# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday, 8 September 2017

અંબોલી ધોધ

અંબોલી ધોધ

        ભારતના પશ્ચિમઘાટ વિસ્તારમાં ઘણા ધોધ આવેલા છે. દક્ષિણ મહારાષ્ટ્રના સાવંતવાડી શહેરની નજીક આવેલો અંબોલી ધોધ તેમાંનો એક છે. ખૂબ ઉંચાઈએથી ખડકો અને પથ્થરોમાં પડતો આ ધોધ જોવાની મજા આવે છે. વરસાદની ઋતુમાં તો આ ધોધનું સ્વરૂપ  બહુ જ જાજરમાન લાગે છે.

       અંબોલી, ખરેખર તો એક હીલ સ્ટેશન તરીકે વિકસાવાયેલું સ્થળ છે. દરિયાની સપાટીથી ૬૯૦ મીટર ઉંચાઈએ આવેલી આ જગા, અંગ્રેજોના જમાનામાં, અહીંના પોલિટીકલ એજન્ટ કર્નલ વેસ્ટ્રોપે વિકસાવી હતી. હીલ સ્ટેશનથી માત્ર ૩ કી.મી.ના અંતરે અંબોલી ધોધઆવેલો છે. ચોમાસુ પૂરુ થયા પછી, છેક ઉનાળા સુધી, અહીં પ્રવાસીઓ આવ્યા કરે છે. વર્ષે દહાડે સરેરાશ ૫૦૦૦૦ જેટલા ટુરિસ્ટો  સ્થળની મુલાકાત લે છે. ખાસ તો પૂના, બેલગામ, ગોવા અને મુંબઈથી આવનારા લોકો બહુ હોય છે. આ જગા પીકનીક સ્થળ તરીકે પ્રખ્યાત છે. અહીંનું વાતાવરણ એકદમ ખુશનુમા રહે છે. હનીમૂન કપલ્સની આ પ્રિય જગા છે. અંબોલી હીલ સ્ટેશનના વિસ્તારમાં વાર્ષિક વરસાદ પણ ઘણો જ પડે છે. જંગલો અને ખીણો ધરાવતા આ વિસ્તારમાં જૂનાં શીવમંદિરો પણ ઘણાં જ છે.

       ધોધની સામે ઉભા રહીને જોતાં, ધોધ ખૂબ જ સુંદર લાગે છે. ધોધનો દેખાવ રોમાંચક અને અદભૂત છે. ધોધ આગળ રોપ વે બાંધેલો છે. તેમાં  બેસીને ધોધ આગળથી પસાર થાવ ત્યારે ધોધનું મનોહર દ્રશ્ય જોવા મળે છે. અહીં ખાસ ખૂબી એ છે કે ધોધની એક બાજુએ, ધોધનો પ્રવાહ ઢાળવાળા વ્યવસ્થિત પણ વળાંકોવાળા રસ્તા પર વાળેલો છે. જાણે કે ઢોળાવવાળી નહેર ! એમાંથી ખળખળ વહેતુ દૂધ જેવું સફેદ પાણી જોવાની કેટલી બધી મજા આવે ! આ પ્રવાહમાં આરામથી ચાલી શકાય છે અને કોઈ પણ જાતના તણાઈ જવાના ડર વગર નાહી શકાય છે. લોકો અહીં નહાવાની મજા માણે છે અને પાણી ઉડાડવાનો આનંદ લે છે. ગરમીની સીઝનમાં અહીં પાણીમાં પડ્યા રહેવાનું ખૂબ જ ગમે એવું છે.

       સાવંતવાડીથી અંબોલી ધોધ ૩૦ કી.મી. દૂર છે. તે, ગોવાથી ૬૪ કી.મી., કોલ્હાપુરથી ૧૧૦ કી.મી., અજારા નામના ગામથી ૨૭ કી.મી. અને મુંબઈથી ૫૦૨ કી.મી. દૂર છે.ક્યારેક તક મળે તો અંબોલી ધોધ જોવા જરૂર જજો.


No comments:

Post a Comment