# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday 23 February 2018

ભારતની અખંડિતતાના ગૌરવપથના શિલ્પી

ભારતની અખંડિતતાના ગૌરવપથના શિલ્પી

- આનંદ શુક્લ


હૈદરાબાદમાં પોલીસ પગલાં

હૈદરાબાદના નિજામ સામે કડક કાર્યવાહી કરવાના સરદાર પટેલના અભિપ્રાયને માઉન્ટબેટના કહેવાથી શાંતિથી કામ લેવાનો દ્રષ્ટિકોણ ધરાવતા નહેરુ નામંજૂર કરતા હતા. માઉન્ટબેટને ભારત છોડયા પછી ચક્રવર્તી રાજગોપાલાચારી ભારતના ગવર્નર જનરલ બન્યા. ત્યારે સરદાર પટેલે હૈદરાબાદના નિજામના હાસ્યનાટક પર પડદો પાડતી સીધી પોલીસ કાર્યવાહીથી 13મી સપ્ટેમ્બરે ભારતીય સેનાઓને મોકલી હતી. 15 સપ્ટેમ્બર સુધી ભારતીય સેનાની કાર્યવાહીને રોકવાની કોશિશો થઈ. પણ સરદાર પટેલની લોખંડી દ્રઢતા આગળ બધું જ નિષ્ફળ ગયું અને હૈદરાબાદ રાજ્યનું ભારતમાં વિલીનીકરણ કરવામાં સફળતા મળી.

ખંડિત આઝાદી વખતે ભારતીય સંઘની રચના માટે 563 રજવાડાને એકઠા કરવાનો પડકાર હતો. જેમાં હૈદરાબાદના નિજામે મોટી અડચણ પેદા કરી હતી. અંગ્રેજી હકૂમતના સમયે પણ નિજામના રાજ્યમાં પોતાની સેના, રેલવે અને ટપાલ-તાર વિભાગો હતા. વસ્તી અને કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની દ્રષ્ટિએ હૈદરાબાદ તે સમયે ભારતનું સૌથી મોટું રજવાડું હતું. તેનું ક્ષેત્રફળ 82 હજાર 698 વર્ગ માઈલ હતું. નિજામના રાજ્યનું કદ ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના કુલ ક્ષેત્રફળથી પણ વધારે હતું.

હૈદરાબાદ ભૌગોલિક રીતે ચારે તરફથી ભારતીય ગણરાજ્યથી ઘેરાયેલું હતું. અહીંની 80 ટકા વસ્તી હિંદુઓની હતી અને મુસ્લિમો વહીવટી તંત્ર અને સેનામાં મહત્વપૂર્ણ સ્થાનો પર હતા. હૈદરાબાદની પ્રજા પાકિસ્તાન સાથે નહીં પણ ભારત સાથે જોડાવા ઈચ્છતી હતી. પરંતુ પાકિસ્તાન તરફી નિજામ અને તેના કટ્ટરપંથી પ્રતિનિધિ કાસિમ રાજવીએ રજાકારો સાથે મળીને હૈદરાબાદની આઝાદીના ટેકામાં જાહેરસભાઓ કરી હતી. વિસ્તારમાંથી પસાર થનારી ટ્રેનોને રોકીને બિનમુસ્લિમ પ્રવાસીઓ પર હિંસક હુમલા કર્યા હતા. હૈદરાબાદ નજીકના ભારતીય ક્ષેત્રોમાં રહેતા લોકોને પણ પરેશાન કરવાનું શરૂ કર્યું.

કનૈયાલાલ મુન્શીના પુસ્તક એન્ડ ઓફ એન એરામાં આપેલા સંદર્ભે પ્રમાણે નિજામે હૈદરાબાદનું ભારતમાં વિલીનીકરણ રોકવા માટે પાકિસ્તાનના તત્કાલિન ગવર્નર જનરલ મહંમદ અલી જિન્નાને સંદેશ મોકલીને જાણવાની કોશિશ કરી હતે કે શું તેઓ ભારત વિરુદ્ધની લડાઈમાં હૈદરાબાદનું સમર્થન કરશે? જાણીતા પત્રકાર કુલદીપ નૈયરે પોતાની આત્મકથા બિયોન્ડ ધ લાઈન્સમાં લખ્યું છે કે જિન્નાએ તેના જવાબમાં કહ્યુ હતુ કે તેઓ મુઠ્ઠીભર શાસકવર્ગના લોકો માટે પાકિસ્તાનના અસ્તિત્વને જોખમમાં નાખવા ઈચ્છશે નહીં. બીજી તરફ નહેરુ લોર્ડ માઉન્ટબેટની સલાહ પ્રમાણે હૈદરાબાદના મામલાનો ઉકેલ શાંતિપૂર્ણ ઢંગથી કરવાની વાતો કરવા લાગ્યા હતા. પરંતુ લોખંડી પુરુષ સરદાર પટેલ નહેરુના દ્રષ્ટિકોણથી અસંમત હતા. તેઓ માનતા હતા કે નિજામની ઈચ્છા પ્રમાણે ભારતથી અલગ હૈદરાબાદ રાજ્ય દેશના પેટમાં કેન્સર સમાન હતું. તેને સહન કરી શકાય નહીં. 

મુત્સદીગીરીમાં માહેર સરદાર સાહેબ સંપૂર્ણપણે જાણતા હતા કે નિજામ સંપૂર્ણપણે પાકિસ્તાનના પ્રભાવમાં હતો. ત્યાં સુધી કે પાકિસ્તાન પોર્ટુગીઝો સાથે હૈદરાબાદની સમજૂતી કરાવવાની ફિરાકમાં હતું. જેના પ્રમાણે હૈદરાબાદ ગોવામાં પોર્ટ બનાવીને જરૂરત પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકે.

તો હૈદરાબાદના નિજામે પોતાના એક બંધારણીય સલાહકાર સર વોલ્ટર મૉન્કટોન દ્વારા લોર્ડ માઉન્ટબેટનનો સીધો સંપર્ક કર્યો હતો. મૉન્કટૉન કન્જર્વેટિવ પાર્ટી સાથે ઘનિષ્ઠતા ધરાવતો હતો. ત્યારે માઉન્ટબેટને તેને સલાહ આપી કે હૈદરાબાદે બંધારણીય સભામાં તો પોતાનો ઓછામાં ઓછો એક પ્રતિનિધિ મોકલવો જોઈતો હતો. તો તેના જવાબમાં મૉન્કટૉને કહ્યુ હતુ કે જો તેઓ વધારે દબાણ નાખશે તો હૈદરાબાદ પાકિસ્તાન સાથે વિલિનીકરણ સંદર્ભે ગંભીરતાથી વિચારશે.

સરદાર પટેલના દ્રઢ નિર્ધાર સામે નિજામને ઢીલા પડવું પડયું અને તેણે હૈદરાબાદને એક સ્વાયત્ત રાજ્ય રાખીને વિદેશ, સંરક્ષણ અને સંચારની જવાબદારી ભારતને સોંપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે તેને આખરી સ્વરૂપ આપવા માટે તેઓ રજાકારોના પ્રમુખ કાસિમ રાજવીને રાજી કરી શક્યા નહીં. રજાકારોની હિંદુઓ પર હુમલા કરવાની આતંકી પ્રવૃતિએ ભારતના જનમતને તેમની વિરુદ્ધ કરી દીધો. 22મી મે, 1948ના દિવસે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા હિંદુઓ પર ગંગાપુર રેલવે સ્ટેશને હુમલો કરવામાં આવ્યો અને તેના કારણે હૈદરાબાદના રજાકારો પ્રત્યેનું વલણ ભારત સરકારે આકરું કર્યું હતું.

ભારતીય સેનાના ભૂતપૂર્વ ઉપસેનાધ્યક્ષ લેફ્ટિનેન્ટ જનરલ એસ. કે. સિન્હાએ પોતાની આત્મકથા- સ્ટ્રેટ ફ્રોમ ધ હાર્ટમાં લખ્યું છે કે “ હું જનરલ કરિયપ્પા સાથે કાશ્મીરમાં હતો કે સંદેશ મળ્યો કે સરદાર પટેલ તેમને તાત્કાલિક મળવા ઈચ્છે છે. દિલ્હી પહોંચીને બંને પાલમ એરપોર્ટથી સીધા સરદાર પટેલના નિવાસસ્થાને ગયા. હું વરંડામાં રહ્યો જ્યારે કરિયપ્પા અંદર તેમને મળવા ગયા અને પાંચ મિનિટમાં બહાર આયા. બાદમાં તેમણે મને કહ્યુ કે સરદારે તેમને સીધો સવાલ પુછયો જેને તેમણે એક શબ્દમાં જવાબ આપ્યો છે. સરદારે તેમને પુછયું કે જો હૈદરાબાદના મામલે પાકિસ્તાન તરફથી કોઈ સૈન્ય પ્રતિક્રિયા આવે છે તો શું તેઓ કોઈપણ વધારાની મદદ વગર તે પરિસ્થિતિનો સામનો કરી શકશે? કરિયપ્પાએ તેનો એક શબ્દમાં જવાબ આપ્યો – હા- અને ત્યાર બાદ બેઠક પૂર્ણ થઈ ગઈ.”

ત્યાર બાદ નહેરુની નામરજી છતા સરદાર પટેલે દેશહિતમાં ગૃહપ્રધાન તરીકે હૈદરાબાદ વિરુદ્ધ લશ્કરી પગલાને આખરી રૂપ આપ્યું. ભારતના તત્કાલિન સેનાધ્યક્ષ જનરલ રોબર્ટ બૂચર અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બંને સરદારના નિર્ણય વિરુદ્ધ હતા. તેમનું કહેવું હતું કે પાકિસ્તાનની સેના તેના જવાબમાં અમદાવાદ અથવા મુંબઈ પર બોમ્બમારો કરી શકે છે. બે વખત હૈદરાબાદમાં સૈન્ય કાર્યવાહીની તારીખો નક્કી થઈ પણ રાજકીય દબાણોને કારણે તેને રદ્દ કરવી પડી. દુર્ગાદાસે પોતાના પુસ્તક – ઈન્ડિયા ફ્રોમ કર્જન ટૂ નહેરુ એન્ડ આફ્ટરમાં લખ્યું છે કે જ્યારે નિજામના કાર્યવાહી રોકવા સંબંધિત પત્રના જવાબનો મુસદ્દો તૈયાર થયો ત્યારે પટેલે ઘોષણા કરી કે ભારતીય સેના હૈદરાબાદમાં પ્રવેશી ચુકી છે અને તેને રોકવા માટે હવે કંઈ કરી શકાય નહીં. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પોતાના બ્લોગ પર પુસ્તકનો સંદર્ભ ટાંકીને દાવો કર્યો હતો કે હૈદરાબાદના પોલીસ એક્શનને કારણે જવાહરલાલ નહેરુએ સરદાર પટેલ પર કોમવાદી હોવાનો આરોપ મૂકતું નિવેદન પણ કર્યું હતું...

નહેરુ અને રાજાજી ચિંતિત હતા કે પાકિસ્તાન જવાબી કાર્યવાહી કરશે. પરંતુ ચોવીસ કલાક સુધી પાકિસ્તાન તરફથી કોઈ જ કાર્યવાહી થઈ નહીં. પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન લિયાકત અલી ખાને ડિફેન્સ કાઉન્સિલની બેઠકમાં પુછયું કે શું હૈદરાબાદમાં પાકિસ્તાન કોઈ એક્શન લઈ શકે છે? બેઠકમાં હાજર ગ્રુપ કેપ્ટન અલવર્દીએ દ્રઢતાથી કહ્યું, ના.

ભારતીય સેનાના હૈદરાબાદ ખાતેના લશ્કરી પગલાને ઓપરેશન પોલો નામ આપવામાં આવ્યું... કારણ કે તે વખતે હૈદરાબાદમાં વિશ્વમાં સૌથી વધારે 17 પોલો મેદાન હતા. પાંચ દિવસ ચાલેલી લશ્કરી કાર્યવાહીમાં 1373 રજાકારો માર્યા ગયા હતા. હૈદરાબાદ સ્ટેટના 807 જવાનો માર્યા ગયા હતા. તો ભારતીય સેનાના 66 જવાનો શહીદ થયા અને 97 જવાનો ઘાયલ થયા હતા. ભારતીય સેનાના હૈદરાબાદમાં લશ્કરી પગલાના બે દિવસ પહેલા 11 સપ્ટેમ્બરે પાકિસ્તાનના સંસ્થાપક મહંમદઅલી જિન્નાનું નિધન થયું હતું. પાંચ દિવસના પોલીસ એક્શન બાદ હૈદરાબાદની સેનાના મેજર જનરલ સૈયદ અહમદ અલ ઈદ્રશે ભારતીય સેનાના મેજર જનરલ જે. એન. ચૌધરી સામે આત્મસમર્પણ કર્યું હતું.

જમ્મુ-કાશ્મીરને બચાવવા માટેની સરદારની કોશિશ


સરદાર પટેલે જમ્મુ-કાશ્મીરના વણઉકેલ્યા વિવાદને ભારત માટે લોહી દૂઝતું ગુમડું ગણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના પેચીદા મામલાને ઉકેલવા માટે સરદારે પોતાની તમામ કુનેહ અને મુત્સદીગીરી દ્રઢતાપૂર્વક લગાવી દીધી હતી. જેના કારણે આજે પણ જમ્મુ-કાશ્મીરનો શ્રીનગર સહીતનો ઘણો મોટોભાગ ભારત બચાવી શક્યું છે. પરંતુ પંડિત જવાહરલાલ નહેરુ અને ગોપાલસ્વામી આયંગરની દખલગીરી અને માઉન્ટબેટનની સલાહથી પાકિસ્તાનને ખદેડયા વગર યૂનોમાં જવાની ભૂલનું ભોગ આજે પણ ભારતને બનવું પડે છે. ત્યારે ખરેખર સરદાર સાહેબને યાદ કરીને ભારતની જનતા આજે પણ કાશ્મીર મામલે આવી જ કુનેહ ફરી વખત દેખાડવામાં આવે તેવી અપેક્ષા રાખી રહી છે.

દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતથી જિન્નાની જીદે અખંડ ભારતમાંથી પાકિસ્તાન નામના ટુકડાઓ ધર્મના નામે બંને બાજુના પડખામાંથી કાપી લીધા. જિન્નાની મહત્વકાંક્ષા વિશાળ પાકિસ્તાનની રહી હતી. પરંતુ પંજાબ અને બંગાળના ભાગલા કરીને તૂટેલું-ફૂટેલું પાકિસ્તાન મળવાનો જિન્નાહને ભારે વસવસો હતો. જિન્નાહે 543 રજવાડાઓ પર નજર બગાડવાની શરૂ કરી. તેમાં મુસ્લિમ બહુમતીવાળા જમ્મુ-કાશ્મીર રાજ્ય પર તેમની ગીધ દ્રષ્ટિ મંડાઈ. જમ્મુ-કાશ્મીરમાં રાજા હિંદુ હતા અને વસ્તીની બહુમતી મુસ્લિમોની હતી. તત્કાલિન મહારાજા હરિસિંહ પાકિસ્તાન સાથે જવા ઈચ્છતા ન હતા અને મુસ્લિમ બહુમતી હોવાને કારણે રાજકીય સમીકરણો પ્રમાણે ભારત સાથે વિલીનીકરણના સ્થાને સ્વતંત્ર રહેવા ઈચ્છતા હતા. 

પરંતુ પાકિસ્તાન પ્રેરીત હરકતો અને ખુદ પાકિસ્તાની સૈનિકોએ કબાઈલીઓનો વેશપલટો કરીને જમ્મુ-કાશ્મીર પર હુમલો કર્યો હતો. 23 ઓક્ટોબર, 1947ના દિવસે કબાઈલીઓના વેશમાં પાકિસ્તાનીઓએ કાશ્મીર પર હુમલો કર્યો હતો. ગિલગિટ સ્કાઉટ્સના બ્રિટિશ સેનાપતિએ બળવો કરીને ગિલગિટ પાકિસ્તાનને સોંપી દીધું. તો બાલટિસ્તાનમાં પણ પાકિસ્તાને કબજો જમાવવામાં સફળતા મેળવી હતી. મુઝફ્ફરાબાદમાં તેનાત કાશ્મીરની બટાલિયયના તમામ મુસ્લિમ સૈનિકોએ બળવો કરીને કમાન્ડિંગ ઓફિસર અને પોતાના સાથી સૈનિકોને ઠાર કર્યા હતા. ભયાનક કત્લેઆમ કરતા તેઓ શ્રીનગર પર કબજો જમાવવા આગળ વધી રહ્યા હતા.

મહારાજા હરિસિંહે પોતાની સેનાઓની પીછેહઠના પરિણામે ભારત સરકારને મદદ માટે પેગામ મોકલ્યો. ભારત સરકારે પોતાના વિશેષ દૂત વી. પી. મેનને શ્રીનગર મોકલ્યા અને મહારાજાને જોડાણપત્ર પર હસ્તાક્ષર કરાવા માટે સમજાવ્યા. જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનના કબજામાં જાય નહીં તેના માટે ભારતના ગૃહપ્રધાન તરીકે સરદાર પટેલ સૌથી વધારે ચિંતિત હતા. ભારતના રજવાડાઓને એકઠા કરીને આધુનિક ભારતનું નિર્માણ તેમના હસ્તગત આવતી જવાબદારી હતી. 26 ઓક્ટોબર, 1947ના રોજ મહારાજા હરિસિંહ દ્વારા જોડાણખત પર હસ્તાક્ષર કરાયા બાદ તાત્કાલિક ભારતીય સેનાને જમ્મુ-કાશ્મીરમાંથી પાકિસ્તાનીઓને ખદેડવા મોકલવાનું નક્કી કરવામાં આવ્યું. તેના માટે સરદાર પટેલે સૈન્ય અધિકારીઓ સાથે બેઠક કરીને જણાવ્યું કે કાશ્મીર બચાવવા માટે જે જરૂર હોય તે કરો. જો કે પંડિત નહેરુનું વલણ થોડું ઢચુંપચું હતું. ત્યારે સરદારે તેમને દ્રઢતાપૂર્વક પુછયું કે તેઓ કાશ્મીર બચાવવા ઈચ્છે છે કે કેમ? નહેરુએ પણ તાત્કાલિક જવાબ આપતા કહ્યુ કે નિશ્ચિતપણે કાશ્મીર ભારત સાથે ઈચ્છે છે. તુરંત સરદારે સૈન્ય અધિકારીઓને કહ્યુ કે તમને આદેશ મળી ગયો છે.
ભારતીય સેનાના જવાનોએ અપાર સાહસ અને બહાદૂરી સાથે જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગર ખાતે પહોંચીને પાકિસ્તાનીઓને ભારતની ધરતી પરથી ખદેડવામાં સફળતા મેળવી. શ્રીનગર બચાવવામાં ભારતીય સેનાને મળેલી સફળતા બાદ અન્ય મોરચાઓ પર પણ પાકિસ્તાનની પીછેહઠ થઈ રહી હતી. તેવા સમયે ડિસેમ્બર-1948માં સંયુક્ત રાષ્ટ્ર સંઘનું પંચ દિલ્હી અને કરાચીના પ્રવાસે આવ્યું હતું. લોકમત સંગ્ર માટે અમુક ઠરાવો રજૂ કર્યા. પાકિસ્તાન તેને સ્વીકારવા માટે ટાંપીને જ બેઠું હતું. 

ભારતીય લશ્કર પાકિસ્તાનીઓને ખદેડી મૂકે તે પહેલા જ તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ યુદ્ધવિરામની ઘોષણા કરી નાખી. જેના કારણે આજે પણ જમ્મુ-કાશ્મીરનો એક તૃતિયાંશ ભાગ પાકિસ્તાનના કબજા હેઠળ છે. જાણકારોનું માનવું છે કે જમ્મુ-કાશ્મીરના મુદ્દે પંડિત નહેરુએ હસ્તક્ષેપ કર્યો ન હોત અને સરદાર પટેલને કાર્યવાહી કરવા દીધી હોત.. તો હૈદરાબાદની જેમ જ જમ્મુ-કાશ્મીરનો મામલો પણ કાયમ માટે ઉકેલી શકાત

ભારતના પ્રથમ વડાપ્રધાનની વરણીના પચ્ચીસ વર્ષ બાદ ચક્રવર્તી રાજગોપાલાચારીએ પંડિત જવાહરલાલ નહેરુની ભૂલોનો સીધો ઉલ્લેખ ટાળતા લખ્યું હતુ કે નિશંકપણે સારું હોત, જો નહેરુને વિદેશ પ્રધાન અને સરદાર પટલને વડાપ્રધાન બનાવવામાં આવત. જો પટેલ થોડા દિવસ વધુ જીવિત રહેત તો તેઓ પ્રધાનમંત્રી પદે જરૂરથી પહોંચત અને તેના માટે કદાચ તેઓ યોગ્ય પાત્ર હતા. ત્યારે ભારતમાં કાશ્મીર, તિબેટ, ચીન અને અન્ય વિવાદોની કોઈ સમસ્યા રહેત નહીં. સરદાર સાહેબે પણ એચ. વી. કામતને જમ્મુ-કાશ્મીરનો મામલો ગૃહ વિભાગના સ્થાને વિદેશ વિભાગ હસ્તગત કરવાના મામલે પોતાની નાખુશી વ્યક્ત કરી હતી.


જૂનાગઢમાં આરઝી હૂકુમત


જૂનાગઢનો નવાબ આઝાદી વખતે પોતાની પ્રજાના અભિપ્રાય વિરુદ્ધ પાકિસ્તાનમાં જોડાવાની જીદ લઈને બેઠો હતો. તેણે પાકિસ્તાનમાં જોડાવા માટે બેનઝીર ભૂટ્ટોના દાદા અને જૂનાગઢના તત્કાલિન દિવાન શાહનવાઝ ભુટ્ટોના દોરીસંચાર હેઠળ ખૂબ ધમપછાડા કર્યા છે. પણ જનતાના વિરોધ વચ્ચે નવાબને પોતાની એક બેગમ અને બાળકને છોડીને ભાગવું પડયું. જો કે આશ્ચર્યની વાત એ છે કે જૂનાગઢનો નવાબ ભાગતી વખતે પોતાના કૂતરાં અને રોકડ-દસ્તાવેજો-આભૂષણો સાથે લઈ જવાનો ભૂલ્યો નહીં

ગુજરાતના કાઠિયાવાડમાં જૂનાગઢનું રાજ્ય એક મુસ્લિમ નવાબના હાથમાં હતું. રાજ્યની એક બાજુ સમુદ્ર અને બંને તરફ હિંદુ રાજાઓના રજવાડા હતા કે જેઓ ભારતનો ભાગ બની ચુક્યા હતા. જમીન માર્ગે જૂનાગઢનો પાકિસ્તાન સાથે કોઈ જ સંબંધ નથી. છતાં મહોમ્મદ અલી જિન્નાહે નવાબને પાકિસ્તાનમાં ભળવા માટે રાજી કર્યો અને કરાચીના મુસ્લિમ લીગી દિવાન શાહનવાઝ ભૂટ્ટોને હાથો બનાવીને પોતાની રાજકીય ચાલ પૂર્ણ કરવા પ્રયત્નો કર્યા હતા.

જૂનાગઢ સાથે જોડાયેલા બાવરિયાવાડ અને માંગરોળના રજવાડા ભારત સાથે જોડાઈ ગયા. જૂનાગઢના નવાબની સેનાએ આ વિસ્તારો પર ચઢાઈ કરીને તે વિસ્તાર પોતાનો હોવાનો દાવો કર્યો. વી. પી. મેનન પ્રમાણે, આ સંદર્ભે માઉન્ટબેટન પાકિસ્તાન તરફી ચાલ ચાલ્યા હતા. વી. પી. મેનને કહ્યુ હતુ કે આ સંદર્ભે સરદાર પટેલનો અભિપ્રાય હતો કે જૂનાગઢ દ્વારા બાવરિયાવાડમાં સેના મોકલવીઅને તેને પાછી બોલાવવાનો ઈન્કાર કરવાની કાર્યવાહી આક્રમણ જેવી છે. તેનો જવાબ દંડાથી જ આપવો જોઈએ. માઉન્ટબેટને આ પ્રશ્ન સંયુક્ત રાષ્ટ્રને સોંપવાનું સૂચન કર્યું હતું. પરંતુ સરદાર પટેલે દ્રઢતાથી તેનો ઈન્કાર કર્યો અને યુદ્ધની શક્યતાઓ વચ્ચે ભારતીય સેનાને પોતાના રાજ્ય ક્ષેત્રોમાં રહે તેવી રીતે તાત્કાલિક જૂનાગઢ તરફ મોકલવાનો નિર્ણય કરાયો.

જૂનાગઢ અને કાઠિયાવાડના લોકોએ તાત્કાલિક વિદ્રોહનું બ્યૂગલ ફૂંક્યું અને એક આરજી હકૂમતની રચના કરી અને તેના સ્વયંસેવકોએ વહીવટી તંત્ર પર કબજો જમાવી દીધો હતો. તો ભારતીય સેનાએ પણ ત્યાં પહોંચીને સ્થિતિને સામાન્ય બનાવી દીધી. જૂનાગઢનો પાકિસ્તાનવાદી નવાબ પુંછડી દબાવીને પોતાની રિયાસત છોડીને ભાગી ગયો હતો. જૂનાગઢમાં લોકોએ ભારતમાં જોડાવાની તરફેણ કરતો મત વ્યક્ત કર્યો. જૂનાગઢના મામલાનો સરદાર પટેલ દ્વારા દ્રઢતાથી ઉકેલ તેમની દબાણોમાં ત્વરિત નિર્ણય લેવાની શક્તિનો પરિચય આપે છે.

સોમનાથ મંદિરના પુનર્નિમાણથી ભારતના ગૌરવનું પુનર્સ્થાપન

માનવના હ્રદયમાં સર્જનાત્મકતા શક્તિ અને શ્રદ્ધા સર્વદા વાસ કરે છે. તે તમામ શસ્ત્રો, સેનાઓ કે સમ્રાટોથી વધુ શક્તિશાળી છે. સોમનાથજીનું આ મંદિર આજે પોતાનું મસ્તક ઊંચુ કરીને સંસારની સામે એ ઘોષણા કરે છે કે જેને જનતા આદર કરે છે, જેના માટે જનતાના હ્રદયમાં અક્ષય શ્રદ્ધા અને સ્નેહ છે. તેને સંસારમાં કોઈ મિટાવી શક્તું નથી. આજે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ફરીથી થઈ રહી છે અને જ્યાં સુધી તેનો આધાર જનતાના હ્રદયમાં બનેલો રહેશે, ત્યાં સુધી આ મંદિર અમર રહેશે.. આ અસામાન્ય શબ્દો ભગવાન સોમનાથ મંદિરમાં જ્યોતિર્લિંગની પ્રાણપ્રતિષ્ઠા કરનારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદના હતા. જો કે તેમના આ શબ્દોને સાકાર કરવાનું કામ સરદાર પટેલે કર્યું હતું. સરદાર અને સોમનાથ વચ્ચેના અજ્ઞાત અને દિવ્ય સંબંધોને સાચી શબ્દાંજલિ આપતા કનૈયાલાલ મુન્શીએ કહ્યુ હતું કે જો સરદાર ન હોત.. તો આપણી આંખો સોમનાથનું પુનર્નિમાણ જોવા ન પામી હોત..

શ્રદ્ધાસ્થાનો પર આઘાત કરવાથી અને તેને ધ્વસ્ત કરી નાખવાથી... વારંવાર આમ કરવાથી કોઈપણ શ્રદ્ધાનો નાશ કરી શકાતો નથી. ગુજરાતના દરિયાકિનારે ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતું ભગવાન સોમનાથનું મંદિર આનું સૌથી મોટું ઉદાહરણ છે. અફઘાનિસ્તાનના ગઝનીના મહેમૂદ ગઝનવીએ સૌથી પહેલી વખત 1015માં ભગવાન સોમનાથના ભવ્ય મંદિરને ધ્વસ્ત કર્યું અને આ સિલસિલો ઔંરંગઝેબના શાસનકાળ સુધી ચાલુ રહ્યો.. ભારતના શ્રદ્ધાકેન્દ્રોને ધ્વસ્ત કરવાની શેતાની માનસિકતા છતા વારંવાર મંદિર તો ફરીથી બનાવી લેવાતું હતું. પરંતુ હાલનું ભવ્ય સોમનાથ મંદિર ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના લોહપુરુષ સરદાર પટેલના પ્રયત્નોનું પરિણામ છે.

જૂનાગઢના નવાબને ભગાડીને પ્રજામતથી તેનું ભારતમાં વિલિનીકરણ સોમનાથ મંદિરના પુનર્નિમાણનું પ્રથમ પગલું હતું. 13મી નવેમ્બર, 1947ના રોજ સરદાર પટેલ જૂનાગઢમાં આવ્યા હતા. ત્યાર બાદ તેઓ કનૈયાલાલ મુન્શી, જામસાહેબ દિગ્વિજસિંહજી અને કાકાસાહેબ ગાડગીલ સાથે સોમનાથ ગય હતા. સોમનાથ મંદિરના ભગ્નાવશેષો જોઈને તમામ રાષ્ટ્રભક્તોના હ્રદય દ્રવી ઉઠયા હતા. સાથીદારો સાથે સંવાદ કર્યા પછી સરદાર સાગર કિનારે ગયા અને રત્નાકરની અંજલિ હાથમાં લઈને સોમનાથના ચરણે મંદિરના પુનર્નિમાણનો સંકલ્પ-અર્ઘ્ય સમર્પિત કર્યો. સરદાર પટેલે જનમેદની સામે મંદિર નિર્માણનો સંકલ્પ રજૂ કર્યો અને જામસાહેબથી શરૂ થયેલી દાનની સરવાણીએ શ્રીસોમનાથ મંદિર ટ્રસ્ટના શ્રીગણેશ કર્યા. પરંતુ તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સોમનાથ મંદિરના પુનર્નિમાણના પક્ષમાં ન હતા. તેમનું કહેવું હતું કે બિનસાંપ્રદાયિક દેશમાં સરકાર આવું કેવી રીતે કરી શકે.. પરંતુ સરદારની મક્કમતા હિમાલયની જેમ અડગ રહી. નિયમ પ્રમાણે મહાત્મા ગાંધી વચ્ચે પડયા અને મંદિર માટે સરકારની તિજોરીમાંથી નાણાં નહીં વપરાય તેવી જાહેરાત કરવામાં આવી. પરંતુ તમામ વિઘ્નો વચ્ચે સરદારના માર્ગદર્શન પ્રમાણે સોમનાથ મંદિરનું પુનર્નિમાણ કાર્ય શરૂ થઈ ગયું.

19 એપ્રિલ, 1950ના રોજ તત્કાલિન સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યપ્રધાન ઢેબરભાઈના હસ્તે ગર્ભગૃહ નિર્માણ માટે ભૂમિખનન વિધિ થઈ હતી. તો 8 મે, 1950ના રોજ નવાનગરના મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહજીના હસ્તે મંદિરનો શિલાન્યાસ થયો. 15મી ડિસેમ્બર, 1950ના રોજ સરદારના દેહત્યાગ બાદ પણ સોમનાથ મંદિરનું કામ ચાલુ જ રહ્યું. 11 મે, 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદે દમના દર્દી હોવાછતાં સમુદ્રસ્નાન કરીને સવારે સાડા નવ વાગ્યે હોરા નક્ષત્રમાં શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરી નવા મંદિરનો શ્રીગણેશ કરાવ્યો. રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા પર તત્કાલિન વડાપ્રધાન પંડિત નહેરુનો વિરોધ હોવાનું ચર્ચાતું રહ્યું છે.

13 મે, 1965ના રોજ મહારાજા જામસાહેબના હસ્તે મંદિરના ગર્ભગૃહ અને સભામંડપ પર કળશ પ્રતિષ્ઠા અને શિખર ધ્વજારોહણ વિધિ કરવામાં આવી. 28મી નવેમ્બર, 1966ના રોજ સ્વર્ગવાસી જામસાહેબના પત્ની ગુલાબકુંવરબા દ્વારા તૈયાર થનારા દિગ્વિજય દ્વારનો કનૈયાલાલ મુન્શીના હસ્તે શિલાન્યાસ કરાયો હતો. 4 એપ્રિલ, 1970ના રોજ રવિશંકર મહારાજના હસ્તે સરદારની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ થયું. 19 મે, 1970ના રોજ સત્ય શ્રી સાંઈબાબાના હસ્તે દિગ્વિજય દ્વારનું લોકાર્પણ થયું. 1 ડિસેમ્બર, 1995ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્મા દ્વારા નૃત્ય મંડપ પર કળશ પ્રતિષ્ઠા સાથે સોમનાથ મંદિર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું.


માઉન્ટબેટન જૂનાગઢના જોડાણનો પ્રશ્ન પણ રાષ્ટ્રસંઘમાં લઈ જવા માગતાં હતા!

-આખા દેશ કરતાં મોડી જૂનાગઢને ૯મી નવેમ્બરે આઝાદી મળી હતી
-જૂનાગઢની આઝાદીને ૭૦ વર્ષ થયા: સરદાર પટેલે રાષ્ટ્રસંઘમાં જવાના સૂચન સામે ઘસીને ના પાડી દીધી હતી
અમદાવાદ, બુધવાર
આખા દેશને ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે આઝાદી મળી ગઈ હતી. પરંતુ કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢ એ ત્રણ રાજ્યોના શાસકો આડા ફાટયા હતા. એટલે ભારત સાથે જોડાણનો તેમનો નિર્ણય અટકી પડયો હતો. કાશ્મીરના મહારાજા શું કરવુ એ નક્કી કરી શકતા ન હતા, જ્યારે હૈદરાબાદ અને જૂનાગઢના શાસકો લાંબી બુદ્ધિ વાપર્યા વગર પાકિસ્તાન સાથે જોડાણનો નિર્ણય કરી ચૂક્યા હતા. તેમાંથી જૂનાગઢને ૯મી નવેમ્બર, ૧૯૪૭ના દિવસે આઝાદી મળી હતી.
એ વખતે જૂનાગઢના નવાબ મહાબતખાન ત્રીજા હતા. તેમના દિવાન શાહનવાઝ ભુટ્ટો હતા. મહાબતખાન પોતે રાજ-કાજ કરતાં પોતાના ૮૦૦થી વધુ કુતરાંઓને સાચવવામાં વધુ ધ્યાન આપતા હતા. એ દરમિયાન ભુટ્ટોએ જ જૂનાગઢ પાકિસ્તાન સાથે ભળે એવી પેરવી કરી નાખી હતી.
જૂનાગઢ જમીનમાર્ગે પાકિસ્તાનથી ઘણુ દૂર છે, જ્યારે દરિયાઈ માર્ગ પણ લાંબો પડે. એ સંજોગોમાં જૂનાગઢ કઈ રીતે પાકિસ્તાનનો ભાગ હોઈ શકે એવો તર્ક ભુટ્ટો કે નવાબના મગજમાં આવ્યો ન હતો. માટે જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાશે એવી જાહેરાત પછી પ્રજા અને સરકાર બન્નેમાં રોષ ફાટી નીકળ્યો હતો.
તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલે તુરંત પાકિસ્તાની વડાપ્રધાન લિયાકત અલી ખાનને પત્ર લખ્યો હતો, જ્યારે નાયબ વડાપ્રધાન સરદાર પટેલે આ મુદ્દે નવાબને સમજાવવા પોતાના સચિવ-સલાહકાર વી.પી.મેનને જૂનાગઢ મોકલ્યા હતા.
જોકે ભુટ્ટોએ બહાનાબાજી કરી અને મેનન સાથે મુલાકાત જ ન કરી. પરિણામે એ પ્રશ્ન વધારે ગૂંચવાયો. પ્રજામાં નવાબ સામે રોષ હતો. માટે એ વખતના આગેવાનો ઉછંગરાય ઢેબલ, રતુભાઈ અદાણી, રસિકલાલ પરિખ, જેઠાલાલ જોશી વગેરેએ મળીને આરઝી હકૂમત (પ્રજાની સત્તા) સંગઠન સ્થાપ્યું હતું.
જૂનાગઢના પાકિસ્તાન તરફી નિર્ણયથી ગાંધીજી વ્યથિત થયા હતા. તેમણે કહ્યુ પણ હતું કે જે રાજ્યમાં બહુમતી પ્રજા હિન્દુ છે એ જૂનાગઢ પાકિસ્તાનમાં દાખલ થયું, એ તો ગજબ જેવી વાત છે! પાકિસ્તાને જૂનાગઢમાંથી પોતાનો હિસ્સો પાછો ખેંચી લેવો જોઈએ એવો પણ ગાંધીજીનો મત હતો.
દરમિયાન દિલ્હીમાં આ પ્રશ્ન વાઈસરોય માઉન્ટબેટન સુધી પહોંચ્યો હતો. વાઈસરોયે એવુ સૂચન કર્યું હતું કે જૂનાગઢનો પ્રશ્ન આપણે ઉકેલવાને બદલે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં લઈ જઈએ. સરદાર પટેલે આ ઉપાયની ઘસીને ના પાડી દીધી હતી.
માઉન્ટબેટનની સલાહ માનવા નહેરુ તૈયાર હતા, પરંતુ સરદાર પટેલ પોતાની બુદ્ધિ વાપરતા હતા. માઉન્ટબેટને એવી સલાહ આપી હતી કે કાશ્મીર અને જૂનાગઢ બન્ને મુદ્દે સંયમથી વર્તવુ જોઈએ. સરદાર પટેલે ઉપાય બતાવતા કહ્યું હતુ કે નવાબ સીધી રીતે ન માને તો આપણી પાસે કડકાઈનો રસ્તો પણ છે. સરદાર લશ્કર મોકલીને વાતનો છેડો લાવવા માંગતા હતા.
પણ માઉન્ટબેટન એ માટે તૈયાર ન હતા. માઉન્ટબેટને એવો સવાલ પણ કર્યો હતો કે જે રાજ્ય (જૂનાગઢ) આપણી સાથે જોડાયુ જ નથી ત્યાં આપણે (એટલે ભારત સરકાર) કઈ રીતે લશ્કર મોકલી શકે? માઉન્ટબેટનને બરાબર ઓળખતા સરદાર પટેલે સામી દલીલ કરતાં કહ્યુ હતું કે જૂનાગઢમાં લશ્કર મોકલવામાં કશો વાંધો નથી, તમે ચિંતા ન કરો. રાજ્ય ભલે ન જોડાયું હોય, પ્રજામત આપણી સાથે જ છે.
જોકે લશ્કર મોકલવું પડે એવી સ્થિતિ આવે એ પહેલા આરઝી હકૂમતની આક્રમકતાથી ડરીને નવાબ અને ભુટ્ટો બન્નેે જૂનાગઢને રેઢું મુકીને ૮મી નવેમ્બરે કેશોદના એરપોર્ટ પરથી પાકિસ્તાન ભાગી ગયા હતા. આઝાદીના ત્રણેક મહિના પછી લોકમત પણ લેવાયો હતો.
ત્યારે જૂનાગઢ રાજ્યના મતદારો ૨,૦૦,૫૬૯ હતા. તેમાંથી કુલ ૧,૯૦,૭૭૯ લોકોએ મતદાન કર્યું હતું. એમાંથી માત્ર ૯૧ વ્યક્તિઓ જ એવા હતા જેમને પાકિસ્તાનમાં જોડાવુ હતું. એટલે કે ૯૯.૯૯ ટકા લોકોએ જૂનાગઢ ભારતમાં રહે તેની તરફેણમાં મત આપ્યો હતો.
જૂનાગઢના જોડાણનો ફાયદો આખા સૌરાષ્ટ્રમાં મળ્યો. જૂનાગઢ સૌરાષ્ટ્રનું સૌથી મોટું રજવાડું હતું. તેના વિલિનિકરણને કારણે અન્ય રાજ્યોએ ભારત સાથે જોડાવામાં કોઈ આના-કાની કરી ન હતી. કેમ કે આના-કાની કરે તો શું થાય તેનું પરિણામ જૂનાગઢમાં નજરોનજર દેખાઈ રહ્યું હતું.

જમ્મુ-કાશ્મીર ભારતનું બંધારણીય અંગ છે, ભારતીય રાષ્ટ્રનું અભિન્ન અંગ તો હજી બનાવવાનું બાકી છે

રમેશ ઓઝા
02-11-2017
બ્રિટિશ આમની સભામાં ભારતને આઝાદ કરવાનો ખરડો પસાર થયો એ પછી ભારત સરકારે રિયાસતોને ભારતમાં ભેળવવા માટેનો એક વિભાગ શરૂ કર્યો હતો.
સરદાર પટેલ એનો હવાલો સંભાળતા હતા અને સનદી અધિકારી વી. પી. મેનન એમાં તેમને મદદ કરતા હતા. ૧૫ ઑગસ્ટે ભારતને આઝાદી મળી ત્યાં સુધીમાં ભારતમાંનાં કુલ ૫૬૫ રજવાડાંઓમાંથી ૫૬૨ ભારતમાં ભળવાને લગતા કરાર પર સહી કરી ચૂક્યાં હતાં. બાકી ત્રણ રહ્યાં હતાં જૂનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ અને કાશ્મીર. જૂનાગઢના નવાબને પાકિસ્તાનમાં જોડાવું હતું અને હૈદરાબાદ તેમ જ જમ્મુ અને કાશ્મીરના રાજવીઓ નિર્ણય નહોતા લેતા.
રિયાસતોને ભારતમાં વિલીન કરવા માટેના બે કરારો હતા. એક ભારતમાં જોડાવાની ઇચ્છા દર્શાવતો કરાર (ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ એક્સેસન) અને બીજો વિલીનીકરણ સંપૂર્ણ અને બંધારણીય સ્વરૂપ ન પામે ત્યાં સુધી છે એ સ્થિતિ જાળવી રાખવાને લગતો (સ્ટૅન્ડસ્ટીલ ઍગ્રીમેન્ટ) ઠરાવ. પહેલા કરાર હેઠળ રાજવીઓએ તેમની રિયાસતોના સંરક્ષણની, વિદેશવ્યવહારની અને સંદેશવ્યવહારની જવાબદારી ભારત સરકારને સોંપવાની હતી. આ કરાર વહેલી તકે એટલા માટે કરવામાં આવતો હતો કે જો કોઈ રિયાસત પર એને આંચકી લેવાના ઇરાદાથી પાકિસ્તાન આક્રમણ કરે કે રાજ્યની અંદર રાજવીના નિર્ણય સામે બળવો થાય તો ભારત સરકાર લશ્કર મોકલવા સુધીની દરમ્યાનગીરી કરી શકે.
જમ્મુ અને કાશ્મીરના મહારાજા ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાની ઇચ્છા દર્શાવતા કરાર પર સહી કરતા નહોતા અને એની જગ્યાએ તેમણે પાકિસ્તાન સાથે સ્ટૅન્ડસ્ટીલ ઍગ્રીમેન્ટ કરી લીધું હતું. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાનમાં જોડાય એવો આગ્રહ રાખ્યો નહોતો. ઊલટું મોહમ્મદઅલી જિન્નાહે જમ્મુ અને કાશ્મીરની આઝાદીને બહાલ રાખી હતી. એની પાછળનાં બે કારણો હતાં. એક તો તેમને ખાતરી હતી કે જમ્મુ અને કાશ્મીરનો હિન્દુ મહારાજા તેમની રિયાસતને પાકિસ્તાનમાં ભેળવવાનો નથી અને બીજું એનાથી પણ મોટું કારણ એ હતું કે કાશ્મીરની ખીણના મુસલમાનોના નેતા શેખ અબદુલ્લા પાકિસ્તાનવિરોધી છે. જો પાકિસ્તાન સરકાર જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાનમાં જોડાય એવો આગ્રહ રાખશે તો મહારાજા વહેલી તકે ભારતમાં જોડાવાનો નિર્ણય લેશે અને શેખ અબદુલ્લા એમાં મહારાજા પર દબાવ લાવશે. આના કરતાં આઝાદીનું વચન આપવામાં આવે તો બન્નેના મોઢામાં પાણી આવશે અને ભારત સાથે જોડાવાનો કરાર નહીં કરે. દરમ્યાન અનિશ્ચિતતાની સ્થિતિનો લાભ લઈને પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરને ગળી જશે.
૧૯૪૭ના ઑક્ટોબર સુધી પાકિસ્તાનની ગણતરી મુજબ જ બધું થઈ રહ્યું હતું. મહારાજા સ્વતંત્ર કાશ્મીરનાં સપનાં જોતા હતા જે એશિયાનું સ્વિટ્ઝરલૅન્ડ બને. તેઓ ભારતમાં જોડાવાની સંધિ કરતા નહોતા એટલે ભારત સરકાર જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા માટે લશ્કર મોકલી શકે એમ હતી નહીં. મોકો જોઈને પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર પર હુમલો કર્યો. પાકિસ્તાની લશ્કર શ્રીનગરથી માત્ર બાર કિલોમીટર દૂર હતું ત્યારે મહારાજાએ સંધિ પર સહી કરી હતી અને એ પછી ભારત સરકાર લશ્કર મોકલી શકી હતી. જાગતિક દબાણ હેઠળ ભારતે યુદ્ધવિરામ જાહેર કરવો પડ્યો અને જમ્મુ અને કાશ્મીરનો ૪૦ ટકા હિસ્સો પાકિસ્તાનના કબજામાં રહી ગયો. આ બાજુ હજી તો ભારત વિધિવત યુનોમાં જાય એ પહેલાં જ ડિસેમ્બર મહિનામાં યુનોનું પ્રતિનિધિમંડળ શાંતિપ્રયાસો માટે ભારત આવ્યું હતું અને એણે લોકમત લેવાની ભલામણ કરી હતી.
ભારતે જમ્મુ અને કાશ્મીરમાં જનમત લેવો પડે એમ પણ હતું. જૂનાગઢમાં જનમત લેવામાં આવ્યો હતો એ જોતાં કાશ્મીરમાં જનમત ટાળી શકાય એમ હતો નહીં. બીજું, શેખ અબદુલ્લા ભારતમાં જોડાવાના મતના હતા એટલે ભારતને જનમત હારવાનો બહુ ડર નહોતો. ભારતે જમ્મુ અને કાશ્મીરમાં જનમત લેવામાં આવશે એવી જાહેરાત તો કરી, પરંતુ એ પહેલાં આખો મામલો મોડું થવાને કારણે ચેરાઈ ગયો. મારું એવું માનવું છે કે જો મહારાજાએ સમયસર ભારતમાં જોડાવાનો નિર્ણય લીધો હોત તો ભારતે જમ્મુ અને કાશ્મીરનો ૪૦ ટકા પ્રદેશ ગુમાવ્યો ન હોત. મોટા ભાગે લોકમત ભારતની તરફેણમાં આવ્યો હોત. ઉત્તરે ગિલગિટ અને બાલ્તિસ્તાનમાં લોકમત ભારતની વિરુદ્ધ ગયો હોત તો એટલો પ્રદેશ પાકિસ્તાનને આપીને પ્રશ્ન ઉકેલાઈ શક્યો હોત.
સંજોગવશાત જમ્મુ અને કાશ્મીરનો મામલો ગૂંચવાયો એટલે રિયાસતોના ભારતમાં વિલીનીકરણની બાકીની જે પ્રક્રિયા કરવામાં આવતી હતી એ જમ્મુ અને કાશ્મીરમાં થઈ શકી નહીં. અહીં એક ઇતિહાસસિદ્ધ હકીકત નોંધી લો કે જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ સંપૂર્ણપણે નથી થયું. એ સમયે ભારતની બંધારણસભા બંધારણ ઘડવાનું કામ કરતી હતી. જો બધું સમુંસૂતરું પાર પડ્યું હોત તો જેમ જૂનાગઢ અને હૈદરાબાદમાં લોકમત લઈને વિલીનીકરણની પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી અને બંધારણમાં એ બે રિયાસતોની ભૂમિ પર ભારતનું સાર્વભૌમત્વ સ્થાપિત કરવામાં આવ્યું હતું એમ જમ્મુ અને કાશ્મીર પર પણ સાર્વભૌમત્વ સ્થાપિત થઈ શક્યું હોત. આવું બન્યું નહીં એટલે અધૂરા વિલીન થયેલા જમ્મુ અને કાશ્મીરને ભારતીય સંઘનો બંધારણીય હિસ્સો કઈ રીતે બનાવવાં એ પ્રશ્ન ઉપસ્થિતિ થયો હતો. બંધારણનો આર્ટિકલ ૩૭૦ આનો ઉપાય છે. એ આર્ટિકલ બંધારણ ઘડાઈ રહ્યા પછી ઉમેરવામાં આવ્યો હતો.
તો આનો અર્થ એ થયો કે જમ્મુ અને કાશ્મીર ભારતનું બંધારણીય અંગ છે, ભારતીય રાષ્ટ્રનું અભિન્ન અંગ નથી. અભિન્ન અંગ તો હજી બનાવવાનું બાકી છે. ગઈ કાલે કહ્યું હતું એમ પરણેતરને પત્ની અને એ પછી પરિવારનું અભિન્ન અંગ બનાવવા માટે જે પ્રયન્નો કરવા ઘટે એ જમ્મુ અને કાશ્મીરમાં કરવા પડે એમ છે. બીજું, ભારતને જમ્મુ અને કાશ્મીર સાથે જોડી રાખનારી નાળ આર્ટિકલ ૩૭૦ છે. એના કારણે જમ્મુ અને કાશ્મીર ભારતનું બંધારણીય અંગ છે અને એના આધારે ભારત પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર દાવો કરી શકે છે. આર્ટિકલ ૩૭૦ વિશે સંઘપરિવારે એવા ભ્રમ પેદા કર્યા છે કે જાણે એ કોઈ ભસ્માસુર હોય. આ આર્ટિકલ ૩૭૦ શું છે એની વાત હવે પછી.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે” 02 નવેમ્બર 2017

No comments:

Post a Comment