પ્લાસીનું યુધ્ધ.
ભારતને અંગ્રેજોની 190 વર્ષ લાંબી ગુલામી તરફ દોરી જનારું પ્લાસીનું યુધ્ધ.
પ્લાસીનું યુધ્ધ એટલે ભારતને અંગ્રેજોની 190 વર્ષ લાંબી ગુલામી તરફ દોરી જનારું યુધ્ધ. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર રોબર્ટ ક્લાઈવ અને બંગાળના નવાબ શિરાજ-ઉદ-દૌલા વચ્ચે આ યુધ્ધ 23 જુન -1757ના રોજ કલકતાથી 150 કી.મી.ઉત્તરે ભગીરથી નદીના કિનારે લડાયું હતું.
યુધ્ધ કરવા માટે શિરાજ-ઉદ-દૌલા 50,000 નું લશ્કર અને 50 તોપો લઈને આવ્યો હતો .રોબર્ટ કલાઈવ પાસે ફક્ત 300 સૈનિકો અને જરા આધુનિક ગણી શકાય તેવી 9 તોપો હતી. અંગ્રેજો શું એવા મુર્ખ હતા કે 300 સૈનિકો લઈને નવાબના આવડા જંગી લશ્કરસામે યુધ્ધમાં ઉતરે ?
અંગ્રેજો મુર્ખ નહી પણ મુત્સુદી હતા.નવાબની લશ્કરી તાકાત જોતા તેને હરાવવા માટે મોટું લશ્કર જોઈએ એટલું તો અંગ્રેજોય સમજતા હતા, પણ ભારતમાં વેપારને બહાને આવેલા રોબર્ટ ક્લાઈવ માટે પારકા મુલ્કમાં મોટું લશ્કર એકઠું કરવું અશક્ય હતું.
પણ ભારતમાં ગમેતેમ કરીને પણ પગ પેશારો કરવા માંગતા રોબર્ટ ક્લાઈવે પોતાનું મોટું લશ્કર ઉભું કરવાને બદલે નવાબના લશ્કરને વિભાજીત કરીને નાનું કરવાની યોજના ઘડી કાઢી .પ્લાસીના યુધ્ધ માટે શિરાજ-ઉદ-દૌલાને ઉશ્કેરતા પહેલા રોબર્ટ ક્લાઈવે અનેક પૂર્વતૈયારીઓ કરી ચુક્યો હતો.
જે મુજબ યુધ્ધ શરુ થયું એના મહિનાઓ અગાઉ જગત શેઠ ( અમીચંદ ) નામના વેપારી મારફત નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફર અલી સાથે ઘરોબો કેળવ્યો .ક્લાઈવે પૈસાની લાલચ આપીને અંગ્રેજોને યુધ્ધમાં આર્થીક સહાય આપવા માટે અમીચંદ માનવી લીધો.મીર જાફરને મનાવવા માટે કલાઈવે તેની સામે બંગાળની ગાદીનું ગાજર લટકાવી દીધું.ગાદીની લાલચ આપીને નવાબના સેનાપતિને ફોડી લીધ બાદ રોબર્ટ ક્લાઈવ માટે નવાબની સેનાના સંખ્યા બળનું કોઈ મહત્વ ન રહ્યું.
બંગાળ માં ધંધો કરવા આવેલા અંગ્રેજો કેવો ગોરખધંધો ચલાવી રહ્યા છે એ વાત થી છેવટ સુધી અજાણ રહેલા નવાબે , યુદ્ધ મેદાનમાં રોબર્ટ કલાઈવ નું નાનકડું લશ્કર જોતા જ પોતાની સેનાને અંગ્રેજો પર તૂટી પડવા આદેશ આપ્યો.નવાબનો આદેશ સાંભળતા જ તેના મુખ્ય સેનાપતિ મીર જાફર સહિત ના 45000 સૈનિકો અંગ્રેજો પર તૂટી પડવાને બદલે લશ્કર થી અલગ પડીને એક બાજુ ઉભા રહી ગયા.
લશ્કર માં ફૂટ પડી છે એ જોઇને બાકી રહેલા સૈનિકો પણ ગુમરાહ બન્યા અને શું કરવું એ સમજી ન શક્યા. આટલું ઓછુ હોય તેમ કુદરત પણ જાણે રોબર્ટ ક્લાઈવ નો સાથ આપવા માંગતી હોય એમ અચાનક તૂટી પડેલા વરસાદે અંગ્રેજ સેનાનું કામ ઓર આશાન કરી આપ્યું. વરસતા વરસાદમાં તોપો માટે નો દારૂગોળો પલળી ન જાય તે માટે અંગ્રેજ સૈનિકોએ દારૂગોળા ને ફટાફટ તંબુ બાંધવા માટેની તાડપત્રી હેઠળ ઢાંકી દીધો.બીજી તરફ નવાબના
અનઘડ સૈનિકો પોતાના દારૂગોળા ને પલળતો બચાવવા માટેની કોઈ વ્યવસ્થા ન કરી શક્યા અને એમનો દારૂગોળો પલળીને નકામો થઈ ગયો.
થોડા સમય પછી વરસાદ રહ્યો અને યુધ્ધ શરુ થયું ત્યારે અંગ્રેજોના તોપમારા સામે નવાબના સૈનિકો ભાગમ ભાગી અને નાશદોડ સિવાય કશું જ ન કરી શક્યા . આ દરમ્યાન અંગ્રેજો એ કરેલા અંધાધુંધ તોપમારા માં નવાબનો વફાદાર સેનાપતિ મીર મદન પણ માર્યો ગયો.આથી યુધ્ધ ને હાથમાંથી સરકતું જોયા પછી શિરાજ ઉદ -દૌલા મૈદાન છોડીને પોતાની રાજધાની મુર્શિદાબાદ ભાગી ગયો અને તેની ગેરહાજરીને લીધે મીર જાફરે અંગ્રેજો સામે યુધ્ધ વિરામ સ્વીકારી લીધો.
પોતાનું મોત ભળી ગયેલો નવાબ મુર્શીદાબદથી હોળી દ્વારા પટણા ભાગી જવાની હતો ત્યા જ મીર જાફરેના સૈનિકોએ તેને પકડી લીધો અને ફાંસીએ લટકાવી દીધો. શરત મુજબ અંગ્રેજોએ મીર જાફરને ગાદીએ બેસાડ્યો પણ એ ફક્ત નામનો જ નવાબ બની રહ્યો બંગાળ પર ખરું રાજ તો અંગ્રેજો નું જ ચાલતું રહ્યું.
માત્ર 57 સૈનિકો ગુમાવીને પ્લાસીનું યુધ્ધ જીતી લેનાર અંગ્રેજોએ બંગાળમાં પગ જમાવ્યા પછી ધીમે ધમે પુરા ભારત ને પોતાના તાબામાં લઈ લીધું. અંગ્રેજી શાસન હેઠળ ભારતમાં એટ એટલા પરિવર્તનો આવ્યા કે જેનો કોઈ હિસાબ ન ગણી શકાય.
અંગ્રેજોના આવવાથી સરવાળે ભારત ને ફાયદો થયો કે નુકશાન એ નક્કી કરવા માટે તો, અનેક જો અને તો નો સહારો લેવો પડે ,પણ એ જો અને તો ની શરૂઆત તો પ્લાસીના યુધ્ધ થી જ કરવી પડે ,કે જો પ્લાસીનું યુધ્ધ ન લડાયું હોત તો ?
No comments:
Post a Comment