નિનાઈ ધોધ
pdf
Click here

Click here
નિનાઈ ધોધ – પ્રવીણ શાહ
કુદરતી સૌંદર્યથી ભરપૂર હોય એવાં કેટલાંયે સ્થળો આપણા ગુજરાતમાં
ઘરઆંગણે આવેલાં છે. નિનાઈ ધોધ આવું એક અનુપમ સુંદરતા ધરાવતું સ્થળ છે. આ સ્થળ
વડોદરાથી ૧૮૦ કી.મી. દૂર જંગલોની વચ્ચે, ગુજરાતને છેવાડે, મહારાષ્ટ્રની
સરહદને અડીને આવેલું છે. વડોદરાથી સવારે નીકળી ને સાંજે પાછા આવી શકાય છે.
નિનાઈ ધોધની મઝા માણવા અમે જાન્યુઆરીની એક ઠંડી સવારે વડોદરાથી
નીકળી પડ્યા. અમારું દસ વ્યક્તિઓનું ગૃપ હતું. વડોદરાથી ડભોઈ, તિલકવાડા, રાજપીપળા, વિસલખાડી અને મોવી
થઈને ડેડીયાપાડા પહોંચ્યા. વીસલખાડીવાળો જંગલોમાં થઈને પસાર થતો ઊંચોનીચો રસ્તો
મનને આનંદ આપે છે. ડેડીયાપાડાથી નિનાઈ ૩૫ કી.મી. દૂર છે. અહીંથી વનવિભાગની મંજૂરી
લઈને જવાનું હોય છે. અમે ડેડીયાપાડામાં વનવિભાગની ઓફીસ શોધી કાઢી. ત્યાંથી તેઓએ
કહ્યું કે નિનાઈ માટેની મંજૂરી તમારે શીંગરોટી ગામથી લેવાની, એટલે અમે નિનાઈને
રસ્તે આગળ વધ્યા. દસેક કી.મી. પછી શીંગરોટી ગામ આવ્યું. ત્યાં જરૂરી રકમ ભરીને
નિનાઈ જવાની મંજૂરી મેળવી લીધી અને આગળ ચાલ્યા. શીંગરોટી પછી મોઝદા, સગાઈ થઈને અમે
નિનાઈ તરફ પ્રસ્થાન કર્યું. આ માર્ગમાં ડેડીયાપાડાથી જ જંગલો શરૂ થઈ જાય છે. રસ્તો
સારો છે. રસ્તામાં ચેકડેમ, કેસૂડાનાં ઝાડ અને જંગલો મનને અનોખો આનંદ આપે છે. સગાઈ ગામમાં
રહેવા માટેની કોટેજો છે. જમવાની વ્યવસ્થા પણ સારી છે. નદીના કોતર પાસે જંગલમાં
બાંધેલી આ કોટેજોમાં રહેવાનું ગમે એવું છે. જો કે મચ્છરો વધુ છે. અંતે અમે નિનાઈ
નજીક જઈ પહોંચ્યા.
નિનાઈ પાસે એક બોર્ડ લગાવેલું છે, ‘પ્રકૃતિનું અદભૂત સૌંદર્ય, નિનાઈ ધોધ.’ ત્યાં તીર વડે
રસ્તો દર્શાવીને લખેલું છે ‘નિનાઈ ધોધ : અહીંથી 4 કી.મી.’ આ ચાર કી.મી.નો કાચો રસ્તો છે પરંતુ
ગાડી જઈ શકે છે. હા, ચોમાસામાં કદાચ ના જઈ શકાય.
ધોધના વિસ્તારમાં દાખલ થતાંમાં જ એક સુંદર મઢૂલી બાંધેલી છે.
મઢૂલીનું છાપરું અને બેઠકો વાંસનાં બનાવેલાં છે. સરસ ઠંડકવાળી જગ્યા છે. બપોરના
બાર થયા હતાં. અમને સૌને ભૂખ લાગી હતી અહીં બેસીને પહેલાં તો અમે જમી લીધું. સૌ
ઘરેથી જમવાનું લઈને આવ્યા હતાં. થેપલાં, ભાખરી, અથાણું, છૂંદો, દહીં, મસાલો અને ચટણી ખાવાની મજા આવી ગઈ.
હવે અહીંથી જંગલમાં ૧૫૦ પગથિયાં ઊતરીએ એટલે ધોધનાં દર્શન થાય ! આ પગથિયાં પણ
વાંસનાં જ બનાવેલાં છે. આડાઅવળાં,
વાંકાચૂકા રસ્તે અમે પગથિયાં ઉતરીને
નીચે પહોંચ્યા અને અનુપમ ધોધ જોયો ! મન ભાવવિભોર થઈ ગયું. ધોધ આશરે સો-એક ફૂટની
ઊંચાઈએથી પડે છે. અહીં માનવવસ્તી વગરના જંગલમાં ધોધના કર્ણપ્રિય અવાજ સિવાય બીજો
કોઈ જ કોલાહલ નથી. એક પરમ શાંતિનો અનુભવ થાય છે.

ઉપરથી એક નદી જ અહીં ધોધરૂપે નીચે પડે છે. ધોધનું પાણી નાનકડી
તલાવડી રચે છે અને તેમાંથી ઊભરાઈને પાણી નદીરૂપે આગળ વહે છે. તલાવડીને કિનારે
પથ્થરો પર બેસીને સ્નાન કરી શકાય એમ છે. તલાવડીમાં થોડે સુધી જઈ શકાય છે પરંતુ
ત્યારબાદ પાણી ઊંડું છે. આથી છેક ધોધ સુધી જઈને ધોધની નીચે ઊભા રહેવાનું શક્ય નથી.
બસ, તલાવડીને કિનારે બેસી ધોધને નિરખ્યા કરો, કુદરતી સંગીતને
માણ્યા કરો અને આજુબાજુના અસ્તવ્યસ્ત ખડકોમાં ઘુમ્યા કરો ! અમે પાણીમાં ઊભા રહીને
ભાતભાતના ગીતો ગાયા. અમારામાંના એક યુવાન મિત્ર તો કિનારે ખડકો પર યોગસાધના કરવા
બેસી ગયા ! થોડીવાર માટે તો વાતાવરણ પ્રાચિનકાળના ઋષિયુગ જેવું પવિત્ર થઈ ગયું.
અમે સૌ આજુબાજુના ખડકો પર ચઢ્યા અને આસપાસનો બધો વિસ્તાર ખૂંદી વળ્યા. એક બાજુના
ખડકો પર ચઢીને, સાચવીને તલાવડીની ધારે-ધારે ધોધની થોડું નજીક જઈ શકાય તેમ છે પરંતુ
પગ લપસી ના જાય એનું ખૂબ ધ્યાન રાખવું પડે. અમે કેટલાક લોકો ધોધની શક્ય એટલું નજીક
જઈ આવ્યા. જો કે આ ઋતુમાં ધોધમાં પાણી ઓછું રહે છે પરંતુ ચોમાસામાં આસપાસની
નદીઓમાં પુષ્કળ પાણી આવે ત્યારે ધોધ ખૂબ મોટો હોય અને એની ગર્જના પણ ભારે હોય !
અમે બે કલાક સુધી અહીં રોકાયા. સ્નાન કર્યું. સૌએ એકમેકના ફોટા
પાડ્યા. છેલ્લે કુદરતની આ લીલા નિરખતાં ધીરે ધીરે પગથિયાં ચઢીને ઉપર આવ્યા. થોડું
બેસીને આરામ કર્યો. એ પછી ફરીથી પેલો ૪ કી.મી.નો કાચો રસ્તો કાપીને બહાર નીકળ્યા.
નિનાદ ધોધના મુખ્ય બોર્ડથી સીધા ૨ કી.મી. આગળ જતાં ‘માલસામોટ’ નામનું ગામ આવે છે.
ગુજરાતની સરહદ અહીં પૂરી થાય છે. અહીંથી મહારાષ્ટ્ર શરૂ થાય છે. માલસામોટ ટેકરી પર
વસેલું ગામ છે. અહીં પણ રહેવા-જમવાની સારી સગવડ છે. આ વિસ્તારમાં રાત રોકાવવું હોય
તો સગાઈ અથવા માલસામોટમાં રહી શકાય. નવાઈ એ છે કે અહીં બધે જંગલોમાં ફરીએ ત્યારે
એમ લાગે જ નહિ કે આપણે ગુજરાતમાં ફરી રહ્યા છીએ. જાણે હિમાલયના કોઈ ગ્રામ્ય
વિસ્તારમાં ફરતા ન હોઈએ એવું લાગે ! આવા રમ્ય સ્થળો આપણા ગુજરાતમાં છે. નિનાઈથી, ધોધનાં સ્મરણો સાથે
લઈ અમે મૂળ રસ્તે પાછા વળ્યાં અને સાંજના આઠેક વાગે વડોદરા પહોંચી ગયા.
નોંધ: આ માર્ગમાં રાજપીપળાની નજીક આશરે ૬ કી.મી. દૂર કરજણ નદી પરનો ડેમ
જોવાલાયક છે. નિનાઈથી પાછા ફરતા ડેમની મુલાકાત લઈ શકાય છે. પરંતુ યાદ રહે કે ડેમની
મુલાકાત માટે પ્રવેશ સાંજે છ વાગ્યે બંધ થઈ જાય છે. કદાચ આ માટેની પરવાનગી
રાજપીપળામાંથી મેળવી શકાય.
No comments:
Post a Comment