# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday 8 September 2017

જોગનો ધોધ 

જોગનો ધોધ 

       કુદરતનાં વિવિધ સ્વરૂપો જેવાં કે નદી, પર્વતો, ખીણો, સાગર, ધોધ, જંગલો, આકાશ, તારા – આ બધામાં સૌથી વધુ આકર્ષક સ્વરૂપ કદાચ ધોધ છે. ધોધ જોવાનું કોને ના ગમે ? ઊંચેથી પડતું અને સંગીતમય અવાજ કરતું પાણી જોવાની કેટલી બધી મજા આવે ! સામાન્ય રીતે નદીના વહેણમાં સખત ખડકો આવે અને આગળનો ભાગ ધોવાઈ જાય ત્યારે ધોધ રચાઈ જતો હોય છે. નદીના પાણીનો જથ્થો, ખડકોની ઊંચાઈ અને આકાર તથા નદીની પહોળાઈ પ્રમાણે જાતજાતના ધોધ બનતા હોય છે. ભારતમાં અને દુનિયામાં એટલા બધા ધોધ આવેલા છે કે બધે તો ભાગ્યે જ જોવા જઈ શકાય.

       જોગનો ધોધ ભારતના ઊંચા ધોધમાંનો એક છે. તે કર્ણાટક રાજ્યમાં શરાવતી નદી પર આવેલો છે. નોનાબાર પાસે આવેલા અંબુતીર્થમાંથી શરાવતી નદી નીકળે છે અને પશ્ચિમ દિશામાં વહે છે. આ નદી ગેરસપ્પા ગામની નજીક ધોધરૂપે પડે છે. આ ધોધને જ જોગનો ધોધ કહે છે. તે ગેરસપ્પા ગામની નજીક આવેલો હોવાથી તેને ગેરસપ્પાનો ધોધ પણ કહે છે. શરાવતી નદી અહીં ધોધરૂપે પડ્યા પછી, ૬૦ કી.મી. દૂર હોનાવર ગામ આગળ અરબી સમુદ્રને મળે છે.

       જોગના ધોધનું પાણી ૮૨૯ ફૂટ એટલે કે ૨૫૩ મીટર ઊંચાઈએથી પડે છે. તેની અ ધ ધ ધ.. લાગતી ઊંચાઈને લીધે તે માત્ર ભારતમાં જ નહિ, દુનિયામાં પણ ખૂબ જાણીતો છે. દેશવિદેશના અસંખ્ય પ્રવાસીઓ આ ધોધની મુલાકાતે આવે છે. ધોધની ટોચ આગળ તેની પહોળાઈ આશરે ૧૨૦૦ ફૂટ છે.

       જોગનો ધોધ ગોવાથી ૨૬૧ કી.મી., પૂનાથી ૫૯૫ કી.મી., બેંગલોરથી ૩૭૯ કી.મી., શીમોગાથી ૧૦૪ કી.મી. અને સાગરથી ૩૦ કી.મી. દૂર આવેલો છે. નેશનલ હાઈવે નં ૨૦૬ પર શીમોગાથી સાગર થઈને ધોધ તરફ જવાય છે. વચ્ચે રસ્તો થોડો ખરાબ ખરો, પણ વાહનો જરૂર જઈ શકે. હાઈવેથી ૨ કી.મી. અંદર જાવ એટલે ધોધનાં દર્શન થાય. ધોધ જોઈને મોઢામાંથી ‘વાહ’, ‘અદભૂત’ એના શબ્દો અનાયાસે નીકળી જાય. બેંગલોર, શિમોગા, સાગર તથા ગોવાથી પણ જોગનો ધોધ જવાની બસો મળી રહે છે. ગુજરાતમાંથી જવું હોય તો ગોવાથી બસમાં કારવાર થઈને જવાય છે. જોગના ધોધથી નજીકનું રેલ્વે સ્ટેશન શિમોગા છે.

       ધોધની સામે એકાદ કી.મી. દૂર વ્યૂ પોઈન્ટ એટલે કે પ્રેક્ષકો માટેની ગેલેરી બનાવેલી છે. અહીં ઉભા રહીને ધોધ જોઈ શકાય છે. ધોધનો દેખાવ જોઈને એમ થાય કે ધોધને બસ જોયા જ કરીએ. વ્યૂ પોઈન્ટ આગળ પાર્કીંગ, ખાણીપીણી, ગેસ્ટ હાઉસ, બસ સ્ટેન્ડ – એવી બધી વ્યવસ્થા છે. થોડાં પગથિયાં નીચે ઉતર્યા પછી બીજું વ્યૂ પોઈન્ટ છે. અહીંથી વાંકાચૂકા માર્ગે વધુ નીચે ઉતરીને, છેક નીચે જ્યાં ધોધનું પાણી પડે છે, તેની નજીક જઈ શકાય. પણ આમાં જોખમ ખરું. ખડકો પર થઈને ઉતરવાનું અને નીચે પાણીમાં તો ઉતરાય જ નહિ, પડ્યા તો ગયા જ સમજો. એટલે મોટા ભાગના પ્રવાસીઓ તો છેક નીચે ઉતરે જ નહિ. પહેલા વ્યૂ પોઈન્ટથી ઉતરીને લગભગ અડધા કલાકમાં નીચે પહોંચી શકાય.

      ધોધ મુખ્ય ચાર ધારાઓ રૂપે પડે છે. આ ચાર ધારાઓનાં નામ ડાબેથી જમણે અનુક્રમે રાજા, રોર (Roar,ગર્જના), રોકેટ અને રાણી છે. પહેલી ધારા ખૂબ જ ભવ્ય દેખાવવાળી છે, એટલે એને રાજા નામ આપ્યું છે. બીજો પ્રવાહ ખૂબ મોટી રૌદ્ર ગર્જના સાથે પડે છે, એટલે એ ‘રોર’ના નામે ઓળખાય છે. ત્રીજી ધારા, એક સાંકડા ભાગમાંથી, રોકેટની જેમ ખૂબ જ ઝડપે મોટા જથ્થામાં પડે છે, એટલે એને રોકેટ કહે છે. અને છેલ્લી ધારા, નૃત્ય કરતી ઠસ્સાદાર યુવતિની જેમ પડતી હોવાથી તેનું નામ રાણી રાખ્યું છે. ખૂબી એ છે કે આ ચારેય નામની શરૂઆત ‘ર’થી થાય છે. ધોધની બીજી બાજુએ ઉપર જઈ, ધોધની નજીક જઈ શકાય છે.

       ધોધના ઉપરવાસમાં ૬ કી.મી. દૂર લીંગનમક્કી આગળ, શરાવતી નદીમાં બંધ બાંધેલો છે અને વિદ્યુત ઉત્પન્ન કરવા માટે હાઈડ્રો પાવર સ્ટેશન ઉભુ કરેલ છે. શરૂઆતમાં આ પાવર સ્ટેશન ૧૨૦ મેગાવોટ વીજળી પેદા કરતું હતું, હાલ તેની ક્ષમતા વધારવામાં આવી છે.

       ધોધમાં જયારે પુષ્કળ પાણી હોય ત્યારે ધોધ ખૂબ જ જાજરમાન લાગે છે, અને તેનો અવાજ પણ ભયંકર હોય છે. ચોમાસામાં કે ચોમાસા પછી તરત જ (ઓગસ્ટથી ડીસેમ્બર) જાવ તો ધોધમાં પાણી ઘણું હોય અને ધોધ જોવાની મજા આવી જાય. ધોધ પડે ત્યારે, પડતા પાણીમાંથી ઉડતાં કણો અને ફોરાંથી ધોધ આગળનો દેખાવ ધુમ્મસમય લાગે છે. ધોધનું આ દ્રશ્ય એટલું સરસ દેખાય છે કે તેના વર્ણન માટે શબ્દો જડતા નથી. જયારે આગળના ડેમમાંથી પાણી ઓવરફ્લો થાય કે ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે પણ ધોધમાં પુષ્કળ પાણી હોય છે.

       ધોધની સુંદરતાથી આકર્ષાઈને અહીં ફિલ્મોનાં શુટીંગ પણ થયેલાં છે. એવી એક ફિલ્મનું નામ કહું. ‘આદમી ઔર ઇન્સાન’ ફિલ્મના ગીત ‘નીલે પર્બતોકી ધારા…..’ ના દ્રશ્યમાં પશ્ચાદભૂમાં જોગનો ધોધ દેખાય છે.

       જોગનો ધોધ એ કર્ણાટકનું જાણીતું જોવાલાયક સ્થળ છે. કર્ણાટકમાં આ ઉપરાંત બીજા ઘણા ધોધ આવેલા છે પણ તે બહુ જાણીતા નથી. અમ છતાં જોવાલાયક તો છે જ. એ બધાની વાત પછી કરીશું. ક્યારેક તો જોગનો ધોધ જોવા જજો.




No comments:

Post a Comment