# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday 8 September 2017

પાલિતણા, શેત્રુંજય તીર્થનાં દર્શને 

પાલિતણા, શેત્રુંજય તીર્થનાં દર્શને 

ગુજરાતમાં ખૂબ જાણીતાં હોય એવાં ઘણાં બધાં યાત્રાધામો છે. જેવાં કે ડાકોર, અંબાજી, સોમનાથ, શામળાજી, વડતાલ વગેરે. પાલિતણા પણ આવું જ પ્રસિદ્ધ યાત્રાધામ છે. જૈન ધર્મનાં અહીં એટલાં બધાં મંદિરો છે કે ના પૂછો વાત ! અહીં ફક્ત જૈન મંદિરો હોવા છતાં, ધર્મના કોઈ પણ જાતના બાધ વગર, બધા લોકો દર્શને આવે છે, એવું એ પવિત્ર ધામ છે. અમે પણ આ પવિત્ર ભૂમિના દર્શને જવાનો કાર્યક્રમ બનાવી, એક દિવસે બપોરે બે વાગે પાલિતણા જવા નીકળી પડ્યા.

અમદાવાદથી પાલિતણા શહેરનું અંતર ૨૨૦ કી.મી. છે. અમદાવાદથી બાવળા, બગોદરાના રસ્તે જવાનું. બગોદરાથી ભાવનગર તરફ વળવાનું. ત્યાંથી ધંધુકા, બરવાળા, વલભીપુર, ધાંધલી, શિહોર અને સોનગઢ થઈને પાલીતણા પહોંચાય. આમ તો આ રસ્તે પણ ઘણાં જૈન તીર્થો આવે છે. બગોદારમાં નવકાર તીર્થ છે. હમણાં એક વર્ષ પહેલાં જ બન્યું છે. ખુલ્લી વિશાળ જગામાં બગીચા, પાર્કીંગ અને રહેવાજમવાની વ્યવસ્થાવાળું આ સ્થળ ઘણું જ સરસ છે. અહીં બેસો તો મનને શાંતિ જરૂર લાગે છે. અમે અહીં પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરી પ્રવાસ આગળ વધાર્યો.

ધંધુકા પછીના તગડી ગામે વૈષ્ણવ સંપ્રદાયની શ્રીમહાપ્રભુજીની બેઠક આવેલી છે. તળાવને કિનારે આવેલી આ જગા પણ એક સરસ નૈસર્ગિક સ્થળ છે. અહીં વૈષ્ણવો માટે રહેવાજમવાની વ્યવસ્થા છે. તગડીથી બરવાળાના રસ્તે પાંડવકાલીન ભીમનાથ મહાદેવ આવે છે. એ પણ એક જાણીતું શીવમંદિર છે. બરવાળાથી ૨૦ કી.મી. પછી અયોધ્યાપુરમ નામે એક પ્રખ્યાત જૈન મંદિર છે. ખૂબ જ ભવ્ય અને આકર્ષક છે. અહીં આદિનાથ ઋષભદેવ ભગવાનની ભવ્ય મૂર્તિનાં દર્શન કરીને મન પ્રફુલ્લિત થઇ જાય છે. આદિનાથ દાદા એટલે જૈનોના પહેલા તીર્થંકર. મહાવીર સ્વામી એ ચોવીસમા તીર્થંકર. જૈનોના પ્રખ્યાત તીર્થ સમેતશિખરજીમાં પાર્શ્વનાથ પ્રભુ અને ગીરનારમાં નેમિનાથ પ્રભુ બિરાજે છે. અયોધ્યાપુરમમાં પણ રહેવાજમવાની સગવડ છે. જૈનોનાં બધાં તીર્થોમાં જમવાની વ્યવસ્થા હોય જ છે. દર્શને આવનારાઓને તકલીફ ના પડે તેની સારી કાળજી લેવાય છે. તમે આ રસ્તે નીકળો તો અયોધ્યાપુરમ થોભીને આ મંદિર જરૂર જોજો.

અમે આગળ ચાલ્યા. વલભીપુર પસાર થયું. અહીં વલભીપુરમાં કોઈ દાતાએ એક મોટો બંગલો પ્રજા માટે દાનમાં આપેલો છે. અહીંથી પસાર થતા જૈન ધર્મીઓને રાત્રિનિવાસ કરવો હોય તો અહીં થઇ શકે છે. આગળ જતાં ધાંધલી, શિહોર અને સોનગઢ ગામ આવ્યાં. ધાંધલીથી શિહોરનો રસ્તો થોડો ખરાબ છે. પણ વાહનો તો આરામથી જઈ શકે. સોનગઢની હીંગ વખણાય છે. સોનગઢથી આગળ જઈએ એટલે ‘શેત્રુંજય પ્રવેશદ્વાર’ લખેલી મોટી કમાન આવે છે. અહીંથી પાલિતણા માત્ર ૨૮ કી.મી. દૂર છે. આગળ જતાં વીસેક કી.મી. પછી અઢીદ્વીપ નામનું જૈન મંદિર આવે છે. આ બધું જોતા જોતા અમે સાંજે સાત વાગે પાલિતણા પહોંચી ગયા.

પાલિતણામાં પુષ્કળ લોકો દર્શનાર્થે આવે છે. વર્ષના કોઈ પણ સમયે અહીં લોકોની ભીડ દેખાય છે.તહેવારોમાં તો માનવ મહેરામણ ઉમટે છે. જૈનોના સંઘ તો અવારનવાર આવ્યા જ કરે છે. આટલા બધા લોકોને રહેવા માટે અહીં ઘણી ધર્મશાળાઓ ઉભી થઇ છે. નામ ભલે ‘ધર્મશાળા’ હોય, પણ તેમાં હોટેલ જેવી બધી સગવડો હોય છે. અમે અગાઉથી કોઈ ધર્મશાળામાં બુકીંગ કરાવ્યું ન હતું, એટલે ધર્મશાળામાં રૂમ મળવામાં થોડી તકલીફ પડી, પણ છેવટે મળી તો ગઈ જ. ફોનથી કોઈ ધર્મશાળામાં બુકીંગ કરાવીને આવવું વધુ સારું. રાત્રે જમીને આરામ કર્યો. બીજે દિવસે શેત્રુંજય ડુંગર ચડવાનો કાર્યક્રમ હતો.

પાલિતણા શહેર એક નાના નગર જેવું લાગે. શહેરના રસ્તાઓ ખૂબ જ સારા અને પહોળા છે. રસ્તાઓ પર ચોખ્ખાઈ ખૂબ જ છે. પાલિતણાનું મુખ્ય આકર્ષણ છે શેત્રુંજય ડુંગર અને ડુંગર પરનાં જૈન મંદિરો. પાલિતણા નગરના છેડેથી જ ડુંગર શરુ થાય છે. આ જગાને તળેટી કહે છે. પાલિતણાની મોટા ભાગની ધર્મશાળાઓ તળેટીની નજીક જ આવેલી છે. શેત્રુંજય તીર્થની યાત્રાએ આવનારા લોકો, તળેટીથી ડુંગર ચડવાનું શરુ કરે છે. અહીં ડુંગર તરફ ભવ્ય પ્રવેશદ્વાર બનાવ્યું છે. પ્રવેશદ્વારમાં દાખલ થતામાં જ એક મોટું મંદિર છે. તેને બાબુ દેરાસર કહે છે. દેરાસરમાં આદિનાથ ભગવાનની મૂર્તિ છે. આ દેરાસર ખૂબ વિશાળ પરિસરમાં પથરાયેલું છે. જેને શેત્રુંજય ડુંગર ન ચડવો હોય કે શારીરિક તકલીફને કારણે ચડી શકાય તેમ ન હોય તે બાબુ દેરાસર સુધી તો આવે જ. એટલે અહીં તો મોટા મેળા જેવું લાગે. લોકો બાબુ દેરાસરમાં પૂજાપાઠ, અર્ચન કરતા હોય છે. જૈન ધર્મની દીક્ષા લેવાની વિધિ પણ અહીં થાય છે. અહીં મહારાજ સાહેબ(મ.સા.) તથા સાધ્વીઓનાં દર્શન કરવાની તક પણ આસાનીથી મળે.

બાબુ દેરાસરની બાજુમાં સમોવર્ષણ નામનું દેરાસર છે. તેનો દેખાવ ખૂબ જ ભવ્ય અને આકર્ષક છે. અજાયબીમાં ગણી શકાય એવી સરસ આ કલાકૃતિ છે. સમોવર્ષણની તસ્વીર એ પાલિતણાની ઓળખ છે. થોડી વાર સુધી જોયા જ કરવાનું મન થાય એવો એનો દેખાવ છે.

શેત્રુંજય પર ચડવાનો રસ્તો બાબુ દેરાસર અને સમોવર્ષણ દેરાસરની વચ્ચે થઈને પસાર થાય છે. અમે આ બંને દેરાસરમાં દર્શન કરી, ડુંગર ચડવાનું શરુ કર્યું. રસ્તો પગથિયાંવાળો છે. પગથિયાં એટલાં સરસ અને પહોળાં બનાવ્યાં છે કે ચડવાનું સહેલું લાગે. વળી, દરેક પગથિયાની ઊંચાઈ પણ છ ઈંચથી વધારે નથી એટલે ચડવામાં થાક ઓછો લાગે. દર પચાસ પગથિયાંએ પગથિયાંનો નંબર લખેલો છે એટલે તમે કેટલાં પગથિયાં ચડ્યા, તેનો અંદાજ મળતો રહે. ડુંગરની ટોચ સુધી કુલ ૩૩૬૪ પગથિયાં છે. થોડા થોડા અંતરે પગથિયાંની બંને બાજુએ શીલાઓ પર ભગવાનને નમન કરતાં સૂત્રો લખેલાં નજરે પડે છે. ઘણા લોકો ચંપલ પહેર્યા વગર ડુંગર ચડવાની બાધા રાખતા હોય છે, એટલે ગરમીમાં પગે દઝાવાય નહિ તે માટે પગથિયાં પર બંને બાજુએ થોડા ભાગમાં સફેદ રંગ કરેલો છે. એક બાજુનો સફેદ પટ્ટો ચડનારાઓ માટે તથા બીજી બાજુનો પટ્ટો ઉતરનારાઓ માટે. થોડા થોડા અંતરે વિસામાઓ પણ આવે છે. વિસામા પર માટલાનું ઠંડું ચોખ્ખું પીવાનું પાણી મળી રહે છે. અહીં પાણી પીને બે ઘડી બેસવાથી નવું જોમ આવી જાય અને પછી યાત્રિકો આગળ પગથિયાં ચડવાનું શરુ કરે.

લગભગ છસો એકાવન પગથિયાં પછી થોડો સપાટ રસ્તો આવે છે. પછી વળી પાછાં પગથિયાં. લગભગ અઢારસો પગથિયાં પછી હિંગળાજ માતાનું મંદિર આવે છે. માતાને પગે લાગી યાત્રિકો આગળ વધે છે. બધાને ઠેઠ ટોચ પર પહોંચી આદિનાથ દાદાને મન ભરીને નિરખવા છે. અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરી જીંદગીમાં ધન્યતા અનુભવવી છે. એ ઉત્સાહમાં થાક વર્તાતો નથી. આમ છતાં, યાત્રિકો ચડતાં ચડતાં હાંફી જાય તો દર થોડાં પગથિયાંએ સહેજ ઉભા રહીને થાક ખાઈ લે છે. જાતે ન ચડી શકનારા માટે ડોળી મળી રહે છે. પણ ચઢાણવાળા રસ્તે આપણી જાતને બીજા મનુષ્યો દ્વારા ઉચકાવવી એ માનવતા વિરુદ્ધનું કૃત્ય લાગે છે. ડોળીમાં બેસીને યાત્રા કરવાથી ભગવાન પ્રસન્ન થતા હશે કે કેમ, એ તો ભગવાન જ જાણે !

અમે એક બહેનને તો દરેક પગથિયે નીચે બેસી, માથું પગથિયે નમાવી, ઉપર ચડતાં જોયાં. એ બહેનને કેટલું કષ્ટ પડ્યું હશે ? એ ભગવાનમાં કેટલી અતૂટ શ્રદ્ધા ધરાવતાં હશે ?

શેત્રુંજયની ઉપર પહોંચ્યા પછી, અહીનાં મંદિરોનો માહોલ તો ખરેખર અદભૂત છે. અહીં કુલ કેટલાં મંદિરો હશે, તે કલ્પી શકો છો ? લોકોના કહેવા પ્રમાણે, અહીં મંદિરોની સંખ્યા ૯૦૦ જેટલી છે ! દરેક મંદિરમાં દર્શનનો લ્હાવો લેવા જેવો છે. આ મંદિરો અગિયારમી સદીથી ઓગણીસમી સદી સુધીના આઠસો વર્ષના ગાળામાં બંધાયાં છે. મંદિરો બાંધવામાં પથ્થર અને આરસનો ઉપયોગ થયેલો છે. મંદિરોની દિવાલો પરની દેવદેવીઓની વિવિધ મુદ્રાવાળી મૂર્તિઓ જોતાં એમ લાગે છે કે એ વખતના લોકો કેવા કલાપ્રેમી હશે ! આટલું બધું શિલ્પકામ કરવામાં કેટલો બધો સમય લાગ્યો હશે ! પણ નિપુણતા, પ્રભુભક્તિ અને શોખને લીધે આ બધું શક્ય છે. અને મંદિરો કેવાં ભવ્ય અને ઉત્તુંગ શિખરોવાળાં છે ! એક જુઓ અને એક ભૂલો, એવાં આ મંદિરો જોઈને મન આનંદ, ભક્તિ અને પ્રભુપ્રેમમાં તરબોળ થઇ જાય છે. અમને આબુનાં દેલવાડાનાં દહેરાં અને મોઢેરાનું સૂર્ય મંદિર યાદ આવી ગયાં. અહીનાં મંદિરોમાં મુખ્ય મંદિર આદિનાથ દાદાનું છે. આ મંદિરને દાદાની ટુક પણ કહે છે. આદિનાથ દાદાનાં દર્શન કરીને મન પાવન થઇ જાય છે. એક વાર તો અહીં દર્શન કરવા જજો જ.

શેત્રુંજયની ટોચ પરથી, પાલિતણાની બાજુમાં વહેતી શેત્રુંજી નદીનું દ્રશ્ય બહુ જ સુંદર લાગે છે. શેત્રુંજી પર બાંધેલા બંધને લીધે ઉપરવાસમાં ભરાયેલ સરોવર અહીંથી દેખાય છે. ટોચ પથી ચારે બાજુ નજર કરતાં એમ લાગે કે ભગવાને કેવી સરસ સૃષ્ટિ રચી છે ! ઘણે દૂર એક અન્ય ડુંગર પર બાંધેલાં મંદિરો પણ ઝાંખાં ઝાંખાં દેખાય છે. એ છે હસ્તગિરિ પરનું જૈન મંદિર. બીજા દિવસે અમે હસ્તગિરિ જવાના હતા.

બસ, પછી મનમાં સંતોષ ભરી અમે ડુંગર ઉતરવાનું શરુ કર્યું. પેલાં છસો એકાવન પગથિયાંના સપાટ રસ્તા આગળ, એક ભાઈ ભાતાગૃહમાં નાસ્તો કરવાના(નવકારસીના) પાસ આપતા હતા. તે પાસ લઈને તળેટીએ પહોંચી ગયા.

તળેટીમાં ચાનાસ્તાની દુકાનો છે. તે એકદમ વ્યવસ્થિત રીતે લાઈનબંધ ઉભી કરેલી છે. ચોખ્ખાઈ તો ખૂબ જ. અહીં શેરડીનો રસ બારે માસ મળે છે. અમને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યો. અહીં કાચું પપૈયું અને ચવાણું નાખેલી ખાસ પ્રકારની ભેળ મળે છે. તે ખાવાની મજા આવી. બાજુમાં જ ભાતાગૃહ છે. પેલા પાસ ધરાવનારને અહીં ખાવાપીવા માટે બુંદી, સેવ અને ચા મળે છે, અને તે પણ જોઈએ તેટલાં. ખાધા પછી સાકર-વરિયાળીનું પાણી મળે છે. આ બધાથી ડુંગર ચડ્યાઉતર્યાનો થાક ઉતરી જાય છે.

ભાતાગૃહમાં ખાધા પછી અમે ત્રણેક કલાક આરામ કર્યો અને સાંજના પાલિતણા નગર જોવા નીકળ્યા. તળેટીની નજીકના વિસ્તારમાં મણીભદ્ર દેરાસર, કાચનું દેરાસર તથા અન્ય જાણીતાં મંદિરો છે. મ.સા. તથા સાધ્વીઓના મુકામ માટે પણ વ્યવસ્થા છે. એ બધું જોયું.

બીજા દિવસે અમે પાલિતણાથી ૧૭ કી.મી. દૂર આવેલા હસ્તગિરિ ડુંગર જવા નીકળ્યા. શેત્રુંજીના કિનારે કિનારે રસ્તો છે. હસ્તગિરિ ડુંગરની ટોચ પર છેક મંદિર સુધી ગાડી તેમ જ લક્ઝરી બસો જઈ શકે છે. વળાંકો તેમ જ ઢાળ પર જરા સાચવીને ડ્રાઈવિંગ કરવાનું. કુલ છ કિલોમીટરનું ચઢાણ છે. ઉપર ઋષભદેવ(આદિનાથ) ભગવાનનું ભવ્ય દેરાસર અને પરિસરમાં ૭૨ જિનાલય છે. આખું બાંધકામ સફેદ આરસનું છે. સવારના સૂર્યના કોમળ તડકામાં આ મંદિરોનાં શિખરો ખૂબ જ પ્રભાવશાળી લાગે છે. મંદિરની બહાર ચારે બાજુ વિશાળ ચોગાન અને તેમાં ઉભાં કરેલાં નાનાં મંદિરો અહીના આકર્ષણમાં ઓર વધારો કરે છે. એમ થાય કે આ જગાએ બસ, બેસી જ રહીએ. મનને અપૂર્વ શાંતિ મળે છે અને ચારે બાજુનો નઝારો એટલો સરસ કે બસ જોયા જ કરો. દૂર દૂર શેત્રુંજયની ટોચ પણ દેખાય છે.

છેવટે હસ્તગિરિથી પાલિતણા પાછા વળી, જમીને અમદાવાદ તરફ વળ્યા. રસ્તામાં અયોધ્યાપુરમ, તગડી અને બગોદરાના નવકારતીર્થમાં વિરામ કર્યો. સાંજે તો અમદાવાદમાં. પ્રવાસમાં ખૂબ જ આનંદ આવ્યો. સારા વિચારો અને ભગવાન પ્રત્યેની શ્રધ્ધાને થોડું બળ મળ્યું. એક વાર તો પાલિતણા જોવા જેવું ખરું જ. કોઈક શ્રદ્ધાળુ લોકો તો બે મહિનાના ગાળામાં શેત્રુંજય ડુંગરની ૯૯ વખત યાત્રા કરે છે.

પાલિતણાથી સૌથી નજીકનું મોટું શહેર ભાવનગર અહીંથી ૫૧ કી.મી. દૂર છે. અમદાવાદ, ભાવનગર, ગારિયાધાર વગેરે સ્થળોએથી પાલિતણા જવા માટે એસ.ટી. બસો મળી રહે છે. ભાવનગરથી પાલિતણા રેલ્વે રસ્તે પણ જવાય છે. પાલિતણાથી આગળ બગદાણામાં સીતારામ બાપનો આશ્રમ, તળાજા પાસે ગોપનાથ મહાદેવ, ભાવનગર પાસે ખોડિયાર માતાનું મંદિર, નિષ્કલંક મહાદેવ વગેરે જોવાલાયક સ્થળો છે. અમદાવાદથી બગોદરા પહોંચતા પહેલાં, ધોળકા પાસે ગણેશપુરામાં ગણેશ મંદિર અને અરણેજમાં બૂટભવાની માતાનું મંદિર પણ જાણીતાં છે. ત્યાંથી નજીકમાં જ લોથલમાં પુરાના જમાનાના અવશેષો મળી આવ્યા છે. બરવાળાથી ૩ કી.મી. દૂર કુંડળમાં સ્વામીનારાયણ મંદિર, દરબારગઢ અને શનિદેવ તથા ત્યાંથી ૧૧ કી.મી. દૂર સાળંગપુરમાં હનુમાન મંદિર પણ પ્રખ્યાત છે.


No comments:

Post a Comment