# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday 8 September 2017

   શ્રી પારદેશ્વર મહાદેવ 

     શ્રી પારદેશ્વર મહાદેવ  

        પારાના શિવલિંગ વિષે તો આપણે ઘણી વાર સાંભળીએ છીએ. આવું એક પારાનું શિવલિંગ ધરાવતું ‘શ્રી મનકામેશ્વર પારદેશ્વર મહાદેવ મંદિર’ નડિયાદથી ૧૨ કી.મી. દૂર ચાંગા જવાના રસ્તે વલેટવા ગામને પાદરે આવેલું છે. ગામને છેડે ખુલ્લી વિશાળ જગામાં, સરસ કુદરતી વાતાવરણમાં આ મંદિરની સ્થાપના કરાયેલ છે. મંદિરનો  બહારનો દેખાવ અને ખુલ્લી જગા પ્રથમ દર્શને જ આકર્ષક છે.

       મંદિરના મોટા હોલમાં વચ્ચે ખૂબ જ ભવ્ય શિવમંદિર અને ૧૫૧ કિલોગ્રામ પારામાંથી બનાવેલું શિવલિંગ છે. આ શિવલિંગ દોષોથી મુક્ત, બીલીના રસ વિગેરેથી સંસ્કારિત, શુભ મુહૂર્તમાં દિવ્ય મંત્રોથી નિર્મિત પ્રાણપ્રતિષ્ઠા કરાવેલ છે. શિવલિંગ જોઈને મન પ્રસન્ન થઇ જાય છે. મંદિરનું વાતાવરણ જોઈને ત્યાં બેસી શિવજીનું ધ્યાન ધરવાનું મન થઇ જાય એવું છે. પારદ(પારો)ના શિવલિંગનો શાસ્ત્રોમાં એ રીતે મહિમા ગવાયો છે કે વિધિપૂર્વક કરેલા સેંકડો અશ્વમેઘ યજ્ઞો અથવા કરોડો ગાયોના દાનથી અથવા હજારો મણ સોનાનું દાન કરવાથી તથા કાશી, પ્રયાગ જેવાં પુણ્ય તીર્થોમાં સ્નાન કરવાથી જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે, તે જ પુણ્ય  મનુષ્યને કેવળ ભગવાન પારદેશ્વર શિવલિંગનાં દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે.

       અહીં મોટા હોલમાં એક સ્ફટિક શિવલિંગ અને નર્મદેશ્વર શિવલિંગ પણ છે. જે વ્યક્તિ સ્ફટિક શિવલિંગની પૂજા કરે છે, તેને ભગવાન શિવ અને શ્રદ્ધાળુ શુક્ર(venus)ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. નર્મદેશ્વર શિવલિંગ પવિત્ર નર્મદા નદીના પેટાળમાંથી કુદરતી રીતે પ્રાપ્ત થયેલ છે.

       ઉપરનાં મુખ્ય ત્રણ શિવલિંગ ઉપરાંત, આ હોલમાં બીજા ૫૧ દેવદેવીઓની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરેલ છે. દર્શન કરવાનું ગમે એવું છે. મંદિર બપોરે ૧૨ થી ૫ બંધ રહે છે. સવાર સાંજ આરતીના સમયે ઘણા દર્શનાર્થીઓ પધારે છે. આરતી વખતે આરતીનું ગાન અને ઘંટડીઓનો રણકાર ભક્તોને ભાવવિભોર બનાવી દે છે. પૂજારીજી અને સંચાલક સ્વામીશ્રી પાસેથી મંદિરની માહિતી પ્રાપ્ત થઇ શકે છે.

       વલેટવા ગામની નજીક બાંધણી ગામે પુષ્ટિમાર્ગીય શ્રી દેવકીનંદન આચાર્યજીની બેઠક આવેલી છે તથા નજીકના વડતાલ ગામે પ્રખ્યાત સ્વામીનારાયણ મંદિર આવેલું છે. આ બંને સ્થળ દર્શનીય છે.

       અમે આણંદથી નીકળી, બાંધણી, વલેટવા અને વડતાલ દર્શન કરી, છેલ્લે સ્વામીનારાયણ મંદિરમાં ખીચડીનો પ્રસાદ લઇ, લગભગ ચારેક કલાકમાં આણંદ પરત આવ્યા. એક વાર જોવા જેવાં સ્થળ ખરાં.






No comments:

Post a Comment