# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday, 8 September 2017

નાથદ્વારા અને કુંભલગઢ 

પ્રવાસ –  નાથદ્વારા અને કુંભલગઢ 

        રાજસ્થાનમાં આવેલું નાથદ્વારા એ વૈષ્ણવોનું ખૂબ જ પવિત્ર અને પ્રખ્યાત યાત્રાધામ છે. ત્યાં શ્રીનાથજી પ્રભુની ઝાંખી (દર્શન) કરો એટલે મન શાંત થઇ જાય, હૃદયમાં એક પ્રસન્નતા છવાઈ જાય. નાથદ્વારાની આજુબાજુ બીજાં ઘણાં જોવાલાયક સ્થળો છે, જેવાં કે ઉદયપુર, કાંકરોલી, જયસમંદ, કુંભલગઢ, ચિતોડ વગેરે.
     એક શનિ-રવિની રજામાં અમે બે દિવસનો પ્રોગ્રામ બનાવી નાથદ્વારા જવા નીકળી પડ્યા. શુક્રવારે રાતના લક્ઝરી બસમાં બેસી, શનિવારે સવારે નાથદ્વારા પહોંચ્યા. રહેવાનું બુકીંગ અમદાવાદથી ફોન દ્વારા અને પૈસા ભરીને કરાવેલ હોવાથી, રહેવાની રૂમ આસાનીથી મળી ગઈ. સવારના મંગળાથી બપોરના રાજભોગ સુધીનાં શ્રીનાથજી પ્રભુનાં દર્શન કરી ધન્યતા અનુભવી. અહીં અમને દસેક સ્નેહીઓનું ગ્રુપ મળી ગયું. તેઓ બધા પણ દર્શન માટે અહીં આવેલ હતા અને અમારા ઉતારામાં જ ઉતર્યા હતા. તેઓની સાથે અલકમલકની વાતોમાં બપોરનો સમય પસાર થઇ ગયો. વાતવાતમાં સૂઝ્યું કે આજુબાજુના કોઈક સ્થળે ફરી આવીએ તો ઘણી મઝા આવશે. અમે કુંભલગઢ જવાનું નક્કી કર્યું. બે જીપ ભાડે કરી લીધી અને બપોરે બે વાગે કુંભલગઢ તરફ પ્રયાણ કર્યું.
     કાંકરોલીવાળા રસ્તે થોડું ગયા પછી, ગામડાઓમાં થઈને કુંભલગઢ પહોંચ્યા. નાથદ્વારાથી કુંભલગઢનું અંતર ૫૭ કી.મી. છે. ગામડાંવાળો રસ્તો બહુ સારો નથી, પણ જીપ કે ગાડી તો જઈ શકે. એને બદલે નાથદ્વારાથી કાંકરોલી, ગોમતી, ચારભુજા, કેલવાડા થઈને કુંભલગઢ જાઓ તો રસ્તો સરસ, પણ અંતર ૯૦ કી.મી. થઇ જાય.
        કુંભલગઢ નજીક આવ્યું ત્યારે દૂરથી જ, ઉંચી ટેકરી પર કુંભલગઢનો કિલ્લો તથા કિલ્લા ફરતી દિવાલ દેખાતી હતી. દ્રશ્ય સુંદર હતું. કિલ્લાના ગેટ આગળ પહોંચી, જીપો પાર્ક કરીને ટીકીટ લઇ (૫ રૂપિયા) અંદર ગયા. અહીં જમણી બાજુ મંદિરો અને ડાબી બાજુ કિલ્લા તરફ ચડવાનો રસ્તો દેખાતો હતો. પહેલાં અમે કિલ્લા તરફના ઢાળવાળા રસ્તે ચડવાનું શરુ કર્યું. વચ્ચે વચ્ચે હલ્લા પોલ, હનુમાન પોલ, વિજય પોલ, ભૈરવ પોલ વગેરે નામથી જાણીતા ગેટ આવે છે.ક્યાંક ઉગાડેલા ફૂલછોડ શોભામાં વધારો કરે છે. કોઈક જગાએથી આજુબાજુના પ્રદેશનાં દ્રશ્યો જોઈ શકાતાં હતાં. આશરે એકાદ કી.મી. જેટલું ચડ્યા પછી કિલ્લા પાસે પહોંચ્યા.
     આ કિલ્લો મહારાણા કુંભાએ ઈ.સ. ૧૪૪૩માં બંધાવ્યો હતો. આખો કિલ્લો પથ્થરોથી બનાવેલો છે. હાલ અહીં કોઈ રહેતું નથી, પણ પુરાતત્વ ખાતા દ્વારા કિલ્લાની જાળવણી થાય છે. ચોખ્ખાઈ ઘણી સરસ છે. કિલ્લામાં દાખલ થઇ, અંદર ફરી ફરીને બધું જોયું. ભારતના કિલ્લાઓમાં રૂમો, સીડીઓ વગેરેની જે ભૂલભૂલામણી હોય છે, એવું બધું અહીં પણ હતું. કિલ્લાના ધાબા પર ગયા. અહીં ટોચ પરના ઘુમ્મટ અને તેના પરની કારીગરી જોવાની મઝા આવી.અહીંથી દેખાતો આજુબાજુનો કુદરતી નઝારો જોવા જેવો છે. કિલ્લાની પાછળ ટેકરીનો સીધો ઢોળાવ છે. એટલે એ બાજુથી તો કોઈ ચડી-ઉતરી ના શકે. કિલ્લાને ફરતી જે વિશાલ દિવાલ છે, તે અહીંથી લગભગ આખી જોઈ શકાય છે. આ દિવાલ ૩૬ કી.મી. લાંબી છે ! આ હિસાબે કિલ્લાની આજુબાજુની કેટલી બધી જગા કિલ્લાના પરિસરમાં આવી જાય ! અહીંથી અમે ઘણા બધા ફોટા પડ્યા. બે ઘડી બેસવાનું મન થાય એવી જગા છે. થોડું બેસીને નીચે પાછા આવ્યા.
      નીચે મુખ્ય ગેટ આગળ ઝાડોની વચ્ચે એક રેસ્ટોરન્ટ છે. ત્યાં ચાપાણી કર્યાં અને થાક ઉતાર્યો. કુંભલગઢના ઈતિહાસની વાત કહેતું બોર્ડ વાંચ્યું. પછી બીજી બાજુનાં મંદિરો તરફ ગયા. અહીં એક શીવમંદિર ઘણું સરસ છે. તેનું શિખર ભવ્ય છે. અંદરનું શીવલીંગ ઘણું મોટું અને ઊંચું છે. કહે છે કે અહીંના રાજાની ઊંચાઈ ૯ ફૂટ હતી. આથી તે શીવલીંગને બાથમાં લઇ શકે તે હેતુથી શીવલીંગ ઊંચું અને મોટું બનાવેલ છે. એવું જાણ્યું કે કિલ્લાના વિશાલ પરિસરમાં કુલ ૩૬૦ મંદિરો છે. તેમાં વેદી મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, ચારભુજા મંદિર અને ગણેશ મંદિર મુખ્ય છે. બધાં મંદિરો તો ક્યાંથી જોઈ શકાય ? એટલે પછી કુંભલગઢના ઈતિહાસની યાદોને વાગોળતા પાછા વળ્યા.
       કિલ્લા પર રાત્રે રોશની થાય છે. કિલ્લો ત્યારે ખૂબ મનોહર લાગે છે, પણ રોશની જોવી હોય તો અંધારું થાય ત્યાં સુધી રોકાવું પડે. રાત્રે Light and sound show ની પણ વ્યવસ્થા છે. પણ એ જોયા વગર અમે અમારી જીપોમાં નાથદ્વારા પાછા જવા નીકળ્યા. ત્યાં બીજે દિવસે રવિવારે બપોર સુધીનાં દર્શન કરી, પ્રભુ ફરી અમને અહીં આવવાનો હુકમ કરે એવી પ્રાર્થના કરી, અમદાવાદ પાછા આવવા નીકળ્યા.
       નાથદ્વારા જાઓ તો એક વાર કુંભલગઢ જરૂર જજો. મઝા આવશે.   


No comments:

Post a Comment