# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Monday 13 August 2018

વીર સપૂત ઉધમ સિંહ


અમૃતસરના સુવર્ણ મંદિર નજીકનો નાનકડો બગીચો જલિયાંવાલા બાગ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં એક અનોખુ સ્થાન ધરાવે છે. જલિયાંવાલા બાગ હત્યાકાંડનું નામ સાંભળીને એવો કોઇ ભારતીય નથી જેના મનમાં અંગ્રેજો પ્રત્યે ધિક્કારની લાગણી પેદા ન થાય. ત્યારે શહીદ ઉધમસિંહ જેવા દેશના વીર સપૂતોએ અંગ્રેજોની આ કાયરતાનો જબરદસ્ત જવાબ આપ્યો હતો. દેશમાં ભગતસિંહ, સુખદેવ અને આઝાદ જેવા રાષ્ટ્રવાદી ક્રાંતિકારીઓની આખી ટોળીએ અંગ્રેજોનાં મૂળિયા ઉખાડી નાખવા માટે જાતને હોમી દીધી, તો આજના દિવસે જ ઇંગ્લેન્ડની ધરતી પર ફાંસીએ ઝૂલનારા સરદાર ઉધમસિંહે અંગ્રેજોની ક્રૂરતાનો બદલો તેમની જ ધરતી પર જઇને લીધો હતો અને તે પણ 21 વર્ષો પછી.











માતા-પિતા બંનેનું અવસાન થઇ જતાં અનાથાલયમાં લીધો હતો આશરો





અમર શહીદ સરદાર ઉધમસિંહનો જન્મ 26 ડિસેમ્બર, 1899ના રોજ પંજાબના સંગરૂર જિલ્લાના સુનામ ગામમાં થયો હતો.





વર્ષ 1901માં ઉધમસિંહની માતા અને 1907માં તેમના પિતાનું અવસાન થયું. આ ઘટનાને કારણે તેમને પોતાના મોટાભાઈ સાથે અમૃતસરના એક અનાથાલયમાં આશરો લેવો પડ્યો. ઉધમસિંહનું બાળપણનું નામ શેરસિંહ અને તેમના ભાઈનું નામ મુક્તાસિંહ હતું, જેમને અનાથાલયમાં અનુક્રમે ઉધમસિંહ અને સાધુસિંહના નવા નામ મળ્યા. પરંતુ સરદાર ઉધમસિંહે ભારતીય સમાજની એકતા માટે પોતાનું નામ બદલીને રામ મોહમ્મદ સિંહ આઝાદ રાખી લીધું હતું, જે ભારતના ત્રણ મુખ્ય ધર્મોનું પ્રતીક છે.





ઉધમસિંહ ભલે અનાથાયલમાં ઉછરી રહ્યા હતા, પરંતુ દેશપ્રેમને પોતાની અંદર ઉછેરી રહ્યા હતા. આ દરમિયાન 1917માં તેમના મોટાભાઈનું પણ અવસાન થઇ ગયું. તેઓ સંપૂર્ણપણે અનાથ થઇ ગયા. 1919માં તેમણે અનાથાલય છોડી દીધું અને ક્રાંતિકારીઓની સાથે મળીને આઝાદીની લડાઇમાં સામેલ થઇ ગયા.

'સાચો ભારતીય ક્યારેય મહિલાઓ અને બાળકો પર હથિયાર નથી ઉઠાવતો'



સરદાર ઉધમસિંહે જલિયાંવાલા બાગ હત્યાંકાંડ સમયે ગવર્નર રહેલા માઇકલ ઓ ડાયરને તેની જ ધરતી પર જઇને ગોળીઓથી વીંધી નાખ્યો હતો અને ત્યારબાદ શહીદ ભગતસિંહની જેમ જ આત્મસમર્પણ કર્યું હતું.

ખાસ વાત એ હતી કે તેમણે માઇકલ ઓ ડાયર સિવાય કોઇને પણ નિશાન બનાવ્યા ન હતા, કારણકે ત્યાં મહિલાઓ અને બાળકો પણ હતા. અંગ્રેજોએ ફાંસીની સજાની સુનાવણી દરમિયાન ઉધમસિંહને પૂછ્યું હતું કે તેમણે અન્ય કોઇને ગોળી કેમ ન મારી, તો વીર ઉધમસિંહનો જવાબ હતો કે સાચો ભારતીય ક્યારેય મહિલાઓ અને બાળકો પર હથિયાર નથી ઉઠાવતો .



ઉધમસિંહને ત્યારબાદ શહીદ-એ-આઝમની ઉપાધિ આપવામાં આવી હતી, જે સરદાર ભગતસિંહને શહાદત પછી મળી હતી.

આંખોની સામે જોયો જલિયાંવાલા બાગ હત્યાકાંડ અને માટી હાથમાં લઇને લીધી પ્રતિજ્ઞા

13 એપ્રિલ, 1919ના રોજ ઉધમસિંહની આંખોની સામે જ જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો હતો. તેઓ તેના પ્રત્યક્ષદર્શી હતા. તેઓ સાક્ષી હતા તે હજારો બેનામી ભારતીયોની ક્રૂર હત્યાના જેઓ તત્કાલીન જનરલ ડાયરના આદેશ પર ગોળીઓનો શિકાર બન્યા હતા. ત્યારે જ તેમણે જલિયાંવાલા બાગની માટી હાથમાં લઇને જનરલ ડાયર અને પંજાબના ગવર્નર માઇકલ ઓ ડાયરને પાઠ ભણાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારબાદ તેઓ ક્રાંતિકારી ઘટનાઓમાં ઉતરી પડ્યા. સરદાર ઉધમસિંહ ક્રાંતિકારીઓ પાસેથી નાણાભંડોળ ભેગું કરીને દેશની બહાર ચાલ્યા ગયા અને દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, બ્રાઝિલ અને અમેરિકાની યાત્રા કરીને ક્રાંતિ માટે ધન ભેગું કર્યું. આ દરમિયાન દેશના મોટા ક્રાંતિકારીઓ એક-એક કરીને અંગ્રેજો સામે લડતાં-લડતાં જીવ ગુમાવી રહ્યા હતા. એવામાં તેમના માટે આંદોલન ચલાવવું મુશ્કેલ બની રહ્યું હતું. પરંતુ તેઓ પોતાની પ્રતિજ્ઞાના પાલન પર અડગ રહ્યા હતા.



અત્યાચારીઓને ભારતીય વીર ક્યારેય બક્ષતા નથી

ઉધમસિંહ લંડન પહોંચે તે પહેલા 1927માં જનરલ ડાયર બીમારીના કારણે મરી ગયો હતો. તેથી તેમણે પોતાનું સંપૂર્ણ ધ્યાન માઇકલ ઓ ડાયરને મારવા પર કેન્દ્રિત કર્યું. કોઇક રીતે લપાતા-છુપાતા તેઓ 1934માં લંડન પહોંચ્યા અને ત્યાં 9, એલ્ડર સ્ટ્રીટ કમર્શિયલ રોડ પર રહેવા લાગ્યા. ત્યાં તેમણે ફરવા માટે એક કાર અને પોતાનું મિશન પૂરું કરવા માટે છ ગોળીઓવાળી એક રિવોલ્વર ખરીદી. પછી માઇકલ ઓ ડાયરને ઠેકાણે પાડવાના યોગ્ય સમયની રાહ જોવા લાગ્યા.



આખરે એ મોકો ઉધમસિંહને 1940માં મળ્યો. જલિયાંવાલા બાગ હત્યાકાંડના 21 વર્ષો પથી 13 માર્ચ, 1940ના રોજ રોયલ સેન્ટ્રલ એશિયન સોસાયટીની લંડનની કાક્સટન હોટલમાં બેઠક હતી જ્યાં માઇકલ ઓ ડાયર પણ એક વક્તા હતો. ઉધમસિંહ તે જ દિવસે બેઠકસ્થળ પર પહોંચી ગયા. પોતાની રિવોલ્વર એક મોટા પુસ્તકમાં છુપાવી દીધી. બેઠક પછી દીવાલની પાછળ મોરચો સંભાળીને ઉધમસિંહે માઇકલ ઓ ડાયર પર ગોળીઓ છોડી દીધી. બે ગોળીઓ માઇકલ ઓ ડાયરને લાગી જેનાથી તેનું તાત્કાલિક મોત થઇ ગયું. ઉધમસિંહે પોતાની પ્રતિજ્ઞા પૂરી કરીને દુનિયાને સંદેશ આપ્યો કે અત્યાચારીઓને ભારતીય વીર ક્યારેય બક્ષતા નથી.



4 જૂન, 1940ના રોજ ઉધમસિંહને હત્યા માટે દોષી ઠેરવવામાં આવ્યા અને 31 જુલાઈ, 1940ના રોજ તેમને પેન્ટનવિલે જેલમાં ફાંસી આપી દેવામાં આવી. આ રીતે આ ક્રાંતિકારી ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં અમર થઇ ગયા. 1974માં બ્રિટને તેમના અવશેષ ભારતને સોંપી દીધા.


No comments:

Post a Comment