# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Wednesday 28 February 2018

આરઝી હકૂમત

આરઝી હકૂમત

જુનાગઢ આરઝી હકુમતનો સીમ્‍બોલ

૨૫ સપ્ટેમ્બર એટલે ‘આરઝી હકુમત’નો સ્થાપના દિવસ. ખેદની વાત છે કે અમારી પેઢીનાં મોટા ભાગનાં લોકોને આરઝી હકુમત એટલે શું એ પણ ખબર નથી. જ્યારે જૂનાગઢનાં પાગલ નવાબે તેમનાથી પણ પાગલ દિવાનભુટ્ટોની સલાહ માની જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાનું નક્કી કર્યું તેની સામે જૂનાગઢની પ્રજાની સશસ્ત્ર લડત એટલે આરઝી હકુમત

જુનાગઢ જિલ્‍લાના બીલખા ગામે ગ્રામજનોની મળેલી બેઠક નો એક ફોટોગ્રાફ

જરા વિચારો કે જો આરઝી હકુમત ન સ્થપાઇ હોત તો શું થાત? કદાચ કાશ્મીરની જેમ જૂનાગઢ પણ ભારતનાં માથાનો દુઃખાવો હોત. ગિરનાર પર્વત આપણો ના હોત. નરસિંહ મહેતા અને મનોજ ખંડેરિયાનો સાહિત્યવારસો લોપાઇ જાત. અરે ગુજરાતની અસ્મિતાનું પ્રતિક સમું સોમનાથપાટણનું મંદિર આજે ના હોત. કલ્પનાં જ ભયાનક છે. ધન્ય છે આ વીરો કે જેણે જૂનાગઢને બચાવ્યું.
કવિ સાદુળ ભગતની આ પરિસ્થિતિને અનુલક્ષીને એક રચના વાંચીયે.
સાદુળ ગ્યા’તા શહેરમાં, રાખી બંધ મકાન;
આવ્યાં ત્યાં તો ઘર મહીં પેઠું પાકિસ્તાન.
તાળાં તોડીને ઓરડે, સિંધી વસ્યા ચાર;
ઘરવખરી ઉઠાવીને, ફેંફી આંગણા બહાર.
સાદુળ કહે આ શું કરો? લાગે મને નવાઇ;
વણમાગ્યા વણનોતર્યા, આવ્યા ક્યાંથી ભાઇ?
સિંધી બોલ્યા ચૂપ રહે, દીઠી છે આ છરી?
કાયદા કેરા કાયદા, અહીંયા વળ્યા ફરી.
મકાન મળ્યું મનગમતું, વસશું ધરી પ્રીત;
દુનિયા દેખે આ નવી, રાજ કર્યાની રીત.
(નોંધ – કાવ્યમાં જ્યાં જ્યાં સિંધીનો ઉલ્લેખ આવે છે ત્યાં જૂનાગઢના દિવાન ભુટ્ટોને સમજવા. સામાન્ય સિંધી પ્રજા સાથે તેને કોઇ નિસબત નથી.)

સરદારનું પોતાનુ વતન ગુજરાત હોવાને કારણે તેમના માટે જુનાગઢ ખુબ મહત્તવનું હતુ. સર શાહનવાઝ ભુત્તોના દબાણને વશ થઈને ત્યાંના નવાબે પાકિસ્તાનમાં વિલિનીકરણ સ્વીકાર્યું કે જ્યારે તે પાકિસ્તાનથી ઘણું દુર હતું તેમજ ત્યાંની ૮૦ ટકા પ્રજા હિંદુ હતી. સરદારે મુત્સદ્દીગીરી તથા બળનો સમન્વય કરતા નવાબ પાસે માંગણી કરી હતી કે તેઓ પાકિસ્તાન સાથેના વિલિનીકરણને ર‌દ્‌ કરીને ભારત સાથે સમન્વિત થઈ જાય. તેમણે પોતાનો ઈરાદો પુરવાર કરવા જુનાગઢની હકૂમત નીચેના ૩ પ્રદેશોનો તાબો લેવા સેનાને મોકલી હતી. મોટાપાયાના આંદોલનો તેમજ લોક સરકાર, કે જેને ‘આરઝી હુકુમત’ કહેવામા આવી, તેના બન્યા પછી ભુત્તો તેમજ નવાબ બન્ને કરાચી પલાયન થઈ ગયા અને સરદારના આદેશાનુસાર ભારતિય સેના તેમજ પોલીસની ટુકડીઓએ રાજ્યમાં કુચ કરી તાબો લીધો. ત્યાર બાદ લેવાયેલા મતદાનમાં ૯૯.૫ ટકા મતો ભારત સાથેના વિલિનીકરણની તરફેણમાં પડ્યા હતા. જુનાગઢનો તાબો લીધા બાદ ત્યાંની બહાઉદ્દીન કોલેજમાં ભાષણ આપતી વખતે સરદારે હૈદરાબાદ માટેની ઉત્સુકતા વર્ણવી હતી કે જે તેમના મતે ભારત માટે કાશ્મિર કરતાં પણ વધુ મહત્તવનુ રાજ્ય હતું. તેમણે કહ્યું હતુ કે:
“જો હૈદરાબાદ દિવાલ ઉપરના લખાણને અવગણશે તો તેની પરિસ્થિતી પણ જુનાગઢ જેવી થશે. પાકિસ્તાને કાશ્મિર ને જુનાગઢની બદલે લેવાનો પ્રયત્ન કર્યો. જ્યારે અમે લોકશાહીથી મામલાને ઉકેલવાનો સુઝાવ કર્યો ત્યારે તેમણે (પાકિસ્તાને) તુરંત જવાબ આપ્યો કે જો આપણે કાશ્મિર માટે તેમ કરશું તો તેઓ તૈયાર છે. અમારો પ્રત્યુત્તર હતો કે જો તમે હૈદરાબાદ માટે તૈયાર હો તો અમે કાશ્મિર માટે તૈયાર છીએ.”
આરઝી હકુમતનું પ્રધાનમંડળ…. આ ફોટામાં જમણેથી દુર્લભજી ખેતાણી, ભવાની શંકર ઓઝા, શામળદાસ ગાંધી, નરેન્દ્ર નથવાણિ, મણિલાલ દોશી

આરઝી હકૂમત: સરકારની ફાળવણી
શામળદાસ ગાંધી – વડાપ્રધાન અને વિદેશમંત્રી
દુર્લભજી ખેતાણી – નાયબ વડાપ્રધાન અને વ્યાપારમંત્રી
નરેન્દ્ર નથવાણી – કાયદો અને વ્યવસ્થા
ભવાનીશંકર ઓઝા – નિરાશ્રીતોનું ખાતું
મણીલાલ દોશી – ગૃહપ્રધાન
સુરગભાઈ વરૂ – સંરક્ષણપ્રધાન
રતુભાઈ અદાણી – સરસેનાપતિ
નવાબ સામે જનમતનો પ્રચંડ વિજય,

આઝાદીની લડત આખા દેશમાં ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે પૂર્ણ થઇ ગઇ,પરંતુ જૂનાગઢમાં હજુ ત્રિરંગો નહોતો ફરક્યો. આઝાદી પછી જુનાગઢ ગુજરાતનું હૈદરાબાદ હતું અને જો સરદાર ન હોત તો આજે કદાચ શિવરાત્રિનો મેળો જે ઉત્સાહથી ભરાય છે તે ન થતો હોત, ગિરનાર ચડવા જવું હોય તો પાસપોર્ટ-વિઝાની જરૂર પડત. કારણ કે તો જુનાગઢ પાકિસ્તાનમાં હોત. આમ તો સરહદ સાથે જુનાગઢને કાંઇ સંબંધ નહીં, ૮૦ ટકા વસતી પણ હિન્દુઓની અને છતાં જુનાગઢ સ્ટેટ એટલે કે નવાબે ઇરાદો જાહેર કર્યો પાકિસ્તાનમાં ભળવાનો.૩૩૩૭ ચો.મીટરના એ વિસ્તારમાં રહેતી પ્રજાની ઊંઘ હરામ થઇ ગઇ. ૨૨ એપ્રિલ ૧૯૪૭એ દીવાન ખાનબહાદુરે જાહેર કર્યું કે જુનાગઢ પાકિસ્તાનમાં જોડાવા ઇચ્છે છે.

મંત્રીશ્રી રતુભાઇ અદાણી સાથે આગેવાનની બેઠક






બસ પછી તો વાતાવરણ જામ્યું. એક તરફ કાશ્મીર અને હૈદરાબાદનું કોકડું તો બીજી બાજું આવડુંનાનું જુનાગઢ. દેશ આઝાદ થયો, પરંતુ નવાબની જીદ તો યથાવત હતી. ૨૫મી સપ્ટેમ્બર,૧૯૪૭ને ગુરુવારે મુંબઇના માધવબાગમાં જુનાગઢ માટે નવી પ્રજાકીય સરકાર-આરઝી હુકુમતની રચના થઇ. ધર્મયુધ્ધની ઘોષણા થઇ, શામળદાસ ગાંધી, ભવાનીશંકર ઓઝા, દુર્લભજી ખેતાણી, સુરગભાઇ વરૂ,મણીભાઇ દોશી વગેરે તેના સભ્યો હતા. શામળદાસ ગાંધીએ કહ્યું, હું જુનાગઢનો પ્રજાજન છું, બારખલીદાર છું….. આજે જુનાગઢ રાજ્યની પ્રજાએ આરઝી હુકુમત રચી છેતે જગતના તમામ સુધરેલા દેશોએ સ્વીકારેલા લોકશાહીના સિધ્ધાંતોને અનુસરે છે.’ પછી તો ઢંઢેરો પીટાયો, આ ગામમાં નવાબ મહોબ્બતખાંના શાસનનો અંત આવે છે. પ્રજાએ આરઝી હુકુમતના હુકમનું પાલન કરવું વેગેર…જુનાગઢમાં લાંબી લડત, રાજકોટમાં જુનાગઢના નવાબના ઉતારા પર પિકેટિંગ અને ત્રિરંગા ધ્વજનું આરોહણ એવી સતત ઘટનાઓના અંતે ૧ નવેમ્બરે હિન્દી સંઘના લશ્કરે બાબરિયાવાડ અને માંગરોળનો કબજો લીધો. નવાબ કરાંચી નાસી ગયા.
બીલખા ખાતે શ્રી દુર્લભજીભાઇ નાગ્રેચા ગ્રામજનોની સભા સંબોધે છે.







નવમી નવેમ્બરે બ્રિગેડિયર ગુરુદયાલસિંઘની હાજરીમાં કેપ્ટન હાર્વેએ હિંદ સરકારના ચીફ સેક્રેટરી બુચને જુનાગઢનો કબજો સોંપ્યો….શાંતિ સ્થપાયા બાદ પ્રજાની ઇચ્છા જાણવા ૧૯૪૮ની ૨૦મી ફેબ્રુઆરીએ લોકમત લેવાયો,૧,૯૦,૮૭૦ મતદારો માંથી ૯ મતદારોએ પાકિસ્તાન જવા તરફી મતદાન કર્યું. અને અંતે જુનાગઢ પણ અખંડ ભારતનો ભાગ બની ગયું. જૂનાગઢની આઝાદી તો અગત્યની છે જ. પરંતુ, સરદારનું એક અત્યંત ઉલ્લેખનીય કાર્ય તે સોમનાથ મંદિરનો જીણોgધ્ધાર. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન સરદાર રાજકોટ આવ્યા હતા તો આઝાદી પછી તેમણે જ દેશની અસ્મિતાસમાન સોમનાથની મુલાકાત લઇ તેના પુન: નિર્માણનો સંકલ્પ કર્યો હતો. હૈદરાબાદને નિઝામના કબજામાંથી છોડાવનાર ક.મા. મૂનશી મશિન સોમનાથમાં પણ અગ્રેસર હતા.
તમે રાજકોટની પ્રજા એકત્રિત અવાજે માગણી કરો છો એ યાદ રાખી છેક સુધી શુધ્ધ લડત લડજો અને તમારાથી બને તેટલું કરી છુટજો. બધાની આંખ તમારા ઉપર છે. અનેક દેશી રાજ્યો તમે શું કરી રહ્યા છો એ જોઇ રહ્યા છે. તમો હારસો તો કંઇ હરક્ત નથી. પણ, નામોશી કોઇ જાતની આવે તેવું કામ કદી નહીં કરતા, મારી માગણી એટલી જ છે
ઇતિહાસ:


૧૯૪૭માં ભારત તો આઝાદ ઘોષીત થઇ ગયું હતું, પણ હજું ભારતમાંના કેટલાક રજવાડાઓ રાજા તથા નવાબોના હાથમાં હતા. આવા દેશી રજવાડાઓને આઝાદ કરવાના બાકી હતા. આવા સમયે જૂનાગઢમાં નવાબ મહોબતખાનનું રાજ હતું. શાહનવાઝ ભુટ્ટોએ જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કરવાનો ખ્યાલ નવાબ મહોબતખાનના દિમાગમાં ઠસાવી દીધો. નવાબે દિલ્લી સરકારને જાણ કર્યા વગર જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાયેલું જાહેર કરી દીધું. આ દરમિયાન, જૂનાગઢના કેટલાક આવેવાનો પોતાના બળે નવાબી હકૂમતનો છેડો લાવવા મેદાનમાં આવ્યા અને આરઝી હકૂમત સ્થાપવાનું નક્કી કર્યું. ૨૫ સપ્ટેમ્બર, ૧૯૪૭ના રોજ કેટલાક લોકો મુંબઇના માધવ બાગમાં ભેગા થયા, જેમનું નેતૃત્વ શામળદાસ ગાંધી તથા અમૃતલાલ શેઠે લીધું. ત્યાં આરઝી હકૂમતનાં પ્રધાન મડંળની રચના કરવામાં આવી.
ભારતના તત્‍કાલીન વડાપ્રધાન મોરારજીભાઇ દેશાઈ બીલખાની મુલાકાતે
આરઝી હકૂમત : કાર્યો,







હકૂમતની લોકસેના માટે શસ્ત્રસરંજામ મેળવવાની જવાબદારી રસિકલાલ ૫રિખે સંભાળી, જ્યારે સનત મહેતા અને જશવંત મહેતા જેવા કાર્યકરોને વિવિધ લશ્કરી ટુકડીઓને દોરવણી આપવાનું કામ સોંપવામાં આવ્યું. નવાબના શાહી સૈન્યમાં ૧૭૭ અશ્વારોહી સૈનિકો, ઇન્ફન્ટ્રીના ૨૪ સૈનિકો અને ૧૦૭૧ હથિયાર બંધ પુલિસમેન હતા. આરઝી હકૂમતનું પ્રધાન મંડળ લડતનો કાર્યભાર સંભાળવા માટે ટ્રેન દ્વારા રાજકોટ પહોંચ્યું અને ૩૦ સપ્ટેમ્બર,૧૯૪૭ ના રોજ તેના સશસ્ત્ર યુવાનોએ ત્યાંનાં જૂનાગઢ હાઉસ પર છાપો મારી તે આલીશાન મકાનને કબજે કર્યું અને ત્યાં આરઝી હકૂમતની કચેરી સ્થાપી. દરમિયાન રતુભાઈ અદાણી યુવાનોને શસ્ત્રો ચલાવવાની તાલિમ આપી રહ્યા હતા. (આરઝી હકૂમત પાસે પોતાની ફોજ હતી જેનું નામ હતું “આઝાદ જૂનાગઢ ફોજ”. જેમાં આશરે ૪૦૦૦ જેટલા સૈનિકો હતા.) આરઝી હકૂમત દ્વારા “આઝાદ જૂનાગઢ રેડીયો” નામના ગુપ્ત સ્ટેશનેથી “ચલો જૂનાગઢ એકસાથ” અને “આરઝી હકૂમત ઝીંદાબાદ” રેકર્ડ વગાડવામાં આવતી. ૨૪ ઓક્ટોબર, ૧૯૪૭ની તારીખે તેઓ જૂનાગઢ રાજ્યના પૂર્વ સીમાડામાં પ્રવેશ્યા. તેજ દિવસે આરઝી હકૂમતે જૂનાગઢના ૧૧ ગામો પર અંકુશ મેળવ્યો અને ત્યારબાદ લગભગ ૩૬ ગામો પર અંકુશ પ્રાપ્ત કર્યો. માંગરોળ, બાંટવા અને માણાવદર પણ મુક્ત થયા પછી જૂનાગઢ રાજ્યનું કુતિયાણા અલગ પડ્યું. એ વખતે કુતિયાણામાં ૧૩૦૦૦ મુસ્લિમો અને ૧૦૦૦ હિન્દુ લોકો હતા. મુસ્લિમ લીગના આગેવાનો કાઝી તાજુદ્દીન અને હાસમ ખોખરે “આઝાદ કુતિયાણા સરકાર”ની ત્યાં સ્થાપના કરી હતી. હેન્ડ ગ્રેનેડ, બ્રેનગન, રાયફલો અને તમંચા વડે કુતિયાણાનો જંગ કલાકો સુધી ચાલ્યો, જેમાં તાજુદ્દીન અને ખોખર બન્ને માર્યા ગયા. થોડા જ કલાકોમાં ભારતીય લશ્કરના જવાનો આવી પહોંચ્યા અને કુતિયાણાનો હવાલો તેમણે સંભાળી લીધો.
Aarzi Hakumat Junagadhઆરઝી હકૂમતની જીત
હવે જૂનાગઢ ચોતરફથી ઘેરાયેલું હતું. બહારનો સંપર્ક કપાતાં અનાજની કારમી તંગી, વેપારધંધા ભાંગી પડ્યા હતા. હવે માત્ર હિન્દુ નહિ, મુસ્લિમ જનતામાં પણ નવાબ સામે આક્રોશ હતો. આ દરમિયાન દીવાન શાહનવાઝ ભુટ્ટોએ ૪ નવેમ્બર, ૧૯૪૭ ના રોજ પુલિસ કમિશ્નર કે.એમ. નક્વીને લેખીત પત્ર સાથે પાકિસ્તાની લશ્કરની સહાય માગવા કરાચી મોકલ્યો. પણ એ પાછા આવ્યા જ નહિ. આથી જૂનાગઢના નવાબ મહાબતખાન જૂનાગઢનું ઉંબાડીયું દીવાન શાહનવાઝ ભુટ્ટો ઉપર નાખી પાકિસ્તાન ભાગી ગયા. તે રૂ.૧૨૯૩૪૭૦૦ ની ચલણી નોટો, ઝવેરાત, પાંચ બેગમો, અઢાર સંતાનો તથા માનીતા કૂતરા અને બે ડોક્ટરો લઇને પાકિસ્તાન જતો રહ્યો, જ્યાં કરાંચીમાં તેનું “જૂનાગઢ હાઉસ” નામનું મહેલાત જેવું મકાન હતું. ત્યારબાદ ભુટ્ટો પણ પાકિસ્તાન જતા રહ્યા.

No comments:

Post a Comment