# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Tuesday, 2 October 2018

તરાઈનાં યુદ્ધો ઈ.સ. ૧૧૯૧-૯૨ (મહમૂદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ)


તરાઈનાં યુદ્ધો ઈ.સ. ૧૧૯૧-૯૨ (મહમૂદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ)
·         પ્રકાશન તારીખ26 Jul 2018
·        

ભારતના પશ્ચિમ પ્રાંત પર આરબોના હુમલા અને સોમનાથ પર મહમુદ ગઝનવીનાં આક્રમણોનો ઈતિહાસ આપણે ગત હપ્તાઓમાં જોયો. તે દરમિયાન ભલે તેઓ ભારતમાં સ્થાયી સત્તા સ્થાપવામાં નિષ્ફળ ગયો હોય, પરંતુ તેમના હુમલાઓ પછી ભારત પર સ્થાયી સત્તા સ્થાપવાની બારી તો જરૂર ખૂલી હતી. આ બારીને મોટું બારણું બનાવવાનું કૃત્ય મહમૂદ ઘોરીના આક્રમણ પછી પૂરું થયું હતું.

મહમૂદ ઘોરીનો હુમલો તે રીતે મહમુદ ગઝનવી કરતાં નિર્ણાયક હતો. પરંતુ આ બધું પણ રાતોરાત કે શૂન્યાવકાશમાં નહોતું થયું. મહમૂદ ઘોરી જેવો આક્રમણખોર પણ ઘડીના છઠ્ઠા ભાગમાં ભારત વિજય મેળવી શક્યો ન હતો. કારણ કે તેણે સબળ હરીફોનો સામનો કરવાનો હતો.
મહમૂદ ઘોરી જેવો આક્રમણખોર પણ ઘડીના છઠ્ઠા ભાગમાં ભારત વિજય મેળવી શક્યો ન હતો. કારણ કે તેણે સબળ હરીફોનો સામનો કરવાનો હતો.
આ સમયે ઉત્તર ભારતમાં અજમેરનું શક્તિશાળી રાજ્ય હતું. ત્યાં શાસન કરતા ચૌહાણોની પહેલી રાજધાની અહીચ્છત્રપુર હતી. પછી તેઓ રાજધાની બદલી અજમેરમાં સ્થાપિત થયા હતા. ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગ પણ આ રાજ્યની મુલાકાતે ગયો હતો. ચૌહાણો અગ્નિવંશી અને ચંદ્રવંશી કહેવાય છે. દંતકથાઓ મુજબ ચૌહાણોની ઉત્પત્તિ વશિષ્ઠના અગ્નિકુંડમાંથી થઈ હતી. અગ્નિવંશના અજમેરના રાજા પૃથ્વીરાજ ચૌહાણ હતા. સોમેશ્વરનો આ પુત્ર બાળવયે અજમેરનો રાજા બન્યો હતો.
બાળવયે તેના વતી રાજમાતા કર્પૂરીદેવી અને મંત્રી કદમ્બ શાસન કરતા હતા. રાજા બનતા પહેલાં ભાવિ રાજાને તૈયાર કરવા માટે અસ્ત્ર શસ્ત્રનું જે પ્રશિક્ષણ કુમારને આપવામાં આવે છે તે પૃથ્વીરાજને પણ આપવામાં આવ્યું હતું. યુવાવસ્થામાં તે એક પરાક્રમી અને કુશળ રાજા તરીકે તૈયાર થઇ ચૂક્યો હતો.
ચંદ બરદાઈ કૃત પૃથ્વીરાજ રાસો અને અન્ય સમકાલીન ગ્રંથોમાં પૃથ્વીરાજની પૂર્વાવસ્થા અને તેનાં પરાક્રમો અને સુશાસનની વિગતો પ્રાપ્ત થાય છે. બાળરાજા પૃથ્વીરાજે ઈ.સ.૧૧૮૨માં વાસ્તવિક રીતે સત્તાનાં સૂત્રો પોતાના હાથમાં લીધા હતા. પૃથ્વીરાજ વીર અને પરાક્રમી હતો. ૧૧મી અને ૧૨મી સદીમાં ઉત્તર ભારતમાં અસ્તિત્વ ધરાવતા મોટાભાગના રાજપૂત રાજાઓ પૃથ્વીરાજથી પરાસ્ત થયા હતા.
તે સમયે સત્તાની સાઠમારીનો જમાનો હતો અને યુદ્ધો કરી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવો તે શૌર્યનું પ્રતીક ગણાતું હતું. તે પૃથ્વીરાજે પણ કર્યું. માળવાના પરમારો, ગુજરાતના સોલંકીઓ કે ચાલુક્યો અને ઉદેપુરના ગુહીલો તથા દિલ્હીના ચૌહાનો સુધી તેનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું. વિશાળ સામ્રાજ્ય સ્થાપવા સાથે તેણે કુશળ અને ન્યાયપૂર્ણ શાસનવ્યવસ્થા પણ ગોઠવી હતી.

હિન્દુસ્થાનનું આવું રાજ્ય હોય તો તેને હરાવી મુસ્લિમ સત્તાની સ્થાપના કરવી એ હજારો માઈલ દુર બેઠેલા મહમૂદ ઘોરીનું સ્વપ્ન હતું. ઘોરીના હુમલા વખતે ઘોર પ્રદેશ અને અજમેર વચ્ચે ઘણા નાનાં-નાનાં રાજ્યો હતાં. તેમના કેટલાક પર ગઝનીનું આધિપત્ય હતું. સરહદી પ્રદેશોના પંજાબ પર ગઝનીનો સુબેદાર શાસન કરતો હતો અને તેની રાજધાની લાહોરમાં હતી. તેનું બીજું કેન્દ્ર મુલતાન હતું. મહમૂદ ઘોરીના શરૂના હુમલાઓ વખતે આ નાના પ્રાંતો ઘોરીનો સામનો ન કરી શક્યા અને ઘોરી સૈન્ય માટે ભારત પ્રવેશની બારી ખુલ્લી થઇ હતી.
મહમૂદ ઘોરી માટે પણ કહેવાય છે કે તેણે ભારત પર સત્તર વખત આક્રમણો કર્યાં હતાં અને સત્તર વખત પરાસ્ત થયો. પરંતુ તે હાર માને તેવો સુલતાન ન હતો. મહમૂદ ઘોરીનું આખું નામ મુઈઝુદ્દીન મુહમ્મદ બિન શાખ હતું. તે પોતાની પૂર્વેના હુમલાખોરોમાંથી ઘણા પદાર્થપાઠ શીખ્યો હતો. તેથી તેણે યોજનાબદ્ધ રીતે ભારત અભિયાન આદર્યું હતું. મહમૂદ ઘોરીએ ભારત આવવાના પ્રચલિત માર્ગ ખૈબર ઘાટના રસ્તે આવવાના બદલે સિંધુ પ્રદેશના મેદાનમાં આવેલા ગોમલનો માર્ગ પકડ્યો.
ઈ.સ. ૧૧૮૨ સુધીમાં સિંધના રાજાઓએ મહમૂદ ઘોરીનું આધિપત્ય સ્વીકારી લીધું હતું. અહીં એક બીજી વાત પણ નોંધપાત્ર છે કે ઘોરી પહેલાં હુમલાખોરોની જેમ યુદ્ધ કરી લૂંટફાટ કરી સ્વદેશ પાછા ફરવામાં માનતો ન હતો. તે ભારતમાં સ્થાયી સત્તા સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે લશ્કરી અભિયાન ગોઠવી રહ્યો હતો.
૧૧૮૫માં ઘોરી સેનાએ લાહોર કબજે કર્યું. હવે પછીના ક્રમમાં તે ગંગા નદીના મેદાની વિસ્તારોમાં આવેલા રાજપૂત રાજાઓને પોતાનું નિશાન બનાવવાનો હતો. તેના શરૂઆતના હુમલા વખતે તે આવી રહ્યો છે તેવી માહિતી પૃથ્વીરાજને પોતાના ચંદ્રરાજ નામના મુખબીર દ્વારા મળી હતી. પરિણામે રાજપૂત રાજાને સજ્જ થવાનો અને દુશ્મનને દબોચવાનો સમય મળી ગયો. મહમૂદ અજમેર સુધી આવે તે પહેલાં પૃથ્વીરાજ મુલતાન સુધી પહોંચી ગયો અને મહમૂદ ઘોરીને પકડ્યો.
પૃથ્વીરાજે ભારતીય યુદ્ધના સિદ્ધાંતો પ્રમાણે ઘોરીને મારવા અથવા તો પરત ફરવા ઓફર કરી. મહમૂદને તો યુદ્ધના સિદ્ધાંતો સાથે નહાવા નિચોવવાનોય સંબધ ન હતો.
પૃથ્વીરાજે ભારતીય યુદ્ધના સિદ્ધાંતો પ્રમાણે ઘોરીને મારવા અથવા તો પરત ફરવા ઓફર કરી. મહમૂદને તો યુદ્ધના સિદ્ધાંતો સાથે નહાવા નિચોવવાનોય સંબધ ન હતો. તેણે પૃથ્વીરાજ સાથે બનાવટ કરી. ઘોરીએ કહ્યું કે હું તો મારા ભાઈ સુલતાનનો સેનાપતિ માત્ર છું. તેની આજ્ઞા આવે ત્યાં સુધી તમે થોભી જાવ, યુદ્ધ બંધ કરો. મહમૂદના વચન પર વિશ્વાસ મૂકી પૃથ્વીરાજે તેને મુક્ત કર્યો. આમ પહેલી વાર મહમૂદ ઘોરી પૃથ્વીરાજની દયાને કારણે જીવતદાન પામ્યો. પરંતુ પૃથ્વીરાજને ક્યાં ખબર હતી કે તેની આ દિલાવરી ખુદ પૃથ્વીરાજ ઉપરાંત હિન્દુસ્તાનને કેટલી ભારે પડવાની છે? અને તે પછી તરતના સમયમાં સાર્થક થયું.
પૃથ્વીરાજની દયાને કારણે છૂટી દેશ પાછા ફરેલા મહમૂદ સાથે અનેક બાબતો અને ખાસ તો રાજપૂતો અને ભારતીય સૈન્યની યુદ્ધ કળા તેઓની ખાસિયતો અને મર્યાદાઓ જાણી ચૂક્યો હતો અને તેનો બખૂબી ઉપયોગ ઈ.સ.૧૧૯૧-૯૨ના તરાઈના યુદ્ધમાં કરવાનો હતો. તરાઈના સંઘર્ષની વાત આવતી કાલે.
arun.tribalhistory@gmail.com
તરાઈનું યુદ્ધ - 2
·         પ્રકાશન તારીખ27 Jul 2018
·        

મહમૂદ ઘોરીના પહેલા આક્રમણને તો પૃથ્વીરાજે પોતાના બાહુબળથી હઠાવી દીધું, પણ મહમૂદ સિંદરી બળે પણ વળ ન મૂકેતેવી ભાવનાથી હિન્દુસ્તાન પર કબજો કરવા માગતો હતો. ઘોરી વતન પાછો ગયો પણ આ પરાજયે તેની રાતોની નિદ્રા હરામ કરી નાખી હતી.
મહમૂદ ઘોરીના આક્રમણ વખતે રાજપૂત રાજાઓ આપસી મતભેદો ભૂલી ગયા અને પૃથ્વીરાજના નેતૃત્વમાં લડવા માટે તૈયાર થયા. પૃથ્વીરાજ પાસે યુદ્ધમાં હાહાકાર મચાવી શકે તેવા સેનાપતિઓ પણ હતા.
પહેલા યુદ્ધના પરાજયમાંથી પદાર્થપાઠ લઇ તે બીજા હુમલા માટે સજ્જ થઇ રહ્યો હતો. તે અભિયાન મહમૂદ ઘોરીએ ૧૧૯૧ના વર્ષે શરૂ કર્યું. આજના દિલ્હીથી ૧૫૦ કિલોમીટર દૂર હરિયાણાના કરનાલ જીલ્લાના થાનેશ્વરથી ૧૪ માઈલ દૂર સરહિન્દના કિલ્લા પાસે તરાઈ નામનું સ્થળ આવેલું હતું. તેને મહમૂદે પોતાના રણ સંગ્રામનું કેન્દ્ર બનાવ્યું હતું. ખરેખર તો મહમૂદે ચૌહાણ સામ્રાજ્યના ભટીંડાના કિલ્લા પર અધિકાર કરી પૃથ્વીરાજને યુદ્ધ માટે ઉશ્કેર્યો હતો. પૃથ્વીરાજ સેના સહિત તેનો મુકાબલો કરવા સામો ગયો. પરિણામે નાછૂટકે મહમૂદે તરાઈમાં રોકાઈ જવું પડ્યું અને તરાઈ રણમેદાન બન્યું હતું.
આ સમયે પૃથ્વીરાજની મદદે ઉત્તર ભારતના ઘણા રાજપૂત રાજાઓ પણ હતા. તેઓ મહમૂદના આક્રમણ વખતે આપસી મતભેદો ભૂલી ગયા અને પૃથ્વીરાજના નેતૃત્વમાં લડવા માટે તૈયાર થયા. પૃથ્વીરાજ પાસે યુદ્ધમાં હાહાકાર મચાવી શકે તેવા સેનાપતિઓ હતા. ઉદા. તરીકે તેનો એક સેનાપતિ લાખા રતનસી વિશાળ શરીર ધરાવતો યોદ્ધો હતો. તેના ભાલાનું વજન એક મણ જેટલું હતું અને કમરે તો દોઢ ગજ લાંબી તલવાર બાંધતો હતો. આ સૈનિકો અને વિશાળ સેના લઇ પૃથ્વીરાજ તરાઈ પહોંચ્યો. યુદ્ધના પહેલા જ દિવસે ચૌહાણ સેનાએ મહમૂદ ઘોરીની સેનાના ૭ હજાર ઘોડેસવાર સૈનિકોનો ખુરદો બોલાવી દીધો. પૃથ્વીરાજની સેનામાં ગજદળ પણ હતું. તેઓએ રચેલા ગજ ચક્રવ્યૂહમાં ઘોરીના લગભગ ૧૦ હજારથી વધુ સૈનિકો માર્યા ગયા હતા.
પૃથ્વીરાજની સેના ઘોરી લશ્કર પર સુનિયોજિત હુમલાઓ કરી રહી હતી. પણ સેંકડો કોસ દૂરથી એક ઝનુન સાથે આવેલો મહમૂદ પણ ગાંજ્યો જાય તેમ ન હતો. સુલતાન મહમૂદ ઘોરીએ હાથી પર બેસી લડી રહેલા દિલ્હીના રાજા ગોવિંદરાયના મોઢા પર ભાલો મારી તેના બે દાંત તોડી નાંખ્યા. આ સમયે પૃથ્વીરાજના સેનાપતિ ખૈતસિંહ ખેંગાર લશ્કરનું સુકાન સંભાળી રહ્યા હતા. પરંતુ ધાર્યું પરિણામ આવતું ન હતું.
આખરે પૃથ્વીરાજ ખુદ રણમેદાનમાં આવ્યો. પૃથ્વીરાજના આવતાં સાથે ચૌહાણ સેનામાં નવસંચાર થયો. રાજપૂત સૈનિકોએ ઘોરી સેનાના છક્કા છોડાવી દીધા. મહમૂદ ઘોરી પણ બહુ જ ખરાબ રીતે ઘાયલ થયો હતો. મહમૂદના હાથ પર તીર વાગ્યું અને તે લગભગ મૂર્છિત થઇ ગયો. આ જ વખતે તેનો એક વફાદાર સૈનિક ઘોડો લઈ પહોંચી ગયો અને પોતાના સુલતાનને રણમેદાનની બહાર લઈ ગયો. આ વખતે પૃથ્વીરાજ આવ્યો અવસર ચૂકી ગયો. થોડીક વ્યૂહરચના ગોઠવી હોત તો તરાઈનું યુદ્ધ મહમૂદ ઘોરીનું અંતિમ યુદ્ધ બન્યું હોત. દંતકથાઓ મુજબ તો મહમૂદ પરાજય પછી પૃથ્વીરાજની કેદમાં પુરાયો હોવાનું પણ કહેવાય છે. પણ વાસ્તવમાં એમ બન્યું ન હતું. રાજા ઘવાતા અને રણમેદાન છોડતો જોઈ લશ્કરનું પણ શું પૂછવું?
સેનાપતિઓ સહિત સૈનિકો પણ મહમૂદના રસ્તે નાઠા. સેનાપતિના અભાવમાં તુર્ક લશ્કર મુઠ્ઠીઓ વાળીને ભાગ્યું. પછી પરિસ્થિતિ પોતાની તરફેણમાં છે તેનો ખ્યાલ આવતાં ચૌહાણ સેનાએ ૮૦ માઈલ દૂર સુધી તુર્કોનો પીછો કર્યો. અને લગભગ વાયવ્ય સરહદ સુધી ખદેડી મૂક્યા. આ યુદ્ધ પછી પૃથ્વીરાજને અંદાજે ૭ કરોડ રૂપિયા જેટલી સંપત્તિ મળી, જે તેણે યુદ્ધમાં પોતાને વિજય અપાવનાર સૈનિકોમાં વહેંચી દીધી.
ઘાયલ મહમૂદ ઘોરીને પૂરો કરવાનો આવ્યો અવસર પૃથ્વીરાજ ચૂકી ગયો. થોડીક વ્યૂહરચના ગોઠવી હોત તો તરાઈનું યુદ્ધ મહમૂદ ઘોરીનું અંતિમ યુદ્ધ બન્યું હોત.
મોટા વિજય સાથે મહારાજ પૃથ્વીરાજ અજમેર પરત આવ્યા. તરાઈના પહેલા યુદ્ધ પછી તેની રજવાડી ઈજ્જતમાં ઘણો વધારો થયો હતો. આખા ભારતમાં તેની વીરતા અને સાહસની ચર્ચા થતી હતી. બીજી બાજુ પરાસ્ત થયેલા મહમૂદ ઘોરીની શી હાલત હતી તે જોઈએ. તેનું બચેલું લશ્કર મહા મુસીબતે સ્વદેશ પહોચ્યું, પણ હવે તેમણે પોતાના સુલતાનનો ખોફ પણ સહન કરવાનો હતો. તેણે પોતાના બધા સેનાપતિઓના મોઢા પર જવના થોબરા બાંધી આખા શહેરમાં ફેરવ્યા અને અપમાનિત સ્થિતિમાં મૂકી દીધા. તે પોતે પણ ઘણો સમય મહેલની બહાર ન નીકળ્યો. સારાં કપડાં પહેરવાનું બંધ કરી મહમૂદ માત્ર અંત:પુરમાં વિશ્રામ કરતો રહ્યો. તેની રાતોની ઊંઘ હરામ થઇ ગઈ હતી. અપમાનની આગમાં ધૂંધવાતો મહમૂદ વઘુ મોકાની અને તૈયારીની ફિરાકમાં હતો. વેરની આગ તેને લાંબો સમય રાહ ન જોવડાવી શકી. બીજે જ વર્ષે ૧૧૯૨માં તે વધુ તૈયારી સાથે ભારત પર ચડી આવ્યો અને તે મહમૂદ કે પૃથ્વીરાજ માટે જ નહિ, સમગ્રતયા ભારતના ઈતિહાસનું નિર્ણાયક યુદ્ધ બનવાનું હતું.
(
ક્રમશઃ)
arun.tribalhistory@gmail.com
તરાઈનું યુદ્ધ - 3
·         પ્રકાશન તારીખ28 Jul 2018
·          

તરાઈના પહેલા યુદ્ધ પછી આગળ આપણે જોયું તેમ મહમૂદ ઘોરી ઘણો જ ધૂંધવાયેલો હતો. પૃથ્વીરાજની દાઝ તેણે પોતાના સૈનિકો અને સેનાપતિઓ ઉપર કાઢી અને બીજા વિશાળ હુમલા માટે લશ્કરને સજ્જ કર્યું.
ઘોરીના બીજા હુમલાની સમાંતર એક બીજો પ્રસંગ પણ ભારતીય ઈતિહાસમાં રચાઈ રહ્યો હતો અને તે પૃથ્વીરાજ અને સંયુક્તાની પ્રેમકહાની અને સ્વયંવરની કથા.
ઘોરીના બીજા હુમલાની સમાંતર એક બીજો પ્રસંગ પણ ભારતીય ઈતિહાસમાં રચાઈ રહ્યો હતો અને તે પૃથ્વીરાજ અને સંયુક્તાની પ્રેમકહાની અને સ્વયંવરની કથા.
કનોજના રાજા જયચંદની પુત્રી સંયુક્તાનો સ્વયંવર હતો. દેશભરમાંથી રાજાઓ અને રાજકુમારો તેને વરવા માટે તત્પર હતા પણ સંયુક્તા તો પહેલેથી જ પોતાનું દિલ પૃથ્વીરાજને દઈ બેઠી હતી. પરંતુ કનોજ નરેશ જયચંદ પૃથ્વીરાજને પહેલેથી જ પોતાનો હરીફ અને શત્રુ માનતો હોવાથી તેને આ સબંધ મંજુર ન હતો. પૃથ્વીરાજને અપમાનિત કરવા માટે જ જયચંદે તેને સંયુકતાના સ્વયંવરમાં નિમંત્રણ આપ્યું ન હતું. વિશેષમાં પૃથ્વીરાજનું પૂતળું મહેલના દરવાજે મૂકી અપમાનની પરાકાષ્ઠા દેખાડી. હાથમાં વરમાળા લઈ નીકળેલી સંયુક્તા એ પૃથ્વીરાજના પૂતળાને વરમાળા પહેરાવી દીધી.
સ્વયંવરમાં ઉપસ્થિત સહુ કોઈ ચોંકી ગયા. એટલામાં જ પૂતળામાંજ છુપાયેલો સાચુકલો પૃથ્વીરાજ પ્રગટ થયો અને પોતાના પવનવેગી ઘોડા પર સ્વાર થઈ સંયુક્તાને હરી ગયો. સંયુકતાહરણ રાજા જયચંદ માટે અકળાવનારું અને અપમાનજનક નીવડ્યું અને તેનો બદલો જયચંદે મહમૂદને મદદ કરી લેવાનું નક્કી કર્યું.
એક તરફ ઘોરી દુઃખી હતો. બીજી તરફ જયચંદ. આમ બે સમદુઃખિયા ભેગા થયા અને ભારતના ઇતિહાસે કરવટ બદલી.

ઘોરીને મદદ કરી જયચંદ એમ માનતો હતો કે ઘોરી તો લૂંટફાટ કરી ચાલ્યો જશે અને પૃથ્વીરાજનું રાજ્ય પોતાને મળશે! ટૂંકમાં પ્રતિશોધ અને સ્વાર્થની ટૂંકી ભાવના સાથે જયચંદ ઘોરી જેવા વિધર્મી સુલતાનને સહાય કરવા તૈયાર થયો. તેણે ખાસ દૂત મોકલી પૃથ્વીરાજ સામેના યુદ્ધમાં ઘોરીને સૈનિક સહાયની ખાતરી આપી. જયચંદના વચન પછી ઘોરી પૃથ્વીરાજ સામે નવું યુદ્ધ કરવા માટે તૈયાર થઇ ગયો.
આ જ સમયે ઉત્તર ભારતનાં રાજપૂત રાજ્યો પણ સંયુક્તાહરણની ઘટના પછી પૃથ્વીરાજથી નારાજ હતા. તેઓ પૃથ્વીરાજના મંત્રી ચંદ બરદાઈનાં કહેણ અને મદદની દુહાઈ છતાં ઘોરી - પૃથ્વીરાજ વચ્ચેના યુદ્ધથી દૂર રહ્યા હતા.

વર્ષ ૧૧૯૨માં ઘોરી અને પૃથ્વીરાજ ફરી સામસામા આવ્યા. આ સમયે પૃથ્વીરાજ પાસે લગભગ ૩ લાખનું સૈન્ય હતું. જ્યારે ઘોરી પાસે અંદાજે ૧ લાખ ૨૦ હજાર. પૃથ્વીરાજ પાસે હાથીઓનું મોટું દળ હતું તો ઘોરી પાસે અશ્વદળ. બંને સેનાઓ સામસામે ઘણો સમય લડતી અને ઇન્તજાર કરતી રહી. રાજપૂત સેના મહાભારત કાળથી ચાલ્યા આવતા યુદ્ધના નિયમોને અનુસરતી હતી. ઘોરીને યુદ્ધના કોઈ નિયમો લાગુ પડતા ન હતા. તેણે સૈનિકોને તાપણાં સળગાવવા કહ્યું જેથી રાજપૂત સેનાને ત્યાં લશ્કરી પડાવ છે તેવું લાગે અને પૃથ્વીરાજની સેના તેને ઘેરો ઘાલે. તે પહેલાં પાછળથી હુમલો કરી દેવો. મહમૂદ ઘોરીની આ યોજના કારગત નીવડી. ઘોરીના ઘોડેસવારોએ આક્રમક રીતે પૃથ્વીરાજના હાથીઓને ઘેરી લીધા. તીરમારાથી ઘાયલ થયેલા હાથીઓએ પોતાના જ સૈનિકોને કચડવાનું શરૂ કર્યું.
છેલ્લા યુદ્ધમાં ઘોરીએ રાજપૂત સેનાપતિઓને પણ ખરીદી લીધા. પૃથ્વીરાજના ઘોડાને પણ ભટકાવી દેવામાં આવ્યો. ભયંકર અને આરપારના તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજના લગભગ ૧ લાખથી વધુ સૈનિકો માર્યા ગયા. પૃથ્વીરાજ ઘેરાઈ ગયો. તે મરણિયો બની ઘોડા પરથી કૂદી લડવા લાગ્યો, પણ પાછળથી યવન સૈનિકે તીર મારતાં તે પડી ગયો. ઘોરી સેનાએ પૃથ્વીરાજને પકડી લીધો. અપમાનિત થવા કરતાં મરવું સારું એમ માની તેણે ભૂખ્યા તરસ્યા રહી મોતને ભેટવાનું નક્કી કર્યું. તેણે પણ ઘોરીને એકવાર પોતાને છોડવા માટે કહ્યું, પણ ઘોરી પૃથ્વીરાજ ન હતો. આખરે તેને કિલ્લામાં મોકલી દેવામાં આવ્યો, જ્યાં તેનું મોત અગમ્ય સંજોગોમાં થયું હોવાનું કહેવાય છે.
પૃથ્વીરાજ પાસે લગભગ ૩ લાખનું સૈન્ય હતું. જ્યારે ઘોરી પાસે અંદાજે ૧ લાખ ૨૦ હજાર. પૃથ્વીરાજ પાસે હાથીઓનું મોટું દળ હતું તો ઘોરી પાસે અશ્વદળ.
અજમેર વિજય પછી ઘોરી સેના અત્યાચાર વર્તાવતી છેક કનોજ સુધી પહોંચી કનોજ પણ કબજે કર્યું. આટલા મોટા વિજય પછી તેણે ભારત પર રાજ્ય કરવા માટે કુત્બુદ્દીન ઐબક નામના સૂબાની નિમણૂક કરી અને તે પાછળથી એ જ ઐબક દિલ્હી સલ્તનતનો પહેલો સુલતાન પણ બન્યો હતો.
આમ પૃથ્વીરાજ ચૌહાણ જેવા પરાક્રમી રાજાના પરાજય સાથે ભારતમાં એક યુગનો અંત આવ્યો અને નવો યુગ શરૂ થયો, જે અગાઉના યુગ કરતા જુદો હતો.
પૃથ્વીરાજ ભલે રણમેદાનમાં ખપી ગયો, પોતાની પ્રેયસી અને રાણી સંયુક્તા સાથે સંસાર ભોગવી ન શક્યો. છતાં આજે પણ તે એક આદર્શ અને પ્રેરણાપુરુષ તરીકે ભારતીય જનમાનસમાં જીવંત છે.
arun.tribalhistory@gmail.com


ગુજરાતનો જય : સિદ્ધરાજ જયસિંહનાં યુદ્ધો (ઈ.સ. ૧૦૯૪-૧૧૪૨)


ગુજરાતનો જય : સિદ્ધરાજ જયસિંહનાં યુદ્ધો (ઈ.સ. ૧૦૯૪-૧૧૪૨)
·         પ્રકાશન તારીખ23 Jul 2018

ગત હપ્તામાં આપણે મહમુદ ગઝનવીના સોમનાથ પરના વંટોળ જેવા આક્રમણની વાત જોઈ. એના પછી તે જ પ્રદેશમાંથી મહમૂદ ઘોરી આવવાનો હતો. પણ કાલાનુક્રમિક રીતે એ જ ગાળામાં ગુજરાતની અસ્મિતા ઘડાઈ રહી હતી. આપણે સોમનાથ વખતે જ ગુજરાતમાં મુલરાજ સોલંકી દ્વારા કેવી રીતે ગુજરાતમાં સોલંકી સત્તાની સ્થાપના થઇ હતી તેનો ઈતિહાસ જોયો હતો. આ જ સોલંકી સામ્રાજ્યને ગરિમા અપાવનાર સિદ્ધરાજ સોલંકી સને ૧૦૯૪માં પાટણપતિ બન્યો. તેણે ધાર્મિક અને વ્યવહારુ બાબતોમાં જૈન આચાર્ય હેમચંદ્રનો સધિયારો મળ્યો હતો. પરિણામે આજે જેને આપણે ગુજરાત, ગુજરાતીપણું અને ગુજરાતની અસ્મિતા કહીએ છીએ તેની શરૂઆત થઇ હતી.
પ્રાચીન ભારત એ આધુનિક ભારત ન હતું. ત્યાં મત્સ્ય ન્યાય કાર્યરત હતો અર્થાત મોટી માછલી નાની માછલીને ગળી જાય તેમ. સિદ્ધરાજ જયસિંહ પણ રાતોરાત કે શૂન્યાવકાશમાં ગુજરાતનું મોટું સામ્રાજ્ય ઊભું કરી શક્યા ન હતા.
પ્રાચીન ભારત એ આધુનિક ભારત ન હતું. ત્યાં મત્સ્ય ન્યાય કાર્યરત હતો અર્થાત મોટી માછલી નાની માછલીને ગળી જાય તેમ. સિદ્ધરાજ જયસિંહ પણ રાતોરાત કે શૂન્યાવકાશમાં ગુજરાતનું મોટું સામ્રાજ્ય ઊભું કરી શક્યા ન હતા. તેનો શાસનકાળ ૧૦૯૪થી ૧૧૪૨ સુધી એટલેકે લગભગ ૪૮ વર્ષનો રહ્યો હતો. સિદ્ધરાજ સોલંકી પાટણના રાજા કર્ણદેવ અને રાજમાતા મીનળદેવીનો પુત્ર હતો. એનું જન્મસ્થાન પાલનપુર હતું. માતા-પિતા વચ્ચે સાંસારિક સંબંધોનો અભાવ કે બીજા કોઈ કારણોસર સિદ્ધરાજનો જન્મ માતા-પિતાની પાછળની અવસ્થામાં થયો હતો. મીનળદેવી કર્નાટકના રાજકુમારી હોવાનું સમકાલીન સ્રોતો જણાવે છે, તો કેટલાક સંશોધકો અને દંતકથાઓ તેઓ ઊંઝાના પાટીદારનાં દીકરી હોવાનો મત વ્યક્ત કરે છે. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સિદ્ધરાજ તેની સિદ્ધિઓને કારણે દંતકથાનું પાત્ર બન્યો છે.
એક અંદાજ પ્રમાણે ગુજરાતના બીજા કોઈ રાજા વિશે જેટલી દંતકથાઓ કે રહસ્યકથાઓ નહીં રચાઈ હોય તેટલી તેના વિશે રચાઈ છે. ગુજરાતને કીર્તિવંત બનાવનાર આ શાસક માત્ર ત્રણ વર્ષની વયે રાજગાદી પર આવ્યો હોવાનું કહેવાય છે. પ્રબંધ ચિંતામણી ગ્રંથ મુજબ ત્રણ વર્ષની બાળવયે સિદ્ધરાજ રમતાં રમતાં સિંહાસન પર ચડી ગયો અને ત્યાં ઉપસ્થિત જ્યોતિષીઓએ એ જ વખતે અભ્યુદય કરેએમ કહી સિદ્ધરાજનો રાજ્યાભિષેક કરવા કહ્યું. એ દિવસ પોષ વદ ત્રીજ શનિવાર અને વૃષભ લગ્ન અને શ્રવણ નક્ષત્રમાં વર્ષ ૧૦૯૪ નો દિવસ હતો. આ દંતકથાથી વિપરિત હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ ૧૬ વર્ષની વયે પાટણની ગાદી પર આવ્યો હોવાનું કહે છે. તેનાં શાસનના શરૂઆતના ગાળામાં તેના વાલી કે સરક્ષક તરીકે રાજમાતા મીનળદેવી વહીવટ ચલાવતાં હતાં. દરમિયાન સિદ્ધરાજને ઉત્તમ શાસક બનાવવાની પ્રકિયા ચાલુ થઇ હતી.
મલ્લવિદ્યા, ગજ યુદ્ધ અને શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ બનાવવામાં આવ્યો. સિદ્ધરાજના શાસક બનવા પાછળ રાજકીય કાવાદાવાઓની અનેક વાતો પણ પ્રચલિત છે. સત્તાનું સુકાન સિદ્ધરાજના હાથમાં આવ્યા પછી તેણે સમાજજીવનનાં તમામ ક્ષેત્રોમાં પ્રગતિશીલ કાર્યોની વણઝાર ઊભી કરી હતી. મોટાં ભવનો-મહેલો ઊભાં કરાયાં, સહસ્ત્રલિંગ સરોવરનું નિર્માણ કરાવ્યું, તો ગુજરાતની અસ્મિતાના પ્રતિક સમા રૂદ્રમહાલયનું બાંધકામ કરાવ્યું. સિદ્ધપુર નામ તેના નામ પરથી આવ્યું છે. એ જ રીતે સોમનાથ મહાદેવનાં દર્શન પર લેવાતો યાત્રાવેરો પણ માતા મીનળદેવીના કહેવાથી રદ કર્યો હતો. હિંદુ હોવા છતાં સિદ્ધરાજની છબિ ધર્મ નિરપેક્ષ રાજવી તરીકેની હતી. તેનું એક ઉદાહરણ ખંભાત બંદરનું પ્રાપ્ત થાય છે. ખંભાત બંદરે કેટલાક કોમવાદી તત્ત્વોએ મસ્જીદ તોડી પાડી અને સાંપ્રદાયિક માહોલ ખડો કર્યો હતો. તે સમયે સિદ્ધરાજે જાતે રસ લઈ કોમવાદી પરિબળોને ખદેડી મૂકી મસ્જીદનું પુનર્નિર્માણ કરાવ્યું હતું.
સોલંકીકાળમાં આજે આપણે જે ગુજરાતમાં રહીએ છીએ તે ભૌગોલિક સ્થિતિ ન હતી.
સત્તાનું સુકાન સિદ્ધરાજના હાથમાં આવ્યા પછી તેણે સમાજજીવનનાં તમામ ક્ષેત્રોમાં પ્રગતિશીલ કાર્યોની વણઝાર ઊભી કરી હતી. મોટાં ભવનો-મહેલો ઊભાં કરાયાં, સહસ્ત્રલિંગ સરોવરનું નિર્માણ કરાવ્યું, તો ગુજરાતની અસ્મિતાના પ્રતિક સમા રૂદ્રમહાલયનું બાંધકામ કરાવ્યું.
પાટણના અધિકારનું ગુજરાત આનર્તકહેવાતું. આજનું સૌરાષ્ટ્ર સોરઠકે સુરાષ્ટ્રઅને દક્ષિણ ગુજરાત લાટતરીકે ઓળખાતું હતું. સિદ્ધરાજના સમયમાં ગુજરાત આખું એક કેન્દ્રીય સત્તા હેઠળ આવ્યું. સોરઠ, લાટ પ્રદેશ ઉપરાંત માળવા જેવા આજના મધ્યપ્રદેશમાં આવેલાં રાજ્યો સુધી તેની આણ પ્રવતતી હતી. તે બધું સિદ્ધરાજનાં યુદ્ધો, તેની કુશળ વ્યૂહરચનાઓ અને વિશાળ સૈન્ય વગેરેના સથવારે સિદ્ધ થયું હતું. સોરઠ, લાટ અને માળવા એમ સતત મોટાં રાજ્યો સાથે યુદ્ધો કરી સમગ્ર પશ્રિમ ભારતમાં સોલંકીઓનો કુક્કટ ધ્વજ (સોલંકી રાજાઓના ધ્વજ પર કુકડાનું ચિહ્ન હતું તે પરથી તે કુક્કટ ધ્વજ કહેવતો) લહેરાવ્યો હતો. તેના આક્રમણનો પહેલો ભોગ સૌરાષ્ટ્રમાં આવેલું જુનાગઢ બન્યું હતું. ચંદ્રવંશી ચુડાસમાઓએ સિંધમાંથી સ્થળાંતર કરી જૂનાગઢમાં રાજ્ય સ્થાપ્યું હતું. જુનાગઢમાં તે સમયે ચુડાસમા રાજા રા ખેંગાર રાજ્ય કરતો હતો. ચુડાસમાઓની પહેલી રાજધાની વંથલી હતી પાછળથી રાજધાની જૂનાગઢમાં બની હતી.
રા ખેંગાર પહેલાં રા નવઘણ લગભગ ૪૨ વર્ષ સુધી જુનાગઢના રાજા તરીકે રહ્યો હતો. રા ખેંગાર પણ બહાદુર અને જાંબાઝ રાજા હતો. બંને વચ્ચે આશરે ૧૦૨૦ માં યુદ્ધ થયું. યુદ્ધ જેવી મોટી ઘટના હોય એટલે વગર કારણે તો બને નહીં, પણ સિદ્ધરાજ અને રા ખેંગાર વચ્ચેનાં કારણો ઘણાં હતાં અને તેમાનાં કેટલાંક તો બહુ જ રસપ્રદ પણ છે. તેની વાત હવે પછી.
arun.tribalhistory@gmail.com
સિદ્ધરાજ જયસિંહનાં યુદ્ધો - 2
·         પ્રકાશન તારીખ24 Jul 2018

જુનાગઢના ચુડાસમા રાજાઓએ વંથલીથી પોતાની રાજધાની ગિરિનગરની તળેટીમાં આવેલા જીર્ણદુર્ગમાં વસાવી હતી. કાળક્રમે જીર્ણદુર્ગનું સંસ્કૃત સ્વરૂપ જુનાગઢ પ્રચલિત થયું હતું. રાજધાનીમાં ફેરફાર થવાથી જુનાગઢ પાટણથી વધુ નજીક આવ્યું, અને ચુડાસમાઓ અને સોલંકીઓ વચ્ચે અવારનવાર સંઘર્ષ ચાલ્યા કરતો હતો. ત્યાંનો શાસક રા નવઘણ એક શક્તિશાળી રાજા હતો.
લાવ-લશ્કર સાથે રા ખેંગાર પાટણ પર ચડી ગયો. પાટણ પહોંચી નગરનો પૂર્વ તરફનો દરવાજો તોડી પડ્યો.
આખા સુરાષ્ટ્રમાં તેની આણ ફેલાઈ હતી. પરંતુ મૃત્યુ વખતે તેની ઘણી મનની મુરાદો પૂરી થઈ શકે તેમ ન હતી. તેમાંની એક મુરાદ પાટણનો કિલ્લો તોડવાની અને પાટણ ઉપર વિજય મેળવવાની હતી. પરંતુ મૃત્યુ સુધી તેની આ મહત્ત્વાકાંક્ષા ન સંતોષાતાં પિતાની મુરાદ પૂરી કરવાનું બીડું પુત્ર રા ખેંગારે ઉઠાવ્યું હતું. જોકે પાટણના અને સિદ્ધરાજ જેવા શક્તિશાળી રાજા સામે બાથ ભીડવી એ ખાવાનો ખેલ ન હતો. એટલે તેણે મોકા પરસ્તી અપનાવી. સતત ધીરજપૂર્વક પાટણ પર હુમલો કરવાની રાહ જોઈ. ઈ.સ.૧૧૩૫-૩૬ના વર્ષે સિદ્ધરાજ માળવા જીતવાના અભિયાન સાથે ઉજ્જૈનના પંથે હતો. આ બાબતની ખબર રા ખેંગારને તેના ગુપ્તચરો દ્વારા મળી. અને તેણે મોકો ઝડપી લીધો. લાવ-લશ્કર સાથે રા ખેંગાર પાટણ પર ચડી ગયો. પાટણ પહોંચી નગરનો પૂર્વ તરફનો દરવાજો તોડી પડ્યો. પાટણનો કિલ્લો પણ તોડી પડ્યો અને દુર્ગ તોડી પાડ્યો છે તેની સ્મૃતિ રૂપે કિલ્લાના કેટલાક પથ્થર જુનાગઢ લઈ આવ્યો અને તેમાંથી જુનાગઢમાં કાળવાનો દરવાજો ચણાવ્યો હતો.
આટલું ઓછું હોય તેમ સિદ્ધરાજ જયસિંહનું વેવિશાળ જે કન્યા સાથે નક્કી થયું હતું તે રાણક દેવીને જુનાગઢ ઉપાડી લાવ્યો અને તેની સાથે લગ્ન કર્યાં. આમ પિતાની સામ્રાજ્યવાદી મુરાદને સંતોષવાનો તત્કાલીન પુત્રધર્મ અને રાણકદેવી સાથે બળજબરીથી લઈ જવી આ બે બાબતો સિદ્ધરાજના સોરઠ સાથેના યુદ્ધના પાયામાં હતી.
સિદ્ધરાજ સોલંકીને પાટણ પરના રા ખેંગારના હુમલાની જાણ થતાં માળવા અભિયાન પછી તરત જ સોરઠ યુદ્ધ માટેની તૈયારી શરૂ કરી. પાટણ પરનો ખેંગારનો હુમલો એ સિદ્ધરાજનું નાક કાપી લેવા જેવી ઘટના તો હતી જ, સાથે ખેંગારે તેના હોઠ પણ ઘસીને કાપી લીધા હતા. આ પહેલા પણ ખેંગારે સિદ્ધરાજનું બબ્બે વાર અપમાન કર્યું હતું. હવે પાટણપતિ માટે પાણી માથાં સુધી આવી જવા જેવું હતું. મહત્ત્વાકાંક્ષી શાસકો માટે આટલાં પરિબળો પૂરતાં હોય છે. પાટણનો દુર્ગ તોડવો અને રાણક દેવીને ઉઠાવી જવી આવાં બે પ્રબળ કારણો સાથે જુનાગઢ પરના હુમલાની તેની તૈયારી પ્રચંડ હતી. રસ્તામાં વઢવાણ ખાતે કિલ્લો બાંધ્યો અને ત્યાંથી સમગ્ર સૈન્યના સંચાલનની જવાબદારી પણ ઉપાડી.
જુનાગઢ પહોચતાંની સાથે જ ત્યાંના ઉપરકોટને સિદ્ધરાજે વ્યૂહરચનાનું કેન્દ્ર બનાવ્યું. પ્રબંધો અને દંતકથાઓમાં સિદ્ધરાજે જુનાગઢને ૧૨ વર્ષ સુધી ઘેરો ઘાલ્યો હોવાનું કહે છે. છતાં પણ જુનાગઢ કબજે ના થયું. તે પછી યુદ્ધ અને પ્રેમમાં બધું જ જાયજ છે તે ન્યાયે રા ખેંગારના બે ભાણેજો નામે દેશલ અને વિશલને ફોડી નાખ્યા. બંને ભાણેજોએ મામાનાં તમામ રહસ્યો અને લશ્કરી વ્યૂહો ખુલ્લાં કરી દીધાં. પરિણામે સોલંકી સૈન્યનો માર્ગ આસાન થયો. ૧૨-૧૨ વર્ષ સુધી જુનાગઢ જીતવા તલસી રહેલું સિદ્ધરાજનું લશ્કર ગૌરવભેર ઉપરકોટમાં પ્રવેશ્યું. ઉપરકોટ પર તે પછી ઘમાસાણ સર્જાયું, પણ વેરની આગમાં તડપી રહેલા સિદ્ધરાજ સામે રા ખેંગારનું ઝાઝું ઊપજ્યું નહીં. ખેંગાર યુદ્ધમાં માર્યો ગયો. દંતકથા પ્રમાણે મારતાં પહેલાં સિદ્ધરાજે ખેંગારને મોઢામાં ઘાસનું તરણું લેવડાવ્યું હતું. પ્રાચીન કાળમાં દુશમનને પરાજિત કર્યા પછી અપમાનિત કરવાની આ પદ્ધતિ હતી. જે સિદ્ધરાજે પણ કર્યું.
સિદ્ધરાજ જયસિંહ માટે આટલું પર્યાપ્ત ન હતું. ખેંગાર પર પોતાના વિજય જેટલું જ અગત્યનું તેના માટે રાણકદેવીને ફરીથી મેળવવાનું પણ હતું. યુદ્ધવિજય પછી રાજમહેલમાંથી રાણકદેવીને પકડી પોતાની સાથે લઈ પાટણનો રસ્તો પકડ્યો. માર્ગમાં વઢવાણ પાસે ભોગાવો નદીના કાંઠે રાણકદેવી ખેંગાર પાછળ સતી થઈ. સતી થતાં પહેલાં તેણે ભગવાન શંકરને પ્રાર્થના કરી કે
"પ્રભુ રાખજે લાજ, મહારાજ પત્ત આજ મારી,
ઊઘડી ગયું પડ તરત ને પૃથ્વી ગઈ ફાટી,
રાણી પ્રવેશી પેટાળમાં મળી ગઈ માટીમાં માટી"
રાણકદેવીનાં સતી થવાથી સિદ્ધરાજનું જુનાગઢ અને સોરઠ જીતવાનું સ્વપ્ન તો સાકાર થયું, પરંતુ રાણકદેવીને પામવાનું અને તેની સાથે દામ્પત્ય જીવન વિતાવવાનું સ્વપ્ન અધૂરું જ રહી ગયું.
રાણકદેવીનાં સતી થવાથી સિદ્ધરાજનું જુનાગઢ અને સોરઠ જીતવાનું સ્વપ્ન તો સાકાર થયું, પરંતુ રાણકદેવીને પામવાનું અને તેની સાથે દામ્પત્ય જીવન વિતાવવાનું સ્વપ્ન અધૂરું જ રહી ગયું.
રાણકદેવીને પુન:પ્રાપ્ત કરવાની સિદ્ધરાજની મંશા ભલે ના સંતોષાઈ, પણ જુનાગઢ વિજય પછી જે પ્રાપ્ત થયું તે કમ ન હતું. સોરઠ વિજય પછી પહેલું કામ તેણે જુનાગઢને પોતાના સામ્રાજ્યમાં લાવી દીધું. સિદ્ધરાજ જાણતો હતો કે સૌરાષ્ટ્રની પ્રજા જુનાગઢના પરાજય અને રાણકદેવીને તેના ગઢમાંથી લઈ જવાવાળી વાત ભૂલવાની નથી. પણ તે પણ સોરઠવાસીઓને તેમનો પરાજય ભુલાવવા માગતો ન હતો. તે માટે માત્ર સોરઠ અમલી બને એ રીતે સિંહ સંવતશરુ કરાવ્યા હતા.
સોરઠની પ્રજાને અનૃણ કરાવવાનો સામ્રાજ્યવાદી સિદ્ધરાજનો આ પ્રયત્ન હતો. સોરઠ વિજય પછી તરત જ ભગવાન સોમનાથની યાત્રા કરી અને માતા મીનળદેવીનાં કહેણથી સોમનાથનો યાત્રાવેરો માફ કર્યો, જે તે જમાનામાં અંદાજે વાર્ષિક ૭૨ લાખ જેટલો હતો. છેલ્લે મહત્ત્વની વાત એ બની કે શાસકો પોતાના મહત્વના વિજયો પછી પદવીઓ અને ઉપાધિઓ ધારણ કરતા હતા. સોરઠ પરના વિજય પછી સિદ્ધરાજ સોલંકીએ ચક્રવર્તીનું બિરુદ ધારણ કર્યું હતું. અત્યાર સુધી જયસિંહ તરીકે ઓળખાતો તે હવે પછી સિદ્ધરાજ અને સિદ્ધરાજ જયસિંહ તરીકે ઓળખાવા લાગ્યો. સમગ્ર ગુજરાત તેની એકહથ્થુ સત્તા નીચે આવ્યું. હવે તેનું નિશાન માળવા બનવાનું હતું. તેની વાત હવે પછી.
arun.tribalhistory@gmail.com

સિદ્ધરાજનું માળવા સાથેનું યુદ્ધ (૧૧૩૫-૩૬)
·         પ્રકાશન તારીખ25 Jul 2018

જુનાગઢ સાથેના યુદ્ધમાં વિજય પછી મોટો વિસ્તાર સોલંકી સામ્રાજ્યમાં જોડાતાં સિદ્ધરાજનું રાજ્ય અને પ્રતિષ્ઠા બન્ને વધ્યાં હતાં. દરમિયાન જ સિદ્ધરાજને માળવા સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. આ યુદ્ધ ૧૧૩૫-૩૬ના વર્ષે થયું હતું, પણ માળવા સામે યુદ્ધનો સોલંકીઓ માટે આ પહેલો પ્રસંગ ન હતો. પાટણના સોલંકીઓ અને માળવાના પરમાર રજાઓ ઠેઠ ભીમદેવ ભીજાના સમયથી પરસ્પર અથડાતા રહ્યા હતા. તેની અનેક કથાઓ-દંતકથાઓ પણ પ્રચલિત છે. તેમાંની એક રસિક દંતકથા જોઈએ.
પાટણનો રાજા ભીમદેવ ખુબ જ ચમત્કારી પરાક્રમી પુરુષ હતો અને તેનો ગાઢ પ્રભાવ માળવાના રાજા અને ત્યાંની જનતા પર પડ્યો હતો. તેણે જોવા માટે ખુદ ધારાપતિ ભોજ પાટણ આવ્યો હતો, પણ તેના આવતાં સાથે ભીમ અલોપ થઇ ગયો. તે પછી તે સીધો પોતાના સૈનિકો સાથે માળવા પહોંચી ધારાનગરીને ઘેરી લે છે... વગેરે વર્ણનો પ્રબંધોમાં દર્શાવવામાં આવ્યાં છે. આમાં સાચું-ખોટું તો શું હતું તે નક્કી ના કરી શકાય, પણ ગુજરાતનાં પાટણ અને માળવા વચ્ચે સત્તાની સાઠમારી ખૂબ જૂની હતી. તેનો આ દંતકથાઓ પુરાવો આપે છે. તેનો વઘુ એક મુકામ ગુર્જર પતિ સિદ્ધરાજ બન્યો હતો. માળવા સાથેના સિદ્ધરાજના યુદ્ધનાં ઘણાં વિચિત્ર કારણો ઇતિહાસમાં આપવામાં આવ્યાં છે.
એક, સિદ્ધરાજના રાજ્યમાં યોગિનીઓએ સિદ્ધરાજને યશસ્વી બનવા માટે ઉજ્જૈન જઈ મહાકાલની પૂજા કરવાનું સૂચન કર્યું. સિદ્ધરાજે પણ તે સ્વીકાર્યું, પણ ઉજ્જૈન માળવાના તાબામાં હતું અને કાલિકાની પૂજા માટે ત્યાં જતાં પહેલાં માળવાને જીતવું જરૂરી હતું, અને સિદ્ધરાજે માળવા જીતવા કૂચ કરી હતી.
ગુજરાતનાં પાટણ અને માળવા વચ્ચે સત્તાની સાઠમારી ખૂબ જૂની હતી. અનેક દંતકથાઓ તેનો પુરાવો આપે છે.
માળવા વિજય માટે બીજું કરણ એ આપવામાં આવ્યું છે કે સિદ્ધરાજ જ્યારે જુનાગઢ અભિયાન પછી સોમનાથની જાત્રા પર હતો ત્યારે માલવપતિ યશોવર્મા ગુજરાત પર ચડી આવ્યો હતો. રાજા વગરના પાટણમાં તેણે આક્રમણ કરી હાહાકાર મચાવી દીધો. સિદ્ધરાજના મંત્રી શાંતનુએ રાજા વતી યશોવર્મા સાથે વાટાઘાટો ચલાવી. યશોવર્માએ સિદ્ધરાજની સોમનાથની યાત્રાનું પુણ્ય પોતાના નામે થાય તો જ પાછા વળવા જણાવ્યું. સામેના રાજાની માગણી આજે આપણને રેશનાલિઝમના જમાનામાં વાહિયાત લાગે, પરંતુ મંત્રી શાંતનુએ તે સ્વીકારી લીધી અને પ્રતીકાત્મક રીતે વિધિઓ અને ધાર્મિક અનુષ્ઠાનો કરાવી જયસિંહનું પુણ્ય યશોવર્માના ખાતામાં થાય તેવું કરાવ્યું.
આ વિધિ પત્યા પછી જ યશોવર્મા માળવા પરત ફર્યો. સોમનાથ યાત્રા પછી પાછા આવેલા સિદ્ધરાજે પ્રસ્તુત વાત જાણી ત્યારે તેણે ત્યાજ ધારાનગરનો દુર્ગ તોડવાની અને યશોવર્માની ચામડી ધારદાર તલવારથી ઊતરડી લેવાની પ્રતિજ્ઞા લીધી. તાબડતોબ સિદ્ધરાજે સેના તૈયાર કરી માળવાના માર્ગે નીકળી પડ્યો.
માળવાનો રસ્તો વાયા સિદ્ધપુર, ગોધરા અને દાહોદ થઈ પસાર થતો હતો. તે માળવા પહોંચે તે પહેલાં રસ્તામાં તેણે સ્થાનિક આદિજાતિના બાબરા કે બર્બરક નામના ભીલ સરદારનો સામનો કરવો પડ્યો. સિદ્ધરાજે બાબરાને પરાસ્ત કર્યો પણ તેની પત્નીની વિનંતી સાંભળી બાબરાને જીવતદાન આપ્યું. બાબરા પરના વિજય પછી સિદ્ધરાજ બર્બરક જિષ્ણુ કહેવાયો હતો. આ જ બાબરાએ પાછળથી સિદ્ધરાજને પોતાની ચમત્કારિક શક્તિઓથી અશક્ય વિજયો અપાવ્યાં હોવાનું પણ દંતકથાઓમાં કહેવામાં આવે છે.

બાબરા સાથેના નાના યુદ્ધ પછી સિદ્ધરાજ જેના માટે નીકળ્યો હતો તે માળવા પહોંચ્યો. માળવા જીતવું એટલું આસાન ન હતું. અહીં પણ જૂનાગઢની જેમ જ સિદ્ધરાજે ૧૨-૧૨ વર્ષ સુધી ઘેરો રાખવો પડ્યો હોવાનું કહેવાય છે. આખરે પોતાના હાથીને પુષ્કળ મદિરાપાન કરાવી મદમસ્ત કરી ધારાનગરીનો દક્ષિણ તરફનો વિશાળ દરવાજો તોડી પાડ્યો. સેના સહિત મહારાજ સિદ્ધરાજ ધારાનગરીમાં દાખલ થયા. યશોવર્માને મહેલમાંથી શોધી કાઢી જીવતો પકડી સિદ્ધરાજ સામે પેશ કરવામાં આવ્યો. તેને કાષ્ઠના પિંજરામાં પૂરી ગુજરાત લાવવામાં આવ્યો. માળવા પર પોતાનું આધિપત્ય સ્થાપવા મહાદેવ નામની વ્યક્તિને ત્યાં સુબા તરીકે નિયુક્ત કર્યો. હવે માળવા ગુજરાતનું ખંડિયું રાજ્ય બન્યું. સિદ્ધરાજની સિદ્ધિઓમાં વધુ એક છોગું ઉમેરાયું અને અવન્તીના વિજય પછી અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું.
હેમચંદ્રે ભારતભરમાંથી વ્યાકરણ ગ્રંથો મંગાવી સિદ્ધહેમ શબ્દાનુશાસનનામનો વ્યાકરણ ગ્રંથ તૈયાર કર્યો. સિદ્ધહેમ ગ્રંથમાં પહેલા બે અક્ષર સિદ્ધરાજ અને પછીના બે અક્ષર આચાર્ય હેમચંદ્રના છે.
માળવાના વિજય પછી સિદ્ધરાજની વૈયક્તિક પ્રતિભા તો નિખરી જ હતી, સાથે ગુજરાતમાં અનેક નવાં સાંસ્કૃતિક સીમાચિન્હો પણ રચાયાં હતાં. સૌપ્રથમ તો સિદ્ધરાજ માળવા વિજય પછી અઢળક દોલતની સાથે માળવાના ગ્રંથ ભંડારો પણ ગુજરાત ઉપાડી લાવ્યો હતો. પોતે સાહિત્ય અને સંશોધનનો સંરક્ષક તો હતો જ. તેણે માળવાનો ગ્રંથ ભંડાર આચાર્ય હેમચંદ્ર અને પાટણના વિદ્વાનો સમક્ષ રજુ કર્યો. હેમચંદ્રે તે પછી પણ ભારતભરમાંથી વ્યાકરણ ગ્રંથો મંગાવી સિદ્ધહેમ શબ્દાનુશાસનનામનો વ્યાકરણ ગ્રંથ તૈયાર કર્યો. સિદ્ધહેમ ગ્રંથમાં પહેલા બે અક્ષર સિદ્ધરાજ અને પછીના બે અક્ષર આચાર્ય હેમચંદ્રના છે. આ ગ્રંથ રચાયા પછી સિદ્ધરાજ જયસિંહે તેણે હાથીની અંબાડી પર મુકાવી પાટણમાં તેની શોભાયાત્રા કાઢી હતી. ગ્રંથના ગૌરવની ગુજરાતના ઈતિહાસની આ પહેલી ઘટના હતી.
સાહિત્ય પદાર્થના સેવનની સાથે તે પછી પણ સિદ્ધરાજની વિજય યાત્રાઓ ચાલુ જ રહી હતી અને સમગ્ર પશ્ચિમ ભારત પર ગુજરાતનો ધ્વજ લહેરાવ્યો હતો. પણ તે અપુત્ર હતો પુત્રેષણામાં તે ભટકતો રહેતો હતો. તેનાં સગાંઓ જેને પોતાના પછી પાટણનો રાજા બનાવવા માગતા હતા તે કુમારપાળ તો સિદ્ધરાજ ને દીઠો પણ ગમતો ન હતો. પણ આખરે સિદ્ધરાજની ઈચ્છા વિરુદ્ધ તેના મૃત્યુ પછી કુમારપાળ જ પાટણપતિ બન્યો હતો. તેણે પણ સિદ્ધરાજની સાંસ્કૃતિક પરંપરાઓને આગળ વધારી હતી. પરંતુ ગુજરાતની આ અસ્મિતા દૂર સુધી ના જઈ શકી. વર્ષ ૧૩૦૪માં ગુજરાતના સોલંકી-વાઘેલા વંશ અને ગુજરાતની અસ્મિતાનું દિલ્હીપતિ અલાઉદ્દીન ખિલજીના હસ્તે પતન થયું.
arun.tribalhistory@gmail.com



મહમુદ ગઝનવી અને સોમનાથનું યુદ્ધ (ઈ.સ. ૧૦૨૫-૨૬)



મહમુદ ગઝનવી અને સોમનાથનું યુદ્ધ (ઈ.સ. ૧૦૨૫-૨૬)

·         પ્રકાશન તારીખ20 Jul 2018







યુ. એસ. ગ્રાન્ટ નામના લેખકે ‘ઓન ધ આર્ટ ઓફ વૉર’ (યુદ્ધના કૌશલ્ય વિશે) નામનું પુસ્તક લખ્યું છે. તેમાં તે જણાવે છે કે ‘યુદ્ધકલા સાવ સરળ છે. પહેલાં તમારો શત્રુ ક્યાં છે તે ખોળી કાઢો. પછી બની શકે તેટલી ઝડપથી તેની પાસે પહોંચી જાવ અને પહેલો ઘ રાણાનો એ ન્યાયે તેના પર શક્ય તેટલા વાર કરો અને આગળ ધપતા રહો.’ આ થિયરીનું વ્યવહારુ પ્રતિબિંબ ક્યાંય જોવું હોય તો ગઝનીના સરદાર મહમુદ ગઝનવીએ ઈ.સ.૧૦૨૫-૨૬ના વર્ષે ગુજરાતની અસ્મિતાના પ્રતીક સમા સોમનાથ પર કરેલાં આક્રમણમાં પડઘાય છે.

સોમનાથ નગરનો પહેલો ઉલ્લેખ મહાભારતમાં મળે છે. તે સુરાષ્ટ્રનું દેવનગરકહેવાતું હતું.

સદીઓથી હિન્દુઓની આસ્થાનું પ્રતિક રહેલું સોમનાથ મંદિર સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે સ્થિત છે. ધાર્મિક ઉપરાંત વ્યાપારી રીતે પણ સોમનાથનો સમાવેશ ભારતના મોટાં બંદરોમાં થતો હતો. સમુદ્રી બંદર હોવાના નાતે દેશ-વિદેશના સૌદાગરોની અહીં ચહલ પહલ રહેતી હતી. બંદર હોવાથી સોમનાથ ‘પાટણ’ કહેવાતું હતું. સોમનાથ નગરનો પહેલો ઉલ્લેખ ‘મહાભારત’માં મળે છે. તે ‘સુરાષ્ટ્રનું દેવનગર’ કહેવાતું હતું. ધર્મરાજ યુધિષ્ઠિર પણ અહીં આવ્યા હોવાનું કહેવાય છે. કાલાન્તરે ત્રીજી સદીમાં તે સોમનાથ તરીકે જાણીતું થયું. શ્રીકૃષ્ણના દેહોત્સર્ગની ઘટના પણ સોમનાથ પાસે પ્રભાસમાં બની હતી.

૧૩મી સદીના એક વર્ણન મુજબ સોમનાથ ભારતના દરિયા કાંઠે વસેલું એક સમૃદ્ધ બંદર હતું. ત્યાં રહેલી આશ્ચર્યજનક વસ્તુઓમાં એક સોમનાથનું મંદિર હતું. આખું મંદિર શીશા જડેલા સાગનાં લાકડાંના બનેલા ૫૬ સ્તંભો પર ઊભું હતું. તેના પર રાન્ગા (પોલિશ) ચડાવેલું હતું. ભરતી વખતે દરિયો પણ તેના પગ પખાળતો હોય તેવું દૃશ્ય સર્જાતું હતું. દરિયામાં આવતી ભરતીને હિંદુઓ મૂર્તિની ઉપાસના સમજતા હતા. અહીંનું કોઈ શિવજીની મૂર્તિ હોવાનું તો કોઈ શિવલિંગ હોવાનું જણાવે છે. છતાં તે હિન્દુઓની આસ્થાનું સર્વોપરી સ્થાનક તો હતું જ. અહીંનું શિવલિંગ ગર્ભગૃહમાં વિના આધારે ઊભું હતું. મંદિરના ગર્ભગૃહમાં અંધારું ઘોર હતું, પણ શિવલિંગ પર લગાવેલા સોના અને રત્નો તથા હીરા-ઝવેરાતને કારણે ઘોર અંધકારમાં પણ ગર્ભગૃહ ઝળહળી ઊઠતું. હિંદુ શ્રદ્ધાળુઓને તેના પર અપાર આદર હતો. શિવલિંગને હવામાં તરતું જોઈ હિંદુ-મુસ્લિમ સમેત એને જોનાર સહુ કોઈ ચકિત થઇ જતા. મંદિરમાં સુવર્ણના થાંભલા અને ૨૦૦ મણ સોનાથી બનેલી સાંકળો હતી.

મંદિરના નિભાવ માટે રજવાડાઓ તરફથી ગામડાંઓ દાનમાં અપાયાં હતાં. મંદિરની દેખભાળ માટે ૧ હજાર બ્રાહ્મણો સેવારત રહેતા. જ્યારે રાતનો એક પહોર પૂરો થઇ બીજો પહોર શરૂ થતો ત્યારે પૂજા માટે બ્રાહ્મણો બીજા જૂથને જગાડવા માટે તેના ઘંટનો ઉપયોગ કરતા. તો ત્યાંના ચોગાનમાં ૫૦૦ કુમારિકાઓ નાચતી અને ગાતી રહેતી હતી. ચંદ્રગ્રહણ વખતે લાખો હિંદુઓ સોમનાથની યાત્રા કરતા. હિંદુ માન્યતા પ્રમાણે મનુષ્યના આત્માઓ શરીરથી પૃથક થઈ ત્યાં એકત્ર થાય છે અને આ મૂર્તિ પોતાની ઈચ્છા અનુસાર તેમને બીજા શરીરમાં પુન:જીવનના સિદ્ધાંતો પ્રમાણે દાખલ કરે છે.

આવા ધાર્મિક રીતે મહત્ત્વના સ્થાને લાખો હિંદુઓ દર વર્ષે આવતા ભાલ પંથકમાં આવેલા ભોળાદમાં સોમનાથનો નાકા વેરો ઉઘરાવવામાં આવતો. પ્રતિવર્ષ તેની આવક અંદાજે ૭૨ લાખ રૂપિયા હતી. જે સોલંકી કાળમાં સિદ્ધરાજ સોલંકીના માતા રાજમાતા મીનલદેવીએ નાબુદ કરાવ્યો હતો. ટૂંકમાં સોમનાથ પ્રાચીન કાળમાં આર્થિક, ધાર્મિક અને સંસ્કૃતિક રીતે ગુજરાતનું ધબકતું કેન્દ્ર હતું. અહીંના સુખ અને સમૃદ્ધિની વાતો ‘જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા’ જેવી ગીત પંક્તિઓની માફક ઊડતી ઊડતી મહમુદ ગઝનવી સુધી પહોંચી હતી.

સોમનાથનું શિવલિંગ ગર્ભગૃહમાં વિના આધારે ઊભું હતું. મંદિરના ગર્ભગૃહમાં અંધારું ઘોર હતું, પણ શિવલિંગ પર લગાવેલા સોના અને રત્નો તથા હીરા-ઝવેરાતને કારણે ઘોર અંધકારમાં પણ ગર્ભગૃહ ઝળહળી ઊઠતું.

સોમનાથની વાત કરી તો તેના પર આક્રમણ કરનાર મહમુદ ગઝનવીનો પણ પરિચય કરી લઈએ. મહમદ અફઘાનિસ્તાનના કાબુલ પાસે આવેલા ગઝનીનો સુલતાન હતો. તેના પિતા નાસીરુદીન સબકતગી (ઈ.સ. ૯૭૭-૯૯૭)એ ગાંધાર દેશના રાજવી જયપાલને હરાવી ત્યાં ઇસ્લામનો પ્રચાર કર્યો હતો. તેના મૃત્યુ બાદ મહમુદ ગઝનવી સત્તાસ્થાને આવ્યો. તેણે અબ્બાસી ખલીફા અલ કાદિર બિલ્લાહ તરફથી ઈ.સ. ૯૯૯માં યામીનઉદૌલા -અમીન-અલમિલ્લતની ઉપાધિ તથા સુલતાનની પદવી પ્રાપ્ત કરી હતી. સોમનાથ પર આક્રમણ કરતાં પહેલાં તેણે ભારતની સુખ -સમૃદ્ધિથી ખેંચાઈ અહીં ૧૭ વખત હુમલાઓ કર્યા હતા.

દરમિયાન તેણે ભારતના હિંદુ રાજાઓને નબળા પાડ્યા. પેશાવર, મુલતાન, નગરકોટ, કનોજ, મથુરા, કાલીન્જર અને ગ્વાલિયર જેવાં સ્થળો જીત્યાં અને લૂંટ્યાં. હિંદુ દેવમંદિરોનો નાશ કર્યો. ત્યાંથી મળેલી અઢળક સંપત્તિ અને બુલંદ વિજય ઉપહાર રૂપે ખલીફાનાં ચરણોમાં ચઢાવ્યાં અને આખા પ્રાંતમાં પોતાના ભવ્ય વિજયની કહાનીઓ સંભળાવી. આ વિજય યાત્રાઓ દરમિયાન જ સોમનાથ મંદિર અને અહીંના ધન ભંડારોની વાતો મહમદ સુધી આવી હતી. તેના મુખબીરોએ સોમનાથની પવિત્રતા અને અખૂટ ધન ભંડારો તથા જ્યાં સુધી સોમનાથ ન જીતાય ત્યાં સુધી બધા વિજયો નકામા હોવાનું કહ્યું અને પરિણામે સોમનાથ અભિયાનની વિચારણા શરૂ થઈ. તેની વાત હવે પછી.
arun.tribalhistory@gmail.com


આભાર - અરુણભાઈ વાઘેલા

વલભી અને આરબ યુદ્ધ (ઈ.સ.૭૮૮)



વલભી અને આરબ યુદ્ધ (ઈ.સ.૭૮૮)

·         પ્રકાશન તારીખ18 Jul 2018







ગુજરાતમાં લોથલ, ધોળાવીરા અને રંગપુર જેવાં સ્થળોએ સ્થિત અવશેષો આજે પણ ગુજરાતના ભવ્ય ઐતિહાસિક વારસાની ગાથા કહેતા અસ્તિત્વ ધરાવે છે. તે પછી ગુજરાત જુદા -જુદા સમયે ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક અને ક્ષત્રપ જેવી જેવી સત્તાઓની આણમાં રહ્યું. તે પછી ઈ.સ ૪૭૦માં એટલે કે પાંચમા સૈકામાં વલભી (આજનું વલભીપુર)માં સ્વતંત્ર મૈત્રક શાસનની સ્થાપના થઈ. તેઓએ લગભગ અડધા કરતાં વધુ ગુજરાત ઉપર અંદાજે ૩૦૦ વર્ષ સુધી રાજ્ય કર્યું. ગુજરાતમાં મૈત્રક સત્તાનો અંત આરબો સાથેના યુદ્ધ પછી ઈ.સ. ૭૮૮-૮૯માં આવ્યો. તે સમયે તેનો છેલ્લો વંશજ શિલાદિત્ય સાતમો હતો.

ગુજરાતમાં મૈત્રક સત્તાનો અંત આરબો સાથેના યુદ્ધ પછી ઈ.સ. ૭૮૮-૮૯માં આવ્યો. તે સમયે તેનો છેલ્લો વંશજ શિલાદિત્ય સાતમો હતો.

આરબોએ ઇસ્લામ સ્વીકાર્યો તે પહેલાં સૈકાઓથી ભારત અને આરબ જગત વચ્ચે દરિયાઈ માર્ગે ગાઢ વ્યાપારી સંબધો ચાલતા હતા. તે સમયે આજનો અરબ સાગર સિંધુ સાગર કહેવાતો હતો. પણ તે પછી આરબોના વ્યાપારી આધિપત્યને કારણે સિંધુસાગર અરબી સમુદ્ર તરીકે પ્રસિદ્ધ થયો. આરબ જગતમાં બીજા ખલીફા ઉમર ફારુખની ખિલાફતના સમયમાં મુસ્લિમ શાસકોનું ધ્યાન પશ્ચિમ એટલે કે ભારત તરફ ખેંચાયું. ત્યાંના સુબાએ વિશાળ નૌકા કાફલા સાથે ગુજરાત પર આક્રમણ કર્યું, પણ આ હુમલા વખતે તેમને વિશેષ કશું હાથ લાગ્યું ન હતું. એના ચાર દાયકા પછી ઘોઘા બંદર પર આક્રમણ કર્યું. ઈ.સ.૬૭૭માં સિપાહીસલાર ઈસ્માઈલે ઘોઘાના હિંદુ રાજા પર હુમલો કર્યો, પણ તેમાં તેણે ઘણી જાનહાનિ વેઠવી પડી. ખુદ સિપાહીસલાર પણ માર્યો ગયો. તે પછી પણ આરબોએ સૌરાષ્ટ્ર પર નાના-મોટા હુમલાઓ ચાલુ રાખ્યા હતા, પણ તે વખતે સ્થાનિક સૈન્યની વીરતા કરતાં વધુ કુદરત તેમની વહારે આવી હતી. કારણ કે સૌરાષ્ટ્રમાં તે સમયે ફાટી નીકળેલા રોગચાળાએ આક્રમણકારીઓને કમને સ્વદેશ રવાના કર્યા હતા. હવે તેમનું નિશાન મૈત્રક શાસકોની રાજધાની અને સમૃદ્ધ નગર વલભી બનવાનું હતું.


લગભગ ૩૦૦ કરતાં વધુ વર્ષો સુધી મૈત્રકોની રાજધાની રહેલું વલભી એક સમૃદ્ધ નગર હતું. આર્ય મંજુશ્રીમૂલકલ્પ જેવા સમકાલીન ગ્રંથો મુજબ તે સમયે વલભીનો વ્યાપાર વિદેશો સાથે પણ ચાલતો હતો. સમુદ્રી વ્યાપારનું રક્ષણ કરવા માટે વલભીમાં વ્યવસ્થિત નૌકા સૈન્ય પણ હતું. ‘દશકુમારચરિત’ નાટકમાં વલભીના કરોડપતિ કાકુ શેઠની સાત માળની હવેલી અને તેમના દેશાવર સાથેના ધમધમતા વેપારના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તેના શાસકોના કનોજના રાજા હર્ષવર્ધન સુધી મૈત્રી અને સગાઇ સંબધો હતા. વલભીનો મૈત્રક રાજા ધ્રુવસેન મહાન સમ્રાટ હર્ષવર્ધનનો જમાઈ થતો હતો. વલભીનો ઉદય થયો હતો. એક સારા બંદર, વ્યાપાર ધંધાના મથક ઉપરાંત વલભી ત્યાંની વિદ્યાપીઠને કારણે પણ ભારતભરમાં જાણીતું હતું. દેશ-વિદેશના વ્યાપારીઓ અને વિદ્વાનોની ચહલપહલ વલભીમાં થતી રહેતી હતી. ચીની મુસાફર હ્યું-એન-ત્સાંગ પણ વલભીમાં ઘણો સમય રોકાયો હતો. તેણે પોતાના ‘સી-યુ-કી’ (પશ્ચિમ દિશાનો અહેવાલ) પુસ્તકમાં વલભીનો ઉલ્લેખ ફ-લ-પી તરીકે કર્યો છે. હ્યું-એન-ત્સાંગ લખે છે કે આ રાજ્યનો વ્યાપ ૧૨૦૦ માઈલ તથા નગરનો પરિઘ લગભગ ૬ માઈલ જેટલો હતો. તે ઉર્વર અને સંપન્ન પ્રદેશ છે. અહીંના બૌદ્ધ ધર્મના ૧૦૦ જેટલા મઠમાં ૬૦૦૦ હજાર કરતાં વધુ બૌદ્ધ સાધુઓ નિવાસ કરતા હતા. વલભી બહુ મોટું બૌદ્ધ કેન્દ્ર હતું. વલભી બૌદ્ધ ધર્મના હીનયાન મઠનું મોટું કેન્દ્ર હતું. ભારતભરમાંથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવતા હતા. હ્યું-એન-ત્સાંગના વલભી આવવા પાછળ આ જ નિમિત્ત હતું. વલભીની તુલના નાલંદા વિદ્યાપીઠ સાથે થતી. હ્યું-એન ત્સાંગ તો લખે છે કે વલભીમાં વસ્તી ઘણી ગીચ છે, રહેઠાણો ઘણાં સમૃદ્ધ છે. અહીં કરોડપતિઓનાં ૧૦૦ કરતાં વધુ ઘર છે. દૂરના પ્રદેશોમાં થતી વિરલ અને કીમતી ચીજો અહીં વિપુલ માત્રામાં જોવા મળે છે.

વલભી બહુ મોટું બૌદ્ધ કેન્દ્ર હતું. વલભી બૌદ્ધ ધર્મના હીનયાન મઠનું મોટું કેન્દ્ર હતું. ભારતભરમાંથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવતા હતા.

દેશી-વિદેશી પ્રમાણો મુજબ પ્રાચીન વલભી ઘણું સમૃદ્ધ નગર હતું. એટલે સ્વભાવિકપણે વિદેશી આક્રમણકારીઓની નજરમાંથી આવું નગર છટકી ન જ શકે અને થયું પણ તેવું જ. જોકે તેનું કારણ ઘણું જ વિચિત્ર છતાં રસિક છે. આગળ આપણે જે વલભીના કરોડપતિ શેઠ કાકુ શેઠની વાત કરી તેમની એક દીકરી પોતાની હવેલીમાં હીરા જડેલી સોનાની કાંસકીથી માથું ઓળી રહી હતી. આ દૃશ્ય ત્યાંથી હાથીની અંબાડી પર પસાર થતી શિલાદિત્ય સાતમાની પુત્રીએ જોયું. એને કાંસકી ઘણી ગમી ગઈ. એણે પોતાના પિતા પાસે ગામે તે ભોગે આ જ કાંસકી અપાવવાની જીદ પકડી. આ માત્ર રાજહઠ ન હતી, તેમાં બાળહઠ અને સ્ત્રીહઠનું સંયોજન પણ થયું હતું. રાજા શિલાદિત્યે પુત્રીની હઠ સામે ઝૂકી સૈનિકોને કાકુ શેઠની પુત્રીની કાંસકી લઈ આવવા હુકમ કર્યો. ચિઠ્ઠીના ચાકર સૈનિકોએ તાત્કાલિક ધોરણે તેનો અમલ કરી કાંસકી લાવી રાજકુમારીને પેશ કરી. અહીં રાજકુમારી ખુશખુશાલ થઈ ગઈ, પણ કાકુ શેઠની દીકરી એટલી જ દુઃખી થઈ ગઈ. સાથે કાકુ શેઠની નારાજગીનો પણ પાર ન રહ્યો. તેઓ પોતાના તરફ થયેલા આ અન્યાયનો બદલો લેવા માટે તડપી રહ્યા હતા, પણ વ્યાપારી વણજ કરી પણ શું શકે? આખરે મંથનના અંતે તેણે વલભીના રાજાને પાઠ ભણાવવા મલેચ્છો એટલે કે આરબોને વલભી પર હુમલો કરવા માટે બોલાવી લાવવાનું નકકી કર્યું અને પેટનો બળ્યો ગામ બાળે તેવી ભાવના સાથે પોતે નીકળી ગયા અરબસ્તાનમાં. આ આખોય પ્રસંગ ‘ભટ્ટીકાવ્ય’ નામના સમકાલીન ગ્રંથમાં નિરૂપવામાં આવ્યો છે.

વલભી અને આરબોનું યુદ્ધ (ભાગ-૨)






વલભી અને આરબો વચ્ચેનું યુદ્ધ એક વિચિત્ર અને હૈયાવરાળ સમા કારણથી થયું હોવાનું

આપણે ગત હપ્તામાં જોયું. પોતાના રાજા શિલાદિત્ય સાતમાના વર્તનથી વ્યથિત થયેલો કાકુ શેઠ અરબસ્તાનના રસ્તે નીકળી પડ્યો, જે તે સમયે મલેચ્છ મંડલ તરીકે ઓળખાતું હતું. આ સમયે રાજાના ગેરવહીવટ અને અત્યાચારી વર્તનનો ભોગ બનવાવાળો કાકુ શેઠ એકલો ન હતો. શિલાદિત્ય સાતમાના કુશાસનની માહિતી સમકાલીન સાહિત્યમાંથી સાંપડે છે.

તે પોતાના પિતા શિલાદિત્ય છઠ્ઠાનો ઉત્તરાધિકારી અને વલભીનો ૧૯મો રાજા હતો. એ ઈ.સ. ૭૬૦માં વલભીપતિ બન્યો હતો. ભાટ-ચારણોએ પ્રશસ્તિઓમાં તેનાં પરાક્રમ, વૈભવ, કીર્તિ, જ્ઞાન ગુણ, પરમાર્થ વગેરેની મોંફાટ પ્રશંસા કરી છે, પણ વાસ્તવિક સ્થિતિ તે વૃતાંતો કરતાં કૈંક જુદી જ હતી.

ઘર કો હી જલાયા ઘર કે ચિરાગ નેકહેવત અનુસાર કાકુ શેઠ મોં માગ્યા પૈસા આપી વલભીને ખતમ કરાવવા માગતો હતો.

ઘર કો હી જલાયા ઘર કે ચિરાગ ને’ કહેવત અનુસાર કાકુ શેઠ મોં માગ્યા પૈસા આપી વલભીને ખતમ કરાવવા માગતો હતો. કાકુ શેઠ વલભી અને સમકાલીન ભારતના રાજકીય પ્રવાહોથી પરિચિત હતો. તે જાણતો હતો કે અગાઉ પણ સૌરાષ્ટ્ર પર આરબો નિષ્ફળ હુમલા કરી ચૂક્યા છે. ઉદાહરણ તરીકે ઈ.સ. ૭૬૬માં આરબ ખલીફા અલ મહદીના સમયમાં અબ્દુલ માલિકે વલભી પર દરિયાઈ હુમલો કર્યો હતો. શરૂમાં આરબોએ વલભી કબજે પણ કરી લીધું હતું, પણ તરત જ ત્યાં રોગચાળો ફાટી નીકળતાં ઘણા ખરા આરબ સૈનિકો મોતને ભેટ્યા હતા અને બાકીનાઓએ સ્વદેશ ભાગવું પડ્યું હતું.

આમ પહેલીવાર શિલાદિત્ય સાતમાની વીરતા નહીં, પણ કુદરત વલભીની વહારે આવી હતી. આવા સંજોગો ન સર્જાય તે માટે ખુદ કાકુ શેઠ અરબસ્તાન જઈ આરબ રાજા સલીમ યુનીસી (ઈ.સ.૭૮૬-૯૦)ને મળ્યો. એને તો ભાવતું હતું અને વૈદે કીધા જેવું થયું. વલભી પર હુમલો કરવા માટે તે પોતે આવ્યો હતો કે તેના સેનાપતિઓ આવ્યા હતા તેનાં પર્યાપ્ત પ્રમાણો ઉપલબ્ધ નથી, પણ વલભી પર ભયંકર આક્રમણ થયું. પરંતુ ધર્મ સંસ્થાઓની અગમચેતી કે ગમે તે સગડ ગણો, આરબોના હુમલાની ખબર પડતાં જ સ્થાનિક જૈન અને અન્ય મૂર્તિઓ વિધર્મીઓના હાથે ખંડિત કે અપમાનિત થાય તે પહેલાં આસો સુદ પૂનમના દિવસે વલભીમાંથી ચંદ્રપ્રભ, વીર વગેરેની પ્રતિમાઓ દેવપત્તન, અમદાવાદ અને શ્રીમાલ જેવાં દૂરનાં સ્થળોએ રવાના કરી દેવાઈ અને ભગવાનો સુરક્ષિત થઇ ગયા.

આરબો શારીરિક અને લશ્કરી સાધનો તથા વ્યૂહરચનાની દૃષ્ટિએ તત્કાલીન ભારત કરતાં ઘણા આધુનિક હતા. પરિણામ સ્પષ્ટ હતું. ગણતરીના દિવસોમાં વલભીનો અંત આવ્યો. શિલાદિત્યનાં પરાક્રમ અને વીરતાની પ્રચલિત વાતો કોઈ કામ ના આવી. વલભીના સેંકડો સૈનિકો અને સામાન્ય નાગરિકોની સાથે ખુદ શિલાદિત્ય સાતમો પણ માર્યો ગયો. વલભીના પતનની તારીખ ૫ ઓક્ટોબર ૭૮૮થી ૧૧ નવેમ્બર ૭૮૮ વચ્ચે હોવાનું ઈતિહાસકારો અને ખાસ તો મૈત્રકકાલીન ગુજરાત ભાગ ૧-૨ નામનું ગુણવત્તાસભર પુસ્તક લખનાર ડોક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી જણાવે છે. શિલાદિત્ય સાતમો યુદ્ધમાં માર્યો ગયો છતાં તેના દરબારી લેખકો આ ઘટનાને જુદી રીતે મૂલવતા હતા. તેઓ કહેતા હતા કે રાજા શિલાદિત્ય પાસે દૈવી અને આકાશમાં ઊડી શકે તેવો અશ્વ હતો.

શત્રુઓની યુક્તિના કારણે યુદ્ધ પૂર્વે આ દૈવી અશ્વ આકાશમાં ઊડી ગયો અને રાજા યુદ્ધ મેદાનમાં માર્યો ગયો. ખરેખર સાચું કરણ તો એ હતું કે વલભીના રાજા પાસે તે સમયે સ્થાયી સેના જેવું કશું ન હતું. તેનું લશ્કર ભાડુતી સૈનિકોથી બનેલું હતું. આવા ઉછીના સૈનિકો સાથે આરબો સામે જીતવું અશક્ય જ હતું. અને થયું પણ તેમ જ.

વલભીના રાજા પાસે તે સમયે સ્થાયી સેના જેવું કશું ન હતું. તેનું લશ્કર ભાડુતી સૈનિકોથી બનેલું હતું. આવા ઉછીના સૈનિકો સાથે આરબો સામે જીતવું અશક્ય જ હતું. અને થયું પણ તેમ જ.

વલભી અને આરબો વચ્ચેના આવા મહત્વપૂર્ણ યુદ્ધ વિશે બારીક વિગતો મળતી નથી, પણ યુદ્ધ પછી ગુજરાતમાં આવેલા બદલાવો ઘણા અગત્યના બને છે. એક તો વલભીની સફળતા પછી પશ્ચિમી છેડેથી ભારત પર આરબોના હુમલાઓમાં ગતિ આવી હતી. અનેક આક્રમણકારીઓ હવે ગુજરાતને તેમના હુમલાનું નિશાન બનાવી રહ્યા હતા. તાત્કાલિક ધોરણે તો હુમલાખોરો ખાસ ઉકાળી શક્યા ન હતા, પણ ભારત પર ઇસ્લામિક સત્તાના સગડ આપણે તપાસવા હોય તો વાયા વલભી થઇ જવું પડે.

બે, આરબોના હુમલા પછી વલભી લગભગ કાળની ગર્તામાં ધકેલાઈ ગયું. આખું નગર સુમસામ અને વેરાન બની રહી ગયું. એક સમયનું આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નગર વલભીના અવશેષરૂપે માત્ર નાનકડું ગામ બની રહી ગયું. વલભીનું સ્થાન ગુજરાતનાં બીજાં નગરો લેવા લાગ્યાં.

ત્રણ, આરબો સાથેના યુદ્ધ પછી કેટલાક સાંસ્કૃતિક સંદર્ભો પણ સર્જાયા હતા. ઉદાહરણ તરીકે વલભીના વિજય પછી આરબ વિદ્વાન મન્સુર આપણા પ્રાચીન આચાર્ય બ્રહ્મગુપ્તનાં બે પુસ્તકો લઈ ગયા ગયા હતા. આ બંને પુસ્તકોનો તેમણે અરબી ભાષામાં અનુવાદ કર્યો હતો. આમ વલભી યુદ્ધ પછી ભારત અને આરબ જગત વચ્ચે જ્ઞાનાર્જન અને જ્ઞાનવિમર્શની તકો સર્જાઈ સર્જાઈ હતી. ટૂંકમાં રાજકીય, પ્રાદેશિક અને ધાર્મિક શત્રુતા જ્ઞાન વિમર્શમાં બાધા બની ન હતી.

આમ વલભી અને આરબો વચ્ચેના યુદ્ધના અંત સાથે કેટલીક બાબતોનો અંત આવ્યો તો ઘણી નવી બાબતોની શરૂઆત થઇ ચૂકી હતી. તેનું એક પ્રમાણ ઈ.સ. ૧૦૨૫-૨૬નું મુહમદ ગઝનવીનું સોમનાથ પરનું આક્રમણ હતું. તેની વાત હવે પછી.
arun.tribalhistory@gmail.com

આભાર - અરુણભાઈ વાઘેલા