# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Tuesday 2 October 2018

કલિંગ યુદ્ધ-: સમ્રાટ અશોકનું વિરાટ કટક કલિંગ પર ઊતરી પડ્યું...



કલિંગનું યુદ્ધ (ઈ.સ.પૂર્વે ૨૬૦-૬૧) : દેશ અને દુનિયાનો ઈતિહાસ બદલાય છે

·         પ્રકાશન તારીખ16 Jul 2018

·        







સુપસિદ્ધ ઇતિહાસકાર-વિજ્ઞાનકથા લેખક એચ. જી. વેલ્સે તેમના પુસ્તક ‘એન આઉટલાઈન ઓફ વર્લ્ડ હિસ્ટરી’માં લખ્યું છે કે હજારો સમ્રાટો, રાજરાજેશ્વરો, મહારાજાધિરાજો, સરદારો વગેરેનાં નામોથી ઇતિહાસનાં પાનાં ખચાખચ ભરાયાં છે. તેમાં માત્ર સમ્રાટ અશોકનું નામ જ તેજસ્વી તારાની જેમ ઝબકી રહ્યું છે. આ વાત થવા પાછળનું કારણ એક યુદ્ધ નામે કલિંગનું યુદ્ધ અને તેના પછી ભારતના ઇતિહાસમાં આવેલા બદલાવને મદ્દે નજર રાખી કહેવાયું હતું.

અશોક મૌર્ય સામ્રાજ્યનો શક્તિશાળી શાસક હતો. તેણે પોતાના દાદા ચંદ્રગુપ્તના લશ્કરી અભિયાન દ્વારા સામ્રાજ્ય વિસ્તારની પરંપરાને ન માત્ર જાળવી રાખી, બલકે એને આગળ પણ વધારી હતી. તેનું મોટું પ્રમાણ તે ઈ.સ.પૂર્વે ૨૬૦-૬૧માં તેણે ખેલેલું કલિંગનું યુદ્ધ છે. કલિંગના યુદ્ધના બે પક્ષો હતા. એક મગધપતિ સમ્રાટ અશોક અને દૂરસુદૂર આવેલું કલિંગ એટલે કે આજનું ઓરિસ્સા.

કલિંગના યુદ્ધ પર જતાં પહેલાં આ યુદ્ધના નાયક અશોકનો પરિચય કરીએ. મૌર્ય સામ્રાજ્યના સ્થાપક અને તેના પુત્ર બિન્દુસારનો પુત્ર એટલે અશોક. બૌદ્ધ ગ્રંથ ‘મહાવંશ’ મુજબ બિન્દુસારને ૧૬ રાણીઓ અને ૧૦૦ પુત્રો હતા. અશોક તેની પહેલી રાણી ધર્માનો પુત્ર હતો. સમકાલીન સ્રોતો મુજબ અશોક દેખાવે કાળો અને કદરૂપો હતો. તેનો એક સગો નાનો ભાઈ પણ હતો, જેનું નામ તિષ્ય હતું. બિન્દુસારના અવસાન પછી જયેષ્ઠ પુત્ર નહીં પરંતુ શ્રેષ્ઠ પુત્ર હોવાના નાતે અશોક મૌર્ય સમ્રાટ બનવા ચાહતો હતો, પણ તેની શરૂની સત્તાપ્રાપ્તિ આસાન રહી ન હતી. બિન્દુસારના સમયમાં તે અવંતી એટલે કે આજના ઉજ્જૈનનો સુબો હતો. આ જ સમયમાં અશોકે તક્ષશિલાનો વિદ્રોહ કચડી નાખ્યો હતો. ત્યાં એક વણિક કન્યા સાથે પ્રણયની ગાંઠે બંધાયો હતો. તેમનાં કાયદેસર લગ્ન થયાં ન હતાં. એક મત પ્રમાણે અશોકને બૌદ્ધ મઠના પ્રચાર માટે મદદ કરનાર તેનાં સંતાનો મહેન્દ્ર અને સંઘમિત્રા આ પ્રણય સંબધોની ફલશ્રુતિ હતાં. બંને બાળકો જીવનભર વિદિશામાં રહ્યાં હતાં. તેનું કારણ એ આપવામાં આવે છે કે તે બંને ક્ષત્રિય કુળના ન હોવાથી રાજકુટુંબ તેમનો સ્વીકાર કરી શકે તેમ ન હતું. તેનો સત્તાસંઘર્ષ મુખ્યત્વે સુસિમ સાથે રહ્યો હતો. કારકિર્દીના પ્રારંભે અશોક ખૂબ જ ક્રૂર અને પાશવી પ્રકૃતિની વ્યક્તિ હતો. સુસિમ અને તેના બાકીના ભાઈઓ સાથે થયેલા સત્તાસંઘર્ષમાં અશોકે સુસિમ સમેત ભાઈઓની સરેઆમ કત્લ કરી. ‘ચંડાશોક’ તરીકે કુખ્યાત થયેલા અશોકથી મહેલના કર્મચારીઓ પણ સસલાની જેમ ફફડતા હતા. નાના સરખા અપરાધ માટે પણ સેવકોને મોતના હવાલે કરી દેવાતા. અશોક બેફામ રીતે શિકાર કરતો. રાજમહેલના રસોડામાં દરરોજ અનેક પશુઓનો ભોગ લેવાતો. હરણ અને મોરનું માંસ તો અશોકને અત્યંત પ્રિય હતું.

બૌદ્ધ ગ્રંથ મહાવંશમુજબ બિન્દુસારને ૧૬ રાણીઓ અને ૧૦૦ પુત્રો હતા. અશોક તેની પહેલી રાણી ધર્માનો પુત્ર હતો.

આવા શાસકે માત્ર સામ્રાજ્યવાદી દૃષ્ટિકોણથી આજના કાશ્મીરથી તમિલનાડુ સુધી વિશાલ સામ્રાજ્ય ઊભું કર્યું હતું. કાશ્મીર જીતી અશોકે શ્રીનગરની સ્થાપના પણ કરી હતી. તેના વિશાલ સામ્રાજ્યમાં એક અવરોધરૂપ રાજ્ય આજનું ઓરિસ્સા અને પ્રાચીન કાળનું કલિંગ હતું.કલિંગ નંદવંશના પતન પછી સ્વતંત્ર થયું હતું, અશોકના દાદા ચંદ્રગુપ્ત અને પિતા બિન્દુસાર પણ કલિંગને મૌર્ય સામ્રાજ્યની આણમાં લાવી શક્યા ન હતા. વળી કલિંગ તે સમયે સમૃદ્ધ અને ગૌરવશાળી પ્રદેશ ગણાતો હતો. કલિંગ ઉત્તરે વૈતરણી નદી, પશ્રિમમાં અમરકંટક અને દક્ષિણમાં મહેન્દ્રગિરિ સુધી ફેલાયેલું હતું. ત્યાં અનંતનાથન કે અનંત પનાભાન નામે રાજા રાજ્ય કરતો હતો.

કલિંગ જીતવા પાછળ તેની અત્યંત વિસ્તારવાદી ભૂખ તો હતી જ, સાથે દક્ષિણ ભારત પર નિયંત્રણ રાખવા સમુદ્ર અને જમીન માર્ગે વચમાં આવતા કલિંગ પર કબજો કરવો અનિવાર્ય હતો. કલિંગનું સ્વતંત્ર અસ્તિત્વ મગધ અને દક્ષિણ ભારતના દરિયાઈ વ્યાપારમાં નડતરરૂપ હતું. આમ અશોકની સત્તાની ભૂખ અને વ્યાપારી ઈરાદાઓનું સયોજન થતાં કલિંગનું યુદ્ધ નિશ્ચિત બન્યું હતું.

કલિંગ પરનું આક્રમણ અને યુદ્ધની વિગતો અશોકના શિલાલેખો અને તત્કાલીન સાહિત્યમાંથી ઉપલબ્ધ થાય છે. તે મુજબ અશોકે પોતાના શાસનના નવમા વર્ષે કલિંગ પર હુમલો કર્યો. વિશાલ લશ્કર અને ભવ્ય તૈયારીઓ સાથે અશોકની સવારી કલિંગવિજય માટે ઈ.સ.પૂર્વે ૨૬૦ના વર્ષે નીકળી. તેની સેનામાં ૬૦ હજાર પદાતિ સૈનિકો, ૧ હજારનું અશ્વદળ, સાતસો જેટલા હાથીઓનું દળ અને યુદ્ધમાં શત્રુઓમાં હાહાકાર મચાવી શકે તેવા ચુનંદા સેનાપતિઓ હતા. અશોક અને કલિંગ રાજ્ય વચ્ચે મહાનદી અને ગોદાવરી વચ્ચેના પ્રદેશમાં સંઘર્ષ થવાનો હતો. આજના ભુવનેશ્વરથી ૮ કિલોમીટર દૂર દક્ષિણમાં દયા નદીના કાંઠે અને ધૌલીની પહાડી પર આ ભીષણ યુદ્ધ લડાયું હતું. અશોકના ઈરાદાઓ અને વિશાલ તૈયારી સાથે ચડી આવતો જોઈ કલિંગ સમર્પિત થાય તેમ ન હતું. સ્વતંત્રતાપ્રેમી કલિંગની દરેક વ્યક્તિ અશોકનો સામનો કરવા સજ્જ હતી. સામસામાં લશ્કર અને તેમની લશ્કરી ગોઠવણો રચાઈ ગઈ હતી હવે માત્ર દુંદુભિ વાગવાની બાકી હતી. તેની વાત આવતી કાલે...

arun.tribalhistory@gmail.com

કલિંગ યુદ્ધ-2: સમ્રાટ અશોકનું વિરાટ કટક કલિંગ પર ઊતરી પડ્યું...

·         પ્રકાશન તારીખ17 Jul 2018 






આગળના હપ્તામાં આપણે સમ્રાટ અશોકની કલિંગના હુમલાની તૈયારી જોઈ. નંદવંશના પતન પછી આઝાદ થયેલું, પોતાના પૂર્વજો પણ જે પ્રદેશને જીતી શક્યા ન હતા તે પ્રદેશ અને દક્ષિણમાં દરિયાઈ વ્યાપાર માટે વ્યૂહાત્મક રહેલા કલિંગને જીતવું એ અશોકનું સ્વપ્ન બન્યું હતું. પોતાના રાજ્યાભિષેકના ૯મા વર્ષે એટલેકે ઈ.સ.પૂર્વે ૨૬૦-૬૧માં વિશાળ સેના સાથે કલિંગ વિજય માટે નીકળી પડ્યો. અશોકની સેનામાં ૬૦ હજારનું પાયદળ, ૧ હજારનું અશ્વદળ અને ચુનંદા સેનાપતિઓ હતા. આ રસાલા સાથે અશોક કલિંગ આવી પહોંચ્યો.

પોતાના રાજ્યાભિષેકના ૯મા વર્ષે એટલેકે ઈ.સ.પૂર્વે ૨૬૦-૬૧માં વિશાળ સેના સાથે કલિંગ વિજય માટે નીકળી પડ્યો. અશોકની સેનામાં ૬૦ હજારનું પાયદળ, ૧ હજારનું અશ્વદળ અને ચુનંદા સેનાપતિઓ સાથે અશોક કલિંગ આવી પહોંચ્યો.

કલિંગનું તત્કાલીન સામ્રાજ્ય ઉત્તરે વૈતરણી નદી, પશ્રિમમાં અમરકંટક અને દક્ષિણમાં મહેન્દ્રગિરિ પર્વતમાળા સુધી ફેલાયેલું હતું. અહીં ભુવનેશ્વરથી ૮ કિલોમીટર દૂર ધોલીની પહાડીઓમાં ભીષણ સંગ્રામ થયો. કલિંગ પણ ગાજ્યું જાય તેમ ન હતું. પોતાની આઝાદી માટે દરેક કલિંગવાસી તૈયાર હોય તેવો માહોલ કલિંગમાં ઊભો થયો હતો. પણ અશોકની વિશાળ સેના અને વ્યૂહરચનાઓ સામે આ ઘટના કીડી પર કટક દોડાવવા સમી હતી. અશોકના હલ્લાબોલમાં ગણતરીના કલાકોમાં કલિંગની સેના અને તેમનો આઝાદીનો જુસ્સો તિતરબિતર થઇ ગયો. યુદ્ધમેદાનમાં લોહીની નદીઓ વહી. કલિંગના યુદ્ધમાં અંદાજે એક લાખથી વધુ સૈનિકો અને સામાન્ય નાગરિકો માર્યા ગયા. લાખો ઘાયલ થયા. દોઢ લાખ સૈનિકોને યુદ્ધ કેદી તરીકે પકડવામાં આવ્યા. ચોતરફ રોકકળ અને શોકનું વાતાવરણ હતું.

યુદ્ધમાં વિજય પછી રાજાઓ પોતાના ભવ્ય વિજયને નિહાળવા યુદ્ધ મેદાનમાં આવતા હોય છે. તેમ અશોક પણ પોતાના સ્વપ્નના વિજયને પ્રત્યક્ષ જોવા રણમેદાનમાં આવી પહોંચ્યો. પણ આ શું? યુદ્ધમેદાનની સ્થિતિ જોતાં જ તેનો આનંદ શોકમાં સરી પડ્યો. કારણ કે ડગલે ને પગલે તેને લાશો ઠેબે આવતી હતી. અનાથ બાળકો દર દર ભટકી રહ્યા હતા. પુત્ર વિનાની માતાઓ, પતિ વિનાની પત્નીઓ અને ભાઈ વગરની બહેનો કલ્પાંત કરી રહી હતી. તેમનાં રુદને ચંડાશોક સમા અશોકને પણ હચમચાવી મૂક્યો. એટલામાં જ એક મહિલા બિલકુલ અશોકની સમીપ આવી કહેવા લાગી, ‘યુદ્ધમાં મારા પિતા, પતિ અને પુત્ર ત્રણેય વીરગતિને પામ્યા છે અને હવે મારે જીવવા માટે કોઈ કારણ રહ્યું નથી.’ તે પછી તો અશોકનો રહ્યો સહ્યો ઉન્માદ પણ ઓસરી ગયો. અશોકના મનમાં એક જ પ્રશ્ન થયો કે આ બધું શેના માટે? યુદ્ધ મેદાનમાંથી બહાર આવેલો અશોક બદલાયેલો અશોક હતો. ચંડાશોકમાંથી ધર્માશોક બનવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી હતી. આ વખતે આપણા આ નાયકની ઉંમર ૫૪ વર્ષની હતી. કલિંગમાં નવી વ્યવસ્થા સ્થાપવાના ભાગ રૂપે ત્યાં નવી રાજધાની તોસલી નામની જગ્યાને બનાવી. દંતકથાઓ પ્રમાણે અશોકે કલિંગના રાજાની રાજકુમારી સાથે પ્રણયમાં પડી લગ્ન કર્યાં હોવાનું પણ કહેવાય છે, પણ આ દંતકથામાં કંઈ દમ નથી. આવી દંતકથાઓ ફિલ્મોમાં શોભે, ઇતિહાસમાં નહીં!

કલિંગના વિજયની કહાની અહીં પૂરી થતી નથી. હવે ભાવિ ભારત જેને આદિ અનાદિ કાળ સુધી સંભારવાનું હતું તે ઉપક્રમ શરૂ થયો. યુદ્ધ પછી શસ્ત્રો હેઠાં મૂકી અશોક ધોલીની પહાડીમાં વિશ્રામ ફરમાવી રહેલા બૌદ્ધ સાધુ નામે ઉપગુપ્તને મળે છે. ઉપગુપ્ત અને બૌદ્ધધર્મના સતત સહવાસથી તેણે આત્મરક્ષા સિવાય યુદ્ધ ન કરવાનું નક્કી કર્યું. ચંડાશોક અશોક હવે ધર્માશોક બન્યો. તેના દિગ્વિજયોનો યુગ આથમી ગયો. અશોકના સામ્રાજ્યમાં રણભેરીને બદલે ધર્મભેરી ગૂંજવા લાગી. અધ્યાત્મિક વિજય અને ધર્મવિજયના નવા યુગની શરૂઆત થઈ. કેટલાક ઈતિહાસકારો એમ કહે છે કે અશોકની આ શાંતિપ્રિય અને અહિંસક નીતિના પરિણામે જ મૌર્ય સામ્રાજ્યનું પતન થયું હતું. અહિંસક નીતિના કારણે સૈનિકોનો લડાયક જુસ્સો મરી પરવાર્યો હતો, પણ આપણે એવું અવશ્ય કહેવું જોઈએ કે તત્કાલીન ભારત અને આજના ભારતની પણ ઓળખાણ બની રહેલા અશોકના જીવનમાં આવેલા ધરખમ પરિવર્તન સામે મૌર્ય સામ્રાજ્યના પતનની શી વિસાત ભલા? કલિંગના યુદ્ધે માત્ર અશોકને નહોતો બદલ્યો, ભારતના ઈતિહાસ અને ભાવિને પણ બદલ્યું હતું. અશોકે તત્કાલીન ભારત સામે રાજત્વનો નવો આદર્શ પ્રસ્તુત કર્યો હતો.

કલિંગના યુદ્ધ પછી માત્ર શાસક અશોક જ બદલાયો ન હતો. વૈયક્તિક ધોરણે પણ તેના જીવનમાં ગજા બહારનાં પરિવર્તનો આવ્યાં હતાં. તેના શાહી રસોડામાં માત્ર ખાવા માટે રોજ અનેક પશુઓની કતલ થતી હતી. તેમાં તેણે આદેશ દ્વારા હવે પછી રોજ માત્ર એક હરણ અને એક મોરને મારવાની જ મંજૂરી આપી. આમ શાકાહારી જીવનશૈલી તરફ પણ તે આગળ વધ્યો હોવાનાં પ્રમાણો સાંપડે છે. બીજી તરફ બૌદ્ધ બનેલા અશોકે બૌદ્ધ ધર્મના પ્રસારમાં પણ કોઈ કમી છોડી ન હતી. પોતાનાં સંતાનો મહેન્દ્ર અને સંઘમિત્રાને બોધિવૃક્ષની ડાળી લઇ સિલોનમાં બૌદ્ધ ધર્મના પ્રસાર માટે મોકલ્યાં હતાં. આજે વિશ્વમાં જ્યાં પણ બૌદ્ધ ધર્મ દેખાય છે તેના પાયામાં અશોક અને તેના પછીના ભારતીય શાસકોના પ્રયત્નો રહેલા છે. અને એટલે જ તો આજે પણ બૌદ્ધ ધર્મના ઇતિહાસમાં ભગવાન બુદ્ધ પછી તરત જ સમ્રાટ અશોકનું સ્મરણ થાય છે.

કલિંગના યુદ્ધમાં અંદાજે એક લાખથી વધુ સૈનિકો અને સામાન્ય નાગરિકો માર્યા ગયા. લાખો ઘાયલ થયા. દોઢ લાખ સૈનિકોને યુદ્ધ કેદી તરીકે પકડવામાં આવ્યા.


સાચો વિજય યુદ્ધના મેદાનમાં નહીં, પણ લોકોના હદયમાં મળવો જોઈએ તેવી કલ્યાણકારી ભાવના સાથે શરૂ થયેલી અશોકની કલિંગ યુદ્ધ પછીની રાજનીતિ વૈશ્વિક પ્રસિદ્ધિ પામી છે. અશોકમાં આવેલા આ બદલાવો તેના શિલાલેખો અને સ્તંભલેખોમાં તેની સાક્ષી પૂરતા આજે પણ ઊભા છે. તેમાં અશોકને દેવાનાપ્રિય, પ્રિયદર્શી જેવાં વિશેષણોથી નવાજવામાં આવ્યો છે. બહુ દૂર જવાની અનુકૂળતા અને સગવડ ન હોય તો જૂનાગઢમાં ગિરનારના શિલાલેખની મુલાકાત લઈ અશોકનાં ઐતિહાસિક કર્મોની અનુભૂતિ લઈ શકાય.

કલિંગના યુદ્ધ સાથે ભારતના ઈતિહાસનો એક અધ્યાય પૂરો થયો, પરંતુ બીજા અનેક અધ્યાયો શરુ થયા હતા. યુદ્ધસ્ય કથા રમ્યા એવું કહેવાતું હોય ત્યારે ખંડનાત્મક રીતે નહીં રચનાત્મક સંદર્ભે આ યુદ્ધને રમ્ય ગણવું રહ્યું.
arun.tribalhistory@gmail.com

આભાર - અરુણભાઈ વાઘેલા




No comments:

Post a Comment