# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Monday 16 October 2017

મુરુડેશ્વર મંદિર

 મુરુડેશ્વર મંદિર
દુનિયામાં શીવ ભગવાનનું સૌથી ઉંચું પૂતળુ (સ્ટેચ્યુ) ક્યાં આવેલું છે, તે જાણો છો? એ છે નેપાળમાં આવેલું કૈલાસનાથ મહાદેવનું સ્ટેચ્યુ. એની ઉંચાઈ ૪૩ મીટર છે. દુનિયાનું બીજા નંબરનું ઉંચું શીવનું સ્ટેચ્યુ ભારતના કર્ણાટક રાજ્યના મુરુડેશ્વર ગામના મુરુડેશ્વર મંદિરમાં આવેલું છે. એની ઉંચાઈ ૩૭ મીટર છે. ભારતમાં શીવજીનું આ સૌથી ઉંચું સ્ટેચ્યુ છે. આ મંદિર અરબી સમુદ્રને કિનારે આવેલું છે. મંદિરનું પ્રવેશદ્વાર (ગોપુરમ) તો શીવજીના સ્ટેચ્યુ કરતાં પણ ઉંચું છે. અહીં આવતા પ્રવાસીઓ શીવનું સ્ટેચ્યુ, ગોપુરમ અને બીજાં શિલ્પો જોઇને છક થઇ જાય છે. મુરુડેશ્વર, ભારતના સૌથી ઉંચા ધોધ જોગના ધોધથી માત્ર ૯૦ કી.મી. દૂર છે. એટલે જોગનો ધોધ જોવા જતા પ્રવાસીઓ મુરુડેશ્વરનાં દર્શને અચૂક જતા હોય છે. શીવ ભક્તોને શીવજી પ્રત્યેની આસ્થા અહીં ખેંચી લાવે છે. ચાલો, અહીં મુરુડેશ્વરના મંદિરની વિગતે વાત કરીએ.
મુરુડેશ્વર, કર્ણાટક રાજ્યના ઉત્તર કનાડા જીલ્લાના ભટકલ શહેરથી ૧૬ કી.મી. દૂર આવેલું છે. મુરુડેશ્વરને રેલ્વે સ્ટેશન છે. મુંબઈથી ગોવા થઈને મેંગલોર જતી કોંકણ રેલ્વે લાઈન પર તે આવેલું છે. મુરુડેશ્વર ગામ અરબી સમુદ્રના કિનારે છે. અહીં દરિયા કિનારે કંદુક નામની ટેકરી પર મુરુડેશ્વર મંદિર અને શીવજીનું સ્ટેચ્યુ ઉભાં કર્યાં છે. આ મંદિરની ત્રણે બાજુ દરિયો છે, એટલે આ સ્થળ બહુ જ સરસ લાગે છે.
મંદિરનું ગોપુરમ અને સ્ટેચ્યુ પૂર્વાભિમુખ છે. ગોપુરમ ૭૫ મીટર ઉંચું અને ૨૦ માળનું છે. દક્ષિણ ભારતનાં બધાં મંદિરોને ગોપુરમ હોય છે, પણ મુરુડેશ્વરનું ગોપુરમ ખૂબ જ ભવ્ય છે. ગોપુરમ પર દેવદેવીઓનાં ચિત્રો અને કોતરણી મનમોહક છે. ગોપુરમના પ્રવેશ આગળ કોન્ક્રીટના બનેલા બે મોટા ફુલ સાઈઝના હાથી મૂકેલા છે, પ્રવાસીઓનું તે તરત જ ધ્યાન ખેંચે છે. આ ગોપુરમ રાજા ગોપુરમ કહેવાય છે. એક ખાસ વાત એ છે કે ગોપુરમમાં લિફ્ટ બેસાડેલી છે, તે ગોપુરમની ટોચે લઇ જાય છે. ટોચ પરથી દેખાતું શીવજીનું સ્ટેચ્યુ અને વિશાળ દરિયાનું દ્રશ્ય બહુ જ ભવ્ય લાગે છે.
ગોપુરમમાંથી મદિર સંકુલમાં પેઠા પછી મુખ્ય મંદિર આવે છે. એમાં મુરુડેશ્વર ભગવાન બિરાજે છે. કહે છે કે લંકાનો રાજા રાવણ, શીવજીને પ્રસન્ન કરી, તેમની પાસેથી આત્મ લીંગ મેળવી, લંકા પાછો ફરી રહ્યો હતો ત્યારે લીંગનો એક ટુકડો અહીં રહી ગયો હતો. લીંગનો આ ટુકડો અત્યારે પણ મંદિરમાં મોજુદ છે અને તે જમીન પર બે ફૂટ ઉંડા ખાડામાં રાખેલું છે. જે ભક્તો ખાસ પૂજા જેવી કે અભિષેક, રુદ્રાભિષેક, રથોત્સવ વગેરે કરે છે, તેમને, પૂજારી ગર્ભગૃહમાં ખાડાની નજીક ઉભા રાખી, તેલના દીવાના અજવાળે લીંગનાં દર્શન કરાવે છે. બધા લોકો આ લીંગનાં દર્શન નથી કરી શકતા.
મંદિરનું શિખર ખૂબ જ શોભાયમાન છે. બહારથી આખું મંદિર સુધારીને સરસ બનાવ્યું છે, પણ અંદરનું ગર્ભગૃહ અને રચના જૂની સ્ટાઈલ પ્રમાણેનાં જ જાળવી રાખ્યાં છે.
મુરુડેશ્વર ભગવાનનાં દર્શન કર્યા પછી સૌથી વધુ આકર્ષણ શીવજીના સ્ટેચ્યુનું છે. આ સ્ટેચ્યુ ઘણે દૂરથી પણ દેખાય છે. અહીં નજીકથી તો તે ઘણું જ મોટું લાગે છે. વ્યાઘ્રચર્મ પર બિરાજેલા શીવજી, હાથમાં ડમરું અને ત્રિશુલ, ગળામાં નાગ, માથે જટા – એવી મૂર્તિને જોઈ દરેકના મનમાં ભક્તિભાવ પ્રગટે છે. બેઘડી જોયા જ કરવાનું મન થાય છે. સ્ટેચ્યુની સામે નંદી પોતાના સ્થાન પર શોભે છે. સ્ટેચ્યુની નીચે ગુફા છે, એમાં મંદિરના ઈતિહાસને લગતું એક મ્યુઝીયમ છે.
શીવજીનું આ સ્ટેચ્યુ તથા ગોપુરમ આર.એન.શેટ્ટી નામના એક વેપારી ભક્તે બનાવડાવ્યું છે. એને બનાવતાં બે વર્ષ લાગ્યાં છે અને પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સ્ટેચ્યુ એવી રીતે બનાવ્યું છે કે તેના પર સીધો સૂર્યપ્રકાશ પડે અને તેનાથી તે ચમકે.
સ્ટેચ્યુના પાયા આગળ બીજાં બે મંદિર છે. એક છે રામેશ્વર લીંગ. અહીં પણ પૂજા થઇ શકે છે. બીજું શનેશ્વર મંદિર છે. મંદિરનું સંકુલ ઘણું વિશાળ છે. એમાં બીજાં ઘણાં સ્થાપત્યો છે. શીવજીની બીજી એક મૂર્તિ છે. એક જગાએ ઘોડા જોડેલો સૂર્ય ભગવાનનો રથ છે. બીજી એક જગાએ કૃષ્ણ ભગવાન સારથિ બનીને અર્જુનનો રથ હાંકે છે. આ ઉપરાંત પણ બીજા પ્રસંગોનાં શિલ્પો કંડારેલાં છે. પ્રવાસીઓને આ બધું ફરી ફરીને  જોવાની મજા આવે છે. મંદિરમાં ‘પ્રસાદ’ લેવાની વ્યવસ્થા છે. પછી જે ભેટ આપવી હોય તે આપી દેવાની. મંદિરની પાછળ એક કિલ્લો છે. કહે છે કે માયસોરના રાજા ટીપુ સુલતાને આ કિલ્લો સુધારાવ્યો હતો.
મંદિરની બાજુમાં જ દરિયો છે. અહીંનો બીચ ઘણો લાંબો અને સુંદર છે.એટલે અહીં રમવાનું અને ચાલવાનું સરસ ફાવે એવું છે. લોકો દરિયામાં નહાય છે અને બોટીંગની મજા માણે છે. ગામના માછીમારો દરિયામાં માછલાં પકડતા હોય છે. દરિયા કિનારે જાતજાતની દુકાનો છે. રમકડાં, ખાણીપીણી, કપડાં અને ઘણું બધું મળે છે.
અહીંથી ૧૫ કી.મી. દૂર નેત્રાની નામનો ટાપુ છે. લોકો ત્યાં પણ ફરવા જતા હોય છે. ત્યાં ડાઈવીંગ કરવાની સગવડ છે.
મુરુડેશ્વર ગામમાં રહેવા માટે ઘણી હોટેલો છે. આ મંદિરથી આકર્ષાઈને ઘણા પ્રવાસીઓ અહીં આવે છે. અહીં આવવા માટે વર્ષનો કોઈ પણ સમય અનુકૂળ છે. મુરુડેશ્વરથી ઉડુપી ૧૦૦ કી.મી અને કારવાર ૧૨૦ કી.મી. દૂર છે. સૌથી નજીકનું એરપોર્ટ મેંગલોર ૧૬૫ કી.મી. દૂર છે.
જોગનો ધોધ જોવા જાવ ત્યારે મુરુડેશ્વરના શીવજીના દર્શનનો લાભ લેવાનું ચૂકશો નહિ.
1_Lord Shiva statue at Murudeshwara2_Shiva statue3_Statue4_Gopuram of Murudeshwara5_Murudeshwara temple entrance6_Shikhar of Murudeshwara Temple7_Shiva Temple, Murudeshwar8_Murudeshwar9_Murudeshwar10_Murudeshwar11_Murudeshwar12_Murudeshwar13_Murudeshwar14_Sea15_Murudeshwar

No comments:

Post a Comment