# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Monday 13 November 2017

રાજા રામમોહનરાય - જન્મ તા.૨૨/૫/૧૭૭૨ અવસાન - ૨૭મી સપ્ટેમ્બર ૧૮૩૩

રાજા રામમોહનરાય



રાજા રામમોહનરાય

આપણા દેશમાં અનેક સંપ્રદાયો પ્રચલિત છે. દરેક સંપ્રદાયની વિચારધારા અલગ અલગ છે. દરેક સંપ્રદાયને પોતાના અલગ ઇષ્ટદેવ હોય છે, પરંતુ જેમ બધી નદીઓ સમુદ્રને મળે છે તેમ સર્વ સંપ્રદાયો એક જ ઈશ્વર તરફ ગતિ કરી રહ્યા છે. ‘અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે’ રામ, રહીમ, કòષ્ણ, ઈસુ સર્વમાં એક જ શકિત છે. આપણા ધર્મસુધારક અને સમાજસુધારક એવા રાજા રામમોહનરાયએ તેમની પત્નીને પ્રશ્ન કર્યો, કયો ધર્મ શ્રેષ્ઠ છે? આ પ્રશ્નના જવાબમાં રામમોહનરાયે પત્નીને કહ્યું, ગાયો તો વિવિધ રંગની હોય છે, પરંતુ તેમનું દૂધ એક જ રંગનું હોય છે. તેમ વિવિધ ધર્મોનો સાર એક જ છે. ‘સન્માર્ગ ગ્રહણ કરવો’ રાજા રામમોહનરાયે ધર્મમાં રહેલાં દૂષણો દૂર કરવા અનેક પ્રયત્નો કર્યા. તેમણે ‘એકેશ્વરવાદ’નોે પ્રચાર કર્યો. તેમણે ‘આત્મીય સભા’ નામે સંસ્થા સ્થાપી, પાછળથી આ સંસ્થા ‘બ્રહ્મોસમાજ’ તરીકે પ્રચલિત બની. બ્રહ્મો સમાજે વિશેષ કરીને બંગાળમાં સમાજ અને ધર્મ સુધારણાના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો. બ્રહ્મોસમાજ તરફથી ‘સંવાદ કૌમુદી’ નામે સાપ્તાહિક પણ બહાર પાડવામાં આવ્યું. રાજા રામમોહનરાયે વિશેષ કરીને ‘બાળલગ્નો અને બહુપત્ની પ્રથા’ને દૂર કરવા પ્રયત્નો કર્યા. તેમજ ‘સતીપ્રથા’ની વિરુદ્ધ મોટી ઝુંબેશ ચલાવી તેમણે કહ્યું, ધર્મશાસ્ત્રમાં કયાંય પણ સતીપ્રથાનો ઉલ્લેખ જૉવા મળતો નથી. રાજા રામમોહનરાયે સમાજ સુધારણા માટે ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ની બહુમૂલ્ય નોકરી છોડી દીધી. રાજા રામમોહનરાયના સમાજ સુધારણાનાં કાર્યોથી ખુશ થઇને મુગલ બાદશાહે ૧૮૩૧માં તેમને ‘રાજા’નો ઇલકાબ આપીને પોતાના વકીલ તરીકે ઇંગ્લેન્ડ મોકલ્યા. ત્યાં ૧૮૩૩માં તેમનું અવસાન થયું. રાજા રામમોહનરાય આધુનિક ભારતના આધસુધારક ગણાય છે. નવા યુગના અગ્રદૂત અને જયોતિર્ધર પણ કહેવાય છે. આજે પણ બ્રહ્મોસમાજ સમાજ સુધારણા માટે કાર્યરત છે. આજે પણ રાજા રામમોહનરાયની સમાજ સુધારણાની જયોત પ્રજવલિત છે. આજે બાળલગ્નો, સતીપ્રથા, બહુપત્નીપ્રથા વગેરે લુપ્તપ્રાપ્ય બન્યાં છે.

ભારતની વૈજ્ઞાનિક ક્રાંતિના આદ્ય પ્રણેતા અને ભારતના પ્રથમ સમાજ સુધારક રાજા રામમોહનરાયનો જન્મ તા.૨૨/૫/૧૭૭૨ના રોજ બંગાળના હુગલી જીલ્લાના રાધાનગર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ રમાકાંત એક વૈષ્ણવ બ્રાહ્મણ હતા, માતાનું નામ ઠાકુરાણી હતું.રાજારામ મોહનરાય માત્ર ૧૫ વર્ષની નાની વયે બંગાળી, સંસ્કૃત,અરબી તથા ફારસી જેવી ભાષાનું જ્ઞાન મેળવી લીધું હતું. શાળાકીય અભ્યાસ પટનામાં કર્યો હતો. તેમને સંસ્કૃત પાઠશાળામાં ચાલતા વેદાંત અને ઉપનિષદોનો અભ્યાસ માત્ર ૧૬ વર્ષની વયે પૂરો કર્યો હતો. અંતમાં વેદાંતને જીવનનો આધાર બનાવ્યો હતો. જ્ઞાન મેળવવાની જિજ્ઞાસાએ તેમણે હિમાલયથી લઈને તિબેટ સુધીની સફર કરાવી હતી.તેમણે પોતાની ભાભીને પરાણે સતી થવાની ફરજ પડેલી જોઈ તેનાથી તેઓ અકળાયા અને આ પ્રથા નાબૂદ કરવાની ઝૂંબેશ ઉપાડવાની તેમનામાં વૃત્તિ જન્મી. નાની વયે મૂર્તિપૂજાના પ્રશ્ને માતાપિતા અને કુંટુંબ છોડી દીધું. રાજા રામમોહનરાય અનેક હિંદુ શાસ્ત્રોનો અંગ્રેજી ભાષામાં અનુવાદ પણ કર્યો હતો. તેમના આ કાર્ય પાછળ ફક્ત એટલો હેતુ હતો કે ભારતીય સંસ્કૃતિનો સમગ્ર વિશ્વના લોકો જાણી શકે અને તેમના જીવનમાં તેનું આચરણ કરે. તેમણે ઈ.સ. ૧૮૧૬માં ‘ વેદાંતનો અભ્યાસ’ નામે પુસ્તક પ્રગટ કર્યું. ઈ.સ.૧૮૧૫માં ‘આત્મીય સભા’ની સ્થાપના કરી. રાજા રામમોહનરાયને બાઈબલના જીવનની ઉંડી અસર પડી. ઈ.સ.૧૮૨૦માં તેમણે ‘ ઈશુનો બોધ’ નામે પુસ્તક પ્રગટ કર્યું. તેમણે અંગ્રેજી ભાષા અને પાશ્ચાત્ય સંસ્કૃતિનો પણ અભ્યાસ કર્યો હતો. તેમણે જ્ઞાતિપ્રથા, સતીપ્રથા, દૂધ પીતી કરવાનો , બાળલગ્ન અને બહુપતિત્વ પ્રથાનો વિરોધ કર્યો. ઓગણીસમી સદીમાં ભારતની નવજાગૃતિ માટેની સામાજિક અને ધાર્મિક તથા રાજકીય ચળવળનો પાયો નાખ્યો.ઈ.સ. ૧૮૨૯માં સતીપ્રથા નાબૂદ કરી. ઈ.સ. ૧૮૨૨માં તેમણે કલકત્તામાં હિંદુ કોલેજની સ્થાપના કરી હતી અને ત્યારબાદ તેમણે વેદાંત કોલેજની પણ સ્થાપના કરી હતી. ઈ.સ.૧૮૨૨માં તેમણે તેના ફળ સ્વરૂપે ઈ.સ.૧૯૫૬માં’ હિંદુ કોડ બીલ’ અમલમાં આવ્યો. સ્ત્રીને પતિની અને પિતાની મિલકતમાં હકદાર ગણવામાં આવી. તેમણે વિશ્વમાં મુખ્ય ધર્મોનો શુભતત્વ નો સમન્વય કરતો બ્રહ્મોસમાજણી સ્થાપના ૨૫મી ઓગસ્ટ ૧૮૨૮માં કલકત્તામાં કરી. તેમણે સમાજ સુધારાના માટે અંગ્રેજી શિક્ષણની હિમાયત કરી. ભારતમાં સ્ત્રી કેળવણીના તેઓ આદ્યપ્રણેતા હતા. તેઓ અનેક ભાષાઓનું જ્ઞાન ધરાવતા હતા. સામાજિક વૈચારિક ક્રાંતિના પ્રણેતા રાજા રામમોહનરાય ૨૭મી સપ્ટેમ્બર ૧૮૩૩ના રોજ ઈંગ્લેન્ડના બ્રિસ્ટલ ખાતે અવસાન થયું. ત્યાં જ તેમની સમાધી આવેલી છે.

ભારતના સામાજિક નવસર્જનના પિતા
અર્વાચીન સુધારાની જે જે પ્રગતિ આજના સમાજમાં ર્દષ્ટિગોચર થાય છે તેના પાયાનું ચણતર કરનાર રાજા રામમોહનરાયનો જન્મ ઈ. ૧૭૭૨ના મે માસની ૨૨મી તારીખે બરદ્વાન જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો. પિતા રમાકાંત શુદ્ધ સનાતની હતા. માતા તારિણી પણ અતિશય ધાર્મિક હતાં. રામમોહન નાનપણથી જ બુદ્ધિશાળી હતા. આથી તે કાળના વિદ્યાધામ ગણાતા પાટણમાં તેમને અભ્યાસ માટે મૂકવામાં આવ્યા. અહીં તેમણે ફારસી તથા અરબી ભાષામાં સારી પ્રવીણતા મેળવી. બનારસમાં કોઈ પંડિતને ત્યાં રહી તેમણે સંસ્કૃતનું જ્ઞાન મેળવ્યું. અભ્યાસ પાછળ બે ત્રણ વરસ ગાળી તે ઘેર પાછા આવ્યા ત્યારે તેમના વિચારોમાં ઘણું જ પરિવર્તન થઈ ગયું હતું. હિંદુ ધર્મની જડ અંધશ્રદ્ધા તેમનામાંથી ઊડી ગઈ હતી. પિતાએ પુત્રને ધાર્મિક બનવાને બદલે અધાર્મિક બનેલો જોયો. બંને વચ્ચે વાદવિવાદ થયા અને પરિણામે રામમોહનને ઘરમાંથી રુખસદ મળી.
એ વખતે સામાજિક પુનઃરચના માટે દેશમાં ત્રણ સંસ્કૃતિ વચ્ચે તુમુલ યુદ્ધ જામ્યું હતું. હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી. રામમોહનરાયે આ ત્રણે સંસ્કૃતિનાં તત્વોને પચાવ્યાં અને આજના ભારતની પ્રગતિનાં પગરણ તથા પ્રસ્થાન મંડાયાં.
ગૃહત્યાગ કર્યા પછી તેઓ તિબેટ પહોંચ્યા. અહીં બૌદ્ધોના ધર્મગુરુ લામા ઉપર તેમણે ટીકા કરી આથી બૌદ્ધોનો ક્રોધ તેમના પર ઊતર્યો. તેમનું ખૂન થવાની તૈયારી હતી તેવામાં રામમોહનને નાસ જવાની સગવડ મળી. ઈ. ૧૭૯૬માં ઇસ્ટ ઇન્ડિયા કંપીનીમાં કારકુનની નોકરી સ્વીકારી. હવે તેમને અંગ્રેજીના અભ્યાસનો શોખ લાગ્યો. અંગ્રેજી મૂળાક્ષરોથી કરી મહાન લેખકોની કૃતિઓનો તેમણે અભ્યાસ કર્યો. ઈ. ૧૮૧૧માં પિતાની બધી મિલકત રામમોહનને મળી. ઈ. ૧૮૧૪માં સરકારી નોકરી છોડી નીડર ધર્મવિચારોનો પ્રચાર કરવા માટે ‘આત્મીય સભા‘ સ્થાપી. ત્યારબાદ બ્રાહ્મોનિકલ મેગેઝિન અને યુનિટેરિયન છાપખાનું શરૂ કર્યાં.
જુદા જુદા ધર્મપુસ્તકોનો અભ્યાસ કરતાં તેમની માન્યતા એકેશ્વરવાદમાં ર્દઢ થઈ. ઈ. ૧૮૨૮માં બ્રહ્મોસમાજની સ્થાપના કરી. ઉપનિષદો તથા વેદાંતનાં પુસ્તકોના અંગ્રેજી ભાષાંતરો તેમણે પ્રસિદ્ધ કર્યાં. લોકસુધારણા માટે અંગ્રેજી શિક્ષણની આવશ્યકતા જોનારા રામમોહનરાય પહેલા હતા. આમ તેમણે અંગ્રેજી કેળવણીનાં દ્વાર ખોલ્યાં. તેમણે વાવેલાં કેળવણીનાં બીજમાંથી જ રાષ્‍ટ્રીયતા અને સ્વદેશીનો જન્મ થયો.
રામમોહનરાયે સતી થવાના ચાલનો સજ્જડ વિરોધ કર્યો. એવામાં દિલ્લીના બાદશાહને કંપની સાથે તકરાર થતાં બ્રિટિશ પાર્લમેન્ટમાં પોતાના હક્કોનું પ્રતિપાદન કરવા રામમોહનને ‘રાજા‘નો ખિતાબ આપી ઈ. ૧૮૩૦માં વિલાયત મોકલ્યા. મ્લેચ્છોના દેશમાં જનાર એ હિંદુનો સર્વત્ર તિરસ્કાર થઈ રહ્યો. બ્રાહ્મણોએ અનેક શાપ આપ્‍યા પણ લંડનમાં આ હિંદુ પંડિતને જોવા ને સાંભળવા લોકોની ઠઠ જામી.
લંડનનો આ શ્રમ જીવલેણ નીવડ્યો. ઈ. ૧૮૩૩ના સપ્‍ટેમ્બર માસની ૨૭મી તારીખે બ્રિસ્ટલમાં આ નરરત્નનું અવસાન થયું. ઇંગ્લેન્ડમાં ભિન્ન ભિન્ન દેવળોમાં એમને માટે પ્રાર્થના કરવામાં આવી. વર્તમાનપત્રોએ દુઃખદર્શક લેખો પ્રસિદ્ધ કર્યાં.
એમની અંતિમ ઇચ્છા હતી, ‘જો મારું મરણ થાય તો મારા મરણસંસ્કાર ખ્રિસ્તી ધર્મ પ્રમાણે ન કરતાં, સ્વતંત્ર સ્થાનમાં મારો અંતિમ વિધિ કરવો.‘ તેમના મિત્ર દ્વારકાનાથ ઠાકુરે વિલાયત જઈ તે પ્રમાણે શબને ભૂમિદાહ કરી તેના ઉપર એક સુંદર સમાધિમંદિર બનાવડાવ્યું.

No comments:

Post a Comment