અમરકંટક, નર્મદા નદીનું ઉદગમસ્થાન
(૧) અમરકંટક: અમરકંટક એ નર્મદા નદીનું ઉદગમસ્થાન છે. નર્મદા ઉપરાંત, સોન અને જોહીલા નદીઓ પણ અમરકંટકમાંથી નીકળે છે. નર્મદા, નર્મદા કુંડમાંથી નીકળે છે, અને મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં થઈને અરબી સમુદ્રને મળે છે. સોન નદી સોનમુડા આગળથી નીકળે છે, અને બિહારમાં ગંગાને મળે છે. નર્મદા કુંડ આગળ ઘણાં મંદિરો છે. કાલાચુરીનું પુરાણું મંદિર નર્મદા કુંડની નજીક આવેલું છે. અમરકંટક ગામમાં કબીર ચબૂતરા છે, જ્યાં બેસીને કબીરે ધ્યાન ધર્યું હતું. અમરકંટકમાં માઈ કી બગીયા, જૈન મંદિર, સોનાક્ષી શક્તિપીઠ વગેરે છે. અમરકંટકમાં હોટેલ હોલીડે હોમ્સ સરસ છે. બીજી ઘણી હોટેલો છે. અમરકંટક, જબલપુરથી ૨૨૩ કી.મી. દૂર છે. અમદાવાદથી ભોપાલ અને જબલપુર થઈને અમરકંટક જવાય છે. કુલ અંતર આશરે ૧૧૬૪ કી.મી. જેવું છે.
(૨) કપીલધારા ધોધ: આ જગા નર્મદા કુંડથી ૬ કી.મી. દૂર છે. અહીં નર્મદા નદી ધોધરૂપે ૧૦૦ ફૂટ ઉંચેથી પડે છે. નર્મદા શરુ થયા પછીનો આ પહેલો ધોધ છે. કપીલ ઋષિ આ જગાએ રહ્યા હતા, અને તપ કર્યું હતું. અહીં ઉપર કપીલમુનિનો આશ્રમ છે અને જ્વાલેશ્વર મહાદેવ મંદિર છે. આજુબાજુ જંગલો અને ટેકરીઓ છે. લોકો અહીંથી પત્થર શીવલીંગ તરીકે લઇ જાય છે. કપિલધારા આગળ વાંદરા ઘણા છે. અમરકંટકથી કપીલધારા સુધી વાહનો જઇ શકે એવો રસ્તો છે.
(૩) દુગ્ધધારા ધોધ: કપીલધારાથી ૧ કી.મી. આગળ દુગ્ધધારા છે. અહીં પણ નર્મદા ધોધરૂપે પડે છે. આ ધોધની ઉંચાઇ લગભગ ૧૦ ફૂટ જેટલી જ છે. અહીં ધોધનાં પાણી દૂધ જેવાં સફેદ હોવાથી, આ ધોધને દુગ્ધધારા કહે છે. અહીં નહાવાય એવું છે. આ ધોધ આગળ ઘણાં મંદિરો અને આશ્રમ છે. કલ્યાણ આશ્રમ અને નર્મદા મંદિર ખાસ જાણીતાં છે. એક ગુફામાં ધ્યાન ધરતા ઋષિનું સ્ટેચ્યુ છે, અહીં મહર્ષિ દુર્વાસાએ તપ કર્યું હોવાનું કહેવાય છે.
તસ્વીરો ગુગલ વેબસાઈટ પરથી લીધી છે. (૧) થી (૪) અમરકંટક (૫) કપિલધારા ધોધ (૬) દુગ્ધધારા ધોધ
No comments:
Post a Comment