# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday, 8 September 2017

અજંતાની ગુફાઓ

અજંતાની ગુફાઓ

ભારતનાં જોવાલાયક સ્થળોમાં અજંતા અને ઈલોરાની ગુફાઓનાં નામ મોખરે છે. દેશ તેમ જ વિદેશમાં આ ગુફાઓ જાણીતી છે. દર વર્ષે લાખો ટુરિસ્ટો આ ગુફાઓ જોવા આવે છે. જૂના જમાનાની આ ગુફાઓની કોતરણી, શિલ્પ અને પેઈન્ટીંગ એવાં અદભૂત છે કે લોકો એ જોઇને મુગ્ધ થઇ જાય છે, અને તેમનાં મોઢામાંથી ‘વાહ ! અદભૂત !’ જેવા શબ્દો સરી પડે છે.

અજંતા અને ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. મહારાષ્ટ્રના જાણીતા શહેર ઔરંગાબાદથી ઈલોરાની ગુફાઓ આશરે ૨૦ કી.મી. અને અજંતાની ગુફાઓ ૧૦૦ કી.મી. દૂર છે. અજંતાની ગુફાઓ જલગાંવથી ૫૮ કી.મી. દૂર છે. ઔરંગાબાદ બાજુ ફરવા જનારા લોકો અજંતા અને ઈલોરાની ગુફાઓ જોવા જરૂર જતા હોય છે. અહીં આપણે અજંતાની ગુફાઓની વાત કરીશું. અજંતા ગુફાને મરાઠીમાં અજંતા લેની કહે છે.

અજંતાનું નામ સાંભળીએ એટલે બુદ્ધ ભગવાનનું એક કલાત્મક ચિત્ર આપણી આંખો સમક્ષ તરી આવે છે. માથે મુગટ, ગળામાં માળા, હાથમાં ફૂલ અને નેત્રો નીચાં ઢાળી, કમરેથી ધડને વળાંક આપી શાંત મુદ્રામાં ઉભેલા બુદ્ધ ભગવાન – આ સ્વરૂપને જોઇને મન પ્રસન્ન થઇ જાય છે. બુદ્ધનું આ ચિત્ર એટલું બધું પ્રખ્યાત છે કે તમને કલાજગતમાં, કેલેન્ડરોમાં, પુસ્તકોમાં, સુશોભનની દુકાનોમાં તથા કેટલાં ય ઘરોમાં આ ચિત્ર કે એની પ્રતિમા જોવા મળશે. પદ્મપાણી બુદ્ધ ભગવાનનું આ ચિત્ર, મૂળ અજંતાની ગુફામાં કંડારેલું છે. અજંતાની ગુફાઓમાં આ ઉપરાંત, બીજાં અનેક બેજોડ પેઈન્ટીંગ અને શિલ્પો જોવા જેવાં છે.

અહીં કુલ ૨૯ ગુફાઓ છે. તેને ૧ થી ૨૯ ક્રમમાં નંબર આપેલા છે. બધી જ ગુફાઓ બૌદ્ધ ધર્મની છે. અહીં ‘U’ આકારે વહેતી વાધુર નદીના કાંઠે, ઘોડાની નાળના આકારની ઉંચી ખડકાળ ભેખડોમાં આ ગુફાઓ કોતરેલી છે. આ ગુફાઓ ઈ.સ. પૂર્વેની બીજી સદીથી માંડી, ઈ.સ. ૬૫૦ સુધીના સમયગાળામાં બની હોવાનું મનાય છે. ગુફાઓ બન્યા પછી, વખત જતાં વરસાદ, પાણી અને માટીથી ગુફાઓ દટાઈ ગયેલી. ઈ.સ. ૧૮૧૯માં એક બ્રિટીશ ઓફિસર જ્હોન સ્મિથ આ બાજુ શિકારે નીકળેલા, તેમણે ગુફા નં. ૧૦નું પ્રવેશદ્વાર દેખાયું. અહીંના સ્થાનિક લોકો આ ગુફાનો ભગવાનની પ્રાર્થના માટે ઉપયોગ કરતા હતા. સ્મિથે એક ઉંચા પત્થર પર ચડી, ગુફાની દિવાલ પર પોતાનું નામ અને તારીખ કોતર્યાં. પછી તો ખોદકામ કરતાં અહીં ઘણી ગુફાઓ મળી આવી અને દુનિયાને ભારતની એક અનોખી કલાની જાણ થઇ. પછી આ ગુફાઓ દુનિયાભરમાં જાણીતી થઇ ગઈ.

ગુફાઓ જોવા માટે પહેલાં તો, ગુફાના પાર્કીંગ સુધી પહોંચ્યા પછી, આપણું વાહન ત્યાં પાર્કીંગમાં મૂકી દેવાનું. પછી ગુફા માટેની ખાસ બસમાં ત્રણેક કી.મી. જંગલમાં થઈને જવાનું. પછી ટીકીટ લઈને ગુફાના સંકુલમાં દાખલ થવાનું.

ગુફાઓ નદીના લેવલથી ૩૦ થી ૪૦ મીટર ઉંચે ભેખડોમાં છે. શરૂઆતમાં તો આ ગુફાઓ આગળ રસ્તો ન હતો. ત્યારે નદીમાંથી ભેખડોમાં કોતરેલાં પગથિયાં ચડીને ગુફાઓમાં જવાતું. આવાં પગથિયાંના અવશેષો ક્યાંક દેખાય છે. હાલ તો ગુફાઓ આગળ સરસ પહોળો પાકો રસ્તો બનેલો છે. શરૂઆતમાં પચાસેક પગથિયાં ચડ્યા પછી, આ રસ્તા પર ચાલીને એક પછી એક ગુફા જોઈ શકાય છે. રસ્તો ઉંચોનીચો ખરો, આશરે દોઢેક કી.મી. જેટલું ચાલવાનું થાય. ચોમાસામાં ક્યાંક ભેખડ પરથી નદીમાં પડતો ધોધ જોવા મળી જાય. આ ગુફાઓથી ૧૨ કી.મી. દૂર અજંતા નામનું ગામ આવેલું છે, તેના પરથી આ ગુફાઓનું નામ પડ્યું છે.

અજંતાની ગુફાઓ બે અલગ સમયમાં બની હોવાનું મનાય છે. ઈ.સ. પૂર્વેની બીજી સદીથી ઈ.સ.ની બીજી સદી સુધીના પહેલા સમયગાળામાં, સત્યવાહન સામ્રાજ્યમાં ગુફા નં. ૯, ૧૦, ૧૨, ૧૩ અને ૧૫ બની હતી. એ વખતે બૌદ્ધ ધર્મનો હીનયાન પંથ જોરમાં હતો. ગુફા નં. ૯ અને ૧૦ ચૈત્યગૃહ છે. ગુફા નં. ૧૨, ૧૩ અને ૧૫ વિહાર છે. બીજો સમયગાળો ઈ.સ.ની ૫ થી ૭મી સદીનો હતો. તે દરમ્યાન, રાજા હરીસેનના સમયમાં બાકીની ગુફાઓ બની. આ સમયે મહાયાન પંથનું વર્ચસ્વ હતું. આ ગુફાઓમાં નં. ૧૯, ૨૬ અને ૨૯ ચૈત્યગૃહો છે, જયારે બાકીના વિહાર છે.

ચૈત્યગૃહમાં, હોલમાં સ્તૂપ કે ભગવાન બુદ્ધની પ્રતિમા હોય છે, અને તેમાં ભગવાન બુદ્ધ ઉપદેશ આપતા હોય છે. ચૈત્ય હોલ સાંકડા અને ઉંચા છે. વિહારમાં, સાધુઓને પ્રાર્થના કરવા માટેનો હોલ (Monastery) તથા તેમના રહેવા જમવાની વ્યવસ્થા હોય છે. તેના હોલમાં થાંભલા, તેની પાછળ ગેલેરી અને પછી મઠ જેવી રૂમો હોય છે. હોલને છેડે બુદ્ધની મૂર્તિ હોય છે.

હવે અજંતાની ગુફાઓની રચના એક પછી એક જોઈએ ગુફા નં. ૧ વિહાર છે. અજંતા ગુફાઓની આ પહેલી ગુફા છે. બહાર પરસાળ છે અને અંદર ચોરસ હોલ છે. અંદરની દરેક દિવાલ આશરે ૧૨ મીટર લાંબી અને ૬ મીટર ઉંચી છે. હોલમાં ૧૨ થાંભલા છે. દિવાલો, થાંભલા અને છત પર સુંદર પેઈન્ટીંગ કરેલાં છે. આ ચિત્રો જાતક કથાઓ પર આધારિત છે. તેમાં બુદ્ધ, પૂર્વ જન્મમાં રાજા હતા, ત્યારના પ્રસંગોનાં ચિત્રો છે. પાછળની દિવાલમાં નાના મંદિર જેવો ભાગ બનાવ્યો છે, તેમાં બુદ્ધની મૂર્તિ છે, અલબત્ત ખડકમાં કોતરેલી જ. આ મૂર્તિની બંને બાજુની દિવાલો પર પદ્મપાણી અને વજ્રપાણીનાં મશહૂર પેઈન્ટીંગ છે. આપણે શરૂઆતમાં પદ્મપાણીની વાત કરી તે જ. ડાબે જમણે સાધુઓને રહેવાની રૂમો છે. અહીં ગુફામાં પૂરતો પ્રકાશ નથી રાખતા, સાવ ઝાંખા પ્રકાશમાં જ જોવાય એટલું જોવાનું.

ગુફા નં. ૨, ગુફા ૧ જેવી જ દેખાય છે. પરસાળમાંથી હોલમાં જવાના બારણાની બંને બાજુ દિવાલમાં ચોરસ બારીઓ છે કે જેથી હોલમાં થોડું અજવાળું આવે. હોલમાં ૪ થાંભલા છે. આ ગુફા પણ દિવાલો, છત અને થાંભલાઓ પરનાં પેઈન્ટીંગ માટે જાણીતી છે. આ ચિત્રો પણ જાતક કથાનાં છે. એ બુદ્ધના અગાઉના ‘બોધિસત્વ’ તરીકેના જીવન પ્રસંગો દર્શાવે છે.

ગુફા ૩ અધૂરી છે. ગુફા ૪ એ સૌથી મોટો વિહાર છે. અહીં વરંડા, હોલ અને ગર્ભગૃહ છે. વરંડાની દિવાલ પર અવલોકીતેશ્વરનાં ચિત્રો છે.  ગર્ભગૃહમાં બુદ્ધ ઉપદેશ આપતી મુદ્રામાં છે. પાછળ બોધિસત્વ છે. ગુફા ૫ અને ૬ વિહાર છે. ગુફા ૬ બે માળની છે. ઉપલા માળે બુદ્ધનું મંદિર છે. ગુફા ૭નો આગળનો દેખાવ સરસ છે. તેને હોલ નથી, પણ નાનું મંદિર છે. ગુફા ૮માંનું સ્ટેચ્યુ ખોવાઈ ગયું હોય એમ લાગે છે.

ગુફા ૯ અને ૧૦ ચૈત્ય હોલ છે. અહીં બીમમાં લાકડું વાપરેલું છે પણ તે નાશ પામ્યું છે. ગુફામાં છેડે સ્તૂપ છે, તેને જ બુદ્ધનું પ્રતિક માનવામાં આવે છે. અંદરનાં પેઈન્ટીંગ ઘણાં સરસ છે. અંદર બીજી નાની ગુફાઓ છે.

ગુફા ૧૬ને પરસાળ નથી. ગુફા ૧૬ અને ૧૭નાં પેઈન્ટીંગ બહુ જ જાણીતાં છે.અહીં રાજકુંવરની શ્રીલંકા પર ચડાઈ, વહાણનું તૂટવું વગેરે ચિત્રો છે. કુંવરી મેકઅપ કરતી હોય અને કુંવર પ્રેમિકાને વાઇન આપતો હોય એવાં ચિત્રો પણ છે.

ગુફા ૧૯ અને ૨૬ ચૈત્ય ગૃહ છે. છત બીમવાળી છે. બંનેમાં છેડે સ્તૂપ છે. સ્તૂપની પાછળ પ્રદક્ષિણા માટે થોડી ચાલવાની જગા છે. બંનેમાં સ્તૂપની આગળ બુદ્ધનું સ્ટેચ્યુ છે. (ઈલોરાની ગુફા નં. ૧૦માં પણ આવું જ છે.) ગુફા ૧૯માં સ્ટેચ્યુ ઉભેલી અવસ્થામાં છે, જયારે ૨૬માં તે બેઠેલી સ્થિતિમાં છે.

અજંતાનાં શિલ્પો અને પેઈન્ટીંગ જોઇને લાગે છે કે તે જમાનામાં કુશળ કારીગરો અને પેઇન્ટરો હતા. ત્યારે તો આજના જેવાં આધુનિક મશીનો ન હતાં. માત્ર હથોડી અને ફરસી કે ટાંકણાની મદદથી ખડકો કોતરીને ગુફાઓ બનાવી છે. એ બનાવવામાં કારીગરોની ભગવાન બુદ્ધ પ્રત્યેની અપાર શ્રદ્ધા અને બુદ્ધની પ્રેરણાએ મહત્વનો ભાગ ભજવ્યો હોય એવું બને. આ ગુફાઓએ બૌદ્ધ સાધુઓને શાંત અને પવિત્ર વાતાવરણ પૂરું પાડ્યું છે.

અજંતાની ગુફાઓ શોધાયાપછી, તેનાં પેઈન્ટીંગનાં ચિત્રોની ઘણા નિષ્ણાતોએ કોપી કરી, તેના જેવાં ચિત્રો દોર્યાં છે. લંડનના મ્યુઝીયમમાં અને અન્ય સ્થળોએ આવાં ચિત્રો પ્રદર્શનમાં પણ મૂકાયાં છે. આ ગુફાઓ વિષે પુસ્તકો લખાયાં છે. આ ચિત્રોની કલા શ્રીલંકા, અફઘાનિસ્તાન, તિબેટ, નેપાળ, ચીન અને જાપાનમાં પણ ફેલાઈ છે. અજંતાની ગુફાઓ ભારતીય પુરાતત્વ ખાતા હેઠળ રક્ષિત જાહેર કરાઈ છે. ૧૯૮૩થી તે યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સમાવાઈ છે.

અજંતાની ગુફાઓ એ બૌદ્ધ કલાનો માસ્ટરપીસ છે. મહારાષ્ટ્ર માટે તે ગૌરવ સમાન છે. ગુફાઓ જોવાનો સમય સવારના નવથી સાંજના પાંચ સુધીનો છે. સોમવારે રજા હોય છે. ઔરંગાબાદ જાવ ત્યારે આ ગુફાઓ જરૂર જોજો. ઔરંગાબાદમાં પણ બીબીકા મકબરા, પનચક્કી વગેરે જોવા જેવાં છે અને નજીકમાં દોલતાબાદનો કિલ્લો, ઈલોરા અને ઘ્રુષ્ણેશ્વર મહાદેવ જ્યોતિર્લીંગ તો જોવા જેવાં ખરાં જ.












No comments:

Post a Comment