# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Sunday, 17 September 2017

નેપોલિયન, એક બહાદુર યોદ્ધો

નેપોલિયન, એક બહાદુર યોદ્ધો

નેપોલિયન બોનાપાર્ટનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે. આશરે 200 વર્ષ પહેલાં ફ્રાન્સમાં થઇ ગયેલો નેપોલિયન એક વીર યોદ્ધો હતો, મહાન નેતા હતો. તે ખૂબ જ મહત્વાકાંક્ષી હતો. તેની વિચાર શક્તિ અને શારીરિક તાકાત અદભૂત હતી. બસો વર્ષ પહેલાં જયારે આપખુદ રાજાઓ અને જમીનદારો સત્તાસ્થાને બિરાજતા હતા, તે જમાનામાં નેપોલિયને રાજા તરીકે જમીનદારી નાબૂદ કરી, સામાન્ય જનતાને તેમના હકો આપ્યા, જનતા માટે શિક્ષણ પ્રથા શરુ કરી, પ્રજા પરનાં બંધનો દૂર કર્યાં. તેણે સ્થાપેલો સીવીલ કોડ આજે પણ હજુ યુરોપમાં ઘણી જગાએ ઉપયોગમાં લેવાય છે. તેણે શરુ કરેલી યુદ્ધ પદ્ધતિઓ આજે લશ્કરી સ્કુલોમાં શીખવાડાય છે. તે એક પ્રજાવત્સલ રાજા હતો. તે નેપોલિયન-1 તરીકે ઓળખાતો હતો.

નેપોલિયનનો જન્મ ફ્રાન્સના કોર્સીકા ટાપુના અજેક્સીઓ ગામમાં 15 ઓગસ્ટ, 1769 ના રોજ થયો હતો. આ ટાપુ ઇટાલીની પશ્ચિમે ભૂમધ્ય સમુદ્રમાં આવેલો છે. તેના જન્મનું ઘર આજે મ્યુઝીયમ બની ગયું છે.

તેણે ફ્રાન્સમાં લશ્કરી તાલીમ લીધી. 1789માં તે ફ્રેંચ લશ્કરમાં તોપખાનાનો ઓફિસર બન્યો. આ વર્ષથી જ ફ્રેંચ ક્રાંતિ શરુ થઇ. 26 વર્ષની ઉંમરે તે ફ્રેંચ લશ્કરમાં જનરલ તરીકે નિમાયો. પછી તેણે ઇટાલી સામે મોરચો માંડ્યો, ત્યારે તે આખા યુરોપમાં જાણીતો થઇ ગયો. 1798માં તે ઈજીપ્ત સામે હુમલો લઇ ગયો, અને ઓટોમન સામે જીત્યો. 1802માં તેણે બ્રિટન સાથે યુદ્ધ નહિ કરવાના કરાર કર્યા. 1804માં તે ફ્રાન્સનો સમ્રાટ બન્યો. બ્રિટન સાથે મતભેદો તો ચાલતા જ હતા.

નેપોલિયને 1805માં ઓસ્ટ્રીયા અને રશિયા સામે યુદ્ધમાં વિજય મેળવ્યો. જો કે તે બ્રિટન સામે ટ્રફાલ્ગર યુદ્ધમાં હાર્યો. 1807માં તેણેરશિયાને ફ્રીડલેન્ડ યુદ્ધમાં હરાવ્યું. 1808માં તેણે લાયબેરીયા પર હુમલો કર્યો, અને તેના ભાઈ જોસેફ બોનાપાર્ટને સ્પેનનો રાજા બનાવ્યો.

બ્રિટન, સ્પેન અને પોર્ટુગલે ભેગા થઇ, તેની સામે છ વર્ષ સુધી ગેરીલા યુદ્ધ જારી રાખ્યું અને એપ્રિલ 1814માં નેપોલિયનને હરાવ્યો. આમ 1804થી 1814, એમ 10 વર્ષ સુધી તે ફ્રાન્સનો સમ્રાટ રહ્યો. તેના કાર્યકાળ દરમ્યાન તેણે ઘણાં પ્રજાલક્ષી કામ કર્યાં. તેણે બેન્કીંગ, શિક્ષણ, વિજ્ઞાન અને કલા ક્ષેત્રે ઘણા સુધારા કર્યા. તોલમાપની મેટ્રીક પદ્ધતિ પણ તેના વખતમાં શરુ થઇ. જો કે તેનો ઘણો વખત યુધ્ધોમાં ગયો.

1814માં હાર્યા પછી, તેને ઇટાલીના એલ્બા ટાપુ પર મોકલી દેવાયો. ત્યાંથી તે છટકીને ફેબ્રુઆરી 1815માં ફ્રાન્સ પાછો આવ્યો, વળી, ત્રણેક મહિના સત્તા તેના હાથમાં રહી. પણ જૂન 1815માં તે વોટરલુના યુદ્ધમાં હાર્યો. અંગ્રેજોએ તેને પકડ્યો અને સેંટ હેલિના ટાપુ પર લોંગવુડમાં જેલમાં પૂરી દીધો. આ નાનકડો ટાપુ દક્ષિણ આફ્રિકાની પશ્ચિમે 1950 કી.મી. દૂર આટલાંટિક મહાસાગરમાં આવેલો છે. અહીં તે નજરકેદ રહ્યો અને 1821ની 5 મી મેએ, 52 વર્ષની ઉંમરે તે અહીં જ મરણ પામ્યો. એક બહાદુર વીરલો કાયમ માટે પોઢી ગયો.

નેપોલિયન ફ્રાન્સના લોકોને બહુ જ ચાહતો હતો. તે ઈચ્છતો હતો કે તેને મૃત્યુ પછી, ફ્રાન્સમાં જ સીન નદીને કિનારે દફનાવવામાં આવે. છેવટે છેક 1840માં તેના અવશેષો સેંટ હેલિનાથી ફ્રાન્સ લાવવામાં આવ્યા, અને પેરીસમાં લેસ ઇન્વાલીડીસ ખાતે રખાયા. આ પ્રસંગે ત્યાં દસ લાખ જેટલા લોકો હાજર હતા.

નેપોલિયન રોમન કેથોલિક ધર્મ પાળતો હતો. તે 1796માં જોસેફાઇન ડી બોહારનીસ નામની 32 વર્ષની વિધવાને પરણ્યો હતો. જોસેફાઇન તેનાથી 6 વર્ષ મોટી હતી. તેનાથી તેને બાળકો ના થયાં. આથી જોસેફાઇનને ડાયવોર્સ આપી, તે 1810 માં મેરી લુઇસને પરણ્યો. તેનાથી તેને પુત્ર જન્મ્યો, તે નેપોલિયન-2 ના નામે ઓળખાયો.

નેપોલિયનના સમય દરમ્યાન, અમેરીકાનું લુઇઝીયાના ફ્રાન્સના તાબામાં હતું. નેપોલિયને આ રાજ્ય અમેરીકાને વેચી દીધું, અને સારા એવા પૈસા મેળવ્યા.

તેનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. તે તેની નીચે કામ કરતા યોધ્ધાઓ પર સારું વર્ચસ્વ ધરાવતો હતો. તે દરેકને પ્રેમથી નામ દઈને બોલાવતો અને દેશદાઝ માટે પાનો ચડાવતો.

તેના મૃત્યુ પછી, કેટલા યે રસ્તાઓ, ઓફિસો, જાહેર મકાનો, દુકાનો વગેરેને તેનું નામ અપાયું છે. તમને યાદ હશે કે પત્તાંની એક રમતનું નામ પણ નેપોલિયન છે. નેપોલિયન વિષે ઘણાં પુસ્તકો અને લેખો લખાયા છે. તેના જીવનની ઘટનાઓ પર ફિલ્મો બની છે. તેણે અવારનવાર ઘણાં સોનેરી સુવાક્યો ઉચ્ચાર્યાં હતાં. તેમાંનાં થોડાંક અહીં મૂકું છું.

(1) Impossible is the word to be found only in the dictionary of fools.

(2) Never interrupt your enemy when he is making a mistake.

(3) Victory belongs to the most persevering.

આવો, આપણે આવી એક મહાન વિભૂતિને બિરદાવીએ અને તેમના જીવનમાંથી કંઇક શીખીએ.






No comments:

Post a Comment