# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday 8 September 2017

હોગેન્કલ ધોધ

હોગેન્કલ ધોધ

કુદરતે આ પૃથ્વીને કેટલું બધું આપ્યું છે ! નદીનાળાં, પર્વતો, દરિયા, ધોધ, જંગલો અને ઘણુંબધું. પ્રકૃતિની આ લીલા નીરખવાનો આનંદ કોઈ ઓર જ હોય છે. તેમાં ય ધોધ તો કુદરતનું મનોહર અને નિરાળુ સ્વરૂપ છે. તમને ધોધ જોવાનો ગમે ને ? આપણા દેશમાં નાનામોટા એટલા બધા ધોધ આવેલા છે કે એમાંથી બહુ ઓછાનાં નામઠામ આપણે જાણીએ છીએ. આવું એક નામ છે હોગેન્કલ ધોધ. કાવેરી નદી પર આ ધોધ આવેલો છે. કાવેરી નદી કર્ણાટક રાજ્યના કોડાગુ જિલ્લામાં આવેલી બ્રહ્મગિરિની ટેકરીઓમાંથી નીકળે છે અને કર્ણાટક તથા તમિલનાડુમાં વહીને બંગાળાના ઉપસાગરને મળે છે. કર્ણાટકમાં કાવેરી નદી પર શીવસમુદ્રમ ધોધ છે, અને આગળ જતાં કર્ણાટક-તમિલનાડુની સરહદ આગળ તમિલનાડુના ધર્માપુરી જિલ્લામાં હોગેન્કલ ધોધ આવેલો છે.

હોગેન્કલ એ માત્ર એક જ ધોધ નથી. પણ વિશાળ જગામાં પથરાયેલ ઘણા ધોધોની હારમાળા છે. હોગેન્કલ આગળ, રેતાળ બીચવાળા મોટા વિસ્તારમાં નદી પથરાય છે, તેથી તે અનેક જળધોધ રચે છે અને એક અલૌકિક દ્રશ્ય ખડુ કરે છે. ધોધનો ફોટો જોતાં જ એની ખબર પડી જશે. આ ધોધ સરેરાશ ૨૦ મીટરની ઉંચાઈએથી પડે છે. તમિલ ભાષામાં hoge એટલે ધુમાડા અને kal એટલે ખડકો. ધોધ પડે ત્યારે અહીં ખડકોમાંથી ધુમાડા નીકળતા હોય એવું લાગે છે. એટલે આ ધોધ હોગેન્કલ(Hogenakkal)તરીકે ઓળખાય છે. તમિલમાં તેને મેરીકોટ્ટાયમ પણ કહે છે. વળી, હોગેન્કલ નામના ગામ આગળ આ ધોધ આવેલો હોવાને લીધે પણ તેને હોગેન્કલ કહે છે. અમેરિકાના નાયગરા ધોધ જોડે તે થોડું સામ્ય ધરાવતો હોઈ, તે ‘ભારતના નાયગરા’ તરીકે પણ જાણીતો છે.

ધોધનું પાણી ખડકો પરથી નીચે ખીણમાં પડે ત્યારે વાદળના ગડગડાટ જેવો અવાજ સતત સંભળાય છે. એક બાજુ ઘુઘવતો, ગર્જના કરતો, ઉછળતો ધોધ અને બીજી બાજુ સાંકડી ખીણમાં શાંત લયબદ્ધ રીતે વહેતું ધોધનું પાણી. કેવું સરસ દ્રશ્ય ! સામે અનેક જગાએથી ધોધ જોઈ શકાય છે. પણ પાણીમાં ઉતરાય એવું નથી. લોકો આ ધોધ જોવા ચોમાસુ પૂરું થયા પછી તરત આવતા હોય છે કે જેથી ચોમાસાના પૂરની રૌદ્રતા ન હોય અને પાણી ઘટીને ઓછું પણ ના થઇ ગયુ હોય. આવા સમયે અહીં ઘણી ભીડ હોય છે. કુદરતના ચાહકો માટે આ એક રમણીય પીકનીક સ્થળ છે. વળી,આ એક પવિત્ર સ્થળ છે. લોકો અહીં સ્નાન કરીને પવિત્ર થાય છે. નહાવાનું ઉપરવાસમાં વધુ અનુકૂળ છે. નદીની આજુબાજુ ગાઢ જંગલો આવેલાં છે. તેમાં ટ્રેકીંગની મજા લઇ શકાય છે.

આ ધોધ ખાસ બે બાબતો માટે વધુ જાણીતો છે. એક તો, આ પાણીમાં નહાવાથી ચામડીના રોગો દૂર થાય છે, એવી માન્યતા છે. ધોધરૂપે પડતા પહેલાં કાવેરી નદી જંગલની વનસ્પતિમાં થઈને પસાર થાય છે, એટલે તેનું પાણી દવાની ગરજ સારે છે. જાણે કે સ્પા માટેનો હેલ્થ રીસોર્ટ ! અને બીજી બાબત એ કે ધોધ પડ્યા પછી, ખીણમાં વહેતા પાણીમાં, ખાસ પ્રકારની બોટમાં બેસીને બોટીંગ કરી શકાય છે. અહીના સ્થાનિક લોકો, ગોળ ટોપલા જેવી હોડી બનાવે છે. વાંસની આ હોડીનો વ્યાસ આશરે સાત ફૂટ જેટલો હોય છે. તેમાં વધુમાં વધુ આઠ જણ બેસી શકે છે. હોડીનો નાવિક તેને એક જ હલેસાથી આગળ ધકેલે છે. અહીના લોકો આવી હોડી, વાંસના સળિયા ગૂંથીને એક જ દિવસમાં તૈયાર કરી નાખે છે. તળિયે ચામડાની ખાલ કે પ્લાસ્ટિકનુ કપડું મઢી લે છે, એટલે પાણી હોડીમાં પેસી ના શકે. આ હોડી કેવી દેખાય છે તે ફોટામાં જોઈને તરત જ ખ્યાલ આવી જશે. આવી હોડીને તમિલમાં ‘પરિસાલ’ તથા કન્નડ ભાષામાં ‘ટેપ્પા’ કે હરિગોલુ’ કહે છે. આવી ગોળ થાળી જેવી હોડીમાં બેસવાની કેવી મજા આવે ! ઘણા પ્રવાસીઓ તો, આવી હોડીથી આકર્ષાઈને ખાસ તેમાં સફર કરવા માટે અહીં આવે છે. હોડીવાળો, હોડીને ધોધની સામે લઇ જઈને ધોધનાં નજીકથી દર્શન કરાવે છે. ધોધના વહેતા તરંગમય પાણી પર, લયબદ્ધ રીતે ઊંચીનીચી થતી બોટની સફર કેવી રોમાંચક હોય ! એની મજા તો આ હોડીમાં બેસો તો જ માણવા મળે. જો કે ધોધમાં પાણી પુષ્કળ હોય ત્યારે હોડીઓ ફરતી બંધ થઇ જાય છે. જમીન રસ્તે તો ધોધની સામે નજીક પહોંચાય એવું છે જ નહિ. ટોપલાહોડીમાં જ જવું પડે. હોડીવાળાની, હોડીમાંથી થતી કમાણી એ જ તેમની આવકનું મુખ્ય સાધન છે. હોડીવાળા માછલી અને નાસ્તો પણ વેચતા હોય છે. નદીકિનારે દુકાનોમાં પણ આ બધું મળે છે. અહીં મસાજ કરનારા પણ મળી રહે છે.

નીચવાસમાં ખીણની બંને બાજુ ઉંચા ઉંચા ખડકો છે.અહીં નાના છોકરાને થોડા રૂપિયા આપો તો તે ત્રીસેક ફૂટ ઉંચા  ખડક પરથી ખીણમાં કૂદી, પળવારમાં તો સીધા ચઢાણવાળા ખડક પર ચડીને ઉપર પાછો પહોંચી જાય. એની ચપળતા, ઝડપ અને સાહસ જોઈને દંગ રહી જવાય.

ધોધ પડ્યા પછી, તે દક્ષિણ બાજુએ વહી જાય છે અને પછી, મેત્તુર ડેમ આગળ મોટુ સરોવર રચે છે. આ ડેમ ૧૯૩૪ માં બંધાયો હતો. બંધના પાણીનો ઉપયોગ સિંચાઇ અને વીજળી પેદા કરવામાં થાય છે. તમિલનાડુ સરકાર, હોગેન્કલ ધોધમાંથી પીવાનું ચોખ્ખું પાણી મેળવવાનો પ્રોજેક્ટ હાથ ધરી રહી છે.

ફિલ્મોવાળાને તો આવો ધોધ જરૂર આકર્ષે. અહીં ઘણી તમિલ ફિલ્મોનાં શુટીંગ થયેલાં છે. હિન્દી ફિલ્મ ‘રોઝા’ ના એક ગીતનું શુટીંગ અહીં થયેલું છે.

હોગેન્કલ ધોધ ધર્માપુરીથી ૪૬ કી.મી. અને બેંગ્લોરથી ૧૮૦ કી.મી. દૂર છે. હોગેન્કલ જવા માટે બેંગલોર અને સાલેમથી બસો મળે છે. નજીકનું રેલ્વે સ્ટેશન ધર્માપુરી છે. ક્યારેક તક મળે તો ધોધ જોવા અને પેલી ટોપલાહોડીમાં બેસવા જરૂર જજો.


No comments:

Post a Comment