# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday 23 February 2018

અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલ ……..

અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલ  ……..            લેખક- શ્રી પી.કે.દાવડા 

બ્રિટિશરોએ જ્યારે હિન્દુસ્તાન છોડ્યું ત્યારે પોતાની સંપૂર્ણ સત્તાવાળા પ્રાંતો તો ભારત અને પાકિસ્તાનને સમજોતા પ્રમાણે સોંપી ગયા, પણ ૫૦૦થી ૬૦૦ જેટલાં નાનાં મોટાં રજવાડાંઓને કહી ગયા કે તમે તમારી ઇચ્છા પ્રમાણે ભારત અથવા પાકિસ્તાનમાં જોડાઈ શકો છો અથવા સ્વતંત્ર રહી શકો છો અથવા એક ત્રીજો સંઘ પણ બનાવી શકો છો. 
આ જટિલ સમસ્યાનો ઉકેલ શોધવાની જવાબદારી સરદાર વલભભાઈ પટેલે સ્વીકારી. 
એમણે એક તરફ આ રજવાડાંઓની પ્રજામાં દેશપ્રેમની ભાવના જગાડી તૈયાર કર્યાં અને બીજી બાજુ રાજાઓને ભારતમાં જોડાઈ જવામાં જ એમનું હિત છે તે સમજાવવાનું શરૂ કર્યું. રાજાઓને એમણે સમજાવ્યા કે ભારતમાં તમારા રાજ્યના વિલય બાદ પણ તમારો માન–મરતબો જાળવી રખાશે. તમારાં સંબોધનો અકબંધ રહેશે. તમારી રહેણીકરણી ટકાવી રાખવા તમને સાલિયાણું આપવામા આવશે. તમારી આગવી સંપત્તિ અને તમારા રાજમહેલ તમારી માલિકીના જ રહેશે. પ્રજા ભારતમાં જોડાવા માગતી હોય અને તમે આમાં સહકાર આપશો તો પ્રજામાં તમારો આદરભાવ વધશે. 
મોટા ભાગનાં રજવાડાં તો તરત તૈયાર થઈ ગયાં. જે આનાકાની કરતાં હતાં તેમને સરદારે પરિણામ ભોગવવા તૈયાર રહેવાની સખત ભાષામાં ચેતવણી આપી. ત્રણ રાજ્યો, જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર સિવાયનાં બધાં માની ગયાં. 
જો સરદારે કુનેહ અને પોતાની લોહપુરુષ તરીકેની છબીનો ઉપયોગ ન કર્યો હોત તો દેશ અનેક ટુકડાઓ માં વહેંચાઈ જાત. 
આઝાદી પહેલાં પણ સરદારના સંબંધો આ રાજાઓ સાથે સારા હતા, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં રાજ્યોમાં. સરદાર કાઠિયાવાડ રાજકીય પરિષદ, ભાવનગર પ્રજા પરિષદ અને વડોદરાના પ્રજામંડળના પ્રમુખ હતા. અનેક રાજ્યોની પ્રજાનાં મંડળોના તેઓ સંપર્કમા રહેતા.  
૫મી જુલાઈ, ૧૯૪૭ના દિવસે સ્ટેટ ડિપાર્ટમેન્ટ સરદારને સોંપવામાં આવ્યું. સરદારે વી. પી. મેનન અને લૉર્ડ માઉંટબેટનની મદદથી રાજાઓ સાથે વાટાઘાટ શરૂ કરી દીધી. એમણે રાજાઓને કહ્યું કે રક્ષાખાતું, વિદેશખાતું અને સંચાર વ્યવસ્થા (ટપાલ અને રેલવે) આ ત્રણ ખાતાં ભારત સરકારને સોંપી દ્યો અને બાકીનાં ખાતાંઓનો વહિવટ તમે જ ચલાવો. 
આઝાદીની શરૂઆતમાં જ સરદારની ઇચ્છા રાજાઓ સાથે અથડામણમાં આવવાની ન હતી. રાજાઓમાં પણ સરદારે દેશપ્રેમની ભાવના જગાડી અને એમના હિતોનું પોતે ધ્યાન રાખશે એવી ખાતરી આપી. 
ત્રણ રાજ્યોને છોડી બાકીનાં રાજ્યો સરદારની વાત માની ગયાં. સરદારે જરા પણ સમય ગુમાવ્યા વગર બધાં સાથે કરાર કરી લીધા. આટલું મોટું કામ સરદારે ૫મી જુલાઈ,૧૯૪૭ અને ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના ગાળામાં કરી લીધું. જયારે જ્યારે કંઈ અડચણ આવી ત્યારે સરદારે ત્વરિત નિર્ણયો લીધા, જરૂર પડી ત્યાં નેહરુને વિશ્વાસમા લીધા. નેહરુ નહિ માને એવું લાગ્યું ત્યાં ત્યાં સીધા ગાંધીજી પાસેથી મંજૂરી લઈ લીધી. ક્યારેક લૉર્ડ માઉંટબેટનને વચ્ચે રાખી નેહરુને મનાવી લીધા. 
૧૬મી ડીસેંબર, ૧૯૪૭ના રોજ સરદારે એક નિવેદન દ્વારા રજવાડાંઓનો આભાર માન્યો. ૨૯મી જાન્યુઆરી, ૧૯૪૮ની એક પ્રેસ કોન્ફરંસમાં કહ્યું કે જાગૃત પ્રજા અને રાજાઓના સહકારથી આ બધું શક્ય થયું છે . 
સરદારની આ સફળતા પાછળ એક કારણ એ હતું કે રાજાઓને વિશ્વાસ હતો કે સરદાર વચનના પાકા છે. બીજા રાજદ્વારી લોકોની જેમ વચન આપી ફરી જાય એમાંના સરદાર ન હતા. એમણે એમનાં સાલિયાણાંનો હક્ક બંધારણ દ્વારા આપ્યો એટલું જ નહિ પણ યોગ્ય રાજાઓને રાજપ્રમુખ, ગવર્નર, એલચી, વગેરે સ્થાને નિમ્યા. રાજ્ય સોંપી દીધા પછી પસ્તાવાનો વારો ન આવે એ બાબત પ્રત્યે સરદારે ખાસ ધ્યાન આપ્યું. 
વી.પી.મેનનની સલાહથી સરદારે પહેલાં માત્ર ત્રણ બાબતો કેન્દ્રને સોંપવાની વાત કરી, કારણ કે સરદાર જાણતા હતા કે એક વાર આ ત્રણ વિષયમાં ભારત એક રાષ્ટ્ર બની જાય, ત્યાર બાદ બધું આપોઆપ થાળે પડશે. 
કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં બધાં રજવાડાં તો ભારતમાં જોડાઈ ગયાં પણ જૂનાગઢે મુસીબત ઊભી કરી. જૂનાગઢની ૮૫ ટકા વસ્તી હિન્દુ હતી પણ નવાબ મુસ્લિમ હતા. જૂનાગઢ ચારે તરફથી તો ભારત સાથે ભળેલાં રાજ્યોથી ઘેરાયેલું હતું, માત્ર વેરાવળ બંદર દ્વારા પાકિસ્તાન સાથે સંપર્કમા રહી શકે એમ હતું. શાહ નવાબ ભુટ્ટો નામના પ્રધાનની ચડામણીથી નવાબે ઝીણા સાથે પાકિસ્તાનમાં જોડાવા માટેના કરાર કરી લીધા. 
પ્રજામાં ખળભાટ મચી ગયો. સરદારે ભારતીય સેનાને જૂનાગઢને ચારબાજુથી ઘેરી લઈ નાકાબંધી કરવાનો હુકમ આપી દીધો. સરદારે વી.પી. મેનનને મોકલી, નવાબને સખત ચેતવણી આપી. નવાબ પોતાના કુટુંબ અને લઈ જવાય એવી મિલકત લઈ પાકિસ્તાન નાસી ગયા. સરદારની મંજૂરી લઈ શામળદાસ ગાંધી અને અન્ય નેતાઓએ આરજી હકુમતના નામે સરકારની સ્થાપના કરી જૂનાગઢ પર ચડાઈ કરી. દીવાન ભુટ્ટોએ પાકિસ્તાનની મદદ માંગી, પણ પાકિસ્તાને કોઈ મદદ મોકલી નહિ. આખરે ૨૭મી ઓકટોબરે ભુટ્ટોએ ભારત સરકારને જૂનાગઢનો કબજો લેવાનો સંદેશો મોકલ્યો અને પોતે પાકિસ્તાન નાસી ગયા. સરદારે ત્યાંની પ્રજાનો મત લઈ, જૂનાગઢનો વિલય ભારતમાં કરી દીધો. 
જૂનાગઢના પ્રશ્નનો નિકાલ લાવી સરદારે હૈદરાબાદ ઉપર ધ્યાન કેંદ્રિત કર્યું. અહીં પણ ૮૬ ટકા પ્રજા હિન્દુ હતી પણ નિઝામ મુસ્લિમ હતા. નિઝામની ઇચ્છા ભારત અને પાકિસ્તાનની જેમ ત્રીજું સ્વતંત્ર રાજ્ય રચવાની હતી. હૈદરાબાદ પણ ચારે તરફથી ભારતીય પ્રદેશોથી ઘેરાયલું હતું અને એનું કોઈ બંદર પણ ન હતું. સરદારની સંમતિથી નિઝામ સાથે વાટાઘાટ કરવાનું કામ લૉર્ડ માઉંટબેટનને સોંપાયું. સરદાર સમજતા હતા કે માઉંટબેટન વચ્ચે હશે તો આંતરાષ્ટ્રીય દબાણ નિવારી શકાશે. તે સિવાય નિઝામના મુખ્ય સલાહકાર વોલ્ટર મોંક્ટન માઉંટબેટનના મિત્ર હતા. 
જુલાઈ, ૧૯૪૭માં નિઝામ સાથે વાટાઘાટો શરૂ થઈ, પણ ખાસ કંઈ પ્રગતિ થઈ શકી નહિ. ૨૪મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ સરદારે માઉંટબેટનને એક પત્ર દ્વારા જણાવ્યું કે નિઝામને જણાવી દો કે અન્ય રાજ્યો જે શરતે ભારતમાં જોડાયાં છે તે જ શરતે હૈદરાબાદે ભારતમાં જોડાવું પડશે. માઉંટબેટન સાથેની વાટાઘાટ નિષ્ફળ ગઈ. 
છેવટની વાટાઘાટો સરદારે પોતાના હાથમા લીધી. નિઝામના નજ્દીકી ગણાતા રજાકાર કાસિમ રિઝવી સરદારને મળવા આવ્યા. રિઝવીએ ધમકી આપી કે જો ભારત સરકાર દબાણ કરશે તો હૈદરાબાદ છેલ્લા શ્વાસ સુધી લડી લેશે. સરદારે સણસણતો જવાબ આપતાં કહ્યું, જો તમારે આપઘાત કરવો હોય તો તમને કોણ રોકી શકે? 
થોડા સમય બાદ, સરદારે નેહરુને જણાવ્યું કે નિઝામે વિના શરતે ભારતમાં વિલય થવાનું કબૂલ કરવું જોઈએ. સરદારે ભારતની સેનાને તૈયાર રહેવા જણાવ્યું. નેહરુ આનાકાની કરતા હતા પણ સરદાર મક્કમ હતા. ૧૩મી સપ્ટેમ્બર, ૧૯૪૮ના રોજ ભારતની સેનાએ હૈદરાબાદ પર હુમલો કર્યો. ત્યારના ગવર્નર જનરલ
સી. રાજગોપાલાચારીએ સરદારના હુકમને કાયદેસર કરવા કેબિનેટની મિટિંગ બોલાવી અને મંજૂરીની મહોર મારી દીધી.
એક અઠવાડિયામાં હૈદરાબાદ કબજે કરી લેવામાં આવ્યું. 
કાશ્મીરનો પ્રશ્ન જરા અલગ હતો. અહીં મુસ્લીમોની સંખ્યા વધારે હતી પણ રાજા હિંદુ હતા. કશ્મીરની સીમાઓ ભારત અને પાકિસ્તાનને સરખી લાગતી હતી. જે આધાર ઉપર ભાગલા પાડવામા આવ્યા હતા, એ આધાર પ્રમાણે કશ્મીરના મહારાજા જો પાકિસ્તાનમાં જોડાવાનું પસંદ કરે તો ભારત વાંધો ન લેત. પણ નિઝામની જેમ મહારાજા પણ સ્વતંત્ર રાજ્યનાં સપનાં સેવતા હતા. તક જોઈને પાકિસ્તાને કબાલીઓ સાથે મળી કાશ્મીર પર હુમલો કર્યો. મહારાજા ડરીને નાસી જવાની તૈયારીમાં હતા. સરદારે તરત વી.પી. મેનનને મોકલી પરિસ્થિતિ સંભાળવા કહ્યું. મેનને મહારાજાને કુટુંબ સાથે જમ્મુ ચાલ્યા જવાનું કહ્યું, અને દિલ્હી જઈ સરદારને પરિસ્થિતિની જાણ કરી. સરદારે નેહરુ અને માઉંટબેટનને ભારતીય સેના મોકલવા સલાહ આપી. માઉંટબેટને કહ્યું કે મહારાજા ભારતમા વિલયના દસ્તાવેજ પર સહી ન કરે ત્યાં સુધી આમ કરવું એ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ જશે.
સરદારે તરત વી.પી.મેનનને મોકલી મહારાજાના દસ્તખત મેળવી લીધા. તેમ છતાં નેહરુ પૂરી રીતે તૈયાર નહોતા. સરદારે કહ્યું કે હવે કાશ્મીરનું રક્ષણ કોઈ પણ ભોગે ભારતે કરવું જ જોઈએ, નહિ તો બીજા પ્રદેશોનો ભારત પરથી વિશ્વાસ ઊઠી જશે. ભારતીય સેનાની અજોડ કારવાઈથી હુમલાખોરો પીછેહઠ કરવા લાગ્યા. સરદાર કાશ્મીરનું ભૌગોલિક મહત્ત્વ સમજ્તા હતા એટલે કાશ્મીરનો મુદ્દો પોતે જ ઉકેલવા માગતા હતા પણ નેહરુએ ઇચ્છા વ્યક્ત કરી કે આ પ્રશ્નનો ઉકેલ મને કરવા દો. સરદાર સંમત થયા. પરિણામ શું આવ્યું તે આપણે બધા જાણીએ છીએ.
ભારતના ઇતિહાસમાં સરદારનું નામ ભારતના ટુકડા થતા બચાવનાર તરીકે અને અખંડ ભારતનું નિર્માણ કરનાર તરીકે સદા અમર રહેશે. 
-પી. કે. દાવડા, ફ્રિમોન્ટ ,કેલીફોર્નીયા

આજથી લગભગ ૨ વર્ષ પહેલા સરદાર પટેલ વિષેની એક બુક “સરદાર એટલે સરદાર “ ખરીદી હતી. ગુણવંત શાહે લખેલી એ બુકમાં તેમના પત્રો, ભાષણો વિષે ખુબજ વિગતમા લખેલું છે. જયારે આઝાદી માટે ગાંધીજી સત્યાગ્રહો કરતા હતા ત્યારે તો સરદાર સાહેબ તેમની સાથે હતા જ, પણ આઝાદી મળ્યા પછી અથવાતો એમ કહી શકાય કે આઝાદી આપવાનું નક્કી કર્યા પછી, ૫૬૫ દેશી રજવાડાઓને ભેગા કરી એક અખંડ ભારત બનાવવું એ ખરેખર લોઢાના ચણા ચાવવા જેવું હતું. એ કામ સરદારે ભારે કુનેહથી અને સમયસર પાર પાડ્યું, આઝાદી મળી ત્યારે ભારતની સ્થિતિ એક એવા ખેતર જેવી હતી, કે જે ખેતર વિશાળ તો હતું, પરંતુ એમાં ગુંઠા બે ગુંઠાના નાના મોટા અનેક ટુકડાઓ હતા. એ એવું ખેતર હતું જેના સીમાડા સ્પષ્ટ ન હતા. પરંતુ અંદર પડેલા ટુકડાઓની ફરતે તો વાડો હતી જ ! સરદારે આવી આડી અવળી પાથરેલી વાડો બહુ ઓછા સમયમાં ભૂસી નાખી અને ભારતના નકશાને જાળવી લીધો.
હવે આ વિલીનીકરણ કરવાના પ્રયત્નોમાં સરદારને માઉન્ટબેટન નો ઘણો સહકાર મળ્યો. વિલીનીકરણ માટેની એક મીટીંગની વાતચીતનો એક અંશ ખુબ સરસ છે.
સરદાર.   :   તમે જો ઝાડ પરથી બધાજ  સફરજન તોડીને ટોપલીમાં મને આપો તો હું લઉં, પણ જો બધાજ                               સફરજન ન હોય તો ન લઉં.                                                                                         માઉન્ટબેટન    : તમે મારે માટે ડઝન તો છોડશો ને ?  સરદાર : એ તો ઘણા કહેવાય, હું તમને બે                                                    આપીશ.                                                                                                                 માઉન્ટબેટન      : બહુ ઓછા કહેવાય.
થોડીક મીનીટો સુધી આ બંને જણ આની પર ચર્ચા કરતા રહ્યા અને છેલ્લે ૫૬૫ માંથી ૬ કરતા થોડાક વધારે પાકિસ્તાનમાં જોડાય એવું ઠર્યું. અને પછી ચાલુ થઇ વિલીનીકરણ ની પ્રક્રિયા.
હવે આમા હૈદરાબાદ, જુનાગઢ અને ભોપાળ જેવા મુસ્લિમ રાજ્યકર્તાઓને પાકિસ્તાનમાં જોડાવાની ઈચ્છા હતી અને ઝીણા તેમને પ્રોત્સાહન પણ આપતા હતા. ભારતમાં ન જોડવા બાબતે ભોપાળના નવાબ અને ઇન્દોરના મહારાજા વચ્ચે સમજુતી થયેલી કે આપણે જે નિર્ણય કરીશું તે સાથે મળીને વિચારીશું. પણ વી.પી. મેનન ની અનેક મુલાકાતો પછી ભોપાલના નવાબે ભારતમાં જોડાવવા માટે સહી કરી આપી, પણ તેણે પંદરમી ઓગસ્ટ સુધી એ વાત જાહેર ન કરવાની સરદારને વિનંતી કરી. આ બનાવ પછી ઇન્દોરના મહારાજાને દિલ્હી જવાનું થયું. એમની ટ્રેન દિલ્હી પહોચી ત્યાં સુધી એમણે નક્કી કરી રાખેલું કે સહી કરવી નથી. દિલ્હી સ્ટેશને પહોચ્યા પછી મહારાજાએ સરદારને સંદેશો પહોચાડ્યો કે તેઓ મહારાજને મળવા ઈચ્છતા હોય તો સ્ટેશને આવી શકે છે. સરદાર ન ગયા અને રાજકુમારી અમૃત કૌર ને મોકલ્યા. રાજકુમારી ગાંધીજી ના રાજવંશી અનુયાયી હતા. સરદાર જાણતા હતા કે જાજરમાન રાજકુમારીનો ભપકો મહારાજા આગળ ઉપયોગી થશે. રાજકુમારીને જોઇને તેઓ ખુશ તો થયા, પરંતુ થોડાક મુંજાયા પણ ખરા. તેમણે રાજકુમારીને પૂછ્યું : ‘ હું અહી છુ એવું તમે ક્યાંથી જાણ્યું ?’ છેવટે રાજકુમારીએ તેમેને સરદારને મળવા માટે માનવી લીધા, પણ હજી તેમની મુંજવણ નો પાર ન હતો, કેમકે તેમણે ભોપાલના નવાબ જોડે મૌખિક સંમતિ કરી હતી કે આપણે ૧૫ ઓગસ્ટે જ આપણા રાજ્યોને સ્વતંત્ર જાહેર કરીશું. તેથી તેમણે કહ્યું કે તેઓ ભોપાળના નવાબને મળીને જ સહી કરશે. અને છેવટે તેમને ભોપાળના નવાબની સહી બતાવવામાં આવી અને ત્યારે મહારાજાએ કશુય બોલ્યા વગર સહી કરી આપી.
આમ સરદારની કુનેહથી ભારતની વચ્ચોવચ આવેલા બે રાજ્યો ભારતમાં જોડાવવા માટે સંમત થઇ ગયા.
આ ઉપરાંત સરદારે સ્વીકારેલી શિસ્ત કેવી નમૂનેદાર હતી તેનો એક પ્રસંગ. સામાન્ય રીતે વિલીનીકરણ વખતે એવો નિયમ સ્વીકારયો હતો કે વસ્તીનું માળખું અને ભૌગોલિક સ્થાનને ધ્યાનમાં રાખીને પ્રત્યેક રાજ્ય ભારત કે પછી પાકિસ્તાન સાથે જોડાઈ શકે. હવે “ કલાત “ ના ખાને અને બહાવલપુર ના નવાબે ભારત માં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પણ તેમની વસ્તી મોટેભાગે મુસ્લિમ હતી અને વળી તે બંને અનુક્રમે પાકિસ્તાનમાં અને ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા હતા. તેથી સરદારે તેમને પાકિસ્તાનમાં જોડવા માટે સમજાવ્યા. કેમકે સરદાર પ્રમાણિકપણે પાકિસ્તાન સાથે ખોટું ઘર્ષણ ટાળવા માંગતા હતા.
આમ આવા તો કેટલાય કિસ્સા આ બુક માં લખેલા છે. જો આ બધા પ્રશ્નો હલ ન થયા હોત તો આજે ભારતનો નકશો કૈક અલગ જ હોત.
એટલે જ……   સરદાર એટલે સરદાર…….

જૂનાગઢના ૬૯મા આઝાદી દિને નવાબી કાળનાં લેખાંજોખાં

 0 1
ભારતીય સેનાએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને ઉરી હુમલા સંદર્ભે જડબાંતોડ જવાબ આપતા કાશ્મીરની સળગતી સમસ્યાની ચર્ચા વિશ્વભરમાં છેડાઈ છે. હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ ઊભો થયો છે ત્યારે પાકિસ્તાનમાં કાશ્મીરની સાથે જૂનાગઢનો વિવાદ પણ ચર્ચામાં આવ્યો છે. કાશ્મીરની સાથે જૂનાગઢનો વિવાદ પણ વર્ષ ૧૯૪૭-૪૮થી સંયુક્ત રાષ્ટ્ર (યુનો)માં પેન્ડિંગ છે. બંને દેશો વચ્ચેના હાલના તણાવભર્યા માહોલમાં નવાબી નગરી જૂનાગઢનો ૬૯મો આઝાદી દિન ૯ નવેમ્બરે ઊજવાઈ રહ્યો છે ત્યારે વાત કરવી છે જૂનાગઢના આઝાદીના ઇતિહાસ અને સરદાર પટેલની કુનેહથી જૂનાગઢને પાકિસ્તાનથી અલગ કરી ભારતનો હિસ્સો બનાવી શકાયો તેના કેટલાક પાસાઓની. કરાચીસ્થિત નવાબના વંશજ હજુ પણ જૂનાગઢને ભૂલ્યા નથી. તેઓ આ મુદ્દો ફરીથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવા પાકિસ્તાન સરકારને કહી રહ્યા છે. તો ઇતિહાસકારો કહે છે, જો સરદારે જૂનાગઢના ગૂંચવાયેલા પ્રશ્નમાં રસ લીધો ન હોત તો ગુજરાત કે ભારતનો નકશો જુદો જ હોત અને આજે પણ કાશ્મીરની જેમ જૂનાગઢનો મામલો સંયુક્ત રાષ્ટ્રમાં ગાજતો રહ્યો હતો.
૧પ ઓગસ્ટ, ૧૯૪૭નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયો છે. આ દિવસે ભારત સ્વતંત્ર રાષ્ટ્ર બન્યુંં. દેશભરમાં આઝાદીનો જશ્ન મનાવાતો હતો ત્યારે કાઠિયાવાડના જૂનાગઢ રાજ્યનો માહોલ કંઈક જુદો હતો. જૂનાગઢને એ વખતે નવાબ મહોબતખાને પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણય જાહેર કરતાં જૂનાગઢના બહુમતી લોકોમાં રોષ અને અજંપો હતો. જૂનાગઢને પાકિસ્તાનની જાળમાંથી છોડાવવા સરદાર પટેલના છૂપા આશીર્વાદથી આરઝી હકૂમતની રચના કરવામાં આવી હતી. આરઝી હકૂમત, ભારત સંઘના આક્રમક વલણ અને સરદારની કુનેહથી જૂનાગઢની જનતાએ છેક ૯ નવેમ્બર, ૧૯૪૭ના રોજ આઝાદીનો શ્વાસ લીધો હતો.
ભારત અને પાકિસ્તાનના ભાગલા પાડી બંને દેશને સ્વતંત્ર બનાવવાનો નિર્ણય લેવાયો ત્યારે ભારતમાં પ૬ર દેશી રજવાડાંના એકીકરણનો જટિલ પ્રશ્ન હતો. ભારતના આ રજવાડાંમાં એકલા કાઠિયાવાડ (હાલના સૌરાષ્ટ્ર)માં જ રરર રજવાડાં હતાં. જેના વિલિનીકરણની કામગીરી કપરી હતી. પાંચ જુલાઈ, ૧૯૪૭ના રોજ ભારત સરકારે રિયાસતી ખાતું ખોલ્યંુ અને વચગાળાની સરકારના ગૃહપ્રધાન તરીકે સરદાર વલ્લભભાઈ પટેલને દેશી રજવાડાંના વિલિનીકરણ માટે કામ સોંપાયુંં. વલ્લભભાઈની કુનેહથી માત્ર ૪૦ દિવસમાં જ એટલે કે ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ સુધીમાં કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢ એમ ત્રણ સિવાયનાં રાજ્યો પાસેથી જોડાણખત મેળવવામાં સરદારને સફળતા મળી હતી. કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢ સ્ટેટના શાસકોએ ભારત સાથે જોડાવાનો ઈનકાર કર્યો હતો.
જૂનાગઢનો ૬૯મો આઝાદી દિવસ
૯ નવેમ્બર, ર૦૧૬ના રોજ જૂનાગઢનો ૬૯મો આઝાદી દિન ઊજવાશે. આ દિવસે જૂનાગઢમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને ઇતિહાસને પણ યાદ કરાશે. જૂનાગઢ એક તબક્કે પાકિસ્તાનનો હિસ્સો બન્યું હોવાથી ઐતિહાસિક રીતે તે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. બાદમાં જૂનાગઢ ભારતનો હિસ્સો બન્યું તેને ૬૯ વર્ષ થઈ ગયાં, પરંતુ રાજ્ય સરકાર તરફથી છેક ૧૯૯૭થી ઉજવણી શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢના સ્થાનિક આગેવાન અને યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેક્ટર યોગી પઢિયાર કહે છે, “દિલીપ પરીખ જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન બન્યા હતા ત્યારે ૯ નવેમ્બર, ૧૯૯૭ના દિને તેઓ જૂનાગઢ આવ્યા હતા ને ઐતિહાસિક બહાઉદ્દીન કૉલેજમાં તકતી મૂકીને કાર્યક્રમ યોજ્યો હતો. આ કૉલેજ ગ્રાઉન્ડમાં હાલ એ તકતી અત્યંત ખરાબ દશામાં જોવા મળે છે.”
નવાબના વંશજે જૂનાગઢનો મુદ્દો પાકિસ્તાનમાં ઉઠાવ્યો
હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે માહોલ તંગ છે. કાશ્મીર, પીઓકે અને બલુચિસ્તાનનો મુદ્દો ગરમાયેલો છે ત્યારે જૂનાગઢ નવાબના કરાચીસ્થિત ૧૧મા વંશજ જહાંગીરખાને પાકિસ્તાનમાં જુદાજુદા ફોરમમાં જૂનાગઢનો મુદ્દો ફરીથી ચર્ચામાં લાવવા પ્રયાસ કર્યો છે. પાકિસ્તાની ચેનલોને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે,”કાશ્મીરની જેમ જૂનાગઢ સ્ટેટનો ઈશ્યૂ પણ મહત્ત્વનો છે અને તે ૧૯૪૭થી સંયુક્ત રાષ્ટ્રમાં પેન્ડિંગ છે. જૂનાગઢ એક સમયે પાકિસ્તાનનો ભાગ હતું આથી પાકિસ્તાન સરકારે જૂનાગઢનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવો જોઈએ.”
સરદારને જૂનાગઢ પ્રત્યે લગાવ શા માટે હતો?
ભારતના ભાગલા વખતે કાશ્મીર પ્રશ્ને જવાહરલાલ નહેરુ ખાસ રસ લેતા હતા, કારણ કે કાશ્મીર તેમનું વતન હતું. તે જ રીતે જૂનાગઢ પોતાના પ્રદેશમાં આવતું હોવાથી સરદાર પટેલ જૂનાગઢના પ્રશ્નમાં રસ લઈ રહ્યા હતા. રિયાસતી ખાતાનો હવાલો અને રજવાડાંને ભારત સંઘ સાથે જોડાવાના કાર્યમાં સરદાર જૂનાગઢને પોતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન માનતા હતા. જૂનાગઢ નવાબને સમજાવવા સરદારે તેમના મંત્રી વી.પી.મેનનને ખાસ જૂનાગઢ મોકલ્યા હતા, પરંતુ નવાબ માન્યા ન હતા. આ બાબતનો ઉલ્લેખ સરદારે જૂનાગઢની ઐતિહાસિક સભામાં પણ કરેલો.
દીવાને જૂનાગઢને ભારતમાં ભેળવવાનો અભિપ્રાય આપેલો
જૂનાગઢમાં એ વખતે નવાબ મહોબતખાન ત્રીજાનું શાસન હતું અને તે એક અગ્રીમ હરોળનું અને મહત્ત્વનું સ્ટેટ હતું. જેમાં ૮ર ટકા વસતી હિન્દુ હતી અને આસપાસનાં રાજયોએ ભારત સાથે જોડાણનો નિર્ણય કર્યો હતો. કેટલાક સંદર્ભો ટાંકીને ઇતિહાસકારોએ નોંધ્યું છે કે રજવાડાંના ભારત સાથેના જોડાણની કામગીરીના આરંભે તો જૂનાગઢે ભારતમાં ભળી જશે તેવો દેખાવ પણ કર્યો હતો. મે ૧૯૪૭ સુધી દીવાન રહી ચૂકેલા અબ્દુલ કાદર અને તેમના ભાઈએ તો જૂનાગઢ ભારતમાં ન ભળે તો તે આત્મઘાત ગણાશે તેવો અભિપ્રાય પણ આપ્યો હતો. જો કે બાદમાં દીવાન બનેલા શાહનવાઝ ભુટ્ટો (પાકિસ્તાનનાં પૂર્વ વડા પ્રધાન સ્વ. બેનઝીર ભુટ્ટોના દાદા)ના પ્રભાવ હેઠળ નવાબે ૧પ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની જાહેરાત કરી. નવાબની આ જાહેરાતથી જૂનાગઢવાસીઓ સ્તબ્ધ બની ગયા હતા અને દિલ્હી સુધી તેના ઘેરા પડઘા પડ્યા હતા. નવાબની આ જાહેરાતે જૂનાગઢનો એક જુદો ઇતિહાસ રચી દીધો હતો. જોકે ભારત સરકારે કોઈ ઉતાવળિયું પગલું ભરવાને બદલે ધીરજથી કામ લેવાનું વલણ અપનાવ્યું હતું.
નવાબે જૂનાગઢને ભારત સાથે ભેળવવા પ્રયાસો કર્યા, પણ…
જૂનાગઢના જાણીતા ઇતિહાસવિદ્ ડૉ. પ્રદ્યુમ્ન ખાચર કહે છે, “જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યા બાદ કરાચીમાં બેઠેલા નવાબે એક તબક્કે ફરીથી ભારત સાથે જોડાણ કરવા ત્રણેક વખત હકારાત્મક વલણ સાથે પ્રયાસો કર્યા હતા, પરંતુ તેઓ સફળ થયા નહોતા. કરાચીથી નવાબ મહોબતખાને જૂનાગઢથી તેમના બે પ્રતિનિધિ તરીકે જે.એમ.પંડ્યા અને મુસાભાઈને દિલ્હી ખાતે ગાંધીજી અને સરદાર સાથે વાતચીત કરવા મોકલ્યા હતા. જોકે આ વાતચીત સફળ રહી નહોતી. નવાબ તરફથી બીજો પ્રયાસ એ થયો કે કરાચીમાં તેઓ ભારતના હાઈકમિશનર શ્રીપ્રકાશને મળ્યા અને ગાંધી તથા સરદાર કહે તે રીતે જોડાણમાં સહી કરવા તૈયારી બતાવી હતી. જોકે આ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો. અંતે નવાબે ત્રીજો મહત્ત્વનો પ્રયાસ એ કર્યો કે દીવાન શાહનવાઝ ભુટ્ટોએ પાકિસ્તાનમાં નવાબને જૂનાગઢની સ્થિતિ અંગે જાણ કરી માર્ગદર્શન માગતા નવાબે રાજ્યની માલિકીનો લોભ કર્યા વગર તરત જ તાર કરીને જણાવ્યું કે મારી વહાલી પ્રજાના લોહીનું એક ટીપું પણ વહેવું ન જોઈએ એમ કહી ભારત સરકારના શરણે જવા સલાહ આપી હતી.
નવાબના આ તાર બાદ દીવાન ભુટ્ટોના હુકમથી કેપ્ટન હાર્વે જોન્સ ૮ નવેમ્બરના રોજ શરણાગતિનો પત્ર લઈને રાજકોટ ખાતે રિજિયોનલ કમિશનર નીલમ બૂચ પાસે ગયા હતા. આ જ દિવસે દીવાન ભુટ્ટો પણ કેશોદથી કરાચી રવાના થઈ ગયા હતા. ૯ નવેમ્બરના રોજ સાંજે પ.૧પ કલાકે ભારત સરકારના લશ્કરે મજેવડી દરવાજેથી જૂનાગઢમાં પ્રવેશીને રાજ્યનો કબજો લઈ લીધો હતો અને ઉપરકોટ ખાતે તિરંગો લહેરાવ્યો હતો.”
હિન્દ સ્વાતંત્ર્ય ધારા હેઠળ ત્રણ વિકલ્પ અપાયા
બ્રિટિશ પાર્લામેન્ટમાં હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ ૧૯૪૭માં પસાર કરાયો હતો. આ ધારા હેઠળ ભારતના દેશી રાજાઓ-નવાબોને ભારત સાથે જોડાણ, પાકિસ્તાન સાથે જોડાણ કે સ્વતંત્ર રહેવું એમ ત્રણ વિકલ્પ અપાયા હતા. જોકે મોટાભાગના રાજાઓએ હિન્દુસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો. માત્ર જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે અને હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવાનો નિર્ણય કર્યો હતો.
મુંબઈમાં આરઝી હકૂમતની સ્થાપના કરાઈ
જોેેકે પછીથી જૂનાગઢને પાકિસ્તાનના કબજામાંથી છોડાવવાનો નાદ બુલંદ બનતો જતો હતો. આથી ૧પ સપ્ટેમ્બરે મુુંબઈમાં શામળદાસ ગાંધી સમેત પાંચ આગેવાનોની ‘જૂનાગઢ સમિતિ’ રચાઈ હતી. લડતને મજબૂત બનાવવાના નિર્ધાર સાથે સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજમાંથી પ્રેરણા લઈને રપ સપ્ટેમ્બરના રોજ મુુંબઈના માધવબાગમાં વિશાળ જનમેદનીની હાજરીમાં મળેલી સભામાં આરઝી હકૂમતની સ્થાપના કરવામાં આવી હતી અને શામળદાસ ગાંધીને જ તેના વડા તરીકે કારભાર સોંપાયો હતો. ગાંધીજી અને સરદાર પટેલના છૂપા આશીર્વાદ આરઝી હકૂમતને મળતા હતા. હકૂમતની સ્થાપના બાદ ત્રીજા દિવસે પ્રધાનમંડળે રાજકોટમાં ધામા નાખ્યા હતા અને ૩૦ સપ્ટેમ્બર, ૧૯૪૭ના રોજ રાજકોટના જૂનાગઢ હાઉસ (હાલનું સરદારબાગ સરકિટ હાઉસ ) કબજે કરી જૂનાગઢની લડતના શ્રીગણેશ કર્યા હતા. આમ, રાજકોટ એ આરઝી હકૂમતનું મુખ્ય થાણું બન્યું હતું.
નવાબ સામે ત્રિપાંખિયો મોરચો
જૂનાગઢના નવાબના પાકિસ્તાન સાથેના જોડાણના નિર્ણય બાદ આરઝી હકૂમતે નવાબી શાસન સામે આર્થિક પ્રચાર અને સશસ્ત્ર એમ ત્રિપાંખિયો મોરચો માંડ્યો હતો અને ચોક્કસ રણનીતિ સાથે તેઓ આગળ વધતા ગયા હતા. થોડા દિવસ શાંત રહી લશ્કરી તાકાત એકઠી કરી. ભારતનાં મોટાં શહેરોમાં જૂનાગઢનો બહિષ્કાર કરવા સમિતિઓ રચી ચોતરફથી નવાબ પર દબાણ વધારાયુંં. એક તબક્કે આસપાસનાં રાજ્યો અને શહેરોએ જૂનાગઢ પ્રત્યે અસહકારનું વલણ અપનાવ્યું અને જૂનાગઢને મળતાં ખાંડ, કેરોસીન, પેટ્રોલ જેવી આવશ્યક ચીજોમાં કાપ મૂકતા તંગી ઊભી થઈ. આમ, જૂનાગઢની આવક સતત ઘટતી જતી હતી. જૂનાગઢ સ્ટેટની ટ્રેન સેવાની આવક તળિયે જતા દીવાન ભુટ્ટોએ પાકિસ્તાનમાં નવાબ પાસે મદદ માગી, પરંતુ મળી નહીં. ત્રણ મહિનામાં જૂનાગઢ સ્ટેટનંુ અર્થતંત્ર સાવ ભાંગી પડતા નવાબી શાસકો લાચાર બની ગયા હતા.
અમરાપર કબજે કર્યું એ જ દિવસે નવાબ કેશોદથી કરાચી નાસી ગયા
આરઝી હકૂમતની લોકસેનામાં ૪૦૦૦ જેટલા જવાનોની ફોજ ઊભી થઈ હતી. આ સેનાએ ર૪ ઓકટોબર, ૧૯૪૭ ને વિજયાદશમીના દિવસે જૂનાગઢ આસપાસનાં અમરાપર સહિતનાં ગામ કબજે કરી લશ્કરી તાકાત બતાવી હતી. આરઝી હકૂમતના વધતા દબાણથી દશેરાની સાંજે જ નવાબ મહોબતખાન તેના કુટુુંબ સાથે કેશોદ એરપોર્ટ પરથી કરાચી નાસી ગયા હતા. દશેરાના બીજા જ દિવસે ઈદ હતી. તે દિવસે પણ આરઝી હકૂમતની સેનાએ બીજાં દસ ગામ કબજે કર્યાં હતાં. એક પછી એક ૧૦૬ ગામો પર આ સેનાએ કબજો જમાવતા નવાબી શાસન હચમચી ગયું હતું.
ભારતમાં રજવાડાંના વિલિનીકરણમાં મહત્ત્વની ભૂમિકા અદા કરનાર અને સરદારના સાથીદાર એવા ઉચ્ચ અધિકારી વી.પી.મેનને તેમના પુસ્તક ‘ધ સ્ટોરી ઓફ ધ ઈન્ટ્રીગેશન ઓફ ધ ઈન્ડિયન સ્ટેટ્સ’માં જૂનાગઢના નવાબ અને આઝાદીના ઇતિહાસ વિશે કેટલીક રસપ્રદ બાબતો નોંધેલી છે.
જૂનાગઢનો કબજો લીધા બાદ સરદારે મુલાકાત લીધી
ભારત સરકારની સેનાએ જૂનાગઢમાં પ્રવેશ કર્યો તે અંગે કેટલીક ગૂંચવણ ઊભી થઈ હતી. આ મુદ્દે પાકિસ્તાને વિવાદ સર્જ્યો હોઈ ઉકેલ લાવવા અને જૂનાગઢનું શાસન પરત મેળવ્યું તેની કાઠિયાવાડનાં અન્ય રાજ્યો પર શી અસર થઈ? તે જાણવા ભારત સરકારમાં રિયાસતી ખાતાનો હવાલો સંભાળતા સરદાર પટેલે કાઠિયાવાડ અને જૂનાગઢની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું. આથી ૧ર નવેમ્બરના રોજ દિવાળીના દિવસે સરદાર દિલ્હીથી સવારે વિમાનમાર્ગે જામનગર આવ્યા હતા. જામનગરમાં જામસાહેબ સાથે ભોજન લઈને સરદારે સ્થિતિની ચર્ચા કરી હતી અને ત્યાંથી તેઓએ રાજકોટ આવીને શાસ્ત્રી મેદાનમાં રાજકોટના ઠાકોર સાહેબની હાજરીમાં  જાહેરસભાને સંબોધી હતી. આ સભામાં જૂનાગઢના પ્રશ્ન અંગે જ તેઓ ખાસ આવ્યા હોવાનું કહીને ઇતિહાસ વર્ણવ્યો હતો. પાકિસ્તાનના ધમપછાડા, નવાબ અને દીવાનના પલાયન થઈ ગયાનો ઉલ્લેખ કરીને સરદારે કહ્યું હતું કે “જૂનાગઢના દીવાન એક વખત કબજો સોંપ્યા બાદ ફરી ગયા હતા. જૂનાગઢની પ્રજાની માગણીથી ભારત સરકાર જૂનાગઢમાં પ્રવેશી હતી.” કાઠિયાવાડના રાજવીઓને પણ સરદારે પ્રજાનો અવાજ પારખી સમયાનુસાર ચાલવાની શીખ આપી હતી.
કેવું હતું નવાબનું શાસન ?
જૂનાગઢમાં નવાબનું શાસન જોયું હોય તેવા અનેક લોકો હાલ જીવિત છે. જેમાં ૮૧ વર્ષે પણ તબીબ તરીકેની ફરજ બજાવી રહેલા ડૉ. પૂર્ણેન્દુ બુચ નવાબી શાસન વખતે શાળામાં અભ્યાસ કરતા હતા. તેઓ કહે છે, “મેં એકાદ દસકા સુધી નવાબનું શાસન જોયંુ છે. મહોબતખાનજી ત્રીજાના શાસનને રપ વર્ષ થયાં ત્યારે જૂનાગઢમાં તેની ઉજવણી કરવામાં આવી તે પણ મેં જોઈ હતી. ત્યારે નગરને શણગારાયું હતું અને વિવિધ  સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. નવાબ સેક્યુલર હતા. તેઓ શ્વાન સાથે ગાય પણ રાખતા હતા. કપિલા નામની ગાય તેમની માનીતી હતી. નગરશ્રેષ્ઠીઓ ઈદના દિવસે નવાબને હાર પહેરાવવા જતા. જૂનાગઢને પાકિસ્તાને સાથે ભળવા અંગે મારો મત એવો છે કે દીવાન ભુટ્ટોને કારણે નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો.”
sambhaavnews

No comments:

Post a Comment