હીલ સ્ટેશનની મહારાણી ઉટી
ઉટી દક્ષિણ ભારતનું એક સુંદર હીલ સ્ટેશન (હવા ખાવાનું સ્થળ) છે. તે નીલગીરી પર્વતમાળાના એક પર્વત પર વસેલું છે. દરિયાની સપાટીથી તેની ઉંચાઈ ૨૨૪૦ મીટર છે. આપણા આબુની જેમ અહીં પણ દર વર્ષે લાખો ટુરિસ્ટો આવે છે અને અહીંનું સૌન્દર્ય જોઈ મંત્રમુગ્ધ થઇ જાય છે. ઉટી સરોવર, બોટાનીકલ ગાર્ડન, ગુલાબનો બગીચો, ડોડાબેટા શિખર વગેરે અહીંનાં જાણીતાં આકર્ષણો છે. ખાસ તો એક નાનકડી ટ્રેન, જે નીચેથી, ટેકરીઓમાં થઈને ઉપર ઉટી સુધી લઇ જાય છે, તેમાં બેસવાની અને આજુબાજુની સીનસીનરી જોવાની બહુ જ મજા આવે છે.
નીલગીરી અર્થ છે બ્લ્યુ પર્વતો. આ પર્વતો પર દર બાર વર્ષે કુરુંજી નામનાં વાદળી કલરનાં ફુલ થાય છે. આ ફૂલો ટેકરીઓના ઢાળ પર છવાઈ જાય છે. એટલે કદાચ આ પર્વતમાળાનું નામ નીલગીરી પડ્યું હશે. ઉટી આ પર્વતોમાંનું એક છે. તેનું મૂળ નામ ઉટાકામંડ કે ઉટાકામંડલમ છે. પણ લોકો હવે તેને ટૂંકમાં ઉટી કહે છે. તમિલનાડુ રાજ્યના નીલગીરી જીલ્લાનું તે મુખ્ય મથક છે.
પહેલાં અહીં તોડા જાતિના લોકો વસતા હતા. ઈ.સ. ૧૭૯૯થી ઉટી, ઇંગ્લેન્ડની ઇસ્ટ ઇન્ડિયા કંપનીના તાબામાં આવ્યું. જ્હોન સુલીવન નામના અંગ્રેજ અધિકારીને આ જગા ગમી ગઈ. તેમણે આ સ્થળને વિકસાવ્યું. તેમણે ૧૮૨૨માં અહીં પહેલો બંગલો બંધાવ્યો, એ સ્ટોન હાઉસના નામે જાણીતો છે. ઉટી સરોવર પણ તેમણે જ ૧૮૨૪માં અહીં બનાવડાવ્યું. પછી તો અહીં ગવર્નર હાઉસ, ક્લબ હાઉસ, ગોલ્ફ કોર્સ, પોલો, ટેનીસ અને ક્રિકેટ માટેનાં મેદાનો વગેરે બન્યાં. ઘણા માલદાર લોકોએ અહીં કોટેજો બાંધી. આજે ઉટીની વસ્તી ૮૮૦૦૦ જેટલી છે. ઉટી આજે ઉનાળુ અને શનિ-રવિના રીસોર્ટ જેવું છે.
એ જમાનામાં ઉપર ઉટી સુધી જવા માટે ૧૯૦૮માં રેલ્વે શરુ કરવામાં આવી. આ રેલ્વે ‘નીલગીરી પર્વત રેલ્વે’ કે ‘ટોય ટ્રેન’ તરીકે ઓળખાય છે. નીચેના મેટપાલ્યમ સ્ટેશનથી આ ટ્રેન શરુ થાય છે અને ૪૬ કી.મી.નું અંતર કાપી ઉપર ઉટી પહોંચે છે. ધીમી ગતિએ દોડતી આ ટ્રેનને આ અંતર કાપતાં આશરે સાડા ચાર કલાક લાગે છે. ફક્ત ચાર ડબ્બાની, બ્લ્યુ રંગની અને મોટી બારીઓવાળી આ ટ્રેનમાં સફર કરવાની બહુ જ મજા આવે છે. આ ટ્રેન જૂના સ્ટીમ એન્જીનથી ચાલે છે. આ ટ્રેનમાં ખાસ ખૂબી એ છે કે તેના બે પાટા વચ્ચે દાંતાવાળો રેક બેસાડેલો છે. ટ્રેન ઉપર ચડતી હોય ત્યારે ટ્રેનની નીચે રાખેલાં ગીયરના દાંતા આ રેકમાં ભરાતા જાય, એટલે ટ્રેન ઢાળ પરથી પાછી ના સરકી પડે.
મેટપાલ્યમથી શરુ કરી કલ્લાર, એડરલે, હીલ ગ્રુવ, રનીમેડ અને કટેરી સ્ટેશનો પછી કૂનૂર સ્ટેશન આવે છે. કૂનૂર મોટું સ્ટેશન છે. કૂનૂર પછી વેલીંગટન, અરુવનકડુલ, કેટ્ટી, લવડેલ અને ફ્રેનહીલ પછી છેલ્લું સ્ટેશન ઉટી આવે. ફ્રેનહીલ સ્ટેશન હાલ બંધ કરેલ છે. કૂનૂરથી ઉટી ૧૮ કી.મી. છે. ટ્રેનના આ માર્ગમાં ૨૦૮ વળાંકો અને ૧૩ બોગદાં આવે છે. ટ્રેન ઘણા બધા બ્રીજ પરથી પસાર થાય છે. વચ્ચે ઠેર ઠેર ચાના બગીચા જોવા મળે છે. ટ્રેન માર્ગે નદીઓ, ખીણો, જંગલો, બોગદાં, બ્રીજ – આ બધાને લીધે આ ટ્રેનમાં મુસાફરી કરવાની બહુ મજા પડે છે. આ એક યાદગાર મુસાફરી છે અને એ માણવા જેવી છે. યુનેસ્કોએ આ રેલ્વેને ૨૦૦૫માં વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સામેલ કરી છે.
મેટપાલ્યમથી ઉટી જવા માટે બસની પણ ઘણી સારી સગવડ છે. ટેક્સી અને જીપ પણ ઉપલબ્ધ છે. ઉટીથી સૌથી નજીકનું મોટું શહેર કોઈમ્બતોર છે. તે ઉટીથી દક્ષિણમાં ૮૮ કી.મી. દૂર છે. કોઈમ્બતોરમાં વિમાની મથક છે. કોઈમ્બતોરથી ટ્રેન તેમ જ બસથી મેટપાલ્યમ આવી શકાય છે. માયસોર, બેંગ્લોર, ચેન્નાઈ, ગુડાલુર વગેરે શહેરોથી પણ ઉટી જવાની બસો મળે છે. ઉટીમાં હેલીપેડ છે.
હવે ઉટીમાં જોવાલાયક સ્થળોની વાત કરીએ. ઉટી લેક ખૂબ જાણીતું સરોવર છે. ૬૫ એકર વિસ્તાર ધરાવતા આ સરોવરની આજુબાજુ યુકેલીપ્ટસનાં ઝાડો ઉગાડેલાં છે. કિનારે બોટહાઉસ છે. લોકો બોટમાં બેસી સરોવરમાં વિહાર કરતા હોય છે. સરોવરના કિનારે ફરવાની અને બેસવાની મજા કોઈ ઓર જ છે. મે મહિનામાં અહીં બોટ રેસ (હરીફાઈ) યોજાય છે. અહીં લોકો ઘોડેસવારીની મોજ પણ માણે છે. આવી જગાએ ખાણીપીણીની સગવડ તો હોય જ. સરોવરને એક કિનારે પેલી રેલ્વેલાઈન પસાર થાય છે. ઉટીનું આ સરોવર એ એક અનેરું આકર્ષણ છે.
ઉટીનો બોટાનીકલ ગાર્ડન ટુરિસ્ટોમાં ખૂબ જાણીતો છે. ૨૨ એકરમાં પથરાયેલો આ ગાર્ડન ૧૮૪૭માં બન્યો હતો. આ ગાર્ડનમાં ફૂલો, ઝાડપાન, બોન્સાઈ વૃક્ષો, ઉંચાનીચા રસ્તા, લોન – આ બધું જોવાનો બહુ આનંદ આવે છે. અહીં મે મહિનામાં ફૂલોનું પ્રદર્શન ભરાય છે. આ ગાર્ડનમાં ઔષધિ માટેની વનસ્પતિઓ પણ ઉગાડવામાં આવે છે.
રોઝ ગાર્ડન (ગુલાબનો બગીચો) એ ઉટીનું એક ખાસ આકર્ષણ છે. ભારતનો આ ગુલાબનો મોટામાં મોટો બગીચો છે. આ બાગમાં બસ ગુલાબો જ ગુલાબો છે. ગુલાબનાં ફુલ કોને ન ગમે? અહીં હજારો જાતના ગુલાબ થાય છે. અહીં વાદળી, લીલા અને કાળા રંગના ગુલાબો પણ થાય છે. અહીં ગુલાબના છોડને જાતજાતની રીતે કાપી, બહુ જ આકર્ષક આકારો આપવામાં આવે છે. લોકો ગુલાબના છોડને મોર, સિંહ, ચકલી, પોપટ, મોટર, ટ્રેન, વગેરે આકારમાં જોઇને ખુશ થઇ જાય છે.
ઉટી સરોવરના એક છેડે હરણ પાર્ક છે. અહીં ઘણી જાતનાં હરણ જોવા મળે છે. આ પાર્કમાં બીજાં પ્રાણીઓ પણ છે.
ડોડાબેટા એ ઉટીની નજીક આવેલું ખૂબ જ જાણીતું શિખર છે. નીલગીરી પર્વતમાળાનું આ ઉંચામાં ઉંચું શિખર છે. તેની ઉંચાઈ ૨૬૩૭ મીટર છે. તે ઉટીથી કોટાગીરી જવાના રસ્તે ઉટીથી ૯ કી.મી. દૂર આવેલું છે. ત્યાં જવા માટે બસ, રીક્ષા કે ટેક્સી મળી રહે છે. ડોડાબેટા શિખર પરથી આજુબાજુનો નઝારો જોવાની બહુ જ મજા આવે છે. એમ થાય કે બસ, અહીં બેસી જ રહીએ. આજુબાજુના નીચાણમાં ગાઢ જંગલો છે. અહીંનું વાતાવરણ ઘણી વાર ધુમ્મસછાયુ હોય છે. ડોડાબેટા શિખર પર ટેલીસ્કોપ હાઉસ છે. એમાં રાખેલા દૂરબીનની મદદથી દૂરદૂરનાં દ્રશ્યો જોઈ શકાય છે.
ઉટીથી કૂનૂર જવાના રોડ પર એક વેક્સ મ્યુઝીયમ છે. આ મ્યુઝીયમમાં ભારતના ઈતિહાસ અને સંસ્કૃતિમાં થઇ ગયેલ પ્રખ્યાત વ્યક્તિઓનાં મીણનાં પૂતળાં બનાવીને મૂકેલાં છે. ફુલસાઈઝનાં આ પૂતળાં એટલાં આબેહૂબ છે કે જાણે જીવતી વ્યક્તિ જ આપણી સામે ઉભી હોય એવું લાગે. આ મ્યુઝીયમ એક જૂના બંગલામાં ઉભું કરેલું છે. કોલ્હાપુરમાં પણ આવું મ્યુઝીયમ છે. દુનિયાનાં ઘણાં શહેરોમાં આવાં વેક્સ મ્યુઝીયમ છે.
બોટનીકલ ગાર્ડનની ઉપરના ભાગમાં ટોડા લોકોની થોડી ઝુંપડીઓ આવેલી છે. જો કે તેઓની વસ્તી ધીરે ધીરે ઘટતી જાય છે. ઉટીમાં એક ટ્રાઇબલ રીસર્ચ સેન્ટર આવેલું છે. એમાં ઉટીની જૂની જાતિઓના લોકોનાં ઘરો, ઘરવખરી, ઘરેણાં, ફોટા વગેરે સાચવી રાખેલું છે.
ઉટીથી માયસોર જવાના રસ્તે સેન્ટ સ્ટીફન ચર્ચ આવેલું છે. આ ચર્ચ ૧૮૩૧માં બન્યું હતું. ઉટીની નજીક એક મોટું રેડિયો ટેલીસ્કોપ ગોઠવેલું છે. તે તાતા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ સંસ્થાએ ઉભું કરેલું છે. ૫૩૦ મીટર લાંબા આ ટેલીસ્કોપમાં સૂર્ય અને બ્રહ્માંડમાંથી આવતાં રેડિયો સિગ્નલો ઝીલાય છે. એની મદદથી અવકાશના તારા વગેરેનો અભ્યાસ કરી શકાય છે. ઉટીની નજીકમાં હેંગ ગ્લાઈડીંગ એડવેન્ચર સ્પોર્ટ છે. જીપમાં બેસીને ત્યાં જવાય છે.
ઉટીથી ગુડાલુર જવાના રસ્તે ૧૯ કી.મી. દૂર પાયકારા ધોધ આવેલો છે. આ એક ખાસ જોવા જેવી જગા છે. પાયકારા નદી પરનો આ ધોધ એટલો સરસ છે કે જોતાં મન ધરાય નહિ. અહીં ઘણી તમિલ અને હિન્દી ફિલ્મોનાં ગીતોનાં શુટીંગ થયેલાં છે. થોડાં નામ ગણાવું? (૧) જબ સે મિલે નયના….(ફિલ્મ ફર્સ્ટ લવ લેટર) (૨) તુજ સંગ પ્રીત લગાઈ સજના…..(કામચોર) (૩) અબ હમેં તુમસે કિતના પ્યાર હૈ…..(ગેંગસ્ટર) (૪) આજ કલ યાદ કુછ ઓર…..(નગીના). ઉટી પોતે જ ફિલ્મોના શુટીંગ માટેનું એક સરસ લોકેશન છે. પાયકારા ધોધ આગળ ડેમ, રીઝર્વોયર અને બોટીંગની સગવડ છે.
આ ઉપરાંત, ઉટીની નજીક મુદુમલાઈ નેશનલ પાર્ક, કામરાજ સાગર ડેમ, ઇકો રોક વગેરે જગઓ છે. કોટાગીરી, નીલગીરી પર્વતમાળામાં જ ઉટીથી ૨૮ કી.મી. દૂર છે.
ઉટીના લોકોના મુખ્ય ધંધા ટુરીઝમ, ચાના બગીચા અને દવાનાં કારખાનાં છે. ઘણા ગૃહઉદ્યોગો પણ છે. પહેલાં અહીં ફોટો ફિલ્મ (‘ઇન્દુ’ના રોલ) બનતી હતી. પણ હવે તે બંધ થઇ ગઈ છે. ઉટીમાં ઘણું મોટું બજાર છે. ટુરિસ્ટો અહીંથી ચોકલેટ, અથાણાં, યુકેલીપ્ટસ તેલ, મધ, મસાલા, લાકડાની ચીજો વગેરે ખરીદતા હોય છે. ઉટીમાં રહેવા માટે હોટેલો, કોટેજો, ગેસ્ટ હાઉસ અને રીસોર્ટ ઘણા છે. ગરીબ અને તવંગર બધાને પોષાય એવું રહેવાનું મળી રહે છે. ફરવા માટે ઘણી કંડક્ટેડ ટુરો ઉપલબ્ધ છે. ઉટીમાં ફરવા માટેની સીઝન એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી નવેમ્બર વધુ અનુકૂળ છે. ઉટીનું શિક્ષણ સારું ગણાય છે. પૈસાપાત્ર લોકો પોતાનાં બાળકોને ઉટીની સ્કૂલોમાં ભણવા મૂકતા હોય છે.
ઉટી એક સરસ ફોટોજીનીક અને પીકનીક પોઈન્ટ છે. અહીંની કુદરતી લીલા પ્રવાસીઓનાં મન મોહી લે છે. એટલે તો ઉટીને Queen of hill stations કહે છે. બોલો, ક્યારે ઉપડો છો ઉટી?
No comments:
Post a Comment