દૂધસાગર ધોધ
દૂધ જેવા સફેદ પાણીનો વિશાળ જળરાશિ ખૂબ ઉંચાઈએથી ધોધરૂપે પડતો હોય, એ દ્રશ્ય કેટલુ બધુ સરસ લાગે ! જાણે કે દૂધનો સાગર જ જોઈ લો ! ગોવાની નજીક આવેલો દૂધસાગર ધોધ એટલે તો દૂધસાગરના નામે ઓળખાય છે. તે, ખડકોના ખાંચામાં વારંવાર અથડાઈને, ખૂબ ઉંચાઈએથી અને ઝડપથી પડતો હોવાથી તેનાં પાણી દૂધ જેવાં લાગે છે.
આ ધોધ ગોવાના સંગુએમ જિલ્લામાં પણજી શહેરથી માત્ર ૬૦ કી.મી. દૂર, કર્ણાટક રાજ્યની સરહદ નજીક, ગાઢ જંગલોમાં આવેલો છે. માંડોવી નદી અહીં ધોધરૂપે પડી, આગળ વહીને ગોવા આગળ અરબી સમુદ્રને મળે છે. ધોધ ૬૦૬ મીટર (૨૦૦૦ ફૂટ) ઉંચાઈએથી પડે છે. નીચે ઉભા રહીને ઉપર નજર કરો તો એમ લાગે કે જાણે આકાશમાંથી ધોધ પડી રહ્યો છે ! દુનિયાના સો ઉંચા ધોધમાં દૂધસાગરની ગણતરી થાય છે. ધોધની લગભગ અડધી ઉંચાઈએ, પૂનાથી અર્નાકુલમ જતી રેલ્વે લાઈન પસાર થાય છે. ખડકો પર પીલરો ઉભા કરીને આ રેલ્વે લાઈન નાખેલી છે. અહીં ટ્રેનમાં બેસીને જતા હો ત્યારે ચાલુ ટ્રેને ધોધનો અદભૂત નજારો જોવા મળે છે. આવી એક ઝલકની તસ્વીર અહીં આપી છે. ધોધની સરેરાશ પહોળાઈ ૩૦ મીટર છે.
અહીં ગાઢ જંગલોને લીધે ધોધની સુંદરતામાં ઓર વધારો થાય છે. ચોમાસામાં પાણી વધુ હોય ત્યારે તો ધોધ ખૂબ જ મનોહર લાગે છે. સવારમાં સૂર્યનાં સોનેરી કિરણો પડે ત્યારે ધોધ તારલાઓની જેમ ચમકે છે. ચોમાસામાં ધોધ જોવા ઢગલાબંધ લોકો અહીં ઉમટી પડે છે.
દૂધસાગર ધોધ જવા માટે કોલેમ રેલ્વે સ્ટેશનથી જવાનું વધુ અનુકૂળ રહે છે. ગોવાના મડગાંવ સ્ટેશનથી ટ્રેનમાં ૪૫ મિનિટમાં કોલેમ પહોંચી જવાય છે. કોલેમથી ધોધ ૧૦ કી.મી. દૂર છે. અહીંથી ધોધ સુધી જવા માટે જીપો મળે છે. આ રસ્તો જંગલો, ઝરણાં અને નાની નદીઓમાં થઈને પસાર થાય છે. આ વિસ્તાર જોવાની બહુ જ મજા આવે છે. ગોવાનું વનવિભાગ ખાતુ આ રસ્તાની જાળવણી કરે છે. જો કે ચોમાસામાં નદીઓમાં પાણી વધવાને કારણે આ રસ્તો બંધ થઇ જાય છે. ફરી તે ઓક્ટોબરમાં ખુલે છે. જીપમાંથી ઉતરીને ૧ કી.મી. જેટલું ચાલીને ધોધના તળિયા આગળ પહોંચાય છે. ઉપરથી પડતો ધોધ અહીં એક મોટુ તળાવ સર્જે છે. અહીં તળાવમાં નહાવાની ભૂલ તો કરવી જ નહિ. ડૂબી જવાનું ભારોભાર જોખમ છે. કોલેમથી જીપ કરીને આવ્યા હોઈએ તો જીપનો ડ્રાઈવર બે કલાક જેટલું રોકાય, રાહ જુએ પછી એ જ જીપમાં કોલેમ પાછા.
કોલેમથી આગળ જતાં ટ્રેન દૂધસાગર સ્ટેશને પણ સહેજ થોભે છે. અહીંથી ધોધ માત્ર ૧૦૦ મીટર જ દૂર છે. ખાવાપીવાનું લઈને આવવાનું, કારણ કે દૂધસાગર સ્ટેશને કે ધોધની નજીક કાંઈ મળતું નથી. અહીં રેલ્વે લાઈનની આજુબાજુના વિસ્તારમાં ફરીને, બે ત્રણ કલાકમાં તો બધુ જોઈ લઇ શકાય અને પછી સાંજની ટ્રેનમાં પાછા વળી શકાય. દૂધસાગર સ્ટેશનથી ટ્રેન, કેસલરોક, ટીનાઈઘાટ અને લોન્ડા થઈને બેલગામ કે હુબલી તરફ જાય છે. કેસલરોકથી પણ ધોધ જોવા આવી શકાય છે.
પણજી કે મડગાંવથી બસ કે ટેક્સીમાં પણ દૂધસાગર જોવા જઈ શકાય છે. ગોવા ટુરિઝમ ડેવેલપમેન્ટ કોર્પોરેશન(GTDC)શનિ અને રવિવારે પણજી તથા કલનગૂટથી દૂધસાગરની ટૂરો ગોઠવે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH4A પરથી બસમાં આવીએ તો મોલેમ નામના સ્થળે ઉતરી જવાનું. મોલેમથી કોલેમ ૬ કી.મી. દૂર છે અને એ માટે લોકલ બસો મળી રહે છે.
આ ધોધની ઉત્પત્તિને લગતી એક સરસ પ્રાચીન દંતકથા છે. એ જમાનામાં અહીંના રાજાને એક ખૂબસુરત રાજકુંવરી હતી. તે દરરોજ સવારે દાસીઓને લઈને બાજુના સરોવરમાં સ્નાન કરવા જતી. સરોવરમાં નાહ્યા પછી તે, એક સોનેરી જગમાંથી ગળ્યું મધુર દૂધ પીતી. એક વાર તે આ રીતે જગમાંથી દૂધ પીતી હતી ત્યારે ઝાડીમાં સંતાઈને એક સુંદર રાજકુમાર તેના સૌંદર્યને નીરખી રહ્યો હતો. કુંવરીએ તેને જોયો અને શરમની મારી લાલચોળ થઇ ગઈ. તેની નજરોથી બચવા કુંવરીએ જગમાંથી પડતા દૂધના આવરણનો પડદો, તેની અને રાજકુમારની વચ્ચે રચી દીધો. જગમાંનું દૂધ સરોવરમાં પડવા લાગ્યું. એક દાસી કુંવરીને વસ્ત્રોથી ઢાંકવા લાગી. આ કુંવરીના માનમાં, મધુર દૂધ જેવો ધોધ આજે
પણ પર્વતના ઢોળાવ પરથી, નીચે સરોવરમાં પડી રહ્યો છે. છે ને મજાની વાર્તા !
કોઈકને એવો વિચાર આવે કે અહીંથી ખડકો પર પગ ગોઠવતા ગોઠવતા ધોધની ટોચ સુધી ચડી જઈએ. પણ ચડવાનું બહુ જ ખતરનાક છે. ધોધની ટોચ એટલે ડુંગરની ટોચ, ઢાળ એકદમ સીધો, ખડકોમાં ક્યાંક ઘાસ તો ક્યાંક લીલ અને ઉંચાઇ તો કેટલી બધી ! વળી, ખડકોની બખોલોમાં પક્ષીઓ રહે છે, તે આમતેમ ઉડાઉડ કરતાં હોય છે. વાંદરાઓ પણ ખડકો પર કૂદાકૂદ કરતા હોય છે. પતંગિયાં અને મધમાખીઓનો ગુંજારવ અને પક્ષીઓનો કલબલાટ વાતાવરણને અવાજોથી ભરી દે છે. આમ છતાં, લોકો ટ્રેકીંગ માટે આવતા હોય છે. તેઓ ધોધની બાજુમાં તંબૂ બાંધીને પડાવ નાખે છે. અને ખડકો પર ચડવાનો રોમાંચ પણ માણે છે. પણ લપસી જવાની શક્યતા ખરી. ઉપર પહોંચવામાં ત્રણચાર કલાક તો લાગે જ. પક્ષી નિરીક્ષકો માટે આ વિસ્તાર ઉત્તમ છે.
દૂધસાગર ધોધ, ભગવાન મહાવીર વાઈલ્ડ લાઈફ સેન્કચ્યુરીમાં આવેલો છે. અહીં જંગલોમાં ઘણી જાતનાં પ્રાણીઓ વસે છે. આ જંગલ કિંગ કોબ્રાના વસવાટ માટે જાણીતું છે. ધોધ તરફ જતી કેડીઓ પર માનવ અવરજવરને લીધે, પ્રાણીઓ ઓછાં જોવા મળે છે. ખાસ તો વાંદરાઓ ઢોળાવ પરથી ઉતરીને માણસો જોડે હાથ મિલાવે છે. જો કે પ્રાણીઓને ખાવાનું આપવા પર પ્રતિબંધ છે.
ધોધની નજીક તામડી સુરલા નામનું એક મંદિર છે. આ મંદિર અહીના કદમ્બ લોકોએ બાંધેલું છે.
ટૂંકમાં કહીએ તો દૂધસાગર ધોધ એક અદ્વિતીય ધોધ છે. એને માટે બેજોડ, અતિસુંદર, મનોહર, ઉત્કૃષ્ટ, આકર્ષક, મોહક, અદભૂત – ગમે એટલા શબ્દો શોધો, પણ ઓછા પડે. તેની સુંદરતા જાદુભરી છે. અહીં આવો પછી, અહીંથી ખસવાનું મન ન થાય એવું એનું આકર્ષણ છે. ચોમાસા પછી ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમ્યાન અહીનું વાતાવરણ ખૂબ જ આહલાદક હોય છે. ગોવા બાજુ જાવ ત્યારે સમય કાઢીને આ ધોધ જોવા જરૂર જજો.
page
- HOME
- પાઠયપુસ્તક
- શિક્ષક આવૃતિ
- બાલસૃષ્ટી
- પ્રાર્થનાપોથી
- ધોરણ - ૫ થી ૮ કવિતા
- ભારતીય બંધારણ
- ઈતિહાસ ફોટા
- નાગરીકશાસ્ત્ર ફોટા
- ભૂગોળ ના ફોટા
- ખંડો વિશે
- S.S.CALENDAR
- WORLD ATLAS
- ધોરણ - ૬ થી ૮ ના હેતુઓ
- સામાજિક વિજ્ઞાન નવનીત
- ધોરણ - ૬ થી ૮ એકમ કસોટી બન્ને સત્ર
- ધોરણ - ૮ સત્ર - ૧ PPT
- ધોરણ – ૮ સત્ર- ૧ એકમ ક્વિઝ
- ધોરણ – ૮ સત્ર- ૨ PPT
- ધોરણ – ૮ સત્ર- ૨ VIDEO
- ધોરણ – ૮ સત્ર- ૨ એકમ ક્વિઝ
- ધોરણ – ૮ સત્ર- ૨ PHOTA
- ધોરણ – 7 સત્ર- ૨ PPT
- ધોરણ – 7 સત્ર- ૨ VIDEO
- દેશભક્તિ ગીત
- ધોરણ – ૭ સત્ર- ૨ એકમ ક્વિઝ
- ધોરણ – 7 સત્ર- ૨ PHOTA
- ધોરણ – 6 સત્ર- ૨ PPT
- ધોરણ – 6 સત્ર- ૨ VIDEO
- ધોરણ – 6 સત્ર- ૨ PHOTA
- ધોરણ – ૭ સત્ર- ૧ એકમ ક્વિઝ
- ભારતના રાષ્ટ્રચિહ્નો
- ગાંધી હેરીટેજ પ્રોટલ
- भारतकोश:कॅलण्डर
# A R Y A #
Friday, 8 September 2017
દૂધસાગર ધોધ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment