# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Monday 22 October 2018

મુઘલાઈ યુદ્ધોઃ પાણીપતનું પહેલું યુદ્ધ - 3


મુઘલાઈ યુદ્ધોઃ પાણીપતનું પહેલું યુદ્ધ - 3




આભાર -  અરુણભાઈ  વાઘેલા
પ્રકાશન તારીખ16 Aug 2018





 





 






બાબરના લલકાર અને ઈબ્રાહિમ લોદીના પ્રતિસાદ સાથે પાણીપતનું યુગપરિવર્તનકારી યુદ્ધ શરુ થયું. બાબરે યુદ્ધ પહેલાં વિચારેલી બધી જ યોજનાઓ ચરિતાર્થ થઇ રહી હતી. તેની વ્યૂહરચનાઓ રંગ લાવી રહી હતી. તેના કુશળ સૈનિકો અને સેનાપતિઓ યુદ્ધની વ્યૂહરચના મુજબ આગળ ધપી રહ્યા હતા. મુઘલ સેનાપતિઓની તોપો આગ વરસાવી રહી હતી. આ તોપમારામાં દિલ્હી સલ્તનતની ફોજ નિ:સહાય બની રહી. ૨૧ એપ્રિલ ૧૫૨૬ની બપોર સુધીમાં તો અફઘાન સેનાના ૪૦થી ૫૦ હજાર સૈનિકો યુદ્ધ મેદાનમાં ઢેર થઇ ચૂક્યા હતા. ખુદ સુલતાન ઈબ્રાહિમ લોદી પણ યુદ્ધમાં માર્યો ગયો.



૨૧ એપ્રિલ ૧૫૨૬ની બપોર સુધીમાં તો અફઘાન સેનાના ૪૦થી ૫૦ હજાર સૈનિકો યુદ્ધ મેદાનમાં ઢેર થઇ ચૂક્યા હતા. ખુદ સુલતાન ઈબ્રાહિમ લોદી પણ યુદ્ધમાં માર્યો ગયો.


પાણીપતના પહેલા યુદ્ધની આ પરાકાષ્ઠાનું આંખે દેખ્યું ચિત્રણ બાબરે તેની આત્મકથા "તઝુક -એ-બાબરી"માં આપ્યું છે : " અમારા તરફથી અફઘાનો પર હુમલો થયો ત્યારે સૂર્ય ભાલા જેટલો ઊંચો આવ્યો હતો અને યુદ્ધ દિવસના મધ્યાહ્ન સુધી ચાલ્યું. ત્યાં સુધીમાં તો દુશ્મનદળમાં સંપૂર્ણ ભંગાણ પડી તેમનું સૈન્ય વેરવિખેર થઇ ચૂક્યું હતું અને મારા માણસો વિજયી થયા હતા. સર્વશક્તિમાન ઈશ્વરની કૃપાથી આ અતિ દુષ્કરકાર્ય મારા માટે સરળ બન્યું અને અડધા દિવસમાં જ ઈબ્રાહિમ લોદીનું શક્તિમાન લશ્કર ધૂળમાં રગદોળાઈ ગયું."

આમ જે યુદ્ધ ભારતના ઈતિહાસ પર ખૂબ લાંબી અસર નિપજાવવાનું હતું તે માત્ર એકથી દોઢ દિવસમાં પૂરું થયું. બાબરની તિવ્ર નિર્ણયશક્તિ અને અદમ્ય સાહસ દ્વારા મેળવેલો આ અપ્રિતમ વિજય હતો. તેમાં સલ્તનતની રક્ષા કરતા ૪૦થી ૫૦ હજાર સૈનિકોએ પોતાના જાનની આહુતિ આપી. આટલી મોટી સંખ્યામાં હતાહતને કારણે દિલ્હીમાં તો માતમ સર્જાયો હતો. અફઘાનો માટે કયામત સર્જી બાબરે હિન્દુસ્તાનમાં મુઘલ શાસનની સ્થાપના કરી. હવે આ જ મુઘલો ભારતના તખ્ત પર પ્રત્યક્ષ રીતે ૨૦૦ વર્ષ અને છૂટક છૂટક ઈ.સ. ૧૮૫૭ સુધી રાજ કરવાના હતા. ભારતના રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જીવનમાં
નવાં સમીકરણો રચાવાનાં હતાં.

પાણીપતનું યુદ્ધ ભલે બાબર અને મુઘલો જીત્યા પણ તેમના માટે પાણીપત તો પાશેરામાં પહેલી પૂણી સમાન જ હતું. તેનું કારણ એ હતું કે બાબર સામે આના કરતાં પણ વિકરાળ સમસ્યાઓ મોઢું ફાડીને ઊભી હતી. પાણીપત વિજય પછી બાબર આગ્રા પહોંચ્યો અને ત્યાં પોતાની અને મુઘલોની પહેલી રાજધાની બનાવી. પરંતુ અફઘાનોનાં પતન પછી પણ આગ્રાની આજુબાજુ વિદ્રોહ ફાટી નીકળ્યો હતો. ઉત્તર ભારતના બીજા અફઘાનો અને રજપૂતોએ તેની આગેવાની લીધી હતી. આ બંને કોમો મુઘલોને પોતાના દુશ્મન માનતા હતા. ખુદ બાબરે નોંધ્યું છે કે, "જ્યારે હું પહેલીવાર આગ્રા પહોંચ્યો ત્યારે ત્યાંના લોકો મને અને મારા માણસોને અત્યંત ઘૃણાની નજરે જોતા હતા. તેમનો અમારા તરફ પુષ્કળ તિરસ્કાર અને શત્રુતાનો ભાવ સ્પષ્ટ દેખાતો હતો. ત્યાંના બધા રહેવાસીઓ ભયના માર્યા નાસી જતા હતા. જેને કારણે અમારા સૈનિકો અને પશુઓ માટે અનાજ અને ઘાસચારાની અછત પેદા થઈ હતી."



જે યુદ્ધ ભારતના ઈતિહાસ પર ખૂબ લાંબી અસર નિપજાવવાનું હતું તે માત્ર એકથી દોઢ દિવસમાં પૂરું થયું. બાબરની તિવ્ર નિર્ણયશક્તિ અને અદમ્ય સાહસ દ્વારા મેળવેલો આ અપ્રિતમ વિજય હતો.


આ પ્રકારની પરિસ્થિતિમાં બાબરના સૈનિકો લાંબી ટક્કર લઇ ન શક્યા અને તેઓએ "કાબુલ પાછા ફરો"નો નારો બુલંદ કર્યો, પણ બાબર સિકંદર ન હતો. આપણે સિકંદરના અભિયાન (ઈ.સ. પૂર્વે ૩૨૭) વખતે જોયું હતું કે તેની પોતાની ભારતમાં આગળ વધવાની ઘણી ઈચ્છા હતી, પણ ગ્રીક સૈનિકો સામે લાચાર થઇ સિકંદરે પરત ફરવું પડ્યું હતું, પણ અહીં સંજોગો સિકંદર જેવા હોવા છતાં સેનાપતિ જુદો હતો. બાબરે અડગ ધૈર્ય અને હિંમત બતાવી સૈનિકોમાં નવું ચૈતન્ય પ્રગટાવ્યું. એક સારા સેનાનાયકમાં જરૂરી દરેક સદગુણ દર્શાવી બાબરે પોતાના સૈનિકોને ભારતમાં ટકાવી રાખ્યા. કારણકે તેનો મકસદ ભારતમાં મોટા સામ્રાજ્યની સ્થાપના કરવાનો હતો, પણ સમગ્ર ભારત વિજય બાબર માટે આસાન ન હતો. હજુ તો કન્વાહ, ચંદેરી, કનૌજ, ઘાઘરાનાં યુદ્ધો તેની રાહ જોતાં ઊભાં હતાં.






આવતી કાલે મુઘલો અને બાબર માટે મહત્ત્વના એવા રાણા સાંગા અને બાબર વચ્ચે પાણીપતના યુદ્ધના બીજા જ વર્ષે એટલે કે ઈ.સ. ૧૫૨૭માં થયેલા યુદ્ધની વાત કરીશું.
arun.tribalhistory@gmail.com



No comments:

Post a Comment