# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday 8 September 2017

એબી ધોધ 

એબી ધોધ 

       આપણા દેશમાં કર્ણાટક રાજ્યમાં એટલા બધા ધોધ આવેલા છે કે આપણને એ જાણીને નવાઈ લાગે. એબી ધોધ પણ એમાંનો એક છે. એ બહુ જાણીતો ન હોવા છતાં જોવાલાયક તો છે જ. આ ધોધ કર્ણાટક રાજ્યના કૂર્ગ (કોડાગુ) જીલ્લાના મુખ્ય મથક મેડિકેરી શહેરથી માત્ર ૧૦ કી.મી. દૂર પશ્ચિમઘાટમાં આવેલો છે. અહીંની સ્થાનિક ભાષામાં એબી(Abbey, Abbi)નો અર્થ જ થાય છે ‘જળધોધ’.

       અહીં આજુબાજુનાં જંગલોમાં વહેતાં ઝરણાં ભેગાં થઇ, એક નાની નદી સર્જે છે. આ નદી એક મોટા ખડક પરથી અત્યંત ઝડપે ધોધ રૂપે નીચે પડે છે. ધોધની ઉંચાઇ ૨૧ મીટર(૭૦ ફૂટ) છે. વરસાદી ઋતુમાં ધોધમાં પુષ્કળ પાણી હોય છે. ધોધના પડવાની ગર્જના દૂર રોડ પર પણ સંભળાતી હોય છે. ધોધનું પડતું પાણી ફોરાં રૂપે ઉડીને સખત ધુમ્મસભર્યું વાતાવરણ સર્જે છે. આ દ્રશ્ય ખૂબ જ સરસ લાગે છે.

       ધોધ પડ્યા પછી વહેતી નદીના કિનારે વાડ બનાવેલી છે. ત્યાં આગળ ઉભા રહીને ધોધ જોઈ શકાય છે. આ ઉપરાંત, એ વહેતી નદી પર ઝૂલતો પૂલ બનાવેલો છે. આ પૂલ પરથી, ધોધ બિલકુલ સામેથી જોવા મળે છે. સામેથી દેખાતા ધોધનું આ દ્રશ્ય ખૂબ જ મનોહર લાગે છે. અહીંથી ધોધને ક્યાંય સુધી ધરાઈને જોયા કરવાની મજા આવી જાય. ધોધ પડ્યા પછી, નદીનું વહેણ આગળ જઈને કાવેરી નદીને મળે છે.

       ધોધના પાણીમાં ઉતરીને નાહી શકાય એવું નથી. તથા પછી વહેતી નદીમાં પણ ઉતરાય એવું નથી. ખૂબ જ જોખમી છે.

       બ્રિટીશ લોકો આ ધોધને જેસી ધોધ તરીકે પણ ઓળખે છે. મેડિકેરી શહેરના પ્રથમ કેપ્ટનની દિકરી જેસીના નામ પરથી, આ ધોધ જેસી ધોધ તરીકે ઓળખાય છે.

       મેડિકેરીથી આ ધોધ સુધીનો રસ્તો સાંકડો, વાંકોચૂકો અને ચડાવઉતાર વાળો છે પણ ગાડી છેક ધોધ સુધી જઈ શકે એવો છે. રસ્તાની આજુબાજુનો કુદરતી નઝારો પ્રવાસીઓને આકર્ષે એવો છે. આ રસ્તો ખાનગી માલિકીના કોફી તથા તેજાનાના બગીચાઓમાં થઈને પસાર થાય છે. એટલે આજુબાજુ ઈલાઈચી, લવિંગ, મરી, તજ, સોપારી વગેરેનાં ઝાડ જોવા મળે છે. ધોધ નજીક પહોંચ્યા પછી ગાડી પાર્ક કરીને આશરે ૫૦૦ મીટર નીચે ઉતરો એટલે ધોધનાં દર્શન થાય. ઉતરવા માટે પગથિયાં બનાવેલાં છે.

       આ ધોધ ટુરિસ્ટોનું માનીતું એક સરસ પીકનીક સ્થળ છે. અહીં મિત્રો અને સ્નેહીઓ સાથે પીકનીક મનાવવાનો બહુ જ આનંદ આવે. એમાં ય ચોમાસામાં પાણી પુષ્કળ હોય ત્યારે તો અહીંની મજા કોઈ ઓર જ છે. આ ધોધ જોવા ચોમાસામાં કે ચોમાસા પછી તરત જ (જુલાઈથી ડીસેમ્બર) જવું જોઈએ. ઉનાળામાં ધોધમાં પાણી ઓછું થઇ જાય.

       એબી ધોધ મેંગ્લોરથી ૧૩૬ કી.મી., માયસોરથી ૧૩૦ કી.મી. અને બેંગલોરથી ૨૭૦ કી.મી. દૂર આવેલો છે. મેંગ્લોરથી માયસોરનો રસ્તો મેડિકેરી થઈને જ પસાર થાય છે. ગુજરાતમાંથી એબી ધોધ જોવા ગોવા, કારવાર, ઉડુપી અને મેંગ્લોર થઈને મેડિકેરી પહોંચવું જોઈએ. 


No comments:

Post a Comment