# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Tuesday 2 October 2018

ચંદ્રગુપ્ત અને સેલ્યુકસનું યુદ્ધ (ઈ.સ.પૂર્વે ૩૦૫ )



ચંદ્રગુપ્ત અને સેલ્યુકસનું યુદ્ધ (ઈ.સ.પૂર્વે ૩૦૫ )

·         પ્રકાશન તારીખ15 Jul 2018







ગત હપ્તામાં આપણે મહાન સિકંદર અને બાહુબલી પોરસ વચ્ચેના યુદ્ધની વાત જોઈ. સિકંદર સામે ભલે પોરસ પરાજિત થયો હતો, પણ આજે પણ તેના પરાક્રમ અને વીરતાની દુહાઈ દેવામાં આવે છે. સમય નદીના પ્રવાહ જેવો સતત વહેતો રહે છે. જે સિકંદરે ઈ.સ.પૂર્વે ૩૨૬-૨૭માં ભારતની વાયવ્ય –પશ્ચિમ સરહદે તરખાટ મચાવ્યો હતો તેનો આ ભારત વિજય બહુ લાંબી અસરો ઉપજાવી ન શક્યો. તેના અભિયાનનાં પાંચ જ વર્ષ પછી સંજોગો સમૂળગા બદલાઈ ગયા. એવી તો શું ભારતના ઇતિહાસે કરવટ બદલી એની વાત હવે જોઈએ .

ઈ.સ. પૂર્વે ૩૨૧મા મગધ –પાટલીપુત્ર (આજનું બિહાર)માં મુર જાતિનો ૨૫ વર્ષનો એક યુવાન નામે ચંદ્રગુપ્ત મગધપતિ બને છે. નંદ વંશના આપખુદ અને અત્યાચારી શાસક ધનનંદને પોતાના ગુરુ ચાણક્યના સધિયારાથી પરાસ્ત કરી પોતે મગધનો રાજા બન્યો અને મૌર્ય રાજવંશની સ્થાપના કરી. એક તરફ ચંદ્રગુપ્તે પંજાબ અને સિંધના ગ્રીક પ્રદેશો જીતી લઇ ત્યાં વિદેશી હકુમતનો અંત આણ્યો. ગ્રીક લેખક પ્લુંટાર્કે ચંદ્રગુપ્તના લશ્કરમાં ૬ લાખ સૈનિકો હોવાનું નોંધ્યું છે. આ વિશાળ સેનાના બળે તેણે પોણાભાગના હિન્દુસ્તાન પર મૌર્ય સામ્રાજ્યની આણ વર્તાવી હતી.

ચંદ્રગુપ્ત પોતાના ગુરુ ચાણક્યના સધિયારાથી પરાસ્ત કરી પોતે મગધનો રાજા બન્યો અને મૌર્ય રાજવંશની સ્થાપના કરી.

ચંદ્રગુપ્તની સમાંતર સિકંદરનો સેલ્યુકસ નામનો એક સેનાપતિ પોતાની મહાનતાની નીંવ નાંખી રહ્યો હતો. સિકંદરના અવસાન પછી તેણે ગ્રીક સામ્રાજ્ય માટે સંઘર્ષ કરવો પડ્યો. સત્તાના આ સંઘર્ષમાં સેલ્યુકસ વિજેતા થયો. તેણે બેબિલોન અને બેકત્રિયાના પ્રદેશો જીતી ભારત તરફ નજર દોડાવી. તે સિકંદરે ભારતમાં જીતેલા પ્રદેશો ફરીથી અંકે કરવા માગતો હતો. સેલ્યુકસ ઈ.સ. ૩૦૫માં કાબુલના માર્ગે સિંધુ નદી તરફ આગળ વધ્યો. પરંતુ હવે ભારતના સંજોગો સિકંદરના આક્રમણ વખત જેવા ન હતા. સેલ્યુકસના હુમલાની પોતાના કુશળ જાસુસી તંત્ર દ્વારા ચંદ્રગુપ્ત માહિતી મેળવી ચૂક્યો હતો. વળી તે સમયે પંજાબ અને સિંધનાં રાજ્યો વિભક્ત ન હતાં. સિકંદરને સહાય કરનાર શશિગુપ્ત અને આમ્ભી જેવા ગદ્દારોનોનો યુગ આથમી ચૂક્યો હતો. મોટાભાગનું ભારત એક સત્તા અર્થાત ચંદ્રગુપ્તના નેતૃત્વમાં હતું. યુનાની લેખક એપ્પીયાનસે નોંધ્યું છે કે સેલ્યુક્સે સિંધુ નદી પાર કરી ચંદ્રગુપ્ત સાથે યુદ્ધ છેડી દીધું. તેની સેનામાં રથ અને હાથી હતા. પણ ચંદ્રગુપ્તે સેલ્યુકસને સિંધુના બીજા કાંઠે જ રોકી દીધો. ચંદ્રગુપ્ત પાસે નિયમિત અભ્યાસ કરવાવાળી, યુદ્ધવિદ્યામાં પ્રવિણ અને આચાર્ય કૌટિલ્યના સિદ્ધાંતોથી કેળવાયેલી સેના હતી. પરિણામ સ્પષ્ટ હતું. સેલ્યુક્સનો પરાજય અને ચન્દ્રગુપ્તનો જય થયો.

યુદ્ધ પછીનો સમય સંધિની શરતો નક્કી કરવાનો કે શાંતિવાર્તાનો હોય છે. સેલ્યુક્સના પરાજય પછી સંધિની શરતના ભાગરૂપે ચંદ્રગુપ્તને આજના અફઘાનિસ્તાન અને બલુચિસ્તાનના પ્રદેશો પ્રાપ્ત થયા. આ પ્રદેશો પ્રાપ્ત થતાં મૌર્ય સામ્રાજ્ય ઠેઠ હિંદુકુશ પર્વતમાળા સુધી પહોચ્યું હતું. આટલો સામ્રાજ્ય વિસ્તાર ભારતના ઇતિહાસમાં બહુ ઓછા શાસકો હાંસલ કરી શક્યા હતા. બેશક ચંદ્રગુપ્ત મૌર્ય અને પ્રાચીન ભારતની આ મસમોટી સિદ્ધિ હતી.બદલામાં મૈત્રીની ભાવના સાથે ચંદ્રગુપ્તે સેલ્યુકસને ૫૦૦ હાથી ભેટ આપ્યા અને પોતાના રાજ્યમાં ગ્રીક દૂત રાખવાની પ્રથા શરુ કરી. તેના ભાગ રૂપે પહેલો ગ્રીક દૂત પાટલીપુત્રમાં રહેવા આવ્યો. તેનું નામ મેગેસ્થનિસ હતું. તેણે પોતાના ભારતના અનુભવોને આધારે ‘ઈન્ડીકા’ નામનો અદભુત ગ્રંથ લખ્યો છે, પણ કમનસીબે ઈન્ડીકા આજે અપ્રાપ્ય છે.

સેલ્યુક્સના પરાજય પછી સંધિની શરતના ભાગરૂપે ચંદ્રગુપ્તને આજના અફઘાનિસ્તાન અને બલુચિસ્તાનના પ્રદેશો પ્રાપ્ત થયા. આ પ્રદેશો પ્રાપ્ત થતાં મૌર્ય સામ્રાજ્ય ઠેઠ હિંદુકુશ પર્વતમાળા સુધી પહોચ્યું હતું.

સેલ્યુકસ અને ચંદ્રગુપ્ત વચ્ચેના યુદ્ધ પછી સમાધાનના ભાગરૂપે સેલ્યુકસે પોતાની બહેન હેલનને ચન્દ્રગુપ્ત સાથે પરણાવી હતી. આ રિવાજ પ્રાચીન કાળમાં ‘કન્યોપાયન’ તરીકે વિકસ્યો. એટલે કે હારેલો રાજા જીતેલા રાજાને પોતાની બહેન કે દીકરી પરણાવે અને એ રીતે મિત્રતાના સંબધો સ્થાપાતા. હેલન ચંદ્રગુપ્ત સાથે લગ્ન કરી પાટલીપુત્ર પધારી. તે અહીં આવી ત્યારે તેણે ગ્રીક વેશભૂષા પ્રમાણે સાડી ધારણ કરી હતી. જે કેટલાક ઈતિહાસકારોના મતે તત્કાલીન ભારત માટે તદ્દન નવતર વસ્ત્ર હતું . અને પછી તો ભારતમાં પણ તેનું પ્રચલન શરુ થયું. આમ પણ સિનેતારિકાઓ પહેલાં ભારત અને વિશ્વમાં ફેશનના પ્રતીક તરીકે રાજકુટુંબની મહિલાઓ જ ગણાતી હતી અને સામાન્ય સ્ત્રીઓ રહેણીકરણીમાં તેમનું જ અનુકરણ કરતી હતી. આમ હેલનના માધ્યમથી ભારતીય સ્ત્રીઓમાં સાડી ફરતી થઈ.

સેલ્યુકસ સાથેના યુદ્ધ પછી ભારત અને ગ્રીક વચ્ચે શરુ થયેલા સાંસ્કૃતિક સંબંધોમાં એક રસપ્રદ બાબત એ પણ બની કે ગ્રીક રાજાઓ પોતાના જન્મદિવસે માથું મુંડાવતા હતા. તેને અનુસરી ચંદ્રગુપ્તે પણ પોતાના જન્મદિવસે માંથું મુંડાવવાનું શરુ કર્યું હતું.

બીજા ગ્રીક યુદ્ધે માત્ર રાજવી પરંપરાઓને જ પ્રભાવિત કરી ન હતી. ભારતના સામાજિક જીવન પર પણ તેનો સ્પષ્ટ પ્રભાવ જણાતો હતો. ભારતમાં આજે પણ ઉપયોગમાં લેવાતી યુનાની દવાઓના સગડ શોધવા જઈએ તો તેનો પુરાવો સેલ્યુકસના આ યુદ્ધ પછી શરુ થયેલા સાંસ્કૃતિક સંબધોમાં સાંપડે છે.

મહાન વિજેતા ચંદ્રગુપ્ત મૌર્ય અને ગ્રીક સેનાપતિ સેલ્યુકસના યુદ્ધ પછી એમ પૂછવાનું મન થાય કે શું યુદ્ધો હંમેશાં વિનાશકારી જ હોય છે? મૈત્રીના પુલનું નિર્માણ પણ યુદ્ધો થકી શક્ય બની શકે છે. શું મહર્ષિ વેદ વ્યાસે કથેલા ‘યુદ્ધસ્ય કથા રમ્યા’નો એક અર્થ આ પણ તારવી શકાય?


arun.tribalhistory@gmail.com

આભાર - અરુણભાઈ વાઘેલા


No comments:

Post a Comment