# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Tuesday 2 October 2018

ગુજરાતની અસ્મિતાને આઘાત : અલાઉદ્દીન ખિલજી અને કર્ણદેવ વાઘેલાનું યુદ્ધ (૧૩૦૪ - ૦૫)


ગુજરાતની અસ્મિતાને આઘાત : અલાઉદ્દીન ખિલજી અને કર્ણદેવ વાઘેલાનું યુદ્ધ (૧૩૦૪ - ૦૫)
·         પ્રકાશન તારીખ29 Jul 2018
·        

ગત હપ્તામાં આપણે ભારતમાં ઇસ્લામિક આક્રમણો અને સરવાળે અહી સલ્તનતની સ્થાપના વિષે જોયું. મહમૂદ ઘોરી પૃથ્વીરાજ ચૌહાણ સાથેના યુદ્ધ પછી અજમેર અને દિલ્હીના શાસન માટે કુત્બુદ્દીન ઐબક નામના પોતાના સુબાની નિમણૂક થઇ હતી. તેણે ઈ.સ.૧૨૦૬માં દિલ્હીમાં દિલ્હી સલ્તનતની સ્થાપના કરી. તે પોતે ગુલામ હોવાથી તેનો વંશ ગુલામ કે માંમુલક વંશ તરીકે ઇતિહાસમાં ઓળખાય છે.
ઈ.સ. ૧૨૯૦ના વર્ષે દિલ્હીના તખ્ત પર ખિલજી રાજ્ય વંશની સ્થાપના થઇ અને ૭૦ વર્ષનો વયોવૃદ્ધ જલાલુદ્દીન ખિલજી દિલ્હીનો સુલતાન બન્યો. તેના સમયમાં વાયવ્ય ભારતમાંથી વાવાઝોડાની માફક મોંગોલોના હુમલાઓ થયા.
દિલ્હી સલ્તનત પર તે પછી ઘણા સુલતાનો અને વંશો આવ્યા. તેઓએ લગભગ ૩૨૦ વર્ષ સુધી દિલ્હી પર શાસન કર્યું. તેનો અંત લોદી વંશના છેલ્લા સુલતાન ઈબ્રાહીમ લોદીના સમયમાં પાણીપતના પહેલા યુદ્ધમાં બાબરના હાથે આવ્યો હતો. આ ૩૦૦ વર્ષનો ગાળો રાજકીય અને વહીવટી રીતે ઘણી ઉથલપાથલો અને આવનજાવનનો સમય રહ્યો હતો. રાજકીય અને વહીવટી રીતે નીતિમત્તાનાં ધોરણોનો પણ વ્યાપક અભાવ હતો. તેનું દૃષ્ટાંત રઝીયા સુલતાનાના સમયથી મળવાનું શરૂ થાય છે.

ઈ.સ. ૧૨૯૦ના વર્ષે દિલ્હીના તખ્ત પર ખિલજી રાજ્ય વંશની સ્થાપના થઇ અને ૭૦ વર્ષનો વયોવૃદ્ધ જલાલુદ્દીન ખિલજી દિલ્હીનો સુલતાન બન્યો. તેના સમયમાં વાયવ્ય ભારતમાંથી વાવાઝોડાની માફક મોંગોલોના હુમલાઓ થયા. જે તેણે ખાળ્યા એટલું જ નહિ, હુમલાખોરોને વશ કરી ભવિષ્યમાં તેઓ ખપમાં આવી શકે તે માટે તેમને નવ મુસ્લિમો તરીકે દિલ્હીમાં વસાવ્યા. જલાલુદ્દીન ખિલજીનો એક ભત્રીજો નામે અલાઉદ્દીન ખિલજી હતો. તે માત્ર સુલતાનનો ભત્રીજો જ ન હતો. તેનો જમાઈ પણ હતો. ભત્રીજો અને જમાઈ પણ હોય એટલે સ્વાભાવિક પણે શાસનમાં પણ સારા હોદ્દે હોય જ. અલાઉદ્દીન જલાલુદ્દીન ખિલજીના સમયમાં અવધનો સુબો હતો.

અલાઉદ્દીન અત્યંત મહત્વાકાંક્ષી વ્યક્તિ હતો. જલાલુદ્દીન સાથેના સગાઈ સંબંધોનો ગેરલાભ ઉઠાવવો તે તેના માટે સામાન્ય બાબત હતી. પોતાની સામ્રાજ્યવાદી મનોકામનાઓને સંતોષવા જલાલુદ્દીનને કીધા વગર દૂર આવેલા દેવગિરિને જીતવા નીકળી પડ્યો. દેવગિરિમાં તે સમયે રામચંદ્ર નામનો રાજા રાજ કરતો હતો. અહી એક ઘણી રસિક અને બોધપ્રદ ઘટના બની.
અલાઉદ્દીન પોતે દૂર દિલ્હીથી આવતો હતો અને દક્ષિણમાં હુમલો કરવા આવતો હોવાથી તેનાં ભયસ્થાનોથી પૂરેપૂરો વાકેફ હતો.
સાથે યુદ્ધકલા તો ખરી જ. યુદ્ધ દરમિયાન વપરાતી ખંધાઈઓથી પણ ભરેલો હતો. રામચંદ્રનું સૈન્ય પોતાનાથી મોટું જ હશે, સાથે ભૌગોલિક અને અન્ય સંજોગો પોતાની તરફેણ નહીં કરે તેની અલાઉદ્દીનને ગળા સુધી ખાતરી હતી. તેથી તેણે લુચ્ચાઈ આદરી. દેવગિરિના સીમાડે પહોચતાં જ તેણે પોતાના સૈનિકોને હવામાં પુષ્કળ ધૂળ ઉડાડવા કહ્યું. એ ઘૂળ સૈનિકોએ એટલી હદે ઉડાડી કે આકાશમાં ધૂળની ડમરીઓ ઊડવા લાગી. તે જ સમયે અલાઉદ્દીનના સૈનિકો છુપા વેશે દેવગીરી પહોંચી લોકોમાં અને લશ્કરમાં એવી અફવા ફેલાવી કે અલાઉદ્દીન દોઢ લાખનું સૈન્ય લઇ દેવગિરિ પર હુમલો કરવા આવી રહ્યો છે. અફવાને પગ નથી હોતા છતાં પવન કરતાં પણ વધુ ઝડપે તે ફેલાય છે અને અલાઉદ્દીને નક્કી કરેલી ફોર્મ્યૂલા કારગત નીવડી.
તુર્ક સેના વિશાળ મોરચો લઇ આવી રહી છે તેવી અફવા માત્રથી દેવગિરિનું લશ્કર અસ્ત વ્યસ્ત થઇ ગયું અને રાજા પોતે અલાઉદ્દીનને સંધિની શરતો સાથે મળવા માટે આવ્યો અને સુલતાનની અપમાનજનક સંધિ સ્વીકારવી પડી. પરંતુ એ જ સમયે રામચંદ્રનો પુત્ર કે જે અલાઉદ્દીનના આક્રમણ વખતે દક્ષિણમાં ગયો હતો તે આવી પહોચ્યો. તેણે પિતાએ સ્વીકારેલી સંધિને રદબાતલ ગણી અલાઉદ્દીન સાથે બાથ ભીડી પણ તે બહાદુર હોવા છતાં પરાસ્ત થયો.
દેવગિરિના વિજય પછી અલાઉદ્દીનને સોના-ચાંદી સહિત વિશાળ માત્રામાં દલ્લો હાથ લાગ્યો જે તેને પોતાના સસરા અને કાકા જલાલુદ્દીનને આપવાની લેશમાત્ર ઈચ્છા ન હતી. બીજી તરફ પોતાનો ભત્રીજો અને જમાઈ દેવગિરિ પર વિજય મેળવી દિલ્હી આવી રહ્યો છે તે જાણતાં જલાલુદ્દીન ફૂલ્યો સમાતો ન હતો. પોતાના આનંદના અતિરેકને રોકી ન શકતા ભત્રીજાને વધાવી લેવા - શાબાશી આપવા અવધના કડા ગામે પહોંચ્યો. પણ તેને ક્યાં ખબર હતી કે તેની ખુશી ટૂંક જ સમયમાં તેના મોતનું કારણ બનવાની છે.

ભત્રીજા અને જમાઈને ભેટવા તલપાપડ જલાલુદ્દીન પર અલાઉદ્દીને પાછળથી પ્રાણઘાતક હુમલો કર્યો અને કાકા કમ સસરાનું માથું વાઢી નાંખ્યું. સત્તાની પિપાસા શું ન કરાવી શકે તેનું આ વરવું દૃષ્ટાંત! જલાલુદ્દીનનું માથું કાપી લીધા પછી તેણે માથાને ભાલાની અણી પર ભેરવી આખા દિલ્હીમાં ફેરવ્યું જેથી પોતાના નામનો ખોફ લોકો અને ખાસ તો દિલ્હીના અમીર-ઉમરાવોમાં ફેલાય. અને થયું પણ તેમજ.
અલાઉદ્દીન અત્યંત મહત્વાકાંક્ષી વ્યક્તિ હતો. જલાલુદ્દીન સાથેના સગાઈ સંબંધોનો ગેરલાભ ઉઠાવવો તે તેના માટે સામાન્ય બાબત હતી.
અલાઉદ્દીનના નામનો ખોફ આખાય દિલ્હીમાં ફેલાઈ ગયો. લોકો અને દરબારીઓ તેનાં નામમાત્રથી કાંપતા હતા. એટલું પૂરતું ન હોય તેમ જલાલુદ્દીનના પુત્રો અને સગાઓને બંદી બનાવ્યા. કેટલાક પુત્રો અને બેગમોની આંખો ફોડી નંખાવી આંધળા બનાવી દીધા. લગભગ દિલ્હીમાંથી પોતાના માર્ગમાંના ભાવી કંટકોનો નિકાલ કરી દીધો. બીજી તરફ દેવગિરિ લૂંટીને લાવેલી સંપત્તિ સૈનિકો અને પોતાના મદદગારોમાં છૂટે હાથે વહેંચી. ગમતા અમીરોને ઊંચા હોદ્દાઓ આપી પોતાના મજબૂત સહાયકો પણ તૈયાર કર્યા.

આટલી ઘટનાઓ પૂરી થઇ ત્યારે ઈસવીસન ૧૨૯૬નું વર્ષ ચાલતું હતું અને તે જ વર્ષે અલાઉદ્દીન ખિલજી દિલ્હીના પાયતખ્ત પર બેઠો. સુલતાન નહોતો ત્યારે જે વ્યક્તિ આટલો સામ્રાજ્યવાદી હોય તે સુલતાન બન્યા પછી શું ન કરે? આખી દુનિયા મારે જીતી લેવી છે તેવા બુલંદ ઈરાદા સાથે તેણે ભારતવિજયનું અભિયાન શરૂ કર્યું અને તેનો એક મુકામ તે ગુજરાત હતું. તેની વાત હવે પછી.
arun.tribalhistory@gmail.com
ગુજરાતની અસ્મિતાને આઘાત - 2
·         પ્રકાશન તારીખ30 Jul 2018
·        

પોતાના સગા કાકા અને સસરા જલાલુદીન ખિલજીને ક્રૂર રીતે મારી અને દિલ્હીમાં આતંકનો માહોલ ઊભો કરી સને ૧૨૯૬ના વર્ષે અલાઉદ્દીન ખિલજી દિલ્હીપતિ બન્યો. તે માનતો કે પડકારો ઝીલી ન શકે તે કયારેય દિલ્હી પર રાજ ન કરી શકે’. દિલ્હીના સુલતાન બન્યા પછી તરત જ તેણે વારવાર થતા મોંગોલ આક્રમણને કચડી નાખ્યાં.
હિંદુઓ માટે તો અલાઉદ્દીનનું શાસન અત્યંત ક્રૂર હતું. હિંદુઓને હથિયારો ધારણ કરવાની અને સારાં વસ્ત્રો પહેરવાની મનાઈ હતી. હિંદુઓ સારા-મોળા પ્રસંગે વિશાળ માત્રામાં ભેગા પણ થઇ શકતા ન હતા.
મોંગોલો પર ૧૨૯૭-૯૯,૧૩૦૪ ના વર્ષમાં હુમલાઓ કરી તેઓ ફરી દિલ્હી તરફ જુએ નહિ તે સ્થિતિમાં મૂકી દીધા. પોતાના કાકા જલાલુદ્દીન ખિલજીએ મોંગોલોને નવ મુસ્લિમો તરીકે દિલ્હીમાં વસાવ્યા હતા તેમનું પણ ભાવિ ભયના ઓથાર નીચે નિકંદન કાઢી નાંખ્યું. આવા મોંગોલોની સંખ્યા ૩૦ હજાર કરતાં વધુ હતી. તેના સમયમાં સગાં વહાલાંઓ અને સ્વધર્મીઓની વલે થતી હોય તો હિંદુ પ્રજાની શી સ્થિતિ હશે તે પણ જોવા જેવું છે. હિંદુઓ માટે તો અલાઉદ્દીનનું શાસન અત્યંત ક્રૂર હતું. હિંદુઓને હથિયારો ધારણ કરવાની અને સારાં વસ્ત્રો પહેરવાની મનાઈ હતી. હિંદુઓ સારા-મોળા પ્રસંગે વિશાળ માત્રામાં ભેગા પણ થઇ શકતા ન હતા. તેમનું સૈનિક અને વહીવટી મહત્વ પણ નહીંવત્ હતું. આવા અલાઉદ્દીનનો વિચાર અગ્નિ એશિયાના દેશો જીતી વિશ્વવિજયનો હતો. તે નિમિત્તે થયેલાં યુદ્ધોમાં એક અગત્યનું યુદ્ધ ગુજરાતના છેલ્લા રાજા કર્ણદેવ વાઘેલા સાથેનું યુદ્ધ છે.

ગુજરાત વિજય એ અલાઉદ્દીન ખિલજીની મહત્ત્વાકાંક્ષા પૈકીની એક હતી. ગુજરાતમાં આ સમયે સોલંકી-વાઘેલા યુગ ચાલી રહ્યો હતો. તેનો છેલ્લો શાસક કર્ણદેવ વાઘેલા દંતકથાઓ અને બીજા સાહિત્યમાં પણ બહુ આદરપાત્ર લેખાયો નથી. સમકાલીન સ્રોતો કહે છે કે રાજા કર્ણ ક્ષત્રિય ધર્મનું પાલન કરતો ન હતો. તેનું અંગ કાયમ કામાગ્નિથી વ્યાપ્ત રહેતું. તે રોજ વછનાગનું સેવન કરતો અને ઉઘાડી તલવારે ફરતો. હજુરિયાઓ તેનાથી ડરીને નાસી જતા અને રસોઈયાઓ તથા પીરસનારા તેને બારણાં વાસીને પીરસતા. ટૂંકમાં આ રાજાનો મોટો ખોફ રાજ્યના કમચારીઓ અને રૈયત પર હતો. તેના આ પ્રકારના વલણને કારણે લોકોમાં તે કર્ણદેવ વાઘેલાને બદલે કરણ ઘેલા તરીકે વધુ જાણીતો બન્યો હતો. ગુજરાતી સાહિત્યની પહેલી નવલકથા પણ નંદશંકર તુલજાશંકર મહેતાએ આ જ શીર્ષકથી લખી છે.
કર્ણદેવ વાઘેલાના અરાજકીય વલણની નોંધો પ્રબંધ ચિંતામણી જેવા સમકાલીન ગ્રંથો ઉપરાંત બીજા અનેક પુરાવાઓમાંથી સાંપડે છે. તેમાં પાટણના પતન અને અલાઉદ્દીનના વિજય પાછળની રસિક કથાઓ પણ છે. કર્ણદેવ વાઘેલાના મહામાત્યનું નામ માધવ હતું. કામાતુર રહેતા કર્ણદેવે પોતાની પ્રવૃત્તિનો શિકાર માધવ મંત્રીના ભાઈ કેશવની પત્નીને બનાવી હતી. કામઘેલા કર્ણ કેશવની નિર્મમ હત્યા કરી તેની પત્નીને પોતાના અંત :પુરમાં આણી. આ ઘટના માધવ માટે ઘણી જ આઘાતજનક હતી. તે પોતાના રાજા સામે રિસાયો એટલું જ નહીં, વેરની આગમાં તડપતો રહ્યો. આખરે તેણે દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીને પાટણ બોલાવી લાવવાનું નક્કી કર્યું.
કર્ણદેવ વાઘેલા દંતકથાઓ અને બીજા સાહિત્યમાં પણ બહુ આદરપાત્ર લેખાયો નથી. સમકાલીન સ્રોતો કહે છે કે રાજા કર્ણ ક્ષત્રિય ધર્મનું પાલન કરતો ન હતો. તેનું અંગ કાયમ કામાગ્નિથી વ્યાપ્ત રહેતું.
પાટણથી નીકળતાં પહેલાં મુસલમાનોને અહીં લાવી બદલો ન લઉં ત્યાં સુધી પાટણનું ધાન ન ખાવાની પ્રતિજ્ઞા પણ લીધી. અને માધવ નીકળી પડ્યો દિલ્હીની વાટે. માધવ વીસનગરનો નાગર બ્રાહ્મણ હોવાનું કહેવાય છે, તો કોઈ તેને કચ્છથી આવેલો હોવાનું કહે છે. ઈ.સ. ૧૨૯૪માં તેણે વઢવાણમાં માધાવાવ બંધાવી હતી.
અલાઉદ્દીન તો આવાં નોતરાંની વાટ જ જોતો હતો. કારણકે ભારતમાં મુસ્લિમ શાસનની સ્થાપનાને ૧૦૦ વર્ષ થવા છતાં ગુજરાત જીતી શકાયું ન હતું. તેથી દિલ્હીના સુલતાનો ઇસ્લામિક જગતમાં હાંસીને પાત્ર પણ બનતા હતા. આમ ગુજરાત જીતવાનું સપનું અને તેના જ એક જાણભેદુ દ્વારા તેના માટે નિમંત્રણ મળવું આ બે બાબતો ભેગી થઈ અને દિલ્હીપતિ ગુજરાત વિજય માટે સાબદો થયો. ગુજરાત વિજય પહેલાં તેણે વચ્ચેના પ્રદેશોમાં આવનારી સંભવિત મુશ્કેલીઓનો ક્યાસ કાઢી લીધો હતો. અલાઉદ્દીનના દિમાગમાં ગુજરાતની જીત પાક્કી થઈ ગઈ હતી. હવે વ્યવહારમાં કે પ્રત્યક્ષ જીત મેળવવી બાકી હતી. તેની વાત હવે પછી.
arun.tribalhistory@gmail.com
ગુજરાતની અસ્મિતાને આઘાત - 3
·         પ્રકાશન તારીખ31 Jul 2018
·        

અલાઉદ્દીન ખિલજી જે તકની રાહ જોતો હતો તે માધવ મંત્રીની સહાયથી પાકેલા ફળની જેમ તેના ખોળામાં પડી. અલાઉદ્દીન જુદી તાસીરનો વ્યક્તિ - શાસક હતો. તેના રાજમાં વેપારીઓ કોઈ પણ પ્રકારની ચોરી કરી શકતા નહીં, કારણકે વજનમાં ઘટ આપતા વેપારી પકડાતો તો તેના શરીરમાંથી વજનમાં ઘટ જેટલું જ માંસ કાપી લેવામાં આવતું હતું. જીતલ અને ટકા નામનાં ચલણ દ્વારા તેણે આર્થિક બાબતોમાં કેટલીક નવી રીતરસમો દાખલ કરી હતી. આધુનિક આર્થિક ઈતિહાસકારો તો અલાઉદીનને અર્થશાસ્ત્રી તરીકે મૂલવે છે. છતાં કોઈના પર ભરોસો ન કરવો તે અલાઉદ્દીનના સ્વભાવમાં હતું. એટલે સુધી કે પત્નીઓ અને પુત્રો પર પણ નહીં.
પરિણામે તેનો વારસો તૈયાર થવો જોઈએ તે ન થયો. ટૂંકમાં અલાઉદ્દીનના સુલતાન બન્યા પછી દિલ્હીમાં સહુ કોઈ ભયના ઓથાર નીચે જીવતા હતા.
કોઈના પર ભરોસો ન કરવો તે અલાઉદ્દીનના સ્વભાવમાં હતું. એટલે સુધી કે પત્નીઓ અને પુત્રો પર પણ નહીં. પરિણામે તેનો વારસો તૈયાર થવો જોઈએ તે ન થયો.

સતત શંકાશીલ માનસ સાથે કામ કરતા સુલતાને દોઢ લાખની સેના સાથે ગુજરાત અભિયાનની શરૂઆત કરી. અલાઉદ્દીનના લશ્કરમાં સિંધીઓ, વટલાયેલા મુસ્લિમો અને મોંગોલો વિશેષ હતા. તેના સેનાપતિઓમાં ઉલુઘખાન, નુસરતખાન, મોહમ્મદશાહ, તમરબેગ વગેરે જેવા ભરશિયાળે પરસેવો વાળી દે તેવા યોદ્ધાઓ હતા. સંખ્યાની વાત કરીએ તો ૧૫ હજાર વટલાયેલા મુસ્લિમો અને ૩ હજાર ઝુઝારૂ મોંગોલો હતા. અલાઉદ્દીનના ગુજરાત અભિયાનમાં સીધું ગુજરાત આવતું ન હતું. વચ્ચે મારવાડ, મેવાડ જેવાં ઘણાં રાજપૂત રાજ્યો આવતાં હતાં, જેમને ભેદવાં કે પોતાના સમર્થનમાં લેવાં જરૂરી હતાં. વર્ષ ૧૩૦૦માં સુલતાની સેનાએ રણથંભોર કબજે કરી લીધું. પશ્ચિમ મારવાડ સુધી તો તેની યાત્રા સમી સૂતરી ચાલી.
ચિતોડના રાજા સમરસી રાવળે ગુજરાત સાથેનું જૂનું વેર વાળવા દિલ્હીના લશ્કરને માર્ગ કરી આપ્યો અને એ રીતે એક કાંકરે બે પક્ષી માર્યાં. એક, અલાઉદ્દીનના લશ્કરથી ચિત્તોડને બચાવ્યું અને બીજું, ગુજરાત સાથે વેર વાળવાની તમન્ના પણ પૂરી કરી.
આ દરમિયાન તાજેતરમાં વિવાદનો મુદ્દો બનેલા રાણી પદ્માવતીની ઘટના બની હતી. ફિલ્મ નિર્માણમાં ભલે ગમે તે દર્શાવી શકાતું હોય પણ પદ્માવતીનો વસ્તુલક્ષી ઈતિહાસ એમ કહે છે કે તેણે વર્ષ ૧૩૦૩માં ચિત્તોડના કિલ્લામાં પોતાના પતિ પાછળ સતી થઈ મરવાનું પસંદ કર્યું હતું.

પણ બધા રાજપૂત રાજાઓ ચિત્તોડ નરેશ જેવા ન હતા. ઉદા. તરીકે ઝાલોરનો રાજા કાન્હડદે ચૌહાણ અલાઉદીનના માર્ગમાં મોટો અવરોધ હતો. અલાઉદ્દીને કાન્હડદેને પોશાક ભેટ કરી લશ્કરને પસાર થવા વિશે પુછાવ્યું પણ તે સમધર્મી વિરુદ્ધ વિધર્મીને મદદ કરવા તૈયાર ન થયો. તેણે અલાઉદ્દીનને રસ્તો આપવાની ઘસીને ના પડી દીધી. પરિણામે થયેલા હિંસક સંઘર્ષનું રસિક વર્ણન પદ્મનાભ કૃત "કાન્હડદે પ્રબંધ" નામના મધ્યકાલીન ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે.
ફિલ્મ નિર્માણમાં ભલે ગમે તે દર્શાવી શકાતું હોય પણ પદ્માવતીનો વસ્તુલક્ષી ઈતિહાસ એમ કહે છે કે તેણે વર્ષ ૧૩૦૩માં ચિત્તોડના કિલ્લામાં પોતાના પતિ પાછળ સતી થઈ મરવાનું પસંદ કર્યું હતું.

દિલ્હીથી નીકળેલું તુર્ક લશ્કર આજનું રાજસ્થાન વટાવી ગુજરાતમાં પ્રવેશ્યું. ગુજરાતના મોડાસાથી શરૂઆત થઇ સુલતાનનું લશ્કર આગ લગાડતું લોકોને ડરાવતું ગુજરાતના સીમાડે આવ્યું. તે પહેલાં તો અલાઉદ્દીનના લશ્કરનો બુમારો (ભય) ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચી ગયો હતો. ગુજરાતમાં અલાઉદ્દીન સામે સંપૂર્ણ શરણાગતિની સ્થિતિ પણ ન હતી. મોડાસામાં બત્તડ નામનો ઠાકોર અલાઉદ્દીન અને કર્ણદેવ વચ્ચે અવરોધ બનીને ઊભો હતો. તેની પાસે મોટી સેના ન હતી, પણ જુસ્સો ખુબ મોટો હતો. બત્તડ ઠાકોરે અલાઉદ્દીનના સૈન્ય સામે રીતસર કેસરિયાં કર્યાં. ખિલજી સેના મોડાસામાં આગ લગાડતી, લૂંટફાટ કરતી, ગામોનાં ગામો બાળતી આગળ વધતી હતી. મોડાસામાં માતમ મનાવ્યા પછી ખિલજી સેના સીધા પાટણ પર હુમલો કરવાને બદલે બનાસકાંઠાના ધણધાર થઇ આજના મહેસાણા જીલ્લાના ડાંગરવા ગામે પહોંચી. હવે અલાઉદ્દીન ખિલજીની સેના માટે છેલ્લું કદમ બાકી રહ્યું હતું અને તે ગુજરાતની રાજધાની પાટણ. પાટણ આવી પહોંચેલા અલાઉદ્દીન ખિલજીના સંભવિત હુમલાથી ગુજરાત નરેશ કર્ણદેવ વાઘેલા તદ્દન બેખબર ન હતો. તેણે પણ દિલ્હીના સુલતાનનો સામનો કરવા કમર કસી હતી. કારણ કે પાટણપતિ પાસે તે સમયે ૮૦ હજારનું પાયદળ, ૩ હજારનું અશ્વદળ અને ૩૦ જેટલા હાથીઓ હતા. અને મુકાબલો બરાબરનો થશે તેવી સહુ કોઈ આશા રાખતા હતા, પણ આખરે શું થયું તેની રોમાંચક વાતો આવતી કાલે.
(
ક્રમશઃ)
arun.tribalhistory@gmail.com
ગુજરાતની અસ્મિતાને આઘાતઃ અલાઉદ્દીન ખિલજીનો ગુજરાત પર હુમલો
·         પ્રકાશન તારીખ01 Aug 2018
·        

ગઈકાલે આપણે જોયું કે અલાઉદ્દીન ખિલજીનું સૈન્ય ગામડાંઓ લૂંટતું, બાળતું ગુજરાતના સીમાડે તરખાટ મચાવી પાટણના દરવાજે દસ્તક દેવા પહોંચી ચૂક્યું હતું. કર્ણદેવ પોતાની ભૂગોળ પર અલાઉદ્દીનનો મુકાબલો કરવા સક્ષમ હતો, પણ તેણે તેમ ન કર્યું. આમ નાગરિકો અને સૈનિકો ઉપર અત્યાચાર ગુજારવામાં જ પોતાની મર્દાનગી સમજતા કર્ણદેવે સુલતાનની સેનાનો લેશમાત્ર મુકાબલો ન કર્યો.
મહેલના ગઢને છીંડું પાડી કર્ણદેવ પાટણને ઈશ્વરના હવાલે કરી ઉઘાડા પગે પોતાના પરિવારને લઇ નાઠો. કર્ણદેવ જે જગ્યાએ ફાંકુ પડી નાસ્યો હતો ત્યાં મુસ્લિમ સુબાએ પાછળથી દરવાજો બનાવ્યો હતો, જે આજે પણ પાટણમાં "છીંડિયા દરવાજા" તરીકે ઓળખાય છે.
અલાઉદ્દીનની ફોજ મોડાસા આવી ત્યાં સુધી તો પાટણમાં તેની ખબર પડી ચૂકી હતી, પણ અલાઉદ્દીનના સેનાપતિઓ પાટણના દરવાજામાં પ્રવેશે તે પહેલાં તેણે સામનો ન કરવાનું નક્કી કરી લીધું હતું. કર્ણદેવે નગરના દરવાજા બંધ કરાવી પોતાની અને પરિવારની સલામતી ઈચ્છી. પણ આ બધું તો ક્ષણિક હતું.
તુર્ક સેનાના દેકારા-પડકારા વધી રહ્યા હતા. ગમે ત્યારે પાટણનો રાજમહેલ ધ્વંસ થાય તેમ હતો. તે સંજોગોમાં જે મંત્રી અલાઉદ્દીનના લશ્કરને પાટણ સુધી તેડી લાવ્યો હતો તેણે કર્ણદેવને નાસી જવા કહ્યું અને કર્ણ માધવને અનુસર્યો. મહેલના ગઢને છીંડું પાડી કર્ણદેવ પાટણને ઈશ્વરના હવાલે કરી ઉઘાડા પગે પોતાના પરિવારને લઇ નાઠો. કર્ણદેવ જે જગ્યાએ ફાંકુ પડી નાસ્યો હતો ત્યાં મુસ્લિમ સુબાએ પાછળથી દરવાજો બનાવ્યો હતો, જે આજે પણ પાટણમાં "છીંડિયા દરવાજા" તરીકે ઓળખાય છે.
રાજા વગરના સૈન્ય અને રૈયતની શી હાલત થાય તે તો રાજાશાહીના નાગરિકોને જ ખબર પડે ને? કર્ણદેવ વાઘેલાના ભાગી ગયા પછી દરવાજો તોડી તુર્ક લશ્કર મહેલમાં પ્રવેશ્યું તેમની સાથે જાણભેદુ માધવ મંત્રી હતો. રાજ્યનાં ધન ભંડારો અને ગ્રંથ ભંડારો વગેરેની રજેરજ માહિતી તેણે સાથે રહી આપી. પછી તો પૂછવું જ શું? અલાઉદ્દીનના લશ્કરે પાટણમાં બેફામ લૂંટ ચલાવી. સિદ્ધરાજ અને આચાર્ય હેમચંદ્રના જમાનામાં ઊભા થયેલા જ્ઞાનભંડારો લૂંટ્યા - બાળ્યા અને પાટણના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતિ જેવો સન્નાટો સર્જી દીધો.
પાટણ ધ્વંસ અને લૂંટમાર પછી સંતોષ ન થતાં તુર્ક સેના આગળ વધી અને ખંભાત પહોંચી. ત્યાં પણ પાટણ જેવા જ અત્યાચારો વર્તાવી સૈન્ય હવે સોમનાથ તરફ આગળ વધ્યું. પણ સોમનાથમાં પાટણ જેવી સ્થિતિ ન હતી. અહીંના બ્રાહ્મણોએ ધાર્મિક ઝનુન સાથે દિલ્હીના લશ્કરનો સામનો કર્યો, પણ તેઓ લાંબો સમય ઝીંક ઝીલી ન શક્યા. સોમનાથ હુમલા વખતે તો માધવ મંત્રી પણ સુલતાનની સેના વતી લડતો હતો. પણ સ્થાનિક મુકાબલામાં માધવ અને અલાઉદ્દીનના કેટલાક સેનાપતિઓ માર્યા ગયા.
તુર્ક લશ્કરે તે પછી હિન્દુઓના ધાર્મિક સ્થાનકને લૂંટવામાં કોઈ મણા ના રાખી. બેફામ કત્લેઆમ અને લૂંટફાટ કરી સોમનાથનું મંદિર તોડી પડ્યું અને શિવલિંગ ઉઠાવી દિલ્હી લઇ જવાયું. ત્યાં જાહેર માર્ગ પર મુકાવ્યું, જેથી તેના પર ચાલી, અપમાનિત કરી શકાય.
સોમનાથ પરના હુમલા પછી ત્યાંના બ્રાહ્મણો વિધર્મી સૈન્યના ત્રાસથી બચવા ભાગ્યા અને ઠેઠ મદુરાઈમાં જઈ વસ્યા. જેઓ આજે પણ સૌરાષ્ટ્રી બ્રાહ્મણો તરીકે ઓળખાય છે. આમ પાટણ, ખંભાત અને સોમનાથ પરના વિજય સાથે અલાઉદ્દીનના ગુજરાત અભિયાનનો અંત આવ્યો. ગુજરાત પર શાસન કરવા અલાઉદ્દીને પોતાના બનેવીની નાઝીમ તરીકે નિયુક્તિ કરી.

ગુજરાત પર વિજય પછી અલાઉદ્દીનની સામ્રાજ્યવાદી તાકાતમાં ઘણો વધારો થયો. તેણે ઘણાં બધાં સાંસ્કૃતિક સમીકરણો પણ રચ્યાં હતાં. પહેલું તો પાટણના પતન પહેલાં પારોઠનાં પગલાં ભરી દેવગીરી નાસેલો કર્ણદેવ આકરી રઝળપાટ પછી મરણને શરણ થયો. તેની ખુબસુરત રાણી કમલાદેવીને પકડી લેવાઈ.

અલાઉદ્દીનના સેનાપતિ ઉલુઘ ખાને ગુજરાત વિજય પછી અલાઉદ્દીનની ખિદમતમાં બે નઝરાના પેશ કર્યા. એક, કમલાદેવી - જેને તેના રાણીવાસમાં મોકલી દીધી. અલાઉદીનને તેનું ગજબનું આકર્ષણ હતું. તેની પુત્રીને પણ અલાઉદ્દીનના પુત્ર ખીજર ખાન સાથે પરણાવી દેવાઈ. સિદ્ધરાજ અને કુમારપાળે આચાર્ય હેમચંદ્રના માર્ગદર્શનમાં ગુજરાતની અસ્મિતાનું ઘડતર કર્યું હતું તેનો આ રીતે કરુણ અંત આવ્યો. આ મુદ્દાને ગુજરાતના અનેક સાહિત્યકારોએ પોતાના સર્જનનો વિષય બનાવ્યો છે.

ગુજરાત વિજય પછી બીજી બાબત એ બની કે ખંભાતથી ઉલુઘ ખાને મલેક કાફૂર નામના ગુલામને પકડ્યો હતો. દંતકથાઓમાં તે બ્રાહ્મણ હોવાનું અને તેનું નામ ગંગારામ હોવાનું કહેવાય છે. મલેક એટલો તો રૂપાળો અને આકર્ષક હતો કે અલાઉદ્દીન પણ તેનાથી બચી શક્યો નહીં. લોકવાતોમાં તો અલાઉદ્દીન અને મલેક કાફૂર વચ્ચે સમલૈંગિક સંબંધો હોવાનું પણ ચર્ચાય છે. સુલતાન મલેક કાફૂરની આંખે જ જોતો હતો. એ જે હોય તે, પણ મલેક કાફૂરનો દિલ્હી દરબારમાં દબદબો હતો એટલું તો પાક્કું છે.
મલેક કાફૂર એટલો તો રૂપાળો અને આકર્ષક હતો કે અલાઉદ્દીન પણ તેનાથી બચી શક્યો નહીં. લોકવાતોમાં તો અલાઉદ્દીન અને મલેક કાફૂર વચ્ચે સમલૈંગિક સંબંધો હોવાનું પણ ચર્ચાય છે.

ગુજરાત વિજય પછી દિલ્હીપતિ અલાઉદ્દીનની મોટી મહત્વાકાંક્ષાનો જ અંત આવ્યો, તો ગુજરાતમાં ત્રણ સૈકાઓથી પશ્ચિમ ભારત પર રાજ કરનાર સોલંકી-વાઘેલા યુગનો પણ સૂર્યાસ્ત થયો. ૩૦૦ વર્ષ સુધી ગુજરાતની અસ્મિતા અને સંસ્કારનું ઘડતર થઇ રહ્યું હતું, તેને એક નાલાયક શાસકથી ગ્રહણ લાગી ગયું. હવે ગુજરાત ઇસ્લામી સલ્તનત હેઠળ મુકાયું. અલાઉદ્દીન પછી ગુજરાતની સ્વતંત્ર સલ્તનત અને પછી મુઘલાઈ એમ સદીઓની ગુલામીમાં ગુજરાત સરી પડ્યું. મારે તેની તલવારઅને જેની લાઠી તેની ભેંસજેવો યુગ શરૂ થઈ ચૂક્યો હતો. સ્થાનિક શાસકો વજૂદ વગરના બની રહેવાના હતા. આ ગાળામાં ગુજરાતમાં મહમૂદ બેગડો ગુજરાતનો શાસક બને છે અને માળવાથી લઇ દ્વારકા સુધી રોજની ઉથલપાથલો શરૂ થઈ. મહમુદ બેગડાની સામ્રાજ્યવાદી યાત્રાનાં નિમિત્તે થયેલા યુદ્ધોની વાત હવે પછી.
arun.tribalhistory@gmail.com

No comments:

Post a Comment