# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Tuesday 2 October 2018

મહમૂદ બેગડાનાં યુદ્ધો (ઈ.સ. 1458-1511)


મહમૂદ બેગડાનાં યુદ્ધો (ઈ.સ. 1458-1511) - 1
·         પ્રકાશન તારીખ02 Aug 2018
·        

પહેલાં મહમૂદ ગઝનવીનું ભારત પર ભયંકર આક્રમણ, લૂંટફાટ અને તેનું ગઝની પાછા ચાલ્યા જવું. તરત જ મહમૂદ ઘોરી વાયવ્ય-ઉત્તર ભારતનાં રાજ્યોમાં હુમલા-કત્લેઆમ અને પોતાના સુબાને નિયુક્ત કરી ઘોર પરત ફરવું અને આમ દિલ્હીમાં સલ્તનતની સ્થાપના થવી.
જ્યારે પણ કેન્દ્રીય સત્તા નબળી પડે ત્યારે સૂબાઓ પોતાનાં કારનામાંઓ કરતાં જ હોય છે. ગુજરાતની સલ્તનત દરમિયાન ૧૫ સુલતાનોએ શાસન કર્યું.
આગળના લેખોમાં આપણે અલાઉદ્દીન ખિલજીના ગુજરાત વિજયનો ઈતિહાસ જોયો. તેણે ગુજરાત અભિયાન પછી અહીં સ્થાયી શાસન સ્થાપવાના ભાગ રૂપે દિલ્હીથી પોતાના બનેવીની ગુજરાતના સૂબા તરીકે નિયુક્તિ કરી અને એ રીતે ગુજરાતનું શાસન ચાલતું. ઈ.સ. ૧૩૧૬માં અલાઉદ્દીન ખીલજીનું અવસાન થયું તે પછી સમયાંતરે બીજા વંશના સુલતાનો દિલ્હીના તખ્ત પર બેઠા. તેમાં તઘલખ વંશની સત્તા દરમિયાન રાજકીય કાવાદાવાઓ અને ઊથલપાથલોનો લાભ ઉઠાવી ગુજરાતના સૂબા નામે તાતાર ખાને (સુલ્તાન મહમંદશાહ) દિલ્હીની હકુમત ફગાવી અને ગુજરાતની સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી.
આવી ઘટનાઓ રાજકીય ઇતિહાસમાં સહેજેય નવાઈભરી ન લાગવી જોઈએ કારણકે જ્યારે પણ કેન્દ્રીય સત્તા નબળી પડે ત્યારે સૂબાઓ પોતાનાં કારનામાંઓ કરતાં જ હોય છે. ગુજરાતની સલ્તનત દરમિયાન ૧૫ સુલતાનોએ શાસન કર્યું. તેમનો સમયકાળ પણ લગભગ ઈ.સ. ૧૪૦૩થી અકબરે ગુજરાત જીત્યું ત્યાં સુધી એટલે કે ૧૫૭૩ સુધી રહ્યો. ગુજરાતના ૧૫ સુલ્તાનોમાં અમદાવાદના સ્થાપક અહમદશાહ (૨૬ ડિસેમ્બર ૧૪૧૧), મહમૂદ બેગડા અને બહાદુરશાહ સિવાયના સુલતાનો લાંબી ઐતિહાસિક ચર્ચાના હક્કદાર નથી.

ગુજરાતની સ્વતંત્ર સલ્તનત દરમિયાન આજનું વર્લ્ડ હેરીટેજ સિટી અમદાવાદ સત્તાના કેન્દ્રમાં આવ્યું. તેનો એક સુલ્તાન મહમૂદ બેગડો તેનાં વ્યક્તિગત જીવન, યુદ્ધો, શોખો અને બીજી અનેક બાબતો માટે ઈતિહાસ પ્રસિદ્ધ રહ્યો છે. હિંદુ રાજાઓની સરખામણીએ મુસલમાનોનો સિદ્ધરાજ અને મુસલમાન શાસકોની તુલનામાં તેને ગુજરાતના અકબર તરીકે પણ ઈતિહાસકારોએ તેને બિરદાવ્યો છે. સને ૧૪૫૮ના મે માસની ૨૫ તારીખે તે ફતેહખાન નાસિરુંદદુનિયા વ ઉદ્દીન અબુલ ફતેહ મહમુદશાહ નામ ધારણ કરી તખ્તનશીન થયો અને અંદાજે ૫૪ વર્ષ સુધી ગુજરાતના પાયતખ્ત પર એકહથ્થુ શાસન કરતો રહ્યો. ગુજરાતમાં લાંબો સમય શાસન કરનારા શાસકોમાં મહમૂદ બેગડો પણ સ્થાન પામે છે.

મહમૂદ ગુજરાતનો સુલ્તાન બન્યો ત્યારે તેની વાય માત્ર ૧૩ વર્ષ ૨ મહિના અને ૩ દિવસની હતી. આટલી નાની ઉંમરે શાસક બનેલા છોકરાને મારે તેની તલવારના જમાનામાં સુખેથી શાસન કરવા ન દે તે દીવા જેવી સ્પષ્ટ વાત છે. બેગડાએ પણ શાસનકાળના પ્રારંભે આવી મુશ્કેલીઓ સહન કરવી પડી. ઉમરાવોનું એક ટોળું મહમૂદને સુલતાનપદેથી ઊથલાવવા હથિયારો સાથે ધસી આવ્યું, પણ મહમૂદ નાનો પણ રાઈનો દાણો હતો. માત્ર ત્રણસો સૈનિકો સાથે ઉઘાડી તલવાર સાથે ભદ્રના કિલ્લામાંથી દુશ્મનો પર ચડી આવ્યો અને બધા અમીર- ઉમરાવોને નગરની બહાર ખદેડી મૂક્યા. મુખ્ય કાવતરાખોરોને પકડી લેવાયા. મુખ્ય બળવાખોર મલેક સાદાનને પકડી હાથીના પગ નીચે કચડી નંખાવ્યો. દગાબાજ અમીરોનાં ઘર સળગાવી દીધાં અને તેમની મિલકતો પણ જપ્ત કરી લીધી.
મહમૂદ બેગડો ગુજરાતનો સુલ્તાન બન્યો ત્યારે તેની વાય માત્ર ૧૩ વર્ષ ૨ મહિના અને ૩ દિવસની હતી. આટલી નાની ઉંમરે શાસક બનેલા છોકરાને મારે તેની તલવારના જમાનામાં સુખેથી શાસન કરવા ન દે તે દીવા જેવી સ્પષ્ટ વાત છે.
બીજી તરફ સંકટના સમયે પોતાને મદદ કરનાર વફાદારોને જમીન-જાગીર આપી પુરસ્કૃત કર્યા. આમ સુલતાન બનતાં જ મહમૂદ બેગડાએ તેના લડાયક મિજાજનું અને દગાખોરીનું પરિણામ સુલતાન શું આપી શકે છે તેનો પરિચય કરાવ્યો હતો.

ગુજરાતનું તખ્ત પાકું કર્યાં પછી તેના દિમાગમાં સતત યુદ્ધો અને ગુજરાતની વિશાળ સલ્તનતની વાત ભમ્યા કરતી હતી. તેના માટે પોતાની સુલતાન તરીકેની કારકિર્દી દરમિયાન નાનાં-મોટાં અનેક યુદ્ધો કર્યાં. નંદુરબારથી જુનાગઢ અને દ્વારકા અને અમદાવાદથી દાહોદ સુધીના પ્રદેશો પર બાહુબળથી વિજયો હાંસલ કર્યા, તે બધાની લાંબી વાતો તો આપણે અહિંયા જોઈશું જ, પણ મહમૂદ બેગડાની વાત એટલામાં પૂરી ન કરી શકાય. ગુજરાતનો આ સુલતાન ઈતિહાસકારો ઉપરાંત લોકસાહિત્યકારોના સર્જનનું રોમાંચક પાત્ર રહ્યો છે. વ્યક્તિગત જીવન હોય, શહેરો ઊભાં કરવાની બાબત હોય કે બાગ-બગીચાઓનું નિર્માણ હોય, તેનું જીવન અત્યંત રસપ્રદ રહ્યું છે. તેની વાત આવતી કાલે.
arun.tribalhistory@gmail.com
મહમૂદ બેગડાનાં યુદ્ધો -૨
·         પ્રકાશન તારીખ03 Aug 2018
·        

આધુનિક વિવેચન સાહિત્યમાં એમ કહેવાય છે કે ચોપડી વાંચતાં પહેલાં ચોપડીના લેખક વિષે જાણો ! એવું જ શાસકો વિશે પણ કહી શકાય. કારણકે વ્યક્તિગત જીવન શાસકોની વહીવટી બાબતો પર ઘણી અસરો પાડતું હોય છે. તે જ સંદર્ભમાં આપણે સુલ્તાન મહમૂદ બેગડાની અંતરંગ જિંદગી જોવી જોઈએ.
મિરાત-ઈ-સિકંદરી (મિરાત એટલે આરસી કે દર્પણ) ગ્રંથમાં નોંધાયું છે કે તેણે જુનાગઢ અને પાવાગઢ નામના બે ગઢ જીત્યા હોવાથી તે બેગઢોકહેવાયો. પાછળથી બેગઢાનું અપભ્રંશ થઇ બેગડોનામ પ્રચલિત બન્યું હતું.
મહમૂદ બેગડો તેની લશ્કરી સિદ્ધિઓ જેટલો જ બલકે તેથી વિશેષ તેના જીવન સાથે સંકળાયેલી અંગત બાબતો માટે મશહુર થયો છે. સહુ પહેલાં તેના નામ પાછળ લાગતા બેગડા શબ્દ વિશે. ઈ.સ.૧૬૧૧માં લખાયેલી મિરાત-ઈ-સિકંદરી (મિરાત એટલે આરસી કે દર્પણ) ગ્રંથમાં નોંધાયું છે કે તેણે જુનાગઢ અને પાવાગઢ નામના બે ગઢ જીત્યા હોવાથી તે બેગઢોકહેવાયો. પાછળથી બેગઢાનું અપભ્રંશ થઇ બેગડોનામ પ્રચલિત બન્યું હતું. જોકે આવી વાત શબ્દરમતથી વિશેષ કશું લાગતી નથી. સિકંદરીમાં જ નોંધાયેલા બીજા મત મુજબ ગુજરાતી ભાષામાં બે હાથ પહોળા અને ઊંચા કરીને જે દેખાવ થાય છે એવા મોટા પહોળા બળદને વેગડો કહે છે. સુલ્તાનની મોટી મૂછો અને ભરાવદાર શરીર એવાં પ્રકારનાં હતાં. તેથી તેને બેગડો કહેતા હશે !
ગુજરાતમાં શારીરિક વિચિત્રતા પરથી નામ પાડવાની ટેવને એક શક્યતા ગણી શકાય, પણ ગુજરાતના સુલ્તાન માટે આવું વિશેષણ વાપરવાની હિંમત તો જેને મોત વહાલું હોય એ જ કરે ને ?

તેના ઉપનામ બેગડા વિશે માન્યતા અને દંતકથાઓ ભલે સેંકડોની સંખ્યામાં થઇ હોય, પણ તેની શારીરિક સમૃદ્ધિ અને ખોરાક અને રહેણી-કરણી તો સંશોધકો માટે આકર્ષણનો વિષય રહ્યો જ છે અને તે માત્ર ભારતીયો માટે જ નહીં, તેના સમયમાં ગુજરાત આવેલા યુરોપીય મુસાફર લ્યુંડોવીકો ડી વર્થેમાં એ નોંધ્યું છે કે "સુલ્તાન મહમૂદ બેગડાની મૂછો એટલી તો લાંબી હતી કે સ્ત્રીઓ અંબોડો બાંધે એમ એ બે છેડાને પાછળ લઇ જઈ ગાંઠ વાળી શકતો! એની દાઢી કમર સુધી આવતી. એ રોજ વિષ ખાતો. એનો અર્થ એવો નથી કે એ માત્ર ઝેરથી પેટ ભરતો, પણ અમુક માત્રામાં વિષ લેતો. કોઈને મારી નાંખવાની ઈચ્છા થાય ત્યારે તે પાન સાથે જાયફળ ચાવી સામેવાળાના કપડાં કઢાવી તેના પર થૂંકતો. એના થૂંકના ઝેરથી પેલો માણસ અડધા કલાકમાં મૃત્યુ પામતો. મહમૂદ બેગડો જ્યારે તેનું પહેરણ કાઢતો ત્યારે એને કોઈ અડી શકતું નહીં. મારા એક સાથીએ પૂછ્યું કે સુલ્તાન આ રીતે ઝેર ખાઈ શકતો? ત્યારે સુલતાનથી મોટો વયના એક વેપારીએ કહ્યું કે મહમૂદના બાપે એને બચપણથી ઝેર ખવડાવી ઉછેર્યો છે."

આવો જ અભિપ્રાય પોર્ટુગીઝ યાત્રી બાર્બોસાએ પણ વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું છે કે એ શાહજાદો હતો ત્યારે તેને ઝેર આપી ઉછેરવામાં આવતો. પહેલાં બહુ ઓછા પ્રમાણમાં ઝેર અપાતું. પછી ધીરે-ધીરે વધારતાં જઈ મોટા પ્રમાણમાં અપાતું. આ કારણથી એનું શરીર એટલું તો ઝેરી થઇ ગયું હતું કે તેના શરીર પર માંખ બેસતી તો ફૂલીને મરી જતી. ઉંમરલાયક થતાં વિષ ખાવાનું તેનાથી છોડી શકાતું નહિ કારણકે જો આ બંધાણ છોડી દે પોતે મરી જશે તેવી તેને સતત ભીતિ રહેતી."
આટલું જ નહીં, ૧૭મા સૈકાના વ્યંગ્યકાર સેમ્યુઅલ બટલરે તો તેની "હુડીબ્રાસ"માં લખ્યું કે "the prince of Cambays daily food is asp, basilisk and toad" અર્થાત્ ખંભાતના રાજાનો રોજીંદો ખોરાક ઝેરી સાપ, ઘો અને મોટા ઝેરી દેડકાં છે. જોકે અહીં તેણે બેગડાને ખંભાતનો રાજા કહ્યો તે થોડી ચૂક છે, પણ તે સમયે ખંભાત આંતરરાષ્ટ્રીય બંદર તરીકે પ્રસિદ્ધ હતું. તેથી પરદેશમાં લોકો ગુજરાત કરતાં ખંભાતને વધુ ઓળખતા હતા. મહમૂદ બેગડાના વ્યક્તિત્વની વધુ મઝા તો એ છે કે તે વિદેશીઓ માટે blue beard of Indian history (હિન્દના ઇતિહાસનો ભૂરી દાઢીવાળો) બન્યો હતો.

વિષની રોજિંદી ટેવની જેમ જ તેનો ખોરાક પણ ચર્ચાનો મુદ્દો રહ્યો છે . મિરાત- ઈ-સિક્ન્દરીએ જ નોંધ્યું છે કે મહમૂદનો રોજનો ખોરાક ગુજરાતી મણ જેટલો હતો. જમી રહ્યા પછી એ પાંચ શેર મમરા ખાઈ જતો. એ રાત્રે સૂતો ત્યારે પલંગની બંને તરફ સમોસા ભરેલી રકાબીઓ મુકાવતો જેથી જે પડખે ઊઠે તે બાજુ હાથ લંબાવી ખાઈ શકે અને ફરીથી ઊંઘી જાય. સવારની નમાઝ પછી નાસ્તામાં તે એક પ્યાલો મક્કાનું શુદ્ધ મધ ગ્રહણ કરતો અને ૧૫૦ સોનેરી કેળાં ખાઈ જતો. સુલતાન એમ પણ બોલતો કે ખુદાએ મને બાદશાહ ન બનાવ્યો હોત તો મારું પેટ કોણ ભરત?

પરદેશી યાત્રીઓ અને સમકાલીન તવારીખકારોએ એ મહમૂદ બેગડા વિશે લખેલી ઉપરોક્ત વાતોથી ગુજરાતના બે મોટા ગજાના ઈતિહાસકારો અનુક્રમે એમ. એસ. કોમીસેરીયેટ અને રત્નમણિરાવ જોટે નવાઈ પામતા નથી. શ્રી જોટે વાજીકરણ નિમિત્તે અથવા ઝેરના પાચન માટે આ પ્રકારના ખોરાકની વાતને વાજબી ગણાવે છે.
કોઈને મારી નાંખવાની ઈચ્છા થાય ત્યારે મહમૂદ બેગડો પાન સાથે જાયફળ ચાવી સામેવાળાના કપડાં કઢાવી તેના પર થૂંકતો. એના થૂંકના ઝેરથી પેલો માણસ અડધા કલાકમાં મૃત્યુ પામતો.
આવી જ ચમત્કારી અને તર્ક-બુદ્ધિપૂર્વક ન સ્વીકારી શકાય તેવી અનેક વાતો સિદ્ધરાજ જયસિંહ, વીર વિક્રમ, ચામુંડરાય અને કર્ણદેવ તથા અકબર વિષે કાન્હડદેપ્રબંધ, પૃથ્વીરાજ રાસો અને અકબરનામામાં થયેલી છે. રજવાડી લેખકો અને પ્રત્યક્ષ જોયા વગર લખનારા વિદેશી મુસાફરોના આવાં વર્ણનોમાં નવાઈ ન જ થવી જોઈએ. પ્રાચીનકાલના એક પરદેશી મુસાફરે તો એવું લખ્યું છે કે ભારતમાં એક વ્યક્તિના કાન એટલા મોટા છે કે તે એક કાન પાથરી અને બીજો કાન ઓઢીને સૂઈ શકે છે! બીજાએ એવું નોંધ્યું છે કે ભારતના લોકો એવા કોઈ અસાધ્ય રોગથી પીડાય છે કે તેઓના મુખમાંથી રક્ત નીકળે છે. હવે આ રક્ત નહોતું ભારતના લોકોની પાન ખાવાની અને જ્યાં-ત્યાં થૂંકવાની આદત પેલા મુસાફરને રોગ લાગી હતી ! ઈતિહાસકારોએ કેટલા વસ્તુલક્ષી એટલે કે માહિતીસ્રોતોને વફાદાર રહેવાનું ?
આવી વાતો તો અત્યાધિક સિદ્ધિપ્રાપ્ત લોકો વિશે ચાલતી રહેવાની. મહમૂદ બેગડા પણ તેમાં અપવાદ નથી. પણ તેણે પોતાની સામ્રાજ્યવાદી મનોવૃત્તિથી ગુજરાતભરમાં યુદ્ધો કરી ગુજરાતને એક છત્ર નીચે લાવવાના ઈતિહાસ બાબતે દેશી-વિદેશી ઈતિહાસકારો-લેખકોમાં કોઈ બે રાય નથી. મહમૂદનાં અનેક યુદ્ધોમાંથી કેટલાક ચૂંટેલાં યુદ્ધો વિશે કાલથી વાત કરીશું.
arun.tribalhistory@gmail.com
મહમૂદ બેગડાનાં યુદ્ધો -૩ 
·         પ્રકાશન તારીખ04 Aug 2018
·        

વિશેષતાઓને લીધે ગુજરાતના ઇતિહાસમાં દંતકથાનું પાત્ર બનેલો મહમૂદ બેગડો તેના બીજાં અનેક કામો માટે પણ ઈતિહાસ પ્રસિદ્ધ છે. ફૂલ-ઝાડ ઉછેરવાનો અને બગીચાઓ બનાવવાનો તે ગાંડો શોખ ધરાવતો હતો. તેના સમકાલીન ગ્રંથ મિરાત-ઈ- સિકંદરીમાં નોંધાયું છે કે ગુજરાતમાં આંબા, દાડમ, રાયણ, જાંબુ, નાળિયેર અને મહુડા ખુબ ઊગે છે તે સુલ્તાન મહમૂદ બેગડાની મહેનતના લીધે. સુલ્તાન ફરવા નીકળતો ત્યારે કોઈ ગરીબની ઝૂંપડી પાસે કોઈ ઝાડ ઉછેરતું દેખાય તો ઘોડો ઊભો રાખી પૂછતો કે પાણી ક્યાંથી લાવીને પાય છે. પાણીની મુશ્કેલી હોય તો કૂવા પણ ખોદાવી આપતો. સૂકાં ઝાડ કે કરમાયેલા છોડ જોઈ તે ઘણો દુઃખી થતો. અમુક ઝાડ ઉછેરવા માટે ઇનામ આપવાનું પણ કહેતો.
સુલ્તાન ફરવા નીકળતો ત્યારે કોઈ ગરીબની ઝૂંપડી પાસે કોઈ ઝાડ ઉછેરતું દેખાય તો ઘોડો ઊભો રાખી પૂછતો કે પાણી ક્યાંથી લાવીને પાય છે. પાણીની મુશ્કેલી હોય તો કૂવા પણ ખોદાવી આપતો. સૂકાં ઝાડ કે કરમાયેલા છોડ જોઈ તે ઘણો દુઃખી થતો. અમુક ઝાડ ઉછેરવા માટે ઇનામ આપવાનું પણ કહેતો.
અમદાવાદમાં તેણે બાગ- એ ફિરદોસઅને હાલોલમાં બાગ-એ-હાલુંલબાંધ્યા હતા. ગુજરાતમાં ખસખસ અને અંજીરની ખેતી શરૂ કરવાનો યશ બેશક મહમૂદ બેગડાને શિરે જાય છે. ગુજરાતમાં યુદ્ધો દ્વારા જીત્યા પછી તેણે જુનાગઢમાં મુસ્તુફાબાદ, પાવાગઢની તળેટીમાં મોહમ્મદાબાદ અને અમદાવાદ પાસે મહેમદાબાદ નામનાં નવાં નગરો બાંધ્યાં હતાં. ચાંપાનેરની ગણતરી તો મહમૂદ બેગડાની માવજતને લીધે સંસારનાં શ્રેષ્ઠ નગરોમાં થતી હતી. યુનેસ્કોએ ચાંપાનેરનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં કર્યો છે. તે બધા બેગડાના સમયનાં સ્થાપત્યોને લીધે. પણ મહેમદાબાદ સિવાય એકેય નગરની સ્મૃતિ આજે રહી નથી. કારણકે આ બધાં નગરોની રચના તેનાં એક યા બીજા યુદ્ધો પછી થઈ હતી એટલે મહમૂદ બેગડા પછી તેણે સ્થાપેલાં નગરો પણ કાલગ્રસ્ત થયાં હતાં.

સુલતાન મહમૂદ બેગડો બહાદુર, લડવૈયો, ઉત્સાહી અને મહત્ત્વાકાંક્ષી શાસક હતો. તેની મહત્ત્વાકાંક્ષાઓ યુદ્ધો કર્યા વગર પૂર્ણ થાય તેમ ન હતી. સને ૧૪૫૮માં સુલ્તાન બનેલા મહમૂદનાં યુદ્ધોનો પહેલો દસ્તાવેજી આધાર દક્ષિણ ગુજરાતથી સાંપડે છે. ઈ.સ. ૧૪૬૪માં બેગડાએ વલસાડ પાસેના હિંદુ રાજા પર આક્રમણ કરી તેણે હરાવી પોતાનો ખંડિયો રાજા બનાવ્યો હતો. પણ તેનાં ખરાં યુદ્ધો તો જુનાગઢ, દ્વારકા અને ચાંપાનેર સાથે થયાં હતાં. આ શૃંખલામાં કાલાનુક્ર્મમાં પહેલાં મહમૂદ બેગડાની જુનાગઢની વિજયયાત્રાનો ઈતિહાસ તપાસીએ.
જુનાગઢ પર હુમલો કરવાનાં બે કારણો દર્શાવવામાં આવે છે. એક- ધર્મ હતું અને બીજું કરણ ઘેલાના કિસ્સામાં હતું એવું. પહેલા અને ધાર્મિક કારણમાં માંગરોળના હઝરત સૈયદ રુક્નુદ્દીન ઉર્ફે સૈયદ સજું હઝરત સૈયદ સિકંદરે અમદાવાદના મશહુર સૂફી સંત હઝરત શાહઆલમને જુનાગઢના હિંદુ રાજાની ધાર્મિક કટ્ટરતા વિશે પત્ર લખ્યો હતો. સૂફી સંતે આ પત્ર સુલ્તાન મહમૂદ બેગડા સુધી રવાના કર્યો અને મહમૂદનું જુનાગઢ પરનું આક્રમણ નક્કી થયું. બીજું કારણ ગુજરાતના છેલ્લા વાઘેલા રાજા કર્ણદેવ વાઘેલા જેવું જ છે.
ગુજરાતમાં યુદ્ધો દ્વારા જીત્યા પછી મહમૂદ બેગડાએ જુનાગઢમાં મુસ્તુફાબાદ, પાવાગઢની તળેટીમાં મોહમ્મદાબાદ અને અમદાવાદ પાસે મહેમદાબાદ નામનાં નવાં નગરો બાંધ્યાં હતાં.
જુનાગઢનો રાજા રા માંડલિક ત્યાંના વિશલ નામના વાણિયાની પત્ની પર મોહાંધ થયો હતો. (વિશલ વાણિયાના નામ પરથી આજે પણ વિશલ વાવ જૂનાગઢમાં હોવાનું કહેવાય છે). વિશલની પત્ની રૂપ રૂપના અંબાર સમી અને તેના કેશ તો છેક તેની પાની સુધી અડતા તેવા લાંબા અને સુંદર હતા. સામ્રાજ્યવાદી શાસકો માટે રૈયતની જોરુને પોતાની કરવી ક્યાં મોટી વાત હતી. તે રૂપરશ્મિને યેનકેન પ્રાપ્ત કરી તેના સૌંદર્યનું નિયમિત રસપાન કરવા લાગ્યો.
પોતાનો ઘર સંસાર સળગતો જોઈ વિશલ વણિક ઘણો દુઃખી થયો અને કોણ ન થાય? રાજા સામે રૈયતનું શું ગજું? પણ વિશલ બદલાની આગમાં તડપતો હતો. લોકકથાઓમાં કહેવાય છે કે આખરી ઉપાય તરીકે વિશલ પોતાની વેરની પ્યાસ બુઝાવવા માટે સીધો અમદાવાદ પહોંચ્યો અને મહમૂદ બેગડાને મળ્યો. તેની વેરની આગ સામે ધર્મ- વિધર્મ ગૌણ બની ગયું. બેગડાને મળી તેણે જુનાગઢ જીતવાનું નોતરું આપ્યું. તે સમયે મહમૂદ નિરર્થક લડાઈઓ અને કૂચોથી મુક્ત થયો હતો. તેથી સને ૧૪૬૭માં જુનાગઢના ચુડાસમા રાજવી રા માંડલિક પર આક્રમણ કરવાનો નિર્ણય કરી લીધો. તે નિમિત્તે કરેલી સૈન્ય તૈયારી વગેરેની વાતો આવતી કાલે.
arun.tribalhistory@gmail.com
મહમૂદ બેગડાનાં યુદ્ધો - 4
·         પ્રકાશન તારીખ05 Aug 2018
·        

બે ગઢ જીત્યા પછી બેગડા તરીકે જાણીતા થયેલો મહમૂદ બેગડો સને ૧૪૬૯ પહેલો ગઢ જીતવા જુનાગઢ અભિયાન માટે નીકળી પડ્યો. મિરાત-એ-સિકંદરીનામના મધ્યકાલીન તવારીખ ગ્રંથમાં તેની પ્રચંડ લશ્કરી તૈયારી, શસ્ત્ર -સરંજામ સાથેનો વૃતાંત આપવામાં આવ્યો છે. જુનાગઢ અભિયાન પહેલાં પોતે જેના પર નિર્ભર હતો તે સૈનિકોને ખુશ કરવા રાજ્યનો ખજાનો ખોલી દીધો. તે એટલે સુધી કે કોષાધ્યક્ષને પાંચ કરોડી રોકડ સિવાય ખજાનામાં કશું જ ન રાખવા હુકમ કર્યો. સિકંદરી લખે છે :
જુનાગઢ અભિયાન પહેલાં પોતે જેના પર નિર્ભર હતો તે સૈનિકોને ખુશ કરવા મહમૂદ બેગડાએ રાજ્યનો ખજાનો ખોલી દીધો. તે એટલે સુધી કે કોષાધ્યક્ષને પાંચ કરોડી રોકડ સિવાય ખજાનામાં કશું જ ન રાખવા હુકમ કર્યો.
મહમૂદે શસ્ત્રધિકારીને ૬ શેર વજનની સોનાની મૂઠવાળી મગરૂબી ખુરાસની બનાવટની ૧૭૦૦ તલવારો ,૩૩૦૦ અમદાવાદ બનાવટની તલવારો અને અઢી શેરથી ત્રણ શેર વજનના સોનાની મૂઠવાળા ૧૭૦૦ જમૈયા (ખંજર) જેવાં શસ્ત્રો અને નામી તથા તુર્કી અશ્વો સેના સાથે રાખવા પણ આજ્ઞા કરી. સુલતાનની આજ્ઞાનું બિનચૂક પાલન થયું.

સુલતાન મહમૂદ બેગડો અમદાવાદથી લશ્કરી કૂચ કરી, રસ્તામાં આવતાં ગામડાંઓને ધમરોળતો, ખેદાન મેદાન કરતો ગિરનારથી લગભગ ૪૦ માઈલ દૂર આવી થોભ્યો. મહમૂદના હુમલાના ભયથી જૂનાગઢવાસી હિંદુઓમાં ભયનું લખલખું પ્રસરી ગયું. સ્થાનિક નાગરિકો રાજ્ય પર આવી પડેલી ઓચિંતી આફતથી ગભરાઈ ગયા. આર્થિક રીતે ખમતીધર, ખાધે-પીધે સુખી ઘરના અને પોતાનું કૈંક બચાવવા જેવું લાગતું હતું તેવા લોકો પોતાની માલમિલકત અને કુટુંબ કબીલા સાથે અડવાણા પગે જૂનાગઢથી નાઠા.
સપાટ મેદની વિસ્તારમાં તો તેઓ શરણ લઇ શકે તેમ ન હતા. તેથી સુરક્ષિત સ્થાનની શોધમાં તેઓ ઘણું ભટક્યા. આખરે પ્રભાસ પાટણ પાસે મહાબિલા નામની પહાડીમાં જુનાગઢના આ માણસોએ આશ્રય લીધો. પરંતુ ઠેઠ અમદાવાદથી આક્રમણ કરવા અને જુનાગઢને જીતવા આવેલા મહમૂદ બેગડો અને તેનું ગુપ્તચર તંત્ર આવી ઘટનાઓથી બે ખબર ન હતું. મહમુદની ફોજે આવા શરણાર્થીઓને શોધી કાઢી તેમના પર હુમલો કર્યો અને સેંકડો લોકો માર્યા ગયા અને આમ મહમૂદના જુનાગઢ અભિયાનનો પ્રારંભ થયો.

મધ્યકાળમાં વાહન અને સંદેશાવ્યવહારનાં સાધનો ઘણાં ઓછાં હતાં, છતાં સામાજિક ઈજનેરી એટલી તો પાવરફુલ હતી કે જુનાગઢથી ચાલીસ માઈલ દૂર બનેલી આ ઘટના ગણતરીના કલાકોમાં જુનાગઢ પહોંચી ગઈ. મહાબિલાના હુમલાની ખબર પડતાં જુનાગઢ નરેશ રા માંડલિક યુદ્ધ માટે સાબદો થયો. તે કરણ ઘેલો ન હતો કે પારોઠનાં પગલાં ભરે! શિકારના બહાને તે મહમૂદ બેગડાની સેના સામે ગયો. બંને વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો. બેઉ તરફથી ફોજનો ધસારો થયો. અંતે જૂનાગઢનો રાજા ઘવાયો અને જુનાગઢ પોતાના સૈન્ય સાથે પરત ફર્યો અને ગિરનારના કિલ્લામાં જઈ બેઠો. પણ એકવાર હાથમાં આવેલો શિકાર છોડે તો તે મહમૂદ બેગડો શાનો? તેણે સૈન્ય સમેત જુનાગઢના કિલ્લાને ઘેરો ઘાલ્યો અને લશ્કરને આજુબાજુના વિસ્તારને તબાહ કરવા માટે છોડી દીધું.
સુલ્તાનની આજ્ઞાનું પાલન કરવામાં સેનાએ કોઈ જ કસર ન છોડી. કિલ્લામાં ભરાયેલા રાજા રા માંડલિકને બહાર કાઢવો કપરું હતું. તેથી ઉપાય તરીકે મોઢું ખોલાવવા નાક દબાવવું પડે તે રીતે જુનાગઢના કિલ્લાની કિલ્લેબાંધી એટલી તો જડબેસલાક કરી કે કિલ્લામાં બહારથી જતો પુરવઠો અટકાવી દીધો. પરિણામે કિલ્લામાં રહેલા સૈન્ય, નાગરિકો અને છેલ્લે રાજાનો પણ શ્વાસ રૂંધાવા લાગ્યો. રા માંડલિક પાસે હવે મહમૂદની શરણાગતિ સ્વીકાર્યા સિવાય છૂટકો ન હતો. આખરે હારી-થાકી માંડલિકે સમાધાન કરવા માટે પોતાના દૂતો કિલ્લાની બહાર મોકલ્યા અને સુલેહનો પ્રસ્તાવ મોકલ્યો.
જૂનાગઢનો રાજા ઘવાયો અને જુનાગઢ પોતાના સૈન્ય સાથે પરત ફર્યો અને ગિરનારના કિલ્લામાં જઈ બેઠો. પણ એકવાર હાથમાં આવેલો શિકાર છોડે તો તે મહમૂદ બેગડો શાનો? તેણે સૈન્ય સમેત જુનાગઢના કિલ્લાને ઘેરો ઘાલ્યો અને લશ્કરને આજુબાજુના વિસ્તારને તબાહ કરવા માટે છોડી દીધું.
મહમૂદ બેગડાએ તેનો સ્વીકાર કર્યો. રાજા રા માંડલિકે મહમૂદ બેગડાને વાર્ષિક ખંડણી ભરવાનું કબૂલ્યું અને ૪ ડિસેમ્બર ૧૪૭૦ન રોજ જૂનાગઢનો કિલ્લો બેગડાને સોંપ્યો અને અમદાવાદની તાબેદારી સ્વીકારી. આમ જૂનાગઢમાં ચુડાસમા રાજ્યવંશનો કરુણ અંત આવ્યો. જુનાગઢ વિજય પછી મહમૂદે ત્યાં મુસ્તુફાબાદ નામનું નવું શહેર વસાવ્યું. ત્યાં ભવનો - મસ્જિદો અને ટંકશાળ બાંધ્યાં. અહીંથી મુસ્તુફાબાદના નામના સિક્કા પડાવ્યા અને તેને પાયતખ્ત જાહેર કર્યું.

કેટલાક સ્રોતો જણાવે છે કે મહમૂદ બેગડાએ તેની પાસે બળજબરી ઇસ્લામનો સ્વીકાર કરાવ્યો હતો. તેને બંધક બનાવી અમદાવાદ લાવવામાં આવ્યો. તેને "ખાન - એ- જહાન" નો ખિતાબ આપવામાં આવ્યો, જે બહુ મોટા અમીર જેવું પદ હતું. પણ મૂળસોતાં ઉખડેલો રા માંડલિક અમદાવાદમાં ખુબ દુઃખી રહેતો હતો. શ્રી છોટુભાઈ નાયકે નોંધ્યું છે કે અમદાવાદમાં તે પોતાનાં મૂળ હાલ અને જુનાગઢને યાદ કરી ખૂબ રોતો રહેતો હતો. રા માંડલિકનું અવસાન અમદાવાદમાં જ થયું તેની કબર માણેકચોકમાં કંદોઈ પોળ પાસે આવેલી છે, જ્યાં તેનું મકાન પણ હતું. આમ મહમૂદ બેગડાનો જુનાગઢ વિજય વ્યક્તિગત રીતે તેના માટે સિદ્ધિનું છોગું બન્યું, તો જુનાગઢ નરેશ રા માંડલિકને મૂળસોતો ઊખેડી નાંખનારૂ બન્યું હતું. મહમૂદનાં બીજાં યુદ્ધો હવે પછી.
arun.tribalhistory@gmail.com
મહમૂદ બેગડાનાં યુદ્ધો - 5 (જગતનું યુદ્ધ, ઈ.સ. ૧૪૭૩)
·         પ્રકાશન તારીખ06 Aug 2018
·        

લેખનું શીર્ષક જગત વાંચી રખે કોઈ એમ સમજે કે સુલતાન મહમૂદ બેગડાએ આખા જગત સામે યુદ્ધ કર્યું હશે ? જગત એટલે આજનું દ્વારકા કે ઓખામંડળનો વિસ્તાર. તે મધ્યકાળમાં જગત બેટ તરીકે ઓળખાતું હતું. અહીં વાઘેર રાજા ભીમનું શાસન ચાલતું હતું. વાઘેર જાતિ ગુજરાતના ઈતિહાસ અને સંસ્કૃતિમાં મહદઅંશે અવગણાયેલી છે. વાઘેરો દેખાવડા, બળવાન, શૂરવીર અને સાહસિક હતા. દરિયાખેડુ પ્રજા તરીકે સમગ્ર અરબ સાગરમાં તેઓનો દબદબો હતો. દરિયાઈ બાબતોનું એટલું તો અદભુત જ્ઞાન હતું કે ઠેઠ આફ્રિકા સુધી વહાણો હંકારી જતાં અને દરિયામાં પાણી બદલાતાં વાઘેરો કહી શકતા કે આ કયો દરિયો છે. વાઘેરો તેમની ચાંચિયાગીરી માટે પણ મશહુર હતા. સમુદ્રના રાજા તરીકે ઓળખતા વાઘેરો દ્વારકાના રખેવાળ તરીકે પણ જાણીતા હતા.
જગત એટલે આજનું દ્વારકા કે ઓખામંડળનો વિસ્તાર. તે મધ્યકાળમાં જગત બેટ તરીકે ઓળખાતું હતું.
આવી ઝુઝારું પ્રજા સાથે વર્ષ ૧૪૭૩માં ગુજરાતનો સુલતાન મહમૂદ બેગડો ટસલમાં આવ્યો હતો. તેનાં બે મહત્ત્વનાં પરિબળો હતાં. દ્વારકા પર મહમૂદના હુમલાનું પહેલું કારણ એ હતું કે જુનાગઢના એક મૌલાના મુહમ્મદ સમરકંદી પોતાના પરિવાર સાથે સમરકંદ માટે જઈ રહ્યા હતા. તે જ વખતે દરિયામાં તોફાન સર્જાયું અને વાઘેરોએ મૌલાનાના વહાણને આંતર્યું. તેમનો માલસામાન લઇ પરિવારને બંધક બનાવી મૌલાનાના બે છોકરાઓ સાથે રસ્તે રઝળતા મૂકી દીધા. બંને છોકરાઓને વારાફરતી ખભા પર ઊંચકી પરાણે તે જુનાગઢ પહોંચ્યો.
મહમૂદે તેમની વ્યથા સાંભળી. મહમૂદે તુરત દ્વારકા પર હુમલાની તૈયારી કરી. દ્વારકા પર હુમલો કરવાનું બીજું કારણ એ હતું કે બેગડો ઘણી વાર સિંધ જતો ત્યારે દરિયામાંથી દેખાતા દ્વારકાનાં મંદિરો તેને ખૂંચતાં હતાં. વળી દ્વારકા પર મહમૂદ બેગડા સુધી કોઈપણ મુસ્લિમ બાદશાહે ચડાઈ કરી ન હતી અને તેથી મહમૂદ બેગડો એ મ્હેણું પણ ભાંગવા માગતો હતો. સરવાળે એવું કહી શકાય કે મહમૂદની મહત્ત્વાકાંક્ષામાં ઇંધણ પૂરવાનું કાર્ય મૌલાના સાથે બનેલી ઘટનાએ કર્યું હતું અને મહમૂદે દ્વારકા જીતી લેવાનો સંકલ્પ કરી લીધો.
તારીખ ૧૪ મે ૧૪૭૩ના રોજ બેગડો પોતાના સૈન્ય સાથે દ્વારકાના અભિયાન માટે નીકળ્યો, પણ તેનો રસ્તો આસાન ન હતો. સાંકડા અને વિકટ રસ્તાઓને કારણે તે ઘણી વખત પોતાની દ્વારકા જીતવાની મહેચ્છા દબાવી રાખતો હતો, પણ મૌલાનાના રુદન પછી તે રોક્યો રોકાય તેમ ન હતો. જુનાગઢથી દ્વારકાનો રસ્તો વિકટ તો હતો જ, સાથે જંગલી પશુઓ અને ઝેરી સાપોથી ભરેલો હતો. મિરાત-એ-સિકંદરીગ્રંથમાં નોંધાયા મુજબ આ સ્થાને સાપના ભયથી સૈનિકો રાત્રે શાંતિથી સૂઈ શકતા ન હતા, એકપણ તંબુ એવો ન હતો કે જેમાં સાપ ન હોય. એવું કહેવાય છે કે એક રાત્રે ખુદ મહમૂદ બેગડાના તંબુમાંથી ૭૦૦ સાપ પકડી મારી નાખવામાં આવ્યા હતા. રસ્તામાં ગીરના સાવજોથી પણ સુલતાનની સેનાએ ઘણી પરેશાની ઉઠાવવી પડી હતી. તેમાં ઘણાં જંગલી પ્રાણીઓ પણ મરાયાં.
આમ મહામુસીબતે બેગડાની બ્રિગેડ દ્વારકા સુધી પહોંચી. મહમૂદ બેગડાના આગમન માત્રથી દ્વારકાનો રાજા ત્યાંથી ભાગી શંખોધ્ધારમાં ભરાણો. બેગડાએ બેટની સામે આવેલા આરંભડા ગામે છાવણી નાખી અને ત્યાં ચાર મહિના સુધી રહ્યો. નજીકના દીવના નૌકા સૈન્યમાંથી મોટી સંખ્યામાં વહાણો મંગાવી મહમૂદની સેનાએ બેટને ચોતરફથી ઘેરી લીધો. નાનાં નાનાં હોડકાંમાં બેસી મહમૂદના સૈનિકો એ બેટ પર તીર અને ગોફણોનો વરસાદ વરસાવ્યો. છેલ્લે બથોબથ આવ્યા અને સુલતાનની સેના મોટી હોવાથી વાઘેરો પરાસ્ત થયા. નાસી ગયેલા વાઘેરોને પકડવામાં આવ્યા. દ્વારકાનાં મંદિરો તોડી પાડવામાં આવ્યાં. આખરે બેટનો વિજય મેળવી ત્યાંથી આબદાર મોતી, માણેક અને કીમતી વસ્ત્રોની મોટાપાયા પર લૂંટ ચલાવવામાં આવી. પોતાના દ્વારકા મુકામ દરમિયાન મહમૂદે મસ્જિદ બાંધવાની શરૂઆત પણ કરી હતી. લૂંટેલા ધનની સૈનિકોમાં ખેરાતકરવામાં આવી. દ્વારકાના રાજા ભીમને પણ પકડવામાં આવ્યો તેને ગળામાં સાંકળ અને પગમાં બેડીઓ પહેરાવી જુનાગઢમાં મૌલાના સમરકંદી સામે પેશ કરવામાં આવ્યો. પરંતુ મૌલાનાએ સુલતાનનો આભાર માની ભીમને પાછો મોકલી આપ્યો.
દ્વારકા પર મહમૂદ બેગડા સુધી કોઈપણ મુસ્લિમ બાદશાહે ચડાઈ કરી ન હતી અને તેથી મહમૂદ બેગડો એ મ્હેણું પણ ભાંગવા માગતો હતો.
મૌલાનાએ ભીમ પર રહેમ દૃષ્ટિ દાખવી હતી, મહમૂદ બેગડાએ નહીં. મહમૂદે તે પછી ભીમને અમદાવાદ તેના સેનાપતિ મુહાફિઝખાન પાસે મોકલી આપ્યો, જ્યાં તેના અંગના ટુકડા કરી અમદાવાદના દરેક દરવાજે લટકાવવામાં આવ્યા. ભીમને મારતાં પહેલાં મુહાફિઝે ભીમને આખા અમદાવાદમાં ઢસડીને સુલતાનના હુકમનો અમલ કર્યો હતો.

દ્વારકાના વાઘેર રાજા ભીમના પરાજય અને તેની સાથે સુલતાન મહમૂદ બેગડાના આ પ્રકારના નિર્દય વ્યવહાર વિરુદ્ધ દ્વારકા પ્રદેશનો પણ આનાથી જુદો ઈતિહાસ છે. તેમાં ભીમ પરાજિત થયો અને તેને અમદાવાદ પકડી જવાયો, પણ ત્યાંથી તે છટકી ગયો અને પુન: દ્વારકા આવી સત્તા સંભાળી હતી, અને મારી નાખવામાં આવ્યો તે કોઈ ભળતો જ માણસ હતો. મહમૂદના દ્વારકા વિજયમાં બે પરસ્પર વિરોધી મંતવ્યો હોવા છતાં ૧૪૭૩માં ભલે તવારીખકારોએ વર્ણવ્યા મુજબ દ્વારકાપતિ ભીમ સાથે એ પ્રકારનો વ્યવહાર ન થયો હોય પણ દ્વારકા જીતનાર પહેલો મુસ્લિમ શાસક મહમૂદ બેગડો હતો તેનો ઇનકાર થઇ શકે તેમ નથી.
મહમુદનાં યુદ્ધોની વાતો ચાલુ રહેશે. ઇન્તઝાર કિજીયે કલ તક.
arun.tribalhistory@gmail.com
મહમૂદ બેગડાનાં યુદ્ધો - 6 (રાણપુરનું યુદ્ધ)
·         પ્રકાશન તારીખ07 Aug 2018
·        

જુનાગઢ પર જય પ્રાપ્ત કરી અને દ્વારકાને ધમરોલી સુલતાન મહમૂદ બેગડો અમદાવાદ પરત ફર્યો અને ત્યાં જ તરતની ઘટના બની રાણપુરનું યુદ્ધ. બેગડાના સમયમાં એટલાં બધાં યુદ્ધ થયાં હતાં કે ખુદ સૈનિકો
થાકી ગયા હતા, પણ સુલતાનની મહત્વાકાંક્ષા અને આન- બાન -શાન જાળવી રાખવા તેમણે કમને પણ કરવું તો પડે જ. એક પૂરું થાય અને બીજું યુદ્ધ આવી પડે ! રાણપુરનું યુદ્ધ પણ તેનો એક નમૂનો.
રાણપુર એટલે સૌરાષ્ટ્ર અને ગુજરાતના સીમાડા પર આવેલું રાજ્ય હતું. તેની સાથે મહમૂદ બેગડાએ કરેલા યુદ્ધનાં કારણો અગાઉનાં યુદ્ધો કરતાં સાવ નોખાં હતાં અને કેટલાંક તો ગળે પણ ન ઊતરે તેવાં હતાં. રાણપુરનો રાજા રાણજી ગોહેલ હતો અને સગપણમાં તે સુલતાન મહમૂદ બેગડાનો સાઢુભાઈ થતો હતો. એક વખત રાજપૂત બેગમ યાને મહમૂદની પત્ની પોતાના પિયર ગઈ. ત્યાં રાણજીની પત્નીની બહેન હોવા છતાં બેગમ સાથે જમવા બેસવાની ઈચ્છા ન હતી, પણ બહેન સુલતાનની બેગમ હોવાથી સીધે સીધું તો કહેવાય નહીં. તેથી તેણે નુસખો કર્યો અને બહેનને કહ્યું કે તમે તો ગુજરાતના સુલતાનનાં પત્ની અને મારા ધણી તમારા ખંડિયા રાજા છે. તમારો દરજ્જો ઊંચો, અમારો નીચો. અમે તમારી સાથે જમી ન શકીએ.
મહમૂદ બેગડાના સમયમાં એટલાં બધાં યુદ્ધ થયાં હતાં કે ખુદ સૈનિકો થાકી ગયા હતા, પણ સુલતાનની મહત્વાકાંક્ષા અને આન- બાન -શાન જાળવી રાખવા તેમણે કમને પણ કરવું તો પડે જ.
મહમૂદપત્ની રાજપુતાણીને કારણ ગળે ન ઊતર્યું. તેણે અમદાવાદ આવી પતિ મહમૂદને પિયરમાં બનેલી ઘટના જણાવી, તો મહમૂદે રાણજીને પત્ની સાથે જમવા માટે અમદાવાદ આવવા નોતરું દીધું. રાણજીએ ઘણી આનાકાની કરી, પણ ગુજરાતના સુલતાન આગળ તેનું શું ચાલે? તેણે અમદાવાદ જવું પડ્યું, અને સુલતાનને તેમના આ ધાર્મિક મતભેદોની ખબર પડી ગઈ હતી. એટલે રાણજી ગોહેલ અને તેનાં પત્ની પર સકંજો કસ્યો. આખરે યેનકેન પ્રકારે પત્નીને છોડાવી પરત લઇ આવ્યો.
આવી જ બીજી લોકવાયકામાં એમ કહેવાય છે કે મક્કાની હજ માટે જતી એક મુસ્લિમ સ્ત્રી રાણપુરમાં પુત્ર સાથે રાતવાસો કરવા રોકાઈ. પ્રભાત થતા જ નમાઝનો સમય થતાં તેના બાળકે બાંગ પોકારી. બાંગ
સાંભળી રાણપુરના બ્રાહ્મણોમાં ખળભળાટ મચી ગયો. બાળકની બાંગમાં બ્રાહ્મણોને રાણપુરમાં મુસ્લિમ શાસનની એંધાણી વર્તાઈ. આ પછી રાજા રાણજી ગોહેલે બાળકને મારી નાંખ્યું. તેની ફરિયાદ લઇ બાળકની માતા અમદાવાદમાં સુલતાન પાસે ગઈ. તેના ગુસ્સાનો પાર ન રહ્યો અને રાણપુર પર હુમલો કરવા ફોજ
તૈયાર કરી.
રાણપુરના યુદ્ધનાં બંને કારણોમાં પહેલું કારણ સત્યથી નજીક લાગે છે અને બાળકને મારી નાંખવાવાળી વાતમાં કઈ વજૂદ જણાતું નથી કારણકે જમવાવાળી વાતમાં વધુ દમ અને સમયના સંદર્ભમાં તાર્કિક પણ જણાય છે.
મહમૂદ બેગડા અને રાણજી ગોહેલની સેનાઓ વચ્ચે ધંધુકા મુકામે જબરી લડાઈ થઇ. રાણજી ગોહેલ લાંબી ઝીંક ન ઝીલી શક્યો અને પીછેહઠ કરી રાણપુર પરત ફર્યો.
કારણ જે હોય તે, અને આમ પણ સામ્રાજ્યવાદી માનસના લોકો માટે કારણોની ક્યાં જરૂર હોય છે ? તાત્કાલિક મહમૂદ બેગડાએ પોતાના સેનાપતિ ભંડારી ખાનને રાણપુર જીતવા મોકલ્યો. બંને સેના વચ્ચે ધંધુકા મુકામે જબરી લડાઈ થઇ. રાણજી ગોહેલ લાંબી ઝીંક ન ઝીલી શક્યો અને પીછેહઠ કરી રાણપુર પરત ફર્યો. રાણજીએ પરિસ્થિતિનો ક્યાસ કાઢી લીધો હતો. તે સીધો રાણીવાસમાં આવ્યો અને સહુને કહ્યું કે કિલ્લા પર આપણો ઝંડો ફરકતો દેખાય ત્યાં સુધી સમજવું કે અમે હયાત છીએ અને ઝંડો નીચો પડી જાય તો તમે બધા આપઘાત કરજો. ધંધુકાથી નાસેલા રાણજીનો પીછો કરતો ભંડારી ખાન રાણપુર પર ચડી આવ્યો. તેના લશ્કરે રાણપુરને તબાહ કરવામાં કોઈ મણા ન રાખી. તે જ વખતે ઝંડોપકડી રાખનારા સેવકે પાણી પીવા ખાતર ઝંડો હેઠો મૂક્યો. તેને મહેલમાં રહેલી રાજપૂત મહિલાઓએ રાણજી અને રાજપૂત સેનાનો પરાજય સમજી લીધો અને રાણજીની સૂચના અનુસાર કૂવામાં ઝંપલાવી જીવતર ટૂંકાવી દીધું. આ તરફ ભંડારી સામે લડતાં રાણજી ગોહેલ પણ વીરગતિને પામ્યો.
રાણપુરની જીત પછી સુલતાન મહમૂદ બેગડાએ રાણપુરની ગાદી રાણજીના ભાણેજ હાલુંજી પરમારને સોંપી, પણ તે પહેલાં તેણે ઇસ્લામ સ્વીકારવો પડ્યો હતો. તે પછી રાણપુરના ગરાસીયાઓમાં મોલે સલામ ઠાકોરોની નવી જ્ઞાતિ પેદા થઇ. તેઓ રાજપૂત અને મુસલમાન કોમનું મિશ્રણ હતા. તે પછી લાંબો સમય રાણપુર ઇસ્લામી હકુમત હેઠળ રહ્યું. આજે જે કિલ્લો રાણપુરમાં મોજુદ છે તેનું બાંધકામ સને ૧૬૩૫માં થયું હતું. મુઘલ બાદશાહ શાહજહાંના સમયમાં આઝમખાન ઉધાઇએ રાણપુરનો કિલ્લો બંધાવ્યો હતો.
આમ રાણપુરની જીત સાથે સુલતાન મહમૂદ બેગડાનું સૌરાષ્ટ્ર અભિયાન પૂરું થયું. હવે તેનો ડોળો મધ્ય ગુજરાતના ચાંપાનેર તરફ હતો. તેની વાત આવતી કાલે.
મહમૂદ બેગડાનાં યુદ્ધો - 7 (ચાંપાનેરનું યુદ્ધ ઈ.સ. ૧૪૮૪)
·         પ્રકાશન તારીખ08 Aug 2018
·        

સૌરાષ્ટ્રમાં ફતેહ મેળવ્યા પછી મહમૂદ બેગડાનું હવેનું નિશાન ચાંપાનેર હતું. ચાંપાનેરમાં એ સમયે ગંગદાસનો પુત્ર જયસિંહદેવ પતાઈ રાજ્ય કરતો હતો. ગંગદાસ પર પણ એ સમયમાં ચાંપાનેરમાં "ગંગદાસપ્રતાપવિલાસ" નામનું નાટક લખાયું હતું અને તે મહાકાલી મંદિરના ચોગાનમાં ભજવાયું પણ હતું. શ્રી ભોગીલાલ સાંડેસરાએ લંડનની ઇન્ડિયા ઓફિસ લાઈબ્રેરીમાંથી આ નાટક શોધી કાઢ્યું હતું. ગંગદાસનો પુત્ર ગુજરાતના ઇતિહાસમાં "પતાઈ રાવળ" તરીકે પણ પ્રસિદ્ધ છે. પતાઈ એ પાવાપતિનું ટૂંકું ગુજરાતી રૂપ મનાય છે. અન્ય એક મત મુજબ ચાંપાનેરના પતાઈ રાજાઓ પૃથ્વીરાજ ચૌહાણના વંશજો હોવાથી પણ પથાઈઅને પતાઈકહેવાયા હોવાની સંભાવના છે.
ઇતિહાસકાર રત્નમણીરાવ જોટેએ નોંધ્યું છે કે "સૃષ્ટિ સૌંદર્ય અને ઈતિહાસ એ બંને રીતે જોતાં ચાંપાનેર-પાવાગઢ જેવું મહત્ત્વનું સ્થળ મહાગુજરાતમાં બીજું એકે
નથી. એક મહાકાવ્યમાં જોવા મળતા બધા રસ અહીં એકસાથે રહેલા છે."
ચાંપાનેર પાવાગઢની તળેટીમાં આવેલું નાનું શહેર છે. પાવાગઢ નાનો પણ અત્યંત સુંદર પર્વત છે ઇતિહાસકાર રત્નમણીરાવ જોટેએ નોંધ્યું છે કે "સૃષ્ટિ સૌંદર્ય અને ઈતિહાસ એ બંને રીતે જોતાં ચાંપાનેર-પાવાગઢ જેવું મહત્ત્વનું સ્થળ મહાગુજરાતમાં બીજું એકે નથી. એક મહાકાવ્યમાં જોવા મળતા બધા રસ અહીં એકસાથે રહેલા છે." એનો ઈતિહાસ, પાવાગઢ-ચાંપાનેર નામ પાડવા પાછળનાં કારણો અને તેની વન્યસૃષ્ટિ સહુ કોઈનો રસ અને રુચિ સંતોષે તેવાં છે. મહમૂદ બેગડાએ ચાંપાનેર જીત્યું તે પહેલાં પણ શિલ્પ-સ્થાપત્યની રીતે તેનો ગૌરવશાળી વારસો હતો.
ભૌગોલિક ચર્ચાને સીમિત કરી ચાંપાનેરના યુદ્ધના ઈતિહાસ તરફ આગળ વધીએ. જયસિંહદેવ પતાઈના પૂર્વજો પૃથ્વીરાજ ચૌહાણની પડતી પછી ચાંપાનેરમાં આવ્યા અને સ્થાનિક ભીલ રાજાને હરાવી સત્તા સ્થાપી હતી. ગુજરાતમાં સલ્તનતની સ્થાપના થઇ ત્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભીલોના નાનાં નાનાં ઘણાં રાજ્યો હતાં તે ભૂલવા જેવું નથી.

પાવાગઢ-ચાંપાનેરમાં રાજ્ય સ્થાપનાર મૂળ પુરુષનું નામ ખીચી હતું. તેથી ચાંપાનેરના ચૌહાનો ખીચી ચૌહાણો તરીકે પણ ઓળખાય છે. ગુજરાતમાં ઘણી આસમાની-સુલતાની થઇ છતાં મહમૂદના સમય સુધી ચાંપાનેરે પોતાની સ્વતંત્રતા જાળવી રાખી હતી. ચાંપાનેર રાજ્યના દસ્તાવેજોમાં તો ગગદાસ રાવળ નામના ચાંપાનેરના રાજાએ અહમદશાહના પુત્ર સુલતાન મહમૂદને પણ હરાવ્યો હતો. તેના વંશજ જયસિંહ સાથે સને ૧૪૮૪માં બેગડાએ ખેલેલું યુદ્ધ ગુજરાતના ઈતિહાસનો રસિક અને મહત્ત્વપૂર્ણ અધ્યાય છે.
ચાંપાનેર સાથે યુદ્ધ કરવાનાં મહમૂદ પાસે એકાધિક કારણો હતાં. સૌથી પહેલાં તો સૌરાષ્ટ્રની લાંબી લડાઈઓ પછી ખુદાવંદખાન નામના અમીરના પોતાના વિરુદ્ધના કાવતરાની તપાસ કરવા મહમૂદ અમદાવાદ આવ્યો. તેણે અમીરોના મનનું પારખું કરવા એવી વાત ચલાવી કે પોતે મક્કા શરીફની હજ કરવા ધારે છે અને રાજવહીવટ અમીરોને સોંપી દેવા માંગે છે. સુલતાને આ વિચાર માટે અમીરોની સલાહ માગી અને કોઈએ પણ ડરના માર્યા પોતાનો મત જણાવ્યો નહીં, ત્યારે મહમૂદ બેગડાએ અનશન વ્રત લીધું. એમ કહેવાય છે કે અમીરોએ છેવટે ગભરાઈને સુલતાનને ખુશ કરવા એમ કહ્યું કે પહેલાં ચાંપાનેરના હિંદુ રાજ્ય પર વિજય મેળવો અને પછી સુખેથી હજયાત્રા માટે જાઓ. આ સાંભળી સુલતાન ખુશ થયો અને તેણે અનશન વ્રત તોડી પારણાં કર્યાં. તબકાતે અકબરીગ્રંથમાં વર્ણવેલું આ પહેલું કારણ. તેની સમાંતર એક કારણ એવું આપવામાં આવે છે કે એક સવારે સુલતાન મહમૂદ બેગડાએ ઊઠતાંવેંત પૂર્વ દિશા તરફ જોયું અને સેનાપતિઓ સમજી ગયા કે સુલતાન ચાંપાનેર જીતવાનું વિચારી રહ્યો છે. (હવે આવી વાતોને શીદ સાચી માનવી? પૂર્વ દિશામાં તો બીજા ઘણા નાનાં મોટાં રાજ્યો હતાં, પણ તવારીખો લખનારાઓની આ શૈલી હતી.)
પાવાગઢ-ચાંપાનેરમાં રાજ્ય સ્થાપનાર મૂળ પુરુષનું નામ ખીચી હતું. તેથી ચાંપાનેરના ચૌહાનો ખીચી ચૌહાણો તરીકે પણ ઓળખાય છે. ગુજરાતમાં ઘણી આસમાની-સુલતાની થઇ છતાં મહમૂદના સમય સુધી ચાંપાનેરે પોતાની સ્વતંત્રતા જાળવી રાખી હતી.
બીજું કારણ મહમૂદ બેગડાની મહત્વાકાંક્ષા માળવા જીતવાની હતી, પણ માળવા જીતવા માટે ગુજરાત અને માળવાની સરહદ વચ્ચે મજબૂત લશ્કરી કિલ્લો બંધાવો જરૂરી હતો અને તેના માટે ચાંપાનેર-પાવાગઢ સૌથી અનુકૂળ સ્થળ હતું. પરંતુ આ બાબત જયસિંહ પતાઈને પરાસ્ત કર્યા વગર સાર્થક થાય તેમ ન હતી. આવાં મુખ્ય પરિબળો સાથે બીજાં નાનાં મોટાં કારણો પણ સંકળાતાં ગયાં. તેમાંનું એક નાનું પણ મહત્ત્વનું કારણ એ બન્યું કે ઈ.સ.૧૪૮૨માં ગુજરાતમાં બહુ જ ઓછો વરસાદ પડ્યો અને ચાંપાનેર સુધી દુષ્કાળ જેવી સ્થિતિ હતી.
આ દુષ્કાળના માહોલમાં સુલતાન બેગડાનો એક સરદાર નામે મલિક સધા સુલ્તાની ચાંપાનેર તાબાનાં કેટલાંક ગામડાંઓ લૂંટી આવ્યો. આ બનાવ પછી ચાંપાનેરના રાજાએ વળતો હુમલો કરી મલિકને ભૂંડો પરાજય આપ્યો. તેના લશ્કરની પણ મોટી ખુવારી થઈ અને પોતે પણ યુદ્ધમાં માર્યો ગયો. ચાંપાનેર નરેશે આ અથડામણ પછી મલિકનો લશ્કરી સરંજામ અને બે હાથીઓ પડાવી લીધા હતા. સુલતાન મહમૂદ બેગડાને આવી સીધી ટક્કર આપનાર ગુજરાતમાં તો એ સમયે જયસિંહ સિવાય કોઈ પાક્યો ન હતો. વળી તે સલ્તનત વિસ્તારનાં ગામડાંઓમાં લૂંટફાટ કરનારાઓને મદદ પણ કરતો હતો. આમ ઘણી બધી બાબતો ભેગી થઈ અને પરિણામ મહમૂદ બેગડાનું ચાંપાનેર પર આક્રમણ. તેની વિગતો આવતી કાલે.
arun.tribalhistory@gmail.com
મહમૂદ બેગડાનાં યુદ્ધો - 7 (ચાંપાનેરનું યુદ્ધ ચાલુ)
·         પ્રકાશન તારીખ09 Aug 2018
·        

પોતાના પૂર્વજો પણ ચાંપાનેર-પાવાગઢ ને જીતી શક્યા ન હતા અને માળવા સાથે સંઘર્ષ ચાલુ હતો. એ બધી વાતો આપણે આગળ જોઈ ગયા. હવે દૃઢ નિર્ણય સાથે ૧૨ ડિસેમ્બર ૧૪૮૨ના રોજ સુલતાન મહમૂદ બેગડો ચાંપાનેર અભિયાન માટે નીકળી પડ્યો. સહુ પહેલાં વડોદરા તરફ મોટી ફોજ રવાના કરી. ચાંપાનેરનો જયસિંહ આ બધી ઘટનાઓથી અજ્ઞાત હોય તેમ માનવાને કોઈ કારણ નથી. મોટી સેનાના સમાચાર મળતાં જ તેણે હથિયાર હેઠાં મૂકી સુલેહ કરવાનું વલણ અપનાવ્યું. પોતાના વકીલોને સુલતાન સમક્ષ મોકલી સમાધાનનો પ્રસ્તાવ મૂક્યો.
તબકાતે અકબરીગ્રંથની નોંધ મુજબ જયસિંહે અગાઉ પકડેલા બે હાથી અને લૂંટેલો સામાન તથા બીજું સોનું આપવાની ઓફર કરી, પણ હવે મહમૂદ બેગડાની તલવાર મ્યાનમાંથી નીકળી ચૂકી હતી. તે લોહી ચાખ્યા વગર મ્યાન થાય તેમ ન હતી. તેણે પતાઈ રાવળના પ્રસ્તાવને ઠુકરાવી દીધો અને જવાબમાં કહ્યું કે આ સંદેશાનો જવાબ કાલે તલવારથી આપીશું.
તબકાતે અકબરીગ્રંથની નોંધ મુજબ જયસિંહે અગાઉ પકડેલા બે હાથી અને લૂંટેલો સામાન તથા બીજું સોનું આપવાની ઓફર કરી, પણ હવે મહમૂદ બેગડાની તલવાર મ્યાનમાંથી નીકળી ચૂકી હતી. તે લોહી ચાખ્યા વગર મ્યાન થાય તેમ ન હતી.
સુલતાન દ્વારા સમાધાનનો સ્વીકાર ન થતાં હવે જયસિંહ પાસે લડ્યા વગર કોઈ ચારો ન હતો. વડોદરાથી રસાલો ઉપાડી મહમૂદે ચાંપાનેર વટાવી માળવાના માર્ગ પર કરનાઈ ગામે પડાવ નાંખ્યો. યુદ્ધની વ્યૂહરચનાના ભાગરૂપે પોતાના બહેરામ ખાન, અદલ્મુલ્ક, તાજ ખાન અને ઈખ્તિયાર ખાનને આગળ મોકલ્યા. સૈયદ બંદી અલંગદારને ખોરાક અને સરંજામ જે રસ્તે આવતો હતો તેની હિફાજત માટે રોક્યો. આ જ સમયે રાજપૂત સૈનિકોએ તેના પર હુમલો કરી ખોરાક અને બીજી સામગ્રી પડાવી લીધી. પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા જેવી હાલત થતાં બેગડો ઘણો નિરાશ થયો અને ચાંપાનેર વિજય સરળ નથી તેમ લાગતાં આગળ વધવાના બદલે ઘેરો ઘાલી એક મહિના સુધી ત્યાં જ પડ્યો રહ્યો.

ચાંપાનેર જીતવા વધુ તૈયારીના ભાગ રૂપે અમદાવાદ દૂત મોકલી સેનાપતિ મુહાફીજ ખાનને તેડાવ્યો. તે લશ્કરી બંદોબસ્તનો નિષ્ણાત હતો. નવા સેનાપતિના આવ્યા પછી તે દરરોજ સવારથી બપોર સુધી બધી તોપો તપાસી તેનો અહેવાલ સુલતાન સમક્ષ રજુ કરતો. હવે મહમૂદ ચાંપાનેર વિજય માટે કોઈ કસર છોડવા માગતો ન હતો. તબકાતે અકબરીમાં નોંધ્યા પ્રમાણે કિલ્લા સુધી પહોંચવા સુરંગ ખોદવાનું પણ નક્કી થયું. તે માટે કુશળ ઈજનેરો પણ બેગડાની સેનામાં હતા. તેમને સુરંગ ખોદવાના કામે વળગાડ્યા. સુરંગ બનાવવા માટે લાકડાંનાં પાટિયાં જોઈએ. તે સરળતાથી ન મળતાં કહેવાય છે કે સુલતાને એક એક ઝૂડી લાકડાંના એક એક અશરફી ચૂકવ્યા હતા. અશરફી એટલે એટલે સોનાનો સિક્કો. સુરંગ ખોદાવવાનો ખર્ચ એક લાખ ટંકા બેઠો હતો, પણ ચાંપાનેર જીતવાના ઝનૂન સામે આ બધું ગૌણ બન્યું.
ચાંપાનેરના કિલ્લા સુધી પહોંચવા સુરંગ ખોદવાનું પણ નક્કી થયું. તે માટે કુશળ ઈજનેરો પણ બેગડાની સેનામાં હતા. તેમને સુરંગ ખોદવાના કામે વળગાડ્યા.
ચાંપાનેર તરફ મહમૂદનાં દરેક કદમ તરફ જયસિંહની બાજ નજર હતી, પરંતુ મહમૂદ બેગડાની પ્રચંડ તૈયારી સામે તે લાચાર હતો. ફરીથી તેણે મહમૂદ પાસે દૂતો મોકલી સમાધાન માટે પ્રસ્તાવ મૂક્યો અને ચાંપાનેર પરનો ઘેરો ઉઠાવી લેવાય તો નવ મણ સોનું અને બે વર્ષ ચાલે એટલું અનાજ આપવા કહ્યું. પરંતુ આગે કદમમાં જ માનતા મહમૂદને હવે કોઈ ઑફર રીઝવી શકે તેમ ન હતી. પાવાપતિ બાહોશ તો હતો જ સાથે મુત્સદ્દી પણ હતો. તેથી આખરી ઉપાય તરીકે મહમૂદના હુમલા વિરુદ્ધ તેના દુશ્મન અને માળવાના સુલતાન ગ્યાસુદ્દીનની મદદ માગી. તેણે પોતાના સુર નામના ખાસ દૂતને માળવા મોકલ્યો અને મહમૂદ બેગડા સામેના યુદ્ધમાં પોતાને મદદ કરશે તો પ્રત્યેક મજલે એક લાખ તનખા આપવાની લલચામણી ઓફર કરી. માળવાનો સુલતાન લલચાઈ પતાઈને મદદ કરવા તૈયાર થયો. આટલી વાતની ખબર બેગડાને ન પડે? તે પતાઈને પડતો મૂકી માળવાના સુલતાન સામે લડવા ઠેઠ દાહોદ સુધી પહોચી ગયો, પણ બંને મુસ્લિમ શાસકોની લડત પહેલાં માળવી સુલતાને ઇસ્લામી વિદ્વાનોનો મત લીધો. તેઓએ હિંદુ રાજા સાથે લડતા મુસલમાન રાજા સામે પોતે મુસલમાન હોવાથી લડી ન શકાય તેવો મત વ્યક્ત કર્યો અને વિદ્વાનોની વાત માથે ચડાવી માળવાનો સુલતાન પોતાના સમધર્મી શાસક સામે લડ્યા વગર માંડું પાછો ફર્યો. તેનાથી મહમૂદ ખૂબ ખુશ થયો અને તરત ચાંપાનેર આવી જુમ્મા મસ્જિદનો પાયો નાખ્યો.

હવે સુલ્તાનની ફોજ ચાંપાનેરના દરવાજે દસ્તક દઈ રહી હતી. પાવાપતિ જયસિંહદેવ પતાઈ ચાંપાનેરને બચાવવાના બધા નુસ્ખા અજમાવી ચૂક્યો હતો. તો હવે તે હથિયાર હેઠાં મેલી સીધો મહમૂદ બેગડાના પગમાં પડી ગયો હશે? જી નહીં, તે કેસરિયાં કરવાનો હતો. તેના કેસરિયાં સંઘર્ષની વાત માટે આવતી કાલે મળીએ.
arun.tribalhistory@gmail.com
મહમૂદ બેગડાનાં યુદ્ધો - 8 (ચાંપાનેરનું યુદ્ધ ચાલુ)  
·         પ્રકાશન તારીખ10 Aug 2018
·        

ચાંપાનેર પર ગુપ્ત હુમલા માટે સુરંગો તૈયાર થઇ ચૂકી હતી. નૌકા સેનાપતિ મલેક અયાઝે દીવ બંદરેથી લૂંટેલી તોપો પણ તૈયાર કરવામાં આવી. ગુજરાતનાં યુદ્ધોમાં પહેલીવાર તોપો ચાંપાનેરના યુદ્ધમાં ઉપયોગમાં લેવાઈ. તેને ચલાવવા માટે શરૂમાં પરદેશી ગોલંદાજો હતા.
છૂપી સુરંગોમાંથી સુલતાન સેનાના સિપાઈઓ ચાંપાનેરની લશ્કરી ગતિવિધિઓ તપાસી રહ્યા હતા. તેમાં સુલતાનના સૈનિકોની નજરમાં જયસિંહની રાજપૂત સેનાની એક નબળી કડી પકડાઈ ગઈ. સવારમાં સ્નાન અને દાતણ-પાણી અને શૌચક્રિયા તથા સંધ્યાદિ વખતે ચાંપાનેરના કિલ્લાની સુરક્ષા માટે બહુ ઓછા સૈનિકો હાજર રહેતા. આટલી નબળાઈ મહમૂદના સૈનિકો માટે પૂરતી નીવડી. આ વાત ધ્યાને આવતાં જ સુલ્તાને એક ટુકડી સાથે મલિક સારંગ નામના સેનાપતિને એ માર્ગથી કિલ્લાની અંદર દાખલ થવા હુકમ કર્યો. મલિક સુલતાનની આજ્ઞાને અનુસરી સુરંગમાંથી કિલ્લામાં પેઠો અને હાથોહાથની લડાઈ શરૂ થઈ.
ગુજરાતનાં યુદ્ધોમાં પહેલીવાર તોપો ચાંપાનેરના યુદ્ધમાં ઉપયોગમાં લેવાઈ. તેને ચલાવવા માટે શરૂમાં પરદેશી ગોલંદાજો હતા.
તેમાં રાજપૂત સૈન્યની ઘણી ખુવારી થઇ અને તેઓએ પીછેહઠ કરી. એ વખતે બાજુની દીવાલ પર મલિક અયાઝના તોપમારાએ મોટા ચીરા પડ્યા હતા. ત્યાંથી અયાઝ એક ટુકડી લઇ કિલ્લામાં ઘુસી ગયો અને એક બારી વાટે દરવાજાના બુરજ પર ચડી ગયો. બીજી તરફ ખુદ મહમૂદ બેગડો સિપાઈઓ સાથે કિલ્લા પર ચડ્યો. તેઓએ રજપૂતો દ્વારા ફેંકતા હાથ બોમ્બને તે ફૂટે તે પહેલાં પકડી સામા ફેંક્યા, જે છેક પતાઈ રાવળના મહેલ પાસે પડ્યા. પતાઈ રાવળનો મહેલ અટક દરવાજા પાસે હોવાની સંભાવના ઈતિહાસકારો વ્યક્ત કરે છે. રાજાના મહેલ પર પડતા બોમ્બ જોઈ સૈનિકોમાં ભારે નિરાશા ફેલાઈ અને જૌહરની તૈયારી કરી, સ્ત્રીઓને અગ્નિમાં નાખી, પોતે મરણિયા થઇ લડવા નીકળી પડ્યા. આખી રાત અને દહાડો ખૂનખાર લડત ચાલી. મહમૂદ બેગડો લશ્કર સાથે દ્વારમાં દાખલ થયો, ત્યારે રજપૂતો સ્નાન કરી કેસરિયાં માટે સજ્જ થતા હતા. છેલ્લી લડાઈમાં લગભગ ૭૦૦ જેટલા રાજપૂતો એકસાથે સુલતાનના સૈન્ય પર તૂટી પડ્યા.

બંને તરફ ભારે ખુવારી થઇ રહી હતી. હાર-જીતના નિર્ણયને હજી થોડી વાર હતી, પણ મહમૂદનું પલ્લું ભારે હતું. એક ખોફનાક આક્રમણ થયું અને ચાંપાનેરની સેના લગભગ પરાસ્ત થઇ ગઈ.
રાજા જયસિંહ અને તેના મંત્રી ડુંગરસિંહ પકડાઈ ગયા, ઘણા ખરા રાજપૂત સૈનિકો કેસરિયાં
કરતાં કરતાં રણમેદાનમાં ખપી ગયા, તો કિલ્લામાં ભરાઈ રહેલા સૈનિકોને પકડી ખતમ
કરાયા. આમ ચાંપાનેર રાજ્યનો લડવાનો જુસ્સો પૂરો થયો.

જીવલેણ ઘાથી ઘવાયેલા ચાંપાનેર નરેશ જયસિંહદેવ પતાઈ અને તેના મંત્રી ડુંગરસિંહને પકડી સુલતાન મહમૂદ બેગડા સામે પ્રસ્તુત કરવામાં આવ્યા. બંનેની સારવાર કરી તેમના ઘા રૂઝવવામાં આવ્યા. પાંચ મહિનાની સારવારના અંતે સાજા નરવા થયેલા રાજા અને મંત્રીને ફરીથી સુલતાન સામે રજુ કરવામાં આવ્યા. સારવાર દરમિયાન બંનેને દરરોજ ઇસ્લામ સ્વીકારવાનું દબાણ કરવામાં આવતું. તેમનો કબજો મુહાફિઝ ખાનને સોંપવામાં આવ્યો હતો. સુલતાન સામે રજુ કર્યા ત્યારે પણ છેલ્લી વખત બંનેને જો તેઓ ઇસ્લામ સ્વીકારે તો જીવતદાન આપવાની ઓફર કરવામાં આવી, પરંતુ જયસિંહ અને તેના મંત્રીએ જુનાગઢના રાજાની જેમ ઇસ્લામ સ્વીકાર્યો નહિ અને સ્વધર્મને વળગી રહ્યા.

અંતે મહમૂદ બેગડાએ ઇસ્લામી પંડિતોની સલાહ લઈ જયસિંહ પતાઈનું માથું ઉડાવી દીધું અને માથું એક લાકડા પર ટીંગાવ્યું, જેથી બાકીના લોકોમાં ઇસ્લામ ન સ્વીકારવાનું શું પરિણામ આવી શકે તેનો નમૂનો પેશ કર્યો. પરંતુ મંત્રી ડુંગરસિંહ પર તેની કશી જ અસર ન થઈ. પોતાના રાજાની નિર્મમ હત્યાથી તે એટલો તો ગુસ્સે ભરાયો કે એક સેનાપતિના હાથમાંથી તલવાર ઝૂંટવી લઇ મહમૂદ બેગડાના એક હજુરિયા કબીરના પુત્ર શેખને મારી નાખ્યો. તરતજ ડુંગરસિંહને ખતમ કરી દેવાયો. આમ મહમૂદના ઘેરામાં રહેલા ડુંગરસિંહની ગુસ્તાખીની તેને ભારે કિંમત ચૂકવવી પડી.
રાજાના મહેલ પર પડતા બોમ્બ જોઈ સૈનિકોમાં ભારે નિરાશા ફેલાઈ અને જૌહરની તૈયારી કરી, સ્ત્રીઓને અગ્નિમાં નાખી, પોતે મરણિયા થઇ લડવા નીકળી પડ્યા, આખી રાત અને દહાડો ખૂનખાર લડત ચાલી.
અહીં ચાંપાનેરની કહાની પૂરી નથી થતી. મિરાત-એ-સિકંદરીલખે છે કે મરહુમ રાજા જયસિંહના દીકરા અને બે દીકરીઓને પણ ઝડપી લેવામાં આવ્યાં. બંને પુત્રીઓને સુલ્તાનના જનાનખાનામાં મોકલી દેવામાં આવી જ્યારે દીકરાને ઇસ્લામધર્મી બનાવી ઉચ્ચ દરજજાનું શિક્ષણ આપવામાં આવ્યું. તેનું નામ હુસૈન રાખવામાં આવ્યું. પાછળથી તે ઘણો મોટો અમીર બન્યો હતો. તેણે નિઝામ-ઉલ-મુલ્કનો ઈલ્કાબ પણ આપવામાં આવ્યો હતો. જયસિંહ પતાઈ
અને ડુંગરસિંહનાં મૃત્યુ સાથે મહમૂદ બેગડાનું ચાંપાનેર અભિયાન પૂરું થયું. એ તારીખ ૨૧ નવેમ્બર અને વર્ષ ૧૪૮૪નું હતું.

ચાંપાનેરના ઇતિહાસનો એક અધ્યાય પૂરો થયો અને નવો શરૂ થયો. દેખીતી રીતે યુદ્ધનો અંત આવ્યો હતો, પણ યુદ્ધ પછી ૧૪૮૪માં ચાંપાનેર ગુજરાતનું પાટનગર બન્યું અને ઘણી રોમાંચક બાબતો હવે રચાવાની હતી. તેની વાત આવતી કાલે કરી આપણે મહમૂદ બેગડાનાં યુદ્ધોની ચર્ચા પૂરી કરીશું.
arun.tribalhistory@gmail.com
મહમૂદના બેગડાનાં યુદ્ધો - 9 (ચાંપાનેરનું યુદ્ધ ચાલુ)
·         પ્રકાશન તારીખ11 Aug 2018
·        

મહમૂદ બેગડાના ભયંકર અને વ્યુહાત્મક આક્રમણથી પાવાગઢ-ચાંપાનેરના પતનનો ઈતિહાસ આપણે ગત હપ્તામાં જોયો. યુદ્ધ પછી સુલતાન મહમૂદ બેગડાની ફોજે આસપાસના વિસ્તારને લૂંટવામાં કોઈ કસર છોડી ન હતી. ગુજરાતના તે સમયના આ સમૃદ્ધ વિસ્તારનું એકપણ ઘર એવું ન હતું કે જેમાં અનાજ, પૈસા, ઢોર અને કપડાં રહ્યાં હોય. લીલી હરિયાળી જેવો ચાંપાનેરનો મુલક ઉજ્જડ બની ગયો. નગરમાં તો સ્મશાનવત શાંતિ છવાઈ હતી. પાવાગઢને બચાવવાના પ્રયાસોમાં વેરસી, સારંગ જાડેજા, કરણ, જેઠમલ, સરવૈયો અને ચંદ્રભાણ આટલા હિંદુ રાજાઓએ પોતાનાં બલિદાનો આપ્યાં હતાં. ૨૦ મહિના સુધી ચાલેલા ચાંપાનેર પરના ઘેરા વખતે ૬૦ હજારનું મોટું લશ્કર હોવા છતાં જયસિંહ પરાસ્ત થયો. ચારણોની વહીઓ કહે છે કે જયસિંહના બે પુત્રો યુદ્ધ પછી બચી ગયા હતા. તેમાં પૃથ્વીરાજ અને ડુંગરજીએ અનુક્રમે મોહન (છોટાઉદેપુર) અને દેવગઢ બારિયામાં રાજ્યો સ્થાપ્યાં હતાં. આ રાજ્યો આજે પણ જયસિંહ પાવાપતિનું નામ રાખી રહ્યાં છે.
યુદ્ધ પછી સુલતાન મહમૂદ બેગડાની ફોજે આસપાસના વિસ્તારને લૂંટવામાં કોઈ કસર છોડી ન હતી. ગુજરાતના તે સમયના આ સમૃદ્ધ વિસ્તારનું એકપણ ઘર એવું ન હતું કે જેમાં અનાજ, પૈસા, ઢોર અને કપડાં રહ્યાં હોય.
ચાંપાનેર ધ્વંસ થયું તેનાં ઐતિહાસિક કારણો આપણે તપાસ્યાં, પણ ધાર્મિક રીતે અગત્યનાં કેન્દ્રોનાં પતન સાથે ગુજરાત અને ભારતમાં રસપ્રદ -વાંચવો ગમે તેવો ઈતિહાસ પણ ઊભો થતો હોય છે. ચાંપાનેર-પાવાગઢના ઇતિહાસમાં પણ એવું થયું છે. ગુજરાતી સમાજની એક ખાસિયત એ છે કે કોઈની મોટી ચડતી-પડતીના કારણમાં ન્યાય અને નીતિથી ભ્રષ્ટ થવાનું કારણ મુખ્ય માનવું અને તેમાં દૈવી સત્તાનો હાથ માનવો. ચાંપાનેરના પતનમાં પણ ઈતિહાસની સાથે રસિક દંતકથાઓ અને લોકગીતો જોડતાં ગયાં, જે આજે પણ ગુજરાતી પ્રજા વીસરી નથી. ગુજરાતનો સમાજ પતાઈ રાવળ અને પાવાગઢના પતનમાં એવું માને છે કે પતાઈ રાવળ નવરાત્રિ મહોત્સવ ઊજવતો હતો ત્યારે માતા કાલિકા મનુષ્ય રૂપ ધારણ કરી ગરબે રમવા પધાર્યાં. તેમના રૂપથી આકર્ષિત થઇ જયસિંહ પતાઈએ તેમનો હાથ ઝાલ્યો. માતાએ કહ્યું કે તું માગે તે આપું. આ ગરબાની કેટલીક પંક્તિઓઃ
મા પાવા તે ગઢથી ઊતર્યાં મહાકાલી રે
મા વસાવ્યું ચાંપાનેર પાવાવાળી રે...
***
ચાંપા તે નેરના ચાર ચૌટા મહાકાલી રે
***
માગ માગ ગુજરાત કેરી ગાદી કે ભદર બેસણા રે લોલ
***
માગું એટલું એ જ કે મહેલે પધારજો રે લોલ
***
ફટ ફટ પાવાના રાજન કે એ શું માગ્યું રે લોલ
આજથી છઠે ને છ માસે કે...
આવો જ એક હિન્દી અને ગુજરાતીના મિશ્રણવાળો ગરબો પણ ગુજરાતીઓમાં ગવાય છે અને નવરાત્રીના દિવસોમાં તો જૂના સમયમાં અને આજે પણ ઘણો લોકપ્રિય છે. પણ તેમાં ઉપરના ગરબા કરતાં પણ વિશેષ ચમત્કારિક તત્ત્વો રહેલાં છે.
એ બધામાં મૂળ વાત એટલી છે કે જયસિંહને માતાજીનો શાપ લાગ્યો અને કિલ્લામાં જતી પોઠોમાંથી મુસ્લિમ લડવૈયા નીકળ્યા વગેરે વર્ણન પ્રસ્તુત ગરબામાં આવે છે. સરવાળે એટલું કે મહમૂદ બેગડાની મહત્વાકાંક્ષા વગેરે કશું જ નહિ, માત્ર માતાજીનો શ્રાપ પાવાગઢના પતન માટે મૂળ કારણ હતું, પણ આ ગરબો પાવાગઢના પતનનો સમકાલીન નથી. તેની રચના ઘણી મોડી થઇ છે. શ્રી વલ્લભ ધોળા રચિત આ ગરબો ગુજરાતીઓમાં એટલો તો લોકપ્રિય છે કે લોકો મૂળ ઈતિહાસને ભૂલી આ ગરબામાં દર્શાવેલી વિગતોને જ ચાંપાનેર - પાવાગઢના પતન માટે કારણભૂત ગણે છે. મૂળ વસ્તુ આમાં એ ભૂલી જવાય છે કે પાવાપતિ પોતે શક્તિભક્ત હતો. તેના સમયના શિલાલેખોમાં તેને શક્તિના ઉપાસક તરીકે બિરદાવવામાં આવ્યો છે અને આવા દેવી ઉપાસક સાથે જોડાયેલી વાતો લોકરંજનથી વધું કંઈ નથી. આવી બાબતોની સામે નક્કર ઈતિહાસને પ્રસ્થાપિત કરવા માટે સાંપ્રત સમયમાં ઈતિહાસકારોનો શ્રમ વધી રહ્યો છે. મહમૂદ બેગડાના ચાંપાનેર વિજય પછી મહમૂદ બેગડાએ ચાંપાનેરની જે કાયાપલટ કરી તેની વાત કરી આવતી કાલે બેગડાનું ચેપ્ટર પૂરું કરીશું.
arun.tribalhistory@gmail.com
મહમૂદ બેગડાનાં યુદ્ધો - 10 (ચાંપાનેર - ઈ.સ. ૧૪૮૪)
·         પ્રકાશન તારીખ12 Aug 2018
·        

મહમૂદ બેગડાએ જીવનકાળ દરમિયાન સતત યુદ્ધો કર્યાં અને તેમાં છેલ્લું અને મહત્ત્વનું યુદ્ધ ચાંપાનેર ગણી શકાય. ગુજરાતના તખ્ત પર 54 વર્ષ સુધી રાજ કરનાર બેગડાની સ્મૃતિ તેણે કરેલાં બાંધકામો, બાગ-બગીચાઓ અને નગરોની રચના માટે પણ થાય છે. નવું રાજ્ય જીતતાં જ તે પહેલું કામ તેનું નામ બદલવાનું કરતો. જુનાગઢનું મુસ્તુફાબાદકર્યું, તેમ ચાંપાનેર જીત્યા પછી આ શહેરનું નામ હઝરત મહમંદ પયગંબરના નામ પરથી મોહમ્મદાબાદરાખ્યું.
નવા નગરને ગુજરાતની કામચલાઉ રાજધાની પણ બનાવી. અહીં તેણે ટંકશાળની સ્થાપના કરી, તેના પર "શહર-એ-મુકરર્મ’ (આદરણીય નગર) નામ લખાવ્યું હતું. ચાંપાનેર લગભગ અડધા સૈકા સુધી ગુજરાતની રાજધાની રહ્યું હતું.
નવું રાજ્ય જીતતાં જ મહમૂદ બેગડો પહેલું કામ તેનું નામ બદલવાનું કરતો. જુનાગઢનું મુસ્તુફાબાદકર્યું, તેમ ચાંપાનેર જીત્યા પછી આ શહેરનું નામ હઝરત મહમંદ પયગંબરના નામ પરથી મોહમ્મદાબાદરાખ્યું.
ચાંપાનેરની પ્રાકૃતિક સુંદરતાથી મહમૂદ એટલો તો પ્રભાવિત થયો હતો કે તે અમદાવાદ છોડી મોહમ્મદાબાદમાં જ રહેવા લાગ્યો. તે એટલે સુધી કે ઉનાળામાં માત્ર તરબૂચ અને ટેટી ખાવા માટે જ અમદાવાદ આવતો.
મોહમ્મદાબાદ સુલતાનને એટલું તો માફક આવી ગયું કે વિશાળ માત્રામાં ભવ્ય બાંધકામો જેવાં કે મસ્જીદો, કિલ્લો ચાંપાનેરમાં શરૂ કરાવ્યાં. તેનું વધતું મહત્ત્વ જોઈ અમીર-ઉમરાવો પણ હવે અમદાવાદ છોડી ચાંપાનેરમાં વસવા લાગ્યા હતા. ઈ.સ. ૨૦૦૨ના વર્ષે ચાંપાનેરને વિશ્વ વારસાના નગરનું સ્ટેટસ મળ્યું તે બધાના પાયામાં મહમૂદ બેગડાના સમયમાં થયેલાં સ્થાપત્યો છે. મહમૂદને ઈમારતો બાંધવાનો, બાગ-બગીચાઓનું નિર્માણ વગેરેનો
પુષ્કળ શોખ હતો અને માટે જ તો આપણા એક કવિ-વિવેચક નવલરામે નોંધ્યું છે કે...
"શાહઆલમ સરખેજની શોભા શી વર્ણાય રે ,
અસલી ઈમારત હુન્નર આગળ ઈજનેરી લજવાય .
રમિયે ગુજરાત"
માત્ર અમદાવાદ નહીં, ચાંપાનેરને મહમૂદ બેગડાએ એટલું સુશોભિત કર્યું કે લોકો અમદાવાદને ભૂલી ગયા. મિરાત-એ-સિકંદરીનામના ગ્રંથમાં તો "અહીંનાં નાળિયેર હલવા જેવાં અને દ્રાક્ષ વગેરે ફળો સ્વર્ગના બાગ જેવાં થતાં તથા અહીં સુખડનાં ઝાડનું એવું તો ગંજાવર વન હતું કે લોકો સુખડનાં લાકડાંનો ઉપયોગ મકાન બાંધવા માટે કરતા હતા. ચાંપાનેરને જોવા માત્રથી દિલની ઉદાસી ભાગી જતી..." જેવું કાવ્યાત્મક વર્ણન કરવામાં આવ્યું છે.
મોહમ્મદાબાદ એકલાને નહીં, મહમૂદે આજુબાજુના વિસ્તારને પણ ભવ્યતાથી શણગાર્યો હતો. એનો એક નમૂનો આજનું હાલોલ. હાલોલ મૂળ તો એક બાગનું નામ હતું. ચાંપાનેર જીત્યા
પછી તેણે રચેલા બગીચામાં કેટલાક ઉત્તમ બગીચાઓ ખુરાસની ઈજનેરો દ્વારા બન્યા હતા. એક વાર ચર્ચામાં સ્થાનિક હલું નામના લુહારે પોતે પણ આવો જ બાગ બનાવી શકે તેવી વાત બાદશાહની ખિદમતમાં રજુ કરી. બેગડાએ તે આ નવી કળા કેવી રીતે શીખ્યો એવું પૂછ્યું તો હલું એ કહ્યું કે હું ખુરાસની ઇજનેરના મજુર તરીકે કામ કરતો હતો. બાગ બનાવતી વખતે બાગકલાનો પોતાના દબદબાને યથાવત રાખવા બીજું કોઈ શીખી ન જાય તે માટે ખુરાસની બધા લોકોને બહાર કાઢતો, પણ હલું મજુર તરીકે કામ કરતો હોવાથી અને તેની શીખવાની તાકાત કેટલી? એ ભ્રમમાં તે હલુંને પોતાની પાસે રહેવા દેતો. તે રીતે હલું લુહાર
બાગકલા શીખી ગયો. તેણે આ બધી વાતો સુલતાન સમક્ષ રજુ કરી પોતાને એક બાગ બનાવવાની તક આપવા વિનંતી કરી. જે મહમૂદ બેગડાએ સ્વીકારી. પરિણામે જે બાગ બનાવાયો તે આજનું હાલોલ. મહમૂદ બેગડાએ હલું લુહારની કળાની કદર કરતાં તેણે
બનાવેલા બાગનું નામ "બાગ-એ-હાલુંલ" રાખ્યું હતું. કાળક્રમે તેનુંઅપભ્રંશ થઇ હાલોલ થયું હતું.
ગુજરાતની સુંદરતામાં વધારો કરતા આવાં તો અનેક બાંધકામો મહમૂદ બેગડાના સમયમાં બન્યાં હતાં. પણ કમનસીબી એ બાબતની રહી કે આજે તો મહેમદાવાદ સિવાય મહમૂદ દ્વારા નિર્મિત એકપણ નગર લોકોની જાણમાં નથી. તેનું કારણ મહમૂદ બેગડા પછી ગુજરાતમાં થયેલી સતત રાજકીય ઉથલપાથલો હતી. ગુજરાતના સુલતાન બહાદુરશાહના સમયમાં તો હુમાયુએ ચાંપાનેર પર ભયંકર આક્રમણ કરી પૃથ્વી પરના આ શ્રેષ્ઠ નગરને રીતસર સળગાવી દીધું હતું. તેની પડતીનું અત્યંત કરુણ ચિત્રણ મિરાત-એ-સિકંદરીમાં થયું છે. તેને વાંચ્યા વગર ચાંપાનેરનો ઈતિહાસ અધૂરો છે.
મિરાત-એ-સિકંદરીલખે છેઃ "સુબ્હાન અલ્લાહ ભવ્ય ચાંપાનેરની
શું આ હાલત કે અત્યારે તે વાઘ અને વરુનું રહેઠાણ થઇ પડ્યું છે. ત્યાંની ઈમારતો ખંડેર થઇ પડી છે. ત્યાંના રહેવાસીઓ નાબુદ થઈ રહ્યા છે. તેનું પાણી ઝેર જેવું થયું છે અને ત્યાંની આબોહવા આદમીઓના બદનમાંથી શક્તિનો નાશ કરે છે. સુખડનાં વૃક્ષોનું તો નામોનિશાન નથી."

મોહમ્મદાબાદ એકલાને નહીં, મહમૂદે આજુબાજુના વિસ્તારને પણ ભવ્યતાથી શણગાર્યો હતો. એનો એક નમૂનો આજનું હાલોલ. હાલોલ મૂળ તો એક બાગનું નામ હતું.
આમ ભવ્ય ચાંપાનેર-મોહમ્મદાબાદની ભવ્ય ગાથા મહમૂદ બેગડા સાથે જ પૂરી થઇ. બેગડાને પણ તેના મૃત્યુનો અણસાર આવી ચૂક્યો હતો. તેથી મુસ્લિમોમાં મૃત્યુ પહેલાં પોતાની કબર બુક કરાવવાની પ્રથા મુજબ તેણે પણ પોતાનો રોજો સરખેજમાં બનાવવાનું નક્કી કર્યું. સને ૧૫૧૧ના વર્ષે લગભગ ત્રણ મહિના તે ઘણો માંદો રહ્યો અને ૬૭ વર્ષની ઉંમરે ગુજરાતની સલ્તનતના આ મહાનતમ સુલતાનનું અવસાન થયું હતું.
અહીં મહમૂદ બેગડાના લગભગ ૧૦ મહત્ત્વનાં યુદ્ધોનો ઈતિહાસ આપણે પૂરો કરીએ છીએ. કાલથી મુઘલિયા સલ્તનતનાતાબા દરમિયાન થયેલાં યુદ્ધો વિશે આપણી યુદ્ધયાત્રા ચાલશે.
arun.tribalhistory@gmail.com


1 comment: