ચીમેર ધોધની મુલાકાતે
pdf
Click here


Click here
ચીમેર ધોધની મુલાકાતે – પ્રવીણ શાહ
September 25th, 2013 |
પ્રકાર : પ્રવાસવર્ણન | સાહિત્યકાર :
પ્રવીણ શાહ

આપણા ગુજરાતમાં ખૂણેખાંચરે એવાં કેટલાંયે સ્થળો છે જે જોવા જેવાં
હોય, પણ એ બહુ જાણીતાં ના હોય, એટલે એવી જગાએ બહુ ઓછા લોકો જતા હોય.
આવી એક કુદરતના સાંનિધ્યમાં આવેલી સરસ જગા છે ચીમેરનો ધોધ. ડાંગ જીલ્લાના અંતરિયાળ
પ્રદેશમાં આ ધોધ આવેલો છે. નામ બહુ જાણીતું નથી, પણ તે જોવા જેવો જરૂર છે. આ ધોધને
પોતાનું આગવું સૌન્દર્ય છે. આશરે ૩૦૦ ફૂટ જેટલે ઉંચેથી, બિલકુલ સીધો જ નીચે
પડે છે. ચોમાસામાં પાણી ઘણું વધારે હોય ત્યારે આ ધોધ ખૂબ ભવ્ય લાગે છે. એટલે તો
એને ‘ગુજરાતનો નાયગરા’
કહે છે. આ ધોધ જુઓ ત્યારે એમ લાગશે જ
કે ‘અરે ! અત્યાર સુધી આપણે અહીં કેમ ના આવ્યા ?’
ડાંગ જિલ્લામાં જોવાલાયક જગાઓ ઘણી છે. જેવી કે ગીરા ધોધ, ગીરામલ ધોધ, શબરીધામ, ગૌમુખ, નિનાઈ ધોધ, સાપુતારા, પંપા સરોવર વગેરે.
અમે આ બધી જગાઓ જોયેલી હતી. એટલે આ ચોમાસામાં કોઇક નવી જગાએ જવાનું વિચાર્યું.
થોડો અભ્યાસ કરતાં અને મિત્રોને પૂછતાં જાણવા મળ્યું કે ડાંગ જીલ્લામાં હજુ તો
બીજા ઘણા ધોધ જોવા જેવા છે. હિમાલયનાં જંગલો અને ખીણોમાં ઉછળતી કૂદતી નદીઓ હોય એવી
નદીઓ ડાંગમાં પણ છે. એમાં પૂર્ણા,
અંબિકા, ખાપરી, ઝાંખરી વગેરેને ગણાવી શકાય. હિમાલયમાં
હોય એવાં ઘનઘોર જંગલો પણ અહીં છે,
તથા આ જંગલોમાં ગુજરાત સરકારના
વનવિભાગે ઉભી કરેલી કેમ્પ સાઈટો પણ છે. આ બધું જાણીને મન લલચાઈ ગયું અને અમે
ડાંગના બે દિવસના ટૂંકા પ્રવાસે નીકળી પડ્યા. અમે ચાર ગાડીઓમાં નાનામોટા મળીને કુલ
૧૭ જણ હતા.
વરસાદની ઋતુ હતી. અમે સવારે ૮ વાગે ભરૂચથી નીકળ્યા. મનમાં જંગલમાં
રખડવાનો ઉત્સાહ અને ઉન્માદ હતો. ભરૂચથી કીમ, માંડવી, વ્યારા થઈને સોનગઢ પહોંચ્યા. વચમાં
માંડવી આગળ કાકડાપાર અણુમથકની કોલોનીમાં રહેતા એક મિત્રની મહેમાનગતિ માણી. તેમની
પાસેથી ચીમેર ધોધ તથા બીજાં સ્થળો વિષેની માહિતી એકઠી કરી. તેઓ સારા પ્રવાસી અને
પક્ષીવિદ છે. રસ્તામાં એક હોટેલમાં ચા અને ભજીયાંની જ્યાફત માણી. સવારનો પહેલો
નાસ્તો તો બહુ જ વહાલો લાગે. ભરૂચથી સોનગઢનું અંતર ૧૨૦ કી.મી. છે. સોનગઢથી હવે ખરો
પ્રવાસ શરુ થતો હતો. સોનગઢથી જ જંગલ વિસ્તાર શરુ થઇ જાય છે. અહીંથી શબરીધામના
રસ્તે જવાનું. આ રસ્તો એ કોઈ મોટો હાઈ-વે નથી. પણ જંગલમાં થઈને પસાર થતો, વળાંકોવાળો
ઉંચોનીચો રસ્તો છે. ગાડી તેમ જ બસ પણ આરામથી જઈ શકે. રસ્તામાં
એક ખડખડ વહેતી નદી આવી. અહીં નદીના બેકગ્રાઉન્ડમાં ફોટા પડ્યા. રોડ સાઇડે એક
નાનકડો ધોધ પણ આવ્યો. એમાં ય હાથપગ બોળી આવ્યા. સોનગઢથી ૨૦ કી.મી. પછી હિંદલા ગામ
આવ્યું.
હિંદલાથી ૮ કી.મી. પછી ચીમેર ગામ આવ્યું. અહીં ગામ એટલે
છૂટાંછવાયાં ફક્ત આઠ દસ ઘર જ. ગામ જેવું લાગે જ નહિ. હા, રસ્તા પર ચીમેરનું
બોર્ડ છે ખરું. અમારે ચીમેરનો ધોધ જોવો હતો એટલે માહિતી મુજબ, સ્કુલના મકાન આગળથી
જમણી બાજુની સાંકડી ગલીમાં વળી ગયા. આ ગલીમાં એક કી.મી. સુધી ગાડી જઈ શકે છે. પછી
ગાડી મૂકી દેવાની અને ચાલતા જવાનું. અમે ઉંચાનીચા, ખેતરમાંથી પસાર થતા, ક્યાંક પાણીના
વહેળામાંથી પસાર થતા કેડી જેવા રસ્તે લગભગ ૨ કી.મી. જેટલું ચાલ્યા અને ચીમેર ધોધ
આગળ પહોંચ્યા. કેડીની આજુબાજુનાં ખેતરોમાં ડાંગરના છોડ લહેરાતા હતા. ક્યાંક અહીંની
આદિવાસી પ્રજાનું ખોરડું દેખાતું હતું. એક ખોરડામાં રહેતી પ્રેમાળ સ્ત્રીએ અમને
પાણી પીવડાવ્યું, ખાટલો ઢાળી આપ્યો,
મકાઈ કે નાગલીના રોટલાનું ડાંગી ખાણું
બનાવી આપવા તૈયાર થઇ, પણ અમે ના પાડી. પાંચેક મિનિટ અહીં બેઠા, આજુબાજુનાં
છોકરાછોકરીઓ બધાં એકઠાં થઇ ગયાં. ફોટા તો પાડ્યા જ. એ છોકરાં રસ્તો બતાવવા ધોધ
સુધી અમારી સાથે આવ્યાં.

અને અમે ચીમેરનો ધોધ જોયો. અહા ! શું ભવ્ય ધોધ છે ! ધોધ નીચે પડીને
જે નદી વહે તેના સામા ઉંચા કિનારે અમે હતા. એટલે નીચે ઉતરવાનો કે ધોધના પાણી સુધી
જવાનો સવાલ જ પેદા થતો ન હતો. બસ,
આશરે ૧૦૦ ફૂટ દૂર રહીને સામા કિનારેથી
જ ધોધ જોવાનો. અહીં કુલ ૪ ધોધ નીચે પડે છે. સામેના ધોધ ઉપરાંત, અમે જે પથ્થરો પર
ઉભા હતા તેની બાજુમાં વહેતું પાણી પણ નીચે ધોધરૂપે પડે છે. જો આ પાણીમાં લપસ્યા કે
ખેંચાઈ ગયા, તો ૩૦૦ ફૂટ નીચેની નદીમાં ખાબક્યા જ સમજો. કોઈ બચાવવા પણ ન આવી
શકે. સાઇડમાં બીજા બે ધોધ નીચે પડે છે, જે ઝાડીઝાંખરાંને કારણે દેખાતા નથી.
સામે દેખાતો ધોધ એ જ ચીમેરનો મુખ્ય ધોધ. ધોધનો દેખાવ અને જંગલનો માહોલ અદભૂત છે.
સૂમસામ જંગલમાં એકમાત્ર ધોધનો કર્ણપ્રિય અવાજ. નીચે પડતું પાણી ધુમ્મસમય વાતાવરણ
સર્જે છે. અહીં સામે પથ્થરો પર બેસી એમ થાય કે બસ, ધોધને જોયા જ કરીએ. ધોધનું આ દ્રશ્ય
મગજમાં કોતરાઈ ગયું છે. નવાઈ લાગે છે કે આપણા ગુજરાતમાં આવી સરસ જગા છે. અમને
બધાને બહુ જ મજા આવી. ધોધની અલગ અલગ એન્ગલથી તસ્વીરો લીધી. આવો સરસ ધોધ જોઈને બધા
બહુ જ મૂડમાં હતા. આજે બપોરનું ખાવાનું પણ કોઈને યાદ આવ્યું ન હતું.
છેવટે અહીંથી બે કી.મી. પાછા ચાલીને ગાડી સુધી પહોંચ્યા. ચાલીને
થાક્યા હતા પણ એક સુંદર સ્થળ જોયાનો બધાને પરમ સંતોષ હતો. આ ૨ કી.મી.માં જો સરસ
રસ્તો બનાવી દેવામાં આવે તો છેક ધોધ સુધી ગાડી લઈને જવાય, જવાનું સરળ બની
જાય. અમે ગાડીઓમાં મૂળ રસ્તે ચીમેર ગામ આવ્યા. ચીમેરથી ૬ કી.મી. દૂર નિશાના ગામે
એક સરસ ધોધ આવેલો છે, પણ થાક્યાપાક્યા ત્યાં જવાનું માંડી વાળ્યું. અમે શબરીધામથી ૩
કી.મી. દૂર આવેલા એક રીસોર્ટમાં રાત રહેવાનું બુકીંગ કરાવ્યું હતું. એટલે ચીમેરથી
શીંગણા અને સુબીર થઈને રીસોર્ટ પર પહોંચ્યા. ચીમેરથી રીસોર્ટ ૨૦ કી.મી. દૂર હતો.
રીસોર્ટ પહોંચીને રૂમોમાં આરામ ફરમાવ્યો. પણ અમારામાંના બેચાર
ઉત્સાહી જુવાનીયાઓએ તો અહીં જાતે ખીચડી બનાવીને જમવાનું નક્કી કર્યું હતું. આ
રીસોર્ટ જંગલની વચ્ચે આવેલો છે. એટલે દોસ્તોએ ખુલ્લા જંગલમાં ચૂલો સળગાવી રસોઈ
તૈયાર કરી નાખી. બધો સામાન ઘેરથી લઈને જ આવેલા. ખીચડી, કઢી, શાક, અથાણું, પાપડ અને છાશ
ખાવાની તો શું મજા આવી ગઈ ! રાતના ઘસઘસાટ ઉંઘ આવી ગઈ. મચ્છર હતા, પણ અમે મચ્છર
અગરબત્તી લઈને જ આવેલા. અહીં લાઈટના બહુ ઠેકાણાં કહેવાય નહિ, એટલે અમે બેટરી, મીણબત્તી પણ સાથે
લાવેલા.
બીજા દિવસની શુભ સવાર. આજે શબરીધામ, પંપાસરોવર, મહાલ, જામલાપાડા, બારદા અને ક્રેબ
ધોધ જોવાનો પ્લાન હતો. રીસોર્ટથી નાહીધોઈને નાસ્તો કરીને નીકળી પડ્યા. પહેલાં તો ૩
કી.મી. દૂર શબરીધામમાં દર્શન કર્યાં. રામે વનવાસ દરમ્યાન શબરીનાં એંઠાં બોર અહીં
આરોગેલાં. શબરીધામ આગળ જ સુબીર ગામ છે. અહીંથી પંપા સરોવર બે રસ્તે જવાય છે. ટૂંકો
રસ્તો ૭ કી.મી.નો છે, પણ તે બહુ ખરાબ છે. લાંબો રસ્તો ૧૦ કી.મી.નો છે અને એ સારો છે.
પંપા સરોવર આગળ એક નદી, ચેક ડેમ પરથી ખડકો પર થઈને ધોધરૂપે પડે છે. એક મોટા પથ્થર પર
હનુમાનની મૂર્તિ છે. જગા બહુ સરસ છે. આગળ વહેતી નદીનું દ્રશ્ય પણ સુંદર છે. આ બધુ
જોઇ સુબીર પાછા આવ્યા. સુબીરથી આહવા સીધું જવાય છે.
અમે હવે, સુબીરથી ચાલ્યા ૨૧ કી.મી. દૂર આવેલા મહાલ તરફ. રસ્તો જંગલોમાંથી
પસાર થાય છે. મહાલ એ ડાંગનું ખૂબ જ જાણીતું સ્થળ છે. તે ડાંગની મધ્યમાં પૂર્ણા
નદીને કિનારે આવેલું છે. અહીં નદી પર ચેક ડેમ છે. નદીને કિનારે વનવિભાગનું રેસ્ટ
હાઉસ છે. નદીને સામે કિનારેથી વનવિભાગના નાકા આગળ ગાડી દીઠ ૨૦૦ રૂપિયા પ્રવેશ ફી
ભરીને, ૩ કી.મી. દૂર આવેલી કેમ્પ સાઇટ જવાય છે. આ રસ્તો પૂર્ણા નદીને
કિનારે થઈને, જંગલોની મધ્યમાં થઈને જાય છે. સાંકડો રસ્તો છે, સામેથી બીજું વાહન
આવે તો ખૂબ જ તકલીફ પડે. કેમ્પ સાઇટમાં રહેવા માટે બિલકુલ ગામઠી સ્ટાઈલની રૂમો છે.
ઝાડ પર બેત્રણ માળ જેટલે ઉંચે વાંસની ઝુંપડીઓ બાંધી છે. આ ઝુંપડીઓમાંથી પૂર્ણા
નદીનું દ્રશ્ય બહુ જ સરસ લાગે છે. પૂર્ણા નદી જાણે કે હિમાલયની કોઈ નદી હોય એવી
લાગે છે. આ નદીના વહેતા પાણીમાં નહાવાની તો ખૂબ મજા આવે. કેમ્પ સાઇટમાં સમૂહમાં
બેસવા માટે હોલ, ચોતરો વગેરે છે. અહીં ગ્રુપમાં પીકનીક મનાવવા આવ્યા હો તો મજા આવી
જાય. કેમ્પ સાઇટથી ૨ કી.મી. દૂર એક ધોધ પણ છે. એનું પાણી પૂર્ણા નદીમાં પડે છે.
કેમ્પ સાઇટમાં રાત રહેવું હોય તો આહવા ઓફિસે અગાઉથી બુકીંગ કરાવવું પડે છે. અમે
બુકીંગ નહોતુ કરાવ્યું, એટલે રૂમો ખાલી હોવા છતાં, તાત્કાલિક બુકીંગ અમને કરી આપ્યું
નહિ. એટલે અમે કેમ્પ સાઇટ જોઈને પાછા નીકળી ગયા. જમવાનું, અમે જે બધુ ઘેરથી લઈને
આવેલા, તે એક ઝાડ નીચે બેસીને ખાઈ લીધું. આવા વનભોજનનો આનંદ કોઈ ઓર જ હોય
છે.
હવે અમારે મહાલથી દક્ષિણે ૧૨ કી.મી. દૂર આવેલા જામલાપાડા અને
ત્યાંથી ૮ કી.મી. દૂર આવેલા ચનખલ ગામે જવું હતું. જામલાપાડામાં એક સરસ ધોધ છે.
ચનખલથી ૩ કી.મી. દૂર બારદા ધોધ છે. આ ધોધ સાત સ્ટેપમાં છે. તેમાં ટ્રેકીંગ કરીને
ઉપર ચડો તો આખો ધોધ જોવા મળે. પણ જામલાપાડા અને બારદા બંનેમાં ત્રણ ત્રણ કી.મી.
જેટલું ચાલવાનું થાય, હવે બધાને બહુ ચાલવાની ઈચ્છા નહોતી, એટલે અમે આ પ્લાન મુલતવી રાખ્યો.
ચનખલથી આગળ આહવા આવે. આહવા પાસે શીવઘાટ નામનો એક સરસ ધોધ છે.
અમે મહાલથી ઉત્તર તરફ સોનગઢની દિશામાં ચાલ્યા. ફક્ત એક જ કી.મી.
જેટલું ગયા પછી રસ્તાની બાજુમાં એક ધોધ આવ્યો. અમે બધા ગાડીઓ ઉભી રાખી નીચે
ઉતર્યા. થોડું વધુ નીચે, નદીની રેતીમાં ઉતરીને ધોધની સામે જઇને ઉભા રહ્યા. આ ધોધનું દ્રશ્ય
બહુ જ સરસ છે. એમાં જઇને નહાવાય એવું છે. બહુ જ લોકો અહીં નહાતા હતા. આ ધોધનું
પાણી બાજુમાં પૂર્ણા નદીમાં વહી જાય છે. અમે અહીં નહાવાનું મુલતવી રાખ્યું કારણ કે
આગળ આવતા ક્રેબ નામના ધોધમાં અમે નહાવાનું નક્કી કર્યું હતું. ગાડીઓ આગળ દોડાવી.
મહાલથી ૬ કી.મી. જેટલું ગયા હોઈશું અને રોડની બાજુમાં જ જાજરમાન ક્રેબ ધોધ દેખાયો.
આ ધોધ બહુ જ સરસ છે. અમે બધાં તો ઝટપટ કપડાં બદલીને ધોધમાં નહાવા પહોંચી ગયા. ખૂબ
જ નાહ્યા. ધોધનું પાણી ઉપરથી બરડા પર પડે ત્યારે કોઈ લાઠીનો માર મારતું હોય એવું
લાગે. ખૂબ જ મજા આવી ગઈ. એક વાર નદી કે ધોધમાં નહાવાની ઈચ્છા હતી તે પૂરી થઇ.
મનમાં તેનો સંતોષ ભરીને આગળ ચાલ્યા. ચારેક કી.મી. પછી બરડીપાડા ગામ આવ્યું. મહાલથી
બરડીપાડાનો આ રસ્તો ઘનઘોર જંગલોથી ભરપૂર છે. જંગલો માટે આ રસ્તો જાણીતો છે.
બરડીપાડાથી રૂપગઢનો કિલ્લો, કાલીબેલ ધોધ,
ખાતળમાછલી ધોધ, ભેંસકાતરી પાસે
માયાદેવી ધોધ વગેરે થઈને વ્યારા જઈ શકાય છે. પણ એમાં બીજો એક આખો દિવસ લાગી જાય.
અમારે આજે રાતના પાછા ભરુચ પહોંચી જવું હતું. એટલે બરડીપાડાથી અમે ટેમકા થઈને
વ્યારા પહોંચ્યા. હવે અંધારું થવા આવ્યું હતું. અમે વ્યારાથી બારડોલી અને કડોદરા
ચોકડી થઈને ભરુચ પહોંચ્યા. ત્યાં એક હોટેલમાં કાઠિયાવાડી જમીને ઘરે પહોંચ્યા.
બે દિવસના ભરચક પ્રોગ્રામમાં બહુ જ આનંદ આવ્યો. બધાને જલસો પડી
ગયો. હવે બધા સાથે આવેલા મિત્રો કહે છે કે ‘આ પ્રવાસમાં જે બાકી રહી ગયું, તેનો પ્રવાસ હવે
ક્યારે ગોઠવો છો ?’
No comments:
Post a Comment