# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday 6 October 2018

સોમનાથ પર મહમુદ ગઝનવીનો હુમલો-૩

સોમનાથ પર મહમુદ ગઝનવીનો હુમલો-૩




પોતાના સપનાના વિજય માટે લાંબો અને કઠિન રસ્તો પાર કરી મહમુદ ગઝનવી તારીખ ૬ જાન્યુઆરી ૧૦૨૬ના રોજ સોમનાથ પહોંચ્યો. તે સમયે સોમનાથ મંદિર ફરતે કિલ્લેબંધી ન હતી. મંદિરની ચોતરફ દીવાલ બાંધવામાં આવી હતી. દીવાલની અંદર પુજારીઓ, નૃત્યાંગનાઓ અને સામાન્ય રક્ષકો અને દર્શનાર્થીઓ હતા. સોમનાથ આવતાં પહેલાં મહમુદે સોમનાથની ભૂગોળનું

સોમનાથ મંદિરમાં ભારતની સૌથી મોટામાં મોટી મૂર્તિ કે શિવલિંગ આવેલું હતું. તેના પર રોજ ઠેઠ ગંગા નદીથી કાવડો દ્વારા આવતા ગંગાજળનો અભિષેક થતો.

બારીક અવલોકન કરી પોતાનો લશ્કરી વ્યૂહ ગોઠવ્યો હતો. મંદિરમાં ભારતની સૌથી મોટામાં મોટી મૂર્તિ કે શિવલિંગ આવેલું હતું. તેના પર રોજ ઠેઠ ગંગા નદીથી કાવડો દ્વારા આવતા ગંગાજળનો અભિષેક થતો. પરંતુ તેનું મહત્ત્વ શ્રદ્ધાળુ હિન્દુઓને હતું, મહમુદ ગઝનવી કે તેની સેનાને નહીં. ૭ જાન્યુઆરી ૧૦૨૬ના રોજ ગઝની સેનાએ સોમનાથ પર ભયંકર હુમલો કર્યો. શરૂમાં તો શ્રદ્ધાળુઓ એમ માનતા હતા કે ભગવાન મહાદેવ જ મલેચ્છોનો નાશ કરશે. તેઓ શિવજીના ત્રીજા નેત્ર ખોલવાની આતુરતાથી રાહ જોતા હતા. પણ એવું ન થયું. ગઝની સેનાએ સાગમટે બાણવર્ષા કરી. સામાન્ય રક્ષકો અને મંદિરના પૂજારીઓએ પણ સામે બાણવર્ષા કરી. તેમની પાસે નિયમિત લશ્કર ન હતું. છતાં ઇષ્ટદેવને બચાવવાનો જુસ્સો તો હતો જ.

શસ્ત્રવિહોણા શ્રદ્ધાળુઓએ આડા પડી માનવ સાંકળ રચી સોમનાથને બચાવવાના મરણિયા પ્રયાસો ચાલુ રાખ્યા હતા. આ જ સમયે એક મત પ્રમાણે જૂનાગઢના રા નવઘણ અને તેના સેનાપતિ મહીધર સોમનાથના રક્ષણ માટે આવ્યા હોવું કહેવાય છે. તેમના આગમનથી હિંદુઓ ઇષ્ટદેવની રક્ષા માટે વધુ ઉત્સાહી બન્યા હતા. પરંતુ મહમુદના વ્યૂહ સામે તેઓ લાચાર પુરવાર થયા હતા. આખરી ઉપાય તરીકે શ્રદ્ધાળુઓ મંદિરના ગર્ભગૃહમાં જઈ રક્ષણ માટેની યાચના કરવા લાગ્યા. તે દરમિયાન હુમલાખોરો ઠેઠ મંદિરમાં આવી પહોંચ્યા હતા. ગઝની સેનાએ મંદિરનો કબજો લઇ લીધો. મંદિરનું રક્ષણ કરતા ત્યાંના માંડલિક સહિત ૫૦ હજાર માણસો માર્યા ગયા. લોહીની નદીઓ વહી. સેંકડો લોકો જીવ બચાવવા ભાગી દરિયામાં કૂદી પડ્યા તો ત્યાં પણ મહમુદના સૈન્યે તેમનો પીછો કરી મોતને હવાલે કર્યા. આખરી ઉપાય તરીકે તેઓએ મહમુદને મંદિરમાં જતો રોકવાના પણ મરણિયા પ્રયાસો કર્યા. પરંતુ બધું નિષ્ફળ ગયું.

ભયંકર નરસંહાર પછી મહમુદ ગઝનવી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યો. તેને હવામાં લટકતી મૂર્તિ કે શિવલિંગ જોવાની તીવ્ર ઉત્કંઠા હતી, પણ તે ત્યાં પહોંચ્યો ત્યારે પણ પૂજારીઓએ એને શિવલિંગ ન તોડવાની રીતસર આજીજીઓ કરી. પણ મહમુદ મન બનાવી ચૂક્યો હતો. શિવલિંગને જોઈ તે ઘણો આશ્ચર્યચકિત થયો. તેણે મંદિરનો ખજાનો લૂંટવાનો આદેશ કર્યો અને ગઝની સેનાએ બેફામ લૂંટ ચલાવી. એટલે સુધી કે શિવલિંગ અને દીવાલો પર ચોંટાડેલા હીરા-મોતી અને રત્નો સુદ્ધાં લૂંટી લીધા. તેનું મૂલ્ય ૨૦ હજાર દીનારથી વધુ હતું. સુલતાન મહમુદ ગઝનવીએ તે પછી મૂર્તિના ચમત્કાર વિશે પૂછી તેના સૈનિકોને તેની છાનબીન કરવા હુકમ કર્યો. સૈનિકોએ મૂર્તિની ચોતરફ ભાલો ઘુમાવી કોઈ ટેકો તો નથી તેની ખાતરી કરી જોઈ. બાદમાં એક સૈનિકે મંદિરનો મંડપ ચુંબકીય પથ્થરથી બનેલો હોવાની વાત કહીને તેના બળે મૂર્તિ હવામાં લટકી રહી હોવાની વાત કરી. આખરે પાક્કી ખાતરી કરવા સુલતાને મંદિરના ઉપરના ભાગેથી પથ્થરો કાઢી લેવા આજ્ઞા કરી અને તેનો અમલ થતાં જ શિવલિંગ ઝૂકી ગયું ને પૃથ્વી પર પડ્યું. સુલતાને ગદા વડે શિવલિંગના ટુકડા કર્યા તે વખતે પણ શ્રદ્ધાળુ હિન્દુઓએ પ્રાણની પણ પરવા કર્યા વગર મહમુદને શિવલિંગ ન તોડવા છેલ્લી વિનંતી કરી હતી. પણ તે વ્યર્થ ગયું. શિવલિંગ તોડવાને કારણે તે ‘બુત-શિકન’ (મૂર્તિ ભંજક) તરીકે પણ ઓળખાયો હતો.

ઇતિહાસકાર અલ્બેરુનીના મતે સુલતાન મહમુદ ગઝનવીએ જ્યોતિર્લિંગના ટુકડા કરી તેમનો એક ટુકડો પોતાના મહેલના પગથિયામાં જડાવ્યો હતો. મહમુદ સોમનાથ ધ્વંસ પછી પ્રભાસમાં ૧૮ દિવસ રોકાયો હતો. પુષ્કળ લૂંટફાટ કરી સ્ત્રી -પુરુષોને ગુલામ બનાવ્યાં. સોમનાથ અને આખા સૌરાષ્ટ્રમાં હાહાકાર મચાવી પોતાના સુબા તરીકે દારસિલીમની નિયુક્તિ કરી ૨૪ જાન્યુઆરી ૧૦૨૬ના રોજ ફતેહપૂર્વક ગઝની જવા ઊપડ્યો. તે પહેલાં સોમનાથથી જ પુષ્કળ પ્રમાણમાં ખાવા-પીવાનો પુરવઠો પણ લઇ લીધો હતો. પણ આગળ ઉપર તેણે એક મુકાબલા માટે તૈયાર રહેવાનું હતું અને તે પાટણથી ભાગી કંથકોટમાં ભરાયેલા પાટણપતિ ભીમદેવનો. પરંતુ ભીમદેવ તેને ખાસ નુકસાન પહોંચાડી શક્યો ન હતો. કચ્છના રણમાં છીછરા પાણીમાં ઊતરી મહમુદ અને તેની સેનાએ નમાઝ પણ પઢી હતી. ઉપરથી ભીમદેવ પાસેથી ખજાનો લૂંટી મહમુદે તેના દ્રવ્યમાં વધારો કર્યો હતો. પરંતુ તેની વળતી યાત્રા આસાન રહી ન હતી.

સિંધ પ્રાંતના પરમદેવ નામના રાજાએ તેના પર અણચિંતવ્યા હુમલાઓ કરી ગઝની લશ્કરને ત્રાહિમામ કર્યું હતું. મહમુદના લશ્કરના અનેક સૈનિકો અને પશુઓ ભૂખ અને તરસથી માર્યા ગયા હતા. હજારો સૈનિકોને લઈ મહમૂદ સ્વદેશ પરત ફર્યો ત્યારે તેની સેનામાં માત્ર ૨ હજાર સૈનિકો રહ્યા હતા. તેઓને સોમનાથની લૂંટમાંથી તેમની ક્ષમતા પ્રમાણે હિસ્સો કાઢી આપવામાં આવ્યો. મહમુદે ‘ગાઝી’ની ઉપાધિ ગ્રહણ કરી. ગઝનીમાં પુસ્તકાલય, સંગ્રહાલય અને મસ્જિદોનું નિર્માણ કરી સોમનાથનું ધન તેમાં વાપરવામાં આવ્યું. પરંતુ તેના આ વિજયનો ઉન્માદ લાંબો સમય ટકી ન શક્યો. ૩૦ એપ્રિલ ૧૦૩૦ના રોજ આંતરડાનો ક્ષય થતાં મહમુદનું અવસાન થયું. તેના મૃત્યુ પછી ગઝનીમાં તેના તરફનો આદર ઘટી ગયો હતો. ઈ.સ.૧૦૪૦માં તો ગઝનીનાં ભવનો, અરે, તેની કબરો સુદ્ધાં ખોદી કાઢવામાં આવી હતી.

શરૂમાં તો શ્રદ્ધાળુઓ એમ માનતા હતા કે ભગવાન મહાદેવ જ મલેચ્છોનો નાશ કરશે. તેઓ શિવજીના ત્રીજા નેત્ર ખોલવાની આતુરતાથી રાહ જોતા હતા. પણ એવું ન થયું.

મહમુદના દેશમાં તેની મરણોત્તર સ્થિતિ બદતર હતી, તો ભારતમાં તો તે સૈકાઓનું વૈમનસ્ય છોડીને ગયો હતો. સોમનાથ પર અનેક હુમલાઓ થયા, પણ મહમુદ ગઝનવીનો હુમલો ભારતીય પ્રજા સદીઓ સુધી વીસરી શકી ન હતી. તાત્કાલિક ધોરણે તો હિંદુ માનસ સંક્રાંતિ જેવી સ્થિતિમાં હતું. અલબત્ત, સોમનાથ હુમલા પછી તરત તો ઈતિહાસકાર રોમીલા થાપરે નોંધ્યું છે તે પ્રમાણે સોમનાથ કોમી એટલે કે હિંદુ-મુસ્લિમ વેરભાવનાનો મુદ્દો બન્યું નહોતું. આ બધું આધુનિક સમય અને ખાસ તો બ્રિટીશ સમયની પેદાશ હતું. સોમનાથ મંદિર થોડાક દાયકાઓ સુધી પૂજાતું ન હતું, પણ પછી તેનો જીર્ણોદ્ધાર થતાં વળી પાછું ધાર્મિક રીતે હિંદુ પ્રજાના કેન્દ્રમાં આવ્યું હતું. તત્કાલ તો ભારતીય રાજાઓ અને સામંતો તેમાંથી કશું શીખ્યા ન હતા અને તેઓએ પરિણામ રૂપે મહમુદ ઘોરીથી પરાસ્ત થવું પડ્યું હતું.
arun.tribalhistory@gmail.com

આભાર -  અરુણભાઈ  વાઘેલા

No comments:

Post a Comment