# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Tuesday 2 October 2018

મહમુદ ગઝનવી અને સોમનાથનું યુદ્ધ (ઈ.સ. ૧૦૨૫-૨૬)



મહમુદ ગઝનવી અને સોમનાથનું યુદ્ધ (ઈ.સ. ૧૦૨૫-૨૬)

·         પ્રકાશન તારીખ20 Jul 2018







યુ. એસ. ગ્રાન્ટ નામના લેખકે ‘ઓન ધ આર્ટ ઓફ વૉર’ (યુદ્ધના કૌશલ્ય વિશે) નામનું પુસ્તક લખ્યું છે. તેમાં તે જણાવે છે કે ‘યુદ્ધકલા સાવ સરળ છે. પહેલાં તમારો શત્રુ ક્યાં છે તે ખોળી કાઢો. પછી બની શકે તેટલી ઝડપથી તેની પાસે પહોંચી જાવ અને પહેલો ઘ રાણાનો એ ન્યાયે તેના પર શક્ય તેટલા વાર કરો અને આગળ ધપતા રહો.’ આ થિયરીનું વ્યવહારુ પ્રતિબિંબ ક્યાંય જોવું હોય તો ગઝનીના સરદાર મહમુદ ગઝનવીએ ઈ.સ.૧૦૨૫-૨૬ના વર્ષે ગુજરાતની અસ્મિતાના પ્રતીક સમા સોમનાથ પર કરેલાં આક્રમણમાં પડઘાય છે.

સોમનાથ નગરનો પહેલો ઉલ્લેખ મહાભારતમાં મળે છે. તે સુરાષ્ટ્રનું દેવનગરકહેવાતું હતું.

સદીઓથી હિન્દુઓની આસ્થાનું પ્રતિક રહેલું સોમનાથ મંદિર સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે સ્થિત છે. ધાર્મિક ઉપરાંત વ્યાપારી રીતે પણ સોમનાથનો સમાવેશ ભારતના મોટાં બંદરોમાં થતો હતો. સમુદ્રી બંદર હોવાના નાતે દેશ-વિદેશના સૌદાગરોની અહીં ચહલ પહલ રહેતી હતી. બંદર હોવાથી સોમનાથ ‘પાટણ’ કહેવાતું હતું. સોમનાથ નગરનો પહેલો ઉલ્લેખ ‘મહાભારત’માં મળે છે. તે ‘સુરાષ્ટ્રનું દેવનગર’ કહેવાતું હતું. ધર્મરાજ યુધિષ્ઠિર પણ અહીં આવ્યા હોવાનું કહેવાય છે. કાલાન્તરે ત્રીજી સદીમાં તે સોમનાથ તરીકે જાણીતું થયું. શ્રીકૃષ્ણના દેહોત્સર્ગની ઘટના પણ સોમનાથ પાસે પ્રભાસમાં બની હતી.

૧૩મી સદીના એક વર્ણન મુજબ સોમનાથ ભારતના દરિયા કાંઠે વસેલું એક સમૃદ્ધ બંદર હતું. ત્યાં રહેલી આશ્ચર્યજનક વસ્તુઓમાં એક સોમનાથનું મંદિર હતું. આખું મંદિર શીશા જડેલા સાગનાં લાકડાંના બનેલા ૫૬ સ્તંભો પર ઊભું હતું. તેના પર રાન્ગા (પોલિશ) ચડાવેલું હતું. ભરતી વખતે દરિયો પણ તેના પગ પખાળતો હોય તેવું દૃશ્ય સર્જાતું હતું. દરિયામાં આવતી ભરતીને હિંદુઓ મૂર્તિની ઉપાસના સમજતા હતા. અહીંનું કોઈ શિવજીની મૂર્તિ હોવાનું તો કોઈ શિવલિંગ હોવાનું જણાવે છે. છતાં તે હિન્દુઓની આસ્થાનું સર્વોપરી સ્થાનક તો હતું જ. અહીંનું શિવલિંગ ગર્ભગૃહમાં વિના આધારે ઊભું હતું. મંદિરના ગર્ભગૃહમાં અંધારું ઘોર હતું, પણ શિવલિંગ પર લગાવેલા સોના અને રત્નો તથા હીરા-ઝવેરાતને કારણે ઘોર અંધકારમાં પણ ગર્ભગૃહ ઝળહળી ઊઠતું. હિંદુ શ્રદ્ધાળુઓને તેના પર અપાર આદર હતો. શિવલિંગને હવામાં તરતું જોઈ હિંદુ-મુસ્લિમ સમેત એને જોનાર સહુ કોઈ ચકિત થઇ જતા. મંદિરમાં સુવર્ણના થાંભલા અને ૨૦૦ મણ સોનાથી બનેલી સાંકળો હતી.

મંદિરના નિભાવ માટે રજવાડાઓ તરફથી ગામડાંઓ દાનમાં અપાયાં હતાં. મંદિરની દેખભાળ માટે ૧ હજાર બ્રાહ્મણો સેવારત રહેતા. જ્યારે રાતનો એક પહોર પૂરો થઇ બીજો પહોર શરૂ થતો ત્યારે પૂજા માટે બ્રાહ્મણો બીજા જૂથને જગાડવા માટે તેના ઘંટનો ઉપયોગ કરતા. તો ત્યાંના ચોગાનમાં ૫૦૦ કુમારિકાઓ નાચતી અને ગાતી રહેતી હતી. ચંદ્રગ્રહણ વખતે લાખો હિંદુઓ સોમનાથની યાત્રા કરતા. હિંદુ માન્યતા પ્રમાણે મનુષ્યના આત્માઓ શરીરથી પૃથક થઈ ત્યાં એકત્ર થાય છે અને આ મૂર્તિ પોતાની ઈચ્છા અનુસાર તેમને બીજા શરીરમાં પુન:જીવનના સિદ્ધાંતો પ્રમાણે દાખલ કરે છે.

આવા ધાર્મિક રીતે મહત્ત્વના સ્થાને લાખો હિંદુઓ દર વર્ષે આવતા ભાલ પંથકમાં આવેલા ભોળાદમાં સોમનાથનો નાકા વેરો ઉઘરાવવામાં આવતો. પ્રતિવર્ષ તેની આવક અંદાજે ૭૨ લાખ રૂપિયા હતી. જે સોલંકી કાળમાં સિદ્ધરાજ સોલંકીના માતા રાજમાતા મીનલદેવીએ નાબુદ કરાવ્યો હતો. ટૂંકમાં સોમનાથ પ્રાચીન કાળમાં આર્થિક, ધાર્મિક અને સંસ્કૃતિક રીતે ગુજરાતનું ધબકતું કેન્દ્ર હતું. અહીંના સુખ અને સમૃદ્ધિની વાતો ‘જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા’ જેવી ગીત પંક્તિઓની માફક ઊડતી ઊડતી મહમુદ ગઝનવી સુધી પહોંચી હતી.

સોમનાથનું શિવલિંગ ગર્ભગૃહમાં વિના આધારે ઊભું હતું. મંદિરના ગર્ભગૃહમાં અંધારું ઘોર હતું, પણ શિવલિંગ પર લગાવેલા સોના અને રત્નો તથા હીરા-ઝવેરાતને કારણે ઘોર અંધકારમાં પણ ગર્ભગૃહ ઝળહળી ઊઠતું.

સોમનાથની વાત કરી તો તેના પર આક્રમણ કરનાર મહમુદ ગઝનવીનો પણ પરિચય કરી લઈએ. મહમદ અફઘાનિસ્તાનના કાબુલ પાસે આવેલા ગઝનીનો સુલતાન હતો. તેના પિતા નાસીરુદીન સબકતગી (ઈ.સ. ૯૭૭-૯૯૭)એ ગાંધાર દેશના રાજવી જયપાલને હરાવી ત્યાં ઇસ્લામનો પ્રચાર કર્યો હતો. તેના મૃત્યુ બાદ મહમુદ ગઝનવી સત્તાસ્થાને આવ્યો. તેણે અબ્બાસી ખલીફા અલ કાદિર બિલ્લાહ તરફથી ઈ.સ. ૯૯૯માં યામીનઉદૌલા -અમીન-અલમિલ્લતની ઉપાધિ તથા સુલતાનની પદવી પ્રાપ્ત કરી હતી. સોમનાથ પર આક્રમણ કરતાં પહેલાં તેણે ભારતની સુખ -સમૃદ્ધિથી ખેંચાઈ અહીં ૧૭ વખત હુમલાઓ કર્યા હતા.

દરમિયાન તેણે ભારતના હિંદુ રાજાઓને નબળા પાડ્યા. પેશાવર, મુલતાન, નગરકોટ, કનોજ, મથુરા, કાલીન્જર અને ગ્વાલિયર જેવાં સ્થળો જીત્યાં અને લૂંટ્યાં. હિંદુ દેવમંદિરોનો નાશ કર્યો. ત્યાંથી મળેલી અઢળક સંપત્તિ અને બુલંદ વિજય ઉપહાર રૂપે ખલીફાનાં ચરણોમાં ચઢાવ્યાં અને આખા પ્રાંતમાં પોતાના ભવ્ય વિજયની કહાનીઓ સંભળાવી. આ વિજય યાત્રાઓ દરમિયાન જ સોમનાથ મંદિર અને અહીંના ધન ભંડારોની વાતો મહમદ સુધી આવી હતી. તેના મુખબીરોએ સોમનાથની પવિત્રતા અને અખૂટ ધન ભંડારો તથા જ્યાં સુધી સોમનાથ ન જીતાય ત્યાં સુધી બધા વિજયો નકામા હોવાનું કહ્યું અને પરિણામે સોમનાથ અભિયાનની વિચારણા શરૂ થઈ. તેની વાત હવે પછી.
arun.tribalhistory@gmail.com


આભાર - અરુણભાઈ વાઘેલા

No comments:

Post a Comment