# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Sunday 10 September 2017

ચુનચનકટ્ટે ધોધ

ચુનચનકટ્ટે ધોધ

ધોધ એ તો કુદરતનું ખૂબ જ મનોહર અને આકર્ષક સ્વરૂપ છે. ધોધ એ કુદરતનો ગજબનો કરિશ્મા છે. ધોધ જોવો કોને ન ગમે ? ગુજરાતમાં ભલે ધોધની સંખ્યા ઓછી હોય, કર્ણાટક રાજ્યને તો ભગવાને ધોધની સારી એવી ભેટ ધરી છે. કર્ણાટકમાં આવેલા થોડા ધોધનાં નામ ગણવું ? શીવસમુદ્રમ ધોધ, અપ્સરાકુંડ ધોધ, લાલગુડી, નિસર્ગધામ, બુરુડ, શીવગંગા, બેલકલ તીર્થ, ડબ્બે, વાટ હલ્લા, વિભૂતિ, અલેખાન, ડોન્ડોલે, શાંતિ, એબી, અરીસીના ગુંડી, બરખાના, બેનેહોલ, ચુનચનકટ્ટે, ગોડચીનામલકી, હેબે, ઈરુપુ, ચેલાવરા, મલ્લાલી, જોગ, હિલ્દુમને, કીલ્હત્તી, ઉન્ચલી, કેપ્પા, કુસ્સલી, મગોડ, માણિકયધારા, મુથ્યાલા મદુવુ, સાથોડી, વરપોહા, સીરીમને, સોગલ, ચુંચી, હનુમાનગુંડી, કુંચીકલ વગેરે. મને તો લાગે છે કે કર્ણાટકના ધોધ જોવાનો એક પ્રવાસ ગોઠવવો જોઈએ અને એક પછી એક લાઈનમાં આવતા ધોધ જોતા જવું જોઈએ. આવા પ્રવાસથી એમ લાગશે કે કુદરતે ભારત દેશને કેટલું બધુ સૌન્દર્ય આપ્યું છે !

અહીં આપણે કર્ણાટકના માયસોર જીલ્લામાં આવેલા ચુનચનકટ્ટે ધોધની વાત કરીશું. માયસોર જીલ્લાના કૃષ્ણરાજનગર તાલુકાના ચુનચનકટ્ટે ગામ આગળ આ ધોધ આવેલો છે. અહીં કાવેરી નદી પોતે જ ધોધરૂપે પડે છે. આશરે ૧૨૦ મીટર પહોળી નદી, ૨૦ મીટર ઉંચાઈએથી ખડકો પરથી નીચે પડીને આગળ વહેતી હોય, એ દ્રશ્ય કેટલું બધુ મનોહર લાગે ! કૃષ્ણરાજનગર ગામ, માયસોરથી હસન જવાના રસ્તે આવેલું છે. આ ગામમાંના એક સર્કલ આગળથી ડાબી બાજુ વળી જવાનું. આ રસ્તે થોડું ગયા પછી, જમણી બાજુ માટીવાળો એક રસ્તો પડે છે. એ રસ્તે જાવ એટલે ધોધ આગળ પહોંચી જવાય. કૃષ્ણરાજનગરથી ધોધ આશરે ૮ કી.મી. દૂર છે. માયસોરથી ધોધનું અંતર ૫૭ કી.મી. છે. બેંગલોરથી આ ધોધ આશરે ૧૪૦ કી.મી. દૂર છે. આ ધોધ પશ્ચિમઘાટમાં આવેલો છે. ધોધરૂપે પડતા પહેલાં કાવેરી નદી બે ભાગમાં વહેંચાઈ જાય છે, એટલે કે બે ધોધ પડે છે. મુખ્ય ધોધ મોટો છે. બીજો નાનો છે, પણ તે ખડકોની એવી આંટીઘૂંટીમાંથી પસાર થાય છે કે જોવાની મજા આવી જાય. બંને ધોધ પડ્યા પછી તો તેમનાં પાણી ભેગાં થઈને જ આગળ વહે છે.

ચુનચનકટ્ટે એક પવિત્ર સ્થળ છે. રામ ભગવાન તેમના વનવાસ દરમ્યાન, અહીં રહેતાં પતિપત્ની ચુંકા અને ચુંકીની વિનંતીથી આ જગાએ રોકાયા હતા અને તેમના મહેમાન બન્યા હતા. તે વખતે અહીં પાણીનું ટીપુ યે નહોતુ. એક વાર સીતામાતા બરાબર થાક્યાં હતાં. તેમને સ્નાન કરવાની ઈચ્છા હતી. સીતાની ઈચ્છા પૂર્ણ કરવા, રામે લક્ષ્મણને તીરથી ખડક ભેદવાનો આદેશ આપ્યો. લક્ષ્મણે ખડક પર બાણ ચલાવ્યું. ખડકમાંથી ત્રણ જુદા જુદા રંગ (shade)નું પાણી બહાર આવ્યું, એક હળદરિયુ, બીજુ તૈલી અને ત્રીજુ શિકાકાઈ જેવું (કુદરતી શેમ્પુ જેવું). આ પ્રકારનાં પાણીથી નાહીને સીતામાતાનો બધો થાક ઉતરી ગયો. આજે પણ આ ધોધમાં, પાણી ઘણુ વધારે હોય ત્યારે આ ત્રણે પ્રકારનાં પાણી નજરે પડે છે.

આ ધોધને કિનારે ભગવાન રામનું પુરાણું મંદિર આવેલું છે. કન્નડ ભાષામાં આ મંદિર કોડાન્ડા રામનું મંદિર કહેવાય છે. મંદિરનું બાંધકામ દક્ષિણ ભારતનાં મંદિરોની શૈલીનું છે. મંદિર આગળ બેસીને ધોધને જોયા કરવાનું ગમે એવું છે. આ મંદિરનું મહત્વ એ છે કે અહીં બધી જગાએ ધોધનો પ્રચંડ અવાજ સંભળાય છે, પણ મંદિરના ગર્ભગૃહમાં પેસો કે તરત જ ધોધનો અવાજ સંભળાતો બંધ થઇ જાય છે. આ એક ચમત્કાર જેવું છે. આ માટે અહીં એક દંતકથા પ્રચલિત છે. શ્રીરામ, જંગલની રઝળપાટ દરમ્યાન, સીતાની જાતજાતની ફરિયાદોથી કંટાળ્યા હતા, આથી એમના મુખેથી શાપ અપાઈ ગયો કે “સ્ત્રીઓની જીભ બહુ અવાજ કર્યા કરે એવી ના હોવી જોઈએ”. કાવેરી નદી પણ સ્ત્રીલીંગ હોવાથી, સ્ત્રીમાં ગણાઈ ગઈ, એટલે રામના શાપને કારણે, કાવેરીના ધોધનો અવાજ રામના મંદિરમાં સંભળાતો નથી. જો કે આજે દુનિયામાં, સ્ત્રીઓમાં રામના શાપની અસર વર્તાતી નથી, એ જુદી વાત છે.

આ મંદિરની બીજી એક વિશિષ્ટતા એ છે કે મંદિરમાં સીતાજીની મૂર્તિ, રામની મૂર્તિની ડાબી બાજુએ હોવાને બદલે જમણી બાજુએ છે. એ માટે પણ એક કથા છે. રામને આ જંગલમાં એક અજાણ્યા ઋષિ મળી ગયા. આ ઋષિ ભગવાન નારાયણમાં અપાર શ્રધ્ધા ધરાવતા હતા. શ્રીરામ, ઋષિનો આ ભક્તિભાવ જોઈને પ્રસન્ન થયા અને ઋષિને વરદાન માગવા કહ્યું. ઋષિએ માગ્યું કે “હું સીતામાતાને આપની જમણી બાજુએ બિરાજેલાં જોવા ઈચ્છું છું.” રામે ‘તથાસ્તુ’ કહ્યું. એટલે આ મંદિરમાં સીતાની મૂર્તિ રામની જમણી બાજુએ છે. વાર્તા ગમી ? અહીં હનુમાનજીનાં બે મંદિર છે, એક રામમંદિરના પ્રવેશદ્વાર આગળ અને બીજું નદીના કિનારે.

કાવેરી નદી માટીની સાથે કાંપ ઘસડી લાવે છે, એ આ ડેક્કન પ્રદેશને ફળદ્રુપ બનાવે છે. અહીંની ફળદ્રુપ જમીનમાં ડાંગર અને શેરડીનો પાક ખૂબ થાય છે. આથી આ ગામ ડાંગર અને શેરડીની પેદાશ માટે જાણીતું છે. આ વિસ્તારની મુખ્ય વસ્તી ખેડૂતો અને સુગર મીલ તથા પાવર પ્લાન્ટમાં કામ કરતા કામદારોની છે. અહીં મકરસંક્રાંતિએ બ્રહ્મા રસોત્સવ નામનો ઉત્સવ ઉજવાય છે. ઓગસ્ટમાં ઢોરમેળો ભરાય છે, એ આ વિસ્તારનો જાણીતો મેળો છે.

કાવેરી નદી અહીંથી વહીને આગળ ગયા પછી, તેના પર કૃષ્ણરાજસાગર ડેમ બાંધેલો છે. ધોધનું બધુ પાણી આ ડેમના રીઝરવોયરમાં ભેગું થાય છે. અહીં ૧૯૯૮માં વીજળી પેદા કરતો પાવર પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. તે ૧૮ મેગાવોટ વીજળી પેદા કરી આપે છે. કહે છે કે અહીં પાવર પ્લાન્ટ નહોતો બન્યો ત્યારે આ જગા સ્વર્ગ જેવી સુંદર હતી. પાવર પ્લાન્ટ આવ્યા પછી પ્રદૂષણ વધ્યું છે.

આ ધોધનો ધસમસતો પ્રવાહ મોટી ગર્જના કરે છે. ખડકોમાં અથડાઈને વેગથી પાણી જયારે નીચે ધસે છે ત્યારે દૂધ જેવું સફેદ લાગે છે. આજુબાજુ ઉડતાં પાણીનાં ફોરાં, કિનારે ઉભેલા લોકોના શરીર પર છંટકાવ કરે છે ત્યારે શરીર ભીંજાય છે અને મન પણ ભીંજાઈને પ્રફુલ્લિત થઇ જાય છે.

આ ધોધમાં ડૂબકી મારીને નહાવાનું માહાત્મ્ય છે, પણ પાણીના જોરદાર પ્રવાહમાં ખેંચાઈ ના જવાય તેનું ધ્યાન રાખવું પડે. નહાવામાં જોખમ છે જ. ખાસ કરીને ચોમાસામાં પ્રવાહ જોરદાર હોય ત્યારે તો પાણીમાં ઉતરાય જ નહિ. બાકીના સમયે આજુબાજુ ખડકોમાં રખડવાનું શક્ય છે. આજુબાજુની જગામાં લીલોતરી ખૂબ જ છે. અહીં કેટલાં યે જળચર પક્ષીઓ જોવા મળે છે.

આ ધોધ આગળ ઘણી લોકલ કન્નડ ફિલ્મો ઉતરી છે. અહીં અવારનવાર ઘણા ફિલ્મસ્ટાર અને રાજકીય નેતાઓ મુલાકાતે આવે છે. આ ધોધની નજીક, કૃષ્ણરાજનગર ગામની બહાર, કપાડી ક્ષેત્રમ નામનું એક બીજું પવિત્ર સ્થળ છે. ત્યાં કાવેરીના કિનારે આરકેશ્વર સ્વામી મંદિર જોવા જેવું છે.

ચુનચનકટ્ટે એ ખૂબ જ સરસ પીકનીક સ્થળ છે. લોકો ખાસ અહીં આ ધોધ જોવા માટે આવે છે. કૃષ્ણરાજનગરથી તમને લોકલ ગાઈડ પણ મળી રહે છે. પીકનીક મનાવનારા અહીં ધોધ આગળ કચરો ફેંકીને જતા રહે છે, બહુ જ ઓછા લોકો સ્વચ્છતાની કાળજી કરે છે. જનતા અને સરકાર, અહીં ચોખ્ખાઈ જાળવવામાં મદદ કરે તો આ સ્થળ બહુ જ સરસ લાગે. ધોધ આગળ ખાણીપીણીની દુકાનો કે રહેવા માટેની વ્યવસ્થા નથી. બધુ તમારે લઈને આવવું પડે. જો કે કૃષ્ણરાજનગરમાં બધી સગવડ મળી રહે છે. ધોધ જોવાનો અનુકૂળ સમય જાન્યુઆરી-ફેબ્રુઆરી છે. કૃષ્ણરાજનગરથી ધોધ સુધી સરકારી કે ખાનગી બસ, ટેક્સી, જીપ વગેરે મળી રહે છે. નજીકનું રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ માયસોરમાં છે.

બોલો, કર્ણાટકના ધોધનાં દર્શને ક્યારે નીકળવું છે ?








No comments:

Post a Comment