# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday, 8 September 2017

બદરીનાથ

બદરીનાથ

હિમાલયમાં આવેલાં બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને જમનોત્રી ભારતનાં અતિ પવિત્ર સ્થળો ગણાય છે. આ ચાર સ્થળોની યાત્રાને છોટા ચાર ધામની યાત્રા કહે છે. આપણે જેને ચાર ધામની યાત્રા કહીએ છીએ તે  ચાર ધામ બદરીનાથ, રામેશ્વર, પુરી અને દ્વારકા છે. બદરીનાથ ઉત્તરાખંડ રાજ્યમાં ગઢવાલ હિમાલય વિસ્તારમાં અલકનંદા નદીને કાંઠે આવેલું છે. અલકનંદાનું મૂળ બદરીનાથથી આશરે પંદરેક કી.મી. આગળ સતોપંથ ગ્લેશિયરમાં છે. મંદિર ૩૧૩૩ મીટર ઉંચાઇ પર છે. આ હિંદુ મંદિર  ભગવાન વિષ્ણુને સમર્પિત છે. બદરીનાથ મંદિરને બદરીકાશ્રમ કે બદરીનારાયણ મંદિર પણ કહે છે. વિષ્ણુ ભગવાન અહીં નરનારાયણ સ્વરૂપમાં બિરાજમાન છે. મંદિરની સામે નર પર્વત છે, અને નીલકાન્ત શીખરની પાછળ નારાયણ પર્વત છે. નીલકંઠ એ બદરીનાથનું બરફ છાયેલ શીખર છે. તે ૬૫૦૭ મીટર ઉંચું છે.  બદરીનાથ મંદિર તેની છાયામાં છે. બદરીનાથ મંદિરનો વિષ્ણુ પુરાણ અને સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ છે.

મંદિરમાં ગર્ભગૃહ, દર્શન મંડપ અને સભા મંડપ છે. ગર્ભગૃહમાં ૧ મીટર ઉંચું કાળા પત્થરનું વિષ્ણુ ભગવાનનું સ્ટેચ્યુ છે. તેઓ પદ્માસન મુદ્રામાં બેઠેલા છે. તેમના બે હાથમાં શંખ અને ચક્ર છે. અને બીજા બે હાથ ખોળા પર મૂકેલા છે. તેમની સાથે કુબેર, નારદ, ઉદ્ધવ, નર અને નારાયણની મૂર્તિઓ છે. મંદિર આગળ નીચે ગરમ પાણીનો કુંડ છે, તે તપ્ત કુંડ તરીકે જાણીતો છે. એનું પાણી ઔષધિય ગુણોવાળું છે. ઘણા લોકો આ કુંડમાં નાહ્યા પછી જ દર્શને જાય છે. મંદિરમાં બીજા બે કુંડ નારદ કુંડ અને સૂર્યકુંડ છે. મંદિરમાં ઉજવાતો સૌથી અગત્યનો તહેવાર માતા મૂર્તિ કા મેલા છે, એ ગંગાના પૃથ્વી પરના અવતરણની યાદમાં ઉજવવામાં આવે છે.

મંદિર ઉત્તર ભારતમાં છે, તો પણ મુખ્ય પૂજારી (કે જે રાવળ કહેવાય છે.) તરીકે કેરાલાના નામ્બુદીરી બ્રાહ્મણમાંથી પસંદ કરાય છે. રાજ્ય સરકારે નક્કી કરેલી કમિટી બદરીનાથ અને કેદારનાથ બંને મંદિરોનો વહીવટ કરે છે.

બદરીનાથ મંદિર આગળ શિયાળામાં બધે બરફ છવાઈ જાય છે, આથી મંદિર શિયાળામાં વિજયાદસમીથી (ઓક્ટોબર મહિનાથી) બંધ થાય છે. મૂર્તિ નીચે જ્યોતિર્મઠ(જોશી મઠ)માં લવાય છે. વસંતપંચમીએ (મે મહિનામાં) ફરી મંદિરનાં દ્વાર ખુલે છે.

ઋષિકેશથી અલકનંદાને કાંઠે કાંઠે પર્વતોમાં થઈને બદરીનાથ જવાય છે. વચ્ચે દેવપ્રયાગ, કીર્તિનગર, શ્રીનગર, રુદ્રપ્રયાગ, કર્ણપ્રયાગ, નંદપ્રયાગ, ચમોલી, જોશીમઠ, વિષ્ણુપ્રયાગ, ગોવીંદઘાટ, પાંડુકેશ્વર વગેરે ગામો આવે છે. ઉપરથી નીચે આવતી અલકનંદાને રુદ્ર પ્રયાગ આગળ મંદાકિની નદી મળે છે. ત્યાર બાદ દેવપ્રયાગ આગળ ભાગીરથી નદી મળે છે. અહીંથી હવે તે ગંગા નદી તરીકે ઓળખાય છે.

બદરીનાથની આજુબાજુ જોવા જેવી ઘણી જગાઓ છે.

(1) માના: બદરીનાથથી ૪ કી.મી. ઉત્તરમાં માના ગામ આવેલું છે. માનાથી આશરે ૨૦ કી.મી. દૂર માના પાસ આગળ ભારતની સરહદ પૂરી થાય છે, અને તિબેટની હદ શરુ થાય છે. બદરીનાથથી માના પાસ સુધી પાકો રસ્તો છે. માના ગામ ભારતનું છેલ્લું ગામ ગણાય છે. અહીં ચાની એક દુકાન છે, તે ચાની અંતિમ દુકાન છે. બાજુમાં સરસ્વતી મંદિર છે. માનામાં એક ગુફા છે, તે વ્યાસ ગુફા કહેવાય છે. વેદવ્યાસે એ ગુફામાં બેસીને મહાભારત લખ્યું હતું. વ્યાસ ગુફાની નજીક ગણેશ ગુફા છે. ગણેશજીએ વ્યાસના લખાવ્યા મૂજબ મહાભારત લખ્યું હતું. પાંડવો માના થઈને સ્વર્ગે સિધાવ્યા હતા.

(2) માના પાસ: ભારત-તિબેટ સરહદ પર આવેલી જગા છે. અહીં દેવતાલ સરોવરમાંથી સરસ્વતી નદી નીકળે છે. આ નદી માના આગળ અલકનંદાને મળી જાય છે. માના પાસ સુધી સામાન્ય લોકો ને જવા દેતા નથી, ફક્ત લશ્કરના જવાનો જ જઇ શકે છે. પાસ આગળથી ચૌખંબા શીખર દેખાય છે.

(3) ભીમ પૂલ: માના પાસે સરસ્વતી નદી પર એક મોટા ખડકનો બનેલ પૂલ છે, ભીમે, દ્રૌપદી નદી ઓળંગી શકે તે માટે, મોટો ખડક મૂકીને, તે પૂલ બનાવ્યો હતો. તે વ્યાસ ગુફાની સામે છે.

(4) વસુધારા ધોધ: બદરીનાથથી ૯ કી.મી. દૂર છે. બદરીનાથથી માના થઈને જવાય છે. માનાથી તે ૫ કી.મી. દૂર છે. માનાથી રસ્તો કાચો છે, ચાલીને જ જવું પડે. ધોધ અલકનંદાના જમણા કિનારે છે. તે ૧૨૨ મીટરની  ઉંચાઈથી પડે છે. સમુદ્ર સપાટીથી ધોધની ઉંચાઇ ૩૨૫૦ મીટર છે. ધોધમાં નહાવાય એવું છે. ધોધનું પાણી અલકનંદામાં વહી જાય છે. સતોપંથ ગ્લેશિયર, વસુધારા થઈને જ જવાય છે. ગ્લેશિયર અહીંથી છએક કી.મી. દૂર છે. સતોપંથ ગ્લેશિયર ક્યારેક વસુધારા ધોધ સુધી લંબાય છે. ચૌખંબા, નીલકંઠ અને બાલાકુન પર્વતો વસુધારાની નજીક છે. કહે છે કે પાંડવો અહીં વસુધારા આગળ રહ્યા હતા. માના ગામ પછી ચા કે કંઇ મળે નહિ, એટલે વસુધારા જતી વખતે ચાનાસ્તો વિગેરે જોડે લઈને જવું જોઈએ.

(5) સતોપંથ ગ્લેશિયર: માનાથી વસુધારા થઈને ચાલતા જવાય છે. સતોપંથ ગ્લેશિયર અને ભાગીરથ ખડક ગ્લેશિયરમાં, ચૌખંબાના પૂર્વ ઢાળ પરથી બરફ આવે છે. અલકનંદા સતોપંથ ગ્લેશિયરમાંથી નીકળે છે, અને વસુધારા તથા માના આગળ વહીને બદરીનાથ તરફ જાય છે. ગ્લેશિયરથી આગળ જતાં સતોપંથ સરોવર આવે છે. બદરીથી સતોપંથ સરોવર ૨૫ કી.મી. દૂર છે.

(6) માતા મૂર્તિ મંદિર: બદરીનાથથી ૩ કી.મી. દૂર, અલકનંદાના જમણા કિનારે છે. આ બદરીનાથનાં માતાનું મંદિર છે.

(7) ચરણ પાદુકા: અહીં ભગવાન વિષ્ણુનાં પગલાં છે. તે બદરીનાથથી ૩ કી.મી. અને બાણગંગાથી ૧.૫ કી.મી. દૂર છે. વિષ્ણુએ અહીં પ્રથમ પગ મૂક્યો હતો.

(8) બ્રહ્મા કપાલ: બદરીનાથથી ૧૦૦ મીટર દૂર છે. લોકો અહીં તેમના પૂર્વજોને શ્રધાંજલિ અર્પે છે. આમ કરવાથી પૂર્વજો મોક્ષ પામે છે.

(9) પાંડુકેશ્વર, જોશીમઠથી ૧૮ કી.મી. દૂર બદરીનાથના રસ્તે આવેલું છે. અહીં પાંડુ રાજાએ શીવનું પૂજન કર્યું હતું. અહીં યોગધ્યાન બદરી મંદિર અને વાસુદેવ મંદિર છે.

તસ્વીરો ગુગલ પરથી લીધી છે. (૧) છોટા ચાર ધામનો નકશો (૨) ઋષિકેશથી બદરીનાથનો રૂટ (૩) બદરીનાથ મંદિર (૪) મંદિર આગળ પૂલ (૫) ભારતની છેલ્લી ચાની દુકાન (૬) વસુધારા ધોધ












No comments:

Post a Comment