# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday 11 August 2018

આજે શહીદ વીર ખુદીરામ બોઝની પુણ્યતિથિ

આજે શહીદ વીર ખુદીરામ બોઝની  પુણ્યતિથિ



- માત્ર 18 વર્ષની ઉંમરે દેશ માટે હાથમાં ભગવત ગીતા લઈ ફાંસીના માંચડે ચડી ગયા હતા

- સંગઠિત ક્રાંતિનો પહેલો શહીદ ખુદીરામ બોઝ

અમદાવાદ તા. 11 ઓગસ્ટ 2017, શુક્રવાર
ગુજરાત સમાચાર

ભારતને આઝાદી અપાવવા માટે અસંખ્ય દેશભક્ત્તો અને શહીદોને પોતાના પ્રાણની આહુતિ દેવી પડી હતી. તે અમર શહીદોમાં એક ખુદીરામ બોઝ હતા. 3 ડિસેમ્બર 1889ના રોજ તત્કાલીન અવિભાજિત બંગાળના ગામ કેશપુરમાં જન્મેલા ખુદીરામ બોઝમાં બાળપણમાંથી જ દેશભક્ત્તિની પ્રબળ ભાવના હતી.

તેઓ ઘણીવાર પોતાના મિત્રોની સાથે દેશને આઝાદ કરાવવાની વાતો કરતા હતા. તે દરમિયાન તત્કાલીન ગવર્નર લોર્ડ કર્જનએ બંગાળના વિભાજનનો પ્રસ્તાવ રાખ્યો, જેના આધાર પર બંગાળના બે ભાગ પાડવામાં આવ્યા. ત્યાર બાદ સમગ્ર દેશમાં જબરદસ્ત પ્રતિક્રિયા સામે આવી. આના કારણે દેશભરમાં વિદ્રોહની જ્વાળાઓ સળગવા લાગી.

શ્રી અરવિંદ અને સિસ્ટર નિવેદિતાએ વર્ષ 1902 અને 1903માં મિદનાપુરમાં જાહેર વ્યાખ્યાન આપ્યા હતા અને કેટલીક ખાનગી વિચારગોષ્ઠિના આયોજન કર્યા હતા. તે વખતે ક્રાંતિકારી જૂથોએ તેમાં ભાગ લીધો હતો જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. આ યુવા વર્ગ જોશીલો અને ઉત્સાહથી ભરપૂર અને કંઈક કરી દેખાડવાના મતના હતા. ખુદીરામે પોતાના શિક્ષક પાસે રિવોલ્વર માગી હતી.

આ દરમિયાન મુઝફ્ફરપુરમાં ભારતીયોને કોલકાતાના મેજિસ્ટ્રેટ કિંગ્સફોર્ડ દ્વારા આકરી સજા કરવામાં આવી રહીં હતી. કિંગ્સ ફોર્ડ નામનો એક અંગ્રેજ ઉચ્ચ અધિકારી આ દેશની સ્વતંત્રતા જંખતા અનેકોનેક ક્રાંતીવીરો માટે શેતાન બનેલો હતો. સ્વભાવે ખૂબ જ નિર્દયી અને ક્રાંતિકારીઓને કચડી નાંખવાનું જાણે તેણે બીડુ ઝડપ્યું હતું. ક્રાંતિકારીઓ ઉપર અત્યાચાર કરવો એ જાણે એનો ધર્મ બની ગયો હતો. ખુદીરામ બોઝે આ મહા અત્યાચારીને સદાયને માટે સુવાડી દેવાનો નિર્ણય કર્યો.

1908ની 30મી એપ્રિલનો એ દિવસ. ખુદીરામ અને તેનો ક્રાંતિકારી મિત્ર પ્રફુલ્લ ચાકીએ આ કિંગ્સ ફોર્ડને સદાય માટે રામશરણ કરવાનો નિર્ધાર કર્યો. 30મી એપ્રિલે મુજફ્ફરપુર (બિહાર)માં કિંગ્સ ફોર્ડની ફિટન ગાડી પર બોંબ ઝીંકી દીધો. પરંતુ છેલ્લી ઘડીએ કિંગ્સફોર્ડ નહીં આવવાના કારણે તે બચી ગયા અને બે યૂરોપિયન મહિલાઓને પોતાની જાનથી હાથ ધોવા પડ્યા હતા. ભારતના ઇતિહાસમાં આ પહેલો બોમ્બ બ્લાસ્ટ હતો જેની અવાજ ત્રણ મીલ સુધી સાંભળવા મળી હતી.  ખુદીરામને પકડવા માટે રૂ. 1000ના  ઇનામની રકમની જાહેરાત પણ કરવામાં આવી હતી.

ટૂંક સમયમાં બોમ્બ ફેંકવાના આરોપમાં ખુદીરામ બોઝની ધરપકડ કરી લેવામાં આવી અને તેના પર કેસ ચલાવવામાં આવ્યો. તેઓને જજ દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી. ફાંસીના દિવસ પહેલાના દિવસોમાં જેલના ડેપ્યુટી જેલર સાથે ખુદીરામના ખુબ જ મીઠા સબંધો થઈ ગયા હતા. ખુદીરામ જેલરને ‘બાબા’ કહીને બોલાવતા.
      
11મી ઓગષ્ટે સવારે-4 વાગે ખુદીરામને ફાંસી આપવાની હતી. 10મી ઓગષ્ટે રાત્રે જેલર સાહેબ ખુદીરામ માટે ચૂસવાની કેરીઓ લઈને આવ્યા અને કહ્યું, “બેટા, આ થોડીક કેરીઓ તારા માટે લાવ્યો છું, ખાઈ લે જે. કાલે સવારે તો તને ફાંસી થવાની છે.” ખુદીરામે હસીને કેરીઓ લઈ લીધી.

11મી ઓગષ્ટે કેરીઓને ત્યાંની ત્યાં પડેલી જોઈને જેલરે વિચાર્યું કે જેને થોડા સમય પછી ફાંસીએ લટકવાનું છે તેને આ કેરીઓ ખાવાની ઈચ્છા ક્યાંથી થાય ? જેલરે જ્યારે તે કેરીઓ ઊઠાવી તો તે ખાલી છોતરાં હતાં. ખુદીરામ ખડખડાટ હસી પડ્યો અને કહ્યું, “કેરીઓ તો મેં ખાઈ લીધી છે.” હકીકતમાં કેરીઓ ચૂસી જઈને ખુદીરામે તેનાં છોતરાંમાં મોંથી હવા ભરી દીધી હતી અને એવી રીતે મુકેલી કે અદ્દલ કેરીઓ પડી હોય તેવું લાગે.

જેલર ખુદીરામની જિન્દાદીલીથી આશ્ચર્યચક્તિ થઈ ગયો હતો. 11મી ઓગષ્ટ 1908ના દિવસે ભારત માતાનો આ નાનકડો લાલ દેશની આઝાદી માટે હાથમાં ગીતા રાખી ફાંસીને માંચડે લટકી ગયો. ધન્ય છે આવા ભારત માતાના સપૂતોને.

શહીદ ખુદીરામ બોઝને ફાંસી આપવામાં આવી ત્યારે તેમની વય 18 વર્ષ, 7 માસ, 11 દિવસની હતી. પરંતુ બોઝની આ શહાદતએ બંગાળમાં હજારો લાખો યુવાનોને દેશ માટે મર મિટવા માટે રસ્તો દેખાડી દિધો, ત્યાર બાદ સમગ્ર બંગાળમાં યુવા દેશભક્ત્તોએ બ્રિટિશ રાજને હલાવી દિધું.


No comments:

Post a Comment