# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday 23 February 2018

રજવાડાઓનું એકત્રીકરણ અને ગુજરાત

રજવાડાઓનું એકત્રીકરણ અને ગુજરાત – 1

ગુજરાતનો રાજકીય ઈતિહાસ ખુબ જ રસપ્રદ અને આરોહ અવરોહવાળો છે. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં બીલીપત્રના ત્રણ પાંદડાનો સમાવેશ થાય છે જે છે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ અને આ ત્રણેય પર્ણનો રાજકીય ઈતિહાસ સમજવા માટે આપણે થોડાક વધારે ઊંડા ઉતરવું પડશે. પહેલા ગુજરાતના રાજકીય ઈતિહાસને આપણે વિભિન્ન ભાગમાં વહેંચી નાખીએ
" Courtyard of Nawab of Junagadh"
” Courtyard of Nawab of Junagadh”
1) રજવાડાઓનું એકત્રીકરણ અને ગુજરાત ( 1948 થી 1956 )
2) બૃહદ મુંબઈ અંતર્ગત સમગ્ર ગુજરાત ( 1 નવેમ્બર 1956 થી 30 એપ્રિલ 1960           સુધી)
3) મહાગુજરાતનું આંદોલન અને વર્તમાન ગુજરાતની રચના ( 1 મે 1960 ભાષા             આધારિત)




તો હવે આપણે જોઈએ આઝાદીના સમયે ગુજરાતની રાજકીય સ્થિતિ.15 ઓગસ્ટ 1947 ના દિવસે ભારતે આઝાદી મેળવી અને ત્યારે ગુજરાત વહેંચાયેલું હતું નીચે પ્રમાણે ,
સૌરાષ્ટ્ર અને તેમાં આવેલા નાના મોટા 222 રજવાડા (ગુજરાતમાં કુલ 350 રજવાડા)
કૃષ્ણકુમારસિંહજીના શાસન તળે ભાવનગર રાજ્ય
મહોબતખાનના શાસન તળે જુનાગઢ રાજ્ય
પ્રતાપસિંહ ગાયકવાડ ના શાસન તળે વડોદરા રાજ્ય
મહારાવના શાસન તળે કચ્છ
દિગ્વીજયસિંહના શાસન તળે જામનગર
મયુરધ્વજસિંહના શાસન તળે ધાંગધ્રા
રસુખખાનના શાસન તળે પાલનપુર
(ભારતના રજવાડાના એકત્રીકરણ નું કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલ, વી.પી. મેનન અને વી. શંકર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.)
કૃષ્ણકુમારર્સિંહજીએ ભાવનગરમાં સ્વતંત્ર રાજ્યની રચના કરી અને તેના મુખ્યમંત્રી બન્યા બળવંતરાય મહેતા ( 15 જાન્યુઆરી 1948) એજ પ્રમાણે પ્રતાપસિંહરાવ વડોદરા છોડી બ્રિટન ચાલ્યા જતા જીવરાજ મહેતા વડોદરાના મુખ્યમંત્રી બન્યા. સમગ્ર સૌરાષ્ટ્રના નાનામોટા રાજ્યોનું એકત્રીકરણ કરવામાં આવ્યું. જોકે વડોદરા જુન 1949 થીજ મુંબઈ રાજ્યનો એક ભાગ બની જાય છે. સૌરાષ્ટ્ર મુખ્યત્વે પાંચ જીલ્લામાં વહેંચાયેલું હતું જેમકે 1) હાલાર 2) ઝાલાવાડ 3) સોરઠ 4)ગોહિલવાડ 5) મધ્ય સૌરાષ્ટ્ર, આમ સમગ્ર સૌરાષ્ટ્ર ને એકત્રિત કરી B રાજ્ય અંતર્ગત મુકવામાં આવ્યું . સૌરાષ્ટ્રનો એક સ્વતંત્ર રાજ્ય તરીકે સ્વીકાર 15 ફેબ્રુઆરી 1948 ના રોજ કરવામાં આવ્યો. રાજધાની તરીકે રાજકોટ હતી અને મુખ્યમંત્રી તરીકે ઉછરંગરાય ઢેબર દ્વારા શપથ લેવાયા. મહારાવ ના શાસન તળેનું રાજ્ય કચ્છ, 4 મે 1948 ના રોજ મહારાવની માંગણીને ધ્યાને લઇ કેન્દ્રશાસિત પ્રદેશ ( C પ્રકારનું રાજ્ય) ઘોષિત કરવામાં આવ્યું. જુનાગઢનો સમાવેશ જાન્યુઆરી 1949 માં સૌરાષ્ટ્ર અંતર્ગત કરવામાં આવ્યો.
સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી તરીકે 1956 સુધી બે વ્યક્તિઓ સેવા આપે છે ઉછરંગરાય ઢેબર અને રસિકલાલ પરીખ. આમ ગુજરાતનો રાજકીય ઈતિહાસ સમજવા માટે થોડુંક ઊંડું ઉતરવું પડે તેમ છે.સૌ પ્રથમ આપણે સૌરાષ્ટ્રના નાના મોટા રજવાડાઓનું એકત્રીકરણ કેવી રીતે થયું તેના વિષેની વાત કરીએ. સૌરાષ્ટ્રના રજવાડાઓમાં કેટલાક રજવાડા ખુબજ પ્રગતિશીલ હતા જેમકે ભાવનગર રાજ્ય કે જેમા કૃષ્ણકુમારસિંહજી રાજા હતા અને પ્રભાશંકર પટ્ટણી જેવા દિવાન હતા. આ રાજ્યમાં 1941 થી ધારાસભા હતી. રાજકોટ, પાલીતાણા, વાંકાનેર, લાઠી, કોટડા-સાંગાણી જેવા રાજ્યોમાં પ્રતિનિધિસભા પણ હતી. જુનાગઢમાં નવાબ મહોબતખાન શાસન કરતા હતા તેના વજીર શાહનવાઝખાન ભુટ્ટો હતા. ભારતના એકીકરણ વખતે મુખ્યત્વે ત્રણ રાજ્યોનો પ્રશ્ન ઉદભવ્યો હતો તેમાં જમ્મુ-કશ્મીર, જુનાગઢ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે. જુનાગઢમાં બહુમતી પ્રજાની ઈચ્છા ભારત સાથે જોડાવાની હતી તેને અવગણીને મહોબતખાન દ્વારા તેનું જોડાણ પાકિસ્તાન સાથે કરી દેવામાં આવ્યુ. જૂનાગઢની સાથે સાથે માણાવદર દ્વારા પણ પાકિસ્તાન સાથે જોડાવાનો પોતાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો.
જુનાગઢ તાબાના બાબરીયાવાડ અને માંગરોળ દ્વારા ભારત સરકાર સાથે કરાર કરવામાં આવ્યા. જૂનાગઢની પ્રજાના રક્ષણ માટે મુંબઈમાં માધવબાગ ખાતે કાઠીયાવાડ રાજકીય પરિષદ મળી જેના દ્વારા આરઝી હુકુમતની સ્થાપના કરવામાં આવી અને 30 સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે જુનાગઢ હાઉસનો કબ્જો લેવાયો. આરઝી હુકુમત અંતર્ગત જૂનાગઢનો વહીવટ રાજકોટ ખાતેથી શરુ કરવામાં આવ્યો ( જુનાગઢ હાઉસમાંથી). આરઝી હુકુમત અંતર્ગત જુનાગઢના સરનશીન ( વડાપ્રધાન ) તરીકે શામળદાસ ગાંધી ને અને કમાન્ડર ઇન ચીફ તરીકે રતુભાઈ અદાણીને ઘોષિત કરવામાં આવ્યા. જુનાગઢનો નવાબ પાકિસ્તાન ભાગી જતા શાહનવાઝ ભુટ્ટો દ્વારા સૌરાષ્ટ્રના કમિશનર એન. એમ. બુચને પત્ર લખી જૂનાગઢનો કબ્જો લેવા માટે કહેવામાં આવ્યું. નવેમ્બરમાં જૂનાગઢનો કબ્જો લેવાયો, ત્યારબાદ તેને ભારતમાં ભળવા માટેનો પ્રજામત લેવામાં આવ્યો જેના અનુસાર 1,90,870 જેટલા લોકોએ ભારત સાથેના જોડાણને સ્વીકાર્યું અને માત્ર 91 મત પાકિસ્તાનની તરફેણમાં પડ્યા. આમ જુનાગઢ, બાબરીયાવાડ, બાંટવા, માંગરોળ વગેરેને ભારતસંઘમાં ભેળવવામાં આવ્યા.આરઝીહુકુમતની રચનાથી માંડી જુનાગઢના ભારત સાથેના જોડાણની સમગ્ર પ્રક્રિયાને ઓપ આપનાર ગુજરાતીઓમાં સમાવિષ્ઠ થાય છે શામળદાસ ગાંધી, દુર્લભજી ખેતાણી, રતુભાઈ અદાણી, બળવંતરાય મેહતા, સુરગભાઇ વરુ, મણીલાલ દોશી વગેરે.

રજવાડાઓનું એકત્રીકરણ અને ગુજરાત – 2

The States
The States
જામનગરના જામસાહેબ ખુબ જ મહત્વકાંક્ષી હતા, જામસાહેબ દ્વારા જામ-જૂથ યોજના અમલમાં મુકવામાં આવી. જામ જૂથ યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના પચાસ રજવાડા જોડાઈને એક ફેડરલ ફ્રન્ટ (જામ જૂથ) બનાવવાની કોશિશ કરાઈ.સરદાર પટેલ અને ઉછરંગરાય ઢેબર દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જામસાહેબની યોજના આ રજવાડાઓને સંગઠિત કરી એક સાર્વભૌમ સત્તા બનાવવાની હતી પરંતુ માઉન્ટ બેટન દ્વારા પ્રતિસાદ ન મળ્યો જેથી પડતી મૂકી અંતે ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું.
સૌરાષ્ટ્રના આ નાના મોટા રજવાડાઓને ભેગા કરી 15 ફેબ્રુઆરી 1948 ના દિવસે જામનગર ના લાલ બંગલામાં એક સંઘ બનાવવામાં આવ્યો જેને નામ અપાયું ” યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ કાઠીયાવાડ” જે પછી થી ઓળખાયું “યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્ર” . આમ સૌરાષ્ટ્રને ભારતીય સંઘ માં 15 એપ્રિલ 1948 ના દિવસે ભેળવી દેવામાં આવ્યું અને તેને B પ્રકારનું રાજ્ય બનાવવામાં આવ્યું. સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટ બનાવવામાં આવી અને તેના પ્રથમ મુખ્યમંત્રી તરીકે કાર્ય કર્યું ઉછરંગરાય ઢેબરે. બળવંતરાય મેહતા સૌરાષ્ટ્ર રાજ્યના ઉપ-મુખ્યમંત્રી હતા. જામનગરના રાજવી દિગ્વિજયસિંહને રાજપ્રમુખ અને ભાવનગરના રાજવીને ઉપરાજ પ્રમુખ બનાવવામાં આવ્યા.
સૌરાષ્ટ્ર ના પાંચ જીલ્લા હતા, ( અમરેલી મુંબઈ રાજ્યમાં આવતું હતું)
1) હાલાર ( અત્યારનો જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લો )
2) ઝાલાવાડ ( સુરેન્દ્રનગર જીલ્લો)
3) સોરઠ ( અત્યારનો જુનાગઢ અને ગીર-સોમનાથ જીલ્લો)
4) ગોહિલવાડ ( ભાવનગર જીલ્લો)
5) મધ્ય સૌરાષ્ટ્ર ( અત્યારનો રાજકોટ અને મોરબી જીલ્લો)
આમ , 1948 થી 1956 સુધી સૌરાષ્ટ્ર એક અલગ રાજ્ય તરીકે પ્રસ્થાપિત રહ્યું, 1956 થી 1960 સુધી તે બૃહદ મુંબઈ અંતર્ગત આવ્યું અને 1960 થી ગુજરાત રાજ્યનું અભિન્ન અંગ બન્યું।
9 નવેમ્બર 1947 જુનાગઢ ભારતીય સંઘમાં જોડાયું
15 જાન્યુઆરી 1948 ભાવનગર ભારતીય સંઘમાં જોડાયું
15 એપ્રિલ 1948 ના દિવસે જુનાગઢ, ભાવનગર, જામનગર, રાજકોટ, પાલીતાણા, વાંકાનેર, વાડિયા, ધાંગધ્રા, લાઠી, કોટડા-સાંગાણી જેવા રાજ્યો સાથેનો સંઘ ભારતીય સંઘમાં જોડાઈ “યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્ર ” બને છે.
કચ્છના ભારતીય સંઘ સાથેના જોડાણ વિષે વાત કરીએ તો 4 મે 1948 ના દિવસે કચ્છનું જોડાણ મહારાવ મદનસિંહ દ્વારા ભારતમાં કરવામાં આવ્યું। કચ્છને ભારતીય સંઘ માં C રાજ્યનો(કેન્દ્ર શાસિત પ્રદેશ) દરજ્જો આપવામાં આવ્યો. 1956 માં કચ્છને મુંબઈ રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું અને 1960 માં તે ગુજરાતનું અભિન્ન અંગ બન્યું.
હવે જોઈએ વડોદરા રાજ્યનો ભારતીય સંઘ સાથેના વિલીનીકરણનો ઈતિહાસ
વડોદરા રાજ્યમાં ગાયકવાડ રાજવીઓ દ્વારા શાસન કરવામાં આવતું હતું, ભારતની સ્વતંત્રતા સમયે વડોદરામાં રાજ્યશાસનની ધુરા પ્રતાપસિંહરાવ ગાયકવાડ પાસે હતી. વડોદરામાં પ્રજામંડળની આગેવાની જીવરાજ મેહતા દ્વારા લેવામાં આવી હતી. 1 મે 1949 ના દિવસે પ્રતાપસિંહ રાવ દ્વારા વડોદરા રાજ્યનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવા માટેની સંમતિ આપવામાં આવી. વડોદરા રાજ્યને આજ દિવસે મુંબઈ પ્રાંતમાં ભેળવવામાં આવ્યું, 1 મે 1960ના દિવસે વડોદરા ગુજરાત રાજ્યનું એક અભિન્ન અંગ બન્યું.
આમ સૌરાષ્ટ્ર B પ્રકારનું રાજ્ય બન્યું , કચ્છ C પ્રકારનું રાજ્ય બન્યું અને બાકીનું ગુજરાત મુંબઈ પ્રાંતનો ભાગ બન્યુ. 1956માં બધાજ પ્રાંતોને દ્વિભાષી મુંબઈ પ્રાંતમાં ભેળવી દેવામાં આવ્યા જે 1960 સુધી મુંબઈનો ભાગ બની રહ્યા.

POSTED BY
PRAGNESH ISHARANI

No comments:

Post a Comment