પાયકારા ધોધ, બંધ અને સરોવર
તમે આ હિન્દી વિડીયો ગીતો જોયાં જ હશે.
(૧) જબ સે મિલે નયના….. (ફિલ્મ ફર્સ્ટ લવ લેટર)
(૨) તુજ સંગ પ્રીત લગાઈ સજના….. (કામચોર)
(૩) અબ હમેં તુમસે કિતના પ્યાર હૈ….. (ગેંગસ્ટર)
આ ગીતોમાં કોઈ કોમન વસ્તુ દેખાય છે? આ ત્રણેમાં સ્થળ ધોધનું છે. એ છે પાયકારા ધોધ. આ ઉપરાંત પણ બીજાં હિન્દી અને ઘણી તમિલ ફિલ્મોનાં ગીતોનું શુટીંગ અહીં થયેલું છે. આ ગીતોમાં આ ધોધ કેટલો સરસ લાગે છે ! એ જોઇને જ આ ધોધ જોવા જવાનું મન થઇ જાય એવું છે.
પાયકારા ધોધ ઉટીથી ગુડાલુર જવાના રસ્તે, ઉટીથી માત્ર ૧૯ કી.મી.દૂર આવેલો છે. એટલે ઉટી જાવ ત્યારે આ ધોધ અવશ્ય જોઈ લેવો. મુખ્ય રસ્તા પરના બ્રીજથી અંદર ફંટાઈને ૬ કી.મી. જાવ એટલે પાયકારા ગામ આવે. ત્યાં પાર્કીંગમાં ગાડી મૂકી દેવાની. બસમાં પણ અવાય છે. પાર્કીંગથી ફક્ત અડધો કી.મી. ચાલો એટલે ધોધ આવી જાય. ગામથી ધોધ સુધી ઘણી જ દુકાનો છે. ખાણીપીણી તો ખૂબ જ છે.
પાયકારા નદી જ ધોધ રૂપે પડે છે. આ નદીને તોડાસ લોકો બહુ પવિત્ર માને છે. આ નદી મૂકૂર્તિ શિખરમાંથી નીકળીને ઉત્તર તરફ વહે છે. આ નદી પર ઘણા ધોધ છે. એમાં જે છેલ્લા બે છે તે જ પાયકારા ધોધ. અહીં ધોધ, ઉપરથી સીધો નીચે પડે એવું નથી. પણ આખી નદીમાં ઉંચાનીચા ખડકો અને પત્થરો હોવાથી, નાના નાના કેટલા ય ધોધ હોય એવું લાગે છે. કોઈક જગાએ મોટા તો ક્યાંક નાના એવા આ ધોધ છે. પણ ધોધનું આખું દ્રશ્ય બહુ જ સરસ લાગે છે. કિનારે બેસી રહીને જોયા કરવાનું મન થાય એવું છે. ફોટા પાડવા માટે સરસ જગા છે. લોકો, સલામત લાગે એવી જગાએ ધોધમાં ઉતરે છે પણ ખરા.
આ નદી પર ધોધથી દોઢ કી.મી. દૂર ઉપરવાસમાં બંધ બાંધેલો છે. આ બંધ પણ પાયકારા બંધ તરીકે જ ઓળખાય છે. આ બંધમાંથી છોડેલું પાણી જ ધોધમાં આવે છે. બંધની પાછળ વિશાળ સરોવર ભરાયું છે. પાયકારા ધોધ જોવા જાવ ત્યારે આ બંધ અને સરોવર પણ જોઈ લેવા.
સરોવરને કિનારે બોટહાઉસ છે. આ જગા બહુ જ સરસ લાગે છે. જોવા જેવી છે. સરોવરનું નીતર્યું કાચ જેવું પાણી, સરોવરની બંને બાજુ જંગલો અને આરામથી બેસાય એવી ખુલ્લી ચોખ્ખી જગા – કુદરતના અદભૂત સાનિધ્યમાં આવી ગયા હોઈએ એવું લાગે.
અહીં બોટીંગની વ્યવસ્થા છે. મોટરબોટ સરોવરમાં ૧૫ થી ૨૦ મિનીટની સફર કરાવે છે, તે માણવા જેવી છે. જાતે ચલાવાય એવી બોટો પણ છે. બોટહાઉસ ટી.ટી,ડી.સી. ને હસ્તક છે. કિનારે ઘણાં રેસ્ટોરન્ટસ છે. સરોવરને કિનારે ફરવા માટે ટોય ટ્રેન છે. સરોવર આગળ રહેવાની પણ વ્યવસ્થા છે. પાયકારા ગામમાં જંગલ ખાતાનું રેસ્ટ હાઉસ છે. બંધ આગળ પાવર સ્ટેશન છે, ત્યાં વીજળી પેદા થાય છે.
પાયકારામાં ઘરની બનાવેલી ચોકલેટો ખાસ વખણાય છે. લોકો ગામની દુકાનોમાંથી ચોકલેટો ખરીદતા હોય છે. ગામ અને ધોધ આગળ વાંદરાઓનો ત્રાસ ખૂબ જ છે. વાંદરાઓ હાથમાંથી ખાવાનું ઝૂંટવી લે છે. એ માટે ખાસ ધ્યાન રાખવું.
પાયકારા ધોધ જોવા જવા માટે જુલાઈ મહિનો વધુ અનુકૂળ છે. એ વખતે વરસાદ હોવાથી ધોધમાં પૂરતુ પાણી હોય છે. ઓગસ્ટથી ડિસેમ્બર સુધી પણ ધોધમાં પાણી હોય છે. બંધમાંથી છોડેલું પાણી જ અહીં ધોધમાં આવતું હોવાથી, બંધમાં જયારે પાણીનું લેવલ બહુ નીચું ઉતરી જાય ત્યારે ધોધમાં પાણી ના હોય.
પાયકારા ધોધ,બંધ અને સરોવર એ ટુરિસ્ટોનું ખાસ આકર્ષણ છે. ફિલ્મવાળાઓનું તો આ માનીતું સ્થળ છે. અહીંથી નજીકમાં શુટીંગ પોઈન્ટ અને નીડલ પોઈન્ટ જોવા જઇ શકાય છે. એક વાર તો આ ધોધ જોવા જેવો ખરો જ.
No comments:
Post a Comment