# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday 6 October 2018

સોમનાથ અને મહમંદ ગઝનવી - 2

સોમનાથ અને મહમંદ ગઝનવી - 2




દૂરસુદૂર સોમનાથ પર આક્રમણ કરી તેને જીતવાના બુલંદ ઈરાદા સાથે મહમુદ ગઝનવી (અત્યારના અફઘાનિસ્તાનના) ગઝનીથી નીકળ્યો. ગુજરાત અને પર હુમલો કરવાનો તેનો એક માત્ર ઈરાદો સામ્રાજ્ય ઊભું કરવાનો હતો, ધાર્મિક પુણ્ય મેળવવાનો નહિ. કારણકે ઘણા નવા લેખકોના મત મુજબ વ્યક્તિગત રીતે મહમુદ ઉદાર મનનો અને સંસ્કારી હતો. ગુલામ માતાનો આ પુત્ર શક્તિ, શૌર્ય અને વીરતાથી ભરેલો હતો. શરીરે સુદૃઢ પણ મોઢે શીળીના ડાઘા હોવાથી કદરૂપો લાગતો હતો. તેને હિંદુઓ પ્રત્યે કોઈ વેરભાવ ન હોવાનું પણ કહેવાય છે.

પોતાના દરબારમાં તેમજ સૈન્યમાં હિંદુઓ માનભર્યું સ્થાન ધરાવતા હતા. તેના વિશ્વાસુ સેનાપતિઓમાં ગણપતિ અને તિલક હિંદુ હતા. તેણે મહમુદ વતી અનેક લશ્કરી અભિયાનો પાર પાડ્યાં હતાં. એટલે સમયનાં વહેણ સાથે ‘સોમનાથની મૂર્તિનો વિધર્મીઓ વિનાશ કરી જ ન શકે’ તેવી તત્કાલીન હિન્દુઓની શેખીમાંથી મહમુદની ધર્માંધતા વાળી વાત ઊભી થઇ હોવાની શકયતા રહે છે. ગઝનવી હિંદુઓ પરત્વે કેવો હતો તેવું તો છાતી ઠોકીને કહેવાનાં પર્યાપ્ત સાધનો આપણી પાસે નથી, પણ હિંદુ મુલક પર તેનો સામ્રાજ્યવાદી ડોળો હતો એટલું તો પાક્કું છે. અને હિન્દુસ્તાનના અઢળક સોનાની લાલચ તો ખરી જ.

ગઝનવી હિંદુઓ પરત્વે કેવો હતો તેવું તો છાતી ઠોકીને કહેવાનાં પર્યાપ્ત સાધનો આપણી પાસે નથીપણ હિંદુ મુલક પર તેનો સામ્રાજ્યવાદી ડોળો હતો એટલું તો પાક્કું છે.

સોમનાથ જીતવા માટે મહમુદે ત્રણ વર્ષ સુધી લગાતાર તૈયારીઓ કરી. તે ગઝનીથી સોમનાથ સુધીના રસ્તા પર આવનારાં ભયસ્થાનો વિશે પૂરો વાકેફ હતો. આખરે પોતાનાં ઓપરેશનને આખરી ઓપ આપતાં તારીખ ૧૮ ઓક્ટોબર ૧૦૨૫ના રોજ ૩૦ હજારનું પાયદળ અને ૫૪ હજારના અનિયમિત દળ સાથે તે ગઝનીથી નીકળ્યો. વચ્ચે મુલતાનમાં રમઝાન માસ આવ્યો તો વિશ્રામ ફરમાવ્યો અને વળી પછી યાત્રા શરૂ કરી ગુજરાત ભણી. મુલતાનથી ગુજરાતનો રસ્તો ઘણો વિકટ હતો, પણ તેણે રસ્તામાં કચ્છનું રણ અને પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે ઊંટ રાખ્યાં હતાં. ૨૬ નવેમ્બર ૧૦૨૫ના રોજ મુલતાનથી ગઝનવી નીકળી વિશાળ તૈયારી સાથે તે ગુજરાત પર ત્રાટક્યો. માર્ગમાં આવતા લોદ્રવા અને ચિકોદરા જેવાં સ્થળોનો નાશ કર્યો. હવે આપણે તે સમયે ગુજરાતમાં પાટણમાં જેમની સત્તા જામી રહી હતી ત્યાં શું પરિસ્થિતિ હતી તેની થોડીક વાત કરી લઈએ.

પાટણમાં સોલંકી સત્તાની સ્થાપના ઈ.સ ૯૪૨માં મુલરાજ સોલંકી દ્વારા થઈ. મૂળરાજના પિતા કનોજના પ્રતિહાર રાજ્યના ગુર્જરદેવના સામંત હતા. તેમનાં લગ્ન અણહિલવાડ પાટણના ચાવડા રાજા સામંતસિંહની બહેન લીલાદેવી સાથે થયાં હતાં. તેનો પુત્ર એટલે પહેલો પાટણપતિ મૂળરાજ સોલંકી. લીલાદેવીનું સગર્ભાવસ્થામાં મૃત્યુ થતાં મૂળરાજને માતાનું પેટ ચીરી ઉપરથી લેવામાં આવ્યો હતો અને તેનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો હોવાથી તેનું નામ મૂળરાજ રખાયું. મામા સામંતસિંહ દારૂના નશામાં હતા ત્યારે મદિરામત્ત મામાની હત્યા કરી મૂળરાજે પાટણની ગાદી કબજે કરી હતી. તેના વંશનો ભીમદેવ ઈ.સ.૧૦૨૨-૨૩માં પાટણનો શાસક બન્યો.

ઉપરની બાબતો જણાવવાનો આશય એટલો જ છે કે મહમુદ ગઝનવીના હુમલા વખતે ગુજરાતમાં સ્થાપિત સત્તા કાર્યરત હતી. આવા રાજા અને તેના સામ્રાજ્યને ભેદીને મહમુદે સોમનાથ સર કરવાનું હતું. પરંતુ તેની પાસે આ પૂર્વે હિન્દુસ્તાન પર હુમલાઓ કરવાનો ખાસ્સો તજુરબો હતો. આ પહેલાં પણ અનેક આક્રમણો કરી તે પેશાવર, મુલતાન, નગરકોટ, કનોજ, મથુરા, કાલિન્જર અને ગ્વાલિયરનો નાશ કરી ચૂક્યો હતો. ભારત પર હુમલો કરવો એ લગભગ તેની વાર્ષિક યોજના બની ગઈ હતી. એ જ પરિપાટી પર તે ઓકટોબર ૧૦૨૫માં સોમનાથ અભિયાન માટે નીકળ્યો. રસ્તામાં મુલતાનથી ગુજરાતનો માર્ગ ઘણો વિકટ હતો, પણ આટલે આઘેથી આવતો હોવાથી કુદરતી અને માનવસર્જિત આફતોને પહોંચી વળવા માટે તેણે પ્રચંડ તૈયારીઓ કરી હતી. મુલતાનનું રણ ઓળંગી તે ધસમસતા વાવાઝોડાની જેમ પાટણ આવી પહોંચ્યો. તેની જાણ પાટણપતિ ભીમદેવને થતાં તે મુકાબલો કરવાને બદલે સમયસૂચકતા વાપરી, નગર ખાલી કરાવી કચ્છમાં આવેલા કંથકોટના કિલ્લામાં ભરાઈ ગયો. તેના આ ભાગેડુ કૃત્ય માટે એવું કારણ આપવામાં આવે છે કે તેને પાટણ અને સરસ્વતી નદીના સપાટ મેદાનમાં મલેચ્છ સેનાનો સામનો કરવા માટે કોઈ કુદરતી રક્ષણ મળતું ન હતું.

તેથી દુરંદેશી ભીમદેવે પાટણ આગળ મહમુદ ગઝનવીનો સામનો કરવાને બદલે કંથકોટમાં આશ્રય લીધો અને મહમુદ સોમનાથ હુમલા પછી ગઝની પાછો જાય ત્યારે તેને રસ્તામાં આંતરી ખતમ કરવાનો હતો. પણ રજવાડી લેખકોએ રજુ કરેલી આ બાબત સાચી ન ઠરી કારણ કે સોમનાથ હુમલા પછી પણ કચ્છના રસ્તે છુપાઈને બેઠેલો ભીમદેવ કઈ જ ઉકાળી શક્યો ન હતો. હવે મહમુદનો રસ્તો સાફ હતો. પાટણથી તે અઢાર માઈલ દૂર આવેલા મોઢેરા પહોંચ્યો ત્યાં તેણે ૨૦ હજાર જેટલા સ્થાનિક બ્રાહ્મણો સાથે સંઘર્ષ ખેલવો પડ્યો. પરંતુ ગઝની સેના સામે સ્વધર્મની રક્ષા કરતા બ્રાહ્મણો ટકી ન શક્યા અને બધા માર્યા ગયા. ગઝની સેનાએ સૂર્ય મંદિર ખંડિત કર્યું.

સોમનાથ પર હુમલો કરવાના મનસુબા સાથે મહમુદ ગઝનવી તારીખ ૧૮ ઓક્ટોબર ૧૦૨૫ના રોજ ૩૦ હજારનું પાયદળ અને ૫૪ હજારના અનિયમિત દળ સાથે ગઝનીથી નીકળ્યો.


મોઢેરાથી સોમનાથ પહોંચવા મહમદે કચ્છના નાના રણનો માર્ગ પકડ્યો. ત્યાંથી વઢવાણ થઇ સોરઠમાં દાખલ થયો. અહીં ઉના પાસેના દેલવાડા ગામે મહમુદની સેનાએ સ્થાનિક લશ્કરનો સામનો કરવો પડ્યો. પરંતુ સોમનાથના દ્વારે પહોંચી ચૂકેલા તેણે પ્રચંડ હુમલા દ્વારા સ્થાનિકોને કચડી નાખ્યા. અહીં મહમુદ ગઝનવીએ પહેલી વાર દરિયો જોયો. દરિયાકાંઠે મહમુદના હુમલા વખતે તીવ્ર ધુમ્મસ છવાયું તેને સોમનાથમાં બેઠેલા હિંદુ ભાવિકોએ મહાદેવનો ચમત્કાર માની લીધો અને ભગવાને વિધર્મીને સોમનાથના સીમાડે જ રોકી લીધો છે તેવું માન્યું. પણ તે સાચું ન હતું. ૪ જાન્યુઆરી ૧૦૨૫ના દિવસે તે દેલવાડામાં હતો અને તે દિવસે ગુરુવાર હતો. તેથી બીજા દિવસે શુક્રવારે જુમ્માની નમાઝ અદા કરી મહમદની સોમનાથ પર હુમલો કરવાની યોજના હતી અને બન્યું પણ મહમુદ ગઝનવીની યોજના મુજબ જ. તેની વાત હવે પછી.


આભાર -  અરુણભાઈ  વાઘેલા

No comments:

Post a Comment