જુનારાજની મુલાકાતે
pdf
Click here
Click here
જુનારાજની મુલાકાતે – પ્રવીણ શાહ
March 14th, 2013 | પ્રકાર : પ્રવાસવર્ણન | સાહિત્યકાર : પ્રવીણ શાહ |
બધીબાજુ પાણીથી ઘેરાયેલા એક નાનકડા ટાપુ પર, એક નાનું સરખું
ગામ. આવા ગામમાં ફરવા જવાની કેવી મજા આવે ! ગુજરાતમાં આવેલું જુનારાજ આવું જ એક
ગામ છે. તે રાજપીપળાથી ૨૦ કી.મી. દૂર આવેલું છે.
જુનારાજની મુલાકાતે જવા અમે એક દિવસ સવારે વડોદરાથી નીકળી પડ્યા.
પહેલાં તો રાજપીપળા પહોંચ્યા. વડોદરાથી રાજપીપળા ૭૫ કી.મી. દૂર છે. રસ્તામાં ચા
અને ભજીયાંની લિજ્જત માણી. રાજપીપળાથી છ-એક કી.મી. દૂર કરજણ નદી પર બાંધેલા બંધ
આગળ પહોંચ્યા. નીચવાસ તરફથી જોતાં, બંધ ઊંચો અને જાજરમાન લાગે છે. આ
બંધને કારણે પાછળ ઉપરવાસમાં કેટલા ય કિલોમીટર સુધી પાણી ભરાયાં છે. ઉપરવાસમાં
નદીની બંને બાજુ નાના નાના ડુંગરાઓ છે. આ ડુંગરાઓ વચ્ચે જ્યાં નીચો ભાગ હોય ત્યાં
બધે બંધનાં પાણી ફરી વળ્યાં છે. બંધના ઉપરવાસમાં બંધથી દસેક કી.મી. દૂર નદીના
કિનારે જ આ જુનારાજ ગામ છે. એટલે જુનારાજ ગામની એક બાજુ પાણી ભરેલી નદી અને બીજી
બે બાજુ નદીનાં ફેલાયેલાં પાણી –
આમ ત્રણે બાજુ પાણી છે. ચોમાસામાં ડેમ
જો છલોછલ ભરાઈ જાય તો જુનારાજની ચોથી બાજુએ પણ પાણી ફરી વળે છે અને આખું ગામ એક
બેટમાં ફેરવાઈ જાય છે. તે વખતે આ ટાપુ પર પહોંચવું હોય તો બંધ આગળથી હોડીમાં
બેસીને ઉપરવાસમાં ૧૦ કી.મી. નો પ્રવાસ ખેડી જુનારાજ પહોંચાય. ગામલોકોને રાજપીપળા
જવું હોય તો પણ બોટમાં બેસીને જ જવું પડે. હોડીનો આ પ્રવાસ, દરિયાઈ પ્રવાસ જેવો
લાગે. જુનારાજ ગામને છેડે આવેલું શિવમંદિર સહેજ નીચાણમાં છે એટલે ચોમાસામાં આ
મંદિરનો મોટો ભાગ ડૂબી જાય છે. ફક્ત શિખરનો ઘુમ્મટ જ બહાર દેખાય.
ચોમાસા સિવાયના સમયે ડેમમાં પાણી ઓછું હોય ત્યારે ગામની ચોથી બાજુએ
પાણી ઉતરી જાય છે. એટલે ડેમ આગળથી નદીના કિનારે કિનારે ડુંગરાઓમાં થઈને એ ચોથી બાજુથી
ગામમાં જઈ શકાય છે. આ રસ્તે ચાલતા જઈએ તો ડુંગરાઓમાં ચડઉતર કરી ડેમ આગળથી સાતેક
કી.મી.નું અંતર કાપીને જુનારાજ પહોંચાય છે. આ ડુંગરાઓમાં ગાડી જઈ શકે એવો કાચો
રસ્તો બનાવ્યો છે. તે સહેજ લાંબો છે, લગભગ ૧૪ કી.મી. જેટલો.
અમે કુલ દસ જણ હતા અને બે ગાડી લઈને આવ્યા હતાં. એટલે ડેમ આગળથી એ
ગાડીવાળા રસ્તે આગળ વધ્યા. ડુંગરોમાં બનાવેલો રસ્તો એટલે ચડઉતર, વળાંકો ખૂબ આવે. એક
બાજુ ડુંગર અને બીજી બાજુ ખીણ અને રસ્તો કાચો અને સાંકડો એટલે ગાડી ખૂબ સાચવીને
ચલાવવી પડે. નદીને કિનારે કિનારે જ જતા હતાં એટલે નદીના પાણીનાં વારંવાર દર્શન
થાય. ટેકરા ઉપરથી ઉપરવાસનો અગાધ જળરાશી દેખાય. એ દ્રશ્ય બહુ જ અદભૂત લાગે. અમે
રસ્તામાં ઘણી જગાએ ગાડી ઉભી રાખી ગાડીમાંથી ઉતરીને નદીનાં પાણી, ડુંગરોની ખીણમાં
પ્રવેશેલાં પાણી, આખી નદીનો દેખાવ એવાં બધાં દ્રશ્યો મન ભરીને માણ્યાં. ફોટાઓ
પાડ્યાં. જંગલની શોભા તો ખૂબ જ હતી. અત્યારે કેસૂડો ફુલબહારમાં ખીલ્યો હતો. આ બધુ
જોતાં જોતાં કલાકેકમાં તો જુનારાજ પહોંચી ગયા. ગામ પહોંચવાના ૧ કી.મી. પહેલાં, નદીકિનારે, સરકારના વનવિભાગે
રહેવા માટે કુટિરો ઊભી કરી છે. આ કુટિરોમાં અગાઉથી બુકીંગ કરાવીને રહી શકાય છે.
જુનારાજ આવીને રાત રહેવું હોય તો આ જગ્યા ઉત્તમ છે.
અમે જુનારાજ પહોંચ્યાં. સરપંચનું ઘર પૂછતાં પૂછતાં ગામ વીંધીને
ગામને છેડે પહોંચ્યાં. છેક નદીકિનારે આવી ગયા. સરપંચનું ઘર તથા આજુબાજુનાં ઘરો
નદીકિનારાથી સાવ નજીક હતાં. ચોમાસામાં બંધ પૂરેપૂરો ભરાય તો નદીનાં પાણી છેક
લોકોના આંગણા સુધી આવી જ જાય એવું લાગ્યું.
ગામનાં બધાં ઘરો ઝુંપડા જેવાં હતાં. ઘણાં ઘર નળિયાવાળાં હતાં, પણ પાકું મકાન તો
એક પણ નહિ. ભીંતો પણ વાંસની અને તેના પર ગારમાટીનું લીંપણ. લોકોનો ધંધો ખેતી અને
પશુપાલન. ગાય, ભેંશ, બકરીઓ ઘણી જોવા મળી. પ્રાથમિક શિક્ષણથી આગળ ભણવાની કોઈ સગવડ નહિ.
વધુ ભણવું હોય તો રાજપીપળા જવું પડે. અહીં હજુ વીજળી પહોંચી નથી. પણ સરકારે સોલર
પેનલો ગોઠવી આપી છે. એટલે થોડાંક ઘરને તો રાત્રે વીજળી મળે છે. અહીં હજુ ઘણા
વિકાસની જરૂર હોય એવું લાગ્યું. અહીં કોઈ રેસ્ટોરન્ટ હોય એવી તો કલ્પના જ નહિ
કરવાની. એટલે અમે અગાઉથી સરપંચને ફોન કરીને જમવાની સગવડ કરવાનું કહી રાખ્યું હતું.
અમે સરપંચના ઘર આગળ ગાડીઓ ઉભી કરી દીધી. ગામનાં લગભગ વીસેક છોકરાં
અમને જોવા દોડીને ભેગાં થઇ ગયાં અને કૂતુહલથી અમને તથા ગાડીઓને જોવા લાગ્યાં. અમે
તેમને પ્રેમથી બોલાવીને તેમની સાથે વાતો કરી. અમે ચોકલેટો લઈને આવ્યા હતાં, તે તેમને આપી. ફોટા
પણ પાડ્યા. તેઓને પણ મજા આવી ગઈ.
સરપંચના આંગણામાં દાખલ થતાં જ, સરપંચના પુત્ર તથા કુટુંબીઓએ અમને
પ્રેમથી આવકાર્યાં, ખાટલાઓ પાથરી દીધા, ખાટલા પર ગોદડાં પાથર્યાં, ઘરના માટલાનું પાણી
બધાને પીવડાવ્યું, ચા મૂકીને પીવડાવી. ગામડાના લોકોમાં મહેમાનગતિની જે ભાવના હજુ ટકી
રહી છે તેનાં અમે પ્રત્યક્ષ દર્શન કર્યાં. અમે તો તેમને માટે અજાણ્યા જ હતાં, પણ તેમની
આગતાસ્વાગતાએ અમને તેમની નજીક આણી દીધાં. તેમના ઘરનો સ્ત્રીવર્ગ રસોઈની તૈયારીમાં
પડ્યો અને અમે બધા નીકળી પડ્યા લટાર મારવાં.
પેલું મંદિર નજીક જ હતું. અત્યારે ડેમમાં પાણી ઓછું હોવાથી, મંદિર ડૂબેલુ ન
હતું. અમે ચાલતા મંદિરે પહોંચ્યા. અહીં સામસામે બે મંદિર છે. બંને શિવજીનાં, એક મોટું અને એક
નાનું. રાજરાજેશ્વર મહાદેવનાં દર્શન કર્યાં. મંદિર જૂના જમાનાનું, પથ્થરોનું બનેલું
છે. બાંધણી સરસ છે. આજુબાજુ કાળભૈરવ અને બીજાં બે નાનાં મંદિર છે. અહીં જૂના
જમાનામાં નદીકિનારે, મંદિરની નજીક કોઈ રાજાએ કિલ્લો બંધાવેલો. એ કિલ્લાના અવશેષો
અત્યારે પણ અહીં જોવા મળે છે. તૂટીફૂટી દિવાલો, અટારી અને એવુ બધું છે. કિલ્લાનો ઘણો
ભાગ નદીના પાણીમાં ડૂબી ગયો છે. યજમાને અમને બોટમાં વિહાર કરવાની પણ સગવડ કરી આપી.
મંદિર આગળથી જ અમે બોટમાં બેસી ગયા. ડિઝલથી ચાલતી બોટમાં અમે લગભગ અડધો કલાક બંધના
ભરાયેલા પાણીમાં ફરવાની મજા માણી. જાતજાતનાં પક્ષી જોવા મળ્યાં. બોટમાંથી પેલી
કુટિરો પણ દેખાઈ. નદીના સામા કિનારાનાં જંગલો પણ ભવ્ય લાગતાં હતાં. બોટીંગ કરીને
પાછા આવ્યા. આમ જુઓ તો બંધના ઉપરવાસનો કેટલો બધો વિસ્તાર અમે ફરી વળ્યા હતાં !
ઘરે પહોંચ્યા ત્યારે જમવાનું તૈયાર હતું. સવારનાં ભજિયાં તો પેટમાં
ક્યારનાંય ઓગળી ગયાં હતાં, મતલબ કે ભૂખ બરાબરની લાગી હતી. ઘરની અંદર જમીન પર પાથરેલા આસન પર
ગોઠવાઈ ગયાં. રોટલા, શાક, દાળભાત ખાવાની બહુ જ મજા આવી ગઈ. રસોઈ ખૂબ જ સ્વાદિષ્ટ હતી.
બટાકા-તુવરના મિક્સ શાકનો સ્વાદ તો હજુ યે જીભ પર રહી ગયો છે. રસોઈમાં આ લોકોનો
સ્નેહ પણ એટલો જ ભળેલો હતો. અમને ગ્રામ્ય સ્ટાઈલથી નીચે બેસીને જમવામાં ઘણો આનંદ
આવ્યો. જમ્યા પછી બધાએ ખાટલાઓમાં થોડી વાર આરામ કર્યો. યજમાન અમને અહીંથી એક
કી.મી. દૂર આવેલો એક ધોધ જોવા માટે લઇ જવા તૈયાર હતાં, પણ તેઓએ જ કહ્યું
કે ધોધમાં અત્યારે પાણી નહિ હોય. એટલે ત્યાં જવાનું મુલતવી રાખ્યું.
છેવટે અમે પાછા વળવા માટે તૈયાર થયાં. ગામ લોકોનો પ્રેમભાવ, જમણ અને બોટીંગની
કદરરૂપે અમે તેમને સારી એવી બક્ષિસ આપી અને તેમની વિદાય લીધી. જાણે કે કોઈ સ્વજનને
ઘેર પધારીને પાછા વળતા હોઈએ એવી લાગણી અનુભવી. પાછા વળતાં પેલી કુટિરો જોઇ. સરસ
જગ્યા છે. કુદરતને માણવા અહીં રાત રહેવાનું ગમે એવું છે. પછી એ જ જંગલો વીંધી અમે
ડેમ આગળ પાછા આવ્યા અને રાજપીપળા થઇ વડોદરા પહોંચ્યાં. ગામડાના જીવનનો આજનો અનુભવ
કાયમ યાદ રહેશે. અને તેમાં ય ખાસ તો જંગલો, ડેમનું સરોવર, ડુંગરાઓમાંનો રસ્તો, ટાપુ પરનું ગામ અને
ગામના લોકોની લાગણીએ અમારો આ પ્રવાસ બહુ જ યાદગાર બનાવી દીધો. ચોમાસામાં આ ગામ
ટાપુ બની જાય એ દ્રશ્યનો માહોલ જોવા જેવો હોય છે. લોકો ખાસ એ જોવા જ જતા હોય છે. આ
સ્થળનું એ જ મહત્વ છે.
No comments:
Post a Comment