
Click here
ગુજરાતમાં મુખ્યત્વે કિલ્લા તરીકે પાવાગઢ અને જૂનાગઢ પ્રચલિત રહ્યાં છે. આમ છતાં ગુજરાતમાં આશરે ૭૦૦થી વધુ આર્કિયોલોજી સાઇટમાં ચાલતાં ખોદકામ પરથી કહી શકાય કે, સૌથી જૂનો કિલ્લો ધોળાવીરા છે.
એમએસ યુનિ.ના આર્ટહિસ્ટરી વિભાગના મદદનીશ અધ્યાપક નિતેશ પટેલે જણાવ્યું હતું કે, ધોળાવીરાની સાઇટનો અભ્યાસ કરવામાં આવતાં હાલના આધુનિક શહેરોની જેમ ધોળાવીરામાં પણ અલગ અલગ વિસ્તારો હતાં. ચાર હજાર વર્ષ જૂના નગરમાં ધનિક વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે અલગ અલગ વિસ્તારોમાં સલામતી માટે કિલ્લાઓ બનાવવામાં આવ્યાં હતાં.
વડોદરા શહેરમાં બનેલા કિલ્લાઓની પેટર્ન અને સગવડો પણ અલગ અલગ હતી. ધનિક વિસ્તારોમાં ઘરનો વિસ્તાર વિશાળ રહેતો હતો. પાણીના સંગ્રહ માટે ટાંકીઓ હતી. સામાન્ય રીતે તે સમયે પાણીની ટાંકીઓ ઈંટોમાંથી બનાવવામાં આવતી હતી, પણ ધોળાવીરામાં પથ્થરમાંથી બનેલી ટાંકી જોવા મળી છે. ડ્રેનેજની પણ સગવડ આ વિસ્તારોમાં જોવા મળે છે. ધોળાવીરામાં ધનિક વિસ્તારમાં પ્રવેશ પહેલાં સાઇન બોર્ડ પણ હતા. સાઇન બોર્ડ પર નગરના વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તેવું માનવામાં આવે છે.
પ્રત્યેક વિસ્તારોની ફરતે બનેલા કિલ્લામાં ધનિક વિસ્તારમાં સહેજ ઢળતી દીવાલ રાખવામાં આવી હતી. હાલમાં દીવાલનો નાનો ટુકડો બચ્યો છે, જે અંદાજે બે કિમી જેટલી લાંબી હોઇ શકે છે. મધ્યમ વર્ગ વિસ્તાર માટે થોડી ઊતરતી કક્ષાની તેમજ નિમ્ન વર્ગના આવાસોની દીવાલો ઊતરતી કક્ષાની જોવા મળે છે. આમ છતાં મધ્યમ વર્ગના ઘરો પ્રમાણમાં મોટા જોવા મળે છે, જ્યારે નિમ્ન વર્ગમાં ઘરોની સાઇઝ નાની છે. ધોળાવીરામાં ઉચ્ચ વર્ગના લોકોના ઘરો બે મજલી હોવાની સંભાવના છે. ઘરના પીલરો પથ્થરના હોઇ શકે છે. વારંવાર ધરતીકંપ આવતો હોવાથી ઘરનો આકાર ગોળાકાર જોવા મળે છે. ગોળાકાર હોય તો ધરતીકંપ વખતે બચાવ થઇ શકે. આ શેપ પર આધારિત ઘરોને ભૂંગળા તરીકે ઓળખવામાં આવે છે.
ધોળાવીરામાં સ્પોર્ટસ્ કોમ્પ્લેક્સ મળ્યું છે
ધોળાવીરામાં ખોદકામ દરમિયાન સ્ટેડિયમ જોવા મળ્યું છે. જ્યાં સ્પર્ધાઓ અથવા આનંદપ્રમોદના કાર્યક્રમો થતાં હશે. આ સ્ટેડિયમમાં ૨૫૦ માણસો આરામથી બેસી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી હતી. ધોળાવીરા ગુજરાતના લોથલ, સૌરાષ્ટ્રના તેમજ અન્ય પૌરાણિક ગામો સાથે નિશ્ચિત માર્ગથી જોડાયેલું હતું. પાકિસ્તાનમાં રહેલું મોહેંજો દરો અને હડપ્પા સાથે પણ જોડાયેલું હતું. આ જ પાંચ હજાર વર્ષ જૂના માર્ગો પર જ નવા માર્ગો બનેલાં છે. આર્કિયોલોજીની સાઇટ છે, તે પણ મુખ્ય રાજમાર્ગોની નજીક જ હોય છે.
No comments:
Post a Comment