાયેલી સેના હતી. પરિણામ સ્પષ્ટ હતું. સેલ્યુક્સનો પરાજય અને ચન્દ્રગુપ્તનો જય થયો.

યુદ્ધ પછીનો સમય સંધિની શરતો નક્કી કરવાનો કે શાંતિવાર્તાનો હોય છે. સેલ્યુક્સના પરાજય પછી સંધિની શરતના ભાગરૂપે ચંદ્રગુપ્તને આજના અફઘાનિસ્તાન અને બલુચિસ્તાનના પ્રદેશો પ્રાપ્ત થયા. આ પ્રદેશો પ્રાપ્ત થતાં મૌર્ય સામ્રાજ્ય ઠેઠ હિંદુકુશ પર્વતમાળા સુધી પહોચ્યું હતું. આટલો સામ્રાજ્ય વિસ્તાર ભારતના ઇતિહાસમાં બહુ ઓછા શાસકો હાંસલ કરી શક્યા હતા. બેશક ચંદ્રગુપ્ત મૌર્ય અને પ્રાચીન ભારતની આ મસમોટી સિદ્ધિ હતી.બદલામાં મૈત્રીની ભાવના સાથે ચંદ્રગુપ્તે સેલ્યુકસને ૫૦૦ હાથી ભેટ આપ્યા અને પોતાના રાજ્યમાં ગ્રીક દૂત રાખવાની પ્રથા શરુ કરી. તેના ભાગ રૂપે પહેલો ગ્રીક દૂત પાટલીપુત્રમાં રહેવા આવ્યો. તેનું નામ મેગેસ્થનિસ હતું. તેણે પોતાના ભારતના અનુભવોને આધારે ‘ઈન્ડીકા’ નામનો અદભુત ગ્રંથ લખ્યો છે, પણ કમનસીબે ઈન્ડીકા આજે અપ્રાપ્ય છે.

સેલ્યુક્સના પરાજય પછી સંધિની શરતના ભાગરૂપે ચંદ્રગુપ્તને આજના અફઘાનિસ્તાન અને બલુચિસ્તાનના પ્રદેશો પ્રાપ્ત થયા. આ પ્રદેશો પ્રાપ્ત થતાં મૌર્ય સામ્રાજ્ય ઠેઠ હિંદુકુશ પર્વતમાળા સુધી પહોચ્યું હતું.

સેલ્યુકસ અને ચંદ્રગુપ્ત વચ્ચેના યુદ્ધ પછી સમાધાનના ભાગરૂપે સેલ્યુકસે પોતાની બહેન હેલનને ચન્દ્રગુપ્ત સાથે પરણાવી હતી. આ રિવાજ પ્રાચીન કાળમાં ‘કન્યોપાયન’ તરીકે વિકસ્યો. એટલે કે હારેલો રાજા જીતેલા રાજાને પોતાની બહેન કે દીકરી પરણાવે અને એ રીતે મિત્રતાના સંબધો સ્થાપાતા. હેલન ચંદ્રગુપ્ત સાથે લગ્ન કરી પાટલીપુત્ર પધારી. તે અહીં આવી ત્યારે તેણે ગ્રીક વેશભૂષા પ્રમાણે સાડી ધારણ કરી હતી. જે કેટલાક ઈતિહાસકારોના મતે તત્કાલીન ભારત માટે તદ્દન નવતર વસ્ત્ર હતું . અને પછી તો ભારતમાં પણ તેનું પ્રચલન શરુ થયું. આમ પણ સિનેતારિકાઓ પહેલાં ભારત અને વિશ્વમાં ફેશનના પ્રતીક તરીકે રાજકુટુંબની મહિલાઓ જ ગણાતી હતી અને સામાન્ય સ્ત્રીઓ રહેણીકરણીમાં તેમનું જ અનુકરણ કરતી હતી. આમ હેલનના માધ્યમથી ભારતીય સ્ત્રીઓમાં સાડી ફરતી થઈ.

સેલ્યુકસ સાથેના યુદ્ધ પછી ભારત અને ગ્રીક વચ્ચે શરુ થયેલા સાંસ્કૃતિક સંબંધોમાં એક રસપ્રદ બાબત એ પણ બની કે ગ્રીક રાજાઓ પોતાના જન્મદિવસે માથું મુંડાવતા હતા. તેને અનુસરી ચંદ્રગુપ્તે પણ પોતાના જન્મદિવસે માંથું મુંડાવવાનું શરુ કર્યું હતું.

બીજા ગ્રીક યુદ્ધે માત્ર રાજવી પરંપરાઓને જ પ્રભાવિત કરી ન હતી. ભારતના સામાજિક જીવન પર પણ તેનો સ્પષ્ટ પ્રભાવ જણાતો હતો. ભારતમાં આજે પણ ઉપયોગમાં લેવાતી યુનાની દવાઓના સગડ શોધવા જઈએ તો તેનો પુરાવો સેલ્યુકસના આ યુદ્ધ પછી શરુ થયેલા સાંસ્કૃતિક સંબધોમાં સાંપડે છે.

મહાન વિજેતા ચંદ્રગુપ્ત મૌર્ય અને ગ્રીક સેનાપતિ સેલ્યુકસના યુદ્ધ પછી એમ પૂછવાનું મન થાય કે શું યુદ્ધો હંમેશાં વિનાશકારી જ હોય છે? મૈત્રીના પુલનું નિર્માણ પણ યુદ્ધો થકી શક્ય બની શકે છે. શું મહર્ષિ વેદ વ્યાસે કથેલા ‘યુદ્ધસ્ય કથા રમ્યા’નો એક અર્થ આ પણ તારવી શકાય?


arun.tribalhistory@gmail.com

આભાર - અરુણભાઈ વાઘેલા


સિકંદર અને પોરસનું યુદ્ધ (ઈ.સ.પૂર્વે ૩૨૭-૨૬)



સિકંદર અને પોરસનું યુદ્ધ (ઈ.સ.પૂર્વે ૩૨૭-૨૬)

·         પ્રકાશન તારીખ14 Jul 2018







આધારભૂત રીતે સિંધુ ખીણની સભ્યતાથી શરૂ થતો ભારતીય ઈતિહાસ વૈદિક સમય વળોટી મહાભારત-રામાયણનો મહાકાવ્યયુગ ભોગવી ઈતિહાસયુગમાં પ્રવેશે છે. ઈતિહાસ યુગના ઉષ:કાળે ભારતીય સમાજ પહેલું યુદ્ધ જુએ છે અને તે ગ્રીક સમ્રાટ સિકંદર અને બાહુબલી પોરસ વચ્ચેનું યુદ્ધ(ઈ.સ.પૂર્વે ૩૨૭-૨૬). એલેક્ઝાંડર ફિલિપનો આ પુત્ર અને મહાન ફિલસૂફ એરિસ્ટોટલનો શિષ્ય સિકંદર ૨૦ વર્ષની વયે મેસેડોનિયાનો શાસક બન્યો. સમ્રાટ બન્યા પછી વિશ્વવિજયની કામના સાથે નીકળી પડ્યો. ભારતવિજય એના માટે એટલે પણ જરૂરી હતો કે તેના પિતા ફિલિપ પણ ભારત જીતી શક્યા ન હતા. બીજું કે વિશ્વવિજયના ભાગરૂપે ડેરીયસ સામ્રાજ્યના દૂર પૂર્વના ભાગ સુધી પહોંચી સાગરની સમસ્યા હલ કરવા ઈચ્છતો હતો. આ ભૂગોળ ગ્રીસના ભૂગોળશાસ્ત્રીઓને પણ ચક્કરમાં નાંખતી હતી. એ હિંદુકુશ પર્વતમાળા વટાવી કાબુલ પહોંચ્યો. વચ્ચેના પ્રદેશોના રાજાઓ શશિગુપ્ત, આમ્ભી અને સંજયે એ સિકંદરની પ્રચંડ શક્તિઓ પિછાણી શરણાગતિ સ્વીકારી. કહેવાતા યોદ્ધાઓ ઝુક્યા, પણ ત્યાંની આદિજાતિઓ અને જંગલી પશુઓ સિકંદરને સરળતાથી શરણે ન થયા. જંગલી પશુઓ અને ખાસ તો વાંદરાઓએ સિકંદરનો રસ્તો રોક્યો. વાંદરાઓને જોઇને તો સિકંદરના સૈનિકો રીતસર ડરી જ ગયા હતા. સ્થાનિક નદીઓ પણ ચોમાસામાં ઉફાન પર આવી સિકંદરનો રસ્તો રોકાતી હતી. સિકંદરે અહીં પહેલી વાર મોર પણ જોયા. તે મોરના સૌંદર્યથી એટલો તો પ્રભાવિત થયો કે પોતાના સૈનિકોને મોરને ન મારવાની આજ્ઞા કરી હતી.

સિકંદરે પોરસને ભેટસોગાદો અને આદેશના ભાવ સાથે ઝેલમ કાંઠે હજાર થવા ફરમાન કર્યું, પણ સાડા છ ફૂટ ઊંચા, સોહામણા અને હિંમત અને બહાદુરીના પર્યાય સમા પોરસને એ મંજૂર ન હતું.

વાયવ્ય ભારતના સરહદી રાજ્યોના રાજાઓની શરણાગતિ અને તેમના તરફથી મળેલી ભેટસોગાદોથી ઉત્સાહિત થયેલા સિકંદરે પોરસને ભેટસોગાદો અને આદેશના ભાવ સાથે ઝેલમ કાંઠે હજાર થવા ફરમાન કર્યું, પણ સાડા છ ફૂટ ઊંચા, સોહામણા અને હિંમત અને બહાદુરીના પર્યાય સમા પોરસને એ મંજૂર ન હતું. પરિણામે સિકંદર અને પોરસનું મહાયુદ્ધ. સિકંદરે પોરસ પર આક્રમણ કરતાં પહેલાં પાંચ નદીઓ પાર કરી લશ્કર સાથે ઝેલમના કાંઠે ખડો થયો. પોરસના ૫૦ હજાર સૈનિકો સામે સિકંદર પાસે માત્ર ચુનંદા ૫ હજાર સૈનિકો જ હતા. પણ સિકંદર પાસે પોરસની તુલનામાં આધુનિક શસ્ત્રો હતાં. ગ્રીકો આ સમયે તલવારોનો ઉપયોગ શરૂ કરી ચૂક્યા હતા અને તેમની વ્યૂહરચનાઓ તો કાબિલેદાદ હતી જ. પોરસ અને તેના સૈન્યનો બુલંદ હોંસલો અને પૂરબહાર વહેતી ઝેલમને જોઈ સિકંદરે તેની વ્યૂહરચના બદલી. ઝેલમ પાર કરવી અઘરી હતી ત્યારે પોતાના સૈન્યને ૨૦ માઈલ દૂર આવેલા એક નાના દ્વીપ પર લઈ જઈ વરસાદી વાતાવરણમાં ઝેલમ પાર કરી પોરસની લગોલગ આવી પહોંચ્યો. પ્રથમ દિવસે પોરસપુત્રે સિકંદર સામે યુદ્ધ છેડ્યું. તેમાં ૪૦૦ સૈનિકો સાથે પોરસનો પુત્ર માર્યો ગયો. પોરસનું લશ્કર હાથી, રથ અને પદાતિ લશ્કર હતું. કુરીનાના મેદાનમાં લડાયેલા યુદ્ધમાં વરસાદને કારણે પોરસની સેના માટે વિશાલ ધનુષ્યો પર કમાન ચડાવવી શક્ય ન હતી. રથ પણ કીચડમાં ફસડાઈ પડ્યા. અધૂરામાં પૂરું સિકંદરે પોરસના હાથીઓ પર વિશાળ ભાલાઓથી હુમલા કરી, તેમની સૂંઢ કાપી પાગલ કરી દીધા. પગલાયેલા હાથીઓએ પીછેમૂડ કરી. ખુદ પોરસની સેનાનો કચ્ચરઘાણ વાળી દીધો. પોરસની સેનામાં નાસભાગ મચી ગઈ. છેલ્લું યુદ્ધ ૮ કલાક ચાલ્યું તેમાં ૧૮ હજાર ભારતીય સૈનિકો અને સિકંદરના અંદાજે ૪૦૦ સૈનિકો વીરગતિને પામ્યા. અંતે સિકંદરની વલ્લભધારી અને અશ્વસેનાએ પોરસ પર હલ્લો બોલાવ્યો, પણ એકલવીર પોરસ મહાકાય હાથી પરથી હજુ પણ ઝઝૂમી રહ્યો હતો. શરીર પર નવ જગ્યાએ ઝખ્મી થવા છતાં તેનો જુસ્સો બરકરાર હતો. આખરે તેને બંદી બનાવી સિકંદર સામે પેશ કરવામાં આવ્યો. સિકંદરે વિશ્વ વિજેતાની અદાથી પોરસને પૂછયું, ‘બોલ, તારી સાથે કેવો વ્યવહાર કરવામાં આવે?’ - ‘એક જીતેલો રાજા હારેલા રાજા સાથે કરે છે તેવો’ પોરસ ઉવાચ. પોરસનાં સાહસ, સ્વાભિમાન અને બહાદુરીથી પ્રભાવિત થયો. કહેવાય છે કે સિકંદરે તેનું રાજ્ય પરત કર્યું, પણ તેની પાછળ આટલું કારણ પર્યાપ્ત નથી. વાસ્તવમાં તો સિકંદર આવા બાહુબલી રાજાને મિત્ર બનાવી ભારતમાં આગળ વધવા માગતો હતો, પણ તેનું એ સ્વપ્ન સાકાર ન થયું કારણકે પોરસની બહાદુરીથી અંજાઈ ગયેલા સિકંદરના સેનાપતિઓને આગળના ભારતના રાજાઓ અને તેના લશ્કરની કલ્પના કંપાવી રહી હતી. તેથી પોતાના સૈન્યમાં જ વિદ્રોહ ન પેદા થાય તે હેતુથી સિકંદરે સ્વદેશ પાછા ફરવાનું મુનાસિફ માન્યું.

ઈ.સ. પૂર્વે ૩૨૭માં સિકંદરના ભારત અભિયાનનો અંત આવ્યો આ ઘટના ભારતના ઈતિહાસકારો ઉપરાંત સાહિત્યસર્જકો માટે પણ મનભાવન વિષય રહ્યો છે. સેંકડોની સંખ્યામાં ઈતિહાસકારો અને સર્જકોએ સિકંદરના ભારત અભિયાનને પોતપોતાની રીતે મૂલવ્યું છે. સામ્રાજ્યવાદી ઇતિહાસકાર વી. એ. સ્મિથે તો તેના ‘પ્રાચીન ભારતનો ઈતિહાસ’ ગ્રંથમાં ૭૨ પાનાં ભરી માત્ર સિકંદર અને યુરોપના વકીલ હોય તેમ વાત કરી છે. વાસ્તવમાં સિકંદર અને ગ્રીકો જે ઝડપે ભારતમાં આવ્યા હતા તે જ ઝડપે પાછા ગયા હતા.

કુરીનાના મેદાનમાં લડાયેલા યુદ્ધમાં વરસાદને કારણે પોરસની સેના માટે વિશાલ ધનુષ્યો પર કમાન ચડાવવી શક્ય ન હતી. રથ પણ કીચડમાં ફસડાઈ પડ્યા. અધૂરામાં પૂરું સિકંદરે પોરસના હાથીઓ પર વિશાળ ભાલાઓથી હુમલા કરી, તેમની સૂંઢ કાપી પાગલ કરી દીધા. પગલાયેલા હાથીઓએ પીછેમૂડ કરી.

૧૯ મહિનાના ભારત નિવાસે ભારતના સમાજજીવનને ખાસ્સું પ્રભાવિત કર્યું હતું. ભારતની સરહદ પર બુફફેલા (સિકંદરનો ઘોડો જ્યાં મર્યો હતો તે સ્થળ) અને નીકાયા (વિજય સ્થળ) નામના બે નવાં નગરોનું નિર્માણ, ભારતમાં ગ્રીક છાવણીઓની રચના, ભારતીયોના ખગોળવિદ્યાના જ્ઞાનમાં અભિવૃદ્ધિ ભારત અને ગ્રીસ વચ્ચે સાંસ્કૃતિક સંબધોનું સ્થાપન, સિકંદર પહેલા અણઘડ અને બેડોળ બનતા ભારતીય સિક્કાઓનો સુડોળ અને ચોક્કસ આકારના બનવા વગેરે સિકંદરના આ યુદ્ધની અસરો હતી. માત્ર બે વર્ષના આ ટૂંકા ગાળાએ ભારત અને ગ્રીસ બંને દેશોના ઈતિહાસ પર અમીટ છાપ છોડી હતી. હવે ભારત-ગ્રીસ વચ્ચે યુદ્ધોની સાથે મૈત્રીની બુનિયાદ પણ રચાવાની હતી. એવું તો શું થવાનું હતું મહાન ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કે પોરસના સમયમાં બચાવની મુદ્રામાં રહેલું ભારત તેનો આક્રમક મિજાજ દેખાડે છે તેની વાત હવે પછી મહાન ચંદ્રગુપ્ત અને સેલ્યુકસ વચ્ચેના યુદ્ધમાં (ઈ.સ. પૂર્વે ૩૦૫) કરીશું.

arun.tribalhistory@gmail.com

આભાર - અરુણભાઈ વાઘેલા